Opinion Magazine
Number of visits: 10,221,523
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મૈં વાપસ આઉંગા’ : ઇતિહાસની રાખમાં પ્રેમના બાકી રહી ગયેલા તણખાને ફંફોસતી ફિલ્મ

બી.બી.સી. ગુજરાતી|Opinion - Opinion|8 July 2026

મેં વાપસ આઉંગાનું પોસ્ટર

કોઈ ફિલ્મ માટે તેનું નામ જ તેની નિયતિ બને, એવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ, દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ના કિસ્સામાં આ શક્ય બન્યું છે. દર્શકો દ્વારા થઈ રહેલી પ્રશંસા અને હૃદયસ્પર્શી ભલામણોએ આ ફિલ્મને નવજીવન આપ્યું છે, જેની સફર હવે આવક દ્વારા નહીં, બલકે લાગણીઓથી મપાઈ રહી છે.

‘મૈં વાપસ આઉંગા’માં એવું તે શું છે, કે જ્યારે ફિલ્મ પૂરી થાય, ત્યારે થિયેટરમાં કોઈ ઘોંઘાટ કે તાળીઓનો અવાજ નથી સંભળાતો? ત્યાં બસ એક સૂનકાર વ્યાપી જાય છે, જાણે કે વાર્તા હજુયે ભીતરથી પ્રગટ થઈ રહી હોય.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં મોટા ભાગે તંગદિલી, કડવાશ અને મુકાબલાની સ્થિતિ પ્રવર્તી રહી હોય, અને જ્યારે સિનેમા રાષ્ટ્રવાદના નામે પરસ્પર વિનાશનું આક્રંદ વેચી રહ્યું હોય, એવા સમયે ઇમ્તિયાઝ અલીએ સાવ અલગ જ જોખમ ઉઠાવ્યું છે. તેમની ફિલ્મ વિભાજનની કરુણાંતિકા જરૂર રજૂ કરે છે, પણ તે નફરત ફેલાવવા માટેનું સાધન નથી બની જતી. આ ફિલ્મ ભાગલાની વેદના સ્વીકારે છે અને ઇતિહાસની રાખમાં બચેલા પ્રેમના તણખા ફંફોસે છે.

રાજકારણ તેની પોતાની દલીલો, ઇતિહાસ અને તેના પોતાના ઘા સાથે આવે છે. તે જખમોને ખોતરવાને બદલે આ ફિલ્મ તેમાં રહેલી માનવતામાં ડોકિયું કરવાનો પ્રયાસ કરે છે.

‘મૈં વાપસ આઉંગા’ ભારતમાં રહેતા એક વૃદ્ધ(નસીરુદ્દીન શાહ)ની વાર્તા છે. તેઓ પાકિસ્તાનમાં આવેલા તેમના પૂર્વજોના ઘરે પરત જઈને તેમના જૂના પ્રેમને છેલ્લી વખત મળવાની મહેચ્છા ધરાવે છે. તેમની યાદોની સાથે-સાથે તેમની યુવાનીની એ પ્રેમકથા પણ ચાલે છે, જે ભાગલાના દિવસો દરમિયાન પાંગરી હતી. તેઓ કદીયે એમ માનવાનું નથી છોડતા કે, સરહદો ચાહે ગમે તેટલી જડબેસલાક હોય, પણ યાદો તે સીમાડા ઓળંગીને તેનાથી પણ દૂર સુધી જઈ શકે છે.

એક લિટરેચર ફેસ્ટિવલમાંથી થઈ ફિલ્મની શરૂઆત

મુંબઈમાં આ ફિલ્મના ટ્રૅલર લૉન્ચ વખતે નસીરુદ્દીન શાહ

‘મૈં વાપસ આઉંગા’માં નસીરુદ્દીન શાહે કરેલા જાનદાર અભિનયને દર્શકોએ વધાવી લીધો છે, પણ ફિલ્મની સફળતા વિશેની થતી ચર્ચાઓની વચ્ચે એ જાણી લેવું અગત્યનું છે કે, ઍક્શન ફિલ્મોના આ યુગમાં આવા સંવેદનશીલ વિષય પરની ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો?

લંડન ખાતે રહેતાં ‘મૈં વાપસી’ નવલકથાનાં લેખિકા તથા આ ફિલ્મનાં સહ-લેખિકા નયનિકા મેહતાણી ફિલ્મની રસપ્રદ સફર વિશે આપણી સાથે વાત કરે છે. તેમણે કહ્યું હતું, “હું દહેરાદૂન લિટરેચર ફેસ્ટિવલમાં ઇમ્તિયાઝ અને રસ્કિન બૉન્ડ સાથે માસ્ટર સ્ટોરીટેલર્સ સેશનનું સંચાલન કરી રહી હતી. તે સમયે ઇમ્તિયાઝે જણાવ્યું કે, તેઓ ભાગલાના વિષય પર આધારિત એક ફિલ્મ બનાવવા માગે છે. મેં તેમને કહ્યું કે, મેં તાજેતરમાં જ ભાગલા ઉપર આધારિત એક નવલકથા લખી હતી.”

“પરંતુ કોવિડનાં વર્ષોને કારણે હું મારા કામ અને હેતુ વિશે વિચારવા માટે મજબૂર બની હતી. મેં ઇમ્તિયાઝને કહ્યું કે, જો હું ફરી વખત કોઈ પુસ્તક કે સ્ક્રિપ્ટ ન લખું, તો તેનાથી કોઈને શું ફર્ક પડશે? આ સાંભળીને ઇમ્તિયાઝ તેમના સૂફી અંદાજમાં હસ્યા.”

“થોડા સમય પછી ઇમ્તિયાઝે 95 વર્ષની એક વ્યક્તિની વાર્તા જણાવી, જેમની સ્મરણશક્તિ ધીમે-ધીમે ઝાંખી થઈ રહી હતી, પણ તેમના હૃદયમાં ઊંડે-ઊંડે હજુયે એક ઝંખના રહેલી છે, જેને મૃત્યુ પણ તેમનાથી અલગ કરી શકે એમ નથી. તેમણે મને 2030 પાનાંની વાર્તા લખવા જણાવ્યું. મેં લખી. તેમણે વાર્તા વાંચીને મને વળતો પત્ર લખીને કહ્યું કે, આપણામાં સમાન સ્તરની સંવેદનશીલતા પ્રવર્તતી હતી. બસ, ત્યાંથી જ આ સુંદર સફરની શરૂઆત થઈ.”

ફિલ્મનાં સહ-લેખિકા નયનિકા મેહતાણી, ઇમ્તિયાઝ અલી અને રસ્કિન બૉન્ડ સાથે

નયનિકા સમજાવે છે કે, સરગોધા પર આધારિત વાર્તા લખવી એ તેમના માટે ઘરે પરત ફરવા જેવું હતું. તેમનાં દાદા-દાદી અને પિતા ભાગલાનાં શરણાર્થીઓ હતાં. ભાગલાના સમયે તેઓ દિલ્હીમાં હતાં, જ્યારે તેમનો પરિવાર સરગોધામાં જ રહી ગયો હતો. તેમનો જીવ તેમના મુસલમાન પાડોશીઓએ બચાવ્યો હતો. “ઇમ્તિયાઝ સાથે મળીને ફિલ્મ લખતી વખતે ‘ડિમેન્શિયા’ એક શક્તિશાળી માધ્યમ બની ગયું, જેના દ્વારા ભાગલાની વેદનાને એક અલગ, અમુક વખત વિખરાયેલી, અમુક વખત કરુણ-રમૂજી (પણ અત્યંત માનવીય) અભિગમ સાથે જોઈ શકાય છે.”

ઘણા આલોચકો એવો સવાલ પણ કરે છે કે, ફિલ્મ ભાગલાની જટિલતાઓને અને તેની ઊંડી સામાજિક-રાજકીય અસરોને સીધી રજૂ કરતી નથી. તે વિશે સહ-લેખિકા નયનિકા મેહતાણી કહે છે, “વિભાજન કદી પણ આ વાર્તાનું ‘મુખ્ય પાત્ર’ ન હતું. તે કેવળ એક સાંવેદનિક પૃષ્ઠભૂમિ હતી, જેની સામે આ અંગત સફર આગળ ધપે છે. આખરે તો, આ એક એવા સામાન્ય માણસની વાર્તા છે, જેની મહેચ્છાઓ અને પ્રેમ એક મોટી કરુણાંતિકાના કાટમાળ તળે ધરબાઈ ગયાં હતાં. કદાચ એટલે જ આ ફિલ્મ 1947ના ભાગલાને વ્યક્તિગતપણે ન જાણનારા લોકોને પણ સ્પર્શી જાય છે. તેની સંવેદના સરહદોથી પર છે.”

નફરતની વાર્તાઓની વચ્ચે ઇતિહાસના સાંવેદનિક અવશેષો વિશેની વાર્તા કહેવાનું સાહસ ખેડનારા ફિલ્મસર્જક એક રીતે તેમના સમયની સામે જઈને ઊભા રહ્યા છે. અને આ ફિલ્મને મળેલો દર્શકોનો સાથ કદાચ આપણે જેને ભૂલી ચૂક્યા છીએ, તે સંભવિતતાની યાદ અપાવે છે.

જ્યાં પ્રેમ મંઝિલ નથી, પણ તલાશ છે …

ઇમ્તિયાઝ અલીની લગભગ દરેક ફિલ્મ પ્રેમકથા જ રહી છે, પણ તેમની ફિલ્મોમાં પ્રેમ કદી સરળ હોતો નથી. તે બસ બે લોકોનું મળવું નથી. તે એક સફર છે, એક અજંપો છે, અધૂરાપણાની એક એવી લાગણી છે, જે વ્યક્તિને સતત બીજે કશેક ખેંચી જાય છે.

‘જબ વી મેટ’, ‘રૉકસ્ટાર’, ‘હાઇવે’, ‘તમાશા’, ‘જબ હેરી મેટ સેજલ’થી લઈને ‘લૈલા મજનૂ’ સુધીની ફિલ્મોમાં તેમનાં પાત્રો હંમેશાં કોઈક ખોવાઈ ગયેલી વસ્તુ શોધી રહ્યાં હોય છે. કેટલીક વખત તે ખોવાઈ ગયેલી વસ્તુ પ્રેમ હોય છે, તો કેટલીક વખત તેમની પોતાની ઓળખ હોય છે, તો વળી કેટલીક વખત તે બંને એકબીજામાં ભળી જાય છે.

જો તમે ધ્યાન આપશો, તો તમને જાણવા મળશે કે, ઇમ્તિયાઝના વિશ્વની દરેકે-દરેક વાર્તા ‘પરત ફરવાની’ વાર્તા છે. ‘જબ વી મેટ’નો આદિત્ય તેના જીવનમાં પરત ફરે છે. ‘રૉકસ્ટાર’નો જોર્ડન તેના ખોવાઈ ગયેલા પ્રેમ પાસે પાછો ફરે છે. ‘તમાશા’નો વેદ તેના વાસ્તવિક વ્યક્તિત્વમાં પાછો ફરે છે, ‘જબ હેરી મેટ સેજલ’નો હેરી તેના ગામમાં પાછો ફરે છે અને હવે ‘મૈં વાપસ આઉંગા’નો વૃદ્ધ હીરો પણ વાપસીની આવી જ સફર પર નીકળે છે. 1947માં પાછળ છૂટી ગયેલા ઘર અને સમયમાં તે પાછો જવાની કોશિશ કરી રહ્યો છે.

આ વાપસી ફક્ત ભૌગોલિક નથી, તે યાદોની છે. તે એક એવા સમયમાં પરત ફરવાની ઝંખના છે, જ્યાં કશુંક અધૂરું રહી ગયું હતું, જ્યાં ઇતિહાસે વ્યક્તિગત જીવનમાં હસ્તક્ષેપ કર્યો હતો.

સમયના બે છેડા પર ઊભેલાં પાત્રો

‘લવ આજ કલ’થી લઈને ‘મૈં વાપસ આઉંગા’ સુધી આ ઇમ્તિયાઝનું મનપસંદ ક્ષેત્ર રહ્યું છે – વર્તમાન કાળ અને ભૂતકાળના પ્રેમ વચ્ચે સેતુ ઊભો કરવો. ઇમ્તિયાઝનાં પાત્રો આધુનિક દુનિયામાં જીવે છે, પણ તેમનો આત્મા જૂની વાર્તાઓ સાથે જોડાયેલો રહે છે. મોબાઇલની દુનિયામાં અને શહેરોની વચ્ચે જીવતા હોવા છતાં તેઓ હીર-રાંઝા અને લૈલા-મજનૂનો વારસો આગળ ધપાવે છે.

તેમની વાર્તાઓમાં એક થવા કરતાં છૂટા પડવું વધારે મહત્ત્વનું હોય છે, કારણ કે, એ વિરહ જ છે, જે પ્રેમને વધુ ગહન બનાવે છે અને યાદોને ધબકતી રાખે છે. વિરહમાં જ ઝંખના અને આશા જીવંત રહે છે.

આ પાત્રોમાં પસ્તાવો હંમેશાં મોજૂદ હોય છે. કોઈ ક્ષણ ગુમાવી દીધા પછી કે કોઈ કરુણાંતિકા સર્જાયા પછી તેઓ જાગે છે. ચાહે તે ‘જબ વી મેટ’નો આદિત્ય હોય કે પછી ‘તમાશા’નો વેદ હોય, આ પસ્તાવો તેમને તોડી નાખે છે અને તેમની અંદર નવી સંભવિતતા જગાડે છે.

‘મૈં વાપસ આઉંગા’માં આ પસ્તાવો અંગત તથા ઐતિહાસિક, બંને પ્રકારનો છેઃ સરહદો ઊભી થતાં વિરહનો અફસોસ અને કદીયે વાસ્તવિકતા ન બની શકનારી મુલાકાતોનો અફસોસ. પરંતુ, ઇમ્તિયાઝની દુનિયામાં પ્રેમ કદીયે નિરાશ નથી કરતો. તેમનાં પાત્રો તૂટી જાય છે અને ખોવાઈ જાય છે, પણ તેઓ કદી પ્રેમ પરનો વિશ્વાસ ખોઈ દેતાં નથી. દરેક વાર્તામાં આશાના કિરણને પ્રવેશવા દેવા માટે એક બારી ખૂલી રહેતી હોય છે. અને કદાચ એથી જ, ‘મૈં વાપસ આઉંગા’ શીર્ષક એક વચન જેવું લાગે છે. એવું વચન, જે સમય અને અંતરની પાર પણ જળવાઈ રહે છે.

શું ઇમ્તિયાઝ ખુદનું પુનરાવર્તન કરી રહ્યા છે?

તેમની ફિલ્મો હિટ હોય કે ફ્લોપ હોય, ઇમ્તિયાઝ અલીની શૈલી હંમેશાં આગવી રહે છે. લાંબી મુસાફરી, અધૂરો પ્રેમ, યાદોમાં સરી જતા સંવાદો, ઉદાસીભર્યું સંગીત અને આંતરિક ખાલીપાથી ઝઝૂમતાં પાત્રો તેમની ફિલ્મોનો હિસ્સો હોય છે.

આ તેમની શક્તિ છે અને ‘મૈં વાપસ આઉંગા’ને મળી રહેલી પ્રશંસાની વચ્ચે એવી ટીકા પણ થઈ રહી છે કે, ઇમ્તિયાઝ અલી ફરી વખત તેમના જૂના ઇમોશનલ ગ્રાફ અને વિઝ્યુઅલ સ્ટાઇલનું પુનરાવર્તન કરતા જોવા મળ્યા છે.

તેમની સાથે મળીને ‘મૈં વાપસ આઉંગા’નું સહ-લેખન કરનારાં નયનિકા કહે છે, “હું એ ખાતરીપૂર્વક નથી કહી શકતી કે, તેમની ફિલ્મોમાં ચોક્કસ પ્રકારની થીમનું શા માટે પુનરાવર્તન થતું હોય છે, પણ મને લાગે છે કે, આપણે જે વાર્તાઓ તરફ ફરી-ફરીને પાછા આવતાં હોઈએ છીએ, તે ઘણી વખત એ જ સવાલો ઊભા કરે છે, જેનો જવાબ આપણે હજુ પણ શોધી રહ્યાં હોઈએ છીએ. ઇમ્તિયાઝ જેવી સંવેદનશીલતા ભાગ્યે જ જોવા મળે છે. તેઓ આપણને યાદો, પસ્તાવો, સમય, અંતર અને ઓળખના તાણાવાણામાં ગૂંચવી નાખે છે અને પછી આપણને આપણા આંતરિક ‘ઘર’ સુધી લઈ જાય છે.”

પણ શું સુંદરતા પુનરાવર્તન સાથે તેનો પ્રભાવ ગુમાવી નથી દેતી? શરૂઆતથી જ તેમની ફિલ્મો પાત્રોની સફર પર (‘સોચા ન થા’, ‘જબ વી મેટ’, ‘હાઇવે’, ‘તમાશા’) અને બે ટ્રૅકમાં વાર્તા કહેવાની તેમની શૈલી (‘લવ આજ કલ’, ‘રૉકસ્ટાર’) પર કેન્દ્રિત રહી છે.

શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર સાથેની ‘જબ હેરી મેટ સેજલ’ અને ‘લવ આજ કલ ૨’ ફ્લોપ ગયા પછી એવું કહેવાતું હતું કે, ઇમ્તિયાઝ પાસે હવે કશું નવું આપવા માટે રહ્યું નથી. તેમની વાર્તાઓ આગળ વધવાને બદલે તેમનાં જૂનાં મૂળ તરફ પરત ફરતી હોય, એમ લાગતું હતું. તેમાં ‘જબ વી મેટ’, ‘રૉકસ્ટાર’ અને ‘તમાશા’ને ખાસ બનાવનારી એક સમયની તાજગીનો અભાવ વર્તાતો હતો. કદાચ ટિકિટ ખરીદનારી ઑડિયન્સની અપેક્ષાઓના ભારણે પણ તેમાં આંશિક ભૂમિકા ભજવી હતી.

થિયેટરના દબાણથી મુક્ત તેમની તે પછીની ફિલ્મ ‘અમરસિંહ ચમકીલા’ (૨૦૨૪) નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. તેમાં ઇમ્તિયાઝને તેમનો અવાજ પાછો મળ્યો અને તે સાથે તેમના સિનેમામાં પણ બદલાવ આવ્યો.

રૉમેન્ટિક ફિલ્મોમાં રાજકીય અસર

રેખ્તાના એક કાર્યક્રમમાં ઇમ્તિયાઝ અલી

ચમકીલા કેવળ પ્રેમ હાણી નહોતી, પણ તેની સાથે-સાથે તે જે-તે ગાળા દરમિયાન પંજાબના સામાજિક ફલક, તેની જ્ઞાતિની જટિલતાઓ અને સમાજનાં બેવડાં ધોરણોને પણ પ્રતિબિંબિત કરતી હતી. તે સ્પષ્ટ સામાજિક અને રાજકીય અન્ડરટોન ધરાવે છે.

‘મૈં વાપસ આઉંગા’ તે રૂપાંતરણ તરફનું સાહસિક કદમ છે. પ્રેમ અને સ્મૃતિની વાર્તા હોવાની સાથે તે ભાગલા, વિસ્થાપન અને રાષ્ટ્રવાદના વારસાના મુદ્દા પણ ઉખેળે છે. ઇમ્તિયાઝનું સિનેમા હજુયે પ્રેમની ભાષામાં વાત કરે છે, પણ હવે તેમનું ફોકસ વ્યક્તિગતપણાથી આગળ વધી ગયું છે અને તે તેની આસપાસની દુનિયા પર પણ કેન્દ્રિત થયું છે. રસપ્રદ રીતે, તેઓ રાજકારણ વિશે સીધી રાજકીય ભાષામાં વાત નથી કરતા, પણ, તેને બદલે માનવ અનુભવોમાં તેને શોધતા હોય, એમ લાગે છે.

ઇમ્તિયાઝની ફિલ્મો વિશે ઘણી વખત એવું કહેવાય છે કે, તેમની ફિલ્મોને રિલીઝ સમયે એટલો પ્રેમ નથી મળતો, જેટલો વર્ષો બાદ મળે છે. ખુદ ઇમ્તિયાઝે આના વિશે એક રમૂજભર્યો વીડિયો બનાવ્યો છે.

પરંતુ આ વખતે, બૉક્સ ઓફિસ ઉપર ‘મૈં વાપસ આઉંગા’નું પુનરાગમન માત્ર બૉક્સ ઓફિસના આંકડાઓથી માપી શકાય એમ નથી. તેની ખરી કમાણી તે મૂક જોડાણ છે, જે આ યુગની કડવાશને પાછળ છોડી દે છે અને થોડી ક્ષણો માટે પ્રેમને સ્થાન આપે છે.

[બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન]
છબિ સૌજન્ય : Applause Entertainment; Sujit Jaiswal / AFP Via Getty Images; Nayanika Mahtani / Instagram; Money Sharma / AFP Via Getty Images; Mirza AB Baig  
સૌજન્ય : https://www.bbc.com/gujarati/articles/c4gy535r4v1o

Loading

શ્રેય સામે પ્રેય :  સત્યમય જીવન અને મૂલ્ય આધારિત વ્યવસ્થાતંત્ર રચવા માટે નીડોનોમિક્સનો પથ

અનુવાદક: આશા બૂચ|Opinion - Opinion|8 July 2026

મદન મોહન ગોએલ

પ્રોફેસર મદન મોહન ગોએલ Needonomics School of Thoughtના પ્રણેતા છે. તેઓ કુરુક્ષેત્ર યુનિવર્સિટીના ત્રણ વખત વાઇસ ચાન્સેલર પદે સેવા બજાવી ચુક્યા છે. અનેક રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં 46 વર્ષના શિક્ષણ અને 17 વર્ષના વહીવટી ક્ષેત્રમાં ઉચ્ચ પદ ભોગવનાર મદન મોહન ગોએલને અનેક માન અકરામ મળ્યા છે, તેમાંનું એક યુનિવર્સલ પીસ ફેડરેશન તરફથી ‘એમ્બેસેડર ફોર પીસ’નો ઇલકાબ એનાયત કરવામાં આવ્યો છે એ ઉલ્લેખનીય છે.  

મદન મોહન ગોએલના નામે 524 જેટલાં પ્રકાશનો બોલે છે અને 50થી વધુ સંશોધનકર્તાઓને તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. શિક્ષણ, આર્થિક અને સામાજિક વ્યવસ્થાની નીતિ લોકોની જરૂરિયાતને આધારે ઘડાય અને તેનો અમલ પણ એ સિદ્ધાંતને અનુસરીને કઈ રીતે કરી શકાય તે વિશે અલગ અલગ વક્તવ્યો અને લેખો દ્વારા તેઓ યુવા વર્ગને પ્રેરણા પૂરી પાડતા રહે છે. 

આજે મદન મોહન ગોએલના એક લેખનો અનુવાદ તેમની અનુમતિ સાથે અહીં પ્રસ્તુત કરું છું.

− આશા બૂચ

•

કુરુક્ષેત્ર સ્થિત નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ સાથે સંલગ્ન નિષ્ણાતોનું જૂથ નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને રાખેલા સંયમ, સ્વ-શિસ્ત, નૈતિક વર્તન અને ફરજોના પાલનથી જીવન દોરવવાવું જોઈએ નહીં કે અમર્યાદિત એષણાઓ, આકર્ષણો અને લોભામણી વસ્તુઓથી એ વિચાર પર ભાર મૂકે છે. એ “નીડો-લાઈફ સ્ટાઇલ” એટલે કે “જરૂરિયાત આધારિત જીવન પદ્ધતિ”ની ભલામણ કરે છે જેનાં મૂળ સચ્ચાઈ, મનની સમતુલા અને સચેત જીવનમાં પડેલાં છે. આ પ્રણાલીના જીવનમાં સાચી પ્રગતિ માત્ર ભૌતિક વસ્તુઓના સંગ્રહ પરથી નથી માપવામાં આવતી, પરંતુ માનવીના ચારિત્ર્ય, શાંતિમય સહઅસ્તિત્વ અને નૈતિક મર્યાદાઓની અંદર જીવાતા શિસ્તબદ્ધ જીવનથી મપાય છે.

‘સચ્ચાઈનો માર્ગ’ કે ‘સીમાંકિત માર્ગ’ જેવા શબ્દ પ્રયોગો નીડોનોમિક્સના હાર્દને સુંદર રીતે દર્શાવે છે. માનવ જીવન ત્યારે સુંદર બને છે જ્યારે વ્યક્તિ પોતે પોતાની નૈતિક મર્યાદાઓની અંદર રહીને વર્તે છે, સામાજિક જવાબદારીઓ નિભાવે છે અને આંતરિક શિસ્તનું પાલન કરે છે. આવી શિસ્ત ભય કે દબાવ કરીને બહારથી નથી લાદવામાં આવતી, પરંતુ શાણપણનો આધાર લઈને જાગૃત મનથી સ્વના અંતરમાં જ શિસ્ત નીપજે છે. આથી જ તો નીડોનોમિક્સ ‘બાહ્ય આકર્ષણ વિહોણી આંતરિક શિસ્ત’ને પ્રોત્સાહન આપે છે.

આ તાત્ત્વિક વિચારને કઠોપનિષદમાં સબળ ટેકો મળી રહે છે. તેમાં યમ રાજા સત્ય શોધક નચિકેતાને શ્રેય (જે આપણા માટે લાભદાયી છે) અને પ્રેય (જે આપણને પ્રિય લાગે છે, મનભાવન ભાસે છે) વચ્ચેનો તફાવત સમજાવે છે. આ વાર્તાલાપ ભારતીય જ્ઞાન અને વિદ્વત્તાની પરંપરામાં માનવીની એ બે વિકલ્પો વચ્ચેની પસંદગી અને નૈતિક જીવનનું ગહન ચિંતન દર્શાવે છે.

પ્રેય : આકર્ષક, પણ અલ્પજીવી માર્ગ 

પ્રેય તાત્કાલિક મોજ મજાનું દ્યોતક, સુખ સગવડ પૂરું પાડનારું, ઇન્દ્રિયોને સંતોષ આપનારું, અહમ્‌ને પોષનારું અને ભૌતિક વસ્તુઓમાંથી નિપજતા આનંદ તરફ ખેંચનારું હોય છે. એ માનવ મનને આકર્ષે છે કેમ કે ક્ષણવારમાં આનંદ અને ભાવનાત્મક ઉત્તેજના પૂરા પાડે છે. મૂલ્યોની જાળવણી વિના પ્રાપ્ત કરેલ ધન સંપત્તિ, જવાબદારીના ભાન વિના ભોગવવામાં આવતી સત્તા, સ્વયં શિસ્ત વિના કરવાના આવતો ઉપભોગ અને નૈતિકતા વિના પ્રાપ્ત કરેલી સફળતા એ પ્રેયના દાયરામાં આવે છે.

આધુનિક ગ્રાહકવાદ મહદ્દ અંશે પ્રેય પ્રત્યેના આકર્ષણ ઉપર જ નભે છે. તેમાં માનવ જાતને સતત બાહ્ય સિદ્ધિઓ, એશ આરામના સાધનો, એકબીજાની તુલના અને અંતહીન ઇચ્છાઓને સંતોષવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ બધું જ અલ્પ સમય માટે સુખનો અનુભવ કરાવી શકે, પણ તે મોટે ભાગે માનસિક તનાવ, અસંતોષ, સ્પર્ધા અને ઊર્મિનો ખાલીપો પેદા કરતા હોય છે. પ્રેય તરફનું વધુ પડતું ખેંચાણ વ્યક્તિની આંતરિક શિસ્તને નબળી પાડે છે અને તેને પોતાના જીવનના મૂળભૂત હેતુથી દૂર ફેંકી દે છે. નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ ચેતવણી આપે છે કે અમર્યાદ ઇચ્છાઓ માનવીને લોભ અને નકલ કરવાની આદતના કેદી બનાવી દે છે. તેનું પરિણામ સામાજિક સંઘર્ષ, પર્યાવરણમાં અસમતુલા, માનસિક તનાવ, લાંચ-રૂશ્વત અને માનવીય મૂલ્યોના હ્રાસમાં આવે છે.

શ્રેયઃ અનંત કલ્યાણનો માર્ગ  

સામા પક્ષે જોઈએ તો શ્રેય મૂળભૂત રીતે કલ્યાણકારી, શાણપણ ભર્યો, નૈતિક ફરજથી દોરવાયેલ, આત્મજ્ઞાનથી ભરપૂર અને આંતરિક શાંતિનો માર્ગ આપણી સામે ધરે છે. શરૂઆતમાં આ પથ પર ચાલવું કઠિન લાગે કેમ કે તેમાં ધૈર્ય, ભોગ આપવાની તૈયારી, શિસ્ત અને સ્વ નિયંત્રણની જરૂર પડે છે. પરંતુ કડવી દવાની માફક એ આપણા સ્વાસ્થ્યને દુરસ્ત કરે છે. આખરે શ્રેય આપણને એકબીજા સાથે કાયમી સહમતી, પરસ્પર સંવાદિતા અને વ્યક્તિગત મુક્તિ તરફ લઇ જાય છે.

શાણો માણસ (ધીર) બંને માર્ગનું કાળજીથી પરીક્ષણ કરે છે અને એ શ્રેયની પસંદગી કરે છે. એવી વ્યક્તિ સમજે છે કે કાયમી શાંતિ બાહ્ય આકર્ષક વસ્તુઓના અમર્યાદિત ઉપભોગમાંથી નથી પેદા થતી હોતી. સાચો સંતોષ પોતાની લાલસાઓ પર વિજય મેળવવામાંથી, સાદગી ભર્યું જીવન જીવવાથી, અર્થ યુક્ત સંબંધોમાંથી, નીતિ યુક્ત કાર્ય પદ્ધતિમાંથી અને આધ્યાત્મિક જાગૃતિમાંથી ઉદ્ભવતી હોય છે.

નીડોનોમિક્સ સ્વાભાવિક રીતે જ શ્રેયના તત્ત્વજ્ઞાન સાથે અનુબંધ ધરાવે છે. એ કહે છે કે માનવીની જરૂરિયાતોને સીમા હોય છે, પરંતુ લોભ અસીમ હોય છે. આથી હવે સમાજે ‘લોભ સંચાલિત અર્થવ્યવસ્થા’થી દૂર થઈને ‘જરૂરિયાત આધારિત અર્થવ્યવસ્થા’ તરફ આગળ વધવું જોઈએ. આપણું લક્ષ્ય જીવનનો ત્યાગ કરવાનું નથી, પણ આપણી ઇચ્છાઓ અને વાસનાઓને શાણપણ અને નૈતિક સભાનતાથી સંયમમાં રાખવાનું છે.

નીડોનોમિક્સની કાર્યપદ્ધતિનું માળખું અને વ્યવસ્થા 

શ્રેય અને પ્રેય વચ્ચેનો મુખ્ય તફાવત તેની વ્યવસ્થા પદ્ધતિ અને નેતૃત્વમાં છે. આધુનિક વ્યવસ્થાતંત્ર મહદ્દ અંશે નફો, તંત્રનો વધતો વ્યાપ, સ્પર્ધા અને ઉપભોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવું વ્યવસ્થાતંત્ર ટૂંકા ગાળા માટે લાભદાયક સાબિત થઇ શકતું હોય છે, પણ લાંબે ગાળે સમાજનો તેના પ્રત્યે વિશ્વાસ નબળો પડે, નોકરિયાતોની સુખાકારી જોખમાય, નૈતિક ધોરણો નીચાં ઉતરે અને પર્યાવરણની જાળવણી જોખમાય એ શક્ય છે. નીડોનોમિક્સનું માળખું વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા આ રીતે કરે છે : વ્યવસ્થાતંત્રનો અર્થ છે, કાર્યક્ષમતા અને નૈતિકતા વચ્ચે સંતુલન રાખવું, પ્રગતિની સાથે સારી ગુણવત્તા જાળવી રાખવી અને સફળતાની સાથે સામાજિક જવાબદારી સંકળાયેલી રાખવી. સાચો વહાવસ્થાપક માત્ર સંસાધનોને નિયંત્રણમાં રાખનારો જ નથી હોતો, પરંતુ એ માનવીની ગરિમા અને સમાજના સામૂહિક હિતનો રખેવાળ પણ હોય છે.

શ્રેય થી પ્રેરિત વ્યવસ્થાતંત્ર નીચે મુજબના મુદ્દાઓને પ્રોત્સાહન આપે છે :

  • નીતિમત્તાને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવા
  • જવાબદાર નેતૃત્વ વિકસાવવું
  • ટકાઉ વિકાસની નીતિ અપનાવવી
  • કામના સ્થળે કરુણાસભર વર્તનની સંસ્કૃતિ હોવી ઘટે
  • વિશ્વાસ આધારિત સંબંધો જાળવવા
  • માનવતાના રક્ષણ સાથે શિસ્તનું પાલન કરવું અને કરાવવું
  • ટૂંકા ગાળાના પ્રલોભનને સ્થાને લાંબા ગાળાના હિતનો વિચાર કરવાની નીતિ અપનાવવી

બીજી બાજુ જોઈએ તો માત્ર પ્રેયથી સંચાલિત વ્યવસ્થાતંત્ર શોષણ, કુશળતાનો કંપની કે સંગઠનના હિત માટે જ ઉપયોગ કરવો, તંદુરસ્ત ન કહી શકાય તેવી સ્પર્ધામાં ઉતરવું અને નફો કરવાની અદમ્ય ઇચ્છાથી ગ્રસિત મનોદશાના ભોગ બનવા જેવી સ્થિતિમાં ફસાઈ જતા હોય છે.

આથી જ નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ સંસ્થાઓ, સંગઠનો અને વ્યક્તિઓને પોતાની નીતિના ઘડતરમાં, નેતૃત્વમાં, શિક્ષણમાં અને આર્થિક વ્યવસ્થાતંત્રમાં શ્રેયનો માર્ગ લેવા માટે પ્રોત્સાહન આપે છે. આવો અભિગમ માત્ર આર્થિક સમૃદ્ધિ જ નથી અપાવતો, પરંતુ એ સામાજિક સુસંવાદિતા અને આધ્યાત્મિક સંતોષ પણ પેદા કરે છે.

સમાપન

કઠોપનિષદમાં દર્શાવેલ કાલાતીત શાણપણ ભર્યા કથન વર્તમાન માનવીય સમાજ માટે પણ માર્ગદર્શક બની રહે છે. દરરોજ માનવી શ્રેય અને પ્રેયના ચારરસ્તા પર આવીને ઊભો રહેતો હોય છે. એક માર્ગ તાત્કાલિક પ્રલોભન આપે છે, પણ એ સંતોષ અલ્પજીવી હોય છે; જ્યારે બીજો માર્ગ શિસ્તની અપેક્ષા રાખે છે, પણ કાયમી શાંતિ આપે છે. નીડોનોમિક્સ સ્કૂલ ઓફ થોટ્સ માનવજાતને યાદ અપાવે છે કે અનંત કાળ સુધી ટકી રહે તેવું સુખ સીમા વિહીન ઉપભોગમાંથી નથી મળતું, પણ સદ્દવર્તન, નૈતિક મર્યાદામા રહીને જીવેલા જીવન, આંતરિક શિસ્ત અને ખરેખર જરૂરિયાત હોય તેટલી જ વસ્તુઓને સંતોષવાથી ખરું સુખ પ્રાપ્ત થાય છે. પ્રેય ને બદલે શ્રેય પસંદ કરવાથી વ્યક્તિ અને સમાજ શાંતિ, સંતુલન, ગરિમા અને શ્રેષ્ઠત્વ આધારિત સંસ્કૃતિ તરફ ગતિ કરી શકે.

ટૂંકમાં કહીએ તો નીડોનોમિક્સ એ માત્ર આર્થિક વિચારધારા નથી; એ શાણપણ, સંયમ અને નૈતિક જાગૃતિથી દોરવાયેલી જીવનની માર્ગદર્શિકા છે.

e.mail : 71abuch@gmail.com

Loading

વિજ્યા મહેતા : 

બી.બી.બી. ગુજરાતી|Opinion - Opinion|7 July 2026

ગુજરાતમાં જન્મેલાં નાટ્યકાર, જેમના પ્રયોગોએ ભારતીય રંગમંચને નવી દિશા આપી

ગયા સપ્તાહે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારાં વિજ્યા મહેતા તેમના નોખા પ્રવાહનાં નાટકો માટે જાણીતાં હતાં

વિજયા મહેતાનાં પ્રયોગાત્મક નાટકોએ પરંપરાગત વાર્તાઓ અને પાત્રોથી જુદી કેડી કંડારીને નોખો ચીલો ચાતર્યો. ગયા સપ્તાહે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારાં વિજ્યા મહેતા તેમના નોખા પ્રવાહનાં નાટકો માટે જાણીતાં હતાં, જેમણે ભારતીય થિયેટર(નાટ્યજગત)નું ચિત્ર સમૂળગું બદલી નાખ્યું.

1960 અને 1970ના દાયકામાં મરાઠી રંગભૂમિ(જે નાટકો મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ભજવાતાં હતાં)ને આધુનિક સ્વરૂપ આપવાનું ઘણું-ખરું શ્રેય વિજ્યા મહેતાને આપવામાં આવે છે. પર્ફૉર્મિંગ આર્ટ્સના જગતમાં તેઓ અત્યંત પ્રભાવશાળી હસ્તીઓ પૈકીનાં એક હતાં. તેઓ પ્રયોગલક્ષી નાટકો અને ફિલ્મોનું દિગ્દર્શન કરવા બદલ અને તેમાં અભિનય કરવા બદલ જાણીતાં હતાં, તેમ જ નાના પાટેકર તથા અનુપમ ખેર જેવા બોલીવૂડના ઘણા ઊભરતા તથા લોકપ્રિય અભિનેતાઓનાં માર્ગદર્શક પણ હતાં.

વિજ્યા મહેતાએ તેમના જીવનકાળ દરમિયાન ઘણા પુરસ્કારો મેળવ્યા હતા, જેમાં અભિનય તથા દિગ્દર્શન બદલ નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ તથા આધુનિક ભારતીય રંગભૂમિમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા એનાયત કરાયેલા નાગરિક સન્માન પદ્મશ્રીનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગે મરાઠી રંગભૂમિ સાથે સંકળાયેલાં રહેનારાં વિજ્યા મહેતાનો જન્મ 1934માં વર્તમાન સમયના ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરામાં થયો હતો. તેઓ કલાકારોના પરિવારમાંથી આવતાં હતાં અને તેઓ સરળતાથી મુખ્ય પ્રવાહના સિનેમામાં તેમની કારકિર્દી ઘડી શક્યાં હોત, પણ તેમણે તેને બદલે થિયેટર(રંગભૂમિ)ની દુનિયા પસંદ કરી હતી.

ભારતીય રંગમંચ પાસે ચાહકોની કમી નથી, પણ પર્ફૉર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં તેને હંમેશાં ઓછું ગ્લેમરસ સ્થાન મળ્યું છે. પણ મહેતાએ કદી તેની પરવા કરી હોય, એમ લાગતું નથી. વિજ્યા મહેતાએ એક પ્રોફેસરે આપેલા પ્રોત્સાહનથી પ્રેરાઈને મરાઠી નાટકોમાં અભિનયની શરૂઆત કરી હતી.

નિડર અને પ્રયોગાત્મક નાટકો

વિજયા મહેતાએ મુંબઈમાં નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સનાં ચૅરપર્સન તરીકે એક દાયકા કરતાં વધુ સમય સુધી સેવા પૂરી પાડી હતી

એ પછી તેમણે આધુનિક ભારતીય રંગમંચના પ્રણેતા ગણાતા ઇબ્રાહીમ અલકાઝી અને અદી મર્ઝબાનના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી અને પ્રયોગશીલતાના તેમના જુસ્સાને તેમના પોતાના કાર્યમાં વણી લીધો. મહારાષ્ટ્રના નાટ્યપ્રેમીઓ વિજ્યા મહેતાને એક એવાં મહિલા તરીકે યાદ કરે છે, જેમણે સામાન્ય જીવન વિશેનાં નિડર અને પ્રયોગાત્મક નાટકો થકી મરાઠી રંગભૂમિની કાયાપલટ કરી. આ બદલાવ મુખ્યત્વે મધ્યમવર્ગીય મરાઠીભાષી દર્શકોને પસંદ પડ્યો, જેમને આખરે તેમના પોતાના જીવનનું પ્રતિબિંબ તખ્તા પર ભજવાતું જોવા મળ્યું. વિજ્યા મહેતાનાં નાટકો રોજિંદા જીવનની આંટીઘૂંટીને તાદૃશ રજૂ કરતાં હતાં, જેમાં પાત્રો ખામી ધરાવતાં, છતાં માન્યામાં આવે, એવાં રહેતાં હતાં અને તેમની પ્રામાણિકતા દર્શકોનાં હૃદયને સ્પર્શી જતી હતી.

વિજ્યા મહેતાને શ્રદ્ધાંજલિ અર્પતાં મહારાષ્ટ્રના અગ્રણી રાજકારણીઓ પૈકીના એક રાજ ઠાકરેએ મહેતાની “હિંમત”ને બિરદાવતાં કહ્યું હતું કે, તેમણે એવા સમયે મરાઠી રંગભૂમિમાં પરિવર્તન આણ્યું, જ્યારે રાજ્ય સ્વયં નવું સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. મહેતાએ 1960માં પ્રયોગલક્ષી મુંબઈ થિયેટર ગ્રૂપ – ‘રંગાયન’ની સહ-સ્થાપના કરી હતી. એ જ વર્ષે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી. બૉમ્બે રિઑર્ગેનાઇઝેશન ઍક્ટ મુજબ દ્વિભાષી બૉમ્બે રાજ્યનું ગુજરાતી બોલતા રાજ્ય ગુજરાત અને મરાઠી બોલતા રાજ્ય મહારાષ્ટ્રમાં વિભાજન કરવામાં આવ્યું હતું. ઠાકરેએ કહ્યું હતું કે, મહેતા એવા સમયે ઊભરી આવ્યાં, જ્યારે મહારાષ્ટ્ર સામાજિક સુધારણા, ઉદ્યોગીકરણ અને સાર્વત્રિક શિક્ષણ અપનાવી રહ્યું હતું. તે સમયે મરાઠી રંગમંચે “ભવ્ય સેટ અને મેલોડ્રામા”થી આગળ વધીને “ખરા અર્થમાં પ્રયોગાત્મક” બનવાની જરૂર હતી. રાજ ઠાકરેએ લખ્યું હતું, “વિજ્યાતાઈ(વિજ્યાબહેન)એ ખાલીપો પૂર્યો હતો.”

“રંગાયન”એ મરાઠી રંગભૂમિનાં કેટલાંક સૌથી નિડર પ્રયોગલક્ષી નાટકોનું મંચન કર્યું અને સાથે જ કલાકારો અને લેખકોની એક આખી પેઢી તૈયાર કરી.

‘પ્રસિદ્ધિ અને નાણાં કમાવાનો આશય તો દૂર-દૂર સુધી નહોતો.’

નાના પાટેકર સાથે વિજયા મહેતા

વિજ્યા મહેતાએ “રંગાયન” ખાતે જેમનાં નાટકોનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું, તે નાટ્યકાર મહેશ એલકુંચવારે તેમની સાથે કામ કરવાનાં સંસ્મરણો ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અખબારમાં વાગોળ્યાં છે. “મેં જ્યારે બાઈ (મરાઠી ભાષાનો માનવાચક શબ્દ, વિજ્યા મહેતાને આદરથી બાઈ કહેવામાં આવતાં હતાં) સાથે હાથ મિલાવ્યાં, ત્યારે હું સમજી ગયો હતો કે, મને મારું પોતાનું સ્થાન મળી ગયું છે. અમને મનોરંજન પીરસવામાં કોઈ રસ ન હતો, પ્રસિદ્ધિ અને નાણાં કમાવાનો આશય તો દૂર-દૂર સુધી નહોતો. અમે અમારા કાર્ય દ્વારા નાટક, કળા અને જીવનને ખોળવા માગતાં હતાં,” એમ તેમણે લખ્યું હતું.

મહેતાએ ઘણાં લોકોને નાટક તરફ વળવાની પ્રેરણા પૂરી પાડી હતી. તેમાં ગાયક અને લેખક સ્વાનંદ કિરકિરેનો પણ સમાવેશ થતો હતો, જેમણે કહ્યું હતું કે, વિજ્યા મહેતાનો એક વર્કશૉપ તેમને રંગમંચ સુધી ખેંચી લાવ્યો હતો. તેમણે ઍક્સ પર લખ્યું હતું કે, ત્યાંનું વાતાવરણ એટલું “જકડી રાખનારું” હતું કે, તેમણે “બસ તેમાં જ સ્થાયી થઈ જવાનું નક્કી કર્યું.” મહેતાએ મરાઠીભાષી દર્શકોને સંસ્કૃતનાં ઉત્કૃષ્ટ નાટકો, વિજય તેંડુલકર જેવા મરાઠી નાટ્યકારોનાં પ્રયોગાત્મક નિર્માણો અને બર્ટોલ્ટ બ્રેખ્ત તથા એન્ટન ચેખોવનાં સર્જનોનાં રૂપાંતરણોનો પરિચય કરાવ્યો.

પરંતુ મહેતાના પ્રયોગો ફક્ત નાટકો પૂરતા મર્યાદિત નહોતા.

પીઢ દિગ્દર્શક શ્યામ બેનેગલ (ડાબે) અને વિજયા મહેતા મુંબઈમાં એક પેનલ ડિસ્કશન દરમિયાન

તેમણે કેટલીક પ્રશંસનીય ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં 1985ની “રાવ સાહેબ” (19મી સદીના મહારાષ્ટ્રના એક સુધારાવાદી વકીલ વિશેની વાર્તા) અને 1988માં આવેલી “પેસ્તનજી” જેવી ફિલ્મોનો સમાવેશ થતો હતો. “પેસ્તનજી”માં 1950ના દાયકાના મુંબઈમાં ત્રણ પારસીઓના જીવન દ્વારા પ્રેમ, વ્યભિચાર અને મૈત્રીની વાર્તા દર્શાવાઈ હતી. વિજ્યા મહેતા સાથે કામ કરનારાં કલાકારો તેમની કળા વિશેની ઊંડી સમજ અને દિગ્દર્શન પ્રત્યેના તેમના અભિગમને યાદ કરે છે.

અભિનેતા અનુપમ ખેરે ઍક્સ પર એક પોસ્ટ કરીને “રાવ સાહેબ”માં વિજ્યા મહેતા સાથે કામ કરવાનો તેમનો અનુભવ વાગોળ્યો હતો. તે ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. “ત્યાં સુધીમાં હું થોડી ફિલ્મો કરી ચૂક્યો હતો અને વિચારતો હતો કે, મને અભિનય વિશે થોડી સમજ છે. પણ તેમની સાથેના દરેક રિહર્સલે મને યાદ અપાવ્યું કે, આ કળાનો મહાસાગર કેટલો વિશાળ છે. તેમની સમજણ, માનવ વર્તન વિશેની તેમની સમજ અને અતિશય સંવેદનશીલતાની સામે હું ખુશી-ખુશી ફરીથી વિદ્યાર્થી બની ગયો,” એમ તેમણે લખ્યું હતું.

મહેતા એક દાયકા કરતાં વધુ સમય સુધી મુંબઈના નૅશનલ સેન્ટર ફૉર પર્ફૉર્મિંગ આર્ટ્સ (એનસીપીએ)નાં અધ્યક્ષપદે પણ રહ્યાં હતાં. તેમની કારકિર્દી દરમિયાન તેમણે અગ્રણી ભારતીય નાટ્યસર્જકો અને કલાકારો તેમ જ પીટર બ્રૂક, યુજેનિયો બાર્બા અને રિચાર્ડ શેકનર જેવી આંતરરાષ્ટ્રીય થિયેટર હસ્તીઓ સાથે પણ કામ કર્યું હતું.

તેમના અવસાન સાથે ભારતીય રંગભૂમિના વિશ્વમાં એક શૂન્યાવકાશ સર્જાયો છે, જે ભરવો મુશ્કેલ છે. અભિનેત્રી સોનાલી કુલકર્ણી જણાવે છે કે, તેઓ અને અન્ય કલાકારો તથા થિયેટરકર્મીઓ વિજ્યા મહેતાનાં ઋણી છે અને તેઓ આ ઋણ કદીયે ચુકાવી શકશે નહીં. કુલકર્ણીએ જણાવ્યું હતું કે, વિજ્યા મહેતાની વિદાય એ તેમને (કુલકર્ણીને) થયેલું નુકસાન છે, એમ કહેવું ઘણી નાની વાત ગણાશે. “એમ કહેવાથી તમે સાચે અમને જે આપ્યું છે, તેનું મૂલ્ય ઓછું થઈ જશે. તમારી હાજરી જે સમૃદ્ધિ લાવી હતી, થિયેટરને તમે જે વિપુલતા ભેટમાં આપી છે, તેનું ઋણ કદીયે ચૂકવી શકાશે નહીં.”

[બી.બી.સી. મરાઠીના સિદ્ધાંત ગાનુ અને મયૂરેશ કોણ્ણુરનાં ઇનપુટ્સ સાથે]
છબિ સૌજન્ય : NCPA Library Archives
સૌજન્ય : https://www.bbc.com/gujarati/articles/cdrp01l6vmzo

Loading

...102030...54555657...607080...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved