Opinion Magazine
Number of visits: 10,221,529
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારનો વિરોધ બંધારણીય અધિકાર છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 July 2026

રવીન્દ્ર પારેખ

કેન્દ્ર સરકાર કે અન્ય રાજ્યોની સરકાર સામે આજની પ્રજા પાળેલી હોય તેમ વર્તે છે. સરકારનું ભક્ત મંડળ એટલું વ્યાપક છે કે આ દેશમાંથી વિરોધ કરનારાં પરિબળો ઓછાં થતાં જાય છે ને તે ઓછાં જ રહે એવા પ્રયત્નો થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો સરકારને ખબર પડે તે પહેલાં ભક્તો જ ન્યાય કરવા બેસી જાય છે. આ ઠીક નથી. સરકારની ભક્તિ ચાલતી હોય તો સરકારનો વિરોધ પણ ચાલવો જોઈએ. કમનસીબી એ છે કે ભક્તોને વાંધો નથી આવતો, પણ વિરોધનો સૂર કાઢનારાઓનું આવી બને છે. આવો વિરોધ કરનાર સરકાર દ્વારા દંડાય છે ને એ મામલો કોર્ટ સુધી પહોંચે છે, તો કોર્ટને નિર્ણય કરવાનું અઘરું થઈ પડે છે. કોર્ટ સરકારની વિરુદ્ધ ચુકાદો આપે તો તે સરકારની વિરુદ્ધ છે, એવું અર્થઘટન થાય ને સરકાર તરફી ચુકાદો આપે તો સરકારની ભાટાઈ કરે છે, તેવો તેનો અર્થ થાય. આવામાં સામાન્ય માણસનું સ્થાન કેવું હોય તે સમજી શકાય એવું છે.

મુંબઈ પોલીસે ભૂતપૂર્વ લોકસભા ઉમેદવાર સઈદ ચૌધરી સામે 2019 થી 2024 દરમિયાન CAA – સિટિઝન્સ એમેન્ડમેન્ટ્સ એકટ, નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ – NRC, બાબરી મસ્જિદ, વકફ બોર્ડનું  કહેવાતું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને જ્ઞાનવાપી મસ્જિદ જેવા મુદ્દાઓ પર પરવાનગી વગર શાંતિપૂર્ણ દેખાવો કરવા બદલ અને ‘ભા.જ.પ. સરકાર મુર્દાબાદ’ કે ‘અમિત શાહ મુર્દાબાદ’ જેવા રાજકીય નારાઓ બદલ 4-5 સામાન્ય FIR નોંધવામાં આવી હતી. આવી નારેબાજી કોઈ પણ કાર્યવાહી કરવા માટેનો આધાર કઈ રીતે બની શકે તે સવાલ બોમ્બે હાઈકોર્ટને હતો.

સોશિઅલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા(SDPI)ના જનરલ સેક્રેટરી સઈદ એહમદ અબ્દુલ વાહિદ ચૌધરીએ મુંબઈ પોલીસના તડીપારના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પોલીસે ચૌધરીને 1 વર્ષ માટે મુંબઈ બહાર જવા(તડીપાર)નો આદેશ આપ્યો હતો. સઈદ ચૌધરીની યાચિકામાં જણાવાયું હતું કે ઓક્ટોબર, 2025માં મહારાષ્ટ્ર પોલીસ એકટ (MPA) હેઠળ તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતાં આ આદેશને ગેરકાનૂની અને બદઈરાદાપૂર્વકનો ગણાવ્યો હતો. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી સ્વસ્થ રાખવા માટે શાંતિપૂર્ણ વિરોધ અને અસંમતિ જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે વિરોધ કરવો એ બંધારણીય અધિકાર છે. સરકારની નીતિઓનો વિરોધ કરવો અને સૂત્રો પોકારવા એ બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળ નાગરિકોને મળતો મૂળભૂત અધિકાર છે. માત્ર સરકારનો વિરોધ કરવા બદલ કોઈને અપરાધી ન ગણી શકાય. આની સામે પોલીસની ભૂમિકા બદલ પણ કોર્ટે કહ્યું કે પોલીસો કોઈ મુખ્ય મંત્રી કે વડા પ્રધાનના સેવકો નથી, તે લોકસેવકો છે – પબ્લિક સર્વન્ટ છે. સઈદ એહમદને તડીપાર કરવાનો આદેશ એટલે પણ ખોટો હતો કે તે એવા ગુનેગારો માટે છે જેમનાથી જાહેર સુરક્ષાને જોખમ હોય એ સાથે જ રાજકીય અસંમતિ દબાવવા માટે તડીપારનો દુરુપયોગ થઈ શકે નહીં.

બોમ્બે હાઈકોર્ટે સરકાર અને પોલીસની કામગીરી બાબતે એવી ટિપ્પણી કરી કે તમામ નાગરિકોને ભારત સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. લોકો વિરોધ કરે તો તેમની સામે ખોટા કેસો ઊભા કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે. જુલાઈ, 2026માં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ માધવ જામદારે મુંબઈ પોલીસ દ્વારા સઈદ એહમદ વિરુદ્ધના તડીપારના આદેશને રદ્દ કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે પરીક્ષાનાં પેપરો લીક થવાના વિરોધમાં દેશભરમાં થયેલાં વિરોધ પ્રદર્શનો મુદ્દે પણ ટકોર કરી હતી. એવા વિરોધ કરનાર સામે કાનૂની પગલાં લેવાયાં હતાં. સુનાવણી દરમિયાન જજ માધવ જામદારે રોકડું પરખાવ્યું હતું કે પોલીસ જનતાને જવાબદાર છે. તે રાજકીય કાર્યકરોને બંધાયેલી નથી. જો કે, વ્યવહારુ ચિત્ર એવું છે કે રાજકીય કાર્યકરોની ખુશામત સુધી પોલીસ પહોંચે છે ને સામાન્ય નાગરિક ગુનેગાર હોય તેમ તેની સાથે વર્તે છે. એ ખરું કે નાગરિકોને સરકારી નિર્ણયો સામે દેખાવો કે આંદોલન કરવાનો અધિકાર છે, પણ એવો અધિકાર સરકાર દ્વારા, તંત્રોને એવી ફરજ પાડે છે કે પેલો અધિકાર પ્રજા પાસે બચે જ નહીં. ટૂંકમાં, પોલીસને વિરોધ કે સૂત્રોચારને મુદ્દે તડીપારનો આદેશ આપવાની સત્તા નથી.

સૂત્રોચ્ચાર દ્વારા કોઈ જાનમાલની હાનિ થતી ન હોય કે હિંસાનો કોઈ પુરાવો ન હોય, તો કોઈને તડીપાર કરી શકાય નહીં. કોર્ટનો સવાલ એ છે કે સૂત્રોચ્ચાર કેમ ન થઇ શકે? સઈદ ચૌધરીએ સૂત્રો પોકાર્યા હોય એટલા પરથી તેને ગંભીર પ્રકારની સજા કરી શકાય નહીં. જસ્ટિસ જામદારે એ પણ સ્પષ્ટતા કરી કે કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કાયદાથી પર છે એવું નથી. જે પ્રદર્શનથી કોઈ હાનિ થતી નથી કે જાનમાલનું નુકસાન થતું નથી એવું જ પ્રદર્શન તડીપારની પાત્રતા બનતું નથી. પ્રદર્શનમાં જાહેર હાનિ કે નુકસાનનું પ્રાધાન્ય હશે તો તેવાઓની સામે કાયદો કાયદાની રીતે કામ કરશે.

જસ્ટિસ જામદારે કડક શબ્દોમાં કેટલાક સવાલો એમ કહીને પૂછ્યા હતા કે આ શું છે? તમામ નાગરિકોને ભારત સરકાર ગુલામ બનાવી રહી છે, પરિણામે લોકો વિરોધ કરી શકતા નથી કે આંદોલન કરી શકતા નથી. આ બધું શું ચાલી રહ્યું છે? અત્યારે ઘણાં પેપર્સ લીક થયાં છે. જો લોકો વિરોધ નોંધાવે છે તો, તેની સામે કેસ ઠોકી દેવાય છે. જસ્ટિસ માધવ જામદારે એ પણ જાણવા ઇચ્છ્યું કે સઈદ ચૌધરીને તડીપારનો હુકમ કેમ અપાયો હતો? જજ માધવ જામદાર એટલા ઉગ્ર હતા કે તંત્રનાં અધિકારીઓ પર તેમણે દંડ લાદવાની વાત પણ કરી હતી. અવાજ ઉઠાવવા બદલ તડીપાર કરવાથી વાણી સ્વાતંત્ર્ય અને ગરિમાના અધિકાર પર તરાપ પડે છે. જસ્ટિસ માધવ જામદારે સ્પષ્ટ કહ્યું કે તંત્રે બદઈરાદાથી પગલાં લીધાં હતાં. કોર્ટે કહ્યું કે તડીપારનો આદેશ રદ્દ કરીને રીટ અરજીનો નિકાલ કરવામાં આવે છે.

આજકાલ તો સુપ્રીમ કોર્ટના નિર્ણયો સામે પણ શંકાઓ થાય છે, ત્યાં બોમ્બે હાઇકોર્ટનો આ ચુકાદો અનેક રીતે વિશિષ્ટ છે. તે એ રીતે કે રીટ ફાઈલ કરનાર સઈદને તે પૂરોપૂરો ન્યાય કરે છે ને તે સાથે જ સરકાર ગુલામ બનાવે છે એ વાત પણ પૂરી નિર્ભીકતાથી કરે છે.

આ ચુકાદાની અસર સુપ્રીમ સુધી પહોંચી છે. સુપ્રીમના જાહેર હિતના સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ’હજી એવા જજો મોજૂદ છે જેઓ સરકારને સવાલ કરવાની અને નાગરિકોના અધિકારો માટે ઊભા રહેવાની હિંમત ધરાવે છે. પ્રશંસનીય.’ સુપ્રીમના વકીલનું આ પ્રમાણપત્ર અનેક રીતે ન્યાયનો મહિમા કરે છે. માધવ જામદારે રીટ કાઢી નાખી તે તો એક સહજ ક્રમ હતો, પણ તડીપારનો કાયદો કયા સંજોગોમાં બિનઅસરકારક છે એની સ્પષ્ટતા પણ કરી જ ! તેમણે સરકારને સોંસરા સવાલો કર્યા. એક તરફ સાદો વિરોધ કરનાર જો તડીપારને લાયક ઠરતો હોય, તો સરકારને સીધા સવાલ કરનાર જજ સામે કયો ખેલ નહીં પડે એની કલ્પના જ કરવાની રહે છે.

એમાં કોઈ શંકા નથી કે ભા.જ.પ. સરકારે વિકાસનાં ઘણાં કામો કર્યાં છે ને ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા ઊભી કરી છે. અનેક દેશો સાથે સંપર્ક વધ્યા છે. વેપાર વાણિજ્યની અનેક તકો ઊભી થઈ છે. દેશના 81.5 કરોડ લોકોને મફત અનાજ અપાય છે. અનેક પ્રકારની આર્થિક સહાયની ઘણી યોજનાઓ સક્રિય છે, પણ તે કિન્નાખોરી રાખીને પણ વર્તે છે. ખાસ કરીને વિપક્ષો બહુ સ્વકેન્દ્રી છે એનો લાભ સરકારને મળે છે. મજબૂત વિપક્ષ ન હોવાથી સરકારને એની ચિંતા નથી, એટલે તે મનમાની કરી શકે છે. કોઈ વિપક્ષી નેતા સામે પડ્યો તો તેને સરકારી હેરાનગતિનો ભોગ બનવાનું આવે છે. વિપક્ષને તોડવાનું ને સામેથી પોતાની સાથે કરી લેવાનું સરકારને અનુકૂળ આવે છે. જનતાનો વિરોધ પણ સરકારને અસહ્ય છે, એટલે સઈદ ચૌધરી જેવા રાજકીય નેતા ને તડીપાર કરવાનું ફાવતું આવે છે.

સરકારને એકલદોક્લ વિરોધ પણ માફક આવતો નથી, એટલે તે એવા વિરોધીઓને પજવવાના રસ્તાઓ શોધી કાઢે છે. કંઇ નહિ તો ખોટા કેસો ઊભા કરીને વિરોધીને એટલો પરેશાન કરાય છે કે વિરોધ કરવાની ખો ભૂલી જાય. રાજકીય, સામાજિક, ધાર્મિક વિરોધોનું વાતાવરણ સર્જીને વિવાદ ચાલુ રાખવાનું સરકારને માફક આવે છે. સાદી વાત એટલી છે કે સરકારને લોકશાહી હોવા છતાં વિરોધ માફક આવતો નથી ને તે સામાન્ય માણસનો વિરોધ હોય તો પણ તેને હેરાન કર્યા સિવાય ભાગ્યે જ છોડે છે. એવે વખતે માધવ જામદાર જેવા જજો મોટું આશ્વાસન છે જે યાદ અપાવે છે કે દેશમાં હજી લોકશાહી છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જુલાઈ 2026

Loading

અસાધારણ સિદ્ધિઓ કે સામાન્ય સવલતો?: સપનાં બુલેટ ટ્રેઇનનાં છે, પણ મોત મેનહોલમાં મળે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 July 2026

મોટી સિદ્ધિઓની ઉજવણી વચ્ચે તૂટેલા ફૂટપાથ અને ખુલ્લા મેનહોલ વચ્ચે જીવનારાં (કે મરનારાં) નાગરિકોને ભૂલી જઇએ ત્યાં પ્રશ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સરકારોનો નહીં સામૂહિક વિવેકનો છે.

ચિરંતના ભટ્ટ

મુંબઈમાં ગયા અઠવાડિયે એક માણસ ખુલ્લા મેનહોલમાં પડ્યો અને ગરકાવ થઇ ગયો. ચેમ્બુરમાં ઝાડ પડવાથી એક છોકરાનો જીવ ગયો. મુંબ્રા અને ડોમ્બીવલીમાં ખુલ્લા કેબલ અને ગટરના કારણે બે જણા કરંટ લાગવાથી મોતને ભેટ્યાં. એ પહેલાં ખુદ મેયર જ્યારે વરસાદી કામગીરીની તપાસ કરતા હતા, ત્યારે તેમની પાછળ જ એક કર્મચારી ગટરના ખુલ્લા ઢાંકણામાં પડ્યો! આ અરાજકતા છે, અંધાધૂંધી છે. દુનિયાની આર્થિક રાજધાની ગણાતા શહેરમાં આવી ઘટનાઓ ગણતરીના દિવસોમાં થઇ હોવા છતાં કોઈ નાટ્યાત્મક ફેરફાર ન આવ્યા. કટોકટી માટે કોઈ સત્ર ન ભરાયું. બી.એમ.સી.માં એક કમિટી બની ગઈ અને અઠવાડિયું હંમેશાંની માફક આગળ વધી ગયું.

વાત માત્ર મુંબઈની નથી. આસામમાં દર વર્ષે સરકારી કૅલેન્ડરની ચોકસાઈની જેમ પૂર આવે છે. ગામો ડૂબે છે, રાહત જાહેર થાય છે, ફોટોગ્રાફ લેવાય છે અને નવેમ્બર સુધીમાં આસામ ભૂલાઈ જાય છે, આવતા જૂનમાં રિપીટ થવા માટે. ગુજરાત, સૌરાષ્ટ્ર, ચેન્નઈ, બૅંગાલુરુ, દિલ્હી સુધ્ધાં; નામો બદલાય છે, પૅટર્ન નથી બદલાતી. ગણતરીના કલાકોના વરસાદમાં શહેરો ભાંગી પડે છે, રસ્તાઓ નદી બની જાય છે અને સોશ્યલ મીડિયા પર તરતી કારોના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે, પણ જવાબદારીના મામલે કોઈનું અલ્ગોરિધમ મચક નથી આપતું.

વરસાદ અટકે એટલે આક્રોશ પાણી સાથે વહી જાય છે અને આપણે ધીરજથી આવતા વર્ષની રાહ જોઇએ છીએ. આપણે ગર્વથી આને ‘રેઝિલિયન્સ’ કે ‘કેઓસમાં જીવવાની આદત’ કહીએ છીએ, પણ ખરેખર તો આપણને જે અસ્વીકાર્ય હોય તેને સ્વીકારવાની રાષ્ટ્રીય આદત પડી ગઈ છે.

જરા સરખા વરસાદમાં શહેરો ધમરોળાઈ રહ્યાં હતાં, લોકો મોતનો કોળિયો બની રહ્યા હતાં ત્યારે આપણું ધ્યાન હતું સોશ્યલ મીડિયા યૂઝરનેમ પૉલિસી પર. વૉટ્સએપ ડિબેટ સંસદીય મુદ્દો બની ગઈ. બ્યુટિફિકેશન કે ડેકોરેશન બહુ જ જરૂરી છે એવો આભાસ ખડો કરવામાં આપણે અસાધારણ રીતે કુશળ બની ગયાં છીએ. માળખાકીય સમસ્યાઓને આપણે બેકગ્રાઉન્ડ નોઇસ માની લઇએ છીએ. અઠવાડિયાનો આક્રોશ આવે છે, ટોચ પર પહોંચે છે અને બસ પતી જાય છે. ચોમાસાના લયમાં અને એટલી જ ગંભીરતા સાથે. મેનહોલ ટ્રેન્ડ નથી કરતા, બસ માણસને ગળી જાય છે. 

અકાળે મોત પામેલા આ લોકોના સમાચાર સાંભળી આપણે નિસાસા નાખીએ છીએ. બીજો મુદ્દો શું છે? રામ મંદિર આપણે બહુ હોહા કરીને બાંધ્યું. સભ્યતા, સંસ્કૃતિ, ગૌરવ એવી બધી વાતો કરી અને એવું છે પણ ખરું. અબજો રૂપિયા ભેગા થયા અંતે હૂંડી લૂંટાઈ ગઈ. આપણે જે મુદ્દાની વાત કરવાની છે આજે તેને ધર્મશાસ્ત્ર સાથે કોઈ લેવાદેવા નથી, પણ મોટા પાયે ઘોંઘાટ કરતો બધા જ પ્રકારનો પ્રતીકવાદ આપણે એક દેશ તરીકે ક્યાં ઊભા છીએ તેના પ્રામાણિક સમીકરણમાં કોઈ સ્થાન નથી ધરાવતો. આપણે ભવ્યતા ખડી કરવા સક્ષમ છીએ, પ્રતિષ્ઠા, ભક્તિ બધું જ છે પણ પછી સ્મારક છે, હૂંડી ગાયબ છે. ગટર ઊભરાય છે અને મેનહોલ ખુલ્લો રહે છે.

સાડાચાર હજાર વર્ષ પહેલાં, વગર ટેક્નોલૉજીએ હડપ્પીય સભ્યતાને જે જાહેર વ્યવસ્થા સમજાતી હતી તે આપણે ચૂકી ગયાં છીએ. સભ્યતાઓનું મૂલ્ય તેની ભવ્ય મહત્ત્વાકાંક્ષાથી નહીં, પણ કપરા સમયમાં તેમણે બનાવેલું શું ટકી ગયું તેનાથી વર્તાય છે. આપણે સ્મારકોથી મોહિત થયાં અને ગટરો ભૂલી ગયાં.

આ બધી બાબતો પર સામાન્ય પ્રતિક્રિયા સરકારને દોષ આપવાની હોય છે. અને સરકારો એટલે પછી તે મહાનગરપાલિકાની હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, દરેક પોતાની જવાબદારીના હિસ્સા જેટલી ટીકા લાયક તો છે જ. પાંચ વર્ષ ટકે તેવા રસ્તાઓ પાંચ મહિનામાં તૂટી પડે છે અને અધિકારીઓ એ.સી. ચેમ્બરમાં બેઠા બેઠા નાળાઓની તપાસના અહેવાલો પર સહી કરે છે. પણ અહીં કોઈ એક ખલનાયક નથી, વાત આખી માનસિકતાની છે. પોતાના ફાયદા માટે કોઈ બિલ્ડર નાળું પુરાવી દે, આસપાસ રહેનારા બાલ્કનીમાંથી પ્લાસ્ટિક ફેંકી સ્ટોર્મ ડ્રેન બ્લોક કરી દે અને કોર્પોરેટ કેમ્પસની બહારના તૂટેલા ફૂટપાથની જવાબદારી કોઈ ન લે. ‘ચલતા હૈ’નો અભિગમ એ આપણી નાગરિક સંસ્કૃતિની ઑપરેટિંગ સિસ્ટમ બની ગઈ છે, જે માત્ર એ વ્યક્તિ માટે કામ નથી કરતી જે મેનહોલમાં પડીને મોતનો કોળિયો બની ગઈ.

આપણે એક દેશ તરીકે વિશેષ પ્રકારનો માનસિક વિરોધાભાસ સાધી લીધો છે. જી.ડી.પી.માં જર્મની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સિલિકોન વેલી અને સ્પેસમાં ઇસરો સાથે સરખામણી કરતું આપણું રાષ્ટ્ર, જ્યારે પોતાના જ ઘર બહારના ખાડા કે તૂટેલા ફૂટપાથ વિશે પૂછવામાં આવે ત્યારે અચાનક “વસ્તી બહુ વધારે છે” જેવા બહાનાઓ કાઢવા માંડે છે. એક દેશ વૈશ્વિક શક્તિઓની હરોળમાં સ્થાન માંગે અને સાથે જ શાંતિથી એ પણ સ્વીકારી લે કે તેના નાગરિકોએ રસ્તો પાર કરતી વખતે જીવ બચાવવા કરતબ બતાવવા પડશે, આ બંને વિરોધાભાસી વાતો લાંબો સમય ન ચાલી શકે.

આપણે સતત ‘Ease of Doing Business’ વિશે વાત કરીએ છીએ, કદાચ હવે ‘Ease of Living’ની માંગ કરવાનો સમય આવી ગયો છે. વિકસિત દેશ એ નથી જ્યાં અબજ ડૉલરની કંપનીઓ હોય પણ સામાન્ય નાગરિકો તૂટેલા ફૂટપાથ અને ટ્રાફિક જંક્શન વચ્ચે જીવ હથેળીમાં રાખીને જીવતા હોય. આપણે અસાધારણ સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, સૌથી લાંબો એક્સપ્રેસવે, સૌથી ઊંચી પ્રતિમા. પરંતુ કોઈ રાજકારણી એવા પ્રચાર સાથે ચૂંટણી નથી લડતો કે “મારા કાર્યકાળ દરમિયાન શહેરના દરેક મેનહોલને ઢાંકવામાં આવ્યું હતું.”

છતાં ય સત્યો એ છે કે આ ન દેખાતી, આકર્ષક ન લાગતી અને મોટી ઉજવણીને લાયક નથી એવી સામાન્ય કાર્યક્ષમતા, દોડતાં રહી કામ કરતાં રહેતાં શહેરો અને માત્ર સપનાં જોતાં શહેરોની વચ્ચેનો મોટો તફાવત છે. વિશ્વનું શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એ છે જેની કોઈ નોંધ નથી લેતું, કારણ કે તે બસ અવરોધ વગર પોતાનું કામ કરતું રહે છે. તે ચાલે છે, અટકતું નથી અને અવરોધ નથી બનતું.

બાય ધી વેઃ

વિકસિત રાષ્ટ્ર રોજેરોજ અસાધારણ દિવસોનું પ્રોમિસ નથી આપતું, તે સામાન્ય દિવસો પર ભરોસો કરી શકાશે તેની ખાતરી આપે છે—કે વરસાદ પડશે પણ વૉટરલોગિંગ નહીં થાય, ફૂટપાથ પર ચાલી શકાશે, મેનહોલ ખુલ્લાં નહીં હોય. આ શાંઘાઇ કે ચીન બનવાનાં સપનાં નથી આ ઓછામાં ઓછી અપેક્ષાઓ છે. આપણે સતત અસાધારણ સિદ્ધિઓનો પીછો કરીએ છીએ પણ નાનામાં નાની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જઇએ છીએ. દર ચોમાસે ગરકાવ થઇ જતાં શહેરો માટે વરસાદ સમસ્યા નથી. તે ક્યારે ય નહોતી. વરસાદ તો વર્ષમાં એક વાર આવતી મોસમ છે જ્યારે વાસ્તવિકતાને ન તો સંભાળી શકાય છે ન તો તેને કોઇ સ્પિન આપી શકાય છે કે ન ટ્રેન્ડિંગ વિષયોથી ઢાંકી શકાય છે. આ મોસમમાં ખુલ્લા મેનહોલ અવગણવા શક્ય નથી કારણ કે કોઇના મોતના સમાચાર આપણે વાંચ્યા હોય છે. વર્ષના બાકીના મહિનાઓમાં આપણી નિયત પ્રાથમકિતાઓ નકારી શકાય તેવી નથી રહેતી. કોઈ રાષ્ટ્રનું મૂલ્ય તે સામાન્ય દિવસોમાં કેવા જોખમો સાથે જીવતા શીખી જાય છે તેના પરથી નક્કી થાય છે અને માટે જ સામાન્ય દિવસે ગોઝારા ન બને તેની સહિયારી જવાબદારી લેવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે. કદાચ સમસ્યા વરસાદ નથી. કદાચ સમસ્યા એ છે કે આપણે દર વર્ષે વરસાદ પહેલાં બદલાવની રાહ જોઈએ છીએ અને વરસાદ પછી ભૂલી જઈએ છીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જુલાઈ 2026

Loading

મેઘ આગમન

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|5 July 2026

આભે વીજળી ચમક ચમક.
વાદળ તું હવે તો વરસ વરસ.

છીપાવ ધરાની તરસ તરસ.
ને સુધરે સહુનું વરસ વરસ.

નેવાં ઘરના રખે ટપક ટપક.
સાંબેલાધારે એ હરખ હરખ.

ટાઢક અવનિની પરખ પરખ.
માનવ ચહેરાઓ મરક મરક.

વહ્યાં વારિ કેવાં તરત તરત.
ના રાખી મેઘે કશી શરત શરત.

દીધું સમદર જળ પરત પરત.
છે એ તો દાતાર તું વરત વરત.

નદીનાળાં, સરવર ભરત ભરત.
ના રહી જળકેરી અછત અછત.

પોરબંદર
e.mail : joshichaitanya568@gmail.com

Loading

...102030...55565758...708090...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved