Opinion Magazine
Number of visits: 10,221,523
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—348

દીપક મહેતા|Opinion - Opinion|4 July 2026

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી : બેલાર્ડ પિયર મોલ સ્ટેશન અને ફ્રન્ટિયર મેલ 

નેવું વરસ પહેલાંની વાત છે. એ જમાનાની પ્રખ્યાત ફિલ્મ કંપની વાડિયા મુવીટોને એક ફિલ્મ બનાવી. ફિલ્મનાં ઘણાં ખરાં દૃશ્યો રેલવે સ્ટેશન પર કે તેની આસપાસ, ટ્રેનની અંદર, દોડતી ટ્રેનના છાપરા પર, ખરેખર, આઉટ ડોર શૂટિંગ વડે તૈયાર થયાં હતાં. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું. વાડિયા મૂવીટોને નવી ફિલ્મની જાહેરાત કરી. અને તરત જ એ વખતની બી.બી.સી.આઈ. રેલવે કંપનીએ વાંધો લીધો. અમારી ટ્રેનના નામનો ઉપયોગ તમે કરી જ કેમ શકો? પણ વાડિયા મુવિટોનવાળા હતા જબરા ચતુર. તેમણે તરત જ ફિલ્મનું નામ બદલીને રાખ્યું ‘મિસ ફ્રન્ટિયર મેલ.’ અને એ ફિલ્મ તો ઊપડી ફ્રન્ટિયર મેલની સ્પીડથી. ફિયરલેસ નાદિયા એ જમાનાની અસાધારણ લોકપ્રિય એકટ્રેસ. જોખમી સ્ટંટ બધા જાતે જ કરે. આ ફિલ્મમાં ફાઈટ કરીને ગુંડાઓને તેણે હરાવેલા. હા, જી. તમે કહેશો કે એમાં તે શી મોટી ધાડ મારી? પણ એ ફાઈટનું શૂટિંગ થયું હતું ખરેખર દોડી રહેલી ફ્રન્ટિયર મેલ ટ્રેનના ડબ્બાના છાપરા પર. 

ફિયરલેસ નાદિયાની ફિલ્મ મિસ ફ્રન્ટિયર મેલ 

૧૯૩૬ના જુલાઈની ૨૯મીનું ‘ધ બોમ્બે ક્રોનિકલ’ છાપું કહે છે કે મુંબઈમાં છેક દસમે અઠવાડિયે પણ આ ફિલ્મનો એક્કેએક શો હાઉસ ફૂલ જતો હતો. ૧૯ જૂન ૧૯૩૬નું ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ કહે છે કે આગલે દિવસે દિલ્હીનાં થિયેટર પર લોકોની એટલી તો ભીડ જામી હતી કે ટોળાંને કાબૂમાં રાખવા પોલીસ બોલાવવી પડી હતી. 

બેલાર્ડ પિયરથી ઊપડેલ ફ્રન્ટિયર મેલ

પણ આ ફ્રન્ટિયર મેલ ટ્રેન મુંબઈના કયા સ્ટેશનેથી ઊપડતી? ક્યારેક ગયે વખતે જેની વાત કરેલી તે કોલાબા સ્ટેશનેથી, ક્યારેક બેલાર્ડ પિયર મોલ સ્ટેશનેથી. એમ કેમ? અને બેલર્ડ પિયરમાં વળી રેલવે સ્ટેશન ક્યાંથી આવ્યું? હા, જી. એ જ તો છે મુંબઈનું બીજું ખોવાયેલું સ્ટેશન, બરાબર કોલાબા સ્ટેશનની જેમ. 

બરફની પાટો ગોઠવી બનાવાતો AC ડબ્બો

૧૮૬૯માં સુએઝ કેનાલ ખુલ્લી મૂકાઈ તે પછી ધીમે ધીમે ગ્રેટ બ્રિટન સાથેના દરિયાઈ વહેવારમાં મદ્રાસ અને કલકત્તાનું મહત્ત્વ ઘટતું ગયું અને મુંબઈનું મહત્ત્વ વધતું ગયું. કારણ અગાઉ કેપ ઓફ ગુડ હોપને રસ્તે આવતાં જહાજોને મદ્રાસ અને કલકત્તા પાસે પડતાં, મુંબઈ દૂર. જ્યારે સુએઝને રસ્તે આવતાં વહાણોને મુંબઈ પાસે પડતું, મદ્રાસ અને કલકત્તા દૂર. ૧૮૪૨થી લંડન-મુંબઈ-લંડન વચ્ચેની ટપાલ લાવવા લઈ જવા માટે ‘પેડલ પ્રોપેલર’ વહાણોનો ઉપયોગ શરૂ થયો. પછી સરકારી નોકરી માટે કે બીજાં કામે હિન્દુસ્તાન આવતા અંગ્રેજો મુંબઈ ઊતરતા અને પછી તેમને જ્યાં જવાનું હોય ત્યાં જતા. આવા મુસાફરોની સગવડ માટે પી એન્ડ ઓ શિપિંગ કંપની, બોમ્બે પોર્ટ ટ્રસ્ટ અને બી.બી.સી.આ. રેલવેએ સાથે મળીને એક ખાસ ટ્રેન શરૂ કરી. મુંબઈથી ઊપડીને એ ટ્રેન છેક બ્રિટિશ ઇન્ડિયાની સરહદ સુધી, એટલે કે પેશાવર સુધી જતી. જે દિવસે (સાધારણ રીતે શુક્રવારે) પી એન્ડ ઓ કંપનીની સ્ટીમર મુંબઈ આવવાની હોય તે દિવસે એ ટ્રેન બેલાર્ડ પિયર મોલ સ્ટેશનેથી ઊપડતી. બાકીના દિવસે કોલાબા સ્ટેશનથી ઊપડતી. બેલાર્ડ પિયરથી બપોરે બે વાગ્યે ઊપડેલી ટ્રેન સુરત, વડોદરા, રતલામ, કોટા, મથુરા, દિલ્હી,  ફિરોઝપુર, લાહોર, રાવલપિંડી, વગેરે સ્ટેશને રોકાઈને ત્રીજે દિવસે સવારે ૭:૨૦ વાગે પેશાવર પહોંચતી. આ ફ્રન્ટીયર મેલના સાફામાં બીજું એક છોગું ઉમેરાયું ૧૯૩૪માં. હિન્દુસ્તાનની રેલવેની તવારીખમાં પહેલી વાર આ ટ્રેનમાં AC ડબ્બો ઉમેરાયો. પણ આ ટ્રેન ચાલતી હતી તો સ્ટીમ એન્જીનથી. તો એર કંડીશન કઈ રીતે ચાલતું? ફર્સ્ટ ક્લાસના એક ડબ્બાની ફ્લોર નીચે ખાસ પ્રકારનાં મોટાં ખાનાં બનાવેલાં. મુંબઈથી ટ્રેન ઊપડતાં પહેલાં તેમાં બરફની મોટી મોટી પાટો ગોઠવતા. બેટરીથી ચાલતા પંખા ઠંડી હવાને પાઈપ દ્વારા ઉપર ધકેલતા. અને છાપરામાં ગોઠવેલી જાળીમાંથી ઠંડી હવા મુસાફરોને ઠંડા ઠંડા કૂલ કૂલ રાખતી. હા, વચમાં જે સ્ટેશને એન્જિનમાં કોલસો-પાણી ભરાય તે સ્ટેશને આ ડબ્બા નીચેનાં ખાનામાં બરફની પાટો ભરાતી. આઝાદી પછી આ ટ્રેન ફક્ત અમૃતસર સુધી જતી થઈ. તેનું નામ બદલાઈને થયું ગોલ્ડન ટેમ્પલ મેલ. બેલાર્ડ પિયર સ્ટેશન તો ગયું. પણ હવે આ ટ્રેન બોમ્બે સેન્ટ્રલથી પણ ઊપડતી નથી. બચાડો જીવ, હવે ઊપડે છે બાંદરા ટર્મિનસથી. 

બેલાર્ડ પિયરનું બે પ્લેટફોર્મવાળું સ્ટેશન છેક દરિયા કિનારે આવેલું હતું. લંડનથી સ્ટીમરમાં બેઠેલો મુસાફર પેશાવર જતો હોય તો સ્ટીમરમાંથી ઊતરી, થોડું ચાલી, સામી બાજુએ ઊભેલા ફ્રન્ટિયર મેલમાં બેસે, તે સીધો પેશાવર ઊતરે! અને હા, ટ્રેનના પાટા તો છેક ડોક સુધી જતા. એટલે સ્ટીમરમાંથી ઊતરેલો મુસાફરોનો સામાન અને ટપાલના કોથળા સીધા ચડાવાતા ટ્રેનના ડબ્બામાં. આ ફ્રન્ટિયર મેલ હતો બી.બી.સી.આ.ઈ. રેલવેનો, પણ બેલાર્ડ પિયર સ્ટેશન બોમ્બે પોર્ટ ટ્રસ્ટની જમીન પર આવેલું હતું. અને તેનું નામ પડ્યું હતું બોમ્બે પોર્ટ ટ્રસ્ટના પહેલા ચેરમેન જનરલ જોન એલેક્સ બેલાર્ડના નામ પરથી. તેઓ ૧૮૭૩થી ૧૮૭૬ દરમ્યાન બોમ્બે પોર્ટ ટ્રસ્ટના ચેરમેન હતા. તેમનો જન્મ ૧૮૩૦માં, અવસાન ૧૮૮૦માં. આ સ્ટેશન એવું તો જાજરમાન હતું કે એ The Most Glamorous Station in India તરીકે ઓળખાતું. આ બેલાર્ડ પિયર સ્ટેશન હતું કેવું? ઘણું લાંબું. આખા લાંબા પ્લેટફોર્મને માથે સળંગ છાપરું. સ્ટેશનનાં મકાનો બેઠા ઘાટનાં પણ સુંદર. અને સ્ટેશનને નાકે ઘડિયાળ વગરનો, પણ કલોક ટાવર જેવો મિનારો. (કોલાબા સ્ટેશન પર પણ બરાબર આવો જ મિનારો હતો.)

બેલાર્ડ પિયરથી ઊપડેલી એસ.એસ. રાજપુતાના પરના મુસાફરોમાંના એક મહાત્મા ગાંધી

યાદ છે? બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ૧૯૩૧ના ઓગસ્ટની ૨૯મી તારીખે ગાંધીજી પી એન્ડ ઓ કંપનીની એસ.એસ. રાજપુતાના સ્ટીમર દ્વારા લંડન જવા મુંબઈથી રવાના થયા હતા. એ સ્ટીમર આ બેલાર્ડ પિયરથી જ ઊપડેલી. ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ એ આગલી સાંજે જ ઝવેરચંદ મેઘાણીએ લખેલું હૃદયદ્રાવક ગીત તાબડતોબ છપાવીને ગાંધીજીની સ્ટીમર ઊપડે તે પહેલાં ત્યાં હાજર રહેલા લોકોમાં વહેંચાયું હતું તે આ બેલાર્ડ પિયર પર જ. એક નકલ ગાંધીજીને પહોંચાડવાની હતી, પણ તેઓ બીજાં કામોમાં રોકાયેલા હતા, એટલે મહાદેવભાઈએ તેમના વતી સ્વીકારેલી. સ્ટીમર ઊપડ્યા પછી સમય મળતાં ગાંધીજીએ એ કાવ્ય વાંચ્યું ત્યારે બોલેલા : “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે. કવિએ તો એનું આખું હૃદય એમાં ઠાલવ્યું છે.” (મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં આ શબ્દો નોંધ્યા છે.) 

આ પી એન્ડ ઓ કંપનીનો પણ લાંબો ઇતિહાસ છે. એની સ્થાપના થઈ છેક ૧૮૩૭માં. બ્રોડી વિલકોક્સ, આર્થર એન્ડરસન, અને રિચર્ડ બોર્ન એ ત્રણ ભાગીદારોએ શરૂ કરેલી આ કંપનીનું આખું નામ પેનનસુલર એન્ડ ઓરિએન્ટલ સ્ટીમ નેવિગેશન કંપની. પણ ઓળખાતી પી એન્ડ ઓના ટૂંકા નામે. ગ્રેટ બ્રિટનના વેપારી વહાણવટાના વિકાસમાં તેનો ઘણો મોટો ફાળો. શરૂઆત કરી ટપાલ પહોંચાડવાના કામથી. પણ પછી ધીમે ધીમે એ વખતે બ્રિટિશ શાસન હેઠળના દેશોને ગ્રેટ બ્રિટન સાથે અને એકબીજા સાથે સાંકળતી મહત્ત્વની કડી બની રહી. ૧૮૩૭માં સ્થાપના થઈ ત્યારે નામ હતું પેનનસુલર સ્ટીમ નેવિગેશન કંપની. ૧૮૪૦માં આ કંપનીને ગ્રેટ બ્રિટનથી ઈજિપ્ત તથા હિન્દુસ્તાન વચ્ચેની ટપાલ લાવવા લઈ જવાનો પરવાનો અપાયો અને એ સાથે તેનું નામ બદલાઈને થયું પેનનસુલર એન્ડ ઓરીએન્ટલ સ્ટીમ નેવિગેશન કંપની. આજે તો હવે સહેલાણીઓ માટે ક્રૂઝની સગવડ પૂરી પાડતી ઘણી કંપનીઓ છે. પણ છેક ૧૮૪૪માં પી એન્ડ ઓ કંપનીએ બ્રિટનથી ભૂમધ્ય સમુદ્રના દેશો સુધીની ક્રૂઝ શરૂ કરી હતી. 

આ કંપનીએ ગ્રેટ બ્રિટનથી મુંબઈ સુધીની સેવા છેક ૧૮૪૦માં શરૂ કરી, અને તે પણ કેપ ઓફ ગૂડ હોપને રસ્તે નહિ. તો? તેણે લીધેલો રસ્તો ઓવરલેન્ડ રૂટ તરીકે ઓળખાતો. લંડનથી નીકળેલું જહાજ સાઉધમપ્ટન, જિબ્રાલ્ટર, અને માલ્ટા થઈને ઈજિપ્તના એલેકઝાનડ્રીઆ બંદરે પહોંચતું. ત્યાંથી સુએઝ સુધી મુસાફરોને ઘોડા ગાડીમાં કે નાઇલ નદી પર ચાલતી હોડીમાં લઈ જવાતા અને તેમનો સામાન ઊંટોની પીઠ પર લાદીને લઈ જવાતો. ઇજિપ્તમાં રેલવેની સગવડ થઈ તે પછી મુસાફરો અને તેમનો સામાન બંને ટ્રેન દ્વારા એ જ રસ્તો કાપતા. સુએઝથી આ જ કંપનીનું બીજું જહાજ મુસાફરોને મુંબઈ લઈ આવતું. આ આખી મુસાફરી ૪૫થી ૫૦ દિવસમાં પૂરી થતી. અને છતાં એ વખતે એ ટૂંકામાં ટૂંકો રૂટ હતો! પણ સુએઝ કેનાલ શરૂ થયા પછી ગ્રેટ બ્રિટનથી ઊપડેલી સ્ટીમર સુએઝ અને એડનથી સીધી મુંબઈ પહોંચતી. ત્યારે આખી મુસાફરીને ૨૦થી ૨૫ દિવસ લાગતા! આમ, જુદી જુદી રીતે, પણ પી એન્ડ ઓ કંપનીએ ગ્રેટ બ્રિટન અને મુંબઈ વચ્ચેની દરિયાઈ સેવા લગભગ ૧૨૦ વરસ સુધી ચલાવી. તે માટે શરૂઆતમાં ‘પેડલ સ્ટીમર’ વપરાતી. પછી ૧૮૫૦થી ૧૮૬૦ સુધી આવ્યો ‘આયર્ન સ્ક્રૂ સ્ટીમર’નો જમાનો. પછી આવી ખૂબ રૂડી રૂપાળી ‘K Class’ સ્ટીમરો. તેમનાં નામ હતાં : કાશ્મીર, કૈસરે હિન્દ, ખૈબર, અને ખંડાલા!

આ કંપનીની સ્ટીમરોમાં ત્રણ ક્લાસ હતા. ફર્સ્ટ ક્લાસમાં ગવર્નરો, આઈ.સી.એસ. અફસરો, ન્યાયાધીશો, મહારાજાઓ, અને તવંગર વેપારીઓ મુસાફરી કરતા. સેકંડ ક્લાસમાં લશ્કરના અફસરો, મિશનરી પાદરીઓ, અધ્યાપકો અને શિક્ષકો, અને એન્જીનિયરો મુસાફરી કરતા. અને ત્રીજા વર્ગમાં સૈનિકો, મજૂરો, અને કુટુંબકબીલા મુસાફરી કરતા. ઘણાં વરસો સુધી પી એન્ડ ઓ કંપનીની એકમાત્ર હરીફ હતી બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપની. પણ ૧૯૧૪માં પી એન્ડ ઓ કંપનીએ આ હરીફ કંપની જ આખેઆખી ખરીદી લીધી. એ પછી તે લગભગ બિનહરીફ બની. 

ખોવાણું રે મારું સ્ટેશન: બેલાર્ડ પિયર 

પણ પછી ૧૯૨૯થી બ્રિટન અને હિન્દુસ્તાન વચ્ચે વ્યવસાયી વિમાન સેવા શરૂ થઈ. તેની સગવડ વધતી ગઈ તેમ તેમ મુસાફરી માટે દરિયાઈ સફર ઘટતી ગઈ. એટલે પછી બેલાર્ડ પિયરના રેલવે સ્ટેશનનું પણ મહત્ત્વ ઘટતું ગયું. અને છેવટે બેલાર્ડ પિયર મોલ સ્ટેશનને ૧૯૪૪માં કાયમ માટે બંધ કરવામાં આવ્યું. એટલે આજે તો હવે આપણે પ્રભુલાલ દ્વિવેદીની સાથે ગઈ શકીએ :

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નિયમ બદલાતા નથી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 જુલાઈ 2026

Loading

ઇંધણના ભાવ ગમે એટલા ઘટે, સરકાર ભાવ ઘટાડવાની નથી –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 July 2026

રવીન્દ્ર પારેખ

બે દિવસ પર કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો છે. તેનો ભાવ 183.5 રૂપિયા ઘટીને 3,11૩ પરથી 2,93૦ પર ઊતરી આવ્યો છે. આ વર્ષનો આ પહેલો ઘટાડો છે. ઓઈલ ક્મ્પનીઓએ વિમાની ઇંધણ (ATF) અને પાંચ કિલોની ફ્રી ટ્રેડ એલ.પી.જી.(FTL)ના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. ATFનો ભાવ લિટરે 5 રૂપિયા ઘટ્યો છે, જ્યારે FTL સિલિન્ડરમાં 13 રૂપિયા ભાવ ઘટ્યો છે. એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ 942 યથાવત રખાયો છે. એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ ૩ માર્ચે 60 રૂપિયા અને 7 જૂને 29 રૂપિયા વધ્યો હતો, તેમાં આ વખતે કોઈ ઘટાડો આવ્યો નથી, એટલે સામાન્ય નાગરિકને કોઈ રાહત અપાઈ નથી. ત્રણ મહિનામાં 89 રૂપિયાનો વધારો થયા પછી પણ એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ ઘટ્યો નથી એ હકીકત છે.

થોડો પણ ભાવ ઘટે તો સરકારે ખોટ પણ વ્યાપકપણે ખાવી પડે ને નફાખોર સરકાર એ સહન ન કરી શકે. એટલું છે કે ઘરેલું એલ.પી.જી.નાં વેચાણમાં સસ્તું કંઇ થાય એમ નથી. કારણ ઘરેલું એલ.પી.જી.માં સબસીડી અપાય છે. તેની કિંમત અને છૂટક વેચાણ કિંમત વચ્ચેનાં અંતરની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે છે. એમાં જો ભાવ ઘટાડવામાં આવે તો સરકારને વધુ ખોટ જાય ને સરકાર એવું કરે નહીં.

એવી જ સ્થિતિ પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ જોવા મળી છે. પશ્ચિમ એશિયા અને ઈરાન યુદ્ધની અસરો ઓછી થતાં ને દરિયાઈ માર્ગ ખુલ્લો થતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ અડધા થઈ ગયા છે. અત્યાર સુધી ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા હોવાથી ભારતીય તેલ કંપનીઓ ખોટ ભોગવતી હતી, એટલે પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો કરાયો હતો. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ આશરે 1 ટકા ઘટાડા સાથે 79 ડોલર પ્રતિ બેરલ નજીક આવી ગયું છે. WTI ક્રૂડ પણ 76 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડના ભાવ ઘટતા ભારતીય જનતાને એમ લાગી રહ્યું છે કે પેટ્રોલ-ડિઝલ સસ્તું થશે. એ ખરું કે 200 લિટર ડિઝલની મર્યાદા નીકળી ગઈ છે. હવે ઇચ્છો તેટલું પેટ્રોલ કે ડિઝલ ગાડીમાં પુરાવી શકાય. પણ ભાવ ઘટવા અંગે કશી સ્પષ્ટતા નથી. જો કે, પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક બજારમાં રિટેલ ભાવો અંગેનો કોઈ પણ નિર્ણય આંતરરાષ્ટ્રીય સ્થિતિનાં મૂલ્યાંકન પછી જ કરવામાં આવશે. એ ખરું કે યુદ્ધની કટોકટી દરમિયાન ક્રૂડ ઓઈલ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. તેમાં ઘટાડો થયો હોય તો ઓઇલના ભાવ પણ ઘટવા જ જોઈએ, પણ સરકારની નફાખોરી, ખોટ ભરપાઈ કરવામાં જ જતી હોય તો નવાઈ નહીં.

અત્યારે દેશભરમાં ઇંધણની અંદાજિત કિંમત પેટ્રોલની 105થી 112 અને ડિઝલની કિંમત 95થી 100 પ્રતિ લિટર છે. મે મહિનામાં સરકારી ઇંધણ રિટેઈલર કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધતા, ભારતની સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના લિટરે 7.50 રૂપિયા ભાવ વધારેલા. સંયુક્ત રીતે ભારતની ઇંધણ કંપનીઓ, રિટેલ ઇંધણ માર્કેટમાં 90 ટકા હિસ્સો ધરાવે છે, તે ભાવ ઘટાડે તો કહેવાતી ખોટ વ્યાપક ને ઊંડી બને. એટલે પણ ઓઈલ ક્મ્પનીઓએ ભાવ યથાવત રાખ્યા છે. ઓઈલ સસ્તું ન થવાનું એક કારણ સરકાર દ્વારા લાદવામાં આવતો ભારે ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટી છે. એને લીધે ગ્રાહકોને સીધો ફાયદો થતો નથી. મોટો ટેક્સ વસૂલવાની સરકારી નીતિને લીધે લોકોમાં ભારે નારાજગી છે.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ સસ્તું થતાં નાયરા ખાનગી કંપનીએ એક જુલાઈથી પેટ્રોલમાં લિટરે 5 અને ડિઝલમાં ૩ રૂપિયાનો ઘટાડો જાહેર કરતા લોકોને થોડી રાહત મળી છે. છેલ્લાં બે વર્ષમાં પંપ પર ઇંધણના દર ઘટાડનાર નાયરા પહેલી રિટેલર કંપની બની છે. નાયરાએ તેનાં 7,000 ઇંધણ સ્ટેશનોનાં  નેટ વર્ક પર આ ઘટાડો કર્યો છે. ખાનગી કંપની પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડી શકે છે, પણ સરકારની તેલ કંપનીઓ બધી ચકાસણી પછી ભાવ નક્કી કરશે. એમાં ચકાસણી તો નફો ઘટે નહીં એટલી જ કરવાની હશે. સરકારી તેલ કંપનીઓ બહુ અપ્રમાણિક છે, એટલે સાચું ચિત્ર હાથમાં આવતું નથી. ભાવ ઘટાડવાના હોય ત્યારે તેલ કંપનીઓ તે ઘટાડતી નથી ને વધે એમ હોય ત્યારે, એક યા બીજા કારણે ભાવ સ્થિર રાખે છે.

અપ્રમાણિકતા એ રીતે પણ જોવા મળે છે કે  ભારતીય તેલ કંપનીઓ ક્રૂડના ભાવ વધે તો વધારે જ છે, પણ ઘટે તો ઘટાડતી નથી. તે વખતે તે આગલી ખોટ આગળ કરે છે. એ ખરું કે યુદ્ધનાં સમયે ઓઈલની અછતને કારણે ભાવ વધે તે ક્બૂલ, પણ કંપનીઓ રોજની 1,000 કરોડની ખોટનું ગાણું ગાતી હતી તે ખોટું હતું. તેલ કંપનીઓ ચૂંટણી વખતે ખોટ ખાઈને પણ ભાવ સ્થિર રાખે છે ને જેવી ચૂંટણી પતે કે જોર કા ઝટકા ધીરે સે લગે-ની સ્ટાઈલે ઇંધણના ભાવો હળવેથી વધારી દે છે.

અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં ઓઈલના ભાવમાં વધઘટ રહી, પણ કોરોના વખતે તો પટ્રોલ ડિઝલનો ઉપયોગ બહુ ઓછો હતો, કારણ વાહનો સડક પર ઉતરતાં જ ન હતાં. તે વખતે ભાવ 42-44 ડોલર પ્રતિ બેરલ હતો, પણ સરકારે ભાવ ઘટાડવાને બદલે ચોક્ખો નફો જ કર્યો, એ ઠીક ન હતું. અત્યારે પણ  છેલ્લી વખતે 120 ડોલર પ્રતિ બેરલ ભાવ હવે 70 ડોલરથી પણ ઘટી ગયો હોય તો સરકારી કંપનીઓએ ભાવ ઘટાડવા જ જોઈએ, પણ નથી જ ઘટાડતી તે હકીકત છે. કોરોના વખતે તો ક્રૂડ ઓઈલનો 42-44 ડોલર પ્રતિ બેરલ ભાવ હતો, ત્યારે પણ તેલ કંપનીઓએ ભાવ ઘટાડ્યો ન હતો, એટલું જ નહીં, અત્યારે પણ ક્રૂડના ભાવ અડધા થઈ ગયા છે, પણ સરકાર ભાવ ઘટાડવા તૈયાર નથી. પહેલાં ખોટ સરભર કરવા ભાવ ન ઘટાડ્યા, હવે ભાવ સ્થિર રાખવાનું કયું કારણ છે? તે ઘટાડી જ શકાયને !

PPACના આંકડા મુજબ 26-27 જૂને ક્રૂડ ઓઈલ બાસ્કેટનો ભાવ 68.86 ડોલર પ્રતિ બેરલ હતો જે માર્ચના ભાવ કરતા 56 ટકાથી ય ઓછો હતો. ઓઈલ આટલું સસ્તું થવાં છતાં પેટ્રોલ ડિઝલના ભાવ તરત ઘટ્યા નથી. તે એટલે કે ક્રૂડ ઓઈલ મોંઘું હતું ત્યારે સરકારી તેલ કંપનીઓએ ગ્રાહકો પર બધો બોજ નાખ્યો ન હતો. હવે કંપનીઓ નુકસાનીની ભરપાઈ કરી રહી છે. એ જ કારણ છે કે ક્રૂડ સસ્તું થવા છતાં તરત પેટ્રોલ ડિઝલ સસ્તું થયું નથી. એક્સપર્ટસની આગાહી છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટી શકે છે. થાય છે શું કે પેટ્રોલ-ડિઝલ મોંઘાં થાય છે તો પરિવહન મોંઘું થાય છે, એટલે દૂધ, ફળ, શાકભાજી ,,,, બધું મોંઘું થાય છે. ટૂંકમાં, ઓઈલ મોંઘું થાય તો ઓઈલ જ મોંઘું થાય એવું નથી, બધું જ મોંઘુ થાય છે. અત્યારે બધું જ મોંઘુ છે, ત્યારે ઓઈલનો ભાવ ન ઘટે તો મોંઘવારી પણ કેવી રીતે ઘટે?

યુદ્ધો અને ક્રૂડના અસ્થિર ભાવો વચ્ચે તેલ ક્મ્પ્નીઓની રોજિંદી નુકસાની સરભર કરવા સરકારે મે અને જૂનમાં ભાવ વધારાની મંજૂરી પણ આપી હતી. ત્યારે ભાવ વધ્યા પણ હતા. હવે ભાવ ઘટ્યા છે તો સરકારે ઓઈલમાં ભાવ ઘટાડવાનું અનિવાર્ય કરવું જોઈએ. બધું જ મોંઘું હોય ત્યાં ક્રૂડ સસ્તું થવા છતાં સરકાર ભાવ ન ઘટાડીને લોકોની મુશ્કેલી વધારી રહી છે. સરકારી તેલ કંપનીઓ નુકસાનીની ભરપાઈમાં એટલી વ્યસ્ત છે કે સામાન્ય લોકોની મુશ્કેલીઓનો અંદાજ જ નથી આવતો.

જો કે, આ લખાય છે ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે બધું બરાબર ચાલ્યું તો આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ઘટાડો થાય એમ બને. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એ પણ કહ્યું કે 30 જૂન સુધીમાં પેટ્રોલ-ડિઝલ અને એલ.પી.જી., કિંમત કરતાં ઓછી કિંમતે વેચીને 74,781 કરોડનું નુકસાન થયું છે. આ બધું ઓછી કિંમતે ને કોને વેચાયું તે જાહેર થવું જોઈએ. કારણ સામાન્ય લોકોને કંઇ ઘટ્યું હોય એવું તો યાદ જ નથી આવતું. એ સ્થિતિમાં ઓઈલનો ભાવ ઘટવાની તકો ઓછી જ છે. આમાં મીડિયાને તડાકો પડી ગયો છે. બધાં જ લિટરે કેટલા રૂપિયા ઘટશે તેની આગાહી કરવા લાગ્યા છે. કોઈ 4 રૂપિયા તો કોઈ બે રૂપિયા ઘટવાની વાત કરે છે. ઇચ્છીએ કે મીડિયા થોડું પણ સાચું પડે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જુલાઈ 2026

Loading

નાતજાતકોમનો  ભેદભાવ  એક પા : જેન ઝી, જંતરમંતર જગન બીજી પા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 July 2026

વિશ્લેષણ —

મુદ્દો શિક્ષણપદ્ધતિનો અને ફૂટતાં પેપરોથી રોળાંતાં જીવતરનો છે

સોનમ વાંગચૂક  મીર તકી મીરની  સાખે કહે છે : ઈબ્તિદાયે ઇશ્ક હૈ રોના હૈ ક્યા, આગે દેખીએ હોતા હૈ ક્યા … ને ક્યાંક વળી ભગતસિંહની સાખે સંભળાય છે : હમ મસ્તોકા ટોલા

પ્રકાશ ન. શાહ

બરાબર એંશી વરસ થયાં, પહેલી જુલાઇએ, એમની શહાદતનેઃ 1946માં, સ્વરાજ આગમચ વરસેક હશે અને અમદાવાદમાં જમાલપુર-ખાંડની શેરી પરિસરમાં વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીએ કોમી હુતાશનને ઠારવા સારુ બલિદાન વહોરવામાં જીવનની સાર્થકતા જોઈ હતી. 

આ ત્વરિત ને ટૂંકી ટિપ્પણીની શરૂઆત વસંત-રજબના ઉલ્લેખથી કરી છે. પણ એની પાછળનો આશય કોઈ એ ઘટનાની વારતા માંડવાનો કે દાસ્તાં આલેખવાનો અલબત્ત નથી. બલિદાન બેલાશક મોટી વાત છે, અને એમનો પાડ પ્રજાજીવન પર બિનચૂક રહેશે. પણ શહીદ ભેરુઓને જેમ એમના વીરમૃત્યુથી તેમ યશસ્વી જીવનથીયે ઓળખવા રહે છે. 

આ યશસ્વિતા નાતજાતકોમ લિંગ બધું અંડોળા જઈ જલતાં જિગરે દેશજનતાની સેવા થકી ફોરતી રહે છે. ખાંડની શેરીએ, આજની તારીખે થોડુંક લોક હતું ભલે – પણ જરી અહીં ગુજરાત બેઠે દિલ્હીના જંતરમંતર પરિસરની તો કલ્પના કરો. જો વીરમૃત્યુની એક પરંપરા છે, તો સમર્પિત ને સક્રિય સંઘર્ષશીલ સેવાજીવનનીયે એક ભૂમિકા છે. 

જંતરમંતરની કોક્રોચ કમાલમાં ગાજેલું મોટું નામ જરૂર સોનમ વાંગચૂકનું છે, અને એક લોકધર્મી પર્યાવરણપટુ તરીકે તે અક્ષરશઃ બેમિસાલ પણ છે. લદ્દાખની 8 સેન્ટિગ્રેડ સુવિધા છોડી એ 45 સેન્ટિગ્રેડની દિલ્હીની જિંદગી, તે પણ ભૂખ્યા પેટે બસર કરી રહ્યા છે. પહેલકારી કોક્રોચ સત્તમ અલબત્ત અભિજિત દીપકે, એક દલિતનો દીકરો છે જે દોમ દોમ અમેરિકી સંભાવના ને રૂંવે રૂંવે ડોલરિયો મોલ કોરાણે મેલી અહીં જગન માંડી બેઠો છે. ભલા ભાઈ, તમે જુઓ તો ખરા પેલા મુસ્લિમ બંધુ જૂનેદ પહેલા જ દિવસથી અહીં છાવણી નાખી પડેલા સૌ હઠધર્મીઓની કેવી આસનાવાસના કરે છે. સોશ્યલ મીડિયાની કૃપાથી એની સેવાસુવાસ પામી સુદૂર સહરાનપુરથી આવી લાગેલી પેલી મધ્યવયસ્ક હિંદુ મહિલા જૂનેદમાં પોતાનો દીકરો જુએ છે અને પેલા સરદારજી? એમણે લંગર ચલાવવામાં પોતાનો ધર્મ જોયો છે. 

મુદ્દો શિક્ષણપદ્ધતિનો અને ફૂટતાં પેપરોએ રોળાતાં જીવતરનો છે. બેલાશક ‘જેન ઝી’-નો છે. પણ એક છેડેથી એમનાં માવતર તો બીજે છેડેથી જેન આલ્ફા થકીયે આ કુરુક્ષેત્ર ઉભરાય છે. આ જમાવડા પર સત્તા-પ્રતિષ્ઠાન તરફથી ઉપેક્ષા ને આક્રમકતા બેઉ વરતાય છે ત્યારે ભા.જ.પ.ના કોઈ કોઈ કાર્યકર પણ પોતાની ઓળખ વિધિવત છતી કરી, પોતાની સંતતિએ જેને કારણે વેઠ્યું છે. તે સિસ્ટમના વિરોધમાં અહીં જોડાઈ રહ્યા છે. 

હિંદુમુસ્લિમશીખ એ ભેદ અહીં નથી. ગંગાજમની તહજીબ અહીં એક સંઘર્ષશીલ નાગરિકધર્મી તરજ પર આપણી સામે આવે છે. માહોલ આખો જુઓ તમે. બુધવારે આ ટિપ્પણી લખાઈ રહી છે ત્યારે સોનમ વાંગચૂકની તબિયતનું બુલેટિન બહાર આવે છે. ઉપવાસનો ચોથો દિવસ છે અને સુગર લેવલ ચિંતાજનક હોઈ શકે એ રીતે નીચે જતું માલૂમ પડે છે. હવે તરતમાં, સપ્ટેમ્બરમાં સાઠ વરસ પૂરા કરવા તરફ જઈ રહેલાં સોનમ મહાશયની શું પ્રતિક્રિયા છે? ન જાણે ક્યાંથી એમને મીર તકી મીર અને હસરત જયપુરી સાંભરી આવે છેઃ  ઇબ્તિદાયે ઇશ્ક હૈ રોના હૈ ક્યાં, આગે આગે દેખીએ હોતા હૈ ક્યાં. ક્યાંક વળી જુવાન-જુવતીની મંડળી જામી છે, ને ભગતસિંહની સાખે ‘હમ મસ્તોં કા ટોલા’ ગવાઈ રહ્યું છે. 

અણ્ણા હજારેના લાભાર્થી કંઈ કેજરીવાલ એકલા તો નહોતા, બલકે, વડા લાભાર્થી અયોધ્યાથી હાલ સંભળાતી વિશિષ્ટ રામધૂન સાથે દિલ્હીનશીન છે. પક્ષના વડા  મની-મેનેજર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેતા એ શીદ ખચકાતા હશે? પક્ષપ્રમુખ નવીને વળી આ જંતરમંતર જમાવડામાં આતંકવાદીઓની બી ટીમ જોઈ છે. 

ભલા’દમી, તમારાં છોકરાંવને સાંભળો સમજો ને કાંક ઉપાય કરો. પારકું રાજ ને સાંસ્થાનિક પોલીસ હતી ત્યારે વસંત-રજબનું જેવાનું હતું તે થયું, પણ નાતજાતકોમના ભેદ ઓળાંડી જઈ અહીં જે જેન ઝી હુલસે છે એની જોડે લગીર દિલની દાસ્તાં તો માંડી જુઓ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 02 જુલાઈ 2026

Loading

...102030...56575859...708090...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved