Opinion Magazine
Number of visits: 10,221,690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 July 2026

રવીન્દ્ર પારેખ

સોનમ વાંગચુકનું અનશન ઘણે વખતે ધર્મેન્દ્ર પ્રધાનના ત્યાગપત્રનું કારણ બન્યું છે. એમાં કોક્રોચ જનતા પાર્ટી(CJP)નાં ધીમે ધીમે વધતાં વર્ચસ્વે પરિણામ સુધી વાત પહોંચાડવાનું કામ પણ કર્યું ને મોડે મોડે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. એક રીતે તો એ રાજીનામું, નારાજીનામું પણ છે, કારણ સરકારને એમાં ઝૂકવાનું થયું છે. પ્રયત્નો તો ન ઝૂકવાના જ હતા, પણ આંદોલન CJP પૂરતું સીમિત ન રહ્યું ને તે જનઆંદોલનમાં ફેરવાયું, એટલે સરકારને ઝૂકવા સિવાય બીજો ઈલાજ ન રહ્યો. બાકી, હતું તે પોલીસે પૂરું કર્યું. આડેધડ લાઠીચાર્જ અને ટીયરગેસના હુમલાઓ વચ્ચે એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું, એટલે પણ સામાન્ય લોકો ઉશ્કેરાયા ને દેશભરમાં વિરોધનો લોકજુવાળ ઊઠ્યો ને એમ વાત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં સુધી આવી. આ આંદોલન કોઈ પક્ષ, વિપક્ષનું આંદોલન ન રહેતાં સર્વવ્યાપી જન આંદોલન બન્યું ને તેણે પરિણામ આપ્યું. એવું નથી કે નીટની પરીક્ષા જ પ્રધાનનાં રાજીનામાનું પ્રધાન કારણ હતું, પ્રધાન સામે બીજા પણ વાંધા હતા. 2024માં 18મી લોકસભાની રચના સમયે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી તરીકે શપથ લીધા ત્યારે વિપક્ષે નીટ અને શેઇમ શેઈમના નારા લગાવ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળ દરમિયાન બે વખત નીટ-યુ.જી. પરીક્ષા અને ગ્રેસ માર્ક્સ સંદર્ભે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયાં હતાં. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો ને સી.બી.આઈ. દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ને તેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ના વડાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. પેપર લીક થતાં 12 મે, 2026ને રોજ પરીક્ષા રદ્દ કરવામાં આવી. તે પછી 21 જૂનને રોજ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફરી પરીક્ષા લેવામાં આવી. CJPએ આ મુદ્દે જંતર મંતર પર 36 દિવસ સુધી  વિરોધ પ્રદર્શન કર્યું. જૂન, 2024માં UGC NET પરીક્ષા પણ પેપર લીક થવાથી રદ્દ થઈ હતી. પ્રશ્નપત્ર ટેલિગ્રામ અને ડાર્ક વેબ દ્વારા લીક થયું હતું. આ બનાવે NTAની વિશ્વસનીયતા પર ઘણાં પ્રશ્નો ઊભા કર્યા. NTAની કામગીરી સતત વિવાદોમાં ઘેરાયેલી રહી. પ્રક્રિયામાં સુધાર લાવવા ઘણી સમિતિઓ રચાઈ, પણ વિવાદો હજી ઉકેલાયા નથી.

2026માં CBSEએ 12 ધોરણની પરીક્ષા માટે ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરી. તેમાં નબળી સ્કેનિંગ ગુણવત્તા ને ટેકનિકલ સમસ્યાઓને લગતા મુદ્દાઓનો વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ વિરોધ કર્યો. ખાસ કરીને નવી શિક્ષણ નીતિના ત્રિભાષી આગ્રહને લીધે તમિલનાડુમાં ભારે વિવાદ થયો. તત્કાલીન મુખ્ય મંત્રી સ્ટેલિને કેન્દ્ર સરકાર પર હિન્દી થોપવાનો આરોપ મૂક્યો. ધર્મેન્દ્ર પ્રધાને આ આરોપોને ફગાવી દીધાં ને ઉમેર્યું કે આ નીતિ ભાષા વૈવિધ્યને પ્રોત્સાહિત કરવાની છે. આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સામસામે આવી ગયા.

એક વિવાદ NCERT પુસ્તકોમાં ફેરફારનો પણ ઊભો થયો. આ પુસ્તકોમાંથી મુગલ ઇતિહાસ, 2002ના ગુજરાત રમખાણો જેવા ઘણાં વિભાગો દૂર કરવામાં આવ્યા. સરકારે બોજ ઘટાડવા આવું કર્યું હોવાનું કહ્યું, પણ હકીકતે તો એ ઇતિહાસનું રાજકારણ જ છે. મુગલોનો પાઠ દૂર કરવાથી મુગલોએ દેશ પર રાજ કર્યું એ હકીકત બદલી શકાય એમ છે? લાલકિલ્લો, તાજમહાલ તો છેને ! એ નથી એવું કેવી રીતે માનવું? ઇતિહાસમાં નવું ભલે ઉમેરાય, પણ જૂનું છે, તેને અવગણી શકાય નહીં. અંગ્રેજોએ બસો વર્ષ રાજ કર્યું તે વાતનો ઇનકાર થઇ શકે નહીં. ઇતિહાસ વધુ અધિકૃત બને તેનો વાંધો નથી, પણ કંઇ બન્યું  જ નથી એમ ભણાવવું ક્ષમ્ય નથી.

આ ઉપરાંત કુલપતિઓની નિમણૂકમાં બિન શૈક્ષણિક અને ઉદ્યોગની વ્યક્તિઓને કુલપતિ પદ માટે લાયક ઠેરવવાના પ્રયત્નો થયા ને એમ કરવામાં સાચા શિક્ષણવિદોની બાદબાકી કરવામાં આવી તે ઠીક ન થયું. ઉચ્ચ શિક્ષણમાં સમાનતાના નવા નિયમો દાખલ કરવામાં આવ્યા. અનેક અરજીઓની સુનાવણી કરતાં, સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી, 2026માં એ નિયમોના અમલીકરણ પર રોક લગાવી અને જૂનાં નિયમોને જ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો. આ ને આવાં કારણોસર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાની સ્થિતિમાં મુકાવું પડ્યું.

એમાં વેગ આવ્યો, આંદોલનકારીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો ત્યારથી. ડી.સી.પી. નકુમે પોતે જાહેરમાં 25થી વધુ વખત દંડા ફટકાર્યા, વાળ ખેંચ્યા, લાફા માર્યા ને તે હાલ મુક્ત છે. લોક લાગણી એવી છે કે ડી.સી.પી.ને સસ્પેન્ડ કરવા જોઈએ. આ ઉપરાંત 1997માં ધર્મેન્દ્ર પ્રધાનને કારણે ઓડિસાના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડેલું. આ બધું જોવાયું કે એમ જ સરકારે પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પાડી તે નથી ખબર, પણ અનેક વિવાદોથી યુવાવર્ગ નારાજ હતો. આમ તો વિવાદોના સરવાળાએ પ્રધાન માટે રાજીનામાની ભૂમિકા રચી દીધી હતી. વધારામાં પોલીસ દમને દેશ આખાનું ધ્યાન ખેંચ્યું ને તે પછી પરિણામ ઝડપી આવ્યું. છાપ તો એવી પણ પડી છે કે ધર્મેન્દ્ર પ્રધાને વિરોધને લાઈટલી લીધો. જો કે, સરકારને ગંધ આવી ગઈ હતી કે મામલો ગંભીર છે ને તેણે ઝડપી પગલાં ભર્યાં.

હાલ તો પ્રહલાદ જોશીને પ્રધાનની જગ્યાનો વધારાનો હવાલો સોંપાયો છે. સરકારે બધી માંગ સ્વીકારતાં ને એમ GEN-Zની જીત થતાં CJPએ આંદોલન સમેટી લીધું છે. વાંગચુકે પણ ઉપવાસ છોડતા અત્યારે તો બધું થાળે પડ્યું છે, પણ નીટ, CBSE, ત્રિભાષી ફોર્મ્યુલા જેવી બાબતોનો કોયડો ન ઉકેલાય ત્યાં સુધી GEN-Zએ જાગૃત રહેવાની જરૂર છે.

12 વર્ષમાં સરકાર ઝૂકતી નથી એ મિથ તૂટ્યું છે. એમાં નાનમ જેવું કઈ નથી. જ્યાં ઝૂકવું અનિવાર્ય થઈ પડે તો ઝૂકવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ. સરકારે ઝડપી પગલાં લઈને એક દાખલો પણ બેસાડ્યો છે એ નાનીસૂની વાત નથી. નવા શિક્ષણ મંત્રીએ ડેમેજ કન્ટ્રોલ અંગે પણ વિચારવાનું રહે જ છે. સરકાર તમામ વિદ્યાર્થીઓ સામેનાં પોલીસ કેસ ખેંચવા સંમત થઈ છે. સરકારે પેપરલીક કરનારને 10 વર્ષની સજા અને 10 કરોડનો દંડ વસૂલવાની જાહેરાત કરી છે. આ કડક જાહેરાત વ્યવહારુ કેટલી રહે છે, તે આવનારો સમય કહેશે.

આમ તો 22 જુલાઈની રાત સુધી એવી હવા હતી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહિ આપે. એક તરફ આંદોલનકારીઓ આંદોલનનાં મૂડમાં હતા, એ દરમિયાન ભા.જ.પ.ના મંત્રીઓની અને સંઘ નેતાઓની એક ગુપ્ત બેઠક એવી યોજાઈ કે ભા.જ.પ.ના નેતાઓ જ એ બેઠકથી અજાણ હતા. રાતના સાડા દસ સુધી રાજીનામાની વાત ન હતી. જો કે, પ્રધાને રાજીનામું આપ્યું હોવાનો સરકારને લખેલો પત્ર જાહેર થઇ ચૂક્યો હતો, પણ તે ફેક છે એવા સમાચારોએ વાતને મોળી પાડી હતી. એમ લાગે છે કે 21 જુલાઈનો રાજીનામાનો એ પત્ર સાચો હતો. એક તબક્કે વડા પ્રધાન, પ્રધાનની તરફેણમાં હતા, પણ તેમના સિવાય સૌ કોઈ પ્રધાનનું રાજીનામું પડે એમ ઇચ્છતા હતા ને તેમનો વિજય થયો. બને કે વડા પ્રધાનને એમ હોય કે પ્રધાનનું રાજીનામું પડે તો બીજા મંત્રીઓના રાજીનામાં પણ મંગાય. એમ  ધારવું ખોટું છે ને વડા પ્રધાનને એવું કેમ છે કે બીજા મંત્રીઓનાં રાજીનામાં મંગાય? એવા પ્રધાનો હજી છે જે રાજીનામું આપવાને લાયક છે? તો વડા પ્રધાને જ સામે ચાલીને એનો સફાયો કરવો જોઈએ, એવું નહીં?

એ અત્યંત દુ:ખદ છે કે જેમના સંતાનો વિદેશ રહીને ભણે છે, તે મંત્રીઓ દેશના યુવાધનની ઉપેક્ષા કરે છે. વર્ષોથી શિક્ષણ મંત્રી રહી ચૂકેલા ધર્મેન્દ્ર પ્રધાને શૈક્ષણિક સમસ્યાઓની એટલી ઉપેક્ષા કરી છે કે વિદ્યાર્થીઓને તેમના રાજીનામાની વાત ઉપેક્ષા કરવા જેવી લાગી નથી. એક બાબત તમામ મંત્રીઓએ સમજી લેવાની જરૂર છે અને તે આ દેશની પ્રજાને સમજવાની. આ પ્રજા બહુ વિરોધ કરવામાં માનતી નથી, પણ નીટની ને અન્ય પરીક્ષાઓ સંદર્ભે ચાલેલી ગેરરીતિઓ 22 વ્યક્તિને આત્મહત્યાની ફરજ પાડતી હોય તો પ્રજા માથું ફેરવે તેમાં નવાઈ નથી ને પછી મંત્રીઓ કે અધિકારીઓનું આવી બને છે. આ પ્રજા નક્કી કરે છે માથું ઊંચકવાનું તો તેને પછી કંઇ નડતું નથી ને તે પરિણામ મેળવીને જ રહે છે. દાયકાઓનાં કાઁગ્રેસી શાસનને આ પ્રજા ફગાવી શકતી હોય તો ભા.જ.પ.ને તો 12 જ વર્ષ થયાં છે. પ્રજા લાલચુ હશે, ભ્રષ્ટ હશે, હિંસક હશે, પણ તે રાજકારણ છે કે નથી એ જાણ્યા વગર પરિણામ મેળવે જ છે. તેને લાગે કે સત્તા પરિવર્તન અપેક્ષિત છે, તો કોઈ પણ સરકારનો ઘડો લાડવો કરી શકે છે. જેણે વિધાન સભ્ય કે સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યા છે, તેને ચૂંથવાનો કોઈને અધિકાર નથી. પ્રજાનો વિરોધ તીવ્ર હોય તો તે કેવો હોય તે પ્રધાનના વિરોધે સમજાવી દીધું છે.

ધાનનો ત્યાગ, પ્રધાનનો ત્યાગ પણ કરી શકે છે, આશા છે, સરકાર બીજા દાખલાઓ બેસાડવાની રાહ ન જુએ ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 જુલાઈ 2026

Loading

મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 

સોનલ પરીખ|Opinion - Opinion|26 July 2026

આપણને આ પૃથ્વીનો, એના સૌંદર્યનો, આપણા હોવાનો, કશાનો કોઈ અર્થ ખબર જ નથી અને સર્વજ્ઞ હોઈએ એવો ડોળ કરવો છે. આ વ્યર્થતાને રાવજી પટેલ ‘મારું દુ:ખ ચકલીઓ મૂંગી છે તે છે’ એવા શબ્દોમાં વર્ણવે છે.

સોનલ પરીખ

ઑરફાલિઝના લોકોએ અલ મુસ્તફાને ‘મજા’ વિશે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ‘મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો.’ આગળ કહ્યું, ‘તમારાં ખેતરો અને બગીચામાં જાઓ. ત્યાં તમે શીખશો કે ફૂલોમાંથી મધ ભેગું કરવામાં મધમાખીઓને મજા પડે છે; પણ, તે સાથે જ, માખીને પોતાનું મધ આપવામાં ફૂલોને ય મજા પડે છે. કારણ કે મધમાખને માટે ફૂલ એ જીવનનો ઝરો છે અને ફૂલને માટે મધમાખ પ્રેમનો દૂત છે. અને મધમાખ તેમ જ ફૂલ બંનેને માટે એ મજાની આપલે જરૂરિયાત તેમ જ લહાવો છે. ઑરફાલિઝના લોકો, તમારી મજાઓની બાબતમાં ફૂલ અને મધમાખ જેવા થાઓ.’ 

આવી મજા કરવાનું જો આપણે ભૂલી ગયા હોઈએ, અને એવી જ શક્યતા વધારે છે, તો એને યાદ કરવા માટે આપણે ઊજવવો જોઈએ ‘દોડો નહીં, ટહેલો’ આવો સંદેશ આપતો વર્લ્ડ સોન્ટરિંગ ડે. સોન્ટરિંગ એટલે ટહેલવું, નિરાંતે હરવુંફરવું, ચહલકદમીનો આનંદ લેવો. 1979માં ડબલ્યુ.ટી. રેબ નામના માણસે, એ વખતે જોગિંગનું વધતું જતું મહત્ત્વ જોઈ આ દિવસની શરૂઆત કરી હતી એવું મનાય છે. એ માણસ મિશિગન સ્ટેટના મેકિનેક ટાપુ પર આવેલી ગ્રાંડ હોટેલમાં કામ કરતો. ત્યાં જ એણે આ શરૂઆત કરી હતી. આ દિવસની ઊજવણી પાછળ લોકોને ધીમા પડી આસપાસના વિશ્વને નિરાંતે માણવું અને એની કદર કરતાં શીખવું એ સમજાવવાનો છે અને એ દર વર્ષની 19મી જૂને ઊજવાય છે. 

નામ યાદ નથી, પણ એક અમેરિકન લેખિકાએ પોતાનો જે અનુભવ વર્ણવ્યો હતો એ યાદ રહી ગયો છે – આધુનિક જીવનશૈલીએ એને સફળતા અને ભૌતિક સુખ-સગવડો મેળવી આપ્યાં હતાં. પણ એને કોઈ અજાણ્યો અજંપો પજવતો રહેતો. એને થતું કે એની ઓછું ભણેલી, નાના ગામમાં અગવડો વચ્ચે રહેતી માના ચહેરા પર વધારે પ્રસન્નતા અને શાંતિ છે, અને સરસ પરિવાર, ઉચ્ચ શિક્ષણ, સગવડો અને સિદ્ધિઓ છતાં પોતાના ચહેરા પર અજંપો છે : એમ કેમ ? શું ખૂટે છે ? 

પ્રશ્ન એવો તો હેરાન કરવા લાગ્યો કે તે થોડા દિવસ માટે શહેરની ધમાલથી દૂર ચાલી ગઈ. એકલી, એક ટાપુ પર જઈને રહી. કંઈ જ કર્યું નહીં, કુદરતની વચ્ચે ફરતી રહી, ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લેતી ગઈ, આસપાસના ફૂલો-પતંગિયાં-પંખીઓને ઓળખતી ગઈ, કુદરતની ઉદારતા અને વૈવિધ્યને નમ્ર સ્નેહપૂર્વક માણતી રહી. મહત્ત્વાકાંક્ષા, દોડાદોડી અને પોતાને સાબિત કરતા રહેવાની હોડમાં ખોવાઈ ગયેલાં સર્જનાત્મકતા, વિસ્મય અને તાજગી પાછાં આવ્યાં. એને ખબર પડી કે એને ધીમા પડવાની જરૂર હતી. દોડવાની નહીં, ટહેલવાની જરૂર હતી. કોઈની સાથે સ્પર્ધા કરવાની નહીં, પોતાની જાત સાથે મૈત્રી કરવાની જરૂર હતી. 

વિલિયમ હેનરી ડૅવિસ નામના પ્રસિદ્ધ કવિએ ‘લેઝર’ નામનું કાવ્ય લખ્યું છે. તેઓ ત્રણ વર્ષના હતા અને પિતા મૃત્યુ પામ્યા. પછીના વર્ષે માએ બીજા લગ્ન કર્યાં. કવિ દાદા-દાદી પાસે ઊછર્યા. પરિવારના સભ્યોને વર્ણવતા એમણે લખ્યું છે, એ ઘરમાં દાદા-દાદી, અમે ત્રણ ભાઈબહેન, એક નોકરબાઈ, એક કૂતરો, એક બિલાડી, એક પોપટ, એક કબૂતર અને એક કેનરી પક્ષી રહેતાં હતાં. આ પરથી એમનું બાળપણ બહુ સુખી હતું એમ માની લેવાની ભૂલ ન કરવી, કેમ કે એમને શાળામાં ત્રાસ થતો. બદમાશ મિત્રો હેરાન કરતા. દસ વર્ષની ઉંમરે ડેવિસ અને બીજા ચાર મિત્રો પર પર્સની ચોરીનો આરોપ મુકાયો અને 12 કોરડા ખાવાની સજા મળી. દાદાને નજર સામે મરતા જોયા. 11 વર્ષની ઉંમરે લખેલા એમના પહેલા કાવ્યનું નામ હતું ‘ડેથ’. 

આ ડબલ્યુ. એચ. ડૅવિસ મહાન કવિ બન્યા અને પ્રકૃતિકવિ તરીકે સૌથી વધુ ઓળખ પામ્યા. તેઓ અનુભવતા કે આધુનિક જીવનશૈલીએ સાદગી, સૌંદર્ય, નિરાંત અને આનંદ છીનવી લીધા છે. એમનાં કાવ્યોમાં સૌથી વધુ પ્રખ્યાત કાવ્ય 1911માં લખાયેલું ‘લેઝર’ છે. લેઝર એટલે ફુરસદ, નવરાશ, નિરાંત. કવિ લખે છે, ‘“વૉટ ઈઝ ધિસ ટાઈમ ઈફ, ફુલ ઑફ કૅર; વી હેવ નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર” – પર્વતના ઢોળાવ પર નિરાંતે ચરતી ગાય, હવાની લહેરમાં ડોલતા પ્રસન્ન છોડવા, ઝીણાં ફૂલ ખેરવતું વૃક્ષ – આ બધાને જોવાની આંખ આપણી પાસે નથી કારણ આપણે અધીરા અને ઊતાવળથી ભરેલા છીએ. મધમાખીનું નૃત્ય જોવાનો કે પાંદડાં નીચે ખિસકોલીએ છૂપાવેલો નટ્સનો ખજાનો શોધવાનો સમય આપણી પાસે નથી.  જો આ જ જીવન હોય તો એ જીવન જ નથી.’ સવા સદી પહેલાની પહેલાની જીવનશૈલીમાં પણ જો એમને એમ લાગતું હોય કે આપણી પાસે ઊભા રહેવાનો અને આસપાસની સૃષ્ટિને નીરખવાનો સમય નથી તો આજની આપણી જીવનશૈલી જોઈ તેઓ શું અનુભવત ? શું કહેત ? જેમાં આનંદ મળે એવી ચીજો પાછળ દોડવામાં આપણે આસપાસ વેરાયેલી વિપુલ સુંદરતાને મન ભરીને માણી લેવાનું ભૂલી જઈએ છીએ. 

આપણે ત્યાં ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કોઈ કામ તમારું કે મારું કરવા આવ્યો છું’ (નિરંજન ભગત), ‘નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે’ (રાજેન્દ્ર શાહ), ‘કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે, એકે કામ નથી કરવાનું મારે સંધ્યાકાળે’ (ઉશનસ) કે ‘મૂળને સૂંઘતો, વૃક્ષને સંવેદતો, વનરાજિમાં પ્રસરતો, આનંદથી વરસતો … ચાલી રહ્યો છું’ (જયદેવ શુક્લ) જેવી અનેક અનુભવસમૃદ્ધ પંક્તિઓ મળે છે. 

એટલે વાત છે સ્લો ડાઉન થવાની, જીવન માણવાની. હિમાલય જનારાઓમાંના ઘણાં વાહનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. ધીરે ધીરે ટહેલતા જવું ને પહાડની હવા, પહાડની સુગંધ અને કુદરતી સૌંદર્યને શાંતિથી નીરખતાં જવું, માણતાં જવું. પ્રિયંકા દલાલ નામની યુવતી સોલો ટ્રાવેલર એટલે કે એકલપ્રવાસી છે, ‘કુદરતના સાન્નિધ્યમાં હોઉં ત્યારે મને કોઈ બીજાનો મૂડ સાચવવાની કે એની સાથે વાતો કરવાની ખલેલ પણ ન જોઈએ.’ એ એક ફૉલ્ડિંગ, બૉક્સમાં પૅક થઈ જાય એવી સાયકલ રાખે છે. દેશમાં કે વિદેશમાં જ્યાં જાય ત્યાં સાયકલ લઈ જાય. એને અનફૉલ્ડ કરી, જોડી લે અને ખભા પરના ‘રક્સેક’માં આવી જાય એટલો જ સામાન રાખી જ્યાં ગઈ હોય ત્યાં નિરાંતે ફરતી રહે. ત્યાંના લોકો, જીવનશૈલી, કુદરત, ખાવાપીવાનું બધું જુએ-માણે. માત્ર જોઈને નીકળી જવું એટલું પૂરતું નથી. ત્યાંનું ‘ફીલ’ મળવું જોઈએ. 

અને આપણે? અહીં આપણા દેશમાં ચાઈનીઝ ને મૅક્સિકન ને ઈટાલિયન ફૂડનો શોખ રાખીએ ને પેરિસમાં પત્તરવેલિયા ને રોમમાં રસપૂરી ખવડાવે એવી ટૂર શોધીએ. પછી ફરવા માટે બ્યૂટી પાર્લરમાં જઈ ટ્રીટમેન્ટો કરાવીએ, પર્યટનની જગ્યાએ બેચાર જાણીતા સ્પૉટ પર સેલ્ફીઓ લઈને, શોપિંગ કરીને પાછા આવીએ અને ફોટા અપલોડ કરીને લખીએ, ‘વૉટ અ ગ્રેટ એક્સપિરિઅન્સ !’ આ આપણી મજા. વિચાર કરીએ તો આપણને આપણી જ દયા આવે. 

ખરું જોતાં આપણને આ પૃથ્વીનો, એના સૌંદર્યનો, આપણા હોવાનો, કશાનો કોઈ અર્થ ખબર જ નથી અને સર્વજ્ઞ હોઈએ એવો ડોળ કરવો છે. આ વ્યર્થતાને રાવજી પટેલ ‘મારું દુ:ખ ચકલીઓ મૂંગી છે તે છે’ એવા શબ્દોમાં વર્ણવે છે. અને શહેરમાં ભરાઈ પડેલી મકરંદ દવેની ગ્રામનાયિકા કહે છે, ‘આભથી તારા રમતા આવે મોગરા જેવી સેજ વચાળે, સીમ તો સામી સાદ પાડે કે આવ દોડી આવ હરણફાળે, ભીની રેતીમાં નાનકી નદી આપણાં ભોળાં પગલાં ભાળે, હડકાયાં આ હાડ ભાળીને હું તો આવી ગઈ ગળા લગ, હાલ્યને વાલમ ક્યાંક જતાં રંઈ, ક્યાંક જતાં રંઈ ખુલ્લે મારગ …’  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 જૂન 2026

Loading

કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 July 2026

ક્યારેક પેપર લીક સામે લડતાં લાઠી ખાનારા ધર્મેન્દ્ર પ્રધાન આજે એ જ માગણી કરતા વિદ્યાર્થીઓની સામે છે. પરંતુ સવાલ માત્ર તેમના રાજીનામાનો નથી, પ્રધાન બદલાય તો ય પેપર ફૂટતું રહે એવી વ્યવસ્થા કોણ બદલશે?

ચિરંતના ભટ્ટ

દેશમાં જે સંજોગો છે તે જોતાં બીજા કોઈ મુદ્દા વિષે વાત કરવાની ઇચ્છા થાય તેવું છે જ નહીં. ગયા અઠવાડિયે જેમ મેં લખ્યું હતું ત્યારે વાક્યને હજી કર્તા નહોતો મળ્યો: પેપર ફૂટ્યું, પરીક્ષા રદ્દ થઈ, તપાસ હાથ ધરાઈ અને એ વાક્યમાં જે મંત્રી હોવા જોઈતા હતા તેઓ જ્યાં હતા ત્યાં જ રહ્યા. આ અઠવાડિયે વાક્યને ક્રિયાપદ મળ્યાં અને એ તો વધુ ખરાબ હતાં. 20મીએ સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓની વાત સાંભળવાને બદલે તેમને અશ્રુવાયુ અને લાઠીઓ મળ્યાં; પ્રશ્નને સંસદમાં પ્રવેશવા દેવાને બદલે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ. આજે વડા પ્રધાને આખરે જવાબ આપ્યો; કોઈનું નામ લઈને નહીં, પરંતુ ફાસ્ટ-ટ્રૅક કોર્ટ્સની ખાતરી આપીને; જાણે આ નિષ્ફળતામાં ઝડપ જ એકમાત્ર ખૂટતી કડી હોય. કોકરોચ જનતા પાર્ટી હજી સુધી આ લખાય છે ત્યારે એક ન્યૂઝ સાઇકલ પૂરતી પણ ભોળવાઈ નથી; થોડા જ કલાકોમાં તેણે સ્પષ્ટપણે કહી દીધું કે વધુ ઝડપી કોર્ટથી જવાબદાર કોણ છે એ સવાલનો જવાબ મળતો નથી. તેની વાત સાચી હતી. પરંતુ એ સવાલની નીચેનો વધુ અઘરો સવાલ હવે બે ધારી તલવાર જેવો બની રહ્યો છે.

ગયા અઠવાડિયે ઘા માત્ર કાગળ પરના આંકડા હતા. આ અઠવાડિયે એ ઘાને હૉસ્પિટલનો બેડ મળ્યો છે. તબિયત લથડ્યા બાદ બળજબરીથી સફદરજંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવેલા સોનમ વાંગચુકે આખરે 26 દિવસ પછી તેમના ઉપવાસ 23 જુલાઈની મોડી રાતે તોડ્યા છે જે કેન્દ્ર સરકાર સાથેની વાતચીત પછી લેવાયેલો નિર્ણય છે. દરમિયાન વડા પ્રધાન ફાસ્ટ-ટ્રૅક કોર્ટ્સની વાત બરાબર ત્યારે આવી પહોંચી જ્યારે આવવાની અપેક્ષા હોય, હિંદી ફિલ્મની પોલીસની માફક, કૂચ થઈ ગયા પછી, અશ્રુવાયુ છૂટ્યા પછી અને વિરોધના સ્થળની વ્યવસ્થા સંભાળવાની જેમની જવાબદારી હતી એ જ પોલીસને એક માણસને ત્યાંથી ઊંચકીને લઈ જવો પડ્યો એ પછી. ઝડપની વાત કરવા માટે સરકારને અવાજ મળી ગયો. માફી માગવા માટેનો અવાજ તેને હજી મળ્યો નથી. 21મી જુલાઈએ પ્રધાને પોતાનું મૌન તોડ્યું ખરું, પણ માફી માટે નહીં — રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર વિદ્યાર્થીઓને ‘રાજકીય સાધન’ તરીકે વાપરવાનો આરોપ મૂકવા માટે. અવાજ મળ્યો, પણ એ જવાબદારી લેવા માટે નહીં, બીજા પર દોષ મૂકવા માટે.

20મી જુલાઈના દિવસે આંદોલનની શિસ્તનું પ્રદર્શન થવાનું હતું, એ કૂચ હતી, ટોળાશાહી નહીં. પરવાનગી વગરની શાંતિ કૂચ યોગ્ય નહોતી એ સાચું પણ વ્યવ્સસ્થા તો બૅરિકેડની બન્ને તરફ ખોરવાઇ ગઈ. પોલીસે ટોળાનો સામનો લાઠીઓ અને અશ્રુવાયુથી કર્યો; સોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. પરંતુ એ જ ટોળામાં પોતાનું કામ કરી રહેલા પત્રકારો પણ તેમના પોતાના લોકોનું નિશાન બન્યા. ત્રણ અઠવાડિયાંથી ધરણાંનું રિપોર્ટિંગ કરી રહેલા ‘ટાઇમ્સ નાઉ’ના દેવ કોટકના કહેવા પ્રમાણે, દેખાવ કરનારાઓ ‘ગોદી મીડિયા’ના નારા લગાવતા હતા ત્યારે તેમને મુક્કા અને લાતો મારવામાં આવ્યાં; તેમનાં ચશ્માં ઝૂંટવી લેવાયાં, ખિસ્સામાંથી ફોન ખેંચી લેવામાં આવ્યો અને પછી ધક્કો મારીને તેમને જમીન પર પાડી દેવાયા. જો કે એ જ દેખાવકારોમાંથી કેટલાકે ભેગા થઈ માનવસાંકળ રચીને તેમને સલામત બહાર કાઢ્યા. તેના બીજા જ દિવસે કૂચનું રિપોર્ટિંગ કરી રહેલી બે મહિલા પત્રકારો સાથે છેડછાડ કરવામાં આવી અને તેમના પર હુમલો થયો. આ જે થયું એ તો ખોટું હતું જ. શાંતિથી વિરોધ કરનારાઓમાં આવા ખેપાનીઓ ક્યાંથી ભળ્યા? જો કે આમાંથી કશું જ પોલીસની લાઠીઓ કે અશ્રુવાયુને વાજબી ઠેરવતું નથી. પરંતુ આ આંદોલનની નૈતિક સત્તા અને તાકાત એ વાતમાં છે કે તે જે વ્યવસ્થા પર આરોપ મૂકે છે તેના કરતાં પોતે વધુ શિસ્તબદ્ધ રહે. જો એ જ આંદોલન કયા પત્રકારને સલામત રહેવાનો અધિકાર છે અને કોને નથી એ નક્કી કરવા માંડે, તો ચિંતા થાય. પછી એ લોકો લોકશાહી અને બંધારણની વાત કરે ત્યારે સવાલ થાય કે તેમને પોતે શું કરી રહ્યા છે એની ખરેખર ખબર છે ખરી? પત્રકારના હાથમાંથી ઝૂંટવી લેવાતો દરેક ફોન સરકારનું કામ સરળ કરી આપે છે, એ મંત્રીના મૌનની વાતને ટોળાની ગેરવર્તણૂકની વાતમાં ફેરવી નાખે છે. વધુ સલામત અંતરે બેસીને ઑનલાઇન ટ્રોલ્સ આ કામ પહેલેથી જ કરી રહ્યા હતા. એકતા માટે બનાવાયેલા હૅશટૅગ્સના આશરા હેઠળ અપશબ્દોને આગળ ધપાવી રહ્યા હતા. બુધવાર સાંજ સુધીમાં CJPએ કોટક પરના હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની નિંદા કરી હતી, પરંતુ તેના બીજા દિવસે બે મહિલા પત્રકારો પર થયેલા હુમલા વિશે જાહેરમાં કશું કહ્યું નહોતું. એ જ ટ્રોલિંગ હવે મંત્રીના ઘર સુધી પહોંચી ગયું છે. ધર્મેન્દ્ર પ્રધાનની દીકરી નૈમિષા અમેરિકામાં લૉ ભણી છે, તેનું એટલું ટ્રોલિંગ થયું કે એણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દેવું પડ્યું. તેનો ‘ગુનો’ માત્ર એટલો જ હતો કે તેના પિતા ભારતની શિક્ષણ વ્યવસ્થા સંભાળે છે અને પોતે વિદેશમાં ભણી છે. આ એક જ સવાલ છે વિરોધીઓ પૂછી રહ્યા છે પણ જવાબ માગવાને બદલે તેમણે કોઇ યુવતીના અંગત જીવન પર હુમલો કર્યો. આવી ચેષ્ટા આ આંદોલનની નૈતિકતાને નબળી પાડનારી છે. 

ભારતમાં આવું કંઇ પહેલીવાર નથી થયું. 1974માં ગુજરાતના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ મેસના બિલના વિરોધમાં શરૂ કરેલું આંદોલન આગળ જતાં નવનિર્માણ આંદોલન બન્યું અને એક મુખ્ય પ્રધાનને ખુરશી પરથી ઉતરવું પડ્યું; એક વર્ષ પછી ‘સંપૂર્ણ ક્રાંતિ’ના જયપ્રકાશ નારાયણના આહ્વાને એ આક્રોશને રાષ્ટ્રીય ભાષા આપી. બન્ને વખતે સત્તાને બહુ મોડેથી સમજાયું કે કોઈ નાની અને ચોક્કસ ફરિયાદ ખરેખર ક્યારે ય નાની હોતી નથી.

એક રસપ્રદ બાબત એવી  છે જે તેમના મંત્રાલયની બહાર વિરોધ કરી રહેલાઓને કાં તો ખબર નથી અથવા તો બધા જ એ જાણે છે પણ કોઈ તેનો ઉલ્લેખ નથી કરી રહ્યું : ધર્મેન્દ્ર પ્રધાન એક સમયે બરાબર ત્યાં જ ઊભા હતા, જ્યાં આજે આ વિદ્યાર્થીઓ ઊભા છે. 1997માં ABVPના યુવા કાર્યકર તરીકે તેમણે ઓડિશા સરકાર સામે કથિત પરીક્ષાનું પેપર ફૂટવાના મુદ્દે વિરોધ યોજવામાં મદદ કરી હતી. અંદાજે દોઢ હજાર વિદ્યાર્થીઓએ ભુવનેશ્વરમાં સચિવાલય તરફ કૂચ કરી હતી. પોલીસની કાર્યવાહી ત્યારે પણ નરમ નહોતી, એક અહેવાલ અનુસાર તેમની સાથે વિરોધમાં જોડાયેલા એક સાથીના કહેવા પ્રમાણે, પ્રધાનને એટલા ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો કે તેમને અનેક ફ્રૅક્ચર થયાં હતાં. આજે કોકરોચ જનતા પાર્ટીનું નામ પડ્યું છે, પરંતુ એ અર્થમાં પ્રધાન પોતે પણ ક્યારેક ‘કોકરોચ’ હતા. ત્રીસ વર્ષ પછી આજે તેઓ એ ઇમારતની અંદર બેઠા છે, જ્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર અશ્રુવાયુ છોડવામાં આવી રહ્યો છે. તેમની બારીની બહાર થઈ રહેલી માગણી એ જ છે, જે એક સમયે તેઓ પોતે એ જ બૅરિકેડની બીજી તરફ ઊભા રહીને કરતા હતા. એ ફ્રૅક્ચર વખતે કેવું લાગ્યું હતું એ વિશે તેમણે જાહેરમાં કશું કહ્યું નથી. કદાચ એ જ એક જવાબ છે.

1956 એક ટ્રેન પુલ પરથી નીચે ખાબકી ત્યારે તત્કાલીન રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ 1956માં રાજીનામું આપી દીધું હતું. ત્યારથી સાત દાયકાથી ભારત એ ઘટનાને એ વાતના પુરાવા તરીકે આગળ ધરતો આવ્યો છે કે શરમ કે સંકોચ પણ નીતિ ઘડવાનું સાધન બની શકે છે. હકીકતમાં એવું ભાગ્યે જ બને છે. પેપર લીકનું આ સંકટ ખરેખર એ સવાલ નથી કરતું કે ધર્મેન્દ્ર પ્રધાને જવું જોઈએ કે નહીં, ખરો સવાલ એ છે કે વીસ લાખથી વધુ ઉમેદવારોને MBBSની આશરે સવા લાખ જેટલી બેઠકો માટે સ્પર્ધા કરાવતી અને પેપર ફૂટી શકે એટલી છિદ્રાળુ પરીક્ષા વ્યવસ્થા, પ્રધાન રહે કે જાય, એમના પછી પણ બદલાશે એની ખાતરી શું છે?

પ્રધાનનું રાજીનામું જંતરમંતર પર એકઠા થયેલા લોકોને બરાબર એક ન્યૂઝ સાઇકલ પૂરતો સંતોષ આપશે. પરંતુ એનાથી પ્રશ્નપત્રો પ્રિન્ટરથી પરીક્ષાખંડના નિરીક્ષક સુધી કેવી રીતે પહોંચે છે, એ આખી સાંકળનું ઑડિટ કોણ કરે છે કે પછી જુદા-જુદા મંત્રીઓ અને જુદી-જુદી સરકારોના સમયમાં પણ દર થોડાં વર્ષે આ જ ફરિયાદ શા માટે સામે આવે છે, એમાંથી કશું બદલાશે નહીં. પરીક્ષાઓમાં થયેલા ગોટાળાને કારણે ભારતે અગાઉ પણ શિક્ષણ પ્રધાનો બદલ્યા છે. છતાં પેપર ફૂટવાનું બંધ થયું નથી. પ્રધાન જશે તો તેમના પછી આવનારી વ્યક્તિને આ જ તૂટેલી પાઇપલાઇન વારસામાં મળશે. 

બાય ધી વેઃ 

જે સુધારા માટે કોઈ વિરોધ કરી રહ્યું નથી, એ છે એવી પરીક્ષા વ્યવસ્થા, જેનું ઑડિટ બૅન્કોની જેમ થાય; ખરાબ હવામાન માટે માફી માગીએ એવી રીતે આ બાબત માટે માફી માગીને વાત પૂરી ન કરી દેવાય. અને એ સંવાદ વહેલો શરૂ થયો હોત તો કદાચ આટલે સુધી વાત પહોંચી જ ન હોત.  સરકારે શરૂઆતમાં જ સાંભળ્યું હોત તો બૅરિકેડ, લાઠી અને હૉસ્પિટલના બેડ સુધીની આ આખી સફર ટાળી શકાઈ હોત. પણ વિદ્યાર્થી આંદોલનો રાજકારણીઓ માટે વોર્મ-અપનો અખાડો પહેલાં પણ રહ્યા છે અને આજે પણ છે, અને એ અખાડામાં પરિણામ વગરના ઘોંઘાટની કિંમત છેવટે નિર્દોષોના ખભે જ આવે છે, ક્યારેક ફ્રૅક્ચર થયેલા હાડકાના રૂપમાં, ક્યારેક હૉસ્પિટલના બેડ પર, ક્યારેક કોઈ યુવતીના ડિએક્ટિવેટ થયેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના રૂપમાં. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર સાચી-ખોટી માહિતીઓનો ઓવરલોડ મગજને જાગતું તો રાખે છે, પણ વિચારવા નથી દેતો . આ લખાઇને પુરું થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાને પોતાના સોશ્યલ મીડિયા પરથી એક વીડિયો પોસ્ટ કરીને સરકાર આગળ પગલાં લેશે તેની ખાતરી આપી છે, જેમાં ગુનેગારોને આકરી સજા ફટકારવાની અને ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત છે. દરેક આ મુદ્દાનું ગાંભીર્ય જાણે છે, GenZ વધારે સારી રીતે અને માટે જ એ જળવાય તે જરૂરી છે. મુદ્દાઓ મીમ બનીને ન રહી જાય. જે મંત્રી પાસેથી રાજીનામું માગવામાં આવી રહ્યું છે, તેમણે એક સમયે ઓડિશાના સચિવાલયની બહાર આ જ જવાબદારીની માગણી કરતાં કરતાં લોહી વહેવડાવ્યું હતું. આ આખી વાતમાં કોઈએ બૅરિકેડની બીજી બાજુ ઊભા રહેવાના જાત અનુભવમાંથી બહુ કંઈ શીખ્યું હોય એવું લાગતું નથી. એક વાત એ પણ કે આપણને કોઈ ગમે કે, ન ગમે પણ સત્તા પર બેઠેલાને વખોડવા માટે સાવ નિમ્ન સ્તરની ભાષા કે ગંદી ગાળોનો પ્રયોગ કરીને વાયરલ થવામાં આંદોલનના મિજાજ કે આક્રોશ જસ્ટિફાય નથી થતા, બલકે તેનું ગાંભીર્ય છીનવી લઈ તેને તુચ્છ બનાવે છે. જ્વાળાઓ તપાવે, દઝાડે નવા આકારમાં ઢાળે તે જરૂરી છે પણ, આગ ઓકાય અને આહુતિ માટે પ્રગટે એમાં આસમાન જમીનનો ફેર છે. (આ છપાય ત્યાં સુધીમાં પરિસ્થિતિ બદલાઇ હોય તેવી શક્યતા અને અપેક્ષા બન્ને છે.)

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જુલાઈ 2026

Loading

...102030...42434445...506070...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved