Opinion Magazine
Number of visits: 10,221,697
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—351

દીપક મહેતા|Opinion - Opinion|25 July 2026

મુંબઈની ઓટો રિક્ષાના પહેલા પ્રવાસી હતા પંડિત જવાહરલાલ નેહરુ 

વર્ષ ૧૯૪૮. મહિનો એપ્રિલ. તારીખ ૨૪-૨૫-૨૬ના ત્રણ દિવસ. ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીની બેઠક મળી હતી મુંબઈમાં. ગાંધીજીની વિદાય પછીની આ પહેલી બેઠક. મુખ્ય એજન્ડા હતો દેશમાં ફેલાયેલી કોમી હિંસાની આગને કઈ રીતે કાબૂમાં લેવી, અને પછી ઠારવી. એ મીટિંગના કેન્દ્રસ્થાને હતા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ. તેમનો ઉતારો હતો ગવર્નર્સ હાઉસમાં. એક સવારે પંડિતજી અને બીજા ત્રણ-ચાર જણા ગવર્નર્સ હાઉસના પોર્ચમાં આવીને ઊભા હતા. પોર્ચમાં ઊભું હતું એક વાહન. તેના પર નંબર પ્લેટ હતી : BMN 1008. પંડિતજીની બાજુમાં ઊભા હતા નવલમલ કુંડલમલ ફિરોડિયા. આઝાદી માટેની લડતના એક આગેવાન અને એક અગ્રણી ઉદ્યોગપતિ. તેઓ પેલા વાહન વિષે પંડિતજીને કશુંક સમજાવી રહ્યા હતા. થોડી વાતો પછી પંડિતજી અને ફિરોડિયા એ વાહનમાં બેઠા, અને પહેલેથી હાજર રહેલા ડ્રાઈવરે વાહન ચલાવીને ગવર્નર્સ હાઉસના વિશાળ આંગણામાં ફેરવ્યું. પાંચેક મિનિટની મુસાફરી પછી બંને મુસાફરો એ વાહનમાંથી ઊતર્યા ત્યારે પંડિતજીએ ફિરોડિયાને કહ્યું: ‘મને લાગે છે કે માણસ વડે ખેંચાતી રિક્ષાની જગ્યા તમારી આ ઓટો રિક્ષા લઈ શકાશે. તેનું વ્યાપારી ધોરણે  ઉત્પાદન કરવાની હું મંજૂરી આપું છું.’ 

વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પહેલવહેલી ઓટો રિક્ષા

પંડિત નેહરુની સામે ઊભેલી ઓટો રિક્ષાને જરા ધ્યાનથી જોઈએ. પહેલું, એનું માથું ઉઘાડું છે. એટલે વરસાદમાં કે ઉનાળાની ગરમીમાં તેનો ઉપયોગ કરવો મુશ્કેલ. એટલે જ પછીથી ‘બંધ’ રિક્ષા આવી. અહીં ફોટામાં જે રિક્ષા દેખાય છે તેની નંબર પ્લેટ નોંધી? નંબર છે: BMN 1008. એ વખતે રાજ્ય અને શહેરનું પણ સત્તાવાર નામ મુંબઈ નહિ, Bombay હતું. એટલે BMN સિરીઝ તો સમજાય. પણ ૧૦૦૮ નંબર? પહેલી રિક્ષાનો નંબર ૧૦૦૮ કઈ રીતે હોઈ શકે? કૈંક ગરબડ લાગે છે. ના, જી. આપણે ત્યાં જૈન સમુદાયમાં (અને બીજા કેટલાક સમુદાયમાં પણ) ૧૦૦૮ના આંકડાને શુભ, શુકનિયાળ માનવામાં આવે છે. આ રિક્ષા બનાવનાર ફિરોડિયા કુટુંબ જૈન હોવાથી તેમણે ખાસ અરજી કરીને આ શુકનિયાળ નંબર મેળવ્યો હોય. આજે પણ વધારાની ફી આપીને ‘સ્પેશિયલ નંબર’ જેમ કે ૯૯૯૯ મેળવી શકાય છે. તેવી જ રીતે આ ૧૦૦૮ નંબર. 

નવલમલ કુંડલમલ ફિરોડિયા

મુંબઈમાં ટેક્સીની શરૂઆત ૧૯૧૧માં થઈ ત્યારે તેને માટે કોઈ એક જ રંગ નક્કી થયો નહોતો. ૧૯૭૦ના દાયકામાં બધી ટેક્સી માટે કાળો અને પીળો રંગ ફરજિયાત બન્યો. ઉપલો ભાગ પીળો એટલા માટે કે દૂરથી પણ ટેકસીને આવતી પારખી શકાય. અને નીચેનો અડધો ભાગ કાળો જેથી તે જલદી ગંદો કે ખરાબ ન થાય. આ કલર સ્કીમ સમાજ સેવક અને રાજકારણી વિઠ્ઠલ બાળકૃષ્ણ ગાંધી (૧૮૯૬-૧૯૬૯) દ્વારા સૂચવાઈ હતી. જ્યારે મોટે પાયે ઓટો રિક્ષા શરૂ થઈ ત્યારે તેને માટે પણ આ જ કલર સ્કીમ ફરજિયાત બનાવાઈ. અલબત્ત, જુદાં જુદાં રાજ્યોમાં જુદા જુદા રંગ નક્કી થયા છે. જેમ કે ગુજરાતની ઓટો રિક્ષા પીળી-લીલી હોય છે. છેલ્લાં થોડાં વરસમાં મુંબઈની રિક્ષામાં એક નવો રંગ ઉમેરાયો છે: પિંક કહેતાં ગુલાબી રંગ. રિક્ષા ચલાવવાનો ઈજારો માત્ર પુરુષોનો જ શા માટે હોય? સ્ત્રીઓ પણ કેમ ન ચલાવી શકે? એટલે સ્ત્રી ચાલકો દ્વારા ચાલતી રિક્ષા માટે પસંદ થયો પિંક કલર. સાથોસાથ રિક્ષા માટેના કુલ પરવાનાના પાંચ ટકા પરવાના પિંક રિક્ષા માટે અનામત રાખવાનું પણ ઠરાવાયું.

શરૂઆતથી જ ઓટો રિક્ષાને પરાંઓ પૂરતી જ મર્યાદિત રખાઈ. વાંદરા અને સાયનની ઉત્તરે જ એ ચલાવી શકાય. જેને ઘણા ‘તળ’ મુંબઈ કહે છે તે દક્ષિણ મુંબઈમાં ખાનગી રિક્ષા પણ ન ચલાવી શકાય. પરાંઓમાં રિક્ષાને સૌથી વધુ લોકપ્રિય બનાવી ‘શેર અ રિક્ષા’ની યોજનાએ. ઘણાંખરાં પરાંઓમાં રેલવે સ્ટેશનોની બહાર આવી રિક્ષાની અલગ લાઈન. તે ક્યાં જશે અને કયે રસ્તે થઈને જશે એ પહેલેથી નક્કી. જેમ કે, વાંદરા પૂર્વ સ્ટેશનથી બીકેસી. ત્રણ છડિંયા બેસે કે તરત રિક્ષા ઊપડે. તેનું ભાડું પણ અગાઉથી નક્કી. દરેક પેસેન્જરે અલગ અલગ એ ચૂકવવાનું, ડ્રાઈવરને. એક જમાનામાં બાળકોને સ્કૂલે લઈ જવા માટે પણ રિક્ષા વપરાતી. ત્યારે તેમાં ઘેટાં-બકરાંની જેમ બાળકોને ઠાંસતા. હવે પોલીસની કડકાઈને કારણે એ ઘણે અંશે બંધ થઈ ગયું છે. જો કે મુંબઈ બહાર, અને બીજાં રાજ્યોમાં, હજી આ ‘સ્કૂલ રિક્ષા’નો ધંધો ચાલે છે.

શરૂઆતમાં બધી રિક્ષા પેટ્રોલથી ચાલતી. પછી આવ્યું ડીઝલ, સી.એન.જી., અને પી.એન.જી. રિક્ષા ભલે ગમે તે ઇંધણથી ચાલતી હોય, પણ ભાડું તો બધી રિક્ષા માટે સરખું જ. અને પેટ્રોલ-ડીઝલ મોંઘાં. એટલે આજે હવે મોટા ભાગની રિક્ષા ગેસથી ચાલતી થઈ. હજી થોડા દિવસ પહેલાં, જુલાઈની ૧૭મી તારીખે, દેશમાં પહેલવહેલી ‘હાઈડ્રોજન ટ્રેન’ શરૂ થઈ. કોને ખબર, કાલ ઊઠીને ‘હાઈડ્રોજન રિક્ષા’ પણ શરૂ થાય!

ઓટો રિક્ષા શરૂ થઈ ત્યારથી તેની ડિઝાઈનમાં બહુ મોટા ફેરફાર થયા નથી. ત્રણ મુસાફરની સંખ્યા પણ પહેલેથી જ નક્કી. હા, પહેલાં એન્જિન આગળના ભાગમાં રહેતું તે પાછળના ભાગમાં ગયું. મુંબઈના ગાંડાતૂર વરસાદમાં મુસાફરોને થોડા ઓછા ભીંજાયાનો સંતોષ થાય એ માટે બંને બાજુ પડદા ઉમેરાયા. છેલ્લા કેટલાક વખતથી ઘણી રિક્ષામાં નાનું બારણું પણ ગોઠવાય છે. મુસાફર જમણી બાજુથી ચડે-ઊતરે નહિ એ માટે એ બાજુથી ચડી-ઊતરી ન શકાય એવી વ્યવસ્થા તો ઘણાં વરસથી થઈ છે. 

રિક્ષાના ડ્રાઈવરોના પણ બે મુખ્ય ભાગ : એક, માલિક પોતે ચાલક પણ હોય. બે, માલિક પાસેથી ભાડે લઈને રિક્ષા ચલાવતો ચાલક. બંનેના યુનિફોર્મ અને બિલ્લા જુદા જુદા પ્રકારના. તેવી જ રીતે દિવસે અને રાતના ચાલતી રિક્ષાઓ પણ અલગ. અને હા, મુંબઈની રિક્ષાની એક ખાસિયત: સામાન્ય સંજોગોમાં એ મીટર પ્રમાણે ભાડું વસૂલે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, અસાધારણ વરસાદના દિવસો, લોકલ ટ્રેનો ખોટકાઈ હોય એવા દિવસો, એમાં અપવાદ ખરા.

પહેલી ઓટો રિક્ષા ભલે મુંબઈમાં આવી હોય. તેનો પહેલી વાર મોટા પાયા પર ઉપયોગ થયો તે તો પૂણેમાં. નામદાર આગાખાન પૂણે પધારે ત્યારે સંખ્યાબંધ લોકો તેમના દિદાર માટે પૂણે રેલવે સ્ટેશનથી આગાખાન પેલેસ જાય, બળદ ગાડાં કે ઘોડા ગાડીમાં. ખાસ્સો સમય લાગે, અને ખરચ પણ વધારે થાય. એક વખત ફિરોડિયાએ પૂણે સ્ટેશનની બહાર હારબંધ રિક્ષાઓ ઊભી કરી દીધી. આગાખાન પેલેસ સુધી ૪૦ મિનિટમાં પહોંચાય, અને ભાડું પણ બળદ ગાડાં કરતાં સારું એવું ઓછું. આજે તો માત્ર શહેરોમાં જ નહિ, ગામડાંઓમાં પણ રિક્ષા પહોંચી ગઈ છે.  

પિંક રિક્ષા ‘હમ કિસી સે કમ નહિ’ 

પણ ફિરોડિયાને આવું ત્રણ પૈડાંવાળું વાહન બનાવવાનો વિચાર આવ્યો કઈ રીતે? દેશને આઝાદી મળી તે પહેલાં, ૧૯૪૭ના ફેબ્રુઆરીમાં બોમ્બે સ્ટેટની વિધાન સભામાં એક સભ્યે મુદ્દો ઊઠાવ્યો હતો, ઘણી જગ્યાએ હાથ-રિક્ષા હતી તેના ચાલકોની દયનીય સ્થિતિ વિષે. એ વખતે બોમ્બે સ્ટેટના હોમ મિનિસ્ટર હતા મોરારજી દેસાઈ. તેઓ આવી સ્થિતિ દૂર કરવી જરૂરી છે એ વાત સાથે સહમત થયા. પણ તરત સવાલ આવીને ઊભો રહ્યો : હાથ-રિક્ષા પર પ્રતિબંધ મૂકીએ તો એને બદલે બીજું કયું વાહન લોકો વાપરી શકે? આ સવાલનો જવાબ એ વખતે કોઈ પાસે હતો નહિ. એટલે એ વખતે તો કોઈ ઠરાવ થયો નહિ.

પણ આ સમાચાર જાણીને એ જમાનાના જાણીતા ઉદ્યોગપતિ શ્રી ફિરોડિયા વિચારતા થયા : આ હાથ રિક્ષાની જગ્યાએ વાપરી શકાય એવું કોઈક વાહન બનાવવું જોઈએ. અને તેમણે બનાવ્યું એવું વાહન. આગલો ભાગ એ વખતે, મોટર સાઈકલ જેવો. પણ પાછળ એક નહિ, બે પૈડાં. ડ્રાઈવરની પાછળ બે, કે બહુ બહુ તો ત્રણ જણ બેસી શકે એવી સીટ. માથે છાપરું નહિ. અને એમ જન્મ થયો આપણા દેશની પહેલવહેલી ઓટો રિક્ષાનો. 

પછી ફિરોડિયાએ બીજા દેશો તરફ નજર દોડાવી. જાણવા મળ્યું કે ઇટલી અને યરપના બીજા કેટલાક દેશોમાં ત્રણ પૈડાંવાળું એક વાહન વપરાય છે, બ્રેડ, ફૂલો, કેક જેવી વસ્તુઓ દુકાનો સુધી પહોંચાડવા માટે. અલબત્ત, એ બધી બાજુથી બંધ, ફક્ત એક બાજુ નાનો દરવાજો. એના ફોટા અને બીજી માહિતી મેળવી. માલ-સામાન માટે નહિ, પણ માણસોની હેરફેર માટે પેલી પહેલી ઓટો રિક્ષામાં થોડા ફેરફાર કર્યા. માથે છાપરું. બેસવાની સીટ પાસે બંને બાજુ ચડવા ઊતરવાની સગવડ. આવી ઓટો રિક્ષાનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થયા પછી મુંબઈ સરકારે આખા રાજ્યમાં હાથ-રિક્ષા પર પ્રતિબંધ મૂકી દીધો. હા, તેમાં એક અપવાદ રાખ્યો, માથેરાન. 

ફિલ્મ ‘દો બીઘા જમીન’માં હાથ રિક્ષા ખેંચતા બલરાજ સાહની 

આ લખનાર જેવા આજન્મ મુંબઈકરના મનમાં એક સવાલ ઊઠ્યા વગર રહે નહિ : શું ખરેખર મુંબઈ શહેરમાં હાથ-રિક્ષાનો ઉપયોગ ક્યારે ય વ્યાપકપણે થતો હતો ખરો? પાલખી, બળદ ગાડી, રેંકડો, વિક્ટોરિયા, ઘોડાથી ખેંચાતી અને પછી વીજળીથી ચાલતી ટ્રામ, બસ, ટેક્સી, લોકલ ટ્રેન, આ બધું જ હતું. પણ હાથ રિક્ષાનો વ્યાપકપણે ઉપયોગ થતો ખરો? એકમાત્ર અધિકૃત ગણાતો ફોટો ૧૯૧૪નો મળે છે. તેમાં બે હાથ-રિક્ષામાં એક-એક અંગ્રેજ બેઠા છે. ફોટામાં નીચે કોઈએ ભૂરી શાહીથી લખ્યું છે : Bombay 1914. પણ ફોટામાં મુંબઈની ઓળખ આપતી નથી દેખાતી કોઈ ઇમારત, કે નથી દેખાતો ઓળખી શકાય એવો કોઈ વિસ્તાર. ફોટાનો આગલો ભાગ જોતાં લાગે કે જ્યાં બાંધકામ ચાલી રહ્યું હોય તેવો આ કોઈ વિસ્તાર હોઈ શકે. બંને રિક્ષા-ચાલકે અને પાછળ ઊભેલા ચોપદારોએ લગભગ યુનિફોર્મ કહી શકાય તેવાં એક સરખાં કપડાં પહેર્યાં છે. એ જોઈ વિચાર આવે કે કોઈ સરકારી ખાતાની તો આ હાથ-રિક્ષા નહિ હોય ને? હા, માલ-સામાનની હેરાફેરી માટે દાયકાઓ સુધી ‘હાથ-લારી’ વપરાતી, ખાસ કરીને બજારોના વિસ્તારોમાં. ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે, કેરોસીન વેચવા માટે, બળદ ગાડાંનો ઉપયોગ તો હજી હમણાં સુધી થતો જોયો છે. કોઈક વિસ્તારોમાં આજે ય થતો હોય તો નવાઈ નહિ. પણ મારા જેવા આજન્મ મુંબઈકરે હાથ-રિક્ષા માત્ર ‘દો બીઘા જમીન’ જેવી ફિલ્મોમાં જ જોઈ છે. સગી આંખે મુંબઈમાં ક્યારે ય નહિ. અને છતાં હાથ રિક્ષા ખેંચતા બલરાજ સાહનીની છબી કાયમ માટે મનમાં કોતરાઈ ગઈ છે. અને કાનમાં ગુંજ્યા કરે છે પેલું ગીત:

अजब तोरी दुनिया हो मोरे रामा

पर्वत काटे सागर पाटे, महल बनाए हमने

पत्थर पे बगिया लहराई फूल खिलाए हमने

हो के हमारी हुई न हमारी

अलग तोरी दुनिया हो मोरे रामा 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 જુલાઈ 2026

Loading

યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ … 

સોનલ પરીખ|Opinion - Opinion|25 July 2026

યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ 

છુપાતે છુપાતે બયાં હો ગઈ હૈ

 

યે દિલ કા ધડકના યે નજરોં કા ઝૂકના 

જિગર મેં જલન સી યે સાંસોં કા રૂકના 

ખુદ જાને ક્યા દાસતાં હો ગઈ હૈ 

 

બુઝા દો સિતારોં કી શમ્મે બુઝા દો 

છુપા દો હસીં ચાંદ કો ભી છુપા દો

યહાં રોશની મહેમાં હો ગઈ હૈ 

 

ઇલાહી યે તુફાન હૈ કિસ બલા કા 

કિ હાથોં સે છૂટા હૈ દામન હયા કા 

ખુદ કી કાસમ આજ દિલ કહ રહા હૈ 

કિ મિટ જાઉં મૈં નામ લેકર વફા કા 

તમન્ના તડપકર જવાં હો ગઈ હૈ 

  

સુમન કલ્યાણપુર

‘દિલ ગમ સે જલ રહા હૈ જલે, પર ધુઆં ન હો’ અને ‘ન તુમ હમેં જાનો’ જેવાં સદાબહાર મધુર ગીતો આપનાર સુમન ક્લ્યાણપુરે થોડા દિવસ પહેલા ચિરવિદાય લીધી. આ ગીતો લતા મંગેશકરે નથી ગાયાં એવું જાણ્યા પછી પણ માનવામાં ન આવે એવું લતાજી સાથેનું ગજબનું કંઠસામ્ય સુમનજી માટે સદ્દભાગ્ય અને કમભાગ્ય બંને હતાં. એમને શ્રદ્ધાંજલિ આપી આ લેખની શરૂઆત કરું. 

૧૫ જૂને વીતેલા યુગના બે તેજસ્વી સિતારાઓનો જન્મદિન – સંગીતકાર સજ્જાદ હુસૈન અને ગાયિકા અભિનેત્રી સુરૈયા. આ બંનેની વાત કરવા માટે ૧૯૬૩ની ફિલ્મ ‘રૂસ્તમ સોહરાબ’ના ‘યે કૈસી અજબ દાસતાં હો ગઈ હૈ, છુપાતે છુપાતે બયાં હો ગઈ હૈ’થી ઉત્તમ ગીત ન હોઈ શકે. આ સુંદર ગીત શાયર જાં નિસાર અખ્તરે લખ્યું હતું. 

પ્રેમ અને શૌર્ય બંનેની અતિરેકતાભરી વાર્તાઓ મધ્યકાલીન સાહિત્યનું જબરજસ્ત આકર્ષણ રહ્યું છે, પછી તે કોઈ પણ દેશનું સાહિત્ય હોય. ફારસી સાહિત્યના, વિશ્વ સાહિત્યમાં અગ્રણી સ્થાન ધરાવતા મહાકાવ્ય ‘શાહનામે’નું વિષયવસ્તુ પણ આ જ છે. અગિયારમી સદીની શરૂઆતમાં ઈરાની કવિ અબૂલ કાસિમ ફિરદૌસી લખેલા ‘શાહનામે’માં આમ તો રાજાઓની કથાઓ છે. ઈરાનના પ્રાગૈતિહાસિક કાળથી લઈને સાતમી સદીમાં થયેલા આરબ આક્રમણ અને સાસાનીદ સામ્રાજ્યના પતન સુધીનો ઇતિહાસ અને રાજવંશની કથાઓ વણી લેતો આ ગ્રંથ ફિરદૌસીએ લખ્યો, એ વખતે ફારસી ભાષા લુપ્ત થવાની અણી પર હતી. આ ગ્રંથે ફારસી ભાષા અને ઈરાની સંસ્કૃતિને પુનર્જીવિત કરી અને સાચવી રાખી. ‘શાહનામે’ વિશ્વના સૌથી લાંબા મહાકાવ્યોમાંનું એક છે.

‘રૂસ્તમ સોહરાબ’ આ મહાકાવ્યમાં વણાયેલી અત્યંત પ્રખ્યાત અને કરુણ લોકવાર્તા છે. તેના પરથી ૧૯૬૩માં એક ભવ્ય કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મ ‘રૂસ્તમ સોહરાબ’ બની હતી. ઈરાનનો બહાદુર મહાન યોદ્ધો રૂસ્તમ (પૃથ્વીરાજ કપૂર) એક યુદ્ધપ્રવાસ દરમિયાન સમંગણ દેશની રાજકુમારી તહેમીના(સુરૈયા)ના પ્રેમમાં પડે છે અને તેની સાથે એક જ રાત ગાળીને ચાલ્યો જાય છે. વર્ષો સુધી એ પાછો આવી શકતો નથી ને એક દિવસ યુવાન થઈ ગયેલો પુત્ર એક યુદ્ધમાં પિતાના હાથે જ માર્યો જાય છે. આ કરુણાંતિકા પરથી દેશવિદેશમાં અનેક નાટકો, ઓપેરા, ફિલ્મો અને પુસ્તકો થયાં છે. 

‘યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ’ ગીતમાં પૌરુષભર્યા વીરને ચાહવા લાગેલી સુંદર કન્યાનો મધુર એકરાર છે. એક તરફ લજ્જા, બીજી તરફ પ્રેમ અને ત્રીજી તરફ ઉલ્લાસ આ બધા ભાવોને સુરૈયાએ ખૂબ આકર્ષક રીતે વ્યક્ત કર્યા છે. કંઠમાં પણ સૌમ્ય માદકતાને વહેતી મૂકી છે. 

સુરૈયા

‘રૂસ્તમ સોહરાબ’ ૩૪ વર્ષની સુરૈયાની છેલ્લી ફિલ્મ હતી, ત્યારપછી તેણે અભિનય અને ગાવાનું બંને સંપૂર્ણપણે છોડી દીધાં. જે વખતે તેની લોકપ્રિયતાનો સિતારો ખાસ્સો બુલંદ હતો ત્યારે અભિનય અને ગાયન છોડ્યાં એ તેનું સ્ટ્રેટેજિક સ્ટેપ હતું કે દેવ આનંદ સાથે તૂટેલા સંબંધનો આઘાત તે કોણ કહી શકે? બને કે સત્ય આ બે છેડાની વચ્ચે ક્યાંક હોય. ગમે તેમ, તેના ક્ષેત્રસન્યાસથી ગાયિકા-અભિનેત્રીનો આખો યુગ સમાપ્ત થઈ ગયો હતો. આ ગીત તેનું છેલ્લું હતું અને શ્રેષ્ઠ ગીતોમાંનું એક હતું. 

સુરૈયાના મામા ઝહુર એ વખતે હિંદી સિનેમામાં વિલન તરીકે જાણીતા. એમની ઓળખાણથી સાત વર્ષની સુરૈયા ફિલ્મોમાં કામ કરવા લાગી. ૧૯૪૧માં બારેક વર્ષની ઉંમરે સુરૈયાએ ‘તાજમહલ’ ફિલ્મમાં મુમતાઝ મહલનો બાળપણનો રોલ કર્યો હતો. મદન મોહન અને રાજ કપૂર સાથે ઓલ ઈન્ડિયા રેડિયો પર કાર્યક્રમો આપતી સુરૈયાને સાંભળી નૌશાદે તેની પાસે મહેતાબ માટે ‘મેરે દિલ કો સજન સમજા દો’ ગીત ગવડાવ્યું ત્યારે સુરૈયા ૧૩ વર્ષની હતી. સુરૈયાએ માત્ર મહેતાબ માટે જ ગાયું છે. ૧૬ વર્ષની ઉંમરે તે નાયિકા બની. ત્યાર પછી તેણે કદી પાછું વળીને જોયું નહીં. એ જમાનાની સફળ ત્રિપુટી દેવ આનંદ, રાજ કપૂર અને દિલિપકુમાર આ ત્રણે કરતાં સુરૈયાની ફી વધારે હતી. તે હિંદી સિનેમાની પહેલી મેગાસ્ટાર હતી. તેણે ‘વારિસ’માં તલત મહેમૂદ સાથે અને ‘માશુકા’માં મુકેશ સાથે અભિનય કર્યો હતો.

દિલિપકુમાર સાથે ‘જાનવર’ ફિલ્મના શૂટિંગમાં ઝઘડો થવાથી સુરૈયાએ એ ફિલ્મ પડતી મૂકી હતી. રાજ કપૂર સાથે ચાર ફિલ્મ કરી અને દેવ આનંદ સાથે સાત. ‘મનમોર હુઆ મતવાલા’ અને ‘નૈન દિવાને’ જેવાં સુંદર ગીતોવાળી ફિલ્મ ‘અફસર’ના શૂટિંગ દરમ્યાન દેવ આનંદે સુરૈયાને પ્રોપોઝ કર્યું અને હીરાની વીંટી પહેરાવી. સુરૈયાના નાનીએ વીંટી દરિયામાં ફેંકી સોનાની મરઘીને બચાવી લીધી. એમની વિરુદ્ધ જવાની હિંમત સુરૈયાએ કરી નહીં અને સંબંધનો અંત આવી ગયો એ બધી જાણીતી વાત છે. આ ઘટના પછી સુરૈયાને જિંદગીમાં કે કારકિર્દીમાં રસ રહ્યો નહીં. ‘રૂસ્તમ સોહરાબ’ પછી તેણે ફિલ્મો છોડી. ત્યાર પછી ૪૦ વર્ષ તે એકલવાયું જીવન જીવી. તેણે હુસ્નલાલ ભગતરામ સાથે સૌથી વધારે કામ કર્યું હતું. 

સજ્જાદ હુસૈન

‘રૂસ્તમ સોહરાબ’ના સંગીતકાર સજ્જાદ હુસૈન એક જુદી ખોપરી હતા. નાની ઉંમરથી સિતાર, વીણા, વાયોલિન પિયાનો અને બંસરી વગાડતા સજ્જાદ મેન્ડોલિનના નિષ્ણાત અને અરેબિક સંગીતના પ્રેમી હતા. ૧૯૪૪માં સોહરાબ મોદીના મિનરવા સ્ટુડિયોમાં ૩૦ રૂપિયાના પગારથી એમણે શરૂઆત કરી, ઝડપથી સફ્ળતાનાં શિખરો સર કર્યાં. સંગીતમાં અવ્વલ હોવાથી ઘણું માન મેળવ્યું પણ અહંકારને કારણે દુ:શ્મનો પણ એટલા જ ઊભા કર્યા. નૌશાદ પ્રત્યે તેમણે એટલો અણગમો કે પોતાના કૂતરાનું નામ નૌશાદ રાખ્યું. લતા મંગેશકર સાથે એવો વાંધો પડ્યો કે માત્ર ૨૨ ગીત કર્યા પછી એને આવજો કહી દીધું. તલત મહેમુદને ‘સંગદિલ’ માટે ‘યે હવા યે રાત યે ચાંદની’ જેવુ ઉમદા ગીત આપ્યું પણ પછી કઈં તકરાર થતાં તેને ‘ગલત મહેમૂદ’ કહેવાનું શરૂ કર્યું. કિશોરકુમારને ‘શોરકુમાર’ કહેતા. શશધર મુખર્જી જેવા સફળ ફિલ્મસર્જક અને ‘મુગલે આઝમ’ જેવી ફિલ્મને નકાર્યાં. સ્વભાવને કારણે વીસેક ફિલ્મો ગુમાવી. ૧૯૯૫માં માહિમમાં તેમનું મૃત્યુ થયું ત્યારે ફિલ્મજગતમાંથી ખય્યામ અને પંકજ ઉધાસ બે જ હાજર હતા. તેમના પાંચે દીકરા સંગીતક્ષેત્રે કામ કરી રહ્યા છે. એમાંનો એક પંકજ ઉધાસ સાથે મેન્ડોલિન વગાડતો. 

‘રૂસ્તમ સોહરાબ’ અને ‘સંગદિલ’ એમના માસ્ટરપીસ. ‘રૂસ્તમ સોહરાબ’નાં ‘એ દિલરુબા’ અને ‘ફિર તુમ્હારી યાદ આઈ એ સનમ’ આજે પણ ભુલાયાં નથી અને જાં નિસાર અખ્તરના શબ્દો પણ – ‘ક્યા લુત્ફ આ રહા થા દિલબર કી દિલ્લગી સે, નજરેં ભી થી મુઝી પર પરદા ભી થા મુઝી સે, કિતને પ્યારે હૈ મુહબ્બત કે સિતમ, ફિર તુમ્હારી યાદ આઈ એ સનમ’ એમની એક પંક્તિ યાદ આવે છે, ‘તુમ કહતે હો કિ મૈં ગૈર હૂં ફિર ભી શાયદ, કોઈ પહચાન નિકલ આયે જરા દેખ તો લો’. 

‘રૂસ્તમ સોહરાબ’નાં ગીતો વરસાદની રાતે સાંભળવા જેવાં ખરાં.  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 12 જૂન 2026

Loading

નાનકડી શિસ્ત

સુરેશ જાની|Opinion - Opinion|24 July 2026

મે– ૨૦૧૭

વાવાં ઝોડાંની જેમ ઊંટાટિયા જેવી ઉધરસ ધસી આવી. બે મહિને માંડ એ હરિકેને વિદાય લીધી, પણ તેણે શરીરના માળખાંને હચમચાવી દીધું. સ્વાભાવિક છે કે, એ ગાળામાં રોજની બધી સાધના અભરાઈએ ચઢી ગઈ હતી. થોડીક સ્વસ્થતા આવતાં, એ શરૂ કરવા વિચાર્યું.  થોડીક જ કસરત અને થોડાંક જ આસનથી શરૂઆત કરી.

પણ વજ્રાસનમાં બેસવાની તો હિમ્મત જ ન થઈ. એક અઠવાડિયું આમ લિમિટેડ એડિશનમાં ગાળ્યું! પછી હિમ્મત કરીને વજ્રાસનની ક્રિયા શરૂ કરવા પ્રયત્ત્ન કર્યો. માંડ એ સ્થિતિ ધારણ કરી,  પણ માત્ર એકાદ સેકન્ડ માટે જ. તરત પગ છુટા કરી દેવા પડ્યા. આ નબળાઈ માટે લઘુતા પણ થઈ ગઈ. બીજા દિવસે એનો વારો આવતાં માંડી વાળતો હતો. પણ નાનકડી શિસ્તની વાત યાદ કરી બે ત્રણ સેકન્ડ માટે પણ વજ્રાસનની સ્થિતિમાં બેઠો તો ખરો જ. આમ ને આમ એક અઠવાડિયા સુધી કોશિશ ચાલુ રાખી. ધીમે ધીમે એકથી પાંચ ગણાય એટલું બેસી શકાયું. હવે હિમ્મત આવી કે, એ કાબેલિયતે સાવ વિદાય તો  નથી જ લીધી! એ વાતને ત્રણ મહિના થઈ ગયા. સિદ્ધિ ગણો તો સિદ્ધિ અને આનંદ ગણો તો આનંદ. વજ્રાસનના ત્રણ રાઉન્ડ કરી શક્યો – ૬૦, ૬૦ અને ૪૦ સેકન્ડ.

નાનકડી શિસ્ત

ખેડ્ડા ઓપરેશન – માયસોરના જંગલી હાથીને પકડવાની અને પોતાની મસ્તીમાં મ્હાલતા, મદમસ્ત, મહાકાય હાથીને અંકુશમાં લેવાનું – એની પાસેથી પોતાને ધાર્યું કામ કરવા તાલીમ આપવાનું – દુઃસાધ્ય કામ; એ હાથી કરતાં સોથી ય વધારે નાની કાયા ધરાવતો માણસ કરી શકે છે.

પણ પોતાના માત્ર બે એક શેર જેટલા વજનવાળા મગજ પાસે એ લાચાર બની જાય છે! મનની અગણિત શક્તિઓ હોવા છતાં; એની મર્યાદાઓથી માણસ તોબા! તોબા! પોકારી ઊઠે છે; વ્યથા અને વેદનાના ઓથારમાં કકળી ઊઠે છે; નિરાશાના-હતાશાના ગર્તામાં હડસેલાઈ; આત્મહત્યા કરવા સુધીની વિનિપાતની ખીણમાં ગબડી શકે છે.

અનેક રસ્તાઓ, પદ્ધતિઓ એ માટે સૂચવાયાં છે; અને સૂચવાતાં રહેશે; પણ જેમ જેમ એનું અમલીકરણ કરતા જઈએ; તેમ તેમ એ કેટલું મુશ્કેલ કામ છે; તેની પ્રતીતિ થઈ જ જાય છે. એ અંગે યોગની વાત કરીએ.

योगः चित्तानुशासनम् |

યોગ એટલે ચિત્તને શિસ્તમાં લાવવું તે.

પાયાના હોવાપણા સાથે જોડાણની પ્રક્રિયાની આ વ્યાખ્યાથી પતંજલિ યોગસૂત્રની યથાર્થ શરૂઆત થાય છે. જે સતત તરલ છે; જે બંધાવાની સામે મદમસ્ત હાથી કરતાં પણ અનેક ગણી શક્તિ ધરાવે છે – એવા મનને કાબૂમાં લાવવું; એની પાસે ધાર્યું કામ કરાવવાની શક્તિ ધરાવતા થવું – એ માટેની પદ્ધતિ એટલે યોગ.

‘ઠોઠ અને તોફાની નિશાળિયાને શિસ્તમાં આણવો.’

અનુભવે આપણને એ તરત માલુમ થઈ જાય છે કે, મનને શિસ્તમાં આણવું બહુ જ કઠણ છે. આપણે એ માટે શિબિરોમાં હાજરી આપીએ; યોગના ક્લાસ ભરીએ; ધ્યાન શી રીતે કરવું તે શીખવા ગુરુ પાસે જઈએ; વર્તમાનમાં જીવવાનું શીખવતા થોથે થોથાં વાંચીએ – પણ અમલમાં મુકવાના અખાડા; અથવા બે દિવસ મચી પડીએ, અને પછી …‘એ રામ એના એ! “

આ મારો, તમારો, લગભગ સૌનો અનુભવ છે. આમ શા માટે થાય છે?  કારણ બહુ જ સાદું છે.

આપણને આ બધું શીખવનારા પચાસ સાઠ કે તેથી પણ વધારે પગથિયાં ચઢી ગયેલા હોય છે. એમની પાસે અનેક વર્ષોની સાધનાની મુડી હોય છે. એ જેનો ઉપદેશ આપતા હોય છે, એ પીએચ.ડી. કક્ષાનું ગનાન હોય છે! અને આપણને તો હજી એકડો ઘુંટતાં પણ આવડતો નથી હોતો. અરે! એ નિશાળમાંથી પણ ભાગી જઈને લીલુડી ધરતી પર ગુલાંટો મારવામાં આપણને વધારે રસ હોય છે. માંકડા જેવા મનને ‘વાનર વેડા’માં વધારે રસ જણાતો હોય છે! આથી એ નિશાળમાં આપણે જુનિયર કે.જી. કરતાં આગળ વધી શકતા નથી.

લાખો વર્ષોની ઉત્ક્રાન્તિ પછી પ્રાણીજગતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. એના છેલ્લા ચરણ જેવા માણસે ચેતનાની દિશામાં ભરેલી હરણફાળો, એ ઉત્ક્રાન્તિની તવારીખમાં ચરમસીમા જેવી છે. આ હરણફાળો જ્ઞાનની તેમ જ ડહાપણની / બુદ્ધિ તેમ જ પ્રજ્ઞાની /જીવનની સપાટીની બહારની તેમ જ અંદરની દિશામાં થયેલી છે. જ્ઞાનના ક્ષેત્રમાં જે વિકાસ થયો છે, અને હજુ થશે; તે અજોડ છે. પ્રજ્ઞાના ક્ષેત્રમાં પણ કરોડો માનવોની વચ્ચે વિશ્વામિત્ર, રામ, કૃષ્ણ, જિસસ, મહમ્મદ, જિસસ, મોઝિસ, મહાવીર, બુદ્ધ જેવાં ચેતના અને પ્રજ્ઞાનાં અનેક દિવ્ય પુષ્પો પ્રગટ્યાં જ છે. પણ આ ક્ષેત્ર ચેતનાની અંદર તરફનું હોવાના કારણે એનો સામૂહિક વ્યાપ થવાની વેળા હજુ આવી નથી. પણ એ આવશે, એવાં ચિહ્નો વરતાઈ રહ્યાં છે. અત્યંત ભૌતિક સમૃદ્ધિ અને સત્તા / સામર્થ્યના દુરૂપયોગના કારણે વાજ આવી ગયેલું પશ્ચિમી જગત પણ આ આંતરિક વિકાસની શક્યતા તરફ સજાગ બનેલું જોઈ શકાય છે.

પણ આ સજગતા નવા જન્મેલ પક્ષીબાળની પાંખોમાં ફૂટી રહેલ તાકાતની શરૂઆત જેવી છે. એ પક્ષીબાળ પાંખો ફફડાવી, માળામાંથી કૂદકો મારે છે; પડે છે; અફળાય છે- અને ફરી પાછું માબાપને ઊડતાં જોઈ; જાતે ઊડવા કટિબદ્ધ બને છે. એ પોતાની જાતને નિ:સહાય માનીને ઊડવાનું બંધ કરતું નથી.

એક કડિયો મકાન બનાવે છે; ત્યારે એક ઈંટ અને મોર્ટાર મૂકીને અટકી નથી જતો. આખો દિવસ ઈંટ પર ઈંટ મુકીને એ ચણાયેલી દીવાલ જોઈ સંતોષ માની લઈ, બીજી દીવાલ બનાવવાનું બંધ નથી કરી દેતો. એ તો બીજે દિવસે અચૂક હાજર થઈ જ જાય છે.

આઝાદ બનવાની દિશામાં આપણી સૌની, સામાન્ય માણસોની હાલત એ પક્ષીના બાળ કે કડિયા જેવી છે. પણ આપણે પાંખ ફફડાવીને અટકી જઈએ છીએ. આવા ઊંચા આકાશમાં આપણાથી શી રીતે ઊડાય, એવી શંકાના કારણે, ભેગી કરેલી, દરિયાના કિનારા પરના છીપલાં જેવી મતાનો માળો છોડવા આપણે તૈયાર નથી થતા.

આપણે ધર્મોપદેશો સાંભળવા તો જઈએ છીએ; ધ્યાનની શિબીરોમાં હાજરી તો આપીએ છીએ; જાપ અને માળા કરીને ‘આવતો જન્મ હવે સુધરી જવાનો છે.’ એવા ગંજીફાના મહેલ જેવા વ્યર્થ આત્મસંતોષમાં રાચીને સંતોષ તો માણીએ છીએ. પણ આપણે એટલેથી જ અટકી જઈએ છીએ. આનંદ, શાંતિ, સમતા, કરુણા અને સમભાવના એ મહાસાગરના તલાતલમાં ડુબકી મારવાનું ટાળતા રહીએ છીએ.

ઊભા રહેવા માટે બે પગ જોઈએ છે;

ચાલવા માટે એક જ.

આપણે બન્ને પગ સાથે ચલાવીને ચાલી નથી શકતા!

આમ જ આઝાદ બનવા માટે પણ એક ડગલું જ ચાલવાનું છે – પણ બધી દિશામાં સાથે. અને એ થઈ શકે તેમ હોય છે.

હવે, આ માર્ગ પર ચાલવાની શરૂઆત કરવા માટેના થોડાક નુસખા –

1.  કદી ઉત્સાહમાં આવી જઈને યોગ, પ્રાણાયમ, સુદર્શન ક્રિયા, ધ્યાન, વિપશ્યના, પ્રેક્ષાધ્યાન, પ્રતિક્રમણ વિ.નો આખોયે કોર્સ પૂર ઝડપે કરવા ન માંડતા. બીજા જ દિવસે થાકી / કંટાળી જશો.

2.  બહુ જ નાની શરૂઆત કરો. યોગ, પ્રાણાયમ અને ધ્યાન માટે કુલ માત્ર દસ જ મિનિટ.

3.  જ્યારે મન વિચલિત બને; નકારાત્મક વિચારોથી ઘેરાઈ ઊઠે; ત્યારે એ વિચારોને પ્રયત્નપૂર્વક બંધ કરવાનું છોડીને આ એક નાનો પ્રયોગ કરી જુઓ – મનોમન એવો સંકલ્પ કરો કે; ‘હવે શો વિચાર આવે છે; તે હું જોઈશ.” અને બે ચાર સેકન્ડ માટે, આશ્ચર્યજનક રીતે, વિચારશૂન્ય બની જશો. આ એક બહુ જ નાનકડી પણ એકદમ શક્તિશાળી રીત છે. જેમ જેમ આનો મ્હાવરો વધતો જશે; તેમ તેમ વધારે સેકન્ડો માટે એવી અવસ્થા રહેવા લાગશે. અને ‘મન શાંત થઈ શકે છે.’ –એવો વિશ્વાસ બેસવા લાગશે.

4.  જેમ બાળક પાસે હોમવર્ક કરાવવું હોય; ત્યારે એને લોલીપોપ બતાવવો પડે; તેમ ‘આમ કરીશ તો ____ મનગમતી વાનગી હું ખાઈશ.’ અથવા ‘ ______ આ મનગમતું ગીત સાંભળીશ.’ એવી લાલચ મનને આપો! આમ કરવાથી અકારું લાગતું એ હોમવર્ક કરવા લાગશો.

5.  ભલે થોડીક જ સાધના થાય; પણ તે નિયમિત રીતે કરતા રહો. ચાલીસ દિવસ, એક પણ દિવસ ન પડે; તે રીતે સાધના ચાલુ રાખો. એક બે દિવસ પડે તો વાંધો નહીં – ફરી ચાલુ કરો ત્યારથી એ ચાલીસ દિવસની ગણતરી એકડે એકથી ફરી ચાલુ કરી દેવાની ! આ શિસ્ત પાળતા થશો; તો ચાલીસ દિવસ તો સાધના કરી જ શકશો! અને જો ચાલીસ દિવસ પૂરા થયા; તો સામેની દીવાલ પર લખી રાખો; કે તમારા એ માંકડા જેવા મનને તમે આ એક નવી ટેવ પાડી દીધી છે! હવે તેને પોતાને એક દિવસ પડશે તો ચેન નહીં પડે. બસ. હવે તમે ચાલતા થઈ જશો – ભલે એ ડગુમગુ અને મંથર ચાલ ન હોય.

6.  ધીમે ધીમે એ દસ જ મિનિટનો ગાળો વધારતા જાઓ. જે કસરત એક કે બે જ વાર કરતા હો; તે ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર કરવા માંડો. દરેક સ્ટેપ પછી; રગોમાં ધમધમવા લાગેલા પ્રાણને અનુભવવા લાગો. તમારા મહામૂલા શરીર માટે તમને કદી ન થયો હોય, તેવો પ્રેમ થવા લાગશે. એ બધી ત્રાસજનક લાગતી વિધિઓ શરીરના કોશે કોશમાં નવો પ્રાણ પૂરી રહી છે – એની અનુભૂતિ થવા લાગશે. આ બધી પ્રક્રિયા દેહના, મનના ફાયદા માટે કરીએ છીએ; તેવી પ્રતીતિ થવા લાગશે.
‘હવે તમે આ રસ્તે ચાલતા જ રહેવાના છો – કદી અટકવાના નથી.’ – એવો સંકલ્પ દોહરાવતા રહો. અને એમ થશે. તમે ચાલતા થઈ જશો.

7.  ધીમે ધીમે એક એક નવી કસરત / આસન ઉમેરતા જાઓ.

8.  યોગની કોઈ  પ્રક્રિયા મનને દબાવીને, મારી મચડીને તમે નહીં જ કરી શકો. એને મનાવીને, ફોસલાવીને, પટાવીને, નાના બાળકને રમાડતા હોઈએ; એવા આનંદ અને પ્રેમના ભાવથી એને સાચી, હકારાત્મક દિશામાં ડગ માંડતું કરવાનું છે. એ બાળક પડી જાય; તો આપણે તેને ધમકાવતા નથી; પણ પ્રેમથી એને ઊંચકી લઈ, ભેટી એને આપણા સાથની પ્રતીતિ કરાવતા હોઈએ છીએ. મનને એમ જ મનાવતા રહેવાનું શીખી લો.
હમ્મેશ એ ભાવ જારી રહે કે, આ બધાથી આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી થવાની છે.

9.  રોજ દસ મિનિટથી વધારે આગળ ન વધાય, તો હતાશ ન બનો. એકાદ મહિના પછી એમ થશે. એ જ રીતે યોગાસનની કોઈક પદ્ધતિમાં પૂરી રીત અંગ ન વળે; તો દબાણ કરીને પ્રયત્ન ન કરતા. ભલે આજે દસ કે વીસ ટકા જેટલું જ અંગ વળી શકતું હોય; મહાવરો વધશે; તેમ આપોઆપ તે વધારે વળી શકશે.

10. ’Practice makes one perfect.’

11.  એવું જ ધ્યાનની બાબતમાં પણ છે. વિચારોના ઝુંડના ઝુંડ આક્રમણ કરવા લાગે તો; એને કદી ખાળવા પ્રયત્ન ન કરો. – નમ્બર (૩) પર બતાવેલી રીત અજમાવી જુઓ.

12. બે ચાર હોબીઓમાં રસ લેતા થાઓ. અને રોજ ના બની શકે તો, રજાના દિવસે એ મનગમતી હોબી માટે સમય ફાળવો. એકથી કંટાળો આવે; તો બીજી હોબી પર હાથ અજમાવો. કશું ન થાય તો બાળકો સાથે રમો. મનને પ્રફુલ્લિત કરવાનો આ બહુ જ મજાનો માર્ગ છે.

13. બે ત્રણ મહિના બાદ નવી ટેવો પડી હશે! આ પણ મનને ગમતી વાત હોય છે. આથી થોડાક સમયાંતરે આ બધી પ્રવૃત્તિઓનો સમય / સ્થળ બદલી જુઓ. આમ કરવાથી એકધારી પ્રવૃત્તિઓનો કંટાળો (Monotony) તોડી શકાય છે.

14. કર્તાભાવ સાવ જતો રહે – એમ બનવાની શક્યતા બહુ ઓછી હોય છે. અહં ઓગળવો જેટલો જરૂરી છે – એટલો જ તે રોજ બ રોજની જિંદગી માટે જરૂરી પણ છે. એ જ તો કુદરતી રચના છે. માત્ર એ વકરે નહીં; તેનું નિરીક્ષણ કરતા રહો; અને દિવસના અંતે વિચારવાની ટેવ રાખો કે, દિવસ દરમિયાન ક્યારે એ મહાશયે માઝા મેલી હતી! જે જે ક્ષણોમાં કોઈનું મન દુભવ્યું હોય; અથવા જાત માટે બહુ મોટો અહોભાવ ઉપજ્યો હોય; અથવા ઘોર નિરાશામાં ઘેરાઈ ગયા હો તે તે ક્ષણો માટે ક્ષમાયાચના કરો અને એ વ્યક્તિની / પોતાની જાતની માફી માંગો. પોતાને માટે ગુનેગારીનો ભાવ ઉપજે તો તે માટે પણ.
ફરીથી એમ ન બને – એ માટે શક્તિ આપવાની તમારા ઈષ્ટદેવને અથવા પરમ તત્ત્વને પ્રાર્થના કરો. આ પદ્ધતિ જે બળ આપે છે – તેનો અનુભવ તમને ધીમે ધીમે પણ ચોક્કસ રીતે થવા લાગશે. તમે જે ડગલાં ચાલવા લાગ્યા છો – એમાં નવું બળ ઉમેરાતું તમે અનુભવવા લાગશો.

15. એક બહુ જ અગત્યની અને કોઈએ કદાચ કહીં નથી – એવી વાત. તમે વીતરાગ બની જવા ચાહો છો; એવો ભાવ જરૂર સેવો; પણ એમ ન બને તો નિરાશ ન થાઓ. વીતરાગ અવસ્થા તો શિસ્તબદ્ધ બનેલા મનની આખરી અવસ્થાઓમાંની એક હોય છે. આપણા જેવા સામાન્ય માણસો માટે કદાચ એ દુર્લભ પણ હોય છે. રાગ અને દ્વેષ થોડા ઘણા પણ ઓછા થયા હોય; તેનો આનંદ માણો.

16. લખી લો, કે આ મહામૂલું જીવન આપણને આનંદ માટે મળ્યું છે. આપણે જે કાંઈ ભૌતિક સુખ ભોગવી શકીએ છીએ, એ અનેક વ્યક્તિઓ, કુદરતી તત્ત્વોની, પરમ ચૈતન્ય તત્ત્વની બલિહારીના કારણે છે – એનો આભાર ભાવ સદા સેવતા રહી; એનો ઋણસ્વીકાર કરતા રહો.

17. તમે એ સૌનો પડઘો પાડી સામે ચાલીને શું પ્રદાન કર્યું છે – તેનો હિસાબ માંડતા રહો. એ માટે સભાન રીતે કોશિશ કરતા રહો. કોઈને પણ થોડીક પણ મદદ કર્યાનો આનંદ અનેરો હોય છે. એનો અનુભવ થવા લાગશે, પછી તમારા સ્વભાવમાં એ ભાવ વણાવા લાગશે. આ એક બહુ જ ઉમદા ભાવ છે. જેમ જેમ એ તમારામાં ઊભરતો જશે; તેમ તેમ તમે એક વધારે સારા વ્યક્તિ બનતા જશો – ભલે વીતરાગ ન બનાય.

આટલું કરવા લાગશો તો તમે નાનકડી શિસ્ત ધરાવતા સૈનિક બનવા લાગ્યા છો. આગળ ઉપર તમે સીમા પરના ષડરિપૂઓનો સામનો કરવા માટે જરૂરી બખ્તર અને શસ્ત્રો ધરાવતા થવાના જ છો.

સામેની દીવાલ પર લખી રાખો કે,

જે એ મનને થોડું ઘણું પણ જીતી શકે છે – એ બહારી અને અંદરી – દરેક મોરચે નકારાત્મકતા સામે યુદ્ધ લડવા કાબેલ યોદ્ધા બનવાની ક્ષમતા ધારણ કરવા માંડવાનો છે, છે, છે ને છે જ.

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...43444546...506070...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved