Opinion Magazine
Number of visits: 10080551
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાઅદબ, બા મુલાહિજા હોશિયારઃ જંતરમંતરે કોક્રોચ ફોજ ખાબકશે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 June 2026

વિશ્લેષણ –

ખરેખર જમીની સચ્ચાઈ, જમીની લડાઈ માગે છે

સાચું કે આભાસી અગાશીએથી શેક્યો પાપડે ન ભાંગે, પણ મુદ્દો બદલાતા તાપમાનનો અને ઊઠી શકતા જનજુવાળનો છે, એનું શું.

પ્રકાશ ન. શાહ

પુણેરી યુવજન અભિજિત દીપકેએ બોસ્ટન બેઠા, કંઈક સૃજનાત્મક વ્યંગવિવેક સાથે કોક્રોચ જનતા પાર્ટીની અવકાશી ઘોષણા કીધી ન કીધી અને વાત વાયુવેગે બલકે વડવાનલ પેઠે એવી તો કેમ જાણે પ્રકાશાધિક વેગે પ્રસરી ગઈ કે સત્તાપક્ષના કોઈક આઈ.ટી. અદકપાંસળાએ એમાં પાક સંડોવણી કલ્પવામાં સલામતી જોઈ. પણ, વસ્તુતઃ દેશના અજંપ યુવજનને ચાલુ પક્ષમાળખાં બહારથી જે એક અવાજ અને આતશ અનુભવાયો તે ન તો વિપળવાર પણ વહેલો હતો, ન તો એમાં કોઈ દાવપેચ હતા. અગાઉ અહીં કોક્રોચ ઘટના ચર્ચવાનું બન્યું ત્યારે વાતને વિરામ સોનમ વાંગચૂકના એ ધન્યોદગારથી આપ્યો હતો કે મૈં ભી કોક્રોચ. 

અને જુઓ, હવે છઠ્ઠી જૂનના સૂચિત જંતરમંતર જમાવડાના પૂર્વદિવસોમાં વાંગચૂકે વિધિવત જાહેર પણ કર્યું છે કે અભિજિત દીપકેએ પેપરલીક પ્રકરણ સંદર્ભે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું છે એના સમર્થનમાં હું જોડાઈ રહ્યો છું. દીપકે બોસ્ટનની ઊંચી નોકરી ને દોમદોમ દાપાદરમાયાને નકારીને દિલના દોર્યા દેશ પાછા ફરી રહ્યા છે એ તો વાચકોના ધ્યાનમાં હોય જ. દેશે આપણને ઘણું આપ્યું છે, હવે જે આપવાનું છે એ તો આપણે આપવાનું છે, એ દીપકેનો હૃદયભાવ છે. 

યુવા હૃદયની આ આહ અને ચાહ સામે સત્તપ્રતિષ્ઠાનનો રવૈયો શો છે એ આપણે જોઈ રહ્યા છીએ. પેપરલીક પ્રકારની પરંપરા એક બાજુ અને સત્તા પર ચીપકી રહેતી જવાબદાર શખ્સિયત બીજીબાજુ, એ રાહે હમણાં સુધી તો સત્તામાનસ પ્રગટ થતું રહ્યું છે. 

અદાલતી દરમિયાનગીરીથી લદ્દાખનાં શિક્ષણ સિપાહી પર્યાવરણપટુ સોનમ જેલમાંથી છૂટ્યા તે પછી લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર સકસેનાએ એમને મળવા નોતર્યા બાદ રમતા મૂકેલ એકતરફી હેવાલ મુજબ, એમણે સોનમ વાંગચૂકને દેશવિરોધી પરિબળો સાથે જોડાવા સામે ચેતવણી આપી હતી. ઊલટ પક્ષે, વાંગચૂક દંપતીની અધિકૃત રજૂઆત પ્રમાણે ‘લેફ્ટનન્ટ ગવર્નરે’ અમારી પ્રવૃત્તિઓ પરત્વે રસ દાખવી વાત કરી હતી, પણ હવે દિલ્હીના કોઈક સૂબાને રાજી કરવા સારુ અમને ચેતવણી આપ્યાની રીતે પ્રાયોજિત હેવાલનો રાહ લઈ રહ્યા છે.

કોક્રોચ જનતા ઉઠાવની ચર્ચા કરતે કરતે લદ્દાખનો હવાલો, ખાસ તો, એ મુદ્દો ઉપસાવવા વાસ્તે કર્યો છે કે સત્તામાનસ યુવા અજંપાને ન્યાય આપવામાં નાકામ રહી, એને કોઈક રીતે ડામવામાં સાર ને સલામતી શોધી રહ્યું છે. હાલના વડા પ્રધાને 2012ની ગુજરાતની ચૂંટણીફતેહ પછી જે વિજય સંબોધન દિલ્હી ભણી નજર સાથે ધરાર હિંદીમાં કર્યું હતું એમાં એસ્પિરેશનલ મિડલ કલાસ અને એમાંયે યુવાનો વિશે ખાસ નિસબત ને ચિંતાની છાપ આપી હતી. 

જો કે દિલ્હી દસકો વિકાસના વરખ તળે કોમી ધ્રુવીકરણ અને રાષ્ટ્રવાદી રંગરોગાનનો રહ્યો છે. પેપર લીક પ્રકરણ એ તો આ એસ્પિરેશનલ યુવજનના સમગ્ર અજંપાનું આ ક્ષણનું એક તત્કાળ નિમિત્ત માત્ર છે. મુદ્દે, વાસ્તવિક પ્રશ્નોના વાસ્તવિક ઉકેલ વગરની – એક પા દૈત્ય તો બીજી પા દરિયો – એવી અનવસ્થા સામેનો રોષ ને અસહાયતા કોક્રોચી વ્યંગને વડવાનલનો વ્યાપ અને તાપ આવે છે. 

અલબત્ત, આ ચર્ચા કરતી વખતે એવું નથી કે સહસા કશુંક ચમત્કારિક થઈ ગયું છે અગર થઈ જશે. કનૈયાકુમારે ઠીક જ ટકોર કરી છે કે આભાસી અગાસીએથી ઠેકાઠેક ન ચાલે. જમીની સચ્ચાઇ, જમીની લડાઈ માગે છે. છેલ્લાં વર્ષોમાં એક યુવા ચળવળકાર તરીકે પોંખાયેલ પ્રતિભાનું આ નિરીક્ષણ બિલકુલ ખોટું નથી. પણ જોવા સમજવાનું એ છે – જે કનૈયાકુમારના પણ ખ્યાલ બહાર નહીં જ હોય – કે આ વાત એકદમ પકડાઈ કેમ ગઈ. મુદ્દાસર જનલડાઈમાં એને ફેરવવાની જવાબદારી પક્ષીય-બિનપક્ષીય સૌ નાગરિક કર્મશીલોની છે. હમણાં જે દસકાની જિકર કરી તે પછી જેમ માન્ય. વિપક્ષ શક્ય બન્યો તે પ્રક્રિયા પ્રકાશન્તરે આગળ કેમ ન ચાલી શકે? પ્રશ્ન ભા.જ.પ. વિ. કાઁગ્રેસનો નહીં એટલો સત્તા વિ. જનતાનો છે.

ગુરુવાર, 03 જૂન 2026
Editor: nireekshak@gmail.com

Loading

ઝૂમતી ચલી હવા, યાદ આ ગયા કોઈ …

સોનલ પરીખ|Opinion - Opinion|4 June 2026

ઝૂમતી ચલી હવા યાદ આ ગયા કોઈ 

બૂઝતી બૂઝતી આગ કો ફિર જલા ગયા કોઈ 

 

ખો ગઈ હૈ મંઝિલેં, મિટ ગયે હૈં રાસ્તે 

ગર્દિશેં હી ગર્દિશેં અબ હૈ મેરે વાસ્તે 

ઔર ઐસે મેં મુઝે ફિર બુલા ગયા કોઈ 

 

ચૂપ હૈ ચાંદ–ચાંદની, ચૂપ યે આસમાન હૈ 

મીઠી મીઠી નીંદ મેં સો રહા જહાન હૈ

આજ આધી રાત કો ક્યોં જગા ગયા કોઈ  

 

એક હૂક સી ઊઠી, મૈં સિહર કે રહ ગયા 

દિલ કો અપને થામ કે આહ ભર કે રહ ગયા  

ચાંદની કી ઓટ સે મુસ્કુરા ગયા કોઈ 

શ્રી નાથ ત્રિપાઠી

માર્ચ મહિનામાં એક જાણીતા સંગીતકારનો જન્મદિન પણ છે અને પુણ્યતિથિ પણ. ના – ભૂલી, તેઓ સંગીતકાર જ નહીં; અભિનેતા, દિગ્દર્શક, પટકથાકાર, સંવાદલેખક પણ હતા અને દરેક ક્ષેત્રે સારું પ્રદાન કરી ગયા, ને તેમ છતાં તેમનું નામ ફિલ્મજગતની મહાન હસ્તીઓમાં ન મુકાયું. આ બહુમુખી છતાં કઇંક ઉપેક્ષિત પ્રતિભાનું નામ છે એસ.એન. ત્રિપાઠી. 

મુંબઈ આવ્યા હતા તો અભિનેતા બનવા. 1636માં બોમ્બે ટૉકિઝની વિખ્યાત ફિલ્મ ‘જીવનનૈયા’ રિલિઝ થઈ. અશોકકુમારની પહેલી ફિલ્મ. નાયિકા દેવિકારાણી, સંગીતકાર સરસ્વતીદેવી. પચીસ વર્ષ પછી આ ફિલ્મનું અશોકકુમારે ગાયેલું ‘કોઈ હમદમ ન રહા’ કિશોર કુમારે ‘ઝુમરુ’ માટે ગાયું,  જે આજે પણ આપણી ઉદાસ પળોનું સાથી છે. આ ‘જીવનનૈયા’ ફિલ્મમાં એસ.એન. ત્રિપાઠીએ પણ એક નાની ભૂમિકા કરી હતી. એમની પણ આ પહેલી ફિલ્મ હતી. પછીથી તેમણે સરસ્વતીદેવીના સહાયક તરીકે પણ કામ કર્યું હતું. 

હોમી વાડિયાની એક ફિલ્મમાં હનુમાન બન્યા પછી એસ.એન. ત્રિપાઠીએ અનેક વાર હનુમાનના રોલ કર્યા. ચહેરો વાનર તરીકેના ગેટઅપ પાછળ ઢંકાઈ જાય, પણ ત્રિપાઠીજી સ્નાયુબદ્ધ શરીર અને વીર ભક્ત તરીકેની બોડી લૅંગ્વેજથી ઘણું વ્યક્ત કરી શકતા. પૌરાણિક ફિલ્મો, સંગીતકાર તરીકેની તેમની સફરનો પણ મહત્ત્વનો પડાવ બની રહી છે. આજે આપણે યાદ કરીશું એક ઐતિહાસિક-રોમેન્ટિક-મ્યુઝિકલ ફિલ્મ ‘સંગીતસમ્રાટ તાનસેન’ અને તેના મુકેશે ગયેલા અવિસ્મરણીય ગીત ‘ઝૂમતી ચલી હવા, યાદ આ ગયા કોઈ’ને. આ ફિલ્મના દિગ્દર્શક અને સંગીતકાર એસ.એન. ત્રિપાઠી હતા. 

‘સંગીતસમ્રાટ તાનસેન’ 1962ની હિન્દી બાયોપિક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ હતી. તેમાં શૈલેન્દ્ર અણએ સ્વામી હરિદાસનાં ગીતો હતાં. રાગ સોહની પર આધારિત ‘ઝૂમતી ચલી હવા’ મુકેશે ભારત ભૂષણ માટે ગાયું હતું.   

આ ફિલ્મ પ્રખ્યાત દરબારી ગાયક સંગીતકાર, સમ્રાટ અકબરના દરબારના નવરત્નોમાંના એક મિંયા તાનસેનની બાયોપિક છે. રામતનુ અથવા તનુ તરીકે ઓળખાતો તાનસેન જન્મથી જ મૂંગો છે, પરંતુ પાંચ વર્ષની ઉંમરે એક ચમત્કારથી તે બોલતો જ નહીં, ગાતો પણ થાય છે. વૃંદાવનના સ્વામી હરિદાસ તેને ધ્રુપદ શૈલીમાં પારંગત કરે છે. તાનસેન(ભરતભૂષણ)ને અહીં બાળપણની સાથી હંસા (અનીતા ગુહા) મળે છે. અનેક વિઘ્નો પછી તાનસેન અકબરના દરબારનાં નવરત્નોમાંનો એક બને છે અને અનેક મુસીબતો વેઠ્યા પછી તેને ફરીવાર તેની પ્રિય હંસા મળે છે. 

તાનસેનના જીવનને દર્શાવતી બે ફિલ્મો બની હતી. પહેલી ફિલ્મ હતી કે.એલ. સાયગલ અભિનીત ‘તાનસેન’(૧૯૪૩) જેમાં ખુરશીદ બાનોએ લોકપ્રિય ગીતો આપ્યાં હતાં. બીજી ફિલ્મ ત્યાર પછી વીસ વર્ષે બની, ‘સંગીત સમ્રાટ તાનસેન’. ‘બૈજુ બાવરા’ ફિલ્મમાં સુરેન્દ્રએ તાનસેનની ભૂમિકા કરી હતી. તે બૈજુ સાથે સંગીત સ્પર્ધામાં ભાગ લે છે પરંતુ તેની સામે હારી જાય છે. આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. મધ્ય પ્રદેશની લોકકથાઓમાં તાનસેન રાણી રૂપમતી અને બાજબહાદુરના સંગીતને પરખવા ગુપ્ત વેશે આવ્યો હતો તેવી વાત પણ છે. ‘રાણી રૂપમતી’ ફિલ્મ પણ એસ.એન. ત્રિપાઠીનું સર્જન હતી. તેમાં  ભરતભૂષણ બાજબહાદુર બન્યો હતો. ‘સંગીત સમ્રાટ તાનસેન’ ત્યાર પછી બની હતી.

ઇતિહાસ મુજબ બાજબહાદુરનો શાસનકાળ 1555-1562 છે. યુદ્ધ 1561માં થયું હતું. 29 માર્ચ 1561ના દિવસે બાજબહાદુર હારીને ખાનદેશ ચાલ્યો ગયો હતો. ત્યાંના સુલતાનની મદદથી તેણે આદમખાનને હરાવી માંડવગઢ પાછું મેળવ્યું ને ફરી ગાદી પર બેઠો. થોડા મહીનામાં અકબરે નવું સૈન્ય મોક્લ્યું. બાજબહાદુર લડ્યો, હાર્યો, ભાગ્યો ને પછી શરણે થઈ અકબરના સેવક તરીકે જીવ્યો. કહેવાય છે કે 1568માં મધ્ય પ્રદેશના સારંગપુરમાં અકબરે બાજબહાદુરનો મકબરો અને રૂપમતીની સમાધિ બનાવડાવી હતી. 

ફિલ્મનો બાદશાહ અકબર રૂપમતીના સંગીત વિશે સાંભળી તાનસેનને છૂપા વેશે માંડવગઢ મોકલે છે. તાનસેન પોતાના સંગીતથી કમળ પર બેઠેલા ભ્રમરને ઊડી જવા પ્રેરે છે. રૂપમતી પોતાના સંગીતથી ભ્રમરને પાછો બોલાવે છે. તાનસેન પ્રસન્ન થાય છે ને પોતાની ઓળખ આપે છે. રૂપમતી-બાજબહાદુર ખૂબ માનસન્માન સાથે તેની આગતાસ્વાગતા કરે છે પણ લુચ્ચો આદમખાન અકબરના મનમાં ઠસાવે છે કે બાજબહાદુરે તાનસેનને કેદ કર્યો છે અને તેનો હુકમ મેળવી બાજબહાદુર પર આક્રમણ કરે છે. અંતે રૂપમતી-બાજબહાદુર મૃત્યુ પામે છે અને તાનસેન-અકબર આવા શ્રેષ્ઠ કલાકારોના અંતનું નિમિત્ત બનવા બદલ પસ્તાય છે. આદમ ખાનનો રોલ ગીતકાર ભરત વ્યાસના ભાઈ બી.એમ. વ્યાસે કર્યો હતો. 

સંગીતસમ્રાટ તાનસેન’ અને ‘રાણી રૂપમતી’ આ બંને ફિલ્મો આજે પણ, ભારત ભૂષણ, નિરુપા રૉય અને અનીતા ગુહા જેવા સપાટ ચહેરાવાળા નાયક-નાયિકા હોવા છતાં જોવી ગમે. તેનાં બે કારણ છે. એક તો તેની રસપૂર્ણ વાર્તા અને બીજું એસ.એન. ત્રિપાઠીનું સંગીત. પહેલી ફિલ્મમાં બાર ગીતો હતાં. સોહિણી રાગ પર આધારિત ‘ઝૂમતી ચલી હવા’ શૈલેન્દ્રએ લખ્યું છે. આ ગીત સરળ છતાં સંગીતની દૃષ્ટિએ અને પ્રણયગીત તરીકે ઉમદા છે. સાંભળનારને સૂની રાત અને એકલી જાતની તરસનો અનુભવ થયા વિના ન રહે.

એસ.એન. ત્રિપાઠીએ બનાવેલાં ઉત્તમ ગીતોમાંથી બેચારની માત્ર ઝલક જોઈએ તો પણ ખુશ થઈ જવાય. જેમ કે ‘લાલ કિલા’ના યમન રાગ પર આધારિત ‘લગતા નહીં હૈ દિલ મેરા ઊજડે દયાર મેં’ અને શિવરંજની પર આધારિત ‘ન કિસી કી આંખ કા નૂર હૂં’. ‘જરા સામને તો આઓ છલિયે’ પણ એમનું. 

‘સંગીતસમ્રાટ તાનસેન’માં એસ.એન. ત્રિપાઠીએ ફિલ્મના દિગ્દર્શન અને સંગીત નિર્દેશન સાથે બાદશાહ અકબરનો રોલ પણ કર્યો હતો. મન્ના ડે અને મહંમદ રફીએ ગાયેલું ‘સપ્તસૂરન તીન ગ્રામ’ સ્વામી હરિદાસની રચના છે અને રાગ યમન કલ્યાણ(અથવા અદ્દભુત કલ્યાણ)માં સ્વરબદ્ધ છે. બધાં જ ગીતો શાસ્ત્રીય રાગો પર આધારિત છે. ‘રાની રૂપમતી’ની શરૂઆત રાગ ભૈરવીની ‘બાટ ચલત નઈ ચુનરી રંગ ડારી’ કૃષ્ણરાવ ચોણકર-મહમ્મદ રફીની સુંદર જુગલબંધીથી થાય છે. શાસ્ત્રીય સંગીત પર એસ.એન.ની જબરી પકડ હતી. આ ફિલ્મોમાં તેમની આ પ્રતિભાને મોકળું મેદાન મળ્યું છે. ‘ઉડ જા ભંવર’માં દરબારી અને ‘ઝનન ઝનન’ તેમ જ ‘આ લૌટ કે આ જા મેરે મીત’માં સારંગના પ્રકારોનો જાદુ છે. આ એક એક ગીતની માત્ર સ્વરરચના પર એક એક લેખ થઈ શકે. અત્યારે તો એમની જ રચનાથી એમને યાદ કરી લઈએ: ‘હાય રે કલાકાર, જાને ન સંસાર, હર રાગ મેં પીર હૈ કિસકે મન કી, સુધ બિસર ગઈ આજ અપને ગુણન કી, આ હી ગઈ બાત બીતે દિનન કી’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 20 માર્ચ   2026

Loading

સ્વરોજગાર વધ્યા પણ કમાણી વધી નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 June 2026

ચંદુ મહેરિયા

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO)ના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં સ્વરોજગારીનો દર ૪૨.૫ ટકા છે. જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અમેરિકામાં ૧૬.૩ મિલિયનથી વધુ લોકો સ્વરોજગારથી રોજી મેળવતા હતા. ભારતમાં સ્વરોજગારથી રોજી મેળવતા અસંગઠિત અને નાના વ્યવસાયોની સંખ્યા ૨૦૨૩-૨૪માં ૭.૩૪ કરોડ હતી. ૨૦૨૫માં તે વધીને ૭.૯૨ કરોડ થઈ છે. એટલે એક જ વરસમા સ્વરોજગારના ક્ષેત્રમાં  ૫૮ લાખ નાના અને સૂક્ષ્મ વ્યવસાયો વધ્યા છે.

જે લોકો બીજા પાસેથી  પગાર કે વેતન મેળવવાને બદલે પોતાનો ધંધો કે વ્યવસાય કરીને કમાણી કે આવક મેળવે છે તે સ્વરોજગાર (Self Employment) છે. નાનકડી દુકાન, ખુમચો, લારી, ફેરી, જાહેર સડકો અને સ્થળો પર ફરસાણ બનાવી વેચે, શાકભાજી, ફળો અને દૂધની ફેરી કરે, અગરબત્તી બનાવે, બીજાના ઘરના કામો કરે, કપડાં કે ઘરની મરામતનું કામ, સ્થાનિક સેવાઓ આપે, આઈસ્ક્રીમ, ગોળા, બરફ અને કુલ્ફી વેચે, રમકડાં અને ફુગ્ગા વેચે – આવા  બીજાં અનેક કામો સ્વરોજગાર ગણાય. સ્વરોજગાર કરનાર વ્યક્તિ કામ શોધનાર મટી બીજાને કામ આપનાર બને છે. તે માલિક કે નોકરીદાતાને બદલે ગ્રાહકો પાસેથી વેતન કે પગાર મેળવે છે. 

સ્વરોજગાર કરનાર વ્યક્તિ સાહસિક ગણાય કે લાચાર તે વિશે મતમતાંતર પ્રવર્તે છે. જો કે સ્વરોજગાર કરનાર વ્યક્તિમાં કેટલાક ગુણ કે લાયકાત હોવા જરૂરી છે. જેમ કે તે વ્યક્તિ સ્વતંત્ર વિચારો ધરાવતી હોવી જોઈએ અને કોઈના તાબામાં કામ કરવા રાજી ન હોય તેવા સ્વભાવની હોવી જોઈએ. તેનામાં કૌશલ્ય, અથાક મહેનત, મજબૂત પ્રતિભા અને સેવાના ગુણ હોવા આવશ્યક છે. સ્વરોજગાર કરતી વ્યક્તિની આવક કે કમાણી બજારની માંગ પર નિર્ભર હોય છે અને તે અનિશ્ચિત હોય છે તેથી તેની આવક પણ નિશ્ચિત હોઈ શકતી નથી. સ્વરોજગારના આરંભે જોખમ અને અનિશ્ચિતતા હોય છે. બચત અને મૂડી જરૂરી છે. જે વ્યક્તિમાં કોઈના પ્રત્યે ઉત્તરદાયી હોવાનું વલણ ન હોય તે સ્વરોજગારમાં સફળ થઈ શકે નહીં. 

લાભદાયક વ્યવસાયનો વિચાર ધરાવતી અને સફળ વ્યવસાયી બનવા માંગતી વ્યક્તિ બાંધ્યા પગારની સલામત નોકરી છોડીને સ્વરોજગાર અપનાવે તો તે સાહસ છે, પરંતુ બધા સ્વરોજગારને સાહસ માનવા તે ભ્રામક છે. અન્ય રોજગારની તકના અભાવે સ્વરોજગાર કરવો તે વ્યક્તિની મજબૂરી છે. સલામત અને ચોક્કસ વેતનની નોકરીઓ ઓછી છે તેના કારણે લોકો સ્વરોજગાર કરે છે તે સચ્ચાઈ સ્વીકારવી રહી. એક અંદાજ પ્રમાણે પોણા ભાગના લોકો અન્ય રોજીનો સારો વિકલ્પ ન મળતાં સ્વરોજગાર કરે છે તે હકીકત કડવું સત્ય છે. 

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હસ્તકની નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ(NSO)નો તાજેતરનો અહેવાલ “અસંગઠિત ક્ષેત્રના ઉધ્યમોનું વાર્ષિક સર્વેક્ષણ ૨૦૨૫” નાના વ્યવસાયો અને સ્વરોજગારની વાસ્તવિક આર્થિક સ્થિતિની વિસ્તૃત જાણકારી આપે છે અને કેટલીક ચોંકાવનારી સચ્ચાઈ ઉજાગર કરે છે. જાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન હાથ ધરાયેલ આ સર્વેક્ષણ ઘણું વ્યાપક હતું. દેશભરના કુલ ૬,૭૦,૬૫૦ વ્યવસાયો તેમાં આવરી લીધા હતા. તેમાં શહેરોના ૩.૭૬ લાખ અને ગામડાનાં ૨.૯૪ લાખ વ્યવસાયોને સામેલ કર્યા હતા. 

દેશમાં સૂક્ષ્મ અને નાના વ્યવસાયો તથા સ્વરોજગારમાં વધારો થયો છે અને લગાતાર વધારો થતો રહે છે, પરંતુ સ્વરોજગાર કરનારની કમાણી લઘુતમ વેતન કરતાં પણ ઓછી છે તે સત્ય આ સરકારી સર્વેક્ષણમાં જાણવા મળે છે. રોજગાર અને વેપારમાં વૃદ્ધિ આર્થિક ગતિવિધિનો સંકેત માની શકાય પરંતુ NSOનો રિપોર્ટ દર્શાવે છે કે નાના વેપારની આવક, ઉત્પાદકતા અને સામાજિક સલામતી ખૂબ જ નબળી છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દરેક ધંધા દીઠ સરેરાશ કુલ મૂલ્યવર્ધન (GROSS VALUE ADDED-GVA) વાર્ષિક રૂ. ૨.૫ લાખ છે. તે માસિક રૂ. ૨૦,૮૮૦ અને દૈનિક રૂ. ૬૮૫ થાય છે. કામદારદીઠ GVA  રૂ. ૧.૬ લાખ છે. એ હિસાબે દર મહિને રૂ. ૧૩.૩૦૦ અને રોજના રૂ.૪૪૦ થાય છે. પરંતુ રૂ. ૪૪૦ પણ સ્વરોજગાર કે નાનો ધંધો કરનાર વ્યક્તિની રોજની વાસ્તવિક કમાણી નથી. તેમાં કાચો માલ, ધંધાની જગ્યાનું ભાડુ, વીજળી, પરિવહન અને બીજા ખર્ચ સામેલ છે તે બાદ કરતાં તેની રોજની આવક રૂ. ૪૪૦ થતી નથી. દેશના મોટા ભાગના રાજ્યોમાં બિનખેતીક્ષેત્રના અસંગઠિત શ્રમિકોનું માસિક રૂ. ૧૫,૦૦૦ કે તેથી વધુ લઘુતમ વેતન નક્કી કરેલ છે. એટલે સ્વરોજગાર કરનાર કે નાના ધંધા કરનાર વ્યક્તિને લઘુતમ વેતનથી પણ ઓછી આવક થાય છે. 

આ સ્થિતિનો ખ્યાલ આવતા એવો સવાલ થવો સ્વાભાવિક છે કે જો આટલી ટૂંકી કમાણી હોય તો લોકો નાનો ધંધો કે સ્વરોજગાર શા માટે કરે છે? તેનો સરળ જવાબ તો બેઠા કરતાં બજાર ભલી છે. ગરીબો માટે પર્યાપ્ત કમાણી કરવાની પૂરતી તકો નથી. પર્યાપ્ત રોજગારની તકોના અભાવે તે સ્વરોજગાર તરફ વળે છે અને ભવિષ્યમાં સ્થિતિ સુધરશેના આશાવાદમાં જીવે છે. અધિકતર ગરીબો તો બીજાં કામના અભાવે લાચારીથી સ્વરોજગાર કરે છે સ્વરોજગાર છોડવાનો તેમનો વિચાર બેરોજગાર રહેવાનો કે કશું ન કમાવાનો, તેથી ભૂખે મરવાનો છે એટલે તે સ્વરોજગારને પકડી રાખે છે. 

અસંગઠિત ક્ષેત્રના નાના વેપારીઓ, સ્વરોજગાર કરનાર માટે વેપારનો વિસ્તાર કરવો કઠિન છે. નવી મશીનરી ખરીદવા તે સક્ષમ નથી. આધુનિક મશીનો માટે તે રોકાણ કરી શકે તેમ નથી. ધંધાના વિકાસ માટે તેમને બેન્કોનું ધિરાણ સરળતાથી મળતું નથી. મર્યાદિત પૂંજી અને પૂરતી નાણાકીય સહાયતાનો અભાવ તેમના માર્ગની મુખ્ય અડચણો છે. સીમિત મૂડી, નબળી સામાજિક સલામતી, ઓછી આવક અને ઓછું ઉત્પાદન આ ક્ષેત્રના મુખ્ય પડકારો છે. 

સ્વરોજગાર અને સૂક્ષ્મ તથા લઘુ વેપારના વિકાસ માટે સરકારે સરળ અને સસ્તી બેન્ક લોન ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમના ઉત્પાદનને બજાર સુધી કે ગ્રાહકની માંગ સુધી લઈ જવાના માર્ગો ખોળવા જોઈએ. નવી ટેકનિક્ની સહાયતા, ધંધાનો પ્રચાર, કૌશલ્ય વિકાસ અંગેની તાલીમ – જેવી સુવિધાઓ ઊભી કરવાથી નાના વ્યવસાયીઓને રક્ષણ મળશે. રોજગારની તકો કાયમી બનશે. નવા રોજગાર પેદા થઈ શકશે. દેશની આર્થિક વૃદ્ધિ, નવી રોજગારીનું નિર્માણ અને આત્મ નિર્ભરતાનો આધાર સ્વરોજગાર અને નાના ધંધા બની શકે તેમ છે. આજે સ્વરોજગારનો વિકાસ થયો છે હવે તેમાં કમાણી કઈ રીતે વધી શકે તેમ છે તેના રસ્તા શોધવાના છે. જો દુનિયામાં સ્વરોજગારનું પ્રમાણ કુલ રોજગારમાં ૪૦ ટકા કરતાં પણ વધુ હોય અને કેટલાક સ્વરોજગાર સારી કમાણી આપતા હોય ત્યારે સ્વરોજગારને રોજગારની સશક્ત તક અને આર્થિક વૃદ્ધિનો મજબૂત આધાર માનીને તેને પ્રાથમિકતા આપવી જોઈએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...44454647...506070...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved