Opinion Magazine
Number of visits: 10,204,432
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાજપનું ‘કૉંગ્રેસીકરણ’ : અર્થ અને અનર્થ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|28 February 2017

ભાજપની સઘળી સત્તા નરેન્દ્ર મોદીમાં કેન્દ્રિત છે અને સઘળો વિરોધ સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી સામે

સ્થાપિત હિત સામે લડવામાં સૌથી મોટું ભયસ્થાન એ હોય છે કે લડનાર પોતે ક્યારે સ્થાપિત હિત થઈ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. સ્થાપિત હિત સામેની લડાઈ શરૂ થઈ હોય ત્યારે તે મૂલ્ય અને વિચારોની હોય છે, પરંતુ આગળ જતાં એ જ મૂલ્યો – વિચારો બોજરૂપ લાગવા માંડે છે. સરખામણીમાં, મૂલ્યોને બદલે વ્યક્તિ સામેની લડાઈ વધારે સહેલી – વધારે ફળદાયી જણાય છે. પછી એ સમય બહુ દૂર રહેતો નથી, જ્યારે સ્થાપિત હિત સામે લડનાર અને જીતનાર વધારે મોટું સ્થાપિત હિત બની જાય. (અહીં સ્થાપિત હિત એટલે એવું જૂથ જેને પોતાના સ્વાર્થ સિવાય બીજી બાબતો સાથે નહીંવત્ નિસબત હોય છે.)

ભારતના રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષોના સંદર્ભમાં કૉંગ્રેસ એ જૂનું સ્થાપિત હિત હતો. આઝાદીની લડતમાં મજબૂત પ્રદાન અને મર્યાદાઓ છતાં લોકશાહીને મજબૂત કરનારી જવાહરલાલ નેહરુની નેતાગીરીને લીધે કૉંગ્રેસનું એકચક્રી રાજ બે દાયકા જેટલું ટક્યું. લાલબહાદુર શાસ્ત્રીના ટૂંકા શાસન પછી, ઇંદિરા ગાંધીના રાજમાં કૉંગ્રેસ પાકા પાયે સ્થાપિત હિત બની. કૉંગ્રેસના જૂના જોગીઓને તડકે મૂકીને, તેમણે પોતાની કૉંગ્રેસ રચી અને તેને અસલી કૉંગ્રેસ તરીકે ઠરાવી દીધી.

ભ્રષ્ટાચાર, બંધારણમાં છેડછાડ, ન્યાયતંત્ર સાથે ચેડાં,  મુસ્લિમ- દલિત સમાજોને કેવળ મતબેન્ક તરીકે ગણીને તેને સેક્યુલરિઝમ કે દલિતોદ્ધાર તરીકે ખપાવવાની ચેષ્ટા, મુસ્લિમોમાં પ્રગતિશીલ ચહેરાને બદલે રૂઢિચુસ્ત કે માથાભારે નેતાગીરીને પ્રોત્સાહન, પક્ષ પર એકહથ્થુ – વ્યક્તિકેન્દ્રી શાસન, ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદે જવામાં શરમસંકોચ નહીં … આ હતી ઇંદિરા ગાંધીની કૉંગ્રેસની સંસ્કૃિત. ઇંદિરા ગાંધીની હત્યા પછી ટૂંક સમયમાં કૉંગ્રેસના એકચક્રી શાસનનો યુગ પૂરો થયો.

રાજીવ ગાંધીએ શાહબાનો ચુકાદો ઉલટાવીને અને સલમાન રશદીના પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ પર પ્રતિબંધ મૂકીને મુસ્લિમ લાગણીનો ખેલ પાડ્યો. તેમાં મુસ્લિમ સમાજના હિતની નહીં, તેમના મતની ચિંતા કેન્દ્રસ્થાને હતી. રાજીવના આ કોમવાદી પગલાંએ ભાજપના – સંઘ પરિવારના કોમી રાજકારણને સારું એવું બળતણ પૂરું પાડ્યું. કેવળ કોમવાદથી કેન્દ્રમાં સત્તા નહીં મેળવી શકાય તેના અહેસાસ પછી, ભાજપ – સંઘ દ્વારા (ગોવિંદાચાર્યના યાદગાર શબ્દપ્રયોગ પ્રમાણે) વાજપેયીરૂપી ઉદારમતવાદી મહોરાનો ઉપયોગ કરવામાં આવ્યો.

ત્યારે મોરચા સરકારનો યુગ શરૂ થઈ ગયો હતો. ‘કોએલિશન ધર્મ’ જેવો પ્રયોગ આગળ જતાં મનમોહન સિંઘે પ્રયોજ્યો, પણ તેના નામે સાથી પક્ષોના ગેરવાજબી દબાણને વશ થવાની શરૂઆત રાજીવ ગાંધીની હત્યા પછીના અરસામાં થઈ ચૂકી હતી. એ સમયે ભાજપની ઓળખ ‘પાર્ટી વિથ ડિફરન્સ’ તરીકે પ્રચારવામાં આવતી હતી. તેનો સંદેશો સ્પષ્ટ હતોઃ આ પાર્ટી કૉંગ્રેસ જેવી નથી — કૉંગ્રેસી સંસ્કારોથી મુક્ત છે. કેન્દ્રમાં સંપૂર્ણ સત્તાથી વંચિત હોવાને કારણે તેના દાવાની કસોટી થઈ ન હતી અને ભાજપની સત્તા ધરાવતાં ગુજરાત જેવાં રાજ્યોમાં કૉંગ્રેસનાં ઘણાં (અપ)લક્ષણ ભાજપમાં પ્રગટવા લાગ્યાં હતાં, પરંતુ ભ્રષ્ટાચાર કૉંગ્રેસી સંસ્કૃિત સાથે સંકળાઈ ગયેલો શબ્દ બની ગયો હતો.

રાષ્ટ્રીય સ્તરે હવાલાકાંડ વખતે જૈન ડાયરીમાંથી અડવાણીનું સાંકેતિક નામ નીકળતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. જો કે, એ ધોરણ ગુજરાત ભાજપમાં લાગુ પડતું ન હતું.  ‘પાર્ટી વિથ ડિફરન્સ’ના દાવાને મજબૂત બનાવવા માટે બેક સીટ ડ્રાઇવિંગ કરનાર સંઘ પરિવાર મોજૂદ હતો. તે દેશગૌરવનાં નામે હિંદુગૌરવ અને હિંદુગૌરવનાં નામે મુસ્લિમ-ખ્રિસ્તીવિરોધની લાગણી ફેલાવવા વિશે ઉત્સાહી હતો. તેને ‘કોમવાદી’ કહીને ભાંડનાર કૉંગ્રેસ પાસે કોમવાદનું પોતીકું સ્વરૂપ હતું. એ વખતના રાજકીય વિકલ્પ ઉઘાડા કોમવાદ અને છૂપા કોમવાદ વચ્ચે, ભાજપી કોમવાદ અને કૉંગ્રેસી કોમવાદ વચ્ચે અને ગુજરાતની વાત કરીએ તો, ભાજપી ભ્રષ્ટાચાર તથા કૉંગ્રેસી ભ્રષ્ટાચાર વચ્ચે હતા.

યાદ રહે, નરેન્દ્ર મોદી પહેલાંના ભાજપી મુખ્યમંત્રી કેશુભાઈને ભૂકંપ પછી પુનઃવસનના કામમાં ઢીલાશ અને સરકારી ભ્રષ્ટાચારના આરોપો પછી સત્તા છોડવી પડી હતી. નરેન્દ્ર મોદીના શાસનમાં પણ ગુજરાતની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના સંગીન આરોપોની ક્યારે ય કમી ન હતી. તેમના શાસનમાં ભ્રષ્ટાચારનો સ્કેલ ઊંચો ગયો, એવું ગાંધીનગર સાથે કામ પાડનાર કોઈ પણ જાણકાર કહી શકે, પરંતુ ‘ખાતો નથી, ખાવા દેતો નથી’ પ્રકારનાં ચબરાકિયાંથી, હિંદુ હિતરક્ષક તરીકેની નરેન્દ્ર મોદીની એ વખતની છાપથી ને ઘણી વાર નકરી મુગ્ધતાથી લોકો વાસ્તવિકતા નજરઅંદાજ કરતા રહ્યા. (બાકી, મમતા બેનરજીને પણ પરિવાર નથી, છતાં ભાજપના આરોપ પ્રમાણે, તે ભ્રષ્ટાચાર કરી શકે, જયલલિતાને – માયાવતીને પણ પરિવાર નહીં. છતાં તે ભ્રષ્ટાચાર માટે કુખ્યાત. પણ નરેન્દ્ર મોદી માત્ર ને માત્ર પરિવાર ન હોવાને કારણે ભ્રષ્ટાચાર ન કરે, એવું ઘણા હોંશેહોંશે માને – મનાવે.)

માત્ર ભ્રષ્ટાચાર નહીં, એ સિવાયની ઘણી બાબતોમાં ભાજપના ‘કૉંગ્રેસીકરણ’નું ગુજરાત પૂરતું રહેલું પોત 2014માં કેન્દ્રમાં સરકાર સ્થપાયા પછી રાષ્ટ્રીયસ્તરે પણ પ્રકાશવા લાગ્યું. તેનો પહેલો કે છેલ્લો નહીં, પણ તાજો દાખલો મહારાષ્ટ્રનાં શહેરોની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જોવા મળ્યો છે. ત્યાં ભાજપે આંખ મીંચીને કૉંગ્રેસ – એન.સી.પી.ના નેતાઓને ભાજપમાં આવકાર્યા અને ઘણા કિસ્સામાં પોતાના જૂના કાર્યકરોને અવગણીને નવા પક્ષપલટુઓને ઉમેદવાર બનાવ્યા.

સંજય ગાંધીની કદમબોસી માટે કુખ્યાત કૉંગ્રેસી એન.ડી. તિવારીના પુત્રને આવકારવામાં ઉત્તર પ્રદેશ ભાજપને કશી લાજશરમ નડી નહીં. ભાજપની સઘળી સત્તા નરેન્દ્ર મોદીમાં કેન્દ્રિત છે અને તેનો સઘળો વિરોધ સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી સામે. (‘ગાંધી પરિવાર’માં એમ પણ ન કહેવાય. કારણ કે મેનકા ગાંધી-વરુણ ગાંધી ભાજપમાં છે.)  યુ.પી.એ.ની બીજી મુદતમાં પોલિસી પેરેલિસીસની અને કૌભાંડો પર કૌભાંડોની જે છાપ ઊભી થઈ હતી, તેની સરખામણીમાં ઘણાને નરેન્દ્ર મોદી બહુ કાર્યક્ષમ લાગે છે. તેમની કાર્યક્ષમતા અને ખાસ તો પ્રચારકાર્યક્ષમતા વિશે બેમત નથી. સવાલ તેની દિશાનો, આશયનો અને તેની ધરીનો છે.

ઇંદિરા ગાંધીની જેમ જ તે સત્તાને છાતી સરસી ચાંપીને બેઠા છે. ચૂંટણીસભાઓ સંબોધવામાં અને કપિલના કોમેડી શોમાં ચાલે એવી (સસ્તી) રમૂજો-વાક્પ્રહારો કરવામાં તેમનો જવાબ નથી, વખત આવ્યે તે આંસુ સારતા ટ્રેજેડી કિંગ દિલીપકુમાર કે માતૃપ્રેમી અમિતાભ બચ્ચનને અભિનયમાં ટક્કર આપી શકે છે. ટૂંકનામો પાડવામાં તેમને બાળ સહજ આનંદ અને કોપીરાઇટર-સહજ સંતોષ મળતો હોય એમ લાગે છે. રાજકીય શતરંજ ખેલવાની તેમની ક્ષમતા નિર્વિવાદ છે.

આ બધી બાબતોને લીધે તેમનું વડાપ્રધાનપદું અને એકંદરે ભાજપનું શાસન કૉંગ્રેસથી ઘણાં અલગ લાગે છે, પરંતુ આ બધા વેશની જરાક જ પછવાડે નજર કરતાં ઘૂઘવાટા મારતી કૉંગ્રેસી સંસ્કૃિત, સંઘસંસ્કારના વઘાર સાથે, દેખાય છે. ભાજપે કૉંગ્રેસને ખતમ કરી દીધી એ બાહ્ય સત્ય છે અને કૉંગ્રેસી સંસ્કૃિતએ ભાજપને (તેની અલગતાને) ખતમ કરી દીધી, તે આંતરિક સચ્ચાઈ છે. 

સૌજન્ય : ‘નામનું જુદાપણું’, “દિવ્ય ભાસ્કર”, 28 ફેબ્રુઆરી 2017

Loading

વિનોબા ભાવેએ આપેલું શાંતિસૂત્ર આજથી અપનાવી લો જય જગત!

રમેશ ઓઝા|Opinion - Opinion|28 February 2017

એ પછી ભારતીય મુસલમાન હોય, મુંબઈમાં વસતો ઉત્તર ભારતીય હોય કે ઈસાઈ અમેરિકન હોય. આપણે જેટલા શ્રેષ્ઠ એટલા બીજા પણ શ્રેષ્ઠ. ન વધુ ન ઓછા

આ કોઈ આશ્ચર્યજનક ઘટના નથી. આવું બની રહ્યું છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓનું પ્રમાણ વધવાનું છે, કારણ કે બહારનાઓ અને અન્યો સામેના ધિક્કારને હવે રાજકીય સ્વીકૃતિ મળી રહી છે. લોકોના ચિત્તમાં ધૂંધવાતા અસંતોષને શમાવવાનું કામ ડાહ્યા રાજપુરુષો કરે છે અને ટૂંકી બુદ્ધિના અને ટૂંકી મૂડીના રાજકારણીઓ એનો લાભ ઉઠાવે છે. જગતભરમાં આપણે અને અન્યોની દીવાલો રચાઈ રહી છે જેને રાજકારણીઓ માન્યતા આપી રહ્યા છે. આ પ્રકારના રાજકારણને ફાસીવાદ કે પ્રતિક્રિયાવાદ તરીકે ઓળખાવવામાં આવે છે. પ્રતિક્રિયાવાદને જ્યારે રાજ્યની માન્યતા મળે એનું નામ ફાસીવાદ.

અમેરિકાના કૅન્સસ શહેરના એક પબમાં અમેરિકાના નૌકાદળના એક અફસરે ભારતીય યુવકો પર ગોળીબાર કર્યો હતો જેમાં શ્રીનિવાસ કુચીભોતલા નામનો યુવક માર્યો ગયો હતો અને તેનો મિત્ર આલોક મદાસાની ઘવાયો હતો. એ અધિકારીએ પહેલાં ભારતીયોને કહ્યું હતું કે તમે બહારના છો એટલે ચાલતા થાઓ અને પછી કહ્યું હતું કે તમે ત્રાસવાદી છો એટલે અમેરિકામાં જીવવાનો અધિકાર ધરાવતા નથી. આજકાલ દેશભક્તો અને રાષ્ટ્રવાદીઓ માટે ત્રાસવાદીનું લેબલ કાયદો હાથમાં લેવા માટેનું હાથવગું સાધન છે. રાષ્ટ્રવાદનાં નામે કોઈની પણ હત્યા કરી શકાય છે.

જેમના પર હુમલો કરવામાં આવ્યો એ યુવકોના પરિવારજનોની પ્રતિક્રિયા બે અંતિમોની છે, પણ વિચારવા જેવી છે. શ્રીનિવાસ કુચીભોતલાની પત્નીએ કહ્યું હતું કે તેના પતિની હત્યા થઈ એ અમેરિકન સરકારના વસાહતીવિરોધી નીતિનું પરિણામ છે અને એ રીતે સરકાર આના માટે જવાબદાર છે. ઘવાયેલા યુવક આલોક મદાસાનીના પિતાએ કહ્યું હતું કે સુખસુવિધા અને સફળતા માટે જાનના જોખમે પરાયા દેશોમાં જવાની ઘેલછા ભારતીય યુવાનોએ ટાળવી જોઈએ.

પહેલી પ્રતિક્રિયા વિશે પ્રતિક્રિયા આપતા અમેરિકન સરકારે સત્તાવાર રીતે ખુલાસો કર્યો છે કે શ્રીનિવાસની હત્યા અમેરિકન નીતિનું પરિણામ નથી. હાથ ઊંચા કરી નાખવા માટે આટલું પૂરતું છે અને હાથ ઊંચા કરી નાખનારાઓના હાથ હેઠા પાડવા માટે બહુમતી પ્રજાનું દબાણ નથી હોતું. બહુમતી પ્રજા જ્યારે દ્વેષની માનસિકતાને માન્યતા આપે છે ત્યારે શાસકોને છુટ્ટો દોર મળે છે. ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હીમાં અને અન્યત્ર સિખોની કતલેઆમ કરવામાં આવી એ કૉન્ગ્રેસ સરકારની નીતિનું પરિણામ નહોતું એવો ખુલાસો એ સમયે રાજીવ ગાંધીની સરકારે કર્યો હતો. આવો ખુલાસો કરીને સરકાર એટલા માટે છટકી ગઈ હતી કે બહુમતી હિન્દુઓ સિખોને પાઠ ભણાવવામાં આવ્યો એ વાતે રાજી હતા. ગુજરાતમાં ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના બની એ પછી ગુજરાતમાં મુસલમાનોની કતલેઆમ કરવામાં આવી ત્યારે કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે હાથ ઊંચા કરતા ખુલાસો કર્યો હતો કે આ ભારતીય જનતા પાર્ટી અને એની સરકારની નીતિનું પરિણામ નથી. ફરી એક વાર મુસલમાનોને પાઠ ભણાવવામાં આવ્યો એ વાતે હિન્દુઓ ખુશ હતા. આગળ કહ્યું એમ બહુમતી પ્રજા જ્યારે લઘુમતી કોમ સામેના દ્વેષની માનસિકતાને સામૂહિક માન્યતા આપે ત્યારે શાસકોને છુટ્ટો દોર મળી જતો હોય છે અને દ્વેષ જ્યારે રાજ્યની નીતિ બની જાય ત્યારે પ્રતિક્રિયાવાદ ફાસીવાદમાં પરિવર્તિત થતો હોય છે.

મને ખબર નથી કે આપણા દેશભક્તો શ્રીનિવાસની પત્નીના અભિપ્રાય વિશે શું અભિપ્રાય ધરાવે છે, કારણ કે આપણે ત્યાં પણ સ્થિતિ આવી જ છે. બહુમતી કોમ લઘુમતી કોમ પરત્વે દ્વેષની માનસિકતા ધરાવે છે અને એને શાસકીય માન્યતા છે. મને એ પણ ખબર નથી કે તેઓ આલોક મદાસાનીના પિતાએ વ્યક્ત કરેલા અભિપ્રાય વિશે શું અભિપ્રાય ધરાવે છે, કારણ કે એની સાથે બદલાઈ રહેલા જગતના ચહેરા વિશેના પ્રશ્નો સંકળાયેલા છે. જ્યાં લીલું ઘાસ હોય ત્યાં પશુ ચરવા જાય એ પશુજગતનું સ્વયંસિદ્ધ સત્ય છે અને માનવી પણ એક પશુ છે. આમાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજીને કારણે જગત ખોબા જેવડું બની રહ્યું છે. ગ્લોબ વિલેજ બની રહ્યું છે; પરંતુ વિલેજમાં જે પરસ્પરાવલંબન, પરસ્પર પૂરકતા, પરસ્પર આત્મીયતા હતાં એ વિશ્વગ્રામમાં જોવા મળતાં નથી.

તો આના માટે શું કરવું? પોતાના પરિચિત પરિવેશમાં સુરક્ષા મળી રહે છે માટે મીઠું અને રોટલો ખાઈને પડ્યા રહેવું એ એનો ઉપાય નથી. પરાયા પરિવેશને પરિચિત કરવો અને પોતાનો કરવો એ એનો ઉપાય છે. આ વાક્યને ફરી વાંચો; પરાયા પરિવેશને પરિચિત કરવો અને પોતાનો કરવો એ એનો ઉપાય છે. સુખની શોધમાં એકથી બીજી જગ્યાએ જવું એ ગુનો નથી. કાર્લ માર્ક્સે કહ્યું હતું કે જગતનો ઇતિહાસ વર્ગસંઘર્ષનો ઇતિહાસ છે. આ આંશિક સત્ય છે, સંપૂર્ણ સત્ય નથી. સંપૂર્ણ સત્ય એ છે કે જગતનો ઇતિહાસ સ્થળાંતરનો ઇતિહાસ છે. ચરૈવેતિ ચરૈવેતિ એ માનવ સમાજનું સત્ય છે. આદિવાસીઓને છોડીને કોઈ માણસનું મૂળ એક સ્થળે પાંચસો વર્ષ કરતાં વધારે લાંબું જોવા નહીં મળે. (આદિવાસીઓ એક સ્થળે સદીઓથી એટલા માટે વસે છે કે તેમને જંગલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને જંગલમાંથી બહાર આવવાની તક મળી નહોતી.) આ એ યુગનું સત્ય છે જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એ આસાન નહોતું. આજે વિજ્ઞાન અને ટેક્નૉલૉજીને કારણે સ્થળાંતર આસાન બની ગયું છે.

સુખની શોધમાં સાહસ કરવું અને સ્થળાંતરિત થવું એ માનવીય પુરુષાર્થ છે અને આવા પુરુષાર્થીઓ થકી જગત સમૃદ્ધ બન્યું છે. કાર્લ માર્ક્સે કહ્યું હતું એનાથી ઊલટું જગતનું બીજું સંપૂર્ણ સત્ય એ છે કે વસાહતીઓએ એટલે કે બહારથી આવેલાઓએ સમૃદ્ધિ મેળવી છે અને એ રીતે જગતને સમૃદ્ધ બનાવ્યું છે. સુખાકારી સ્થાનિક પ્રજાએ નથી રળી, આગંતુકોએ રળી છે અને સ્થાનિક પ્રજા એની લાભાર્થી છે. બહારથી આવેલાઓ જગ્યા બનાવવા બમણી મહેનત કરે છે અને વધારે રળે છે જેને કારણે ઝડપથી સુખી થાય છે. આ સમૃદ્ધિ આગળ જતાં પ્રદેશની સમૃદ્ધિ બને છે.

તો ઉપાય માત્ર આ જ છે, પણ એના માટે આગળ કહ્યું એમ એક શરત છે; પરાયા પરિવેશને પોતાનો કરવો પડે અને અપનાવવો પડે. અમેરિકામાં જઈને ભારતીય બની રહેવું, બને ત્યાં સુધી ત્યાંના પરિવેશને નકારવો, નકારવો નહીં ધિક્કારવો, પોતાને સાંસ્કૃિતક રીતે શ્રેષ્ઠ સમજવા, વર-કન્યાને શોધવા ભારત આવવું વગેરે લક્ષણો દૂધમાં સાકર બનવાની જગ્યાએ દૂધમાં કાંકરો બને છે. દૂધમાં આવતો કાંકરો દૂધની મજા બગાડી નાખે છે એટલે સ્થાનિક લોકો ચિડાય છે. તમને તમારો દેશ અને સંસ્કૃિત એટલાં બધાં વહાલાં છે તો અહીં આવ્યા શેના માટે? તમે તમારા વતનના દેશને પ્રેમ કરો અને પોતાની સંસ્કૃિત માટે ગવર્‍ અનુભવો એની સામે વાંધો નથી, પરંતુ પરાઈ સંસ્કૃિત માટે સદ્ભાવ પણ ન ધરાવો? અમે શ્રેષ્ઠની માનસિકતાની આ જે બીમારી છે એ સમસ્યા છે.

તો સાહેબ, અત્યારના વિશ્વગ્રામમાં સુખ અને શાંતિ જોઈતાં હોય તો હાથ ફેલાવવા અને પરાયાને બાથમાં લઈને પોતાના કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ પછી ભારતીય મુસલમાન હોય, મુંબઈમાં વસતો ઉત્તર ભારતીય હોય કે ઈસાઈ અમેરિકન હોય. આપણે જેટલા શ્રેષ્ઠ એટલા બીજા પણ શ્રેષ્ઠ. ન વધુ ન ઓછા. શ્રીનિવાસની પત્નીની અને આલોકના પિતાની પ્રતિક્રિયા વિશે મારી આ પ્રતિક્રિયા છે.

આજથી વિનોબાએ આપેલું શાંતિસૂત્ર અપનાવી લો; જય જગત!

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ ડે”, 28 ફેબ્રુઆરી 2017

Loading

મુક્તિ વૃત્તાંત – અનુભૂતિ

કનુભાઈ સૂચક|Opinion - Literature|28 February 2017

હિમાંશી શેલત દ્વારા લખાયું આત્મકથન ‘મુક્તિ-વૃત્તાંત’ પુસ્તક વાંચ્યું. શરૂઆતમાં ‘અસંખ્ય બન્ધન-માઝે મહાનંદમય લભિબ મુક્તિર સ્વાદ’ – રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ મૂકી છે. ( અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.) આદર્શ જીવવાની  મમત- જીદ સાથે મહાનંદમય મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરવા મથતા માનવ-માનવોની કથા, Ayn Rand દ્વારા લિખિત The Fountainhead and Atlas Shrugged, વાંચી જ હશે. હિમાંશી શેલત તો અહીં આત્મકથન સ્વરૂપે માણેલી મુક્તિનું વૃત્તાંત લખે છે. આત્મરતિથી અળગા રહી લખે છે, અનુભૂતિ આલેખે છે. જીદ સાથે જીવીને જીતવાની વાતોમાં સત્યનો રણકાર વાંચકને સહૃદયી બનાવે છે. મેં માણ્યું છે. આ પુસ્તકનાં લેખિકા હિમાંશીબહેન સાથે અંગત પરિચય જરા પણ નહીં. તેમનાં વાર્તાસર્જનનો પરિચય જરૂર. અંગત નહીં તેવા અજાણ્યાની વાત કરતું પુસ્તક માણ્યું તેની વાત કરવાનો આ ઉપક્રમ માત્ર ભાવક અનુભૂતિ છે.

આ આત્મકથન છે. સ્વયં સાથેનો સંવાદ છે. અને એટલે જ એ ક્રમવાર બનતાં બનાવો નથી. બાળપણની સચવાયેલી યાદને પ્રૌઢ વર્ણવે છે જે પુખ્તવયની સ્મૃિતઓ સાથે ભેળવાતી રહે છે. સંપર્કમાં આવેલ અને દૂરથી અધૂરાં જોયાં-જાણ્યાં છે તે બધાં પણ ક્યાંક અને કોઈક જગ્યાએ પ્રવેશે છે. સમયપરિવેશ છે તો મનમથામણ પણ છે. મનુષ્યજગત અને પ્રાણીજગત પણ છે. કથકે તે અસરો શી રીતે ઝીલી છે અને તેની વાતો અને સરખામણી પણ છે. જીવનની બાલ્યાવસ્થા કાચી માટી છે અને ત્યારે વ્યક્તિ સાથે અને સામે બનતી ઘટનાઓ અન્ય અવસ્થાઓ પર સઘન અને અમીટ છાપ મૂકી જતી હોય છે. મનઘડતરની આ અવસ્થા છે. સામાજિક પરિવેશ અને વ્યક્તિ કે વ્યક્તિસમૂહની અસરો બાળકને નવા ઉંબરે મૂકે છે. સમય અને પ્રવાહના ધસમસતા ઉંબરે. સહાય અને સથવારાના નવા પરિમાણ ઊભા થાય છે. ઉંબરો ઓળંગીને જે દિશામાં જવાનો નિશ્ચય થાય ત્યાર પછીની દશા વ્યક્તિ પર નિર્ભર છે. પ્રવાહ સામે જવું કે પ્રવાહ સાથે વહેતા લોકોમાંનું એક ન હોવાપણામાં લોપાઈ જવું. મુક્તિ સાપેક્ષ છે. કથક સ્વયં સંવેદનશીલ છે, વિચારક છે, કર્મઠ છે અને વિશેષ તો સંજોગો, પરિમાણ અને પરિમાણને સાક્ષીભાવે મૂલવી શકનાર પ્રતિભા પણ છે. આવી વ્યક્તિ આત્મકથન કરે ત્યારે આપણી સમક્ષ જે ભાવજગત રજૂ થાય છે તેમાંના વિશ્વમાં યથાશક્ય પ્રવેશ કરવાનો પણ ઉપક્રમ છે. આમ જોઈએ તો ‘કોઈના જીવનમાં શું થયું તેમાં આપણે શું, એવો ભાવ લોકોને હોય છે ?’ પરંતુ પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી આદિનાથે કહ્યું છે કે ‘નિર્વાણ મારા કહેવાથી નહીં મળે, પરંતુ એ માર્ગે જવાના મારા પુરુષાર્થનું અનુસરણ કરવાથી કદાચ પ્રાપ્ત થાય.’ મુક્તિ વૃત્તાંત વાચકને એ વૃત્તિ તરફ ગતિ-અનુસરણ આપે!! 

૧૯૪૭ના સામાજિક પરિવેશથી જાણકાર લોકો, ન જાણતાને કહી શકે કે ‘બહુ ઓછું બદલ્યું છે.’ સ્થળની વાતોમાં ફેરફાર જરૂર થયાં જ હોય, પરંતુ એ સ્વીકારી લઈએ. “વાળને ચોંટેલી રજકણ ગણવા બેસે” એવો દોષ આપણે કરવો નથી. કથકે બાળપણના અનેક અનુભવની વાતો કહી છે તે માટીની કેળવણી હતી. તિલસ્મી અનુભવોની હતી. સંબંધોને અને તેના તકલાદીપણાને જાણવાની વય હતી. કુટુંબકબીલાના સંપર્ક અને તેમાંથી તથ્યો તારવવાની હતી. સામાજિક સંપર્કમાંથી અવનવાને વિસ્મયથી જાણવાની હતી. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન અને અધિકાર જાણવાની હતી. શબ્દપ્રેમ કરવાની અને કેળવવાની હતી. ફ્રેંચ સર્જક સાર્ત્રનાં સાથી અને સશક્ત લેખિકા સીમોં દ્દ બુવાના પ્રભાવની હતી. પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓ મનને ગમતી હોય તેમ છતાં શુદ્ધ, બૌદ્ધિક, તર્કબદ્ધ વિચારો અને તેવાં સંપર્કના પ્રભાવે તે વાસ્તવ ન બની શકે તે પરિમાણ પામવાની વય. તેમ છતાં દેખાવને બાહ્ય અલંકારોથી શણગારવાથી દૂર રહેવાની સહજ સમય. અનુભવ મનને માંજી રહે પછી માટી ચાકડે ચઢે છે. કથક ૨૧ વર્ષની નાની વયે કોલેજમાં નોકરી મેળવે છે. એ જ સમયમાં સંસાર વ્યવહારમાં ઘરના વડીલે જવાબદારી ઉપાડવી જોઈએ એવું તારસ્વરે ફરિયાદ કરવાનું તેમને મન થાય છે. નિયમિત આવકની જરૂરિયાત સમજાય છે. કોલેજમાં ભણાવવા જતાં સ્કર્ટ નહીં સાડી પહેરવી જોઈએ – કારણની ચર્ચા વ્યર્થ.

સમાધાન કરવું નથી છતાં સંજોગ જે કરાવે ત્યારે નાછૂટકે પણ સમજણ સાથે માર્ગ શોધવાની માનસિકતા અકબંધ. લગ્ન નથી કરવા. દાદા, બા, ભાઈ, સગાં, સંબંધીઓ, પડોશ અને પુસ્તકોનો સતત સહવાસ જ્ઞાનપીઠ સમાન. ભણાવતા ભણવાનું મળ્યું. સાહિત્ય સર્જકોનાં સર્જન અને અંગત જીવનના અભ્યાસને લીધે સાહિત્યિક સંસર્ગ રહ્યો. અનુભવનું ભાથું અને વિચાર લઢણ તો હતાં લખવાનું શરુ થયું. સારા સામયિકમાં પહેલી વાર્તા છપાણી. આત્મશ્રદ્ધા વધી. સિદ્ધિઓ આત્મરતિમાં પ્રગટ ન થાય તેની ખેવના રાખી. સાથે ‘ પ્રકૃતિએ ખાસ નરમ ન કહી શકાય એવી હું જરૂર પડે તો ઉગ્ર અને આક્રમક બની શકતી’ તો ૧૯૯૪માં સૂરતમાં પ્લેગ ફાટી પડ્યો ત્યારે એક વાત સમજાણી કે ‘જેમ આપણને શહેરની, તેમ શહેરને ય આપણી જરૂર પડે. ખરે વખતે મોં સંતાડી પલાયન થવાય નહીં. અમે બુકાની બાંધી નીકળી પડતાં.’  આ સમયે જ માનવ ઓળખનું એક સત્ય લાધે છે. “માણસ બાબત અભિપ્રાય આપવામાં, કે ન્યાય તોળવામાં, અધીરા ન થવું.” માણસમાં સારપ અને નઠારાપણાનો અંદાજ પણ મુશ્કેલ. ‘એ એની ભીતર ઘણી શક્યતાઓ ધરબીને બેઠો હોય છે.'

મુક્તિ, કલ્પના વિહાર અને જીવન વ્યવહાર, આદર્શ અને વાસ્તવિકતાનો અનુભવ નવા રહેઠાણ અને સહજીવનમાં નંદવાતા લયમાંથી મેળવે છે. ‘વલસાડ-અબ્રામાના નવા ઘરનો ઉમંગ પૂરો થયો હતો, અને જીવન એનો લય શોધવામાં અટવાતું હતું.’ અંતે સમસ્યાઓથી ઉગરવાનો માર્ગ ‘જાતને સંકોરી’ લેવામાં કે સમતુલા સાધી ‘સ્વસ્થ રહેવાનું રસાયણ મારે પોતે ખોળવાનું.’ અજંપો શેનો ? ‘ઊગતા દિવસની સાથે અજંપાનાં અઢળક કારણોની હારમાળા.’ ‘અસંધિગ્ધ ખુલાસો મળે છે. હું માત્ર મારા ભાગનું જ જીવી એમ ક્યાં થયું છે ?’ સમસ્યા માત્ર વ્યક્તિની નહીં સમષ્ટિની છે. ‘દુનિયાના ઝાઝા ખૂણા અંધારા અને પીડાદાયક રહેવાના તે રહેવાના.’ અસંધિગ્ધ ખુલાસા મળે છે. એક પ્રકરણને અંતે મુક્તિ ટાગોરની બે પંક્તિ ટાંકે છે :

આછે દુ:ખ, આછે મૃત્યુ, વિરહદહન લાગે,
તબુઓ શાંતિ, તબુ આનંદ, અનંત જાગે. 

અને મુક્તિ કહે છે કે ‘એમ ટાગોર કહી શકે તેવું આપણાથી ક્યાં કહેવાય છે ?’ બસ એ જ ગતિ અને પડકાર છે.

અને મને મુક્તિ-વૃત્તાંત એમ જ સમજાયું છે.        

e.mail : Kanubhai.suchak@gmail.com

Loading

...102030...3,6073,6083,6093,610...3,6203,6303,640...

Search by

Opinion

  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?

Diaspora

  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved