અહેવાલનો પાઠ આમજનતાથી ઓઝલ છે ને બે અરજદારોને પણ એની નકલ મળ્યાનાં ઓસાણ નથી
અનર્થઘટન … સાહેબો, અક્ષરશ: અનર્થઘટન. બ્લફબહાદુરી તો કોઈ એમની કને શીખે. 2013માં એમ.બી. શાહ પંચે રજૂ કરેલો હેવાલ કાયદા વિભાગને અંધારામાં રાખી પરબારો જાહેર વહીવટ વિભાગના કબજામાં ધરબી હવે સાડા ત્રણ ચાર વરસે વિધાનસભામાં (અને તે પણ સત્રના છેલ્લા દિવસે અને ગૃહ સમસ્ત જોગ એક માત્ર નકલ રૂપે) પેશ કરીને રાજ્ય સરકાર રાબેતા મુજબ બાગે બહાર સેલ્ફી શૈલીએ વિધાનગૃહ મારફત તમને અને મને એટલે કે જે વાસ્તવિક એવા રાજકીય સાર્વભૌમ છે તેવા નાગરિકને ‘વધામણી’ આપે છે કે પંચે અમને ‘ક્લીન ચિટ’ આપી છે. અહેવાલનો પાઠ આખો તો અલબત્ત આમ જનતાથી ઓઝલ છે, જો ધારાસભ્યો કને પણ એની નકલ પહોંચી નથી તો સ્થાપિત પક્ષોની આઘાપાછીની એસીતેસી કરીને ચિત્રમાં પ્રવેશેલા બે અરજદારોને પણ એની નકલ આજથી તારીખે મળ્યાનાં ઓસાણ નથી. અલબત્ત, સન્માન્ય વિધાનસભ્યોએ કે નગણ્ય નાગરિક સમાજે એ અંગે મનમાં મલાલ રાખવાને કારણ નથી, કેમ કે સરકારશ્રીએ ટૂંકો સારાંશ બહાર પાડી કથિત કલીન ચિટ બાબતે ડંકે કી ચોટ કહ્યું જ છે. હરખ હવે તું ગુજરાત.
2013માં રજૂ થયેલ હેવાલ બાબતે સરકારે અનર્થઘટને તો અનર્થઘટન પણ છેક 2017ના ચૂંટણી વરસમાં જાહેર કર્યું! આવું કંઈ પહેલી વારકું નથી બન્યું. શાહ પંચના હેવાલનો પહેલો ભાગ સપ્ટેમ્બર 2012માં રજૂ થઈ કલીન ચિટની સત્તાવાર જાહેરાત બરાબર એ જ દિવસે પામ્યો હતો જ્યારે ચૂંટણી પૂર્વ આચારસંહિતાનો અમલ શરૂ થવામાં હશે.
ઘડિયાં લગન, પરબારી જાહેરાત અને વિધાનસભા કોરાણે, એવું આ ગુજરાત મોડેલ જરી બરાબર દર્જ થાય, દસ્તાવેજ ધોરણે દર્જ થાય તે માટે હજુ એક-બે ઓર પૂર્વરંગ ઝલક આપું? હેવાલ ક્યાં ને ક્યારે, એવું ગૃહમાં – રિપીટ, ગૃહમાં – પૂછાયું ત્યારે 2013માં રાજ્ય પ્રધાનમંડળના વરિષ્ઠ મંત્રી આનંદીબહેને કહ્યું હતું કે પૂછો રાજભવનને. મતલબ, હેવાલ રાજ્યપાલ પાસે છે. સન્માન્ય ધારાસભ્યો, ખબર નહીં આ ઘૂંટડો કેમે કરીને ગળી ગયા હશે. પણ નિરીહ નાગરિક બચાડો શું કરે, સિવાય કે ભાંગ્યાના ભેરુ સરખી આર.ટી.આઈ.નો સહારો લે. જુલાઈ 2013માં જવાબ મળ્યો, રાજભવન તરફથી, કે મળેલ નથી. એક ઓર પૃચ્છા અને નવેમ્બર 2014માં (મુખ્યમંત્રીની મે 2014ની પ્રધાનમંત્રી પદોન્નતિ પછી) રાજભવનનો એ જ પ્રતિસાદ – હેવાલ અમને મળ્યો નથી. વળતે મહિને, તા. 18-12-2014 અને આર.ટી.આઈ. પ્રાપ્ત સ્પષ્ટ વિગત કે સરકારે રાજ્યપાલને પણ જાણ કરી નથી.
આમ તો, સન્માન્ય નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ.બી. શાહની સેવાઅો માગી લેવાઈ હતી તે પણ વિલક્ષણ સંજોગો હતા. નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.એ. મહેતાની હેડીના ટટ્ટાર જણ ગમે તે ક્ષણે લોકઆયુક્તપદનો હવાલો સંભાળશે એવા ભણકારા વાગતા હતા. મુખ્યમંત્રી મોદી ત્યારે જે આટાપાટા રમ્યા એ ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી મુજબ ‘મિની કૉન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ’ સરજનારા હતા. પણ લોકઆયુક્તપદ અધિકારપૂર્વક કાર્યરત બને તે પૂર્વે ગાળિયો કાઢી નાખવા માટે આ પંચ એકાએક જાહેર થયું હતું એમ સાંયોગિક ધોરણે જોતાં સમજાય છે.
પુણ્યાત્માનાં અંતર તો આભ જેવાં અગાધ રહ્યાં, એનો સમગ્ર તાગ લેતી સ્પેસ-રે, તે માટેનું ગજું પણ નાચીજ નાગરિક કને ક્યાંથી હોય. પણ એક વાત છે, ચૂંટણીનું વરસ છે, અને વિધાનસભા વિસર્જનની વાતો પણ હવામાં છે. રાજ્ય વિધાનસભાને વિપળવાર પણ પોતાના વજૂદનો ખયાલ હોય તે એણે શાહ હેવાલની (ચાર વરસ તે પડી રહ્યો તે દરમ્યાનના અધિકૃત એ.ટી.આર. – ઍક્શન ટેઇકન રિપોર્ટ સહિતની) તત્કાળ ચર્ચા તો, અગ્રતાક્રમે, બલકે વિશેષ સત્રરૂપે મળવાની તૈયારી સાથે માગવી જોઈએ. નહીં તો, ‘ક્લીન ચિટ’ સરખા પોસ્ટ ટ્રુથ અનર્થઘટન સાથે એક ઓર ચૂંટણી … હરખ હવે તું ગુજરાત.
ઇચ્છીએ કે વિધાનસભા વજૂદનું વરદાન પામે. પણ, દરમ્યાન, સરકારી સારાંશના ઉજાસમાં અનર્થઘટન અને બ્લફબહાદુરીનો કંઈક ખ્યાલ જરૂર મેળવીએ. બને કે વિધાનસભ્યોને વજૂદની વાટે એથી કંઈક ભાથું વખત છે ને મળે.
પહેલો જ દાખલો ઇન્ડિગોલ્ડ રિફાઈનરીએ કચ્છમાં 36.25 એકર ખેતીલાયક જમીનની ખરીદી કર્યાનો લઈએ. પંચે કહ્યું છે કે આ બાબત સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન હોઈ અમે અભિપ્રાય આપી શકીએ નહીં. દેખીતી રીતે જ, અહીં પંચે સલામત અંતર જાળવ્યું હોય તો પણ તે કોઈ ક્લીન ચિટનો કિસ્સો નથી. દરમ્યાન, 2014માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે જેમાં રાજ્ય સરકારના નિર્ણયને રદબાતલ જાહેર કરવા સાથે તેને ‘રુલ ઑફ લૉ’ની ઉપરવટ જણાવી ધરાર ‘એરોગન્ટ’ કહ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને અને મહેસૂલ મંત્રીને અરજદારો મળ્યા તે પછી સરકારે લીધેલું આ મનસ્વી પગલું ગુનાઇત લેખાય એવું છે. મહેસૂલ મંત્રી આનંદીબહેને મુખ્યમંત્રી કાર્યાલયના સંપર્કમાં રહી આને ‘ખાસ કેસ’ ગણવાનું વલણ લીધું હતું તે લક્ષમાં લઈએ તો ગુનાઇત, જવાબદારી કયે પક્ષ નક્કી કરવાની છે તે સ્પષ્ટ થઈ જાય છે, અને સરકારે એપ્રિલ 2017 સુધી કોઈ પગલું નહીં ભરી ગુનાને કેવળ અને કેવળ છાવર્યો છે. (‘મિસયુઝ ઑફ પાવર હેઝ લેડ ટુ ધ કન્ક્લુઝન ધેટ ધિસ લીડ્ઝ ટુ ક્રિમિનલ ઍક્શન’)
સુજલાલ-સુફલામમાં થયેલી ગેરરીતિ ચર્ચામાં આવ્યે (અને કોઈને સજા નહીં થયે) હવે સહેજે દસકો થશે. પંચે એમાં જવાનું ટાળ્યું છે પણ પોતાની સલામતી શોધવા સાથે એટલું ઉમેર્યું છે કે કેગ, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અને પબ્લિક અંડરટેઇકિંગ કમિટીએ આમાં યોગ્ય કરવાનું રહેશે. દેખીતી રીતે જ, આ દાખલો ક્લીન ચિટનો નથી પણ કેગ આદિ સંવૈધાનિક સંસ્થાઓ પરત્વે સરકાર પાસે અપેક્ષિત આજ્ઞાધીનતા અને આદરનો છે. હવે, સરકાર દ્વારા રચાયેલ વી.એસ. ગઢવી સમિતિ, મંજુલા સુબ્રમણ્યમ સમિતિ, કૅગ, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી સૌનું તારણ ‘ફોજદારી ગુના’નું છે. પ્રશ્ન તે મુજબ એફ.આઈ.આર. દાખલ કરી જવાબદારો સામે ફોજદારી પગલાં ભરવાનો વસ્તુત: છે.
આવો જ પ્રશ્ન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો પણ છે. ઓઇલ અને ગેસના વિપુલ ભંડારો હોવાની કથિત માહિતીને ધોરણે જીઓ ગ્લોબલ કંપની સાથે જી.એસ.પી.સી.એ કરેલો કરાર (વાસ્તવમાં ગૅસ અને ઓઇલ નહીં મળતાં) શંકા અને તપાસના દાયરામાં છે. આ આક્ષેપો પંચના કહેવા પ્રમાણે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અને પબ્લિક અંડર ટેઇકિંગ્ઝ કમિટી તેમ જ અંતે તો વિધાનસભાએ તપાસવાનાં રહે. પંચે આમ સૂચવી એક રીતે પોતાનું અંતર બનાવ્યું છે, તો બીજી રીતે સરકારની સંભવિત જવાબદારી ચીંધી છે. ગમે તમે પણ, એને ‘ક્લીન ચિટ’નો કિસ્સો તો નહીં જ કહી શકીએ.
રાંક બાપડા અરજદારોએ કોઈ પુરાવા રજૂ ન કર્યાનું પંચ અને સરકાર કહે છે. ભાઈ, તંત્ર અને પંચ, સુવિધાસમ્પન્ન અધિકારપ્રાપ્ત તો તમે છો. અરજદારોએ તો સ્થાપિત પક્ષોની આઘાપાછી પછી અને છતાં આક્ષેપોને તપાસવાની ફરજ પાડી. એક સવાલ-દારને નાતે સંબંધિત સૌને સાબદા કીધા. પંચને સંભવિત સ્રોતની ખબર આપી. પંચે એમને સમન્સ મોકલી હાજર કરવાની જરૂર કેમ ન જોઈ? અરજદારોએ ચીંધેલ દસ્તાવેજો સત્તાવાર મગાવી, તપાસવાની જરૂર કેમ ન જોઈ? એ તો એના અખત્યારનો ઇલાકો હતો.
રે, અનર્થઘટન!
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે
સૌજન્ય : ‘‘ક્લીન ચિટ’ના કાવાદાવા’, “દિવ્ય ભાસ્કર”, 08 અૅપ્રિલ 2017