આજે તમને થશે, કોણ છે આ મહેમાન, જેને મળવાનું છે. અરે, જરા પણ ચિંતા નહીં કરતાં, તમે એને બરાબર ઓળખો છો ! યા તેને બરાબર સારી રીતે ઓળખવાનો માત્ર પોકળ દાવો કરો છો. હા, જેનો સંગ અહર્નિશ તમે માણો છે, છતાં પણ કહેવું કઠિન છે, ‘હું બરાબર તેને ઓળખું છું’ !
બસ, થાકી ગયાને ? મને ખબર છે તમારી જાણવાની ઉત્કંઠા પરાકાષ્ટા પર પહોંચી ગઈ છે. ધીરજ ધરો અને વિચાર કરો. ઉત્તર મળી ગયો હશે. જો ન મળ્યો હોય, તો હવે મારે તમને જણાવ્યા વગર છૂટકો નથી !
આજે તમને, ’તમારી’ મુલાકાત કરાવવાની છે. રોજ જાણીતી અને નવિન વ્યક્તિઓને મળીએ છીએ. કોઈ દિવસ વિચાર આવ્યો છે, ‘આજે હું મને મળું’ ! જરા વિચિત્ર લાગે તેવી વાત છે ! વિચાર કરો, માત્ર એક સેકંડ માટે, તેનો જવાબ મળશે, ઉત્કંઠા વધશે અને ઉમળકાભેર તમે તેને મળશો !
‘શું હું જે છું તે ખરેખર સત્ય છે?’ ‘જે બીજા ધારે છે તે ખરેખર હું છું ?’ ખરી વાત તો એ છે, જો મારી નિયત સાચી હોય તો બીજા ધારે એની શા માટે મારે ફિકર કરવી ? બીજી વ્યક્તિ પોતાના સંજોગ અને માનસિક અવસ્થા પ્રમાણે તમને તુલવશે ! જ્યાં સુધી તમને તમારો અંતરઆત્મા ન ડંખે, ત્યાં સુધી તમે નિષ્ફિકર રહો. જો જો દંભના આંચળા નીચે, કોઈ પણ નિર્ણય ન લેવાય.
આપણે હંમેશાં બીજાના અભિપ્રાયને ખૂબ મહત્ત્વ આપીએ છીએ. આ સહુ માનવનો સહજ સ્વભાવ છે. તેનાથી જરા ઉપર ઉઠીને વિચાર કરીશું, તો તેમાં છુપાયેલો દંભ જણાશે. ‘લોક સારો કહે, તેથી હું સારો, અને ખરાબ કહે, તેથી ખરાબ’ ! આ વાક્ય બે વખત વાંચીશું તો સમજાશે કે એનો કોઈ મતલબ નથી.
સામાન્ય રીતે સ્વને તરત નિરખવાનો રસ્તો સીધો, પ્રત્યક્ષ અને વાસ્તવિક છે. આપણે બીજાની સમક્ષ હોઈએ, ત્યારે એક ક્ષણિક આવરણ ઓઢી લઈ, કૃત્રિમતા ધારણ કરીએ છીએ. એના માટે કોઈ પણ વર્ગ ભરવાની જરૂર નથી હોતી. તે વ્યક્તિ આપણા માટે શું ધારશે, એની ચિંતામા ‘હું શું છું’ તે ગૌણ બની જાય છે. આ વિચાર અને વર્તનને કારણે દંભ પોતાનો ભાગ ભજવે છે.
સ્વને નિરખતાં તેની કુરૂપતા અને નગ્નતાનો ભય નથી લાગતો ને ? તેની સાથે મુલાકાત થતાં સત્ય સપાટી પર આવશે. મન શંકા કરશે ‘શું ખરેખર આ હું છું?’ તેથી તો ઘણીવાર આપણે વાસ્તવિકતાથી દૂર ભાગીએ છીએ. ખોટા ભ્રમમાં રાચીએ છીએ. વિદ્વાન હોવાનો દાવો કરીએ છીએ. સામેવાળી વ્યક્તિને નીચું દેખાડવાનો પ્રયાસ કરીએ છીએ. આ બધું શા માટે. સત્ય પહેચાનો, જે છીએ તે કબૂલ કરો. બધાં એક સરખા નથી હોતાં. જે છીએ તે સુંદર છે. શુભ છે એ જાણવું જરૂરી છે.
સમાજ જે માત્ર માનવોનો સમૂહ છે, એ યાદ રહે. દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય બદલવાની સવતંત્રતા છે. તેનો અર્થ એ ન કાઢવો કે આપણે બદલાવું. એક સરળ વિચાર કરવો કૂતરાનો સ્વભાવ છે કરડવું, તે જો આપણને કરડે, તો આપણે તેને સામે કરડતાં નથી.’ ઘણી વખત જોયું છે હંમેશાં સારું વર્તન કરનાર ઘણીવાર પૈસો પામવાથી પોતાનો અસલી રંગ બતાવે છે.
શું મને મારું ગમતું ન મળ્યું, યા મારી મહત્ત્વાકાંક્ષા પરિણામ ન લાવી શકી, તો હું તેનું દુ:ખ બીજા ઉપર ઢોળું છું ? શું હું દરેક્ને સરખી રીતે નિહાળું છું ? પરિવારમાં સાંપડેલી નિરાશાનો દોષ કોને આપું છું. કોઈના માટે પૂર્વાગ્રહ રાખી નાઈન્સાફી કરી દિલ દુખાવું છું ? ઉંમરનો મલાજો પાળું છું ? વગર વિચારે બોલી સંબંધોમાં તિરાડો પાડી દોષનો ટોપલો બીજાને માથે ઓઢાડું છું ?
કેટકેટલા પ્રશ્નો અનુત્તર છે. આવો, ખુદને મળો. સમાધાનનો પ્રયત્ન જારી રાખો. સમય થોભતો નથી. ક્યારે અવસર આવી પહોંચશે ખબર છે ?
‘આપ ભલા તો જગ ભલા’. બસ તમે, તમને ખુલ્લા દિલે મળો અને વિચારો, અનુભવો મિલાપની ધન્ય પળોને.
e.mail : pravinash@yahoo.com