આજે આપણે અસાધારણ સમયમાં જીવી રહ્યા છીએ. આજે દુનિયામાં પરિસ્થિતિ ખૂબ જ સંકુલ અને ભય પમાડનારી છે. ચારેબાજુ હિંસાની આગ ભડકે બળે છે અને આપણે સૌ એની લપેટમાં જીવીએ છીએ. આજે બધે હિંસા, અસલામતી અને ભયનું વાતાવરણ છે. છેલ્લા થોડા સમયમાં ઢાકા, બગદાદ, ઇસ્તંબૂલ, નીસ, ઑર્લેંડો, ડલાસ અને છેક હમણાં બેલ્જિયમમાં અને ભારતમાં કાશ્મીર, ઓરિસ્સા, ઝારખંડ અને ગુજરાતમાં હિંસાના અનેક બનાવો બન્યા છે. દુનિયામાં બધે જમણેરી તત્ત્વોનું વર્ચસ્વ વધ્યું છે. મૂડીવાદે સર્જેલી આર્થિક અસમાનતાએ વંશવાદ, જાતિવાદ, વગેરેની વિષમતાઓ પર ભારે અસર કરી છે. વિકસિત મૂડીવાદી દેશોની નીતિઓ અને નેતાઓનાં વંશવાદી વિધાનો ચોંકાવનારાં અને ચિંતાજનક છે. મૂડીવાદ અને વંશવાદના પ્રતિકારે આજે પશ્ચિમી દેશોમાં ઉગ્ર અને ઝનૂની સ્વરૂપ ધારણ કર્યું છે એ પણ ચિંતાનો વિષય છે અને સખત ટીકાને પાત્ર છે. ખરું જોતાં ઇસ્લામિક કટ્ટરવાદી બળોનો આજે કોઈ ચોક્કસ ઍજન્ડા રહ્યો નથી અને જે પોતાના નથી – જેમાં સેક્યુલર અને ઉદારમતવાદી લોકો પણ આવી જાય છે – એ બધા પર અણધારા, બેફામ હિંસક હુમલા કરવા એ એમનું મુખ્ય ધ્યેય બન્યું છે. આજે દુશ્મનને ઓળખવો મુશ્કેલ બન્યો છે. સંઘર્ષ, ક્રાંતિ અને બદલાવની વાત આ સંદર્ભમાં કેવી રીતે થઈ શકે? આ એટલી વિસ્ફોટક, વિકટ અને સંકુલ પરિસ્થિતિ છે કે જેને નિયંત્રિત કરવાનું લગભગ મુશ્કેલ જ નહીં, અશક્ય બન્યું છે. સૌ સંવેદનશીલ અને વિચારશીલ લોકો અને પ્રગતિશીલ બળો પણ જાણે પાછા હટી ગયાં છે. એક ભયજનક નિરાશાથી બધા ઘેરાઈ ગયા છે.
આપણા દેશમાં પણ પરિસ્થિતિ ઓછી ચિંતાજનક નથી. વૈશ્વિકીકરણની અસર હેઠળ વર્ગ અને જાતિની અસમાનતાઓ વધી છે. મૂડીવાદીઓ અને સત્તારૂઢ પક્ષના ગઠબંધને આદિવાસીઓને અને દલિતોને પોતાના જમીન પરના હકથી વંચિત કર્યા છે. આ સાથે જમણેરી તત્ત્વોનું વર્ચસ્વ આજે બેહદ અને બેકાબૂ વધ્યું છે. એમને રોકનાર કે ટોકનાર કોઈ નથી; પ્રધાનમંત્રી પણ નહીં, જેમની ચુપકીદી અને નિષ્ક્રિયતાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આજે આપણા સંવિધાને બક્ષેલા હક્કોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. હિંદુત્વની વિચારધારા સાથે સંમત ન થનારા બધા જ આજે ભયના વાતાવરણમાં જીવે છે. હિંદુત્વ વિચારધારાનાં બે મુખ્ય પાસાં છે. મુખ્ય તો ભારતને એ હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાવે છે અને તેથી મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોને તે ભારતીય ગણતી નથી. આર.એસ.એસ.ના મુખ્ય વિચારક સાવરકરના મતે ભારત એ આ બંને સમુદાયના લોકોની પિતૃભૂમિ નથી. ભારત એ કેવળ હિન્દુઓનો દેશ છે અને તેથી ભારતમાં વસતાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું આ દેશમાં કોઈ સ્થાન નથી. બીજું, આ વિચારધારા વર્ણાશ્રમ અને જાતિવાદની વ્યવસ્થા પર ભાર મૂકે છે અને બ્રાહ્મણવાદનું સમર્થન કરે છે. આર.એસ.એસ.ના બીજા મુખ્ય વિચારક ગોલવલકરે મનુએ ‘મનુસ્મૃિત’માં સ્થાપેલા વર્ણવ્યવસ્થાના ચુસ્ત કાયદાઓનું સમર્થન કર્યું છે. એમના પુસ્તક ‘બન્ચ ઑફ થોટ્સ’(વિચારગુચ્છ)માં એમણે દરેક વ્યક્તિ દ્વારા પોતાની જાતિ મુજબ કરાતાં નિર્ધારિત કાર્યોને ‘નિઃસ્વાર્થ સેવા’ અને ‘ભગવાનની આરાધના’ કહીને જાતિવાદને અનુમોદન આપ્યું છે. આપણા પ્રધાનમંત્રીએ પણ ‘કર્મયોગી’ નામના પુસ્તકમાં આવું જ વિધાન કર્યું છે કે “સફાઈ કામદારોને સફાઈ કામ કરવામાં આધ્યાત્મિકતાનું સુખ મળે છે.” આમ આ વિચારધારા વર્ણાશ્રમની વ્યવસ્થામાં દૃઢ માન્યતા ધરાવે છે. આજે દેશમાં જમણેરી તત્ત્વો દ્વારા મુસ્લિમો અને દલિતો પર અત્યાચાર વધ્યા છે. તાજેતરમાં ઉનામાં દલિતો ઉપર જે પાશવી અત્યાચાર ગુજારવામાં આવ્યો તે એક અત્યંત શરમજનક ઘટના છે. એકવીસમી સદીમાં આવો જાતિવાદી જુલમ થાય એ હચમચાવી મૂકે એવો પ્રસંગ છે. આ એક એવી ઘટના અને ક્ષણ છે કે જ્યારે બધા જ સંવેદનશીલ, વિચારતાં, બોલતાં, લખતાં લોકો જાહેરમાં એકસાથે અને એકસૂરમાં એને સ્પષ્ટ શબ્દોમાં વખોડે. ક્યાં છે એ અવાજ? કેમ એ સંભળાતો નથી? શું આપણે વિચારનારાં, બોલનારાં, લખનારાં લોકો આજે પણ જાતિવાદી વિચારધારાના સમર્થકો છીએ? આજે ગુજરાતમાં દલિતોના સ્વયંભૂ વિદ્રોહથી એક બહુ મોટા સંઘર્ષ અને ક્રાંતિની શક્યતા ઊભી થઈ છે જે કદાચ દેશના ભવિષ્યને પણ બદલી શકે. એક આશાનું કિરણ જરૂર ખીલ્યું છે. દલિતોના સામાજિક અને આર્થિક ન્યાય માટેના અને જાતિપ્રથાની નાબૂદી માટેના આ સંઘર્ષમાં આપણે સૌ જોડાઈએ.
હિંદુત્વવાદી બળો જે કોઈ પોતાના ધર્મના ન હોય અને પોતાની સાથે સંમત થતા ન હોય કે બીજી વિચારધારામાં માનતા હોય એ બધાને પોતાના દુ:શ્મનો ગણે છે અને એમના પર હિંસા આચરે છે. આ બળો આજે ભારતમાં સત્તા પર છે. લોકશાહીના માળખામાં સંવિધાને બક્ષેલી ધર્મ, જાતિ, લિંગ કે વર્ગના ભેદભાવ વગર તમામ નાગરિકોની સ્વતંત્રતા અને સમાનતા આજે જોખમમાં છે. સૌથી મૂળભૂત અધિકાર એ સ્વમાન સાથે જીવવાનો હક છે. દલિતોનો, લઘુમતી સમુદાયોનો અને આદિવાસીઓનો એ હક આજે છીનવાઈ રહ્યો છે. જે લોકો તેમનો આ હક છીનવે છે તેમનું લોકશાહીમાં કોઈ સ્થાન ન હોઈ શકે. એ પણ દેખીતું છે કે સત્તારૂઢ બળોના સમર્થન વગર આવી રીતે કોઈ એમના હક છીનવી શકે નહીં. આજે દેશની ફાસીવાદ તરફ વળવાની શક્યતાઓ વધી છે.
આવાં આપખુદશાહી બળો જે સંવિધાન, કાયદા અને કાનૂનથી ઉપરવટ જઈને હિંસા ફેલાવી રહ્યાં છે તે પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા અને વધારવા શું કરે છે? ૨૦૦૪માં દુનિયામાં વધતી જતી હિંસા વિશે લખતા નવલકથાકાર ટોની મોરિસને જે અવલોકન કર્યું હતું તે આજે, આપણા દેશની પરિસ્થિતિ માટે પણ એટલું જ પ્રસ્તુત છે. એમના મતે સરમુખત્યાર પોતાની સત્તા કળાના સહેતુક નાશ દ્વારા ટકાવી રાખે છે. એ એક સાદી પણ સુયોજિત વ્યૂહરચના અપનાવે છે. એક તો, કોન્ફ્લિક્ટ કે લડાઈ શરૂ કરવા માટે એ એક ઉપયોગી દુશ્મન – જેમ કે મુસ્લિમ – જે પોતાથી અલગ છે, જેને અંગ્રેજીમાં, સૈદ્ધાંતિક ભાષામાં ‘ધ અધર’ (‘બીજા’) કહે છે, તેની વિરુદ્ધ એ પોતાની ઓળખ રજૂ કરે છે, તેને ઊભો કરે છે. આજે આ રીતે આપણા દેશમાં હિંદુત્વ બળોએ ‘હિન્દુ’ અને ‘બીજા’ઓને બીબાંઢાળ અને પ્રતીકોની બનેલી ઓળખમાં વહેંચીને પોતાનાં સામર્થ્ય અને પ્રભાવ આ સંબંધની અસમાનતા પર મેળવ્યાં છે. બીજું, વધારે સારા, ચડિયાતા ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેના અભિમાનના ખ્યાલ દ્વારા એ, લોકોની લાગણીઓને ઉશ્કેરે છે અને મૂળ પ્રશ્નો પરથી તેમનું ધ્યાન હટાવે છે, પરંતુ ખાસ તો સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ [ઇમેજિનેશન] તેમ જ વિદ્વાનોની અને પત્રકારોની રેશનલ રીતે વિચારવાની, વિવેચનશક્તિને સીમિત કરવાનો કે એનો નાશ કરવાનો એ સહેતુક પ્રયત્ન કરે છે. દેશમાં જમણેરી બળોનો વિકાસ અને પ્રસાર સૂચવે છે કે સમાજનું વિભાજન કેવળ હિંસક માધ્યમોથી જ નહીં પરંતુ ખાસ અને ખૂબ વધારે સફળ રીતે વિચારોના માધ્યમથી થાય છે. કળાનો નાશ કરવાની એમની યોજના કેવી રીતે સફળ થાય છે?
સેન્સરશિપ લાદીને, પુસ્તકો અને ચિત્રોને ફાડી અને બાળીને, લેખકો અને કળાકારોને સતત હેરાન કરીને, એમને ધમકીઓ આપીને, એમના પર રાજદ્રોહનો આરોપ મૂકીને, એમને જેલમાં પૂરીને, અને છેવટે એમને મારી નાખીને. સરમુખત્યારોનું આ પહેલું પગલું છે જે આવેશમાં લીધેલું કોઈ દુષ્ટ પગલું કે કોઈ વણવિચાર્યું કાર્ય નથી. એ બરાબર જાણે છે કે એમની જુલમી કે દમનકારી સત્તાને વધારવા વિચારશીલ લોકોને દાબમાં રાખવાના આવા વ્યૂહની ખાસ જરૂર હોય છે.
આજે આપણે પ્રતિબંધના યુગમાં જીવીએ છીએ. આપણે શું ખાવું અને શું ન ખાવું, શું પહેરવું અને શું ન પહેરવું, કોને પ્રેમ કરવો અને કોને પરણવું, કઈ ફિલ્મ જોવી અને કઈ ન જોવી, કયું પુસ્તક વાંચવું અને કયું ન વાંચવું, કેવું પુસ્તક લખવું અને કેવું ન લખવું, એ બધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવામાં આવે છે. આજે ખૂબ મોટા પાયા પર હિંદુત્વ વિચારધારાને પ્રસારવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને એનાથી જુદી રીતે વિચારનારા કે એનો વિરોધ કરનારાઓને ‘એન્ટિ-નૅશનલ’ કે દેશ વિરોધી માનવામાં આવે છે. વધુ ખતરનાક વાત તો એ છે કે એમના પર રાજદ્રોહનો આરોપ મૂકીને તમામ પ્રકારના વિરોધને રૂંધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વિદ્યાર્થી, પત્રકાર, લેખક, દરેક ઉપર આજે આવા આરોપો મુકાય છે. ફાસીવાદનું આ એક મુખ્ય લક્ષણ છે. કેવળ સ્વતંત્ર અભિવ્યક્તિ ઉપર હુમલો થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ જ્યાં જ્યાં, જે જે ક્ષેત્રમાં વિચારોનાં ઉત્પાદન અને આપલે દ્વારા નવા વિચારો, નવું જ્ઞાન વિકસવાની શક્યતાઓ રહેલી છે એ તમામ ક્ષેત્રો પર જમણેરી બળો / હિંદુત્વવાદી તત્ત્વો કબજો જમાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
શિક્ષણ એ વિભિન્ન સ્વતંત્ર વિચારોને, અભ્યાસ, સંશોધન અને વિવાદ દ્વારા વિકસવાનું, જ્ઞાનના વિકાસનું સૌથી મોટું માધ્યમ છે. આજે શિક્ષણમાં ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. શાળાનાં પાઠ્યપુસ્તકો હિંદુત્વ વિચારધારાના દૃષ્ટિકોણથી લખવામાં આવી રહ્યાં છે. જેમ કે રાજસ્થાનમાં શાળાઓના અભ્યાસક્રમમાંથી નેહરુને રદ્દ કરવામાં આવ્યા છે જેમણે ભારતની એક ધર્મનિરપેક્ષ, વૈવિધ્યપૂર્ણ અને લોકશાહી દેશ તરીકે કલ્પના કરી હતી અને એવો દેશ બનાવવા માટે મથ્યા હતા. નેહરુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને બુદ્ધિવાદી અભિગમના હિમાયતી હતા. એ સાથે અભ્યાસક્રમમાં જેમનો વ્યવહાર અંધશ્રદ્ધા અને અનૈતિકતાથી ભરેલો છે તેવા આશારામ બાપુને ભારતના એક સંત તરીકે દાખલ કરવામાં આવ્યા છે. આ કેવળ વ્યક્તિઓ વચ્ચેની પસંદગીની વાત નથી (જેમાં પસંદગીનો સવાલ જ ઉપસ્થિત થતો નથી) પરંતુ શિક્ષણ વિશેના બે અભિગમો વચ્ચેની પસંદગીનો સવાલ છે. આજે એક આખો નવો વિમર્શ ઊભો થઈ રહ્યો છે, જેમાં કોઈ પ્રકારની વૈચારિક પ્રક્રિયાને – જેમ કે રેશનલ અને વૈજ્ઞાનિક ઢબે વિચારવું, પ્રશ્નો કરવા, અસંમતિ દર્શાવવી, વિવાદ અને વિરોધ કરવો, વગેરેને – સ્થાન જ નથી. યુનિવર્સિટીઓમાં પણ આર.એસ.એસ. પગપેસારો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે શિક્ષણપ્રધાન જાવડેકર આર.એસ.એસ.ના નેતાઓને નવી શિક્ષણનીતિની ચર્ચા કરવા મળ્યા હતા. એક ચોક્કસ ફાસીવાદી વિચારધારા શિક્ષણના કેન્દ્રમાં સ્થાપવામાં આવશે એના આ ડરાવનારા સંકેત છે. ૨૦૧૬ની રાષ્ટ્રીય શિક્ષણનીતિના ખરડા વિશેનાં સૂચનોના માનવ સંસાધન મંત્રાલયે પ્રગટ કરેલા દસ્તાવેજમાં આના સ્પષ્ટ નિર્દેશો છે. જે.એન.યુ.માં જે બન્યું એ પણ આર.આર.એસ.ના પોતાથી વિરુદ્ધ વિચારનારા અને પોતાની વિચારધારાને જબરો પ્રતિકાર આપનારાઓને ડામવાનો પ્રયત્ન હતો. આજે દેશમાં વિદ્યાર્થીઓએ એક નવો વિમર્શ ઊભો કર્યો છે જેમાં આંબેડકર અને માર્ક્સના વિચારોનો સમન્વય છે અને જે દેશમાં પૂંજીવાદ, જાતિવાદ, મનુવાદ અને સંઘવાદથી આઝાદી માંગે છે અને તેથી સંઘને અને એની વિચારધારાને મોટો પડકાર છે. રોહિત વેમુલાનો આ પડકાર હતો જેને કારણે તેની સંસ્થાકીય હત્યા થઈ. જે.એન.યુ.ના વિદ્યાર્થીઓનો પણ આ પડકાર છે. આધુનિક શિક્ષણ, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ, જેનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સ્વતંત્ર રીતે વિચારવાની અને વિવેચન કરવાની શક્તિને વિકસવાની તક આપવાનો છે જેથી નવા, જુદા વિચારો જન્મ લે, તેને આજે મૂળમાંથી નાબૂદ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
•••••••
આજે આપણે અસાધારણ સમયમાં જીવી રહ્યા છીએ. આજે દુનિયામાં પરિસ્થિતિ ખૂબ જ સંકુલ અને ભય પમાડનારી છે. ચારેબાજુ હિંસાની આગ ભડકે બળે છે અને આપણે સૌ એની લપેટમાં જીવીએ છીએ. આજે બધે હિંસા, અસલામતી અને ભયનું વાતાવરણ છે. છેલ્લા થોડા સમયમાં ઢાકા, બગદાદ, ઇસ્તંબૂલ, નીસ, ઑર્લેંડો, ડલાસ અને છેક હમણાં બેલ્જિયમમાં અને ભારતમાં કાશ્મીર, ઓરિસ્સા, ઝારખંડ અને ગુજરાતમાં હિંસાના અનેક બનાવો બન્યા છે. દુનિયામાં બધે જમણેરી તત્ત્વોનું વર્ચસ્વ વધ્યું છે. મૂડીવાદે સર્જેલી આર્થિક અસમાનતાએ વંશવાદ, જાતિવાદ, વગેરેની વિષમતાઓ પર ભારે અસર કરી છે. વિકસિત મૂડીવાદી દેશોની નીતિઓ અને નેતાઓનાં વંશવાદી વિધાનો ચોંકાવનારાં અને ચિંતાજનક છે. મૂડીવાદ અને વંશવાદના પ્રતિકારે આજે પશ્ચિમી દેશોમાં ઉગ્ર અને ઝનૂની સ્વરૂપ ધારણ કર્યું છે એ પણ ચિંતાનો વિષય છે અને સખત ટીકાને પાત્ર છે. ખરું જોતાં ઇસ્લામિક કટ્ટરવાદી બળોનો આજે કોઈ ચોક્કસ ઍજન્ડા રહ્યો નથી અને જે પોતાના નથી – જેમાં સેક્યુલર અને ઉદારમતવાદી લોકો પણ આવી જાય છે – એ બધા પર અણધારા, બેફામ હિંસક હુમલા કરવા એ એમનું મુખ્ય ધ્યેય બન્યું છે. આજે દુશ્મનને ઓળખવો મુશ્કેલ બન્યો છે. સંઘર્ષ, ક્રાંતિ અને બદલાવની વાત આ સંદર્ભમાં કેવી રીતે થઈ શકે? આ એટલી વિસ્ફોટક, વિકટ અને સંકુલ પરિસ્થિતિ છે કે જેને નિયંત્રિત કરવાનું લગભગ મુશ્કેલ જ નહીં, અશક્ય બન્યું છે. સૌ સંવેદનશીલ અને વિચારશીલ લોકો અને પ્રગતિશીલ બળો પણ જાણે પાછા હટી ગયાં છે. એક ભયજનક નિરાશાથી બધા ઘેરાઈ ગયા છે.
આપણા દેશમાં પણ પરિસ્થિતિ ઓછી ચિંતાજનક નથી. વૈશ્વિકીકરણની અસર હેઠળ વર્ગ અને જાતિની અસમાનતાઓ વધી છે. મૂડીવાદીઓ અને સત્તારૂઢ પક્ષના ગઠબંધને આદિવાસીઓને *અને દલિતોને પોતાના જમીન પરના હકથી વંચિત કર્યા છે. આ સાથે જમણેરી તત્ત્વોનું વર્ચસ્વ આજે બેહદ અને બેકાબૂ વધ્યું છે. એમને રોકનાર કે ટોકનાર કોઈ નથી; પ્રધાનમંત્રી પણ નહીં, જેમની ચુપકીદી અને નિષ્ક્રિયતાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આજે આપણા સંવિધાને બક્ષેલા હક્કોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. હિંદુત્વની વિચારધારા સાથે સંમત ન થનારા બધા જ આજે ભયના વાતાવરણમાં જીવે છે. હિંદુત્વ વિચારધારાનાં બે મુખ્ય પાસાં છે. મુખ્ય તો ભારતને એ હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાવે છે અને તેથી મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોને તે ભારતીય ગણતી નથી. આર.એસ.એસ.ના મુખ્ય વિચારક સાવરકરના મતે ભારત એ આ બંને સમુદાયના લોકોની પિતૃભૂમિ નથી. ભારત એ કેવળ હિન્દુઓનો દેશ છે અને તેથી ભારતમાં વસતાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું આ દેશમાં કોઈ સ્થાન નથી. બીજું, આ વિચારધારા વર્ણાશ્રમ અને જાતિવાદની વ્યવસ્થા પર ભાર મૂકે છે અને બ્રાહ્મણવાદનું સમર્થન કરે છે. આર.એસ.એસ.ના બીજા મુખ્ય વિચારક ગોલવલકરે મનુએ ‘મનુસ્મૃિત’માં સ્થાપેલા વર્ણવ્યવસ્થાના ચુસ્ત કાયદાઓનું સમર્થન કર્યું છે. એમના પુસ્તક ‘બન્ચ ઑફ થોટ્સ’ (વિચારગુચ્છ)માં એમણે દરેક વ્યક્તિ દ્વારા પોતાની જાતિ મુજબ કરાતાં નિર્ધારિત કાર્યોને ‘નિઃસ્વાર્થ સેવા’ અને ‘ભગવાનની આરાધના’ કહીને જાતિવાદને અનુમોદન આપ્યું છે. આપણા પ્રધાનમંત્રીએ પણ ‘કર્મયોગી’ નામના પુસ્તકમાં આવું જ વિધાન કર્યું છે કે “સફાઈ કામદારોને સફાઈ કામ કરવામાં આધ્યાત્મિકતાનું સુખ મળે છે.” આમ આ વિચારધારા વર્ણાશ્રમની વ્યવસ્થામાં દૃઢ માન્યતા ધરાવે છે. આજે દેશમાં જમણેરી તત્ત્વો દ્વારા મુસ્લિમો અને દલિતો પર અત્યાચાર વધ્યા છે. તાજેતરમાં ઉનામાં દલિતો ઉપર જે પાશવી અત્યાચાર ગુજારવામાં આવ્યો તે એક અત્યંત શરમજનક ઘટના છે. એકવીસમી સદીમાં આવો જાતિવાદી જુલમ થાય એ હચમચાવી મૂકે એવો પ્રસંગ છે. આ એક એવી ઘટના અને ક્ષણ છે કે જ્યારે બધા જ સંવેદનશીલ, વિચારતાં, બોલતાં, લખતાં લોકો જાહેરમાં એક સાથે અને એક સૂરમાં એને સ્પષ્ટ શબ્દોમાં વખોડે. ક્યાં છે એ અવાજ? કેમ એ સંભળાતો નથી? શું આપણે વિચારનારાં, બોલનારાં, લખનારાં લોકો આજે પણ જાતિવાદી વિચારધારાના સમર્થકો છીએ? આજે ગુજરાતમાં દલિતોના સ્વયંભૂ વિદ્રોહથી એક બહુ મોટા સંઘર્ષ અને ક્રાંતિની શક્યતા ઊભી થઈ છે જે કદાચ દેશના ભવિષ્યને પણ બદલી શકે. એક આશાનું કિરણ જરૂર ખીલ્યું છે. દલિતોના સામાજિક અને આર્થિક ન્યાય માટેના અને જાતિપ્રથાની નાબૂદી માટેના આ સંઘર્ષમાં આપણે સૌ જોડાઈએ.
હિંદુત્વવાદી બળો જે કોઈ પોતાના ધર્મના ન હોય અને પોતાની સાથે સંમત થતા ન હોય કે બીજી વિચારધારામાં માનતા હોય એ બધાને પોતાના દુશ્મનો ગણે છે અને એમના પર હિંસા આચરે છે. આ બળો આજે ભારતમાં સત્તા પર છે. લોકશાહીના માળખામાં સંવિધાને બક્ષેલી ધર્મ, જાતિ, લિંગ કે વર્ગના ભેદભાવ વગર તમામ નાગરિકોની સ્વતંત્રતા અને સમાનતા આજે જોખમમાં છે. સૌથી મૂળભૂત અધિકાર એ સ્વમાન સાથે જીવવાનો હક છે. દલિતોનો, લઘુમતી સમુદાયોનો અને આદિવાસીઓનો એ હક આજે છીનવાઇ રહ્યો છે. જે લોકો તેમનો આ હક છીનવે છે તેમનું લોકશાહીમાં કોઈ સ્થાન ન હોઈ શકે. એ પણ દેખીતું છે કે સત્તારૂઢ બળોના સમર્થન વગર આવી રીતે કોઈ એમના હક છીનવી શકે નહીં. આજે દેશની ફાસીવાદ તરફ વળવાની શક્યતાઓ વધી છે.
આવાં આપખુદશાહી બળો જે સંવિધાન, કાયદા અને કાનૂનથી ઉપરવટ જઈને હિંસા ફેલાવી રહ્યાં છે તે પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા અને વધારવા શું કરે છે? ૨૦૦૪માં દુનિયામાં વધતી જતી હિંસા વિશે લખતા નવલકથાકાર ટોની મોરિસને જે અવલોકન કર્યું હતું તે આજે, આપણા દેશની પરિસ્થિતિ માટે પણ એટલું જ પ્રસ્તુત છે. એમના મતે સરમુખત્યાર પોતાની સત્તા કળાના સહેતુક નાશ દ્વારા ટકાવી રાખે છે. એ એક સાદી પણ સુયોજિત વ્યૂહરચના અપનાવે છે. એક તો, કોન્ફ્લિક્ટ કે લડાઈ શરૂ કરવા માટે એ એક ઉપયોગી દુશ્મન – જેમ કે મુસ્લિમ – જે પોતાથી અલગ છે, જેને અંગ્રેજીમાં, સૈદ્ધાંતિક ભાષામાં ‘ધ અધર’ (‘બીજા’) કહે છે, તેની વિરુદ્ધ એ પોતાની ઓળખ રજૂ કરે છે, તેને ઊભો કરે છે. આજે આ રીતે આપણા દેશમાં હિંદુત્વ બળોએ ‘હિન્દુ’ અને ‘બીજા’ઓને બીબાંઢાળ અને પ્રતીકોની બનેલી ઓળખમાં વહેંચીને પોતાનાં સામર્થ્ય અને પ્રભાવ આ સંબંધની અસમાનતા પર મેળવ્યાં છે. બીજું, વધારે સારા, ચડિયાતા ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેના અભિમાનના ખ્યાલ દ્વારા એ, લોકોની લાગણીઓને ઉશ્કેરે છે અને મૂળ પ્રશ્નો પરથી તેમનું ધ્યાન હટાવે છે, પરંતુ ખાસ તો સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ [ઇમેજિનેશન] તેમ જ વિદ્વાનોની અને પત્રકારોની રેશનલ રીતે વિચારવાની, વિવેચનશક્તિને સીમિત કરવાનો કે એનો નાશ કરવાનો એ સહેતુક પ્રયત્ન કરે છે. દેશમાં જમણેરી બળોનો વિકાસ અને પ્રસાર સૂચવે છે કે સમાજનું વિભાજન કેવળ હિંસક માધ્યમોથી જ નહીં પરંતુ ખાસ અને ખૂબ વધારે સફળ રીતે વિચારોના માધ્યમથી થાય છે. કળાનો નાશ કરવાની એમની યોજના કેવી રીતે સફળ થાય છે?
સેન્સરશિપ લાદીને, પુસ્તકો અને ચિત્રોને ફાડી અને બાળીને, લેખકો અને કળાકારોને સતત હેરાન કરીને, એમને ધમકીઓ આપીને, એમના પર રાજદ્રોહનો આરોપ મૂકીને, એમને જેલમાં પૂરીને, અને છેવટે એમને મારી નાખીને. સરમુખત્યારોનું આ પહેલું પગલું છે જે આવેશમાં લીધેલું કોઈ દુષ્ટ પગલું કે કોઈ વણવિચાર્યું કાર્ય નથી. એ બરાબર જાણે છે કે એમની જુલમી કે દમનકારી સત્તાને વધારવા વિચારશીલ લોકોને દાબમાં રાખવાના આવા વ્યૂહની ખાસ જરૂર હોય છે.
આજે આપણે પ્રતિબંધના યુગમાં જીવીએ છીએ. આપણે શું ખાવું અને શું ન ખાવું, શું પહેરવું અને શું ન પહેરવું, કોને પ્રેમ કરવો અને કોને પરણવું, કઈ ફિલ્મ જોવી અને કઈ ન જોવી, કયું પુસ્તક વાંચવું અને કયું ન વાંચવું, કેવું પુસ્તક લખવું અને કેવું ન લખવું, એ બધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવામાં આવે છે. આજે ખૂબ મોટા પાયા પર હિંદુત્વ વિચારધારાને પ્રસારવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને એનાથી જુદી રીતે વિચારનારા કે એનો વિરોધ કરનારાઓને ‘એન્ટિ-નૅશનલ’ કે દેશ વિરોધી માનવામાં આવે છે. વધુ ખતરનાક વાત તો એ છે કે એમના પર રાજદ્રોહનો આરોપ મૂકીને તમામ પ્રકારના વિરોધને રૂંધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વિદ્યાર્થી, પત્રકાર, લેખક, દરેક ઉપર આજે આવા આરોપો મુકાય છે. ફાસીવાદનું આ એક મુખ્ય લક્ષણ છે. કેવળ સ્વતંત્ર અભિવ્યક્તિ ઉપર હુમલો થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ જ્યાં જ્યાં, જે જે ક્ષેત્રમાં વિચારોનાં ઉત્પાદન અને આપલે દ્વારા નવા વિચારો, નવું જ્ઞાન વિકસવાની શક્યતાઓ રહેલી છે એ તમામ ક્ષેત્રો પર જમણેરી બળો/ હિંદુત્વવાદી તત્ત્વો કબજો જમાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
શિક્ષણ એ વિભિન્ન સ્વતંત્ર વિચારોને, અભ્યાસ, સંશોધન અને વિવાદ દ્વારા વિકસવાનું, જ્ઞાનના વિકાસનું સૌથી મોટું માધ્યમ છે. આજે શિક્ષણમાં ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. શાળાનાં પાઠ્યપુસ્તકો હિંદુત્વ વિચારધારાના દૃષ્ટિકોણથી લખવામાં આવી રહ્યાં છે. જેમ કે રાજસ્થાનમાં શાળાઓના અભ્યાસક્રમમાંથી નેહરુને રદ કરવામાં આવ્યા છે જેમણે ભારતની એક ધર્મનિરપેક્ષ, વૈવિધ્યપૂર્ણ અને લોકશાહી દેશ તરીકે કલ્પના કરી હતી અને એવો દેશ બનાવવા માટે મથ્યા હતા. નેહરુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને બુદ્ધિવાદી અભિગમના હિમાયતી હતા. એ સાથે અભ્યાસક્રમમાં જેમનો વ્યવહાર અંધશ્રદ્ધા અને અનૈતિકતાથી ભરેલો છે તેવા આશારામ બાપુને ભારતના એક સંત તરીકે દાખલ કરવામાં આવ્યા છે. આ કેવળ વ્યક્તિઓ વચ્ચેની પસંદગીની વાત નથી (જેમાં પસંદગીનો સવાલ જ ઉપસ્થિત થતો નથી) પરંતુ શિક્ષણ વિશેના બે અભિગમો વચ્ચેની પસંદગીનો સવાલ છે. આજે એક આખો નવો વિમર્શ ઊભો થઈ રહ્યો છે, જેમાં કોઈ પ્રકારની વૈચારિક પ્રક્રિયાને – જેમ કે રેશનલ અને વૈજ્ઞાનિક ઢબે વિચારવું, પ્રશ્નો કરવા, અસંમતિ દર્શાવવી, વિવાદ અને વિરોધ કરવો, વગેરેને – સ્થાન જ નથી. યુનિવર્સિટીઓમાં પણ આર.એસ.એસ. પગપેસારો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે શિક્ષણપ્રધાન જાવડેકર આર.એસ.એસ.ના નેતાઓને નવી શિક્ષણનીતિની ચર્ચા કરવા મળ્યા હતા. એક ચોક્કસ ફાસીવાદી વિચારધારા શિક્ષણના કેન્દ્રમાં સ્થાપવામાં આવશે એના આ ડરાવનારા સંકેત છે. ૨૦૧૬ની રાષ્ટ્રીય શિક્ષણનીતિના ખરડા વિશેનાં સૂચનોના માનવ સંસાધન મંત્રાલયે પ્રગટ કરેલા દસ્તાવેજમાં આના સ્પષ્ટ નિર્દેશો છે. જે.એન.યુ.માં જે બન્યું એ પણ આર.આર.એસ.ના પોતાથી વિરુદ્ધ વિચારનારા અને પોતાની વિચારધારાને જબરો પ્રતિકાર આપનારાઓને ડામવાનો પ્રયત્ન હતો. આજે દેશમાં વિદ્યાર્થીઓએ એક નવો વિમર્શ ઊભો કર્યો છે જેમાં આંબેડકર અને માર્ક્સના વિચારોનો સમન્વય છે અને જે દેશમાં પૂંજીવાદ, જાતિવાદ, મનુવાદ અને સંઘવાદથી આઝાદી માંગે છે અને તેથી સંઘને અને એની વિચારધારાને મોટો પડકાર છે. રોહિત વેમુલાનો આ પડકાર હતો જેને કારણે તેની સંસ્થાકીય હત્યા થઈ. જે.એન.યુ.ના વિદ્યાર્થીઓનો પણ આ પડકાર છે. આધુનિક શિક્ષણ, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ, જેનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સ્વતંત્ર રીતે વિચારવાની અને વિવેચન કરવાની શક્તિને વિકસવાની તક આપવાનો છે જેથી નવા, જુદા વિચારો જન્મ લે, તેને આજે મૂળમાંથી નાબૂદ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
હિંદુત્વવાદી બળો દ્વારા ભારતના ઇતિહાસ સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. દંતકથાઓને આધારે, કોઈ ભૌતિક પુરાવા વગર, આધુનિક પશ્ચિમી વૈજ્ઞાનિક સિદ્ધિઓ ભારતના ભૂતકાળમાં મોજૂદ હતી એમ બતાવવામાં આવે છે. ખાસ તો ભારતના ઇતિહાસને હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યના સંદર્ભમાં મૂલવવામાં આવી રહ્યો છે.
આ સાથે ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃિતને સ્થાને કેવળ હિન્દુ સંસ્કૃિતને ભારતની સંસ્કૃિત ગણાવવામાં આવી રહી છે. ભારતમાં અનેક પ્રકારની સંસ્કૃિતઓ, ભાષાઓ, પરંપરાઓ, એક સાથે એક બીજાથી ગૂંથાઈને વિકસી અને વધી છે. આજે હિન્દુ સિવાયની બીજી સાંસ્કૃિતક પરંપરાઓને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં, જે.એન.યુ. પ્રકરણ દરમિયાન અને બંગાળની ચૂંટણી પહેલાં, જમણેરી બળો દ્વારા મહિષાસુરને પૂજતી દલિત સાંસ્કૃિતક પરંપરા પર સંસદમાં અને દેશમાં બીજે આકરા પ્રહારો થયા હતા. આજે ધર્મને નામે અનેક નાનીમોટી જીવતી સંસ્કૃિતઓ અને પરંપરાઓનો નાશ કરવાનો એક સુયોજિત પ્રયત્ન થઈ રહ્યો છે.
સર્જનાત્મક સાહિત્ય અને કળા પર થતા હુમલાઓ આ બહોળા પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. આજે માત્ર અને માત્ર બ્રાહ્મણવાદી હિંદુત્વ વિચારધારાનો પ્રસાર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને આ વિચારધારાનાં ઝનૂની તત્ત્વો બીજી બધી જ વિચારધારાઓ અને અભિવ્યક્તિઓને તોડવા તત્પર બન્યા છે. આ ફાસીવાદનાં લક્ષણો છે જેમાં અબૌદ્ધિકતા [એન્ટિ-ઇંટેલેક્ચ્યુઅલીઝમ] કે બુદ્ધિવાદનો વિરોધ; વિભિન્નતાનો, પોતાનાથી જુદી જાતના વિચારોનો, ડર (અને તેથી તેમના પર પ્રતિબંધ); વિરોધ કરનારા પ્રત્યે અસહિષ્ણુતા (અને તેથી તેમના પર હિંસક પ્રહારો અને રાજદ્રોહનો આરોપ); વિવિધતા (પ્લુરલિઝમ) પ્રત્યે નફરત (અને એક જ સાંસ્કૃિતક પરંપરાનો સ્વીકાર) જેવી પ્રતિક્રિયાઓ જોવા મળે છે. એક બિલકુલ ઇરરેશનલ વિમર્શ ઊભો થયો છે જે રેશનલ, વૈજ્ઞાનિક, તાર્કિક વિચારશક્તિનો અને જ્ઞાનનો વિરોધ કરે છે અને એને ડામવાનો પ્રયાસ કરે છે. ડાભોળકર, પાનસરે અને કલબુર્ગીની હત્યાઓ આનાં સબૂત છે. જે સર્જકો ભારતીય સંસ્કૃિત વિશે જુદી રીતે વિચારે છે, જે સર્જકો અને વિદ્વાનો સમાજની અસંગતિઓની ટીકા દ્વારા, સામાજિક અને સાંસ્કૃિતક સ્વતંત્રતા અને વિવિધતાની શક્યતાઓ દ્વારા, સમાજને જુદી દિશામાં ચીંધવાનો પ્રયત્ન પોતાનાં સર્જન અને વિવેચન દ્વારા કરે છે એ બધાને હેરાન કરવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે, તેમના પર હિંસક હુમલાઓ થાય છે અને તેમનાં લખાણોનો બહિષ્કાર કરવામાં આવે છે. ચિત્રકાર એમ.એફ. હુસેનનાં ચિત્રોને ફાડવામાં અને બાળવામાં આવ્યાં અને એમને ધમકીઓ આપવામાં આવી, જેને કારણે એમણે છેવટે દેશ છોડવાનો નિર્ણય લીધો અને પરદેશમાં એમનું મૃત્યુ થયું. આમિરખાનની ફિલ્મ ‘પીકે’ કે દીપા મહેતાની સમલૈંગિક સંબંધ પરની ફિલ્મ ‘ફાયર’ કે આનંદ પટવર્ધનની કે નકુલસિંહ સોહનીની દસ્તાવેજી ફિલ્મો પર હુમલા થયા છે. પેરૂમલ મુરૂગને પોતાની તમિળ નવલકથામાં એક સ્થાનિક લોકકથાનો ઉપયોગ કર્યો જેને કારણે તેઓ જમણેરી તત્ત્વોના અત્યાચારના ભોગ બન્યા, એમને પુસ્તક પાછું ખેંચવાની ફરજ પડી અને છેવટે ત્રાસીને એમણે પોતાનું લેખક તરીકેનું મૃત્યુ જાહેર કર્યું. તાજેતરમાં હાઇકોર્ટના ચુકાદાએ એમના લેખક તરીકે સ્વતંત્ર રીતે લખવાના હક્કનું સમર્થન કર્યું છે અને એમને સર્જક તરીકે બીજું જીવન મળ્યું છે. બે દિવસ ઉપર સમાચાર હતા કે કેરળના કોઈ લેખકે એમના પુસ્તકમાં અમુક શબ્દનો ઉપયોગ કર્યો તો તેમના પર હુમલો થયો. લેખકો અને કલાકારો પર પ્રતિબંધ મૂકવાના અને એમના પર હુમલા કરવાના પ્રસંગો આજે સામાન્ય બની ગયા છે.
આ બધુ ક્યાં જઈને અટકશે? સ્વતંત્ર વિચાર ધરાવતી કોઈ વ્યક્તિ આજે સલામત નથી. આ પરિસ્થિતિમાં વિચારશીલ વ્યક્તિ/સર્જક શું કરી શકે? આજે જ્યારે આપણી આંખ આગળ, જાહેરમાં દલિતોને ગાડીની પાછળ દોરડાથી બાંધી, ખુલ્લી પીઠ પર ગૌરક્ષક દળના સભ્યો નિર્દયતાથી મારતા હોય, કે કાશ્મીરના કુમળા યુવાનો પેલેટના હુમલાથી પોતાની આંખ ગુમાવતા હોય ત્યારે કેવળ ફૂલો અને વર્ષાની વાત કરવી એ રોમ ભડકે બળતું હોય અને નીરો વાંસળી વગાડે એના જેવું થાય. ખરું જોતાં કોઈ સર્જક પ્રક્રિયા આઇવરી ટાવરમાં, જીવનના સંઘર્ષથી દૂર કોઈ શાંત અને સુરક્ષિત સ્થાને (જે સ્થાન ક્યારે ય અસ્તિત્વમાં જ નથી હોતું) રચાતી નથી. દરેક પ્રકારનું સર્જન કોઈ વિચારધારા સાથે જોડાયેલું જ હોય છે. જે લોકો એમ માને છે કે સાહિત્યને અને આસપાસની દુનિયાને, સમાજમાં જે બની રહ્યું છે એને, કોઈ સંબંધ નથી એ લોકો કદાચ સૌથી વધુ રાજકારણ સાથે સંકળાયેલા છે કેમ કે તેઓ સ્ટેટસકોને, યથાવત્ પરિસ્થિતિને જાણતાઅજાણતા ટેકો આપે છે. સાહિત્યની આ સમજ કે એ વ્યક્તિગત અનુભૂતિ અને અભિવ્યક્તિનું માધ્યમ છે એ બહુ જૂની સમજ નથી. ૧૯મી સદીમાં ઔદ્યોગિક મૂડીવાદના ઉદય સાથે, જેણે વ્યક્તિને કેન્દ્રમાં સ્થાન આપ્યું, આ સમજ ઊભી થઈ. સાહિત્યની, વ્યક્તિની અભિવ્યક્તિ દ્વારા, બદલતા, ઉપયુક્તતાવાદી (યુટિલિટેરિયન), ભૌતિક, ઔદ્યોગિક સમાજનાં અનિષ્ટો સામે મૂલ્યોની જાળવણી કરનાર માધ્યમ તરીકેની વ્યાખ્યા ઊભી થઈ. ધર્મની જેમ સાહિત્ય પણ આસપાસના પ્રશ્નો પરથી ધ્યાન હટાવીને એક અંગત, શાશ્વત, અનૈતાહાસિક અનુભવ તરીકે રજૂ થયું. આ સાહિત્ય મૂડીવાદથી ઊભા થયેલા પ્રશ્નો પરથી ધ્યાન હટાવીને આડકતરી રીતે મૂડીવાદી વિચારધારાને સમર્થન આપતું રહ્યું. આમ સાહિત્ય કોઈ ને કોઈ વિચારધારા સાથે સંકળાયેલું હોય છે. કોઈ સાહિત્ય વિચારધારાથી પર નથી હોતું, સાહિત્યકારો એવો દાવો કરે છતાં. સાહિત્યના સર્જનને આસપાસના સમાજના પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી એમ કહેવું એ અને એ વિશે મૌન સેવવું એ પણ એક રાજકીય વલણ છે જે યથાવત્ પરિસ્થિતિનું સીધી કે આડકતરી રીતે સમર્થન કરે છે.
આજે આપણે હિંસાના યુગમાં જીવી રહ્યા છીએ. સોશિયલ મીડિયા અત્યાચારો અને હિંસાની ઘટનાઓને સતત આપણી આંખ સામે રજૂ કરે છે. પેલેટના હુમલાથી ઘાયલ થયેલા, આંખો ગુમાવી બેઠેલા કાશ્મીરી યુવાનોના ચહેરાઓ કે ઉનામાં દલિત યુવાનોને પોલીસ ચોકીની બરાબર સામે લોકોના દેખતા ખુલ્લી પીઠ પર મારવામાં આવે કે ફ્રાંસમાં નીસમાં લોકોની ઉપર ટ્રક ફરી વળે, એમને કચડી નાખે અને ભયભીત લોકો નાસભાગ કરે, એ દૃશ્યો આપણી આંખ આગળથી ખસતાં નથી. આજે આપણી આસપાસ અને દુનિયામાં જે બની રહ્યું છે તેના પ્રત્યે આપણે અજ્ઞાનતા દાખવી શકીએ નહીં કે એની અવગણના કરી શકીએ નહીં. પોતાના એક કાવ્ય ‘હું થોડી વસ્તુઓ સમજાવી રહ્યો છું’[આઈ એમ એક્સ્પ્લેિનંગ અ ફ્યુ થિંગ્સ]માં કવિ પાબ્લો નેરૂદા કહે છેઃ “અને તમે પૂછશોઃ એની કવિતા કેમ / સ્વપ્નો અને પર્ણો વિશે બોલતી નથી? … આવો અને જુઓ રસ્તા પર પડેલું લોહી.” કવિ સમજાવે છે કે જ્યારે રસ્તા પર લોહી પડેલું હોય ત્યારે બીજી વસ્તુઓ વિશે વાત કેમ થાય? લોકોને એ લોહી જોવા બોલાવે છે અને એ લોહીની પાછળ રહેલાં વેદના, વિનાશ અને હિંસા વિશે સભાન થવાનું સમજાવે છે. બરતોલ્ટ બ્રેખ્તે એક કવિતામાં પ્રશ્ન પૂછ્યો છેઃ “ખરાબ સમયમાં કવિતા હોઇ શકે? હા, એ કવિતા ખરાબ સમય વિશેની હશે” (કેન ધેર બી પોએટ્રી ઇન બેડ ટાઈમ્સ? યસ, ઈટ વિલ બી પોએટ્રી અબાઉટ બેડ ટાઈમ્સ.). આ જ સમય છે જ્યારે દરેક વિચારશીલ વ્યક્તિ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થાય છે. જ્યારે બધું બરાબર હોય ત્યારે નહીં પરંતુ કટોકટીના સમયમાં જ બોલવાનું જરૂરી બને છે. નિરાશ થવાનો, ચૂપ રહેવાનો કે ડરવાનો આ સમય નથી. આપણે આપણા અવાજો વધુ બુલંદ અને નિર્ભય બનાવવા પડશે. છેલ્લા થોડા દિવસથી આપણે સતત મહાશ્વેતાદેવીનું સ્મરણ કરી રહ્યા છીએ. એમણે આપણે માટે એક બહુ મોટી મિસાલ છોડી છે. નીડરતાથી અને સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે સામાજિક ન્યાય માટે લડવું એ એમનાં જીવન અને લેખનનો મંત્ર હતો. એમની પ્રખ્યાત વાર્તા ‘દોપડી’માં એક આદિવાસી બળવાખોર સ્ત્રીનો પોલીસ પીછો કરે છે, એને પકડે છે અને એના પર સામૂહિક બળાત્કાર કરે છે અને અંતમાં એ પોતે જ નિર્વસ્ત્ર થઈ એમને પડકારે છેઃ “અહીં કોઈ પુરુષ તો છે નહીં જેની મને શરમ આવે. આવો, કરો મારો સામનો!” પિતૃસત્તાક સમાજ, શોષણખોર જમીનદારો અને રાજ્યનું કાયદો અને વ્યવસ્થા જાળવનારું તંત્ર એ બધાની સામે એક નીડર અને પોતાના હક માટે લડનારી સ્ત્રીના સંઘર્ષની આ વાત છે. એમની પ્રખ્યાત નવલકથા ‘હજાર ચૌરાસીર મા’માં નક્સલ ચળવળમાં જોડાયેલા પુત્રના પોલીસ અટકાયત દરમિયાન થયેલા મૃત્યુને એક મા કેવી રીતે જુએ છે અને ચળવળને કેવી રીતે સમજે છે એની વાત છે. પુત્રનું મૃત્યુ એને માટે એક અંગત નહીં પણ રાજકીય અનુભવ બને છે. મહાશ્વેતાદેવીએ એ પણ જોયું કે વૈશ્વિકીકરણે કેવી રીતે આપણી અને બીજા બધા જીવોની સ્વતંત્રતાઓ છીનવી છે. જયપુર લિટરરી ફેસ્ટિવલમાં આપેલા પ્રવચનમાં એમણે પોતાની કાવ્યાત્મક શૈલીમાં કહ્યું કે, વૈશ્વિકીકરણ સામેની આપણી લડતમાં આપણી સ્વતંત્રતા એક હરિયાળા ઘાસવાળા જમીનના ટુકડા સાથે જોડાયેલી છે જ્યાં એક વૃક્ષ હોય, જ્યાં ગરીબ ઘરનું બાળક પણ રમી શકે અને પંખી પણ આવીને બેસી શકે. આ સ્વપ્ન જોવાનો આપણને સૌને હક છે. મહાશ્વેતાદેવીનો અવાજ એ જમીનનો, સમાજને છેવાડે રહેતા લોકોનાં જળ, જંગલ અને જમીન માટેના સંઘર્ષનો અવાજ હતો. ગુજરાતમાં ૨૦૦૨માં નરસંહાર થયો ત્યારે પણ એની સામે અવાજ ઉઠાવનારાં અને રાષ્ટ્રપતિ સુધી અપીલ કરનારાં મહાશ્વેતાદેવી પ્રથમ વ્યક્તિઓમાં હતાં. મહાશ્વેતાદેવીનું કર્મશીલ તરીકેનું જીવન અને લેખક તરીકેનું જીવન એ બે અલગ સમાંતર પ્રવાહો ન હતા પરંતુ બંને એકમેકમાં ઓતપ્રોત થયેલા હતા. એમનું સર્જન એ પોતે જ કર્મશીલ સર્જન હતું. એમને સાચી અંજલિ એ હોઈ શકે કે એમની નીડરતા અને વંચિત લોકોને ન્યાય મળે એ માટે માટે લડવાના નિર્ધારને વરેલી સર્જકતા આપણે આપણા જીવનમાં અનુસરીએ.
ધર્મ અને દેશપ્રેમના નામે આજે ભારતનું એક વિકૃત ચિત્ર રજૂ થઈ રહ્યું છે, ભારતની ખાસિયત, એની આગવી પહેચાન, એ એની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃિત જેને નેહરુએ ‘કૉમ્પોઝિટ કલ્ચર’ (સાંઝી સંસ્કૃિત) તરીકે ઓળખાવી છે એ છે. વિવિધતા અને વિભિન્નતા આ સંસ્કૃિતનાં અંતર્ગત લક્ષણો છે. આજે હિંદુત્વવાદી બળો પોતાની પહેચાન આ સંસ્કૃિતને આપવા માંગે છે અને જે પોતાનામાંના નથી એ બધાંની પ્રત્યે હિંસા આચરે છે. રેશનલ અભિગમ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, વિશ્લેષણની શક્તિ, તર્કસંગતતા, કલ્પનાશક્તિ, આ બધાં જે વિચારશીલ વ્યક્તિનાં અભિવ્યક્તિનાં સાધનો છે તેની સંપૂર્ણ અવહેલના થઈ રહી છે અને તર્ક રહિત, હકીકત વિહીન, ઝનૂન પ્રેરિત રજૂઆતોએ એની જગા લીધી છે. આ એક ખતરનાક પરિસ્થિતિ છે કેમ કે રેશનલ અભિગમ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વગર સમાનતાની અને ન્યાયની, પ્રગતિ અને બદલાવની વાત કરવી જ અશક્ય છે. એક વિચારશીલ વ્યક્તિ કે સર્જક આ પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહી શકે? શાંત રહેવું એટલે આ બુદ્ધિહીન વિમર્શમાં સામેલ થવું. આજે કોઈ પણ વિમર્શ માટેની જગ્યા બહુ સંકુચિત થઈ ગઈ છે. એકમાત્ર હિન્દુત્વની વિચારધારા ઠોકી બેસાડવાનો પ્રયત્ન દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. એક વૈવિધ્યપૂર્ણ, બધાને સમાવી લેનારી સંસ્કૃિત જે આપણી અનેકવિધ ઓળખો અને ભિન્નતાનો સ્વીકાર કરે છે તેનો આગ્રહ રાખવાની આજે ખાસ જરૂર છે. તેના વડે જ સંકુચિત, સાંપ્રદાયિક, હિંદુત્વ વિચારધારાનો અસરકારક પ્રતિકાર થઈ શકે.
આ ચૂપ રહેવાનો સમય નથી. ટોની મોરિસને કહ્યું છે તેમ આ જ સમય છે જ્યારે કલાકાર કામે લાગી જાય છે. આપણે વિરોધ કરીશું, આપણે બોલીશુ, આપણે લખીશું, આપણે ભાષા અને કલ્પનાશક્તિનો, કલાસર્જનનાં માધ્યમોનો ઉપયોગ કરીશું. નેરૂદાએ કહ્યું છે તેમ આપણા રસ્તા લોહીથી ખરડાયેલા છે. એ લોહી પાછળની વેદના આપણે અચૂક અનુભવીશું. પરંતુ એ લોહી વહેવડાવનારની નિર્દયતા સામે આપણે ક્યારે ય નહીં ઝૂકીએ. આપણી આસપાસ જે બની રહ્યું છે એમાં એટલી શક્યતાઓ તો પડેલી છે જ જેમાંથી એક નવી સમજ ઊભી થાય, એક નવો રસ્તો ખૂલે.
(31 જુલાઈએ પ્રગતિશીલ લેખક સંઘ, ગુજરાત રાજ્યના 16મા અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે આપેલું પ્રવચન, થોડા ઉમેરા સાથે.)
e.mail : svati.joshi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 10-11 તેમ જ 16 સપ્ટેમ્બર 2016; પૃ. 10-13