મિર્ઝા ગાલિબનો એક મકતા છે :
રેખતે કે તુમ્હી ઉસ્તાદ નહીં હો ‘ગાલિબ’
કહતે હંય અગલે ઝમાને મેં કોઈ મીર ભી થા
રેખતા એટલે ઉર્દૂ કવિતા. ગાલિબ પોતાની જાતને સંબોધીને કહે છે કે ઉર્દૂ કવિતાના કલાગુરુ એક માત્ર તમો નથી. કહે છે કે તમારા પૂર્વે મીર પણ એક મોટા ઉસ્તાદ, કલાગુરુ હતા.
હા, ગાલિબ જેવા મહાન શાયરને તેમની ઉસ્તાદીના દાવા સામે યાદ કરવા પડે એવા પ્રખર ઉસ્તાદ હતા શાયર મીર. ગાલિબ 19મી સદીમાં ડંકો વગાડી ગયા હતા, જ્યારે મીર સાહેબે અઢારમી સદીમાં ધજા ફરકાવી હતી. એ ધજા અાજે ય ફરકે છે. ઉર્દૂ ભાષાના ખાસ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા શેર કહેવાની કળા, શૈલી વગેરે જાણવા – સમજવા ખાતર દરેક નવા શાયરે મીર સાહેબ સમક્ષ અદબપૂર્વક બેસવું પડે છે.
મીર સાહેબ અત્યંત શક્તિશાળી કવિ હતા. તેમણે ઉર્દૂ ગઝલભૂમિને એ રીતે ખેડી છે કે એમના પેંગડામાં પગ ઘાલી શકે એવો અન્ય કોઈ કવિ હજી સુધી પેદા થયો નથી. તેમના સામર્થ્ય સામે સૌ ફીકા. એક શેરમાં તેઅો અા હકીકતને ધ્વનિત કરતાં અધિકારપૂર્વક કહે છે કે :
જાને કા નહીં શોર સુખન કા મેરે હરગિઝ
તા હશ્ર જહાં મેં મેરા દીવાન રહેગા !
મારા સુખન, મારા અશઅારની વાહ-વાહનો શોર ક્યારે ય શમવાનો નથી. અને મારો દીવાન, મારો ગઝલસંગ્રહ અા વિશ્વમાં કયામત સુધી રહેશે. − કેમ નહીં રહે, જરૂર રહેશે. મીર સાહેબ માત્ર વૃક્ષની નહીં, ધૂપ-છાંવની વાત કરે છે; માત્ર માનવમનની નહીં જીવનના સુખ-દુ:ખની વાત કરે છે. જેમ કે :
મુજ કો શાઇર ન કહો મીર કે સાહબ મેંને
દર્દો – ગમ જમ્અ કિયે કિતને તો દીવાન કીયા
કવિતા અધ્ધરો અધ્ધર વિહરનારી કળા નથી, એ જીવાતા જીવન અને વાસ્તવિક્તા સાથે મેળ કરી ચાલનારી કળા છે. અને એ વિશેની સાધના સહેલી – સરળ નથી હોતી. અત્યંત અાકરી હોય છે.
મત સહલ હમેં જાનો, ફિરતા હય ફલક બરસોં
તબ ખાક કે પરદે સે ઇન્સાન નિકલતે હંય
અમે કંઈ સહેલાઈથી, સરળતાથી, પ્રણાલી પર પડાવ નાખીને ‘લોલ ભૈ લોલ’ કરતાં બની ગયેલા શાયર નથી. અાકાશ કેટલાયે ચક્કર લગાવે છે, કસે છે, કસોટી કરે છે ત્યારે ખરો ઇન્સાન. સાચો શાયર પેદા થાય છે. અાકરી કસોટીઅોમાંથી પસાર થઈ ઉર્દૂ સાહિત્ય પર છવાઈ જનારા અા શાયરનું મૂળ નામ છે મુહમ્મદ તકી. તખલ્લુસ છે મીર. અને કાવ્યજગતમાં મીર તકી મીરના નામે જાણીતા થયા છે. એમના પરદાદા હિજાઝ(અરબસ્તાન)થી દક્ષિણ ભારતમાં, કદાચ હયદ્રાબાદ અાવ્યા હતા. ત્યાંથી અમદાવાદ અને ત્યાર પછી ત્યાંથી પડાવ ઉપાડી અાગ્રામાં ઠરીઠામ થઈ ગયા હતા.
મીર સાહેબનો જન્મ અાગ્રામાં 1722માં થયેલો. પિતા મુહમ્મદ અલી, અલી મુત્તકીના નામે જાણીતા હતા. − મીર સાહેબ સગીર વયે અનાથ થઈ જતાં દિલ્હીમાં તેમના માસા સિરાજુદ્દીન અલી ખાનની છાયામાં તેમનો ઉછેર થયો હતો. અા તે સમય હતો જ્યારે મુગલ શહેનશાહના પાયા નબળા થઈ ગયા હતા અને દિલ્હી વિગ્રહનું મેદાન બની ગયું હતું. મીર સાહેબે નાદિરશાહી લૂટમાર પણ દીઠી અને અબ્દાલી પઠાણોના જુલમ પણ જોયા, વેઠ્યા. અા અત્યાચારી પરિસ્થિતિથી કંટાળેલા મીર સાહેબ 1782માં લખનવ ચાલ્યા ગયા, જ્યાં તેમને નવાબ અાસિફુદ્દવલાના દરબારમાં સ્થાન મળી ગયું. પણ મીર તો મીર હતા ને ! વટના કટકા ઝાઝો સમય જીહજૂરી કરી શક્યા નહીં. દરબારને છેલ્લી સલામ કરી દીધી. અને બાકીનું જીવન સાહિત્યસર્જનમાં વિતાવી દીધું. 1810માં તેમની વફાત થઈ હતી.
દિલ્હીની બર્બાદીએ મીર સાહેબને પુષ્કળ દુ:ખી કર્યા હતા. તેમના એ દુ:ખની તીવ્રતા અા અશઅારમાં જોઈ શકાય છે :
દીદએ ગિરયાં હમારા નહર હય
દિલ ખરાબા જયસે દિલ્લી શહર હય
….
દિલ્લી કે ન થે કૂચે અવરાકે મુસવ્વીર થે
જો મુશ્કિલ નઝર અાઈ, તસ્વીર નઝર અાઈ !
અાંસુભરી અાંખો શું છે, જાણે વહેતી નહેર ! અને હૃદય એવું વેરાન થયું છે કે જાણે દિલ્લી શહેરની વેરાની ! − અને લોહીથી ખરડાયેલી શહેરની અા શેરીઅો, જાણે ચિત્રકારના રંગભર્યા કાગળો ! લોહીભીની તસ્વીરો !
પરંતુ મીર સાહેબ અાવી દુ:ખદ પરિસ્થિતિમાં હતાશ થઈને મેદાન છોડી જનારા અાદમી ન હતા. અાગમાંયે બાગ ખીલવવાની કળા તેમને સાધ્ય હતી.
ખુશ રહા જબ તબક રહા જીતા
‘મીર‘ મઅલૂમ હય, કલંદર થા
મીર સાહેબ હોય, ગઝલ હોય અને પ્રિયતમા કે મહોબત ન હોય એ કેમ બને ? તેઅો કેવી પ્રિયતમાને પસંદ કરે છે એ તો જુઅો :
ગુલ હો, મહતાબ હો, ખુરશીદ હો ‘મીર’
અપના મહબૂબ વહી હય જો અદા રખતા હય
પ્રિય અગર પુષ્પ સમાન કે માહતાબ, અાફલાબ સમાન હોય એ તો સમજ્યા, ‘મીર’ સાહેબ ! પણ અાપણને તો તે પ્રિયતમા ગમે જે અદા, લટકા, નખરા, મોહક હાવભાવ, છેડછાડવૃત્તિ ધરાવતી હોય ! સાવ ટાઢીટપ પ્રિયતમા અાપણને ન ગમે. પણ પ્રેમ કેવળ સ્થૂળ નથી હોતો, સૂક્ષ્મ, અધ્યાત્મિક પણ હોય છે. અને એ છે સાચો પ્રેમ. મીર સાહેબ એ કેડીના પ્રવાસી હતા. તેઅો સર્જનહાર સાથે અોતપ્રોત થઈ જવામાં માનતા હતા.
નહીં ઈત્તેહાદે તનો-જાં સે વાકિફ
હમેં યાર સે જો જુદા જાનતા હય
જી મેં ફિરતા હય ‘મીર’ વહ મેરે
જાગતા હું કે ખાબ કરતા હું
મીર સાહેબને તેમની ભાષાનું ઘણું ગુમાન હતું. ભાષાના રૂઢિપ્રયોગો, શબ્દસૌંદર્ય, અર્થસૌંદર્યનો વિવેક ન ધરાવતા હોય તેવા લોકો સાથે વાતચીત કરવાનુંયે તેઅો પસંદ કરતા ન હતા. જુઅો અા શેર :
ગુફતગૂ રેખતે મેં હમ સે ન કર
યે હમારી ઝબાન હય, પ્યારે
અને મીર સાહેબના અદ્દભુત અશઅાર, જે નોંધ્યા વિના મીર સાહેબ વિશેનો કોઈ પણ લેખ અધૂરો, અયોગ્ય જ ગણાય :
દેખ તો દિલ કે જાં એ ઉઠતા હય
યે ધૂવાં-સા કહાં સે ઉઠતા હય
બૈઠને કૌન દે હય ફિર ઉસ કો
જો તેરે અાસતાં સે ઉઠતા હય
ઈશ્ક ઈક ‘મીર’ ભારી પત્થર હય
કબ યે તુજ નાતવાં સે ઉઠતા હય
……
પત્તા પત્તા, બૂટા બૂટા હાલ હમારા જાને હય
જાને ન જાને ગુલ હી ન જાને બાગ તો સારા જાને હંય !
……
‘મીર’ ઉન નીમ-બાઝ અાંખોં મેં
સારી મસ્તી શરાબ કી સી હય
અબ તો જાતે હંય મયકદે સે ‘મીર’
ફિર મિલેંગે અગર ખુદા લાયા.
મીર સાહેબે ફક્ત ગઝલો નથી લખી. રુબાઈયાત, મસનવી, મુઅદ્દસ, કસીદા વગેરે પણ ઘણાં લખ્યાં છે. પણ મૂળ તો તેઅો ગઝલકાર, અને ગઝલે અમર કરી દીદા છે.
અા મહાન શાયરના અશઅાર અગર અહીં નહીં નોંધું તો અન્યાય કર્યો ગણાશે. વાંચો, માણો :
તયશે સે કોહકન કે દિલે કોહ જલ ગયા
નિકલે હંય સંગ – સંગ સે અકસર શરાર હ્નોઝ
હમ હુએ, તુમ હુએ કે ‘મીર’ હુએ
ઉસ કી ઝુલ્ફ કે સબ અસીર હુએ
ફિરે હંય ‘મીર’ ખાર, કોઈ પૂછતા નહીં
ઈસ અાશકી મેં ઈઝ્ઝતે અાદાત ભી ગઈ
મોસમ અાયા તો નખલે-દાર મેં ‘મીર’
સરે મન્સૂર હી કા બાર અાયા
સિરહાને ‘મીર’ કે કોઈ ન બોલો
અભી ટુક રોતે રોતે સો ગયા હય
પહુંચા જો અાપ કો તો મૈં પહુંચા ખુદા કે તઈં
મઅલુમ અબ હુવા કે બહુત મૈં ભી દૂર થા
અઘરા શબ્દોના અર્થ : તયશા = કોદાળી; કોહકન = પહાડ તોડનાર; શરાર = તણખા; હ્નોઝ = હજી પણ; અસીર = બંદી; નખલે-દાર = ફાંસીનું વૃક્ષ; બાર = વજન.
[136 Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR. U.K.]