તમે મને પૂછ્યું કે હું સર્વોદય આંદોલનમાં (એટલે કે ગાંધી વિનોબા વિચાર સાથે) કેવી રીતે જોડાયો. …… આ પ્રશ્ન તમે મને વ્હાૅટ્સ અપ પર પૂછેલો. અને મેં તમને કહ્યું હતું કે હું આનો જવાબ ઇમેલ દ્વારા આપીશ, કારણ કે તે લાંબો હશે. થોડી વિગત વધારે જોડવી પડે. તો બહેન, હવે વાંચો મારો જવાબ. જો કે યાદ રાખો કે હું ઘણું બધું તો હવે ભૂલી જાઉં છું – ઉંમરને કારણે.
ટૂંકમાં કહું તો, મારા કરતાં ઘણાં મોટા બહેન, મારાં બા કહેતાં, કે બાઈએ તને કેડ પર લઈને ફેરવ્યો છે, જ્યારે તું રડતો … અને જ્યારે તું નાસમજ હતો. અમે મારી બહેન શોશન્નાને નામથી નહિ પણ બાઈ કહીને જ બોલાવતાં.
શોશન્ના તે વખતના સમાજવાદી પક્ષમાં હતી અને મુંબઈમાં ટ્રેડ યુનિયનનું કામ કરતી. જ્યારે સાને ગુરુજી, મધુ દંડવતે, લોહિયાજી, જે.પી.જી (વિનોબા જે.પી.ને જપજી કહેતા – સિખોનો પવિત્ર ગ્રંથ – જપુજી) એસ.એમ., રાવસાહેબ પટવર્ધન, અચ્યુત પટવર્ધન, જ્યોર્જ ફરણાંડિસ જેવા નેતા મુંબઈની મોટા ભાગની જનતા અને કામદારોના મન પર રાજ કરતા હતા.
૧૯૫૪-૫૫માં, શ્રીરામ ચિંચલીકર, એલી ગડકર અને રંગા (શ્રીરંગ) દેશપાંડે મુંબઈમાં સર્વોદયના કામમાં લાગેલા હતા. તે બહેનને જઈને મળેલા. મૂળ તો તેમની એવી ઈચ્છા હતી કે જો આ બહેનને કોઈક રીતે સર્વોદયનો રંગ ચઢાવી દઈએ, તો એક મોટી માછલી સર્વોદયની જાળમાં આવી ગઈ એમ કહેવાશે. કારણ મારાં બહેનનું કામ મીલો અને મોટાં કારખાનાનાં કામદારો સાથે સંબંધિત હતું અને તે સતત તેમનો સંપર્ક કરતી હતી. તે યુનિયનના મેંબર બનાવતી, નાની નાની ગ્રુપ સભાઓ કરતી, વગેરે. પણ મારાં બહેન જરા તેમનાંથી થોડાં વધારે હોશિયાર હતાં … તેણે એમ જવાબ આપ્યો કે જુઓ, મારો નાનો ભાઈ ડૅનિયલ કોલેજમાં જાય છે, ને તેની કોલેજ સવારની હોય એટલે એ ૧૧ સુધી તો ઘરે આવી જ જાય છે. તેની પાસે ટાઈમ હોય છે. તમે તેને મળો. તે તમારાં કામમાં મદદ કરી શકે.
અને એક દિવસ, હું સવારે દસેક સુધી ઘરે પહોંચ્યોં. તો શું જોઉં છું …… મારે ત્યાં બે જણ અ-પરિચિત એવાં બેઠાં છે, અને મેં પ્રવેશ કર્યો ઘરમાં. તે વખતે હું જરા જુદો હતો. પગમાં બૂટ હતાં, લોંગ પેન્ટ પહેરીને કોલેજ જતો હોઉં. ખાદી વિગેરે વિષે કાંઈ જ ખાસ ખબર ન હતી.
મારા બુટ વગેરે કાઢ્યા પછી મને આ મિત્રોએ કહ્યું કે, આવ, આવ, બેસ અહીં. એમ મને મારા જ ઘરમાં મને ખુરસી (ચેઅર) બતાવીને બેસવાનું કહ્યું. હું તો જોયા જ કરું કે વાહ, આ તો કોઈ જુદી જ દુનિયાના લાગે છે, જે મારા જ ઘરમાં મને બેસવાનું કહે છે. અપરિચિત હોવા છતાંયે ….. ખેર, તો હું બેસી તો ગયો. અને તેમણે વાત શરૂ કરી. મારાં બાએ તેમને ચા આપી હતી, રંગા ચા લે, પણ એલી તો મુંબઈનો વિનોબા ગણાતો. એ ચાને અડે પણ નહિ.
તેમણે કહ્યું કે તેઓ મુંબઈમાં સર્વોદયનું કામ કરે છે … વિનોબા ભાવેનું જે આંદોલન ચાલે છે તેના કાર્યકરો છે અને તેમનું એક ૭-૮ જણોનું સારું ગ્રુપ છે. અને તેઓ બધાં સાંજે ડો. મંડલિકના ઘરે જ્યાં ઓફિસ છે ત્યા મળતા હોય છે. મુંબઈમાં અમે સભાઓ, શિબિરો, સંમેલનો કરીએ છીએ, તેમાં પણ તું (ડૅનિયલ) જોડાઈ શકે છે. વગેરે વગેરે.
આમ તો હું નોકરીઓ શોધ્યા કરતો. અમે ઘરનાં કાંઈ રઈસ ન હતાં. મારા પપાને ૧૫-૧૭ વર્ષોથી કમરથી નીચે પેરેલિસિસ થયેલું. એટલે એ ફક્ત ઘરમાં જ પકડી પકડી ને ચાલી શકતા. તે વખતે અમે ઊમરખાડીની બાજુમાં, જે.જે. હોસ્પિટલની સામે રહેતાં. અને ઘર અમારા બે મોટા ભાઈઓનાં પગાર પર ચાલતું. મારા સૌથી મોટાં ભાઈ બેંજામિન. તેમનાથી નાનાં, બીજા નંબરે બેન હન્ના, જે હું તો બહુ જ નાનો હોઈશ ત્યારે સુરતના નાગર બ્રાહ્મણ જોડે પરણેલાં. અને અમે ઘણુંખરું દર દિવાળીએ કે લાંબી છુટ્ટીમાં સુરત બહેનને ત્યાં જતા. પણ અમારાં સગાંઓએ આ તે વખતે આંતરજ્ઞાતિ વિવાહનો ખૂબ વિરોધ કરેલો. પણ મારા મોટા ભાઈ મક્કમ રહ્યા. તેમણે અમારા મૌસાને જવાબ આપ્યો કે તે પોતાના જીવન અંગે નિર્ણય પોતે જ લઈ શકે છે. અને તેઓ બધાં ચૂપ થયાં. જો કે વર્ષો પછી તેમનાં જ દીકરીઓએ આંતરજ્ઞાતિ માં જ વિવાહ કર્યો એ વાત જુદી. મારા બહેનનું નામ, પતિના પરિવારમાં, હંસા થયું.
હન્નાથી નાના સાયમન. જેમના વિષે મેં ઉપર કહ્યું છે કે અમારા બે ભાઈઓના પગાર પર અમે ૭ જણાં, મમી-પપ્પા, ૪ ભાઈઓ (બે ભણનારાં) અને એક બહેન, નભતાં. કારણ મારાં બહેનને ટ્રેડ યુનિયનમાંથી કાંઈ ખાસ માનધન મળતું નહિ. તે વખતે સમાજવાદી પક્ષ બહુ સદ્ધર એવો નહિ, અને કામદાર અાંદોલન પણ કાંઈ બહુ સારી આર્થિક હાલતમાં હતું નહિ. તો ક્યારેક ૫૦ રૂપિયા, ક્યારેક ૭૫ રૂપિયા લાવી, માના હાથમાં આપતી. એક વાત મેં જોઈ હતી. જ્યાં સુધી મારા બન્ને ભાઈઓના લગ્ન થયાં નહોતાં, ત્યારે તેઓ અચુક માસિક વેતન મારા મમ્મીના જ હાથમાં લાવી આપતા. અને આખું ઘર મા સંભાળતી. અને પૈ પૈસો બચાવતીયે ખરું. એટલે મને યાદ છે કે મમ્મી જ્યારે બજાર કરવાં જાય ત્યારે માછલીની કીંમત ઓછી કરવાં માટે ૧૫ થી ૩૦ મિનિટ ત્યાં ભરેલાં બજારમાં મને સાથે લઈને ઊભી જ રહે ……. તમને આ વાતનું હસવું આવશે … પણ આ હકીકત છે. અને પછી માછલી વેચનારી પણ આમ તો ડોંગરી ઊમરખાડીમાં જ રહે, ને મમ્મીને ઓળખે, એટલે કીંમત ઓછી લઈને પણ માછલી આપી દે.
હા. અહીં તમને આશ્ચર્ય થશે કે શું અમે માંસાહારી હતાં. હા, હતાં. કારણ અમે તો યહૂદી કોમમાંના હતાં. માંડવી, ઊમરખાડી, મશીદમાં પ્રાર્થના માટે જતાં, અને યહૂદી લોકોના બધા તહેવારો પાળતાં. ઉપવાસ હોય ત્યારે મારા પપ્પા, મમ્મી ઉપવાસ પણ કરે. શનિવારે સાંજ સુધી મમ્મી સગડી ના સળગાવે. શુક્રવારે રાતે ૭ સુધી રસોઈ પતાવી, બળતાં કોલસા પર રાખ નાંખી રાખે, જેથી શનિવારે સગડી નવેસરથી સળગાવવાની જરૂર ના પડે. એવી બધી યુક્તિઓ મમ્મી કરે.
તો આવું હતું મારું જીવન. હું કાંઈ બહુ બ્રાઈટ વિદ્યાર્થી હતો નહિ. છતાં હંમેશાં પાસ થયો છું. કોલેજમાં પણ જ્યારે આ બે સર્વોદયના સાથીઓ મળવાં આવેલા ત્યારે હું જુનિયર બી.એ.માં ભણતો. મારાં વિષયો હતા, ઇંગ્લિશ (ઓનર્સ) અને સબસિડિયરી મરાઠી. સિદ્ધાર્થ કોલેજમાં હતો. ને અમને અંગ્રેજીના પ્રોફેસર ફ્રેક ડિસુઝા નામનાં શિક્ષક હતા. અને મરાઠીમાં તે વખતનાં મશહૂર લેખક અનંત કાણેકર અને તેમના જ વિદ્યાર્થી સં. ગ. માલશે (યાદ છે ત્યાં સુધી) શીખવતા..
બસ. મારી લાંબી થયેલી વાર્તા હવે પૂરી થવા આવી છે.
આ બે મિત્રો મળ્યા પછી, હું ત્યાં મંડલિકજીના ઘરે જવા માંડ્યો. જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવા માંડ્યો અને બસ, યાદ છે ત્યાં સુધી, ૧૮ એપ્રિલ ૧૯૫૫ માં પૂર્ણ સમયનો કાર્યકર તરીકે જોડાયો.
હા…… એક બે વાતો તે વખતની ચિંચલીકરજીના શિસ્ત વિષે કહેવી જ જોઈએ. તેઓ અમારા અધ્યયન તરફ ખાસ ધ્યાન રાખતા.. પહેલાં મને તેમણે ભૂદાન અંગે નાની નાની ૪ આના, ૮ આના, રૂપિયાની ચોપડીઓ પ્રકાશિત થતી, તે વાંચવા અાપી. કહ્યું કે જે કામ કરો છો તે વિષે પૂરી જાણ, જ્ઞાન તો હોવું જ જોઈએ. અને બીજી વાત એ કહી કે તરત આ મીલનાં કપડાં છોડી દો ને ખાદી ભંડારમાં જઈને ખાદીના શર્ટ પેંટ લાવીને પહેરવા માંડો. અને આ બન્નેનું પાલન તે વખતનું અમારું ગ્રુપ કરતું હતું. એટલે જ અમારું આંદોલન વિષે જ્ઞાન વધતું. અને શિબિરોમાં ખાસ વક્તાઓને બોલાવતા, તેમ જ તે વખતે સર્વ સેવા સંધ બહુ મજબૂત હતું. લગભગ ગાંધીજી, વિનોબાજી સાથે કામ કરેલાં નેતાઓ જ હતાં, જે રચનાત્મક કામો કરતાં હતાં, તેઓ સતત પ્રવાસ કરે, અને મુંબઈમાં તેમનો મુકામ હોય એક કે બે દિવસ. ત્યારે ભૂદાન સમિતિ તેમનાં વ્યાખ્યોનો રાખતી. અને જાહેર સભાઓનું આયોજન અમે કરતાં. અમારું ધીરે ધીરે એક ૨૦-૨૫ કાર્યકરોની જમાત તૈયાર થઈ હતી. ૧૯૫૪-૧૯૬૫-૭૦ સુધી.
બસ, મને લાગે છે, મેં લગભગ બધું જ તમને કહી દીધું. આમાં કાંઈ પૂછવાં જેવું તો હોય નહિ. પણ છતાં તમને મનમાં આ વાંચ્યા પછી કાંઈ એવો સવાલ ઊભો થાય કે જેનો જવાબ આપવામાં મારી બુદ્ધિને પણ ચાલના મળે, તો જરૂર પૂછજો … હં ને.
ડૅનિયલના જય જગત્