Opinion Magazine
Number of visits: 10,230,243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વિશ્વમાનવ’નું સ્મરણ

નીલેશ કે. શાહ|Opinion - Opinion|30 May 2019

ઘણા સમય પહેલા ખેડા જિલ્લાનાં પુસ્તકાલયોમાં જ્ઞાનકોશ જેવાં પુસ્તકોનું વિતરણ થયેલું. તેમાં ખગોળ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયોની જ્ઞાનગંગા વહેતી હતી. એસ.પી. યુનિવર્સિટી, વિદ્યાનગર તરફથી પ્રકાશિત અને પુસ્તકાલયોનાં અણમોલ આભૂષણ સમાન આ ગ્રંથમાળાનું સંપાદન કરેલું વડોદરાના ભોગીલાલ ગાંધીએ. તેનું નામ – જ્ઞાનગંગોત્રી. તેમાં ૨૭ ગ્રંથ હતા – ૨૭ નક્ષત્ર જેવા.

નામ જ ભોગીલાલ, બાકી યોગી જેવા હતા. તેમની અક્ષરયાત્રા પ્રાસાદિક. તેમણે ‘વિશ્વમાનવ’ સામયિક ચલાવેલું, એ નડિયાદ-આણંદનાં સાર્વજનિક પુસ્તકાલયોમાં ઘણું વંચાતું અને જિલ્લા પુસ્તકાલય – મંડળની કારોબારી સભા, સામાન્ય સભા, વાર્ષિક પરિષદો અને ગ્રંથપાલ તાલીમ શિબિરોમાં અવારનવાર ચર્ચાતું. ‘વિશ્વમાનવ’ના અનુવાદો યાદગાર બની રહ્યા. તેમાં પણ વિશેષાંકો તો ઘણાં લોકપ્રિય બન્યા. તેમનું જીવન સતત પરિવર્તનમય હશે, એમ લખાણો પરથી લાગે છે.

મંત્રી, ખેડા જિલ્લા પુસ્તકાલય મંડળ,

મુકામ પોસ્ટ મહીજ ગામ, તાલુકા, જિલ્લા ખેડા.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 02

Loading

વિજ્ઞાનમાં નાપાસ વિધાર્થીઓની સાથે સાથે સમાજ પણ નાપાસ !

મનીષી જાની|Opinion - Opinion|29 May 2019

પરીક્ષાઓનાં પરિણામોની મોસમ છે. વિદ્યાર્થીઓ માટે પાસ કે નાપાસ કે પછી કેટલા ટકા આવ્યા કે હવેના એડમિશનમાં કેટલા ટકા કે માર્કસ ઓછા પડ્યા? એવા સવાલો પૂછાતા રહેતા ચોગરદમ જોવા મળે છે.

પણ સાથે સાથે શાળા અને કોલેજના જુદા જુદા તબક્કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને કેટલા નાપાસ થયા, એની સંખ્યા અને ટકાવારી જોતાં તેમાં સમયની સાથે સાથે સમાજના વિકાસની સ્થગિતતા કે અધોગતિ કે પ્રગતિ જોવાં મળે છે એવું કહેવામાં અતિશયોક્તિ નહીં લેખાય.

દસ દિવસ પહેલાં દસમું ધોરણ એટલે કે એસ.એસ.સી.નું પરિણામ બહાર પડ્યું. એસ.એસ.સી. એટલે શાળાજીવનની પહેલી જાહેર પરીક્ષા.

આ દસમા ધોરણની પરીક્ષા પછી આપણા જેવા ગરીબ દેશમાંથી બહુ મોટા પ્રમાણમાં બાળકો ભણવાનું છોડી નાના-મોટા કામધંધે યા મજૂરીમાં લાગી જાય છે, કારણ કે મોંઘુંદાટ ઉચ્ચ શિક્ષણ હવે બધાંને પરવડે એમ નથી અને પરિવારની ઓછી આવકને લઈ કમાનાર હાથોની તાત્કાલિક જરુરિયાતની મજબૂરી એ ય આજની વાસ્તવિકતા છે જ.

આવી આજની સામાજિક આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં ગુજરાતમાં આ 2019માં લેવાયેલી એસ. એસ.સી.ની પરીક્ષામાં કુલ દસેક લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં પ્રથમ પ્રયત્ને પરીક્ષા આપનારી 3,47,140 કન્યાઓ અને 4,75,683 કુમારોનો સમાવેશ થાય છે. જેમાં કન્યાઓની પાસ થવાની ટકાવારી 72.64% અને કુમારોની 62.33% જોવા મળી.

પરીક્ષામાં આપનારા 4,75,683 કુમારો કરતાં 3,47,140 કન્યાઓની સંખ્યા ઓછી જણાય છે કારણ કે આપણે ત્યાં બાળકીઓને 5-7 ધોરણથી આગળ નહીં ભણાવવાનો જૂનવાણી ચાલ છે, રજસ્વલા થતાં જ જાણે કે દીકરી સાપનો ભારો છે, એવી સમાજની માનસિકતા હજી છે જ પણ કન્યાઓ ભણવામાં વધુ કુશળતા અને સફળતા હાંસલ કરે છે તે આ ટકાવારી દર્શાવે છે. દીવા જેવી આ ચોખ્ખી વાત દેખાતી હોવાં છતાં ય સ્ત્રીની બુદ્ધિ પાનીએ એવું કેટલાં બધાં દીકરીનાં દાદાઓ, પિતાઓ, પતિઓ, ભાઈઓ અને સગાંવહાલાંઓ માને છે એ ય સમાજની વરવી વાસ્તવિકતા સ્વીકારવી રહી.

અને મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જે વિષયોમાં નાપાસ થયા યાને કી જે જે વિષયો ભણવામાં વિદ્યાર્થીઓ ને અઘરા લાગે છે તેમાં પહેલા સ્થાને વિજ્ઞાન જણાયું છે.

આમ તો પરંપરાગત રીતે મનાતું રહ્યું છે કે ગણિત અને પરદેશી ભાષા અંગ્રેજીમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ નાપાસ થતાં હોય છે. તેનાં કારણોમાં અંગ્રેજી એ પરદેશી ભાષા છે. કુટુંબ કે ગામમાં કે રોજબરોજનાં વ્યવહારમાં બોલાતી ભાષા નથી એટલે બાળકો માટે અઘરી પડે છે અને તેને ભણાવનારા દરેકેદરેક શાળામાં પૂરતા શિક્ષકો નથી તે ય હકીકત.

ગણિત વિષય એ એક પ્રકારે એબ્સ્ટ્રેક્ટ રીતે આંકડાઓ ઉપર જ વધુ ભાર મૂકીને નિરસ પદ્ધતિ એ મોટે ભાગે ભણાવાય છે એટલે બાળકોને અઘરો પડે અને શિક્ષકો ખુદ જ ગણિતનાં મૂળભૂત કન્સેપ્ટ ન સમજતા હોય એ પણ નોંધવું રહ્યું.

પરંતુ સૌથી વધુ બાળકો વિજ્ઞાન-ટેકનોલોજી વિષયમાં આ 2019ની પરીક્ષામાં નાપાસ થયા છે તે વધુ ચિંતા ઉપજાવનારી ઘટના આપણે ગણવી રહી.

વિજ્ઞાન- ટેકનોલોજી વિષયમાં 2.61 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા જ્યારે ગણિતમાં 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા અને અંગ્રેજીમાં 2.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા.

આવું કેમ બન્યું ? દેશમાં અને ખાસ કરીને કહેવાતાં આપણા વિકસિત ગુજરાતમાં ટેકનોલોજીનો ઉપયોગ આજના સમયમાં ખૂબ ખૂબ વધતો રહેલો જણાય છે. આ ડિજીટલ જમાનામાં દરેક જગાઓ એ કમ્પ્યુટરનો ઉપયોગ, વિજ્ઞાન-ટેકનોલોજીનો ઉપયોગ ઠેર ઠેર જોવા મળે છે. ખેતીનાં સાધનો, ઓજારો, ખાતરોથી માંડી બધે જ વિજ્ઞાન ને ટેકનોલોજી જણાય છે. તમામ લોકોનાં બેન્ક એકાઉન્ટમાં પણ કમ્પ્યુટર છે. ઠેર ઠેર જ્યાં બેન્ક નથી ત્યાં એ.ટી.એમ.નું ચલણ વધ્યું છે.

પણ આ ટેકનોલોજીએ સમાજમાં વિજ્ઞાન-ટેકનોલોજીનું જ્ઞાન-માહિતી વધાંર્યા કે નહીં ? આ સવાલ તો સંશોધનનો વિષય તો બને જ છે.

અને આ ટેકનોલોજીના નવા જમાનામાં છેલ્લા બે દસકામાં જન્મેલા અને જીવતા કિશોરો – યુવાનોમાં આ વિજ્ઞાન કેમ સમજવામાં અઘરું થઈ રહ્યું છે? તે આખા સમાજ માટે વિચારવાનો મુદ્દો બની રહે છે.

વળી, જ્યારે પહેલા ધોરણથી અને વિશેષ તો પાંચમા ધોરણથી રમતાં રમતાં સહેલાઈથી વૈજ્ઞાનિક રમકડાં બનાવવા, જાતે જ પ્રયોગો કરવા જેવા પ્રવૃત્તિલક્ષી માર્ગે વિજ્ઞાન ભણાવવાનો અભ્યાસક્રમ ઘડાયો હોય છતાં ય કેમ બાળકોમાં વિજ્ઞાનમાં વિશેષ રુચિ ઊભી થતી નથી ?

શું આપણી પાસે જે 8થી10 ધોરણ સુધીના વિજ્ઞાન-ટેકનોલોજીના અભ્યાસક્રમને ભણાવી શકે તેવા તાલીમબદ્ધ, સજ્જ શિક્ષકોનો અભાવ ને ફીક્સ પગારના હતાશ શિક્ષકો ભણાવવા સમર્થ નથી? કે પછી શાળાઓમાં બાળકો પ્રવૃત્તિને પ્રયોગો કરી શકે તે માટે પૂરતાં વૈજ્ઞાનિક સાધનો અને લેબોરેટરીઓ નથી ?

આપણા ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાનાં પ્રમાણમાં પૂરતાં શિક્ષકો નથી જ એ તો હકીકત છે જ. પણ એ બધી પૂરતા શિક્ષકોની વાત તો તમામ વિષયોના શિક્ષકોને લાગુ પડે પણ આ તો સૌથી વધુ નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યાની વાતનાં સંદર્ભે કારણો ક્યા ગણવા રહ્યાં ?

સમાજમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતો ચાલ્યો છે. 130 કરોડની દેશની કુલ વસ્તીમાં રોજ 2.5 લાખ મોબાઇલ ફોન ખરીદાય છે. દેશમાં અત્યારે 37 કરોડથી વધુ સ્માર્ટ ફોન વપરાશમાં છે. સાદા ફોન નહીં પરંતુ જેને મીની કમ્પ્યુટર ગણી શકાય તેવાં સ્માર્ટ ફોન અને એ ફોનને લઈ 30-30 કરોડ લોકો આપણા દેશમાં વ્હોટસએપ, ફેસબુક અને યુટ્યુબના વપરાશકારો છે.

વિજ્ઞાન-ટેકનોલોજીની માહિતી આ સ્માર્ટફોન પરથી મેળવવી અઘરી નથી. ગૂગલ પર તો દુનિયાભરની તમામ પ્રકારની વૈજ્ઞાનિક માહિતી, ટેકનોલોજીની માહિતી શિક્ષકોને, વિદ્યાર્થીઓને મળી શકે એમ છે એ છેલ્લા દાયકામાં ખૂબ જ સહજ અને સરળ બની ચૂકેલી વાત છે, અને છતાં ય સંશોધનનો એ મુદ્દો રહે જ છે કે આ સ્માર્ટફોન પરથી, યુટ્યુબ પર, ફેસબુક, વ્હોટસએપ પર વિદ્યાર્થીઓ, પરિવારજનો, વાલીઓ, શિક્ષકો શૈક્ષણિક માહિતી, સામાજિક માહિતી-જ્ઞાન મેળવે છે કે પછી માત્ર મનોરંજન, ફિલ્મો અને ધાર્મિક કાર્યક્રમો જ જૂએ છે, ફોરવર્ડ કરે છે અને શેર કરે છે ?

જો વિજ્ઞાન-ટેકનોલોજી જોવા માટે અગ્રતાક્રમે હોત તો લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ લગરીક વધેલો ને વિજ્ઞાન તરફનો પ્રેમ ય થોડોઘણો ઊભો થયેલો પામી શકાય.

ફેસબુક, વ્હોટસએપ પર સ્થાનિક ઘટનાઓ, સમાચારો, રાજકીય બાબતો તો વધુ પ્રમાણમાં જોવા મળે છે પણ તે ઉપરાંત સામાન્યજન તો ધાર્મિક ચમત્કારો અને કેટલીક બનાવટી વીડિયો ક્લિપ્સ તો એવી હોય છે જેમાં ફિલ્મી ટ્રીક્સથી ઊડતા ભૂત કે કોઈનો આત્મા બીજાનાં શરીરમાં જતો હોય તેવાં દૃશ્યો જોવાંમાં રચ્યોપચ્યો દેખાય છે, યા અમે ભૂત જોયું કે ચમત્કાર અસ્તિત્વ ધરાવે છે તેને સાંકળીને કોઈ મંદિર-ભૂવાના પરચાને પ્રવચનોના વીડિયો વ્યાપક પ્રમાણમાં મોબાઇલ ફોન પર ફરતા જોવા મળે છે એ ય સત્ય સ્વીકારવું રહ્યું.

અને આપણે ત્યાં રસપ્રદ રીતે વિજ્ઞાન-ટેકનોલોજી વિષયક કાર્યક્રમો દર્શાવાતાં હોય એવી જૂજ ચેનલો છે. બાકી ધાર્મિક ટી.વી. ચેનલોમાં તો કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય બાકી નથી એવું જરૂર કહી શકાય.

અને જ્યાં શિક્ષણ ખાતું ને શિક્ષણ પ્રધાન ખુદ અને ઉચ્ચ કક્ષાના રાજકીય નેતાઓ રોજેરોજ ચમત્કારોને પ્રાચીન ભારતના પુષ્પક વિમાનથી માંડીને પુરાતન પ્લાસ્ટિક સર્જરીનાં વિજ્ઞાનને નામે ગૌરવ ગાન કરતાં હોય, ત્યાં લોકોમાં ભ્રામક માન્યતાઓ, ગેરસમજણો અને ગૂંચવાડાઓ ઊભા થવાની શક્યતાઓ વધી જાય છે.

હમણાં ચૂંટણી દરમિયાન એક અંગ્રેજી ટી.વી. ચેનલ પર સાધ્વી પ્રજ્ઞાનો ગૌશાળામાં લેવાઈ રહેલો ઈન્ટરવ્યુ જોવા મળ્યો. જેમાં ગાયની પીઠ પર હાથ ફેરવવાથી બ્લડપ્રેશર ને ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે તેવી વાતો જોવા – સાંભળવા મળી અને આ તો વિજ્ઞાનસિદ્ધ હકીકત છે એ રીતે એક ધાર્મિક સાધ્વીજી પોતાનું કેન્સર ગૌમૂત્રને કારણે મટ્યું એવો દાવો કરે, ત્યાં સુધી તો ઠીક પરંતુ આ પણ એક વિજ્ઞાન છે એવું કહે ત્યારે વિજ્ઞાનમાં રસ ધરાવનારા, વિજ્ઞાનમાં માનનારાઓમાં એક પ્રકારનો ભય ભર્યો ગૂંચવાડો ને મૂંઝવણ ઊભી થાય તે સ્વાભાવિક છે.

અને ખાસ વાત તો એ છે કે આપણે એક બાજુ શાળામાં, વિજ્ઞાનમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ભણાવીએ અને મનુષ્યની ઉત્પત્તિ ને વિકાસનાં તબક્કાઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી ભણાવીએ અને આપણા જ અન્ય અભ્યાસનાં વિષયોમાં માણસને ઈશ્વરે પેદા કર્યો અને પુનઃ જન્મની કથાઓ, દંતકથાઓ ભણાવીએ ત્યારે બાળકોનાં મનમાં આપણે શંકા – ગૂંચવાડા સિવાય શું ઊભું કરીએ છીએ ?

કોઈ પણ બાળકનાં મનમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે દિમાગમાં ગૂંચવાડો રહેવાનો જ છે કે આમાં સાચું શું ? ડાર્વિનનો સિદ્ધાંત સાચો કે ધર્મ સાચો ? આપણે ધર્મ અને વિજ્ઞાનની ભેળપૂરી બનાવી વૈજ્ઞાનિક અભિગમનો રસ્તો રોકીએ છીએ.

જગતના ધર્મો અને ધાર્મિક કથાઓ, દંતકથાઓ, પાત્રો અભ્યાસક્રમમાં હોય એમાં કશું ખોટું નથી. માનવજીવનના ઇતિહાસમાં અને તેના રોજબરોજના જીવનમાં તે છે જ અને તે મુદ્દાનો ઈન્કાર ના થઈ શકે પણ સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમના ભોગે અંધશ્રદ્ધાના માર્ગે તેને પ્રોત્સાહન તો ન જ આપી શકીએ.

વિશેષમાં માનવજાત વિશે પાયાનીની વાત એ જ છે કે દરેક માણસ સમાન છે અને તે વૈજ્ઞાનિક સત્ય પણ છે. અને છતાં ય સ્ત્રી-પુરુષ, રંગ – વર્ણ, ધર્મ અને આપણે ત્યાં વર્ણવ્યવસ્થાને હિસાબે જે ઊંચ-નીચના ભેદ છે તેનાથી જ સમાજ-દુનિયા જોઈએ છીએ અને જીવંત વારસામાં બાળકોને આપતાં રહીએ છીએ, ત્યારે બાળકોમાં વૈજ્ઞાનિક સમજની કક્કો બારાખડી કેવી રીતે વિકસી શકે ? એ મહત્ત્વનો મુદ્દો વિજ્ઞાનમાં રુચિ ધરાવનાર સૌએ વિચારવો રહ્યો.

(પ્રગટ : “ગુજરાત ગાર્ડિયન”, 29 મે 2019)

https://www.facebook.com/manishi.jani/posts/2462425747109916

Loading

સંગીન સંગિની માઈસાહેબ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2019

‘માઈસાહેબ’ના હૂંફાળા નામે જાણીતા ડો. સવિતા આંબેડકરની આજે પુણ્યતિથિ છે. તેમની વિદાય(તા.૨૯-૦૫-૨૦૦૩)ને ખાસ્સો દોઢ દાયકો વીતી ગયો છે. જરાગ્રસ્ત ડો. બાબાસાહેબ આંબેડકરના સહાયક તબીબરૂપે પરિચયમાં આવેલાં અને પછી તેમની સાથે લગ્નગાંઠે જોડાયેલાં ડો. શારદા કબીર એટલે જ માઈસાહેબ આંબેડકર! ડો. આંબેડકરનાં બીજા પત્ની તરીકે તેમણે દલિતોનો પ્રેમ, આદર અને કંઈક અંશે તિરસ્કાર પણ મેળવ્યો હતો.

ડો. આંબેડકરનાં પ્રથમ પત્ની રમાબાઈનું તા. ૨૭મી મે, ૧૯૩૫ના રોજ અવસાન થયું. તે પછી ડો.આંબેડકરે દીર્ઘ એકાકી જીવન ગાળ્યું. દલિતોના અધિકારો અને તેમાં મળતી સફ્ળતા-નિષ્ફ્ળતાની વચ્ચે વધતી ઉંમર અને માંદલી તબિયતે ડો. આંબેડકરને થકવી નાંખ્યા હતા. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને પગના સાંધાના ત્રાસદાયક દુખાવાથી તેઓ પીડાતા હતા. મુંબઈમાં ડો. માલવણકરના દવાખાને તબીબી સારવાર માટે જતા બાબાસાહેબને સહાયક તબીબ તરીકે ડો. શારદા(લક્ષ્મી) કબીરનો પરિચય થયો હતો. બાબાસાહેબની સેવા શુશ્રૂષા કરતાં કરતાં બંનેનો પરિચય ગાઢ બન્યો. માઈસાહેબના શબ્દોમાં, “હું ઉંમરમાં નાની હતી. મને ડોકટર થયે માંડ પાંચ વરસ થયેલાં. ડો. આંબેડકર મારાથી બધી જ રીતે મોટા હતા. આ અરસામાં રાજકારણ એટલે શું એનો પહેલો પાઠ ડો. આંબેડકરે મને શીખવ્યો.”

ત્રણ ભાઈ અને ચાર બહેનનો બહોળો પરિવાર ધરાવતાં, ૨૭મી જાન્યુઆરી ૧૯૦૯ના રોજ જન્મેલાં ડો. શારદા કબીર જન્મે બ્રાહ્મણ હતાં. પૂનામાં હાઈસ્કૂલ શિક્ષણ મેળવી, ૧૯૩૭માં મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી તેઓ એમ.બી.બી.એસ થયાં હતાં. જાહેરજીવનની અનેક જવાબદારીઓથી ઘેરાયેલા અને વિધુર ડો. આંબેડકરે ૨૬મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીથી પત્ર લખી ડો. શારદા કબીર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડો. આંબેડકરની તબિયત અને તેમના પરની મસમોટી જવાબદારીઓના સમયે તેમને તબીબ પત્નીની જરૂર હતી. ડોકટરની દરદી પ્રત્યેની ભાવનાથી પ્રેરિત થઈને તેમનો પ્રતિભાવ હકારાત્મક રહ્યો. આ નિર્ણય લેતી વખતે તેમની સામે ડો. આંબેડકરને સોંપાયેલ બંધારણ ઘડતરનું કામ અને તેમના સારા સ્વાસ્થ્યની દરકાર લેનારની ભૂમિકા જ કેન્દ્રમાં હતી. ૧૫મી એપ્રિલ ૧૯૪૮ના રોજ તેમનાં લગ્ન ડો. આંબેડકર સાથે થયાં ત્યારે તેઓ ૩૯ વરસનાં અને ડો.આંબેડકર ૫૭ વરસના હતા. લગ્ન પછી તેમનું નામાંતર સવિતા આંબેડકર તરીકે થયું અને પછી “માઈસાહેબ”ની પ્રેમ અને આદરસૂચક ઓળખ પામ્યાં.

બાબાસાહેબના આ દ્વિતીય લગ્ને એ સમયે પણ ખળભળાટ મચાવ્યો હતો. તેમના અંગત સચિવ સોહનલાલ શાસ્ત્રીએ તેને “મહાપુરુષે કરેલી મહાન ભૂલ” કહી હતી. તો દલિતોનો એક વર્ગ આ લગ્નને બ્રાહ્મણોનું કાવતરું માનતો હતો. જો કે ખુદ ડો. આંબેડકરે ભાઉરાવ ગાયકવાડ જોગ પત્રમાં લખ્યું હતું કે, “સારી ગૃહિણી હોય અને ડોકટર હોય તેવી પત્ની મારે જોઈએ છે. દલિત સમાજમાં આવી સ્ત્રી મળવાની શક્યતા નહિવત હોઈ મેં એક બ્રાહ્મણ સ્ત્રીને પસંદ કરી છે”. સરદાર પટેલે આ લગ્ન અંગે ડો. આંબેડકરને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, “ગાંધીજી હોત તો અવશ્ય આશીર્વાદ આપત.” પ્યારેલાલને ડો. આંબેડકરે કહેલું, ‘ગાંધીજી જીવતા હોત તો આ જાણીને કેટલા રાજી થયા હોત.”

તા. ૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ ડો. આંબેડકરનું નિર્વાણ થયું ત્યાં સુધી ડો. સવિતા આંબેડકર બાબાસાહેબનાં સાચાં જીવનસંગિની બની રહ્યાં. ૧૯૫૬માં ડો. આંબેડકરે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે માઈસાહેબ પણ તેમની સાથે બૌદ્ધ બન્યાં હતાં. ૯૪ વરસની ઉંમરે તેમણે વિદાય લીધી. એટલે બાબાસાહેબના નિર્વાણ પછીના લગભગ ૪૫ વરસ તેઓ આંબેડકરી ચળવળ સાથે જોડાયેલા રહ્યાં હતાં.

માઈસાહેબનાં સંસ્મરણોનું પુસ્તક “ડો. આંબેડકરાંચ્યા સહવાસાત”(ડો.આંબેડકરના સહવાસમાં) ૧૯૯૧માં પ્રગટ થયું હતું. ડો. આંબેડકરે ડો. શારદા કબીરને લખેલા પ્રેમપત્રો પણ તેમાં છે. ભારોભાર કડવાશથી છલકાતા આંબેડકરનું લાગણીઓથી ભરેલું માનવીય પાસું તેમાં વ્યક્ત થયું છે. ડો. આંબેડકર માઈને પ્રેમથી “સરુ” અને પોતાને “સરુચ્યા રાજા “તરીકે સંબોધે છે. એક પત્રનો અંશ જોઈએ : મારા પત્રે તારાં આંસુ વહાવ્યાં, જાણીને મને પણ દુઃખ થયું. જો કે આંસુ સારી બાબત છે. તે તમામ કલુષિતતાને ધોઈ નાંખે છે અને મનને સ્વચ્છ કરે છે. જો તું રોઈ તો માન હું પણ રોયો. જો કે મારા રોવાનું કારણ જૂદું છે. મારા આંસુ એ ખુશીથી વહ્યાં છે કે મારા સ્વપ્નની કન્યા મને મળી છે.” માઈ સહિતના તેમના આઠ ભાઈ-બહેનોમાંથી છએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતાં. એનો ભારે ગર્વ અને ગૌરવ ધરાવતાં માઈસાહેબ, ડો. આંબેડકર સાથેના નવ વરસના સહજીવનને બુદ્ધનાં પત્ની યશોધરાની ભૂમિકા સાથે સરખાવતાં હતાં. તેમણે લખ્યું છે, “મારા નવ વરસના સહજીવનમાં ડો. સાહેબે મને અનેક વિષયોમાં રસ લેતી કરી. અમારી વચ્ચે વાચનની હરીફઈ થતી. અનેક મુદ્દાઓ પર વિવાદ થતો. અમારી જોડી બુદ્ધિવાદ તરફ ઝૂકેલી હતી. સાંસારિક વાતો તરફ ધ્યાન આપવાનો અમને સમય જ નહોતો.”

જો કે માઈસાહેબ એમના લગ્ન સમયથી જ સતત અવહેલના ઝેલતા રહ્યાં હતાં. બાબાસાહેબના નિર્વાણના કાવતરાંનો તેમના પર આરોપ લાગેલો. બાબાસાહેબના પુત્ર અને પૌત્ર સાથેના તેમના સંબંધો કાયમ તનાવપૂર્ણ રહ્યા હતા. ડો. આંબેડકરના ભૌતિક અને વૈચારિક વારસાના ખરા હકદારનો વિવાદ ડો. આંબેડકરનું ભારતરત્ન સન્માન કોણ સ્વીકારે તેના વિવાદ વખતે સામે આવ્યો હતો. “પાકિસ્તાન ઓર પાર્ટીશન ઓફ ઇન્ડિયા” ગ્રંથ બાબાસાહેબે પ્રથમ પત્ની રમાબાઈને અર્પણ કરતાં લખેલું, “જેના અંતરની સરળતા, હસમુખો સ્વભાવ, નિર્મળ ચરિત્ર, સુખદ સહવાસ અને મારી સાથે દુઃખો સહન કરવાની તૈયારી તથા જેણે મને મિત્રો વિહોણા સમયમાં સાથ આપ્યો છે તે. “રમુ”ની સ્મૃતિ અને ગુણગાહ્યતાની યાદને મારી આ કૃતિ અર્પણ કરું છું.” બંધારણના ઘડતરનું કાર્ય પૂરું થયા પછી ડો.  સવિતા આંબેડકરના પ્રેમની કદર કરતાં બાબાસાહેબે કહેલું, “મારા શરીરની કાળજી તેણે આટલી સારી રીતે લીધી ન હોત તો મારા હાથે આ બંધારણનું કામ સારી રીતે પાર ન પડત.”

ડો.  સવિતાદેવી આંબેડકર અમેઠી, રાયબરેલી અને લખનૌમાંથી વડા પ્રધાન કે વડા પ્રધાનપદના ઉમેદવારો સામે લોકસભાની ચૂંટણી લડયાં હતાં. પરંતુ જવાહરલાલ નેહરુ કે ઈન્દિરા ગાંધીની રાજ્યસભાના સભ્યપદની ઓફર બાબાસાહેબના કોંગ્રેસ વિરોધને સ્મૃતિમાં રાખીને ઠુકરાવી હતી. “હું રાજનીતિ દ્વારા સમાજસેવા કરવા માંગતી હતી. પરંતુ મારી “જ્ઞાતિ” બાધક બની. ડો. આંબેડકર સાથેના લગ્નને કારણે હવે હું દલિત સમાજ સાથે જ જોડાયેલી છું.” એમ માઈસાહેબ વારંવાર કહેતાં. એક તરફ ડો. સવિતા આંબેડકરની આ પ્રતિબધ્ધતા અને બીજી તરફ દલિતોના એક વર્ગની એમના પ્રત્યેની પરાયાપણાની ભાવનાના માહોલ વચ્ચે એક અસંપૃક્ત જીવ તરીકે માઈસાહેબ જીવ્યાં અને મર્યાં. એમની ચેહને પૌત્ર પ્રકાશ આંબેડકરના હાથે અગ્નિદાહ મળ્યો હતો એ એમનું સદ્દભાગ્ય.

e.mail : maheriyachandu@gmail.com

‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 29 મે 2019

Loading

...102030...2,9522,9532,9542,955...2,9602,9702,980...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved