Opinion Magazine
Number of visits: 9969076
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શબ્દ : મારો શત્રુ

કનુ સૂચક|Opinion - Literature|25 March 2019

ઢળતી સાંજે, ક્યારેક ઊંચાં ગાઢાં વૃક્ષોમાંથી સરી પવન પર્ણોમાં મર્મરધ્વનિ કરે છે અને ફરી શાંત થઇ જાય છે. નિરભ્ર નભ નીચે હજુ પક્ષીઓ માળે જવાં આવ્યાં નથી. કોઈ પક્ષી પરિવાર પાછાં ફરવાની રાહમાં ક્યારેક ટહુકો કરી લે છે. પ્રકૃતિ સદંતર નિ:શબ્દ અને બહારથી હું પણ. મારા વિચારોને રોકી રાખવા અથાગ પ્રયત્નો છતાં અશાંત અબ્ધિના પથ્થર પર અથડાતાં મોજાંની જેમ વિચારો તો આવ્યાં જ કરે છે. થાય છે કે મન નિ:શબ્દ કરી શકાય તો !! શબ્દના કોલાહલથી મુક્તિ શક્ય ખરી? मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः। બોધને કાર્યાન્વિત કરવાના વિચારને ધક્કો મારતાં માળે આવતાં પક્ષીઓ અને ઘેર પાછા ફરતાં માણસોના વાહનોની ઘરઘરાટી મને અવાજોની દુનિયામાં ઘસડી જાય છે. વિચાર આવે છે નિ:શબ્દતા જ શાંતિનો પર્યાય હશે! વિચારનો વિસ્તાર થાય છે અને નિષ્કર્ષ પર અવાય છે કે જેની પર મારો અનહદ પ્રેમ રહ્યો છે, અસ્તિત્વ અને જીવનને અનેક તાણાવાણામાં જે સદાય આપણને ગૂંથે છે, બાંધે છે તે શબ્દ જ મારો મિત્ર અને મોટો દુ:શ્મન પણ! તે કાળની ગતિ સાથે સમાંતરે જ નહીં તેનાથી પણ તેજ ચાલે છે.

કામ, ક્રોધ અને લોભ મનુષ્યના મહા શત્રુ માનવામાં આવ્યા છે. કામવાસના રાગમાંથી નીપજતો રોગ છે. રાગનું મૂળ લૈંગિક આવેગ અને મગજમાં ચાલતા વિચારોમાં છે. તેજ રીતે ક્રોધના દરેક કારણ પૂર્વગ્રહો કે વિચારોમાંથી ઉત્પન્ન થાય છે. લોભ પણ વૈચારિક આધાર ધરાવે છે. પ્રાણીમાત્રમાં આ પ્રકારની વૃત્તિનું આલેખન વૈજ્ઞાનિક કારણો દ્વારા કરી શકાય, પરંતુ અહીં મારે માનવમનમાં ચાલતી પ્રક્રિયાની વાત કરવી છે. શત્રુઓને શસ્ત્રસજ્જ કરનાર અને વેગપૂર્વક શત્રુકર્મ તરફ પ્રવૃત્ત કરનાર વિચારો તો શબ્દની શક્તિ જ છે. શમનનો બોધ પણ એ જ આપે પરંતુ તેની શરતો અત્યંત આકરી. વિગ્રહબીજનાં મૂળિયાં સ્મૃતિ સ્વરૂપે ઉર્ધ્વ, અધો અને ચોપાસ એવા વેરીને રાખે કે સતત અને સનાતન રહે. શબ્દને નાદબ્રહ્મ પણ કહેવાય છે. બ્રહ્મ તો સત્ય અને માત્ર સત્યને કહેવાય, પરંતુ શબ્દ તો અસત્યની પણ સત્ય જેવી જ જાળવણી કરે. અભિવ્યક્તિનો ઉપયોગ અને પ્રયોગ શબ્દ સિવાય અન્યત્ર સહજ નથી. ભાવવિસ્તાર, ઊર્મિઓનું આંદોલન, રસરસાયણમાં નિતનવા ઉમેરણ, મૂલ્યો અને અવમૂલ્યન કે તેના માપદંડોના સ્વસર્જિત વિશ્વ અને બહાર અને ભીતરમાં ખાવાના અને દેખાડવાના હાથીદાંત સમાન કામ શબ્દ કરતો જ રહે.

શબ્દ અને સ્મૃતિ વચ્ચે પ્રગાઢ મૈત્રી છે. યુદ્ધ હોય કે શાંતિ સ્મૃતિ શબ્દને જગાડતી રહે છે. યુદ્ધ હોય ત્યારે ઇંધણ બની અગ્નિ પ્રજ્વલિત રાખે છે અને શાંતિમાં ખલેલના ખેલ પણ ખેલતી રહે છે. અર્જુનને જેમ કૃષ્ણ કહેતા હોય કે : “હે પરંતપ! (શત્રુને મૂંઝવી દે તેવા) આગળ વધ તારી પાસે રિપુઓ હંફાવતી અમોઘ શક્તિ છે.” સ્મૃતિ પણ શબ્દને પોરસાવતી રહે છે અને જરૂર પડે ઉકસાવતી પણ રહે છે. શબ્દને પોતાનું વજન હોય છે. આ વજન જાણવું ખૂબ જ જરૂરી હોય છે. શબ્દ પોતાની સાથે અનેક વજનનું વહન કરે છે. વ્યક્ત થતી વખતે તેના આરોહ-અવરોહ વિવિધ રીતના હોય છે. એ જ રીતે તેના સ્થાનપ્રયોજન પણ યોગ્ય હોવા જોઈએ. સ્મૃતિ સહજતાથી તે ગોઠવી આપી શકે પરંતુ તે શબ્દની સજગતાની કસોટી પણ કરે છે. શબ્દ અને સ્મૃતિ બન્ને રમતિયાળ છે, સર્જકપ્રતિભાને કસોટીએ ચઢાવે છે અને પરિમાણ પણ આપે છે. લાઘવને વ્યાપ અને રાઈનો પહાડ બનાવવાનું કામ આ બન્ને સાથે મળીને કરે છે. શબ્દનું ડહાપણ અને ગાંડપણ અસીમિત છે. તેને મર્યાદાની પાળ કોઈ બાંધી શકે તો તે પણ સ્મૃતિ જ. અને તે મર્યાદા વિસ્મૃતિની ગર્તામાં સરી પડવાની પ્રક્રિયા. શૂન્યમાં કે નિ:શબ્દ સ્થિતિ પામવાનો પુરુષાર્થ. આ શબ્દ અને સ્મૃતિના પ્રગાઢ મૈત્રીપૂર્ણ દ્વૈત અને ઐક્યની વાતનો અંત ન આવે. શબ્દ,સ્મૃતિ અને પરિણામ શ્રુતિ અંગે થોડું વિચારીએ તે પહેલાં કવિ,લેખક શ્રી રવીન્દ્ર પારેખની એક ગઝલની બે પંક્તિઓ મૂકવા મન થયું છે.

કોઈ કારીગર ચણે છે ભીતરે દીવાલ કૈ,
એટલે તો ચૂપ છતાં પડઘા સતત પડતા રહે.             

ધર્મ, અધર્મની વિભાવના અને વ્યાખ્યા કોણ કરે છે ? શ્રદ્ધેય, વિચારસમૃદ્ધો અને ગુણીજનો પરંતુ તેવા શબ્દોની સ્વાનુકુલ અર્થભંગી દ્વારા પ્રતારણા પણ શબ્દો જ કરે. શબ્દ, શબ્દનું ઉચ્ચારણ કરતી જીભ જેવો જ કૂણો છે. વાળો, મરોડો, મસળો, તોડો અને ફાવે ત્યાં અને મનફાવે તેમ ફેંકો. આવું કરનારાઓ અભિમાનપૂર્વક શબ્દ ઉપર તેમનો કેટલો કાબૂ છે તેવી ફૂલનફાળકી આપવડાઈ કરે પરંતુ તેઓ ભૂલી જાય છે કે અંતે તો એ શક્તિ શબ્દની જ છે. શબ્દની શક્તિનું વર્ણન કરતી જીભોનો મેરુ પર્વત રચાય. મહાશક્તિપુંજ શબ્દની રચના ક્યારે અને કેમ થઇ તેના ઇતિહાસની પિષ્ટપેષણ કરવા જઈશું તો શબ્દમાં જ અટવાઈ જઈશું. નાનકડી વાત માનીને આગળ ચાલીએ કે શબ્દ અને માનવ ઉત્ક્રાંતિનો ઇતિહાસ સરખો અને સમાંતર છે. શબ્દ ત્યારે મદદનીશ હતો. વેદ, ઉપનિષદ, વાલ્મીકિ , વ્યાસ, કાલિદાસ, ઉમાશંકર, સુન્દરમ્‌ શબ્દસ્વામીઓ અને તેવા અનેકે શબ્દની સેવા લીધી છે. સમય જતાં શબ્દાળું ધાડું આવ્યું અને શબ્દ સેવ્ય બની ગયો. વ્યાપાર અને વ્યવહારની જેમ અનેક સ્વરૂપ અને વિવિધ પરિવેશ ધારણ કરી. બોમ્બના ધૂંવાધાર ધોધની જેમ વરસી રહ્યો.  સેવકમાંથી તે પછી સત્તાધીશ બની કરચોની જેમ મન, મસ્તકમાં ઘૂસી ગયો. અત્ર તત્ર સર્વત્ર.

કહેવાય છે કે વિશ્વના વધુ માણસો જેનું કહેવાતું અનુસરણ કરે છે તેવા ત્રણ મોટા ધર્મો. ક્રિશ્ચિયન, ઇસ્લામ અને હિંદુ. બાઈબલ, કુરાન અને વેદ તેના ગ્રંથો. તે દરેક શ્રુતિ સ્વરૂપે-કહેવાયા, સ્મૃતિમાં સચવાયા અને લખાયા. આ કહેનારા, સાંભળનારા અને લખનારા અનેક. વિવાદ નિવારવા કહેવું કે માની લેવું કે તે ઈશ્વરે કહ્યા. આચરી અને અનુસરી શકાય તેવાં સત્ય અને સિદ્ધાંતોના ગ્રંથો. સત્ય તો એ જ હોય કે તે એક માત્ર અને સનાતન હોય. પરંતુ અંતે તો શબ્દ જ ને ! અગણિત અર્થગર્ભને ધારણ કરવાને સમર્થ શબ્દને લોકોએ માણ્યો તેમ પ્રમાણવાની પ્રક્રિયા શરૂ કરી. ધર્મ ધુરંધરો પરમ પૂજ્યની જમાતોની જમાત ઊભી કરી શબ્દને રમત રમવાની મજા પડી ગઈ. આંગણાઓ તો અઢળક હતાં જ અને વધતાં જ રહ્યાં. નવા નામે અને પરિવેશમાં નવા સ્થાનો ઉદ્દભવ્યા અને શબ્દોને રમવાની, નાચવાની અપરિમેય છૂટ મળી. વાંદરાને દારુ પાનારા અને પછી તેના તોફાનો ઝીલનારા મળ્યાં. વાહ વાહની ભીડમાં આળોટવા અને ઉલળવાની આ રમતોને જ્ઞાનીઓ અને શબ્દને જાણનારા નિસ્પૃહ ભાવે નિષ્ક્રિય બની જોઈ રહ્યાં. સત્યો કરતાં અર્ધસત્યોના વાઘાઓ શબ્દને ફાવવા માંડ્યા. કોલાહલમાં સત્યનો અવાજ જાણે ઓગળી જતો હોય તેવું લાગે. જેને આપણે સત્યો તરીકે સ્વીકાર્યા છે, તેનો મહિમા શબ્દની ઓળખ છે પરંતુ અંતે શબ્દ તો સાધન છે, વહેવું તેનો સ્વભાવ છે એટલે મળ્યાં વાહનની સવારી તે કરી લે છે.

વર્ષો પહેલાં શબ્દ વિષે લખ્યું હતું :

આંસુ, કદી ફૂલ, કદી ઠાલા શબ્દો,
મમતા, કદી શૂળ, કદી ભાલા શબ્દો.
ખીલા, કદી ઝેર, કદી અગ્નિપરીક્ષા,
અર્થના અનર્થ કદી ઢીલા શબ્દો,
શોક, કદી સુખ, કદી સર્પદંશ,
રંગ, કદી રૂપ, કદી ઘેલા શબ્દો.
વાણી, કદી મૌન, કદી આદર, અવહેલા,
ઠારે, કદી બાળે, કદી છાલા શબ્દો.
ભાવ, કદી ભક્તિ, કદી પ્રેમનું રટણ,
લોહી, કદી પાણી, કદી વ્હાલા શબ્દો.
લીલા, કદી લાલ, કદી મોરપિચ્છ રંગ,
‘શીલ’ને ઝબકોળે છે રંગરેલા શબ્દો. 

શબ્દ જ જેનો શ્વાસ હતો તે નરસિંહ મહેતાએ તેમના એક પ્રસિદ્ધ ભજનમાં પ્રભુને આરત કરી છે તે અહીં હું શબ્દ માટે ઉપયોગ કરું છું:

અડધાં પહેર્યા અડધાં પાથર્યાં અડધાં ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ .. હો રામ ..
ઊંચી મેડી તે મારા સંતની રે ..

શબ્દ બ્રહ્મ છે તેની આરાધના થાય, તેને પ્રેમ થાય પરંતુ તેને બદલે શબ્દની અરધી સમજની ખરબચડી જમીન પર ચાલી ઘણાં લોકોએ અર્થની અર્થી ઉપાડવાનું કામ કર્યું છે. શબ્દ હવે ખૂંચે છે. જ્ઞાનીઓએ ઊંચી મેડી પર બેસાડેલા શબ્દને આપણે જમીનદોસ્ત કરી દીધો છે. સૂરનો કલરવ હવે આરડતી વસ્તીમાં ખોવાઈ ગયો છે. શબ્દ શત્રુ બની ગયો છે. આતંક ફેલાવી રહ્યો છે. દ્વિધાઓનાં જંગલો બનાવી રહ્યો છે. વિવાદોની તીણી ચીસો સત્યને સાંભળવા-જાણવાની શક્તિ હરી રહ્યો છે. સંવાદ અને યોગને વિખવાદોની ગર્તામાં ધકેલી રહ્યો છે. શબ્દ બંધક બની ગયો છે. રવિ બાબુ! મુક્તિનું ગાન ગાવા ફરી એકવાર આવો! મને ખબર છે કે શત્રુ જીતવાનો છે. જેને સતત પ્રેમ કર્યો છે તેને મિત્ર બનાવવાથી જ જીત સાચી. આ માટે શબ્દની પાસે તો જવું જ પડે. ઉપાય વિસ્મૃતિ હોઈ શકે પરંતુ તે માટે વિસ્મૃતિરોગ નહીં પરંતુ વિસ્મૃતિ પ્રયોજકશક્તિ જોઈએ. તે માગી લીધેલા વરદાનથી નહીં સ્વયંને કેળવવાથી મળે.       

કહેવાય છે કે મૃત્યુ દબાયેલા પગે આવે છે. તેની પદચાપ પણ સંભળાતી નથી. એ નિ:શબ્દને આવકારતી વખતે શબ્દની એ શક્તિની મને ઓળખ હોય, શબ્દ કોલાહલ નહીં શાંતિનો સૂર રેલાવતો હોય અને મારા  નિ:શબ્દ અસ્તિત્વના દ્વાર આપમેળે જ ખૂલી જાય. નિ:શબ્દમાં હું ઓગળી શકું.

અસ્તુ.             

Email:  kanubhai.suchak@gmail.com

Loading

માણસની જરૂરિયાત ઘટી રહી છે, જોબ નથી … ! કેમ જીવશો જિંદગી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 March 2019

અમેરિકામાં જે ઘટના બની છે એ આવનારા દિવસોનો સંકેત આપે છે અને એ ભારત માટે કપરા હશે. અમેરિકામાં વિલયમ સિંગર નામના માણસે અમેરિકાની નવ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાનું અને પાસ કરાવવાનું કૌભાંડ કર્યું છે. મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ની માફક નકલી આઇડેન્ટિટી કાર્ડ બનાવીને એકની જગ્યાએ બીજો પરીક્ષા આપવા જાય એવું કેટલાક કેસમાં બન્યું હતું. વિદ્યાર્થી ભણવામાં ધીમો છે એવું ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવીને પરીક્ષા આપવામાં પંદર મિનિટ વધારે અપાવવી અને રમતગમતના માર્કમાં વધારો કરાવવો એવી કેટલીક તેની તરકીબ હતી. અમેરિકાનું યુનિવર્સિટી પ્રવેશ કૌભાંડ એક અબજ ડોલર કરતાં મોટું છે. કહેવાની જરૂર નથી કે સિંગરના ગ્રાહકો ધનપતિઓ અને સિનેતારકોનાં સંતાનો હતાં.

અમેરિકામાં વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર ભારત જેવું નમાલું નથી એટલે કૌભાંડ બહાર આવતાંની સાથે જે પગલાં લેવાવાનું શરૂ થયું હતું. સિંગર જેલમાં છે, આપવામાં આવેલા પ્રવેશો રદ્દ કે સ્થગિત કરવામાં આવ્યા છે અને અદાલતમાં ખટલો માંડવામાં આવ્યો છે. આવનારા એક કે વધુમાં વધુ અપીલ સાથે બે વરસમાં આરોપી સિંગર તકસીરવાર ઠરશે તો જેલમાં જશે. આટલી જે રાહત છે એ કાયદાના રાજની છે, હજુ સુધી આપણે ત્યાં જોવા મળે છે એમ ટ્રમ્પસાહેબ કાયદાના રાજની ઐસીતૈસી કરી શક્યા નથી, પણ સવાલ એ છે કે આવું બન્યું કેમ? ખાસ કરીને એવા દેશમાં જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત છે. કૌભાંડ કરનારાને અને તેનો ફાયદો લેનારાઓને જાણ હતી કે કૌભાંડ ઊઘાડું પડી શકી છે અને જો ઉઘાડું પડ્યું તો જેલમાં જવું પડશે અને લેવામાં આવેલા લાભ ગેરલાભમાં ફેરવાઈ શકે છે.

કૌભાંડનાં પરિણામ અંગેની પૂરી જાણકારી હોવા છતાં શા માટે આવું બન્યું?

કારણ બહુ સ્પષ્ટ છે; માર્કેટમાં જોબ નથી. યુવાન થયા પછી કરવું શું એ સમસ્યા છે. દરેક માણસને રોજી રળવી પડે છે. કામને અને કામનાં સ્વરૂપને સમાજે સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડી દીધું છે. ખેડૂતની પ્રતિષ્ઠા નથી પણ કારકુનની છે. દરેક વ્યક્તિ ઓછીવત્તી ઉત્પાદકતા અને સર્જકતા ધરાવતી હોય છે એટલે દોમદોમ સાહેબી હોય તો પણ અને કમાવાની જરૂર ન હોય તો પણ કામ તો જોઈએ જ. અંગ્રેજીમાં કહીએ તો દરેક માણસને એન્ગેજ રાખવો પડતો હોય છે અને નવયુવાનને એન્ગેજ રાખવા માટે કોઈ કામ નથી. આમ કામ એ શારીરિક, માનસિક અને આત્મિક એમ ત્રણેય પ્રકારની જરૂરિયાત હોય છે અને એ નજરે પડતું નથી.

આ જે નવી સ્થિતિ પેદા થઈ છે તેને અંગ્રેજીમાં આઈ.આર.-૪.૦ કહેવામાં આવે છે એટલે કે ફોર્થ ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન અર્થાત્ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ. પહેલી ક્રાંતિ જળ અને વરાળની ઉર્જાને કારણે થઈ હતી. બીજી ક્રાંતિ વીજળી અને યંત્રો દ્વારા વ્યાપક ઉત્પાદન(માસ એસેમ્બલી લાઈન પ્રોડક્શન)ને કારણે થઈ હતી. ત્રીજી ક્રાંતિ કમ્પ્યૂટરોને કારણે થઈ હતી અને ચોથી ક્રાંતિ સાયબર ફીઝિકલ સિસ્ટમ અથવા આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ અથવા રોબોટાઈઝેશનના કારણે થઈ રહી છે. ૨૦૧૧માં હૅનૉવર બીઝનેસ ફૅરમાં આકાર લઈ રહેલી આ નવી સ્થિતિને આઈ.આર. ૪.૦ એવું નામ આપવામાં આવ્યું હતું.

બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં માનવહાથની જગ્યા મશીને લેવા માંડી હતી. આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં માનવચિત્તની જગ્યા સાયબર ફિઝીકલ સ્પેસ લેશે. હવે તમારે ટેક્સી ગોતવા ગલીને નાકે નથી જવું પડતું. ઓલા કે ઉબર દ્વારા ટેક્સી તમારે ઘરે પહોંચી જશે અને એ કામ ઓલા કે ઉબરના કન્ટ્રોલ ટાવરમાં પ્રોગ્રામ્ડ ઇલેક્ટ્રોનિક ગેજેટો કરે છે. પાંચ હજાર જેટલી ટેક્સીની ફ્લીટ મેનેજ કરવા માટે પચાસ માણસનો સ્ટાફ નથી હોતો. ધારો કે તમારે  કોઈક જગ્યાએ જવું છે અને તમે ટેક્સી સર્ચ કરો છો. કંપની તમને તમારા ગંતવ્ય સ્થળનું અંદાજીત ભાડું ૧૫૦ રૂપિયા બતાવે છે. તમે ટેક્સી બૂક નહીં કરી અને એપમાંથી એક્ઝીટ લીધી. થોડી વાર પછી પાછા જશો તો એ જ સ્થળ માટેનું ભાડું ૧૭૫ બતાવશે, પણ એ જ ક્ષણે તમારો પુત્ર જો બીજા મોબાઈલમાંથી એ જ રૂટ માટે ટેક્સી શોધતો હશે તો તેને ૧૫૦ કે કદાચ તેના કરતાં પણ ઓછા બતાવશે. પ્રયોગ કરી જોજો. ગેજેટને ખબર પડી ગઈ છે કે કાં તો પ્રતિસ્પર્ધી કંપની વધુ ભાડું માગે છે અથવા તમારા વિસ્તારમાં નજીકમાં કોઈ ટેક્સી નથી. ત્રીજી વાર જશો તો હજુ વધુ ભાડું બતાવશે. કન્ટ્રોલ રૂમમાં કોઈ માણસ નથી, પ્રોગ્રામ્ડ કરેલું ગેજેટ છે જે આપણી ગરજ ઓળખી લે છે.

ભારતે પાકિસ્તાનમાં બાલાકોટ ખાતે ત્રાસવાદી છાવણી પર હુમલો કર્યો અને ત્રણસોથી પાંચસો ત્રાસવાદી માર્યા ગયા હોવાનો દાવો ભારતીય મીડિયામાં કરવામાં આવતો હતો ત્યારે એમ લાગતું હતું કે વિશ્વભરના પત્રકારો બાલાકોટ પહોંચી જશે. જો ભારતીય મીડિયા કહે છે એમ મોટી સંખ્યામાં ત્રાસવાદી માર્યા ગયા હશે, તો પાકિસ્તાન સરકાર વિદેશી પત્રકારોને બાલાકોટ જવા જ નહીં દે અને એમાં જ જે સમજવાનું છે એ સમજાઈ જશે. શું બન્યું ખબર છે? એક પણ પત્રકારે બાલાકોટ જવાની જહેમત લીધી નહીં. રૉયટરે સીધા ગૂગલ મેપ પાસેથી બે સેટેલાઈટ તસ્વીરો ખરીદી લીધી. એક ઘટના પહેલાની અને બીજી પછીની. એ તસ્વીરો દુનિયાભરમાં રિલીઝ થઈ, એ પછી ભારતના વાયુ દળના વડાએ કહ્યું હતું કે અમારું કામ હુમલો કરવાનું છે, જમીન પર કેટલું નુકસાન થયું તેની ગણતરી માંડવાનું નથી. ટૂંકમાં ઉત્પાદન હોય, સેવા હોય કે સુરક્ષા; માણસની જરૂરિયાત ઘટી રહી છે. જીવતો પણ ઉત્પાદન પ્રક્રિયામાં ખપ વિનાનો યુવાન એ આજના જગતની વાસ્તવિકતા છે.

જીવતો જાગતો, તંદુરસ્ત પણ ઉત્પાદન પ્રક્રિયામાં ખપ વિનાનો યુવાન એ બહુ ડરામણું દૃશ્ય છે. કલ્પના કરી જુઓ; લખલખું પસાર થઈ જશે. લોકોનો બુઢાપામાં નિવૃત્તિ પછી સમય કપાતો નથી, તો અહીં તો જનમ સાથે નિવૃત્તિ. જીવનનિર્વાહને લાગેવળગે છે ત્યાં સુધી દરેક નાગરિકને યુનિવર્સલ બેઝીક ઇન્કમ (યુ.બી.આઈ.) આપવામાં આવશે. આ ઉત્પાદન પ્રક્રિયામાં આડે નહીં આવવાનું ભથ્થું છે. કુબેરપતિઓને સરકાર દ્વારા અપાનારા યુ.બી.આઈ.માં હિસ્સો આપવો પરવડશે, માણસ નથી પરવડતો. માણસની અનુમાન કરવાનો અને નિર્ણય લેવાનો ગુણ ગેજેટે મેળવી લીધો છે. બીજી બાજુ માણસના ત્રાસ પામવાના અને આપવાના દુર્ગુણથી ગેજેટ મુક્ત છે. આનાથી વધારે બેસ્ટ ડીલ બીજું કયું હોઈ શકે અને આઈ.આર.-૪.૦ નવમૂડીવાદ માટે બેસ્ટ ડીલ છે. 

માણસનો ભોગ લેવાઈ રહ્યો છે. લવરમૂછિયા યુવાનનો ભોગ લેવાઈ રહ્યો છે અને સમાજ લાચાર છે. અસંતોષ વિસ્ફોટમાં ન પરિણમે એ માટે યુ.બી.આઈ. આપવામાં આવે છે કે આપવામાં આવશે. તેને પાણીના ભાવે કે મફત ડેટા આપવામાં આવે છે કે જેથી તે મૂકેશ અંબાણીની દીકરીનાં લગ્નની કલીપ જોઇને ઘેર બેઠા જાનૈયો થઈને માણે અથવા કન્યાવિદાય જોઈને ગળગળો થઈ જાય. વળી લવરમૂછિયા યુવાનનો સમય પસાર કરાવનારાઓ પાછા એમાં પણ કમાય છે. બાવાઓ અને બાપુઓ પોઝિટીવ થીંકીંગ શીખવાડે છે એટલે તમે તમારો વર્તમાન જોઇને હતાશ ન થાઓ. પોઝિટીવ બનો. જિંદગીના પ્રશ્નોની બાબતમાં પોઝિટીવ બનો. ઘણીવાર મનમાં સવાલ થાય કે ન્યુટને, આઇન્સ્ટાઇને, ગાંધીજીએ, ગેલેલિયો જેવા બાપુઓના મંડપમાં આળોટતા રહ્યા હોત અને પોઝિટીવ થીંકીંગ કરતા રહ્યા હોત, તો જગત આજે ક્યાં હોત? વળી પરમ પૂજ્યો જીવનની બાબતમાં પોઝિટીવ હોતા નથી. હજારો કરોડના સામ્રાજ્યોના માલિક છે અને હજુ વધુ ભેગું કરે છે.

બીજા રાજકારણીઓ છે જે આજની હતાશાની સ્થિતિનો લાભ લઈ રહ્યા છે. અમને વોટ આપો અમે તમારી સમસ્યા ચૂટકી વગાડતા ઉકેલી આપીશું. દરેક બીમારીનો ઈલાજ હું છું. આજે જગત આખામાં પ્રતિક્રિયાવાદી, તાનાશાહી મનોવૃત્તિ ધરાવતા નેતાઓ લોકપ્રિય થઈ રહ્યા છે. આપણે આપણી સ્વતંત્રતા અને લોકતાંત્રિક મૂલ્યો ફગાવી દેવા તૈયાર થઈ ગયા છીએ, જે આપણા પૂર્વજોએ ઝઘડીને, શહીદી વહોરીને મેળવ્યા હતા. હતાશામાં તારણહાર જોઈએ છે એટલે ખોટા માણસની આંગળી પકડતા પણ અચકાતા નથી. રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ એ ઘેનમાં રાખવાની ગોળી છે. ત્રીજા ઠગ છે જે આજની સ્થિતિનો લાભ લઈ રહ્યા છે. વાસ્તુ, દોરાધાગા, ગ્રહદશા બદલી આપવાનો દાવો કરનારા, દોરાધાગા અને વિઘ્નો હટાવવા હવન કરનારાઓ, મંત્રેલી વીંટી ફેરવનારાઓ વગેરે છે.

ચોથા છે; કોચિંગ કલાસીસ ચલાવનારાઓ, વગર વિઝાએ ગેરકાયદે વિદેશમાં ઘુસાડી દેવાની કબૂતરબાજી કરનારાઓ અને સિંગર જેવા દલાલો. અમે તમને ડેસ્ટીનેશન પર પહોંચાડી દઈશું, પછી તમારું નસીબ.

પણ જોબ જ નથી ત્યાં નસીબ શું કરે?

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2019

Loading

ચૂંટણી પ્રચારઃ લાઉડ સ્પીકરનો ઘોંઘાટ નહીં લાઇક્સ અને શેરનાં વરવાં ગિમિક્સ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 March 2019

નવાં માધ્યમોને પગલે ચૂંટણી પ્રચાર વધુ સભ્ય થવાને બદલે યોજનાબદ્ધ હોવા છતાં બેફામ બની ચૂક્યો છે.

તમે ચોકીદાર થયાં કે હજી બાકી છે? કે પછી તમે ચોકીદાર નથી થવાનાં? મોટા ભાગનાં લોકો જે લોકો ભક્તિને વર્યાં છે તે બધાં જ ચોકીદાર બની ચૂક્યાં છે. સોશ્યલ મીડિયાનાં ડિસપ્લે પિક્ચર્સ હોય કે પછી ચેટ એપ્પ્સનાં, બધાંનાં મજાનાં ફોટોગ્રાફની આસપાસ ‘મેં ભી ચોકીદાર’વાળું છોગું ચોંટી ગયું છે. સ્વભાવિક છે કે ભા.જ.પા.નાં સોશ્યલ મીડિયા સેલમાંથી જ આ આખા ખેલનો પહેલો દાવ રમાયો, અને પછી મોટાભાગનાંઓએ (કેટલાંકને તો આ ચોકીદારવાળી ચર્ચાનું મૂળ સુદ્ધાં સંપૂર્ણ રીતે ખબર નહીં હોય) ‘હું પણ’ વાળા વાદનું પૂંછડું પકડીને જાતને ચોકીદાર જાહેર કરી દીધી. દેશની સિક્યોરિટી એજન્સીમાં રાતોરાત ભરતી થઇ ગઇ અને ચોકીદારના જોક્સથી માંડીને મીમ્સ ફરવા માંડ્યા. વિરોધીઓ અને ટેકેદારો બંન્ને તરફથી ‘ચોકીદાર’ ડ્રામાને લઇને અનિવાર્ય અને ક્યારેક બિનજરૂરી દંડા પછાડ થવા માંડી છે.  આપણે ‘ચોકીદાર’ગીરીની ચર્ચા તો નથી કરવી, પણ આખી પરિસ્થિતિથી જરા અંતર કરીને જોઇએ તો બાળકને પણ સમજાઇ જાય એવી આ બાબત બીજું કંઇ નહીં પણ નર્યો ચૂંટણી પ્રચાર છે.

ચૂંટણી પ્રચારનું પ્રમાણ અને સ્વરૂપ બન્ને ધરમૂળથી બદલાઇ ગયાં છે. એક સમય હતો જ્યારે સાયકલ પર કે રિક્સામાં માઇક સાથે ભૂંગળા જેવું લાઉડ સ્પીકર લઇને બેસૂરા અવાજમાં બૂમો પડાતી, ‘ખેડૂત ખેડૂત ખેડૂત – તમારો મત ખેડૂતને આપો’ (મારા નાનપણમાં થતા ચૂંટણી પ્રચારમાંથી કોણ જાણે આ કયા પક્ષની પ્રચારપદ્ધતિ મને યાદ રહી ગઇ છે) અને આવું જ બીજા બધા પક્ષોનું પણ હતું. દિવાલો પર પક્ષનાં ચિહ્નો ચિતરાઇ જાય, ક્યાંક નારાબાજી અને નાનાં-મોટાં સરઘસ થાય, સભાઓ થાય, પોસ્ટર્સ અને હોર્ડિંગ લાગી જાય અને ફરફરિયાં લોકોનાં ઘરે ઘરે પહોંચવા માંડે અને એવું કેટલું ય ચૂંટણી પ્રચાર તરીકે થતું. મતદાન પહેલાંનો હોબાળો રંગીન, ઘોંઘાટિયો અને અસ્તવ્યસ્ત રહેતો. એક સમયે ચૂંટણી પંચે પેમ્પ્ફ્લેટિયા પ્રચાર પર બંધી કરી અને પછી જે પક્ષો પાસે આર્થિક ટેકો હતો તેમણે નવાં માધ્યમોની આંગળી ઝાલી. પી.વી. નરસિંહા રાવના શાસનકાળનો અંત નજીક હતો ત્યારે કૉન્ગ્રેસ પક્ષમાં નેતૃત્વના પ્રશ્નો હતા, ભ્રષ્ટાચારના વિવાદ હતા અને ત્યારે ડિરેક્ટોરેટ ઑફ એડવર્ટાઇઝિંગ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી (ડી.એ.વી.પી.) દ્વારા સરકારની સિદ્ધિઓ દર્શાવતા વીડિયો રિલીઝ કરાયા, એમાંનાં કેટલાક વીડિયોમાં તો નરસિંહ રાવ પોતે પણ દેખાયા. વિરોધ પક્ષોને આ કંઇ પસંદ ન પડ્યું. દૂરદર્શન અને ખાનગી ચેનલો પર આ વીડિયો બતાડવા પર પ્રતિબંધ મુકાયો પણ ત્યારે કેબલ નેટવર્ક્સનું જાળું પથરાઇ ચુક્યું હતું એટલે ત્યાં જાહેરાતો આવી. જો કે કંઇ ફેર પડ્યો નહીં અને વાજપાઈ તેર દિવસ માટે વડાપ્રધાન બન્યા અને પછી બે વર્ષ સુધી ગઠબંધનની સરકાર ચાલી. આ સરકારને પોતાના પ્રચાર માટે આકાશવાણી કે દૂરદર્શનનો ઉપયોગ કરવાની આવડત નહોતી. સત્તા ભૂખ અને આર્થિક સક્ષમતાને પગલે પક્ષોએ પ્રચાર માટે ‘પ્રોફેશનલ’ એજન્સીઝને કામ લગાડવાની શરૂઆત કરી. આમ તો ૨૦૧૪ની ચૂંટણીમાં બધી જ મોટી એજન્સીઓના સૌથી મોટા ‘ક્લાયન્ટ’ તરીકે ભા.જ.પા.નું નામ મોખરે હતું, પણ ખરેખર તો ૧૯૮૪ની સાલમાં રાજીવ ગાંધીએ સૌથી પહેલાં એડ એજન્સી રિડીફ્યુઝનને પોતાનું ઇલેક્શન કેમ્પેઇન સંભાળવાની જવાબદારી આપી હતી. ત્યારે કૉન્ગ્રેસ અને ઇંદિરા ગાંધીનાં પ્રશસ્તી ગીતો સાંભળાવતી કેસેટ્સ ઠેર ઠેર વાગતી હતી. ભા.જ.પા.ને આ કઠ્યું ખરું, પણ ૧૯૯૬નાં પ્રચારમાં તેમણે ‘સૂટકેસ કે પીછે ક્યા હૈ’ જેવા કૉન્ગ્રેસની ઠેકડી ઉડાડતાં ફિલ્મી ઢાળનાં ગીતોનો ઉપયોગ કર્યો , પરિણામે તેઓ ૧૬૧ બેઠકો જીત્યા.

સેલ-ફોન્સ અને કમ્પ્યુટરને પગલે આ બધી પદ્ધતિઓ અપરિપક્વ લાગવા માંડી. ૨૦૦૪ની ચૂંટણી દરમિયાન પ્રચાર દરમિયાન લોકોને વાજપાઈના અવાજમાં રેકોર્ડેડ મેસેજ પહોંચવા માંડ્યા અને સ્વાભાવિક છે કે સામાન્ય માણસ માટે આ ‘પર્સનલાઇઝ્ડ ટચ’ જાદુઇ સાબિત થયો. આ વિચાર મૂળ તો પ્રમોદ મહાજનનો હતો. ૨૦૧૪ પછી જે રીતે ચૂંટણી પ્રચારનું ક્લેવર બદલાયું છે, એમાં તો જાણે પક્ષોએ માઝા મૂકી છે. ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપ્પ હવે ચૂંટણી પ્રચારના કુરુક્ષેત્ર બન્યા છે. પક્ષોની વાતોમાં નવા નારાને બદલે આર અને પાયથન જેવાં સોફ્ટવેરની ચર્ચા થવા માંડી છે. સોશ્યલ મીડિયા દ્વારા મળતા ડેટાને આધારે રાજકીય પક્ષો નિસ્યંદન કરીને વ્યક્તિગત વિચારધારા, જૂથોના અભિપ્રાય જાણી શકે છે. આજકાલ મતદાર સાથે તાલમેલ મેળવવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો બહુ જ મોટાપાયે ઉપયોગ થાય છે.  મોટીમસ રેલીઓ, ભાષણબાજી, બેઠકો સાથે વર્ચુઅલી થયેલી ‘ચાય પે ચર્ચા’,  રોડ શોમાં વપરાયેલી થ્રી ડી હૉલોગ્રામ ઇમેજીઝથી માંડીને ફેસબુક પર પ્રોફાઇલ પિક્ચર માટેની સ્પેશ્યલાઇઝ્ડ ફ્રેમ, ટ્વિટર હેન્ડલ પર બદલાતાં નામો અને વૉટ્સએપ્પ પર આવતાં મેસેજીઝનાં મારા આ બધું જ ચૂંટણી પ્રચારને વધારેને વધારે અસરકારક બનાવવામાં કામ લાગે છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માટે ડેટા એનાલિસીસનું વેચાણ એક બિઝનેસ મોડલ છે, અને રાજકીય પક્ષો તેનો બેફામ અને બિંધાસ્ત ઉપયોગ કરે છે. પોસ્ટર્સ અને દિવાલો પર લખાપટ્ટી કે પેમ્પ્ફલેટ્સ પર પ્રતિબંધ મુકાયો છે પણ ઇલેક્ટ્રોનિક મીડિયા પર કોઇ પ્રતિબંધ નથી. ઉમેદવારો પર પ્રતિબંધો હોઇ શકે પણ રાજકીય પક્ષો પૈસા ખર્ચવામાં પાછળ વળીને જોતા નથી, અને એ પરિસ્થિતિ લોકશાહી પર તોળાતી તલવાર જેવી છે. ટેક્નોલોજીને આધારે ચાલતાં ચૂંટણી પ્રચારમાં પૈસા સૌથી અગત્યનું પાસું છે. ભા.જ.પા.એ તેની વૃત્તિ મુજબ ફાયદો કરાવે એનો કસ કાઢવો જ એમ કરીને ટેક્નોલોજી અને સોશ્યલ મિડીયાનો ઉપયોગ પક્ષમાં સભ્યો વધારવા માટે પણ કર્યો છે. આચાર સંહિતા લાગુ પડશે તો પણ ‘મૈં ભી ચોકીદાર’વાળાં ડિસપ્લે પિક્ચર્સ, મિમ્સ અને જોક્સ ફર્યા કરશે જેને રોકવાનું કોઇના ય હાથમાં નથી. ટેક્નોલોજી હોય તો પ્રચાર પ્રસાર ‘સોફેસ્ટિકેટેડ’ થવો જોઇએ તેને બદલે બધું જ હદની બહાર, આડેધડ ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. એસોસિયેશન ઑફ ડેમોક્રેટિક રિપોર્ટ અનુસાર ૨૦૧૭-૧૮માં ભા.જ.પા.ને ૨,૯૭૭ ડોનેશન્સ મળ્યાં છે જેનો આંકડો ૪૩૭.૦૪ કરોડે પહોંચ્યો છે જ્યારે કૉન્ગ્રેસને ૭૭૭ ડોનેશન્સમાંથી ૨૬.૬૫૮ કરોડ મળ્યા છે.

પારંપરિક પ્રચારની પદ્ધતિઓમાંથી ડિજીટલ પ્લેટફોર્મનાં ઉપયોગની શરૂઆત રાજકીય પક્ષો માટે પણ અજાણ્યાં પાણી જેવી હતી. વળી આ નવી પદ્ધતિઓને કારણે ગ્રામીણ મતદાતાઓ સુધી પહોંચવામાં આવનારી મુશ્કેલીઓનો પણ તેમને ખ્યાલ હતો, પણ ૨૦૦૮માં અમેરિકાની ચૂંટણીમાં ઓબામાએ જે રીતે ડેટા એનાલિસીસનો ઉપયોગ કર્યો એ પછી ૨૦૧૪ની ભારતીય ચૂંટણીનું ક્લેવર બદલાઇ ગયું. ભા.જ.પા. પાસે ૫૪૩ બેઠકોનો ડેટા હતો, તેમને મોબાઇલ ધારકો અને ઇન્ટરનેટ યુઝર્સનાં આંકડા ખબર હતા, જેને આધારે વ્યૂહરચનાઓ ઘડવામાં આવી. દરેક પોલિંગ બુથમાં કોણ ટેકેદાર હતું, કોણ વિરોધી હતું અને કોણ અનિશ્ચિત હતું તેનો ડેટા પણ પક્ષ પાસે હતો. સેલ-ફોન્સમાં જાહેરાતો, સોશ્યલ મીડિયા પર પ્રતિભાવોથી માંડીને વોઇસ બ્રોડકાસ્ટિંગ વગેરેનો પણ ખૂબ ઉપયોગ થયો.

ચોકીદાર એ ૨૦૧૯ની ચૂંટણીનો ‘બઝ વર્ડ’ બની ચૂક્યો છે. ભા.જ.પા. અને કૉન્ગ્રેસ બન્ને પોત-પોતાની રીતે ચોકીદાર શબ્દનો ખેલ ખેલી રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણી પછીનાં વર્ષોમાં ભારત સ્માર્ટ ફોનનું સૌથી ઝડપથી વિકસેલું માર્કેટ બની ચૂક્યું છે અને ચીન પછી સૌથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ ભારતમાં છે. ૪૫૦ મિલિયન ભારતીય પાસે સ્માર્ટ ફોન છે, ૩૦૦ મિલિયન ભારતીયો ફેસબુક પર છે અને, ૨૦૦ મિલિયન વૉટ્સએપ પર સંદેશાની આપ-લે કરનારાં છે. આવનારી ચૂંટણીમાં સોશ્યલ મીડિયાનું પ્રમાણ કેટલું વિસ્તર્યું અને વકર્યું છે એ ચોકીદારોની વધેલી સંખ્યાથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ જંગનાં શસ્ત્રો ફેસબુક, વોટ્સએપ, યુટ્યૂબ અને ટ્વિટર છે અને માટે ચૂંટણી પંચે પણ દરેક માધ્યમનાં વડાઓ સાથે બેઠક કરીને ચૂંટણી સંબંધિત ખોટા સમાચારો અને માહિતીઓના પ્રવાહને રોકવાની તજવીજ કરી છે.

બાય ધી વેઃ

દેશમાં જે રીતે વગર પગારના ચોકીદારોની સંખ્યા વધી છે, એ જોતાં સમજાય છે કે સોશ્યલ મીડિયા પર પોતાની હાજરીની નોંધ લેવાય એ માટે લોકો કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે. લાઇક્સ અને શેર્સને પગલે જેમને પા-શેર લોહી ચઢે છે, એવા લોકોને કારણે એક રીતે તો રાજકીય પક્ષોને જ લાભ થાય છે. જે રાજકીય પક્ષો આ ચર્ચાનો ભાગ નથી હોતા એ પ્રેક્ષક તરીકે મૂંઝવણ અનુભવવા માંડે છે કે હવે આપણે શું કરી શકીએ? પણ પછી ‘કૉલ મી રાહુલ’ પ્રકારના વાઇરલ વીડિયો તેમને પણ થોડોઘણો લાભ કરાવી જાય છે. નવી પેઢીને રાજકારણમાં રસ લેતી કરવા માટે સોશ્યલ મીડિયા અનિવાર્ય તો છે, પરંતુ રાજકીય પક્ષોએ સમજવું રહ્યું કે નવી પેઢી ચોકીદારવાળો પ્રોફાઇલ પિક્ચર નહીં જ મૂકે. ભક્તિવાદ તો જૂના અને જાણીતા જોગીઓને જ ધુણાવે છે. મૂળ તો ફરફરિયાં, પોસ્ટર્સ અથવા નારા બદલે ફ્લેટ સ્ક્રિન પર ચાલતા ચૂંટણી પ્રચારમાં છેતરામણી વાતો, આક્ષેપબાજી, દલીલબાજી, શો-ઑફ હદની બહાર થાય છે અને તે પણ અનિયંત્રિત. આપણે જાગૃત નાગરિક તરીકે ક્યાં અટકવું એ સમજી લેવું પડશે નહીંતર પેલા બહુ ચાલેલા વૉટ્સ એપ્પ જોકની જેમ પહેલા મૂરખા બન્યા અને હવે ગુરખા બનીશું! બીજું બાય ધી વે એમ કે  ચોકીદાર શબ્દની આટલી બધી ચર્ચા તો ક્યારે ય થઇ જ નથી, એટલે જે બિચારા ટાઢ-તડકો-વરસાદ અને ઉજાગરા વેઠીને ચોકીદારી કરનારા અચાનક જ મળેલું આટલું બધું અટેન્શન મળવાથી બઘવાઇ ગયા છે. એમને તો બસ ચોકીદારી કરવી છે, એમને પ્રધાનપદું સંભાળવામાં કોઇ રસ નથી. પણ યાર, સાહેબ ખરા છે, એક નોકરી પકડી રાખતા હોય તો, પહેલાં ચાવાળા, પછી પ્રધાન મંત્રી અને હવે પાછા ચોકીદાર!

સૌજન્ય : લેખિકાની ‘બહુશ્રૃત’ નામક કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2019

Loading

...102030...2,9532,9542,9552,956...2,9602,9702,980...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved