Opinion Magazine
Number of visits: 9968688
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઠેબે ચડ્યો છું મારામાં

પ્રફુલ્લ રાવલ|Poetry|17 March 2019

સાઠ વર્ષના અન્તરાલે,
આ પોષની થાકેલી સાંજે,
જૂના મહોલ્લાના ઝાંપે
વીજળીના થાંભલાને અઢેલીને ઊભો છું,
ત્યારે
એ ફળિયું ને એ સરિયામ
એ તુલસીક્યારો ને એ મંદિર
સંતાકૂકડી રમતાં બાળકો
કોઈ ખીલેલા, કોઈ કરમાયેલા
કોઈ રુક્ષ, કોઈ ચિંતાગ્રસ્ત ચહેરાઓ
વીંટળાઈ વળ્યા છે જાણે મને કંઈક ને કંઈક કહેવા.
જીમાશીનો પથરાયેલો કડપ,
સાથે મધુબાનું વેરાતું સ્મિત,
હજુયે જાણે સ્પર્શે છે મને,
સવારે ફળિયું વાળતાં-વાળતાં ઊડતી ઝીણી ધૂળ,
આંગણે મૂકેલી સગડીમાંથી નીકળતો ભૂખરો ધુમાડો,
હવાની દિશા પકડીને ભરાતો કોઈના ઘરના ઓરડામાં
ને આરંભાતું વિનિતાઓનું વાક્‌યુદ્ધ
બધાયે ચહેરામાં એક સાવ નોખો ચહેરો અત્યારે પણ જોઉં છું,
કેવો નિરાધાર!
એ ચહેરાના આધારે ભરાઈ ગઈ છે મારી વહી,
બસ, અવગણનાની એક ગીતા રચાઈ ગઈ છે.
તોય નહોતો કળાતો
કશોય અભાવ એ ચહેરા પર
‘અમે તો ઓળગાણાં
અમારે વળી શું ભાવ, શું અભાવ?’
હા, હું મણિવઉની વાત કરું છું,
એ કહેતી’તી :
‘જે દિ’ ન કોઈ ધુત્કારે અમને
તે દિ’ અમારે મન સોનાનો.
બાકી તો નસીબમાં ઠેબાં ને ઠેબાં.’
આ ક્ષણે હુંય જાણે ઠેબે ચડ્યો છું મારામાં.

E-mail : prafull.raval@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 11

Loading

યુદ્ધને ‘જશ્ન’ માનનારા તેનો હિસ્સો નથી, જે યુદ્ધમાં ભાગ લે છે તેને માટે એ ‘જશ્ન’ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 March 2019

યુદ્ધને હંમેશાં રાજકારણ અને સત્તા સાથે જ લેવાદેવા હોય છે, યુદ્ધ અને રાષ્ટ્રવાદ વચ્ચે કોઇ જ સંબંધ નથી.

“પાર્થને કહો ચઢાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ”, આ પંક્તિ ટાંકવી અને એની વાસ્તવિકતાને બહોળા દ્રષ્ટિકોણમાં જોવી, એમાં યુદ્ધ અને શાંતિ જેટલો ફરક છે. લખી નાખવું સહેલું છે પણ સામનો કરવો સહેલો નથી જ. છેલ્લા કેટલાક દિવસથી ‘વૉર’, ‘યુદ્ધ’, ‘બદલો’, ‘બતાડી દેવું’, ‘હંફાવી દીધાં’, ‘હવે તો પતાવી જ દેવાનાં’ એવા બધાનો મારો સતત ચાલ્યો. ચેટ ગ્રુપ્સથી માંડીને સોશ્યલ મીડિયામાં “યુદ્ધ નિષ્ણાત” બની ચૂકેલાઓએ ધડાધડ મિસાઇલો છોડી. લોકોમાં જાણે યુદ્ધનો જૂવાળ ફાટી નિકળ્યો. સતત ચાલતા આ ઘોંઘાટ વચ્ચે રાજકીય સ્તરે પણ ઘણી બધી હલચલ થઇ – એ શું થઇ એની ચર્ચા કરવાનો અર્થ નથી કારણ કે મોટાભાગની વાસ્તવિકતાઓ લોકો સુધી પહોંચી છે અને બોગસ વાતો લોકોએ ફેલાવવામાં જરા ય મોડું નથી કર્યું. નબળાં ફેફસે યુદ્ધનાં બ્યુગલ વગાડનારી જનતા ખરેખર યુદ્ધને કેટલું સમજે છે?

આખરે યુદ્ધ શું છે? યુદ્ધ એટલે એક એવો સક્રિય સંઘર્ષ જેમાં ૧,૦૦૦ કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં હોય. વિશ્વમાં ક્યારે ય પણ પૂરેપૂરી શાંતિ રહી છે ખરી? ૩૪૧૫ વર્ષ જૂના વિશ્વમાં કેટલાં વર્ષ શાંતિ રહી હશે? તમને શું લાગે છે? વિશ્વમાં માત્ર ૨૬૮ વર્ષ જ શાંતિ સ્થપાયેલી રહી છે, અને જેની નોંધ લેવાઇ હોય તેવા ઇતિહાસની ગણતરી કરીએ તો માંડ આઠ ટકા વૈશ્વિક ઇતિહાસ એવો છે, જેમાં શાંતિ રહી હોય. આધુનિક યુગમાં થયેલાં યુદ્ધોની ગણતરી કરીએ તો તેની શરૂઆત અમેરિકન સિવિલ વૉરથી કરવી પડે.

૧૮૬૧-૧૮૬૫ સુધી ચાલેલા સિવિલ વૉરથી એ નિશ્ચિત થયું કે અમેરિકા કેવા પ્રકારનું રાષ્ટ્ર હશે. સ્વતંત્ર અને ગુલામ રાજ્યો વચ્ચેના આ સંઘર્ષને અંતે ગુલામી તો નાબૂદ થઇ, પણ આ સિદ્ધિ ચાર વર્ષનાં અંતે ૬ લાખ ૨૫ હજારનાં મૃત્યુના આંકડા સાથે પ્રાપ્ત થઇ. ૧૯૧૪માં બ્રિટને જર્મની સામે યુદ્ધનું એલાન કર્યું, અને આખા વિશ્વમાં અસર કરનારું આ યુદ્ધ પ્રથમ વિશ્વ યુદ્ધ કહેવાયું. ૧૯૧૮, ચાર વર્ષ ચાલેલા આ યુદ્ધમાં જર્મની, ઑસ્ટ્રીઆ-હંગેરી, બલ્ગેરિયા, ઓટ્ટોમન એમ્પાયર જેવા સેન્ટ્રલ પાવર્સ તથા ગ્રેટ બ્રિટન, ફ્રાંસ, રશિયા, ઇટાલી, રોમાનિયા, જાપાન અને યુ.એસ. જેવા અલાઇડ પાવર્સ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધમાં યુરોપિયન દેશો દેવાના ભાર તણે દબાઇ ગયા અને અમેરિકા અગ્રણી ઔદ્યોગિક શક્તિ તરીકે ઊભરી આવ્યો. પ્રથમ વિશ્વ યુદ્ધને કારણે આર્થિક, સામાજિક, ટેક્નિકલ જેવાં અનેક પરિવર્તનો આવ્યાં પણ આ સાથે ચાર કરોડ જિંદગીઓ ખતમ થઇ ગઇ જેમાં સૈન્ય અને આમ નાગરિક બન્નેનો સમાવેશ થાય છે. મોતને ભેટેલાં, ઘવાયેલાં, ખોવાયેલા, રોગચાળાને કારણે ખલાસ થઇ ગયેલા એવા કેટલા ય ચહેરાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભૂંસાઈ ગયા.

આ પછી લોકોને અપેક્ષા હતી કે હવે યુદ્ધ નહીં થાય, પણ પછી પહેલાં વિશ્વયુદ્ધનાં લીધે આવેલા બદલાવોને કારણે બીજું વિશ્વ યુદ્ધ થયું. નાઝી જર્મનીમાં હિટલરે કાળો કેર વર્તાવ્યો અને અંતે ત્રીસથી વધુ દેશો એકબીજા સાથે યુદ્ધે ચઢ્યાં. ૧૯૩૯માં શરૂ થયેલું આ યુદ્ધ છ વર્ષ ચાલ્યું જેમાં લગભગ ૬ કરોડ લોકોનાં મોત થયાં જેમાંથી ૬૦ લાખ તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં માર્યા ગયેલા યહૂદીઓ હતાં. હિરોશીમા-નાગાસાકી પર અમેરિકાએ ન્યુક્લિયર શસ્ત્રનો ઉપયોગ કર્યો અને આવનારી પેઢીઓ માટે જીવતર ઝેર બની ગયું. આ શહેરોમાં કેટલાં ય વર્ષો સુધી રેડિયેશન પણ રહ્યું હતું. યુ.એસ. અને સોવિયેત યુનિયન મહાસત્તા બન્યા અને કોલ્ડ વૉર – શીત યુદ્ધમાં એમણે શિંગડાં ભેરવ્યાં. જો કે એ પહેલાં ઇઝરાઇલની રચના થઇ. નવા રાષ્ટ્ર અને પેલેસ્ટાઇન વચ્ચે એક વર્ષ યુદ્ધ ચાલ્યું. ઇઝરાઇલ સતત સંઘર્ષની સ્થિતિમાં જ રહેલો દેશ છે.  શીત યુદ્ધ બે તબક્કામાં ચાલ્યું. ૧૯૪૭-૧૯૫૩ અને ૧૯૮૫-૧૯૯૧માં એમ બે તબક્કાઓમાં કોરિયા, અફઘાનિસ્તાન, વિયેતનામનાં પ્રોક્સી વૉર્સ સતત ચાલ્યાં. ૧૯૯૧માં સોવિયેત યુનિયન વિખેરાયું તે સાથે શીત યુદ્ધનો અંત આવ્યો અને યુ.એસ.એ. સુપર પાવર રાષ્ટ્ર તરીકે સ્થાપિત થયું.

શીત યુદ્ધ દરમિયાન ૧૯૫૦માં કોરિયન વૉર થયું. ત્રણ વર્ષ ચાલેલા કોરિયન વૉરમાં ૫૦ લાખ સૈનિકો અને નાગરિકોનાં મોત થયાં. વળી ઉત્તર અને દક્ષિણ કોરિયાના ભાગલા આ યુદ્ધનું પરિણામ છે. ૧૯૫૪-૧૯૭૫ એમ કુલ ૨૧ વર્ષ ચાલેલા આ યુદ્ધમાં એટલી બધી જિંદગી ખલાસ થઇ ગઇ કે એનો આંકડો કેટલાં ય વર્ષો સુધી વધતો રહ્યો. એક અંદાજ પ્રમાણે આ યુદ્ધમાં ૩૫ લાખથી વધુ લોકો મોતને ભેટ્યાં. આ પછી ૧૯૭૯માં સોવિયેટ-અફઘાન યુદ્ધ થયું જે નવ વર્ષ ચાલ્યું. મુજાહિદ્દિન સાથે નાના માઓઇસ્ટ જૂથે મળીને સોવિયેટ આર્મી અને અફઘાનિસ્તાન સામે યુદ્ધ શરૂ કર્યું. આ પણ કોલ્ડ વૉરનું પ્રોક્સી વૉર જ હતું. એક અંદાજ પ્રમાણે પાંચથી વીસ લાખ જેટલા આમ નાગરિકો મોતને ભેટ્યાં. સોવિયેટ યુનિયન વિખેરાયું એટલે આ યુદ્ધ અટક્યું પણ અફઘાનિસ્તાનને આજે પણ કળ નથી વળી. ઇરાન-ઇરાક વચ્ચેનું ખાડી યુદ્ધ એંશીનાં દાયકામાં શરૂ થયું અને આઠ વર્ષ ચાલ્યું. તાલીબાનને કારણે ૨૦૦૧થી યુ.એસ. અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલે છે. તાલીબાન અને અલ-કાયદાના કેમ્પ્સનો ખાત્મો તો બોલાવાયો અને ઓસામા બિન લાદેનને પણ મોતને ઘાટ ઉ,તાર્યો પણ હજી સુધી અફઘાનિસ્તાન અસ્થિર છે. ૨૦૦૩માં શરૂ થયેલું ઇરાક વૉર ૨૦૧૧માં અટક્યું અને એ દરમિયાન સદ્દામ હુસેનનાં એક્ઝિક્યુશનથી માંડીને, ઇરાકી સિવિલ વૉર, અમેરિકન લશ્કરનું ફરી ઇરાકમાં જવું અને ઇસ્લામિક સ્ટેટનો અંત જેવી ઘટનાઓ થઇ અને આ બધાં સાથે છ લાખ લોકો મોતને ભેટ્યાં.

માત્ર વીસમી સદીમાં ૧૦ કરોડ ૮ લાખ જેટલાં લોકો યુદ્ધને કારણે મૃત્યુ પામ્યાં છે. યુદ્ધમાં પરિવારો વિખેરાઇ જાય છે, જન્મનો દર પણ ઘટે છે અને અર્થતંત્ર ખતમ થઇ જાય છે. ચીન પાસે સૌથી મોટું સૈન્ય છે અને પછી અમેરિકાનો વારો આવે છે. એક જૂના સર્‌વે અનુસાર ૨૦૦૩ની શરૂઆતમાં વિશ્વ આખામાં એક સાથે ૩૦ યુદ્ધો ચાલી રહ્યા હતાં. ગલ્ફ વૉરની કિંમત ૭૬ બિલિયન ડૉલર્સ હતી, વિયેતનામનાં યુદ્ધનો ખર્ચ ૫૦૦ બિલિયન ડૉલર્સ હતો, કૉરિયન વૉરનો ખર્ચ ૩૩૬ બિલિયન ડૉલર્સ હતો અને બીજું વિશ્વ યુદ્ધ ૩ ટ્રિલિયન ડૉલર્સનાં ખર્ચે ખેલાયું હતું. જ્યારે યુદ્ધ ખેલાય છે ત્યારે સામાન્ય નાગરિકની જિંદગી પણ વિખેરાય છે અને માણસોનું વિસ્થાપન થાય છે. રેફ્યુજીઝની કફોડી હાલત પણ યુદ્ધનું જ પરિણામ છે. નેવુંનાં દાયકામાં થયેલા યુદ્ધોમાં ૨ મિલિયનથી વધારે બાળકો વૉરનો ભોગ બન્યાં હતાં.

ઘર ભણી નજર કરીએ તો ભારત પાકિસ્તાન બંન્ને પાસે પરમાણુ શસ્ત્રો છે અને કાશ્મીરને કારણે ભાગલા વખતથી બન્ને રાષ્ટ્રો વચ્ચેનું વૈમનસ્ય યથાવત્ રહ્યું છે. બન્ને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે ૧૯૪૭માં, ૧૯૬૫માં અને ૧૯૭૧માં અને ૧૯૯૯માં એમ ચાર યુદ્ધ થઇ ચુક્યાં છે. બંન્ને દેશોએ ખરબો ખર્ચીને કન્વેન્શનલ શસ્ત્રો મેળવ્યાં છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝને મતે ભારતે સૈન્યમાં એટલો ખર્ચો કર્યો છે કે ડિફેન્સમાં ખર્ચને મામલે તે વિશ્વનો પાંચમો દેશ છે. યુદ્ધ તેનાં પરિણામો જેટલું જ અણધાર્યું હોય છે. આપણે એ હકીકતોથી પણ વાકેફ છીએ કે કઇ રીતે કયા રાષ્ટ્રએ પોતાનાં હિત માટે આતંકીઓને પાળ્યા, કે કયા રાષ્ટ્રએ તેને એમ કરવામાં આર્થિક મદદ કરી કે પછી કઇ રીતે તેલનાં કૂવા જેની પાસે હોય તેવાં રાષ્ટ્રોને અમુક રીતે હસ્તગત કરવામાં મહસત્તાઓ પોતાની લશ્કરી શક્તિ લગાડી દે છે. મૂળ વાત તો સત્તાની જ હોય છે. યુદ્ધ અને રાષ્ટ્રવાદને કોઇ કરતાં કોઇ જ સંબંધ નથી. યુદ્ધનો સીધો સંબંધ રાજકારણ સાથે જ છે. યુદ્ધ કંઇ લાઇન ઑફ કન્ટ્રોલ પર સૈન્ય વચ્ચે થતી લડાઇ નથી, તેમાં સ્પેસ, સાઇબર, ઇલેક્ટ્રોનિક જેવાં કેટલાં ય પાસાં ભળેલાં હોય છે. જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો એમાં કોઇને કોઇ રીતે ચીન પોતાનો ફાળો ભજવશે. ચીન અને ભારતની સરહદ અંગે પણ વિવાદ છે કારણકે ચીન જમ્મુ-કાશ્મીરના લદાખમાં જે ૧,૪૮૮ કિલોમીટરની સરહદ ભારત સાથે વહેંચે છે તેને ભારતનો હિસ્સો નથી ગણતું. પાકિસ્તાનની સુરક્ષામાં ચીનનો ફાળો હોવાથી યુદ્ધ થાય તો તે પોતાનાં સૈન્યને એ રીતે સાબદું કરી શકે છે કે ભારતીય સૈન્ય લદાખ તરફથી પાકિસ્તાનની સરહદે ન જઇ શકે. ચીન ટેક્નોલોજીને મામલે બહુ આગળ છે અને જો તે પાકિસ્તાનને મદદ કરે તો ભારત એ લડાઇને પહોંચી વળવા માટે સક્ષમ નથી. જો સ્ટ્રાઇક્સમાં ચીનના સુરક્ષા કર્મીઓ જે સીપેક પર કામ કરે છે તેમને નુકસાન થાય તો ચીન સ્વ રક્ષા માટે પણ યુદ્ધમાં ઝંપલાવી શકે છે. એક વાર આમ થાય એ પછી આ યુદ્ધ માત્ર ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ન રહેતાં એક કરતાં વધારે રાષ્ટ્રો વચ્ચે ખેલાશે અને યુદ્ધનાં પરિણામ સારા નથી હોતાં તે એનો ભોગ બનનારાં કહેવા માટે જીવતાં નથી.

મુત્સદ્દી વ્યુહરચનાઓ, મિલટરીનાં ટેસ્ટ એ બધું અન્ય રાષ્ટ્ર સામેનું અહિંસક શક્તિ પ્રદર્શન છે. એ પછીનો તબક્કો સબ કન્વેન્શનલ વૉરનો હોય છે જેમાં સર્જિકલ સ્ટ્રાઇક્સનો સમાવેશ થાય છે. આ તબક્કા સાયકોલૉજિકલ વૉરફેર ચાલે છે જેમાં મિસ ઇન્ફર્મેશન, ભ્રમણાઓ ખડી કરવી અને મૂંઝવણ ખડી કરવા ગપગોળા ચલાવવામાં આવે છે. એ પછીનું પગથિયું કોઇ ચોક્કસ પ્રદેશમાં રહીને ખેલાય છે, જેમ કે કારગિલ વૉર, આ દરમિયાન ભારતે એલ.ઓ.સી. ક્રોસ નહોતી કરી. આ તબક્કામાં ચોક્કસ હિસ્સાઓ પર બોમ્બિંગ વગેરે કરાય છે અને બે સૈન્યો મિલિટરી ગ્રેડનાં શસ્ત્રોથી યુદ્ધ કરે છે. જો સ્થિતિ તંગ બને તો પછી ન્યક્લિઅર વૉરનું સ્તર આવે છે, પાકિસ્તાને ધમકી તો આપી છે પણ હજી એ પરિસ્થિતિથી આપણે ઘણાં દૂર છીએ. આપણે બીજા તબક્કે છીએ અને ત્યાંથી આગળ ન વધીએ એ માટે આપણે ઘણાં પગલાં લેવા પડશે નહિતર પછી યુદ્ધની ખુવારી સિવાય કશું જ નહીં બચે. પરમાણુ શસ્ત્રો જેમ વાજપાઇએ કહ્યું હતું તેમ ધાક બેસાડવા હોઇ શકે પણ બધું ધૂળધાણી કરવા માટે તો ક્યારે ય નહીં.

બાય ધી વેઃ 

આપણે આજકાલ બધું અમેરિકા જેવું છે. પહેલાં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તડાફડી થતી ત્યારે અમેરિકન પ્રેસિડન્ટે અંગત ડિપ્લોમસી વાપરીને બન્ને દેશોને ધાર પરથી પાછા ખેંચી લીધા છે. ૧૯૯૯માં કારગિલ વોર હોય કે પછી ૨૦૦૨ની સ્થિતિ હોય. ૨૦૦૮માં કોન્ડોલિસા રાઇસ પણ મુંબઇના હુમલાનો આકરો જવાબ સરકાર ન આપે એ માટે અહીં આવી પહોંચ્યાં હતાં. હવે શું છે કે આપણે ત્યાં સાહેબ સાંભળે એમ નથી તો અમેરિકામાં બેઠેલા ટ્રમ્પ કે તેના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પેઓમાં તેમનાં પૂરોગામી જેટલું લેવરેજ હોય! અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે સત્તાની સ્પર્ધા ચાલી રહી છે અને વૈશ્વિક દ્રશ્ય બદલાઇ ચુક્યું છે. અમેરિકા આતંકવાદને પાળે છે વાળી વાતને બોગસ સાબિત કરવા ટ્રમ્પે ભારત સાથે દોસ્તી જરા વધારે પ્રદર્શિત કરી દીધી છે અને પાકિસ્તાનને સાવ અવગણ્યો છે. વળી અત્યારની તંગ પરિસ્થિતિમાં અમેરિકાએ ‘એક્સરસાઇઝ રિસ્ટ્રેન’ કહ્યું ખરું પણ એ કહેવામાં ય ખાસ્સી વાર કરી. અમેરિકાનું આવું વલણ ચીનને પાકિસ્તાન પર પકડ મજબૂત કરવામાં સહાય કરે છે. આ બધાંની વચ્ચે આપણાં ‘અભિનંદન’નું ઘરે પાછા ફરવું હૈયાને રાહત આપે છે. ચેટ ગ્રુપ્સ, સોશ્યલ મીડિયા કે અખબારોમાં ખેલાતાં યુદ્ધ અટકે એવી ઇચ્છા સાથે જે આતંકવાદીઓ માર્યા ગયા છે એની કોઇ નિશાની જોવા મળે તો ‘વોટ બેંકનો ખેલ’ સાવ પોકળ નથી એવું જાણવાની પણ ઇચ્છા થાય એ ચોક્કસ.

01 માર્ચ 2019

e.mail : chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

Loading

‘નોખા રસ્તા’

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|16 March 2019

આખી કૉલેજમાં પ્રથમ આવીને શુભાએ ઝળહળતી ફતેહ મેળવી હતી. તેજસ્વી, ચાલાક અને દેખાવડી શુભા પોતાની કારકિર્દીમાં ખૂબ આગળ વધશે એવી સૌને ખાતરી હતી અને થયું પણ એમ જ. સૉફ્ટવેર એન્જિનિયરીંગની ડિગ્રી મેળવીને હજી કૉલેજ છોડે તે પહેલાં કેમ્પસ ઇન્ટરવ્યુમાં એ પસંદ થઈ અને ભારત ખાતેની બહુરાષ્ટ્રીય કંપનીની શાખામાં નોકરી મળી ગઈ. જે હોય તે કહેતું, ‘શુભા, તું તો કેટલી નસીબદાર! આવી સરસ નોકરી મળી.’

‘હા, અને શરૂઆતથી જ પાંચ આંકડાનો પગાર! વર્ષે દિવસે કેટલાનું પેકેજ છે?’ સખીઓ આવી વાતોથી ખુશાલી વ્યક્ત કરતી, તો માતા–પિતા ગૌરવ અનુભવતાં.

‘આપણી શુભાએ તો આપણું નામ ઉજાળ્યું. જે મળે એ એની સફળતાની જ વાત કરતું હોય. વળી, પેપરમાં ફોટોયે આવ્યો. ત્યારથી સૌ આપણને ‘શુભાનાં મમ્મી–પપ્પા’ તરીકે ઓળખવા માંડ્યા. આ તો શરૂઆત છે, હજી જીવનમાં કેટલી આગળ વધશે, જોજો ને!’

પહેલે દિવસે ઑફિસે પહોંચી ત્યારે મિ. રાવ એને એની કેબિન બતાવવા સાથે આવેલા.

‘કૉંગ્રેચ્યુલેશન્સ અને બેસ્ટ ઓફ લક, શુભા. આ તારી કેબિન છે.’

એ પોતે કેબિનમાં ચારે તરફ જોઈ રહી. એસી કેબિનની બારીઓ પર લેટેસ્ટ ડિઝાઈનના મોંઘાદાટ પડદા, દીવાલો પર આધુનિક શૈલીનાં ચિત્રો, કૉફીનું મશીન, વિશાળ ટેબલ અને આરામદાયક બેઠકવાળી ખુરશી. એણે કદી કલ્પના પણ નહોતી કરી કે આવી આલિશાન કેબિનમાં બેસીને એ કામ કરશે. આટલું બધું મળવા છતાં એને કેમ અંદરથી આનન્દ નહોતો થતો? એ કેમ ખુશીથી ઉછળી નથી પડતી? મનમાં ઊંડે ઊંડે શેનો ખટકો હતો, એ એને સમજાયું નહીં. એનું કામ સમજાવવા મિસીસ કપૂર કેબિનમાં આવ્યાં ત્યારે એ ખુશ થઈ.

‘હાશ! ઘડીક કોઈ સાથે વાત કરવા મળશે.’ પણ મિસીસ કપૂર તો પૂરી ગંભીરતા સાથે ‘હાય! ગુડ આફ્ટરનૂન’ બોલ્યાં એટલું જ! પછી તો તરત એમણે કામ અંગે સમજાવવાનું શરૂ કર્યું.

લંચ ટાઈમમાં કેન્ટિનમાં નવી ઓળખાણો થશે એવું એણે ધાર્યું હતું; પણ જે કોઈ મળે એ જાણે પરાણે હસવા ખાતર હસતા હોય એમ ‘હા….ય!’ કરતા પોતાના ટેબલ પર બેસીને પોતપોતાના આઈફોન પર વ્યસ્ત થઈ જતા હતા. કોઈને કોઈ સાથે વાત કરવાની ફૂરસદ પણ નહોતી અને ઈચ્છા પણ નહોતી. થોડા વખત પછી અકળાઈને એણે પોતાના પપ્પાને કહ્યું પણ હતું,

‘પપ્પા, તમને બધાને ભલે લાગે કે હું બહુ નસીબદાર છું; પણ મને તો ઑફિસમાં ગૂંગળામણ થાય છે. સૌ જાણે ચાવી દીધેલાં પૂતળાં! યંત્રવત્ હસે, ખપ પૂરતું બોલે અને ચૂપચાપ પોતાનું કામ કરે. મને તો આવા વાતાવરણમાં અકળામણ થાય છે.’

‘ગાંડી રે ગાંડી, તારા જેવી સફળતા મેળવવા બધા ઝંખે ને તું આવી વાત કરે છે? નવું નવું છે એટલે એવું લાગે. પછી બધું આપોઆપ બરાબર ગોઠવાઈ જશે.’

મમ્મી–પપ્પાને શુભા માટે દેવાંગ યોગ્ય ઉમેદવાર લાગ્યો હતો. સોહામણો, ચપળ અને શ્રીમન્ત પિતાનો બહોળો કારોબાર સંભાળતો યુવાન. અઠવાડિયે, દસ દિવસે મળવાનું ગોઠવીને બન્ને પરિચય આગળ વધારવાની કોશિશ કરી રહ્યાં હતાં.

એક દિવસ કૉફી શૉપમાં એક્સપ્રેસો કૉફીની લિજ્જત માણતાં માણતાં શુભાએ ઓફિસની વાત શરૂ કરી, ‘જૉબ શરૂ કર્યાને મને લગભગ છએક મહિના થયા; પણ ઓફિસમાં બધા સાવ અજાણ્યા જ લાગે છે. જાણે માણસ માણસ વચ્ચે દીવાલ ન આવી ગઈ હોય! કોઈને કોઈની લાગણી કે સમ્વેદના સ્પર્શે જ નહીં! સૌ કોઈ પોતાની આસપાસ વાડ બનાવીને …’

અચાનક એણે જોયું કે એની વાતમાં દેવાંગનું જરાયે ધ્યાન જ નહોતું. એ પોતાના મોબાઈલમાં મશગૂલ હતો. ક્યારની પોતે જ બોલી રહી હતી. એને અપમાનજનક લાગ્યું.

‘દેવાંગ, મારી વાતનો તેં કંઈ જવાબ ન આપ્યો. તું સાંભળે છે કે પછી …’

‘યસ, યસ અફકોર્સ. સાંભળું જ છું; પણ તારી વાત કરતાં મારો આ મેસેજ વધારે ઈમ્પોર્ટન્ટ છે. યુ સી?’ ખભે પર્સ ભરાવતી શુભા ઊભી થઈ.

‘યસ, આઈ સી. મારી વાત કંઈ તારા મેસેજ જેટલી ઈમ્પોર્ટન્ટ નથી. પછી ક્યારેક મળીશું. ચાલ, હું જાઉં’

ઓફિસના એચ.આર. વિભાગમાં ક્યારેક કોઈ તજ્જ્ઞને વક્તા તરીકે બોલાવતા. આજના વક્તા હતા અભિજિત ત્રિવેદી. બીજા વક્તાઓની માફક અભિજિતે સૂટ નહોતો પહેર્યો, સાદા શર્ટ–પેન્ટ પહેર્યાં હતાં. પગમાં બ્રાન્ડેડને બદલે સામાન્ય છતાં સરસ બૂટ. એના હસમુખા ચહેરા અને રસપ્રદ શૈલીએ સૌનાં મન મોહી લીધાં.

‘માણસે પોતાની સગવડ માટે, પોતાની ગરજે, યંત્રોની શોધ કરી અને એ યંત્રો ચલાવવા લાગ્યો; પણ આજે હવે ધીમે ધીમે કરતાં માણસ ખુદ જ યંત્ર બનતો જાય છે અને રોબો જેવું યંત્ર, માણસનાં બધાં કામ કરવા લાગ્યું. યંત્ર બનેલો માણસ હવે બીજા માણસ સુધી પહોંચી નથી શકતો. અન્ય વ્યક્તિ સાથે હળવા–મળવા કરતાં એ વધુ ને વધુ એકલો, સ્વકેન્દ્રી અને પોતાના ટાપુ પર જીવતો થઈ ગયો છે.’

સૌ સ્તબ્ધ થઈને એને સાંભળી રહ્યાં. પ્રશ્નોત્તરી વખતે શુભાએ પૂછ્યું, ‘આમાંથી બહાર નીકળવાનો ઉપાય શો હોઈ શકે ?’

‘પ્રકૃતિ તરફ પાછા વળવું. યંત્રને બદલે માણસને ચાહવાં. હું આદિવાસી બાળકો સાથે કામ કરું છું. એમાં મને જે આનન્દ મળે છે, એ આ સિમેન્ટ કોંક્રીટનાં જંગલમાં શોધ્યો જડતો નથી. તમારામાંથી કોઈનેયે મારી સાથે જોડાવાની ઈચ્છા થાય તો તમારું સ્વાગત છે.’

એક ધ્યાને સાંભળી રહેલી શુભાને થયું, ‘બસ, મારું મન જે ઝંખતું હતું તે આ જ છે. જે જીવનરસ સૂકવી નાખે, એવી નોકરી કે એવો જીવનસાથી, મારે નથી જોઈતાં.’

એણે અભિજિતનો નંબર પોતાના મોબાઈલમાં ‘સેવ’ કર્યો અને પછી તરત જ દેવાંગને ‘મેસેજ’ કર્યો – – –

‘આજે, અત્યારે જ મને સમજાયું છે કે, આપણા રસ્તા અલગ છે. હું મારે રસ્તે જવાની છું. તને તારા મનગમતા રસ્તે આગળ વધવાની શુભેચ્છા સાથે ..’

[‘અર્પણા મહાજન’ની ‘મરાઠી’ વાર્તાને આધારે.]

(તા. 01-10-2018ના ‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાં છેલ્લે પાને પ્રકાશિત થયેલી વાર્તા)

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર, વલસાડ– 396 001

ઈ.મેઈલ : avs_50@yahoo.com

♦●♦

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 422 –March 17, 2018

Loading

...102030...2,9592,9602,9612,962...2,9702,9802,990...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved