Opinion Magazine
Number of visits: 9968858
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી લડત ફાસીવાદ સામે

જયંતી પટેલ|Opinion - Opinion|15 March 2019

સ્વાધીનતા તથા ત્યાર પછીના બેએક દશકાના જાહેરજીવન અને નેતૃત્વની સાથે વર્તમાનને સરખાવતાં વિષાદયોગમાં સરી પડાય છે. નેતૃત્વ તથા જાહેરજીવનમાં એવાં તે કેવાં આચરણ, મૂલ્યો અને વ્યવહારોને આપણે ઉત્તેજન આપ્યું કે એખલાસ, મૂલ્યનિષ્ઠા, પ્રામાણિકતા, સેવાવૃત્તિ, પ્રજાના યોગક્ષેમ માટેની ચિંતા તથા તે માટે ઝઝૂમવાની સક્રિયતા લોપાતી ગઈ અને ધિક્કાર, ભેદભાવ, સત્તા માટેની તડજોડ, ભ્રષ્ટાચાર, પ્રજાના યોગક્ષેમની અવજ્ઞા, વ્યક્તિગત સ્વાર્થની સાધના માટે જાહેરજીવનનો ઉપયોગ, ગુંડાગીરી, બેફામ જુઠાણાં તથા વચનો દ્વારા પ્રજા સાથે છેતરપિંડી વ્યાપક બન્યાં છે?

જાહેરજીવનનાં વિચાર-આચારનાં મૂલ્યોના ઘડતરમાં તથા તેનાં ઉર્ધ્વીકરણમાં પ્રબુદ્ધ-વિચારશીલ અગ્રવર્ગના આચાર-વિચાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તદુપરાંત, માર્ક્સે દર્શાવ્યા મુજબ, આર્થિક-ભૌતિક ઉત્પાદકીય પરિબળો પણ અસરકારક છે. છેલ્લા દશકાઓ દરમિયાન રાષ્ટ્રના જાહેરજીવનના આચાર-વિચાર ઉપર સત્તાની દોડમાં ગળાડૂબ રાજકારણીઓએ આ બંને પરિબળો પર કબજો જમાવ્યો હોય તેમ લાગે છે. પરિણામે પ્રબુદ્ધ વિચારશીલતા નષ્ટ પામી છે કે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને સત્તા આર્થિક સમૃદ્ધિ એકત્ર કરવાનું સાધન બની રહી છે. એટલે કે, સ્વસ્થ જાહેરજીવનની પુનઃસ્થાપના માટે, પ્રજાકીય જાગૃતિ દ્વારા સત્તાના રાજકારણ સામે મોરચો માંડવો રહ્યો, સંઘર્ષ કરવો રહ્યો.

આમ પ્રજા જાહેરજીવનમાં મૂલ્યોના મહત્ત્વને સમજે છે. વિચારશીલોનું કામ આ મૂલ્યોને વ્યાખ્યાબદ્ધ કરી, પ્રજાને સંગઠિત કરી, તે માટે આગ્રહ સેવતા કરવાનું છે. આ માટે એ જરૂરી છે કે બંને વચ્ચે સંબંધસેતુ રચાય. આવો સેતુ રચવા માટે પ્રજાની મૂળભુત આવશ્યક્તાઓની માંગોના ઉકેલ માટે તેમને સાથ-સહકાર આપી તેમ જ, સાથેસાથે, મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહને સાંકળી લેવાનું કાર્ય હાથ ધરવું જોઈએ. મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહ સિવાયની આર્થિક સમૃદ્ધિ કે વિકાસ પૂરતાં નથી. ઠેરઠેર આવાં વૈચારિક તથા સંઘર્ષનાં કેન્દ્રો વિકસાવવાની તાતી જરૂર છે. આ કેન્દ્રો લોકશાહીના સમર્થક, પ્રામાણિક, પ્રજાને જવાબદાર ઉમેદવારો ચૂંટાય તથા તેમના કાર્યો ઉપર નજર રાખે તેવું પણ બને. એટલે કે, વૈચારિક અને રચનાત્મક-સંઘર્ષાત્મક પ્રવૃત્તિએ હાથમાં હાથ મિલાવી ચાલવું રહ્યું.

આપણી લડત માનવીય મૂલ્યોના વિરોધી, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલીનાં ધારાધોરણોની અવજ્ઞા કરતાં, સમાજ તથા રાષ્ટ્રને વિભાજીત કરતાં, આડો-ઊભો વેતરી નાંખતાં ભેદભાવ અને ધિક્કારને પોષતાં અને ફેલાવતાં, હિંસા-હત્યા-દમનને પ્રેરતાં, ફાસીવાદી પરિબળો સામે છે.

ભારતમાં છેલ્લા નવેક દાયકાથી ફાસીવાદી વિચારધારાનું સમર્થક આંદોલન વિકસતું રહ્યું છે. માનવીય મૂલ્યો અને વિચારશક્તિને કુંઠિત કરતાં પ્રચાર કેન્દ્રો દ્વારા તેણે ચાવીથી ચાલતાં રમકડાં જેવા રોબોપેથો (રોબોટ-યંત્રમાનવ-જેવી માનસિકતા ધરાવતા) સર્જ્યા છે. આક્રમક-રાષ્ટ્રવાદી ઉન્માદ, મૂડીવાદી પરિબળો, જુઠાણાં અને લલચાવનારાં વચનો, ધાકધમકી તથા ચાલબાજીઓ (ઈ.વી.એમ. સાથે ચેડાં કરી તથા વિપક્ષના વિધાયકોને ફોડી) અજમાવી સત્તા ઉપર કબજો જમાવ્યો છે. આ પાંચેક વર્ષમાં તો તેનું શેતાની સ્વરૂપ પ્રગટ થઈ ચૂક્યું છે. તેની સામેની લડત આંતરવિગ્રહ જેવી કપરી, લોહિયાળ, વિનાશક અને પીડાદાયક ના બને તેવી આશા રાખીએ. આવી આશા રાખી શકાય તેવાં કારણો પણ છે. આ ખોફનાક વાદળોનો ઘટાટોપ વિખરાશે અને ભારતમાં માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી, એખલાસ, અમન અને શાંતિનો માહોલ પ્રસરશે તેવી આશા રાખવા પ્રેરે તેવાં પરિબળો પણ છે.

પ્રથમ તો, બહુમતી જનતા હજી આ ફાસીવાદી રંગે રંગાઈ નથી. એવી વ્યક્તિઓ, સંગઠનો અને પક્ષો છે જે લોકશાહીની રક્ષા માટે સચિંત અને કાર્યરત છે. ચૂંટણીઓ દ્વારા અહિંસક માર્ગે શાસક પક્ષને બદલવાની શક્યતા સુલભ છે. કેટલાંક રાજ્યોમાં બેત્રણ પક્ષો વચ્ચે સમજૂતી સાધી, વિરોધી મતો વહેંચાઈ જાય નહીં તેવી ગોઠવણ થઈ રહી છે, પરંતુ ઇન્દિરાઈ કટોકટી સમયે જેમ બધા વિરોધપક્ષોએ એક થઈ જનતા મોરચો રચ્યો હતો તેવી સમજૂતી સર્જવી રહી. આવી સમજૂતી દ્વારા સાઠ ટકા ઉપરાંત મતો એકત્ર થઈ શકે અને સત્તાપક્ષને દૂર કરી શકાય.

અલબત્ત, ફાસીવાદીઓને માત્ર સત્તાસ્થાનેથી દૂર કરવા પૂરતું નથી. મહત્ત્વની લડત તો ફાસીવાદી વિચારશૈલી તથા માન્યતાઓની સફાઈ કરવા માટે વ્યાપક વૈચારિક આંદોલન કરવાની તથા તે માટેની તાલીમ શિબિરોના આયોજન દ્વારા માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી તથા વિચારશૈલી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, રેશનલ અને સેક્યુલર વલણ તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવવા ઉપર પણ ધ્યાન આપવું રહ્યું. આમ, સંગઠન તથા વૈચારિક એમ બંન્ને મોરચે લડત આપવાનો પડકાર ઉપાડવાનો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 03

Loading

નવું ભારત, યુવાબેકારીથી બદબદતું ભારત ….!

ભરત મહેતા|Opinion - Opinion|15 March 2019

મોદીયુગની સરકારી જાહેરાતની ધૂનમાં કેટલાક ભક્તજનો ‘નવું ભારત’ કહેવા માંડ્યા છે. જો કે એક અર્થમાં એ તદ્દન સાચું છે, કારણ કે બેકારી જેવી કેટલીક બાબતોમાં વિક્રમસર્જક વધારો આ ભારતને નવું ભારત ગણાવી શકે!

લોકસભાની ચૂંટણીના હાકલા પડકારોમાં યુવા બેકારીનું ચિત્ર સરકારી આંકડાઓ મુજબ કેટલું વરવું છે તે જાણવું જરૂરી છે. નહિતર ‘પકોડા ઉદ્યોગ’ની વાતો કહીને મદારીઓ તાળીઓના ગડગડાટ પામશે. અત્યારે ભારતમાં ૩૫ ટકા યુવાનો છે. એ અર્થમાં ભારત વિશ્વનો સહુથી યુવાન દેશ છે. જે દેશમાં આટલાં યુવાનો હોય ત્યાં યુવાનો માટે સૌથી વધુ બજેટ અને યોજનાઓ હોવી જોઈએ. અચ્છે દિન, ૧૦૦ સ્માર્ટસિટી, પંદર લાખની જેમ જ પ્રતિવર્ષ બે કરોડ નોકરીનું ગાજર લટકાવીને મોદી સરકાર અસ્તિત્ત્વમાં આવી. પરંતુ યુવાનોના સંદર્ભે વાસ્તવિક તદ્દન વિપરિત છે. જેના કારણે બેરોજગારી ચરમબિંદુએ પહોંચી છે. વળી આ યુવાનોની ડિગ્રી મોદીસાહેબ કે સ્મૃતિ ઇરાની જેવી નથી. મોંઘીદાટ શિક્ષણવ્યવસ્થામાં પેટે પાટા બાંધીને મેળવી છે.

ઈ.સ. ૨૦૧૧ની વસતિગણતરીમાં ૪૨ કરોડ યુવાનો હતા જે ૨૦૨૧માં ૪૭ કરોડ થશે! ઉચ્ચ શિક્ષણનું ખાનગીકરણ, કુદરતી સંસાધનોનું ખાનગીકરણ, સરકારી સંપત્તિનું ખાનગીકરણ જે તીવ્ર વેગે થઈ રહ્યું તેનાં કારણે બેકાર યુવાનોની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતો પછીના ક્રમે નિરાશ યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. માત્ર વિદ્યાર્થીઓની જ વાત કરીએ તો એક પત્રિકાને ઇન્ટરવ્યુ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લાં ચાર વર્ષમાં એટલી રોજગારી મળી છે કે ગણી જ ન શકાય! વાત સાચી છે કારણ કે એટલી ઓછી છે! તઘલખી તર્ક કરતાં એમણે કહ્યું ૧૦,૦૦૦ રિક્સા વેચાઈ તેથી દશ હજાર ડ્રાઈવરને રોજગાર મળ્યો, એને રિપેર કરનારા, એમાં ડિઝલ નાંખનારા ઉમેરો તો ત્રીસ થાય ! કોઈ ગણિતશાસ્ત્રી કે અર્થશાસ્ત્રીને આ હિસાબ ગળે ઊતરે? લાખો શિક્ષિતો રિક્સા ખરીદતા હશે? ખરીદે તો શરમજનક નથી? રેલવેની ‘સી’ અને ‘ડી’ ગ્રેડની ૯૦,૦૦૦ નોકરી માટે ૨.૮૦ કરોડ અરજીઓ થઈ! મુંબઈ પોલીસની ૧,૧૩૭ જગા માટે દસ લાખથી વધુ બેકારોએ અરજી કરી! એમાં ૪૨૩ એન્જિનિયર અને ૧૬૭ એમ.બી.એ. હતા, જ્યારે યોગ્યતાની જરૂર હતી બારમું પાસ. ઉત્તરપ્રદેશમાં ગ્રામપંચાયત અધિકારી, ગ્રામવિકાસ અધિકારી, સમાજકલ્યાણના વિકાસ અધિકારીની ૧,૯૫૩ જગા માટે ૪૪.૩૩ લાખ અરજીઓ આવી! આ તો થોડાંક જ ઉદાહરણો છે. બધે આ જ હાલત છે. આઈ.એલ.ઓ.(ઇન્ટરનૅશનલ લેબર ઓર્ગેનાઈઝેશન)ના જણાવ્યા અનુસાર ભારત દુનિયાનો સહુથી મોટો બેરોજગાર દેશ છે! રોજગારીનો દર સ્થિર રાખવા પ્રતિ વર્ષ ૮૨ લાખ નોકરીઓની જરૂર છે. દરમહિને ૧૩.૧૯ લાખ બેકારો ઉમેરાઈ રહ્યાં છે! આ વરવા ચિત્રની સામે નોકરીઓ વિશેના સત્તાધીશોનાં ઉચ્ચારણો એમની નફ્ફટાઈને પ્રતિબિંબિત કરે છે.

‘મુદ્રા યોજના’ હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં સરેરાશ અરજીકર્તાને સ્વરોજગાર માટે ૪૩,૦૦૦ રૂપિયા આપ્યા, આમાં કયો રોજગાર થઈ શકે ? શું આ ક્રૂર મજાક નથી? હકીકત એ છે કે સરકારની નીતિ ઔદ્યોગિક ગૃહોને સંસાધનો વેચી દેવાની છે જેથી અનેક ક્ષેત્રો ખાનગી કરી રહ્યાં છે. એક ટકા લોકો પાસે દેશની ૫૮ ટકા સંપત્તિ છે. દેશના ૫૭ અબજોપતિ પાસે દેશની ૭૦ ટકા સંપત્તિ છે! ઈ.સ. ૨૦૧૭થી ૨૦૧૮માં ૨૬,૦૦૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. ૨૦૧૬માં ૯,૪૭૪ની સંખ્યા હતી. પ્રત્યેક ૫૫ મિનિટે એક વિદ્યાર્થી ભારતમાં આત્મહત્યા કરે છે! અલ્હાબાદ, દિલ્હી, કોટા, બૅંગ્લોર કોચિંગ ક્લાસની દુનિયામાં સખત મહેનત કરનારાઓને પેપરલીક થઈ જાય, ઉંમર પૂરી થઈ જાય ત્યારે શું વીતતું હશે? ‘વિકાસ’ના નામે થઈ રહેલો આ ‘જૉબલેસ ગ્રોથ’ છે. ‘વિકાસ’ની દંતકથાઓ ચીરી નાંખે છે. મેં જોયું છે કે શહેરની સોસાયટીઓમાં મોદી-મોદી કરનારા મોટા ભાગનાં કુટુંબોના દીકરાઓ વિદેશમાં જ જવા માંગે છે! આ ‘મુખમાં મોદી અને બગલમાં વિસા જંબુરીને’ એ નથી સમજાતું કે અહીં નોકરીઓ કેમ નથી?

આવી પરિસ્થિતિમાં, જ્યાં શિક્ષણ-રોજગાર કે આરોગ્ય સુવિધાના ફાંફા હોય ત્યાં ખોટા ખર્ચ ઘટાડવાની જરૂર છે ત્યાં દેખાડો કરવામાં આવે છે. દુનિયાની સહુથી મોટી મૂર્તિના નામે સરદાર પટેલની ૩,૦૦૦ કરોડની મૂર્તિ શું સરદાર પટેલનું અપમાન નથી? હવે શિવાજી, રામની મૂર્તિની જે તે સરકારે જાહેરાત કરી દીધી છે જે સરદારથી પણ મોટી હશે! કુંભમેળો ૫,૦૦૦ કરોડમાં પડશે. અયોધ્યામાં દિવાળીએ ત્રણ લાખ દીવડાંનો વિશ્વવિક્રમ કરવામાં કરોડો ખર્ચાય. રેલવે સ્ટેશન અને શહેરનાં નામ બદલવામાં કરોડો ધૂળધાણી થયાં! મોદી સરકારે જાહેરાતોમાં પણ વિક્રમ સર્જ્યો છે – ૫,૦૦૦ કરોડ રૂપિયા! શું આવી પરિસ્થિતિમાં આ શોભાસ્પદ છે ? કુંભમેળામાં ૫,૦૦૦ કરોડ સામે ઉત્તરપ્રદેશનું ઉચ્ચશિક્ષણ બજેટ ૧૬૭ કરોડનું છે! ગાઝિયાબાદમાં કૈલાસ માનસરોવર ભવન ૯૫ કરોડમાં આકાર લઈ રહ્યું છે!

નવા રોજગારની વાતો બાજુ પર મૂકીએ પરંતુ જે સરકારી જગ્યાઓ ખાલી પડી છે તે ભરવાની પણ આ સરકારે દરકાર નથી કરી. ૨૦૧૮માં રાજ્યસભા અને લોકસભામાં પૂછાયેલાં સવાલોમાં સરકારે જણાવ્યું કે કેન્દ્ર સરકારમાં ૨૪ લાખ જગ્યાઓ ખાલી છે! ૫.૪ લાખ પોલીસ, ૨.૫ લાખ રેલવેમાં, ૫૪,૦૦૦ ટપાલખાતામાં, ૧૦ લાખ શિક્ષકો, ૧.૫ લાખ આરોગ્યમાં, ૧.૨ લાખ સંરક્ષણમાં વગેરે રાજ્યસરકારોની નોકરીઓ આમાં મેળવો તો બે-અઢી કરોડ જગ્યાઓ ખાલી છે. શું પોતાના પાંચ વર્ષમાં આ જગ્યાઓ ભરવાનું કામ સરકારો ન કરી શકત? જે કામ કર્યું એ એટલું ભ્રષ્ટાચારી હતું કે ઉત્તરપ્રદેશમાં પ્રત્યેક ભરતી પછી કોર્ટ દ્વારા ગોટાળા બહાર આવ્યા ને હજુ ભરતી લટકે છે! પરીક્ષા જ ન આપી હોય એ પસંદ થયાના દાખલા મળ્યા. પછી જેમ રાફેલ સુધી થતું હોય છે તેમ ‘કાગળો બળી ગયા’ સરકારે ખુલાસો કર્યો! જળ, જમીન અને જંગલ પર કબજો જમાવતી, સસ્તી વીજળી મેળવતી, સરકારી આર્થિક મદદ મેળવતી ખાનગી કંપનીઓ પણ નોકરિયાતોને છુટ્ટાં કરી રહી છે. વેદાંતાએ ૫૦,૦૦૦, ફ્યુચર એન્ટરપ્રાઈઝે ૧૧ હજાર, ફોર્ટિસે ૧૮ હજાર, મહિન્દ્રાએ ૧૧ હજાર કામદારોને છુટ્ટાં કર્યાં! નોટબંધી અને જી.એસ.ટી.નાં કારણે ખાનગી ક્ષેત્રે ૩૫ લાખ નોકરીઓ ઘટી છે.

આવા ભારતને નવું ભારત કહેતાં ભક્તજનોને ગોરખ પાંડેની એક કવિતા જ સંભળાવી દઈએ.

“રાજા બોલા રાત હૈ
રાની બોલી રાત હૈ
મંત્રી બોલા રાત હૈ
સંત્રી બોલા રાત હૈ
           યહ સુબહ સુબહ કી બાત હૈ”

મોદી સરકારના એકાધિક જુઠ્ઠાંણાંમાનું એક જુઠ્ઠાણું છે – પ્રતિવર્ષ બે કરોડને નોકરીઓ … મળવાની વાત તો બાજુ પર, હતી એ પણ ગઈ! તેથી બેકારીએ નવો વિક્રમ સર્જ્યો છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે પાંચ એરપોર્ટ પચાસ વર્ષ માટે અદાણીને જે પક્ષ આપતો હોય એની અગ્રિમતા ઉદ્યોગપતિઓ છે કે બેરોજગાર યુવાનો એ દીવા જેટલું સ્પષ્ટ છે.

મોદી હૈ, તો મુમકિન હૈ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 04 તેમ જ 09

Loading

પૂર્વગ્રહો વગરનાં ભવિષ્ય માટે ‘આપણાં’ સાંસ્કૃતિક વારસાનું ભાથું જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 March 2019

છૂટા છવાયા ખૂણાઓમાં કલાત્મક, વારસાનું મૂલ્ય સમજાવી શકે તેવી અને સંવેદનશીલ વિચારધારાઓ જીવતી હોય છે.

શિયાળાના દિવસો શરૂ થાય, એટલે શિયાળાની સાંજ વધારે રસપ્રદ બનવા માંડે. ખાસ કરીને નવેમ્બરના ઉત્તરાર્ધથી માંડીને ફેબ્રુઆરીના પૂર્વાર્ધ સુધી કંઇ કેટ-કેટલું ય આયોજાતું હોય છે. વર્ષનો અંત એક દિવસ આડે છે, ત્યારે આપણે તારીખમાં આવતા પરિવર્તન સાથે જોડાયેલી ઉજવણી સિવાયની મિજલસોની વાત કરીએ. આ દિવસો જલસાન દિવસો છે કારણ કે ક્યાંક સાહિત્યના કાર્યક્રમો, ક્યાંક સંગીતના કાર્યક્રમો તો ક્યાંક નૃત્યના કાર્યક્રમો યોજાતા રહે છે. લેખન, કવિતા, નાટક, નૃત્ય, ગાયન, વાદન,  ચિત્રકલા, શિલ્પકલા સહિતની અન્ય દ્રશ્ય કલાઓ અને ક્યાંક આ તમામનાં ફ્યુઝનની સાથે બૌદ્ધિક વિચારનો માહોલ સતત બંધાતો રહે છે. આ, વળી, દર વર્ષની માફક આ વર્ષે પણ કેટલાંક રસપ્રદ પુસ્તકો શેલ્ફ પર મુકાયા છે, જેમાં આપણી કલા સંબંધિત વાતો અંકિત કરાઇ છે.

આ આખી વાતમાં આપણી વાતોને બદલે આપણી કલા શબ્દપ્રયોગ પર ભાર મૂકવો જરૂરી બન્યો છે. આમ કરવામાં બે બાબતો કારણભૂત છે. એક તો છેલ્લાં પંદર વર્ષમાં જે બદલાવ આવ્યો છે, એને કારણે અત્યારની પેઢી અઢળક માહિતી આંગળીને ટેરવે રાખતી હોવા છતાં ય આ સમજણમાં ક્યાંક નક્કરતા ઓછી હોય છે એવું લાગે. જો સમજણમાં સહેજ ઊંડાણ જોવા મળે તો ય જે આપણું પોતાનું છે તે અંગેની જાગૃતતા અથવા તો તેની પ્રત્યેની ગર્વિત લાગણી બહુ મોટા પ્રમાણમાં જોવા નથી મળતી. બીજી બાબત એ કે રાજકીય અને સામાજિક બદલાવ જે દિશામાં વળાંકો લઇ રહ્યા છે, તેમાં વાડાબંધી, વાદ-વિખવાદ, અંતિમવાદ અને પૂર્વગ્રહો અને અણગમા, હિંસાનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ભારતમાં રહેલી વિવિધતા જેટલી સમૃદ્ધ છે એટલી જ પડકારજનક પણ છે. આવા સંજોગોમાં જો આપણે આપણા સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે પ્રચાર પ્રસાર થાય તો સામાજિક ઐક્યની સૂઝ નવી પેઢીમાં ઊગી શકે.

આગળ ઉપર વાત કરી એ પ્રમાણે અત્યારે આવા કાર્યક્રમોની મોસમ છે જેમાં આપણી સંસ્કૃતિ, આપણી વાત અને આપણા વારસાનો વાવટો ફરકી રહ્યો હોય. આમાં સમસ્યા એ છે કે વર્ષોથી ચાલી રહેલી ‘ઇવેન્ટ્સ’ સફળ હોય છે, છતાં ય એક આખી પેઢી માટે તેના હિસ્સા હોવું એ કોઇ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને હેશટેગ જેટલું જ મહત્ત્વનું હોય છે. મોટા પાયે થતા કાર્યક્રમોમાં જવાથી કંઇ ફેર નથી પડતો, એમ નથી પણ નાના પાયે થતી અઢળક પ્રવૃત્તિઓ અથવા કોઇ પણ પ્રકારની તગડી પબ્લિસિટી વગર પ્રગટ થતાં પુસ્તકો એવા ખૂણાઓ છે જ્યાં ઓનલાઇન જિંદગી જેવું ઇન્સ્ટન્ટ સુખ નથી હોતું, પણ ધીરે ધીરે કલા-વારસા અને સંસ્કૃતિની સમજણનાં બીજ રોપાતાં હોય છે. જેમ કે મુંબઇમાં થોડાંક અઠવાડિયા પહેલાં ‘આઇડિયાઝ અનલિમિટેડ’ના નેજા હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો, – ‘ફરી ફરી કવિતા’. દેખીતી રીતે કવિઓની અંગત બેઠક જેવો માહોલ ધરાવનારા આ કાર્યક્રમમાં આઠ કવિઓએ પોતાની રચનાઓ, એક યજમાનને ઘરે નાનકડા ઑડિયન્સ સામે રજૂ કરી. સોશ્યલ નેટવર્ક પર રૂપી કૌરની કવિતાઓ વાંચીને ગળગળી થઇ જનારી પેઢીને આપણા સાહિત્યિક વારસાની આ બાજુ પણ ખબર હોવી જોઇએ.

સ્વાભાવિક છે દરેક વાલી માટે પોતાના ઘરમાં આ માહોલ ખડો કરવો શક્ય નથી, પણ તેનો અર્થ એવો જરા ય નથી કે જેને ‘ક્લાસિક’ કહી શકાય તેવા આપણી ભાષાના કવિઓનાં પુસ્તકો કે કાવ્ય પઠનનો લ્હાવો આપવાનો પ્રયત્ન પણ ન કરી શકાય. બીજી તરફ વડોદરામાં શરૂ થયેલા એક સાહિત્યિક અભિયાન ‘સંવિતિ’માં મહિલાઓ અને સાહિત્ય વિષય પર અવારનવાર કાર્યક્રમો રજૂ કરાય છે, વાર્તા પઠન અને વિવેચનનાં નાનકડાં સંવાદ યોજાય છે. આ કાર્યક્રમોમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ જ શ્રોતા તરીકે ઑડિયન્સમાં આવે છે, જેમ કે મહિલા પોલિસકર્મીઓ. વળી વડોદરાના જ કેટલાક અગ્રણીઓએ શરૂ કરેલા ‘ઇનસિન્ક’ ગ્રૂપ દ્વારા સંગીત-નૃત્ય-ગાયન અને કાવ્ય સંબંધિત કાર્યક્રમો છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિત પણે યોજાતા રહે છે. સૂરતમાં જાન્યુઆરી ૨૦૧૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર યોજાશે. નવી પેઢીને કદાચ અમુક પ્રકારનાં સાહિત્યનો બોજો લાગી શકે છે પણ તેનો અર્થ એમ નથી કે તેમને એ દિશામાં જોવા, વાળવાનો પ્રયાસ પણ ન થાય. કેરળમાં જાન્યુઆરી દરમિયાન કોચી બિએનેલ આર્ટ ફેસ્ટિવલ થશે તો ફેબ્રુઆરીના અંતમાં દિલ્હીમાં ઇન્ડિયા આર્ટ ફેર યોજાશે.  બૌદ્ધિક વિચારધારાનો પ્રસાદ મળે કે થાળ મળે તેની અસર વૈચારિક વિકાસ પર હકારાત્મક રીતે જ પડે છે એ નક્કી છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં હેશટેગ વાળી સેલ્ફી પડી શકે તો કવિતાની બેઠક કે સાહિત્યનાં સંમેલનોમાં પણ આ થઇ શકે છે. મુદ્દો એ છે કે મોટા માર્કેટિંગ સિવાય જ્યાં કોઇપણ ઘોંઘાટ વિના કલા તથા સાહિત્યનું બીજ રોપાતું હોય એવા કાર્યક્રમો વૈચારિક ઇંટને પકવવાની ભઠ્ઠીનું કામ કરે છે. 

એક તરફ કાર્યક્રમોનો માહોલ છે તો બીજી તરફ પુસ્તકોની દુનિયા છે. તાજેતરમાં જ નમિતા દેવીદયાલનું પુસ્તક ‘ધી સિક્સ્થ સ્ટ્રીંગ ઑફ વિલાયત ખાન’ પ્રકાશિત થયું છે. સરળ, સાહજિક અને પ્રવાહી ભાષામાં લખાયેલા આ પુસ્તક પરથી એક આખી પેઢી જે વિલાયત ખાનનાં નામથી અપરિચિત છે, તેને સમજાશે કે વિલાયત ખાન કોઇ ‘રૉક સ્ટાર’થી કમ નહોતા. એડ શીરીનનાં ‘શેઇપ ઑફ યુ’ પર ઝુમતા યંગસ્ટર્સ માટે એ જાણવું જરૂરી છે કે જે પોતાના સિતાર પાસે જાણે ગવડાવતા એવા એક ખેરખાંએ કઇ રીતે ૫૦થી માંડીને ૭૦સુધી, એમ બે દાયકા સુધી મુખ્ય પ્રવાહમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનાં અસ્તિત્વને સતત અગ્રેસર રાખ્યું હતું. તેમનો અભિગમ વ્યક્તિગત અને જાહેર જીવનમાં કોઇ સુપર સ્ટારને ટક્કર આપે એવો હતો. તેઓ પાઇપ પીવાના શોખીન હતા, બૉલરૂમ ડાન્સ કરવું તેમને ગમતું અને મોંઘોદાટ વિદેશી શરાબ, ઇરાની જાજમો તથા પુરાણા મોંઘાદાટ અત્તરો ભેગા કરનારા વિલાયત ખાન સ્નુકર અને તાશબાજીનાં એક્સપર્ટ હતા. આપણા સાંસ્કૃતિક વારસામાં આવી કેટકેટલી ય જિંદગીઓ છે જેમાં રહેલો રોમાંચ, સાહસ અને પરાક્રમો કોઇ અન્ય સંસ્કૃતિના ‘સ્ટાર’ને ક્યાં ય પાછળ છોડી દે. પણ વિલાયત ખાને ભેટમાં મળેલી મર્સિડિઝ બેન્ઝ કાબૂલથી બોમ્બે સુધી જાતે ડ્રાઇવ કરી હતી. અને પછી એના આગમનનાં માનમાં પાર્ટી રાખી હતી, એવું જાણવા માટે આ પ્રકારનાં પુસ્તકો વંચાવા જોઇએ. આ તો એક વ્યક્તિ પર લખાયેલ પુસ્તકની વાત છે પણ આવું તો અન્ય કલાકારો વિષે, સંગીત વિશ્વ વિષે અન્ય લેખકો તથા આ જ લેખકે પણ પહેલાં લખ્યું છે. પણ સમસ્યા એ છે કે પૉપ્યુલિઝમની જાળમાં ફસાયેલી પેઢીની હાલત ખોબા ભર પાણીમાં તરફડતી પણ છતાં ય પોતે જીવે છેનું ગુમાન કરતી માછલી જેવી છે. અન્યનું વખાણીને પોતાને અલગ કહેવડાવતી પેઢી પોતાનું પામવાની કોશીશ કરે એ જરૂરી છે.

નવી પેઢીને ઉછેરનારા વાલીઓ પોતે આ દિશાઓમાં નજર કરે, રાજકારણ કે ક્રિકેટ કે પછી સેલિબ્રિટીનાં લગ્નોની વૉટ્સ-એપ પર ચર્ચા પડતી મૂકીને આસ-પાસ થનારી આવી નાની કલ્ચરલ ઇવેન્ટ્સમાં પોતાના સંતાનોને લઇ જશે, મોંઘા દાટ ફોનને બદલે ફોન કરતાં કિંમતમાં ઓછું પણ મૂલ્યમાં ઊંચું એવું આપણા ભવ્ય ઇતિહાસની વાત કરતું પુસ્તક તેમના હાથમાં મૂકશે. તો દસકા પછી વીસીમાં જનારી પેઢી બહેતર સમજવાળી ઘડાશે.  સરમુખત્યારશાહી, વાડાબંધી, હુંસાતુસી કેટલી અયોગ્ય છે એ સંવેદનશીલતા સાથે સમજી શકાય, તેનો સચોટ રીતે વૈચારિક વિરોધ કરાવતો તખ્તો ખડો કરી શકાય એ માટે સંસ્કૃતિના વારસ ઉછેરવાં રહ્યાં. બુદ્ધિજીવીઓ પ્રત્યેનું સુગાળવાપણું પૂર્વગ્રહ, અસલામતી અને સંકુચિત માનસિકતાની નિશાની છે એ અત્યારની પેઢી સમજશે તો જ આગલી પેઢીને સમજણની મોકળાશનાં સ્તરે લઇ જઇ શકવા સક્ષમ બનશે.

બાય ધી વેઃ

દરેક શહેરમાં છૂટા છવાયા ખૂણાઓમાં કોઇને કોઇ રીતે કલાત્મક, વારસાનું મૂલ્ય સમજાવી શકે તેવી અને સંવેદનશીલ વિચારધારા જીવતી હોય છે. આવા ખૂણાઓ પારખી તેના સુધી પહોંચીને જેટલું ગ્રહણ કરી શકાય એ મેળવવું. આધુનિક કવિતા હોય કે શાસ્ત્રીય કલા હોય દરેકનું કામ ઉત્સુકતા ઉજાગર કરવાનું હોય છે. દરેક ભાષાનો એક આગવો લય હોય છે અને દરેક અલગ રીતે પોતાની વાત માંડે છે અને માટે જ બંધિયારપણાની ગુંગળામણ ત્યજવી જ રહી.  દરેક સંસ્કૃતિનું કામ છે કે તે આગામી પેઢી સુધી પહોંચે પણ નવી પેઢીને માહોલ આપવાની કામગીરી સમાજની છે. જ્યાં પત્રકારોની હત્યા થાય, વાસ્તવવાદીઓને ગોળીએ દઇ દેવાય, સાહિત્યમાં ઇશ્વરની પ્રચલિત છાપ સાથે છૂટછાટ લે એવા લેખકને ખાત્મો બોલાવી દેવાની ધમકી અપાય તેવા રાષ્ટ્રમાં કલા અને સંસ્કૃતિનાં મૂલ્યો આત્મસાત કરવામાં જેટલી ઝડપ કરી શકાય એટલું બહેતર છે.

05 ડિસેમ્બર 2018

e.mail : chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

Loading

...102030...2,9612,9622,9632,964...2,9702,9802,990...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved