Opinion Magazine
Number of visits: 9969010
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક હાસ્યાસ્પદ કાળો કાયદો એટલે ઓફિશિયલ સિક્રેટ એક્ટ …!

મનીષી જાની|Opinion - Opinion|13 March 2019

કાનૂની છટકબારીઓ ઊભી કરવા, કાયદાના સકંજાથી ભાગવા સત્તાધારીઓ જાતભાતના ખેલ કરતાં હોય છે. તેનો એક નમૂનો તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં જોવા મળ્યો.

36 રફાલ વિમાનોની ખરીદી બાબતે, તેમાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચારને લઈ લાંબા સમયથી કાયદાકીય આંટીઘૂંટીને લઈ સંસદ અને સુપ્રીમ કોર્ટ બન્નેમાં કાર્યવાહી લંબાયા કરે છે, ઠેલાયા કરે છે.

દેશના વડાપ્રધાન ખુદ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે તેવા આરોપને લઈ ચાલતા આ કેસમાં હમણાં ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટમાં સરકારના એટર્ની જનરલે કહ્યું કે 'રફાલ વિમાન ખરીદી અંગેની અગત્યની ફાઈલ ચોરાઈ ગઈ છે ! અને તે ગોપનીય ફાઈલ હતી ને તે ફાઈલના દસ્તાવેજોનો ઉપયોગ કરીને 'ધ હિન્દુ' છાપાએ કહેવાતા ભ્રષ્ટાચારના અહેવાલ પ્રગટ કર્યા. અને સરકાર હવે તેની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ કરવા માંગે છે.'

પોતાની જાતને ગાઈ વગાડીને દેશના ચોકીદાર તરીકે, પ્રધાન સેવક તરીકે છેલ્લાં પાંચ વરસથી ઓળખાવી રહ્યા છે, એવા વડાપ્રધાનના રાજમાં ફાઈલ ખોવાઈ જવાની વાત મજાકનો વિષય બની ગઈ. સંરક્ષણ ખાતામાં જે ફાઈલ ભારે જાપ્તા હેઠળ રહેતી હોય અને તે પણ આજના કમ્પ્યુટરમય સરકારી વ્યવસ્થામાં, તે જ ચોરાઈ જવાની વાત આવતાં દેશ આખામાં એ અંગે થોડાક જ કલાકોમાં ભારે રમૂજ ફેલાઈ ગઈ!

છપ્પનની છાતીની પ્રચારયાત્રા સાથે હજી હમણાં જ પાકિસ્તાનની સીમામાં ઘૂસી જઈ આતંકવાદી થાણાં પર બોંબ ફેંકવાની બડાશો, દેશ-દુનિયાના મીડિયામાં મોટા અવાજે કરાઇ હતી. અને દેશ આખો ઉન્માદના માહોલમાં, વડાપ્રધાનનાં શૌર્યના માહોલમાં, તેમની કાબેલિયતના માહોલમાં ગળાડૂબ હતો તેવા જ સમયે, રાજધાની દિલ્હીમાંથી, સંરક્ષણ ખાતાની કચેરીમાંથી ફાઈલ ચોરાઈ જવાની વાત દેશના સર્વોચ્ચની ઈમેજને હાસ્યાસ્પદ રીતે ધૂળ ચાટતી કરી દે એવો સીન ઊભો થઈ ગયો.

અલબત્ત, ચાર દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટમાં 'ફાઈલ ચોરાઈ છે' એવું વિધાન કરનારા એટર્ની જનરલે ફેરવી તોળીને કહ્યું કે 'ફાઈલની ફોટોકોપી થઈ છે' અને તેને લઈ ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ભંગ થયો છે, ગોપનીય ફાઈલ-ખાનગી દસ્તાવેજ છાપીને જાહેર કરી દેવા બદલ છાપાના માલિક, તંત્રી, પત્રકાર પર કાનૂની કેસ ચલાવવાનું સરકાર વિચારી રહી છે.

“ધ હિન્દુ” છાપાના ચેરમેન એન. રામે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે 'મીડિયાકર્મીઓને ભયભીત અને ચૂપ રાખવા સરકાર ઓફિશિયલ સિક્રેટ એક્ટની વાત કરી રહી છે. અમને 1975ના કૉન્ગ્રેસ સરકારની ઈમરજન્સીના દિવસો યાદ આવે છે.'

આપણો દેશ આમ તો લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે, પરંતુ સત્તાધારીઓ હમ્મેશાં છાપાં-મીડિયા અને અવાજ ઉઠાવનારા નાગરિકોને ચૂપ રાખવા, ડરાવી-ધમકાવીને તેમની સત્તા વિરોધી અભિવ્યક્તિને રોકવા આવા કાયદા કાનૂનોનો ઉપયોગ કરે જ છે, જેથી સરકારના ભ્રષ્ટ કે ગેરકાનૂની વ્યવહારો જનતામાં વ્યાપકપણે પ્રસરે નહીં.

આજે નેશનલ સિક્યોરિટી એક્ટ – એન.એસ.એ. કે ગઈકાલના મીસા એટલે કે આંતરિક સુરક્ષા ધારાનો ઉપયોગ કર્મશીલો-બૌદ્ધિકો-પત્રકારો ઉપર કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારો કરી જ રહી છે. એ પછી એન.ડી.એ. ની સરકાર હોય કે યુ.પી.એ.ની.

આ બધા તો દેશ આઝાદ થયો એ પછી ઘડાયેલા કાયદા, પરંતુ આ જે ઓફિશિયલ સિક્રેટ એક્ટ છે એ તો બ્રિટિશ રાજનો, દેશ જ્યારે ગુલામ હતો ત્યારે દેશની જનતા પર ભય, જુલમ લાદીને રાજ કરવા અંગ્રેજ સરકારે ઠેઠ 1889માં બનાવ્યો હતો.

એ સમયે નવાં નવાં પ્રીન્ટિગ મશીનો આવ્યાં અને સ્થાનિક ભાષાઓમાં પુસ્તકો – છાપાંઓ પ્રગટ થવા માંડ્યાં હતાં, તેવા સમયે સરકારની જુલમી કામગીરી, તેનાં ઠરાવો, અહેવાલો લોકો સુધી છપાઈને લોકો સુધી ના પહોંચે તે માટે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ ઘડવામાં આવેલો. એ પછી તેમાં સુધારા વધારા કરી 1904માં લોર્ડ કર્ઝન જ્યારે વાઈસરોય હતા ત્યારે જડબેસલાક બનાવાયો અને તેમાં પણ ઉમેરણ કરી 1923માં જે કાયદો બન્યો તે જ હજી અમલમાં છે …!

લોર્ડ કર્ઝનના સમયમાં મજબૂત બનેલો કાળો કાયદો આજે પણ સીત્તેર વર્ષની લોકશાહી ધરાવતા દેશમાં હજી ચાલુ રહ્યો છે, તેને દેશની કેવી કરુણતા ગણવી રહી ?

હજી ચાલતા આ 1923ના ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ જાસૂસી, સરકારી ગોપનીય માહિતી વહેંચવી-આપવી, ગેરકાનૂની રીતે સરકારી યુનિફોર્મનો દુરુપયોગ કરવો, પ્રતિબંધિત વિસ્તારોમાં મંજૂરી વિના જવું, સશસ્ત્રબળોમાં દખલગીરી યા હસ્તક્ષેપ જેવાં કામો પર આ કાયદો લાગુ પડે છે. વિશેષમાં ગોપનીય બાબતોમાં સ્થળો ઉપરાંત દસ્તાવેજો, તસવીરો, રેખાંકનો, નકશા, પ્લાન્સ, મોડલ્સ, સરકારી કોડવર્ડ અને પાસવર્ડનો પણ તેમાં સમાવેશ થાય છે.

આ કાયદાના ભંગ બદલ 14 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઇ કરેલી છે.

આ જરીપુરાણો કાયદો અત્યારે એટલા માટે ફેરવિચારણા માંગી લે છે કે અત્યારે આપણે રાષ્ટ્રીય સુરક્ષા માટે નેશનલ સિક્યોરિટી એક્ટ બનાવેલો જ છે પછી આ અંગ્રેજરાજના કાયદાની શી જરૂર ?

વળી આ કાયદામાં ‘ગોપનીયતા’ – સિક્રેટ યાને કી સરકારની કઈ બાબતો ને ખાનગી ગણવી કે ન ગણવી તે અંગે લગીરે સ્પષ્ટતા નથી.

અંગ્રેજોની સરકાર અને તેનું સરકારીતંત્ર તો સ્થાનિક લોકોના શોષણ પર જ રચાયેલાં હતાં અને તેને લઈ સરકારનાં તમામ કામકાજ ખાનગી રહે તેમાં જ તેનું હિત અને શોષણચક્ર ચાલુ રાખવાની કરામત છૂપાયેલી હતી. અને દરેક ફાઈલ કે નિર્ણય ખાનગી ગણી દેવાથી નાના મોટા સૌ સરકારી અધિકારીઓ સામાન્ય જનતાથી વિશિષ્ટ છે, શક્તિશાળી છે એવી છાપ ગુલામ દેશમાં સતત બની રહેવામાં ઉપયોગી નીવડે.

પણ આજે હવે આઝાદ દેશમાં અને એ પણ આ એકવીસમી સદીમાં જ્યારે રાઈટ ટુ ઇન્ફર્મેશન-માહિતી જાણવાનો હક્ક દેશના તમામ નાગરિકોને મળી ચૂક્યો છે, ત્યારે કોને, કઈ માહિતી-દસ્તાવેજ – ફાઈલને સિક્રેટ – ખાનગી – ગોપનીય ગણવા તે મુંઝવતો સવાલ સૌ કોઈ માટે બની ચૂક્યો છે.

અને એ સંદર્ભે જ છેલ્લા દસકાનો આર.ટી.આઇ.નો અનુભવ એ જ રહ્યો છે કે સરકારી કચેરીઓ એ પછી કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની; જે કોઈ માહિતી અરજીકર્તાને ન આપવી હોય ત્યારે તે બાબત 'ખાનગી' છે, ગોપનીય છે એમ કહીને આર.ટી.આઇ.ના જવાબ આપવાનું ટાળવાનું મુખ્ય હથિયાર બની ચૂક્યું છે.

અને આજે જ્યારે મોબાઇલ ફોનમાં કેમેરો હોય છે, ખિસ્સામાં મૂકવાની પેન કે શર્ટના બટનમાં આવી જાય એવા કેમેરાની સગવડ છે ત્યારે, અરે ! જે દુશ્મન દેશને ફોટો કે વીડિયો દ્વારા સ્થળ-જગાની માહિતી મોકલવાનો ગુનો આ ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં ગણાય છે એ તો હવે સેટેલાઈટ દ્વારા દુનિયાના કોઈ પણ સ્થળનો ફોટો દૂરથી જ લેવાનું તમામ દેશો માટે શક્ય બની ચૂક્યું છે. અને એટલે જ આપણે જ્યારે આકાશવાણી જેવી ઘણી સરકારી કચેરીઓની બહાર 'ફોટોગ્રાફી મના હૈ' જેવાં પાટિયાં જોઈએ છીએ અને તેમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે ત્યારે આ આખી ય વાત હાસ્યાસ્પદ તો જરૂર લાગે જ છે !

પણ સરકાર ખુદ આવા કાળા કાયદાને લઈ જનતાને ડરાવવાની, દબાવવાની કેવી પ્રવૃત્તિઓ કરી રહી છે તેનું પણ ઉદાહરણ બની રહે છે.

વર્ષો પહેલાંની હું મારી પોતાની જ વાત દર્શાવું તો જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમ બનવાની શરૂઆત થઈ હતી અને વિસ્થાપિત થનારાં આદિવાસીઓને લઈ લડત ચાલતી હતી, ત્યારે લગભગ 1985માં ફિલ્મકાર મિત્ર સંજીવ શાહ સાથે મળીને 'નર્મદા કાંડ' નામની ડોક્યુમેન્ટરી વીડિયો બનાવી રહ્યા હતા. આ ડોક્યુમેન્ટરીનું વીડિયો રેકોર્ડિંગ કેવડિયા ગામમાં કરવું મુશ્કેલ હતું કારણ કે તે આખા વિસ્તારને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરેલો હતો. નર્મદાડેમની કચેરીનાં બિલ્ડીંગોથી માંડી બની રહેલા ડેમ નિર્માણ કામોની વીડિયોગ્રાફી છૂપાઈને કરવી બહુ કપરું ને જોખમી કામ હતું. રાજપીપળાના કર્મશીલ ફાધર જોસેફ આ કામ માટે અમારી મદદે આવ્યા. અને રોજ જુદા જુદા પડદાવાળા વાહન-જીપની વ્યવસ્થા અમને કરી આપતાં ! જે કામ સૌકોઈની આંખે દેખાતું હોય એની જાહેરમાં વીડિયોગ્રાફી ન કરી શકાય અને એવાં કામો જે દૂરદર્શનના પડદે તે સમયે રોજ જોવાં મળતાં હતાં ! કેવી રમૂજી પણ ભયગ્રસ્ત વાત !

પણ 1988માં આ ઓફિશિયલ સિક્રેટ એક્ટને કારણે, પ્રતિબંધિત વિસ્તાર હોવાને કારણે કેવડિયામાં કાયમ 144મી કલમ રહેતી અને ભેગા થઈ, સંગઠિત થઈ વિરોધનો કાર્યક્રમ આપી શકાતો ન હતો. અને એટલે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી તેને કોર્ટમાં પડકારવાનું નક્કી કરી અમે લોક અધિકાર સંઘના પ્રમુખ અને પ્રખર ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલની આગેવાની હેઠળ કેવડિયા કોલોનીના જુદા જુદા ખૂણે છૂપાઈ જઈ અને છેવટે એકસાથે સૂત્રોચ્ચાર કરતાં ભેગા થઈ આ કાયદાના ભંગનો કાર્યક્રમ અમે આપેલો. રાજપીપળા પોલીસ સ્ટેશને અમને પૂર્યાં, છેવટે જામીન પર છૂટ્યા અને હાઈકોર્ટમાં લાંબો કેસ ચાલ્યો અને અંતે કેવડિયામાં આ બ્રિટિશરાજના કાયદાનો ખોટો ઉપયોગ થાય છે તેવું પુરવાર થયું હતું.

અત્યારે આ જ ગોપનીયતાના કાયદા નીચે રાફેલ વિમાનના ભ્રષ્ટાચાર વિષયક ચાલતા કેસમાં ભ્રષ્ટાચારની પોલ ખોલતાં દસ્તાવેજો છાપાંમાં પ્રગટ કરનારા તંત્રી-પત્રકારોને ચૂપ કરવાનો ખેલ ઘડાઈ રહ્યો છે તે દુ:ખદ અને અશોભનીય છે.

આ જ રીતે પણ નાના પાયે મુંબઈના “મીડ ડે” છાપાના પત્રકાર પર 2011માં આ ઓફિશિયલ સિક્રેટ એક્ટને લઈ ખટલો ચાલેલો. તારકચંદ દ્વિવેદી નામના પત્રકારે એક લેખ લખ્યો કે 'મુંબઈમાં જે આતંકવાદી હુમલા થયા તે બાદ છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ભારે ખર્ચથી ખરીદવામાં આવેલું એક અદ્યતન શસ્ત્ર જે રૂમમાં મૂકવામાં આવ્યું છે તે રૂમમાં વરસાદી પાણી પડી રહ્યું છે, તે રૂમની છત કાણી છે.'

આવું લખાણ લખવા બદલ તે પત્રકાર પર સરકારે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ ઠોકી દીધો કે પત્રકારે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી ગુનો કર્યો છે !

જો કે છેવટે હાઈકોર્ટે આ પત્રકારને નિર્દોષ મુક્ત કર્યા. જો કે એકવાર તો સરકારે પોતાનો પાવર દેખાડી જ દીધો !

માહિતીનો અધિકાર અમલમાં આવ્યો છે તે સંદર્ભમાં આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ અંગે ફેરવિચારણા કરવા 2015માં સરકારે સુધારણા સમિતિની રચના કરી હતી અને તે સમિતિએ બે વર્ષ ચર્ચા વિચારણા કરી 2017માં પોતાનો અહેવાલ આપ્યો કે બધું બરાબર છે. કોઈ સુધારા કે નાબૂદી કરવાની જરૂર નથી.

વિશેષમાં ખાસ તો મહત્ત્વની વાત એ છે કે રફાલ ફાઈલને લઈ આ ઓફિશિયલ સિક્રેટ એક્ટ અન્વયે સરકારે “ધ હિન્દુ” છાપાના તંત્રી પર કાર્યવાહી કરવાની વાત સરકારે કરી તો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ કાળો કાયદો નાબૂદ થાય એવું તો ના જ કહ્યું તેનો ઉપયોગ પત્રકારો સામે ના થવો જોઈએ એવી જ માત્ર ટીકા ટીપ્પણ કરી !

સત્તાખોરો તો સૌ સમાન !

કાગડા બધે કાળા એટલું જ નહીં, પણ સફેદ કે કાળા,,સૌ કાગડા છે એટલી વાત તો પાક્કી રીતે માનવી જ રહી ..!

સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”, 13 માર્ચ 2019

https://www.facebook.com/groups/apnaaddagujarati/permalink/2432766996787060/

Loading

પૉપ્યુલિસ્ટ પૉલિટિક્સઃ લોકશાહીના પાયા પર વળગેલી ‘લોકભોગ્ય’ કાવાદાવાની ઉધઇ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 March 2019

પૉપ્યુલિસ્ટ રાજકારણ વાડાબંધી અને જૂથવાદ જ વધારે છે. સમાજમાં વૈમનસ્ય અને આર્થિક અવ્યવસ્થાએ આ પ્રકારનાં લોકભોગ્ય રાજકારણનું પરિણામ છે.

આજકાલ માફીની સિઝન ચાલી છે. ના અહીં ક્ષમાનાં સંદર્ભે માફીની વાત નથી ચાલી રહી બલકે દેવાં અને બિલ માફીની વાત થઇ રહી છે.  રાજકારણમાં પાસાં પલટાયા અને કૉન્ગ્રેસે જે – તે રાજ્યમાં સત્તા હાથમાં આવતાં તરત જ ખેડૂતોનાં દેવાં માફ કરવાની જાહેરાત કરી. આ થયું અને ભા.જ.પ. શાસિત રાજ્યોને કોઇએ ભર શિયાળે મ્હોંએ પાણી છાંટી ઉઠાડ્યા હોય એવી હાલત થઇ, અને ગુજરાત, આસામ વગેરે રાજ્યોમાં વ્યાજ-કર-બિલ વગેરે જેમાં પણ માફી અપાય એમ હતું એ બધું જાહેર થઇ ગયું. ૨૦૧૮ની સાલમાં ખેડૂતોની રેલીઓ ચર્ચામાં રહી. આ દરમિયાન ઘણાં એવાં પ્રસંગો આવ્યા જ્યાં એક કરતાં વધુ વિરોધ પક્ષો ખેડૂતોને ટેકો આપતા જાહેર કાર્યક્રમોમાં એક જ મંચ પર દેખાયા. જે બે પક્ષો વચ્ચે સ્નાન સૂતકનો પણ સંબંધ ન હોય તેવાં પક્ષો આ એક મુદ્દે એક થઇ ગયા. ચૂંટણીની આ મોસમનું અવલોકન કરીએ તો ખ્યાલ આવે કે મોટાં ભાગનાં નેતાઓ અને વિરોધ પક્ષો માટે ખેડૂતોની પડખે ઊભા રહેવું એક બિનસાંપ્રદાયિક, વાડાબંધી વગરની તટસ્થ પસંદગી હતી. આપણે ખેડૂતોના પ્રશ્નોની ફિકર નથી કરવાની પણ ભારતીય રાજકારણમાં વર્ષોથી પગપેસારો કરીને પોતાનાં મૂળિયાં ઊંડા ઉતારી ચૂકેલા પૉપ્યુલિસ્ટ અભિગમની વાત કરવાની છે.

પૉપ્યુલિસ્ટ એટલે કે દેખીતી રીતે ‘જનતા’-લક્ષી, લોકોનાં મોટા વર્ગનાં હિતને ધ્યાનમાં રાખીને ઘડાતી રાજનીતિ કે લોકભોગ્ય નિર્ણયો, વાતો અને વહેવાર હોવાં. પૉપ્ચુલર એટલે કે લોકપ્રિય શબ્દ પરથી બનેલા પૉપ્યુલિસ્ટ તથા પૉપ્યુલિઝમ શબ્દનાં અર્થમાં ઘણું અંતર છે. પૉપ્યુલર હોવું અને પૉપ્યુલિસ્ટ હોવું એ બંન્ને અલગ બાબત છે. રાજનીતિશાસ્ત્ર અનુસાર પૉપ્યુલિઝમ એવો વિચાર છે જેમાં સમાજમાં બે સ્પષ્ટ ભાગ પડે છે – એક શુદ્ધ લોકોનો અને બીજો ભ્રષ્ટ શ્રેષ્ઠી કે ભદ્ર લોકોનો! ખેડૂતોનાં દેવાં કે ગ્રામીણ વિસ્તારોનાં વીજ બિલ માફ કરવા એ રાજનૈતિક પૉપ્યુલિસ્ટ પૉલિટિક્સની વ્યૂહરચના છે. પૉપ્યુલિસ્ટ કે લોકભોગ્ય અભિગમ લોકશાહી જેટલી જ જૂની બાબત છે. ભારતનાં સંદર્ભે આવું લોકભોગ્ય રાજકારણ બે વડાપ્રધાનો સાથે હંમેશાં જોડવામાં આવ્યું છે – એક ઇંદિરા ગાંધી અને બીજા નરેન્દ્ર મોદી – બંન્નેનાં પક્ષ અલગ – ઇંદિરા ગાંધીને ડાબેરી પૉપ્યુલિઝમ સાથે સંકળાયેલા હોવાનું કહેવાયું છે, તો નરેન્દ્ર મોદીની સફળતા પાછળ જમણેરી પૉપ્યુલિઝમ જોડાયેલું છે. પૉપ્યુલિઝમનો ઉપયોગ કોઇપણ વિચારધારાનાં રાજકારણીઓ કરી શકે છે કારણ કે અંતે તો આ એક વ્યૂહરચના છે જે સાધારણ જનતા અને શ્રેષ્ઠીઓ વચ્ચેની ખાઇને વધારે ઊંડી કરતી નીતિઓ વચ્ચેની લડાઇ છે. મજાની વાત એ પણ છે કે પૉપ્યુલિઝમમાં રાજકીય નેતૃત્વ અને મહત્ત્વના આર્થિક ટેકેદારો (ઉદ્યોગપતિ) વચ્ચે મજબૂત કડી હોય છે.

પૉપ્યુલિઝમ અલગ વર્ગને અલગ વસ્તુઓ ઑફર કરતું હોય છે. શ્રેષ્ઠી નગરની વાત કરીએ તો તેમને ચૂંટણી દરમિયાન નજીકનાં શહેરમાં જવા માટેના નવા સડસડાટ કાર દોડાવી શકાય એવા રસ્તાની અને નવી સ્કૂલનાં બિલ્ડીંગની ઑફર થાય તો સામાન્ય (ગરીબ અથવા નિમ્ન સ્તરનાં) નાગરિકોને સેલફોન કે ટેલિવિઝન સેટ ઑફર થાય. આમ જોવા જઇએ તો નિમ્ન સ્તરનાં નાગરિકને સેલફોન કે ટી.વી.ની ઉત્કંઠા હોવા છતાં ય પોતાની દીકરી માટેની સ્કૂલ કે પોતાનાં ઉત્પાદનોની હેરફેર કરવા માટેના રસ્તામાં વધારે રસ પડે પણ છતાં ય રાજકારણનાં ચોપડે શ્રેષ્ઠીઓ માટેની નીતિઓ સાધારણ માણસને ‘ઑફર’ કરાય એ રીતે નથી ઘડાતી. આમ ચાલતું આવ્યું હોવાનું સીધું કારણ આપણી રાજકીય પરંપરા છે, જેનું નિશાન વ્યક્તિગત મતદાર હોય છે, ચોક્કસ જૂથ નહીં. જાત ભાતનાં લાભનાં વચન આપનારા રાજકીય પક્ષોની આપણને જરા ય નવાઇ નથી; જેમ કે બે રૂપિયે કિલો ચોખા, લોન માફી, ઘરનું ઘર, મફક વીજળી, કલ્યાણકારી પેન્શન યોજનાઓ વગેરે વગેરે. ગરીબોના મત મેળવવા માટે એક સમયે અપાતા દારુ અને પૈસાથી આજે આવાં વચનો તરફ આપણાં રાજકીય પક્ષોની પ્રગતિ થઇ છે. મતદાર રાજકારણીઓ માટે એક રાજકીય બજારની ‘કમોડિટી’ – વેપારની જણસથી વધારે કંઇ જ નથી હોતો. પૉપ્યુલિઝમ એટલે કે પોતાને અથવા તો પોતાની નીતિઓને લોકભોગ્ય સાબિત કરવાની સ્પર્ધા વધારે તંગ થવા માંડી અને આપણાં રાજકીય વ્યવસ્થાતંત્રનો પાયો સાવ પોકળ બનતો ગયો છે. વળી આની સીધી અસર અર્થતંત્ર પર પણ પડે છે. જેમ કે જે દેવાં કે બીલો માફ કરાયાં છે તેને કારણે રાષ્ટ્રીય તિજોરીની ગોઠવણ જ હચમચી જવાની છે. અર્થશાસ્ત્રીઓ અને રાજકીય વિચારકોને મતે પૉપ્યુલિઝમની સ્પર્ધા દેશને એક કરતાં વધુ રીતે માઠી અસર કરે છે, પણ જે રીતે આપણે ત્યાં ચાલતું આવ્યું છે તે જોતાં લોકભોગ્ય રાજકારણનો અંત આવે એવી શક્યતાઓ બહુ ઓછી છે.

પૉપ્યુલિસ્ટ રાજકારણીઓનાં ચોક્કસ લક્ષણ હોય છે. જેમ કે તેઓ સંસદના બહુમતને યોગ્યતાની અનોખી મહોર અને સ્રોત માને છે. પૉપ્યુલિસ્ટ રાજકારણી કોઇપણ મુદ્દાની જટિલતાને સરળ કરી રજૂઆત કરે છે તથા ‘લોકો’ની ઇચ્છા હશે તો બધા પડકારને પહોંચી વળાશે એમ માનતા હોય છે. મતદારોનો બહુમત પૉપ્યુલિસ્ટ માટે ‘જનતા’ હોય છે અને બાકીનાઓને તે અવગણે છે. સંસ્થાકીય માળખાંઓ કે કાયદા પૉપ્યુલિસ્ટ્સ માટે અવરોધરૂપ સાબિત થાય છે અને તેમના મતે ‘જનતાનાં હિત’માં આડે આવતા હોય તો તેને હટાવી દેવા જોઇએ. સત્તાકીય જ્ઞાન કે અનુભવને ગણતરીમાં લેવાનું પૉપ્યુલિસ્ટ્સને માફક નથી આવતું. પૉપ્યુલિઝમ અંતે તો ખાતરી કે નિશ્ચિતતાનાં મજબૂત આદર્શો પણ જવાબદારીનાં નબળાં આદર્શોમાં પરિણમે છે. વળી આ રીતે ‘જનતા’નો મોટાભાગનો હિસ્સો અસંતુષ્ટ જ રહે છે.

પૉપ્યુલિઝમ માત્ર ભારતમાં છે એમ નથી. બ્રેક્ઝિટમાં પૉપ્યુલિઝમનાં કડવાં ફળ દેખીતાં છે તો ટ્રમ્પ પ્રકારનું રાજકારણ પણ પૉપ્યુલિઝમ આધારિત છે. ટર્કીમાં એર્ડોગાનની તો હંગેરીમાં વિક્ટર ઓર્બાનની આ જ વ્યૂહરચના છે, તો બ્રાઝીલમાં પૉપ્યુલિઝમને પગલે સત્તા જમણેરી પૂર્વગ્રહ ધરાવનારાઓના હાથમાં ગઇ છે. પૉપ્યુલિઝમમાં એક અનોખી વાત છે કે જ્યારે પણ એ નિષ્ફળ જાય છે ત્યારે આ નિષ્ફળઓના દોષનો ટોપલો પહેલાંની સરકારોની નકારાત્મક બાબતો પર અથવા તો કોઇ અજાણ્યા કળી ન શકાય એવા સ્રોત પર ઢોળી દેવાય છે. આપણા સાહેબે નહેરુ અને કૉન્ગ્રેસ સામેનાં ફરિયાદી ચોપડાં લખવાનું સતત ચાલુ રાખ્યું છે, તો ઇંદિરા ગાંધી અવારનવારા ‘વિદેશી તાકત’ના હાથનો વાંક કાઢતાં. મોદી અને ટ્રમ્પની સરખામણી પણ કરવી રહી. બંન્ને જણા પૉપ્યુલર વિચારો કે સંવેદનાઓનો ઉપયોગ અને ઝૂકાવ પોતાનાં પક્ષે સારી પેઠે મેનેજ કરી શકે છે. ટ્રમ્પ ‘વ્હાઇટ’ વર્કિંગ ક્લાસની ચિંતાઓ પર દાવ રમે છે, તો મોદી માટે ગરીબ અને સાધારણ વર્ગનો રોજિંદા ભ્રષ્ટાચાર પ્રત્યેનો કંટાળો ચેનલાઇઝ કરવાનો રહે છે. બિઝનેસ અને ઉદ્યોગ ક્ષેત્રનો બંન્ને જણને સારો એવો ટેકો છે. ટ્રમ્પ મેક્સીકન્સ અને આફ્રિકન્સને વરવાં ચિતરે છે તો મોદી પાસે મુસલમાનોનો વિકલ્પ છે જેને પગલે તે હિદુત્વનું કાર્ડ પણ સારી પેઠે રમી જાણે છે. ટ્રમ્પનાં ટેરીફ્સ અને મોદીનાં ડિમોનેટાઇઝેશનની વાહવાહી કરનારાં ઓછાં નથી જે બતાડે છે કે બંન્ને વડાઓએ સારી પેઠે આ પૉપ્યુલિસ્ટ પૉલિસીઝને લોકોને ગળે ઉતારી છે, પછી ભલેને તેનાથી નુકસાન જ કેમ ન થયું હોય. બન્ને વડાઓ આબાદ રીતે ભદ્ર વર્ગને વખોડે છે, ટ્રમ્પ વૉલ સ્ટ્રીટને તો મોદી પણ સ્થાપિત ભદ્ર વર્ગ એમાં ય ખાસ કરીને નેહરુ-ગાંધી પરિવારનાં સભ્યોનું બુરું બોલતા અટકતા નથી. ભક્તો ચોક્કસ એમ કહેશે કે યુ.પી.એ. સરકાર દરમિયાન જે બેફામ ભ્રષ્ટાચાર હતો એ કાબૂમાં આવ્યો છે. હા, એની ના નહીં પણ તેની સામે ઉદ્યોગપતિઓને પૉલિસી તથા કાયદાને માર્ગે અઢળક ફેવર્સ મળી રહી છે. ભારતનાં બિલ્યોનર્સની નેટ વર્થ છેલ્લાં ચાર વર્ષમાં કૂદકે ને ભૂસકે વધી છે.

પૉપ્યુલિઝમ મોટે ભાગે રાષ્ટ્રવાદનાં મ્હોરા પાછળ છુપાઇને ઘુસણખોરી કરતું હોય છે. રાષ્ટ્રવાદનું મૂળ સ્વરૂપ એકતા આધારિત લોકશાહીની સ્થાપના કરે છે, જેમાં આંતરિક અને બાહ્ય બન્ને સ્તરે ઐક્ય જળવાય છે, તેમાં સમાન હક, મૂલ્યો અને મહત્ત્વાકાંક્ષાઓ વણાયેલાં હોય છે. પરંતુ પૉપ્યુલિઝમને કારણે રાષ્ટ્રવાદની આ મૂળ સમજણ પાંખી અને સાંકડી થઇ રહી છે. આ પ્રકારની સ્થિતિ લોકશાહી માટે પણ જોખમી છે. વળી આને કારણે બે જૂદા દેશ વચ્ચેના સંબંધમાં સ્થાનિક સંજોગોને હાથો બનાવાય છે વિદેશ નીતિને વધારે પેચીદી બનાવી દે છે. જેમ કે પાકિસ્તાનની વાત આવે ત્યારે આપણે ત્યાં વિરોધપક્ષ કે શત્રુ પક્ષને પ્રો-પાકિસ્તાનીનું બિરુદ વારંવાર આપવામાં આવે છે. આ સ્થિતિમાં વિરોધપક્ષનું જે થવાનું હોય એ થશે પણ પાકિસ્તાન કોઇપણ સંજોગોમાં શત્રુ દેશ જ રહેશે અને આમ વિદેશ નીતિનાં વાટાઘાટ વધારે કપરાં બનતા જશે. વૈશ્વિકરણ વધ્યું છે ત્યારે આર્થિક અસમાનતાઓ પણ વધી રહી છે, રાષ્ટ્રોની વચ્ચે હાર-જીતનો ખેલ ચાલ્યા કરતો હોય ત્યારે પરસ્પર આધાર રાખી શકાય એવી નીતિઓની જરૂર પડે છે. પરંતુ જ્યારે દેશમાં આંતરિક સ્તરે ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી ચાલતી હોય ત્યારે રાષ્ટ્રીય પ્રશ્નો જ ન ઉકેલાતાં હોય તો પછી આંતરરાષ્ટ્રીય સ્તરનાં પડકારો કેવી રીતે ઉકેલાઇ શકે.

પૉપ્યુલિસ્ટ રાજકારણનું પરિણામ એટલે જૂથવાદ અને વાડાબંધી. કહેવાતા ગૌ રક્ષકો બુલંદેશ્વરમાં એક પોલીસ અધિકારીને રહેંસી નાખે એ આક્રમક જૂથવાદની ફળશ્રુતિ છે. આપણે ત્યાં આવી ઘટનાઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધી છે. જો આ જ સ્થિતિ રહી તો આંતરિક વિખવાદો ભારતનો વૈશ્વિક મેઇક-અપ વિખેરી નાખશે.

બાય ધી વેઃ

ખેડૂત તરીકે એક સાથે રેલી કાઢનારાઓ જ્યારે વોટ આપવા જશે ત્યારે જાતિ, જ્ઞાતિ અને ધર્મને ધ્યાનમાં રાખીને જ વોટ આપવાના છે, એ નેતાઓએ યાદ રાખવું રહ્યું. પૉપ્યુલિસ્ટ લિડર હંમેશાં પોતાને જનતાનો માણસ ગણાવે છે અને આપણે ‘પાંચ કરોડ ગુજરાતીઓ’થી માંડીને ‘મિત્રો’ સુધીનાં સંબોધનોમાં તેની ઝલક જોઇ છે. પૉપ્યુલિસ્ટ્સનો અભિગમ પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાંની લીટી ભુંસવાનો હોય છે. આ પ્રકારનું રાજકારણ એકચક્રીય સત્તા તરફ લઇ જાય છે. પૉપ્યુલિસ્ટ જાહેરમાં સ્વતંત્રતા અને લોકશાહીની વાતો કરે છે પણ તેની ગાદી પર બેસે કે તરત આ વિચારો સંકોચાઇને કોકડું વળી જાય છે. ચૂંટણી પંચ ચાહે તો તે વ્યક્તિગત લાભ આપવાની વાતો કરતા સ્પર્ધાત્મક પૉપ્યુલિઝમ પર પ્રતિબંધ મૂકી શકે છે. સમાજ અને અર્થતંત્રને લાંબા ગાળે લાભ આપનારી બાબતો રાજકારણનો ભાગ હોઇ શકે બાકી હાલમાં તો રાજકારણીઓ ‘જનતા’ની પીડાને અનુભવવાનો ડોળ કરી પોતાની રોટલી શેકવામાં પાવરધા થઇ ચૂક્યા છે.

04 ડિસેમ્બર 2018

e.mail : chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

Loading

વિદ્વાન દીવાનનું સ્વરૂપાનુસંધાન

દીપક મહેતા|Opinion - Literature|13 March 2019

કાળચક્રની ફેરીએ

“આપે મને કીમતી મણીમાલા મોકલી હોત તો તે એક સુંદર ભેટ ગણાત, પણ તેથી કંઈ મારી જાતને, મારા આત્માને લાભ થાત નહિ. પણ આપે મને કિંમતી શબ્દોની જે મણીમાલા મોકલી છે તેનાથી મને, મારા આત્મનને લાભ થયો છે. અને તેથી હું આપની ભેટને મણીમાલા કરતાં ઘણી વધુ કીમતી ભેટ ગણું છું. હા, આ જિંદગીમાં આપણે ક્યારેય એકબીજાને મળવાના નથી, પણ આપણો આધ્યાત્મિક સમાગમ આ રીતે થયો તેથી મને આનંદ થયો છે.”

આ શબ્દો લખાયા હતા ૧૮૮૪ના ડિસેમ્બરની પાંચમી તારીખે લખાયેલા એક પત્રમાં. પત્ર લખનાર હતા સંસ્કૃત અને ઇન્ડોલોજીના પ્રકાંડ પંડિત મેક્સમૂલર. અને આ પત્ર લખાયો હતો શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, દીવાન, ભાવનગર રાજ્યને. અગાઉ મનહરપદ પુસ્તક વિષે લખતાં જેમની વાત કરેલી તે જ ગગાભાઈ ઉર્ફે ગૌરીશંકર ઓઝાએ પોતાનું પુસ્તક મેક્સમૂલરને ભેટ મોકલ્યું હતું તેના જવાબમાં મેક્સમૂલરે આ પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યા પ્રમાણે મેક્સમૂલર અને ગગાભાઈ એકબીજાને ક્યારે ય મળ્યા નહોતા, મળે તેવો સંભવ પણ નહોતો. એટલે આ શબ્દો માત્ર વિવેક ખાતર લખાયા ન હોય. જો કે મેક્સમૂલર જેવા વિદ્વાન એમ કોઈને વિવેક ખાતર લખે પણ નહિ.

તો મેક્સમૂલરને પણ જે કિંમતી ભેટ જેવું લાગ્યું તે પુસ્તક કયું હતું? ગગાભાઈના એ પુસ્તકનું નામ સ્વરૂપાનુંસંધાન, જે મુંબઈના નિર્ણયસાગર છાપખાનામાં છપાઈને ૧૮૮૪માં પ્રગટ થયું હતું. દેવનાગરી લિપિમાં છપાયેલા ટાઈટલ પેજ પર પુસ્તક વિષે આ પ્રમાણે લખ્યું છે: “બ્રહ્મ આત્માના એકત્વનો સાત પ્રક્રિયાયે કરીને વિચાર, વેદાન્ત વિષયનો ગ્રંથ.” શંકાશીલને પહેલો વહેમ એ આવે કે કોઈ બીજા પાસે લખાવીને દીવાનસાહેબે પુસ્તક પોતાને નામે તો નહિ છપાવ્યું હોય ને? રાજા-રજવાડા ઓ માટે આમ કરવાની નવાઈ નહોતી, તો દીવાનસાહેબ પણ એ રસ્તે ચાલ્યા નહિ હોય ને? ના, જી. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાએ લખેલ અત્યંત વિસ્તૃત જીવનચરિત્ર કહે છે કે ધર્મ અને શાસ્ત્રોમાં ગગાભાઈને પહેલેથી જ રસ હતો. ‘સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર’ પુસ્તકમાં વિજયરાય વૈદ્ય એ વાતને ટેકો આપે છે. અંગ્રેજીમાં લખાયેલ જીવનચરિત્રમાં ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક પણ તેમ જ કહે છે. કિશોરવયે ગગાભાઈએ ધર્મશાસ્ત્રોનો થોડો અભ્યાસ પણ કરેલો. સેવકરામ રાજારામ દેસાઈ પાસેથી શિવપુરાણ, વિષ્ણુભાગવત, દેવીભાગવત, ભારતસાર વગેરે ગ્રંથોનો અભ્યાસ કરેલો. પછી મનોહરસ્વામીનો સંગ મળ્યો, તેમનો રંગ લાગ્યો. તેમની પાસે પણ ગીતા અને ઉપનિષદોનું અધ્યયન કરેલું. દીવાન તરીકે રાજકાજ ઉપરાંત તેઓ સાધુસંતોનો સમાગમ કરતા રહેતા હતા. રાજના કાજે બહારગામ જાય ત્યારે ત્યાંના જ્ઞાની વિદ્વાનોને અને સાધુસંતોને મળતા. તેમને ભાવનગરમાં આવવા આમંત્રણ આપતા. દીવાનપદેથી નિવૃત્ત થયા પછી તેમણે ફરીથી શાસ્ત્રાભ્યાસમાં વધુ રસ લીધો એટલું જ નહિ, રોજ સાંજે પોતાને ઘરે કેટલાક આમંત્રિત મહેમાનો સાથે શાસ્ત્ર-ચર્ચા પણ કરવા લાગ્યા. તેમના બહુશ્રુતપણાની પ્રતીતિ થતાં તેમાંના કેટલાકે ગગાભાઈને પુસ્તક લખવાની વિનંતી કરી, જેથી તેમની શાસ્ત્રચર્ચા વધુ બહોળા વર્ગ સુધી પહોંચી શકે. આથી ગગાભાઈએ સ્વરૂપાનુસંધાન ગ્રંથ તૈયાર કર્યો. તેમાં ઉપનિષદો, સ્મૃતિઓ, ગીતા, યોગવાસિષ્ઠ, પંચદશી, સ્વારાજ્યસિદ્ધિ, શંકરાચાર્યના પ્રકરણગ્રંથો, વગેરેને અનુસરીને વેદાન્તશાસ્ત્રનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે.

લેખકે પુસ્તકને સાત ‘પ્રતિક્રિયા’(પ્રકરણ)માં વહેંચ્યું છે. પહેલી પ્રતિક્રિયામાં બ્રહ્મનાં લક્ષણ, જીવ તથા ઈશ્વરનું સ્વરૂપ, આત્મા અને દેહ, વગેરેની ચર્ચા કરી છે. દૃષ્ટા અને દૃશ્ય, સાક્ષી અને સાક્ષ્ય, કારણ અને કાર્ય વચ્ચેના વિવેકની વાત બીજા પ્રકરણમાં મળે છે. તો ત્યાર પછીના પ્રકરણમાં મુખ્યત્વે આત્મા, કર્તૃત્વ, ભોક્તૃત્વ, વગેરેની ચર્ચા કરી છે. ચોથી પ્રક્રિયામાં જાગૃત વગેરે અવસ્થા, પારમાર્થિક, વ્યાવહારિક, અને પ્રાતિભાસિક એ ત્રિવિધ સત્તાઓની છણાવટ કરી છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી પ્રક્રિયામાં શ્રુતિપ્રસ્થાનનાં ભાષ્ય, સૂત્રભાષ્ય તથા સ્મૃતિપ્રસ્થાનનાં ભાષ્યોને આધારે વેદાન્ત સિદ્ધાંતોનું, સાધનોનું, અને ફળનું પ્રતિપાદન કરી ગ્રંથનો ઉપસંહાર કર્યો છે. અલબત્ત, અહીં એ નોંધવું જોઈએ કે સર્વસાધારણ વાચકને જેમાં ગમ પડે એવું આ પુસ્તક નથી, એવા વાચક માટે એ લખાયું જ નથી. હકીકતમાં આપણી પરંપરાગત શાસ્ત્રાર્થની ભાષ્ય પદ્ધતિને અનુસરીને તે લખાયું છે.

પુસ્તકની નકલો દેશની અને પરદેશની અનેક જાણીતી વ્યક્તિઓને ભેટ મોકલાઈ હતી. તેમાંના લગભગ બધાએ ગ્રંથની એક યા બીજી રીતે પ્રશંસા કરી હતી. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ લખ્યું હતું: “આપના જેવા રાજ્યપ્રસંગમાં એક સર્વોપરી પ્રધાન, અનેક ઉપાધિ છતાં શ્રદ્ધાપૂર્વક આત્મજ્ઞાન સંપાદન કરવા પૂર્વાવસ્થામાંથી જ પ્રયત્ન કરે એ જ પ્રથમ તો વિરલતા છે … આપ જેવા ઉત્તમોત્તમ વિદ્યાના ઉપાસક જોઈ દેશાભિમાનીઓને સંતોષાનંદ થવાનું કારણ છે.” તો ‘ગુજરાત શાળાપત્ર’માં નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ લખ્યું હતું: “ભાવનગરના માજી દીવાન, અને મુંબઈ ઇલાકા ખાતે હિન્દુસ્તાનના આ એક મોટા રાજનીતિજ્ઞ પુરુષે ગ્રંથકાર રૂપે દેખાવ આપી આખી પ્રજામાં સાનન્દાશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે … રાજ્યશ્રી ગગાભાઈનું નામ યૂરોપમાં પણ અજાણ્યું નથી. પાર્લામેન્ટમાં પ્રસંગોપાત એમની રાજ્યપ્રકરણી બુદ્ધિનાં હર્ષભેર વખાણ થયેલાં છે. પણ હાલ ‘સ્વરૂપાનુસંધાન’ એ નામનું એક સમર્થ પુસ્તક વેદાન્ત જેવા ગહન વિષય ઉપર લખી એ ગૃહસ્થે પોતાનો પારમાર્થિક અભ્યાસ, અદ્ભુત સ્મરણશક્તિ, તથા વૃદ્ધાવસ્થામાં પણ અખંડિત ઉદ્યોગ એ નિર્વિવાદપણે જાહેર કર્યા છે.”

એક જમાનામાં દેશ અને વિદેશમાં જેમનું નામ જાણીતું થયું હતું તે ગગાભાઈ(ગૌરીશંકર ઉદયશંકર ઓઝા)નો જન્મ ભાવનગર નજીકના ઘોઘા ગામે (જે એ વખતે બ્રિટિશ સરકારની હકૂમત નીચે હતું) ૧૮૦૫ના ઓગસ્ટની ૨૧મી તારીખે થયો હતો. તેમની દોઢ વર્ષની ઉંમરે માતા અજબબાનું અવસાન થયું. તેથી ગગાભાઈ તેમનાં મોટાં બહેન અચીબા અને બનેવી સેવકરામ રાજારામ દેસાઈ પાસે ઉછર્યા હતા. એ વખતે હજી અંગ્રેજી પદ્ધતિની સ્કૂલો શરૂ થઇ નહોતી. ગામઠી નિશાળમાં થોડુંઘણું ભણ્યા, પણ તેમાં ગાડું ખાસ ચાલ્યું નહિ. પણ કુટુંબીનાં વડીલો પાસેથી ધર્મ, કાવ્ય, અને મુત્સદ્દીગીરીના પાઠ શીખ્યા. ત્યારબાદ તેઓ સ્વામી મનોહરદાસના પરિચયમાં આવ્યા તેની વિગતો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. શરૂઆતમાં ગગાભાઈએ કાપડનો વેપાર કરી જોયો, પણ તેમાં ઝાઝી ફાવટ આવી નહિ. તેમના બનેવી સેવકરામ દેસાઈ ભાવનગર રાજ્યની નોકરીમાં હતા. તેમના દ્વારા ગગાભાઈ પણ તે રાજ્યની નોકરીમાં મહિને સવા છ રૂપિયાના પગારે ૧૫-૧૬ વર્ષની ઉંમરે જોડાયા, અને સેવકરામના કારકૂન તરીકે કામ શરૂ કર્યું. તેમની કૂનેહથી પ્રભાવિત થઇ રાજાએ ગગાભાઈની નિમણૂક કુંડલા પરગણાના ડેપ્યુટી વહીવટદાર તરીકે કરી. કુંડલા પર થયેલા બહારવટિયાઓના હુમલાને તેમણે કૂનેહ અને બહાદુરીથી નિષ્ફળ બનાવ્યો. પછી બહારવટિયાઓની બીકે નાસી ગયેલા ખેડૂતો, કારીગર, વસવાયાં, વગેરેને રક્ષણની ખાતરી આપી ફરી વસાવ્યાં, અને તેમના ધંધા-રોજગાર ફરી શરૂ કરવામાં મદદ કરી. એક કુશળ વહીવટકર્તા તરીકે તેઓ રાજાના મનમાં વસી ગયા, અને તેથી જુદી જુદી જવાબદારીઓ સંભાળ્યા પછી વખત જતાં ગગાભાઈ રાજયના દીવાનપદે પહોંચ્યા. દીવાન તરીકે તેમણે રાજ્યના વેપાર-રોજગારને પ્રોત્સાહન આપ્યું, બંદરનો વિકાસ કર્યો, ભાવનગર શહેર સુધરાઈની સ્થાપના કરી, પાણી, રસ્તાઓ, શિક્ષણ વગેરેની વ્યવસ્થા કરી. તેમણે ભાવનગરમાં પહેલી કન્યાશાળા શરૂ કરી, પણ દીકરીને ભણાવી હોય તો તે વહેલી વિધવા બને એવા વહેમને કારણે લોકો પોતાની દીકરીઓને તેમાં ભણવા મોકલતા નહિ, તેથી ગગાભાઈએ પોતાના કુટુંબની દીકરીઓને તેમાં ભણવા મોકલી અને દાખલો બેસાડ્યો. સ્થાનિક લોકો અને કેટલાક અંગ્રેજ અમલદારોનો પણ વિરોધ હોવા છતાં ભાવનગર-ગોંડલ રેલવેની યોજના કરી ને તેને પર પાડી. ભાવનગરને કાઠિયાવાડનું એક આગળ પડતું રાજ્ય બનાવ્યા પછી ૭૪ વર્ષની ઉંમરે ૧૮૭૯માં ગગાભાઈ દીવાનપદેથી નિવૃત્ત થયા. ત્યાર બાદ ૧૮૮૬માં સન્યસ્ત લઇ સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી બન્યા. ૧૮૯૧ના ડિસેમ્બરની પહેલી તારીખે તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી મેક્સમૂલરે લખ્યું: “મિ. ગ્લેડસ્ટન(બ્રિટનના વડા પ્રધાન વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટન, ૧૮૦૮-૧૮૯૮)ની જેમ ગૌરીશંકર હિન્દુસ્તાનમાં મહાન વૃદ્ધ પુરુષ તરીકે, અથવા તો તેથી પણ વધુ તો એક ઉત્તમ સુજ્ઞ પુરુષ રૂપે વિખ્યાત થયા, અને મિ. ગ્લેડસ્ટનની જેમ તેમના ચરિતમાં તત્ત્વવિચારક અને વ્યવહાર નિપુણ, ધ્યાની અને કર્મી એ બંનેનું મનોહર મિશ્રણ જોવામાં આવે છે.” અલબત્ત, આજે વિદ્વાન દીવાન ગગાભાઈ અને તેમના પાંડિત્યપૂર્ણ પુસ્તક સ્વરૂપાનુંસંધાન સાથે અનુસંધાન ધરાવનાર બહુ ઓછા જોવા મળે.

સંદર્ભ:

૧. શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, સી.એસ.આઈ. (સ્વામી શ્રીસચ્ચિદાનંદસરસ્વતી) એમનું સપત્રચિત્ર જીવનચરિત્ર/કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા. મુંબઈ, ૧૯૦૩

૨. Gaorishankar Udayashankar, C.S.I., Ex-Minister of Bhavnagar, Now in retirement as a Sanyasi/Javerilal Umiashankar Yajnik. Bombay, Pref. 1889

૩. સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર: ગગા ઓઝા/વિજયરાય ક. વૈદ્ય. ભાવનગર, ૧૯૫૯

xxx xxx xxx

[‘શબ્દસૃષ્ટિ'નાં માર્ચ ૨૦૧૯ના અંકમાં પ્રગટ થયેલો લેખ]

https://www.facebook.com/deepak.b.mehta.1/posts/10214719651841308

Loading

...102030...2,9632,9642,9652,966...2,9702,9802,990...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved