Opinion Magazine
Number of visits: 10,229,398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં જઈ રહ્યા છીએ આપણે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 September 2019

હવે ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી આપણે એક અધ્ધરજીવ મનઃસ્થિતિમાં હોઈશું : સત્તાવીસમી ઑગસ્ટે જ્યારે જમ્મુ-કાશ્મીરની બાબત સર્વોચ્ચ અદાલત સમક્ષ આવી, ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈએ સમગ્ર પ્રશ્નનું મહત્ત્વ પ્રમાણી વિશેષ બંધારણીય પીઠની જરૂરત જોઈ અને ઑક્ટોબરના પહેલાબીજા અઠવાડિયામાં તે દેવડીએ લેવાશે એમ પણ કહ્યું. અયોધ્યાની રોજેરોજની સુનાવણી ત્યારે પૂરી થવામાં હશે, અને તરત જમ્મુ-કાશ્મીર (૩૭૦ એ અને ૩૫ એ-ના સંદર્ભમાં) હાથ ધરાશે.

હમણાં અનાયાસ જ અયોધ્યા અને જમ્મુ-કાશ્મીર બંને એક સાથે, લગભગ એકશ્વાસે યાદ કરવાનું બન્યું એ જોગાનુજોગમાં એક ઔચિત્ય પણ છે. કલમ ૩૭૦ હો કે રામ મંદિરનો પ્રશ્ન (કોર્ટ કેસ ખરું જોતાં તો જમીન પરના કબજાનો એટલે કે ટાઈટલ સુટનો છે, તેમ છતાં) : બંને હાલના હાકેમો અને હુકમરાનોને મન કોઈ કાયદો અને વ્યવસ્થા કે ન્યાયિક રાજવટના મુદ્દા નથી. રાષ્ટ્રવાદની એમની પોતાની જે ચોક્કસ વ્યાખ્યા અને સમજ છે તે ધોરણે તેઓ આ બાબતો જુએમૂલવે છે અને ખપમાં લે છે.

સદ્‌ભાગ્યે, સર્વોચ્ચ અદાલતે રાજ્યકર્તાઓની કાશ્મીર સમજને પરબારી નહીં સ્વીકારી લેતાં સર્વ રજૂઆતો સાંભળી બંધારણીય ધોરણે ઘટાવવાનું વલણ લીધું છે. આ જ સંદર્ભમાં એણે સંઘ સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકાર બેઉને નોટિસ પાઠવવાનું પણ નક્કી કર્યું છે. ભારત સરકારના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ બંને અદાલતમાં હાજર હતા અને એમણે કહ્યું કે અમે અહીં છીએ જ તો બંને સરકારોને અલગથી નોટિસ પાઠવવાની જરૂર નથી. તેમ છતાં, સર્વોચ્ચ અદાલતે વિધિવત્‌ નોટિસનો રાહ લેવું ઉચિત લેખ્યું એ બીના, ખાસ તો, બંને સરકારી ધારાશાસ્ત્રીઓની જે એક દલીલ હતી એ જોતાં મહત્ત્વની બની રહે છે. ધારાશાસ્ત્રીઓની દલીલ એ હતી કે બંને સરકારો જોગ આવી નોટિસ પાઠવવામાં આવશે એથી આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં પાકિસ્તાનને પોતાના એકતરફી પ્રચાર માટેનું ઓજાર મળી રહેશે. આમ તો, આ દલીલ એ જ કુળની હતી અને છે જે ભા.જ.પ. પ્રવક્તાઓએ રાહુલ ગાંધીની ટીકામાં પ્રયોજી હતી. કાશ્મીરમાં સત્તાવાર પ્રચારની જેમ બધું સમુંનમું નથી એવું રાહુલ ગાંધીએ કહ્યું અને પાક વર્તુળોએ આ ટિપ્પણીને પોતાના પ્રચાર સારુ ખપમાં લીધી એ જાણીતું છે. વસ્તુતઃ રાહુલ ગાંધી કે બીજાઓ એક લોકશાહી મુલકને ધોરણે પેશ આવી રહ્યા છે, અને સર્વોચ્ચ અદાલતે પણ સરકારના ધારા-અધિકારીઓના અનુનય અને આગ્રહને વટીને વિધિવત્‌ નોટિસનો રાહ લીધો તે પુખ્ત લોકતંત્રને લાયક સ્વતંત્ર ન્યાયતંત્રની ભૂમિકા છે.

જે સંજોગો ઊભા થયા એમાંથી ૩૭૦ને તરાપે તરવાનો રાહ દેશના નેતૃત્વે આટલાં વરસ ખપમાં લીધો છે, અને નેહરુ વાજપેયી ફ્રિકવન્સી પરની એની કામગીરીએ અહીં બાંગલાદેશ સરજાતું ટાળ્યું છે. હાલના હાકેમો ૩૭૦ની નાબૂદી(અને ૩૫ એ ની નાબૂદી)ને લગભગ એક વિદેશી કિલ્લો કબજે કર્યો હોય એવા વિજ્યોન્માદથી જુએ છે. એટલું જ નહીં ભા.જ.પ. શ્રેષ્ઠીઓ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં તેમ જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીમાં ૩૭૦ની નાબૂદીના કથિત વીરકર્મને મુખ્ય મુદ્દો બનાવવા વાસ્તે લાલાયિત માલૂમ પડે છે. અહીં લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે નવી દિલ્હી કોઈ સાંસ્થાનિક સામ્રાજ્યશાહીની માનસિકતાથી જમ્મુ-કાશ્મીરથી માંડીને ઇશાન ભારત સહિતનાંને પોતાનાં કરી શકવાનું નથી. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનું કોઈ લોકસ સ્ટૅન્ડાઈ નથી એ જો સાચું છે તો એટલું જ સાચું એ પણ છે કે પાક હસ્તકના કાશ્મીર (પી.ઓ.કે.) કરતાં અહીં જે લોકશાહી ગુંજાશમોકળાશ હોઈ શકે છે એને માટે આપણી રાજવટ સતત પરીક્ષણની સ્થિતિમાં હતી અને છે.

રાજકીય અખાડામાં પક્ષવિપક્ષની મલ્લકુસ્તી ચાલતી હોય ત્યારે એમાં એક પક્ષકાર, રિપીટ, પક્ષકાર હોય એવી અદાથી રાજ્યપાલ સત્યપાલ મલિક ક્વચિત પેશ આવતા જણાતા હોય તે બીનાને કોઈ એકલદોકલ દાખલાને બદલે આપણે ત્યાં બંધારણીય અને સ્વાયત્ત સંસ્થાઓ પરની કૃષ્ણછાયાના એક નમૂના દાખલ જોવી જોઈએ. સરકારમાત્ર બંધારણીય સંસ્થાઓમાં સંભવિત તાંબુલવાહિની જોતી હોય છે, જેની એક પરાકાષ્ઠા ૧૯૭૫ના જૂનના કટોકટીરાજરૂપે આપણે જોઈ હતી. આ સ્તો એ પરિસ્થિતિ હતી જેણે જનસંઘ સહિતના વિપક્ષી એકત્રીકરણને એક ગતિ આપી હતી. આ પ્રક્રિયાનો, અંતતો ગત્વા, સૌથી વડો લાભાર્થી ભા.જ.પ. (જનસંઘ) સ્વાયત્ત સંસ્થાઓ પરત્વે ‘અધો અધો ગંગેયમ્‌’નું જે ચિત્ર ઉપસાવે છે એને વિશે શું કહેવું, સિવાય કે રુક જાવ.

ન્યાયમૂર્તિ ગોગોઈ અને અન્ય ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ જાન્યુઆરી ૨૦૧૮માં દેશજનતા સમક્ષ ધા નાખવાપણું જોયું હતું તે બાબતે આપણે સવિશેષ સચિન્ત અને સતર્ક રહેવાપણું સતત લમણે લખાયું દીસે છે. ચિદમ્બરમ્‌ને જામીન નહીં આપનાર હાઈકોર્ટ જજ નિવૃત્તિના બે જ દિવસમાં (પૂર્વે અરુણ જેટલીએ ક્વચિત્ ‌હિમાયત કરી હતી તેમ બેત્રણ વરસના ‘કુલિંગ પિર્યડ’નો મલાજો મેલીને) એપેલેટ ટ્રિબ્યુનલ પર આરૂઢ થઈ રહ્યાના સમાચાર સાચા હોય તો એમાં શું વાંચશું ?

અને સન્માન્ય ન્યાયમૂર્તિઓ? ભીમા-કોરેગાંવ કેસમાં જજસાહેબ એક આરોપીને ટૉલ્સ્ટૉય કૃત ‘વૉર ઍન્ડ પીસ’ સંઘરવા બદલ ધધડાવે છે. ભાઈ, ચારેક દાયકા પર ગુજરાતમાં ‘માઓવાદી સાહિત્ય’ સામે સરકારી પોલીસ કારવાઈ ચાલી ત્યારે ન્યાયમૂર્તિ પ્રફુલ્લ ભગવતીએ ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે વિચારપ્રસાર તે પોતે કરીને કોઈ ગુનો નથી. વાંસોવાંસ, સન્માન્ય ન્યાયમૂર્તિ સારંગ કોતવાલની સ્પષ્ટતા આવી છે કે હું જેને વિશે ટિપ્પણી કરતો હતો તે ટૉલ્સ્ટૉય કૃત ‘વૉર ઍન્ડ પીસ’ પુસ્તક નહોતું પણ બિસ્વજીત રૉયનું ‘વૉર ઍન્ડ પીસ ઈન જંગલમહાલ : પીપલ, સ્ટેટ ઍન્ડ માઓઇસ્ટ્‌સ’ હતું. અહીં એટલું જ કહીશું કે એ સંજોગોમાં પણ ભગવતી ચુકાદો અક્ષરશઃ ઊભો જ છે. બીજું, ન્યાયમૂર્તિ કોતવાલની ટિપ્પણી ‘તમે બીજા દેશની યુદ્ધવાર્તામાં કેમ રસ લો છો’ એ તરજ પર હોય તો એ આપણે ત્યાંના માઓવાદીઓને બીજા મુલકના માને છે કે કેમ એવો સવાલ પણ લાજિમ છે. જો કે, આ લખનારનો અધીન મત છે કે ટૉલ્સ્ટૉયથી ગાંધી સહિતના સૌને પાછલી અસરથી અને આગલી કહેતાં આગળની સંભાવનાઓ લક્ષમાં લઈ સતત અદાલતમાં પેશ કરતા રહેવું જોઈએ. પૂર્વે ગાંધીએ અંગ્રેજ અમલમાં ‘રાજદ્રોહ’ના આરોપ સબબ જે કહેલું તે આ સામયિકે છેલ્લા દસકામાં એક વાર અગ્રલેખને સ્થાને મૂક્યું હતું તે સાંભરે છે. કદાચ, થોડે થોડે અંતરે તે ફરી ફરી છાપવું જોઈએ જેથી કથિત રાષ્ટ્રવાદ અને ઘોર સત્તાવાદની મૂઠ ન વાગે અને મૂર્છા વળતી રહે.

અને પોલીસકર્મીઓ વિશે શું કહીશું ? ‘મૉબ લિન્ચિંગ’ને પોતાની ધર્મશ્રદ્ધા કે રાષ્ટ્રપ્રીતિને ધોરણે તેઓ ધર્મ્ય ગણે છે; (જેમ સત્તાવર્તુળો પણ ગણે છે), અને એ અંગે નકો નકો કારવાઈમાં મત્ત મહાલે છે. (બુલંદ શહર ઘટનામાં કોઈ સુબોધકુમાર સિંહ જેવા પ્રામાણિક અધિકારી જુદા પડે તો એમની હત્યા થાય અને પછી જામીનધન્ય હત્યારાઓ બહાર આવે એટલે એમનું ફૂલેકું ચડે. પ્રજા તરીકે ક્યાં જઈ રહ્યા છીએ, આપણે ?) વાત અલબત્ત પોલીસકર્મીઓની કરતા હતા – અને હમણાં જ કૉમન કૉઝ અને સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝના સર્વેક્ષણ પ્રમાણે તો દરેક બીજો પોલીસકર્મી મુસ્લિમ એટલે ગુનેગાર એવા સમીકરણને સ્વીકારીને ચાલે છે અને દરેક ત્રીજો ઉન્માદી ટોળાશાહી હસ્તકની હત્યાઓમાં કુદરતી ન્યાય જુએ છે.

ભારત સરકારને, સત્તાપક્ષી વિચારધારાકીય વરિષ્ઠોને એક છેડેથી આર્ત પોકાર તો બીજે છેડેથી બંધારણબદ્ધ પૃચ્છાની રીતે કહેવું રહે છે કે તમે લોકશાહી રાજવટને ન્યાયાધીન માનો છો કે સત્તાધીન. જે ન બનવાનું બની રહ્યું છે એમાં તમારું સૅન્ક્‌શન હોય એવી છાપ કેમ ઊઠે છે, એ સવાલ વિપળવાર પણ વહેલો નથી.

ઑક્ટોબરના પહેલાબીજા અઠવાડિયામાં ન્યાયની દેવડીએ કાશ્મીર ચર્ચા આવશે, પણ ત્યાં સુધીનો ગાળો, તે દરમ્યાનનો ગાળો, અને તે પછીનો પણ, ‘રુલ ઑફ લૉ’ની ભૂમિકા સ્પષ્ટસુરેખ લેવાનો અને કોઈ સાંસ્થાનિક સામ્રાજ્યશાહી નહીં પણ પ્રજાસૂય રાજવટને અધોરેખિત કરવાની સવિશેષ સભાનતાનો બની રહેવો ઘટે છે.

મથાળે જરી સલામત સંડોવણીએ પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છીએ આપણે; પણ પૂછવું તો સંકેલાતે આ સમજાય છે : ક્યાં જવું છે આપણે.

ઑગસ્ટ ૨૮, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 01-02

Loading

ભાષાકારણ

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|1 September 2019

આપણી સૌથી પહેલી ભાષા હોય છે કાલાઘેલા ઉચ્ચાર, જે આપણા સિવાય કોઈ નથી સમજી શકતું. પણ આપણે વડીલો અને મોટા કુટુંબીઓને સાંભળીને, એમનું અનુકરણ કરીને, ભાષા શીખવા મંડીએ છીએ. એમની પહેલી ભાષાને આપણે માતૃભાષા કહીએ છીએ, કારણ કે એ ભાષા આપણે સૌથી વધુ આપણી મા પાસે સાંભળીએ છીએ. અને જો આપણે નસીબદાર હોઈએ અને આપણા પિતા બીજી ભાષા બોલતા હોય, તો બબ્બે ભાષા આપણે નાનપણથી સમજીએ અને બોલી શકીએ છીએ.

નિશાળે જવા મંડીએ, એટલે આપણને ભાષાશિક્ષકો વ્યવસ્થિત રીતે શીખવે છે – એનું કારણ એ છે કે એને લીધે આપણે સમાજમાં અને એની પ્રવૃત્તિઓમાં સમજપૂર્વક ભાગ લઈ શકીએ છીએ. દરેક ભાષાની હોય છે ખાસિયત, સંસ્કૃતિ, સાહિત્ય, અને માધુર્ય. કમનસીબે આપણને દેશભરની બધી ભાષા શીખી શકવાનો નથી સમય, નથી આપણામાં ધગશ.

તો કઈ ભાષા શીખવી અને કઈ ભાષામાં વ્યવહાર કરવો, એ કોણ નક્કી કરે અને કયા નિયમસર આ બધું નક્કી કરાય?

ભારતનાં શહેરોમાં ઘણી ભાષા બોલાય છે. જો તમે કોઈ શહેરમાં રહેતા હો અને બીજા પ્રદેશથી આવ્યા હો અને તમે કહો કે મને મારા નવા શહેરની ભાષા નથી ગમતી કે એ ભાષા ન શીખવાનો તમે નિર્ણય લો, તો એનો ગેરલાભ તમને છે અને તે તમારી ખામી પુરવાર કરે છે. તમારી પોતાની ભાષા અને એ શહેરની ભાષા, આ બે તો જાણવી/સમજવી જ જોઈએ. એ ઉપરાંત અંગ્રેજી – એટલા માટે કે નહીં, કે આપણે હજુ અંગ્રેજ સામ્રાજ્યથી અંજાયેલા છીએ; એટલા માટે પણ નહીં કે અંગ્રેજી ભારતની ભાષાઓ કરતાં ચડિયાતી છે – પણ એટલા માટે કે અંગ્રેજી જગતભરમાં બોલાય અને સમજાય છે અને વાણિજ્ય, વેપાર, વિજ્ઞાન અને વ્યવહારમાં સફળતા અને સહેલાઈથી આગળ વધવું હોય, તો તે માટે અંગ્રેજી આવશ્યક છે. હા, તમે અંગ્રેજી સિવાયની બીજી કોઈ પણ ભાષામાં ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ ભણી શકો છો – મારો જ દાખલો લો – પણ અંગ્રેજી સરખું બોલીસમજી ના શકાતું હોય, તો દુનિયામાં આગળ વધવું અને કીર્તિ પ્રાપ્ત કરવી અઘરી તો પડે.

વિવિધ ભાષાઓની સમજ અને જાણકારી આપણી પોતાની વિચારધારાને સંકુચિત રાખવાને બદલે વિસ્તૃત કરે છે. બહુભાષી હોવું એ તો સદ્‌ગુણ છે અને વિવિધભાષી બનવું જટિલ નથી.

હું ગુજરાતી છું; મારો જન્મ ગુજરાતી ઘરે થયો હતો. મારી મુંબઈની શાળા – ન્યૂ ઇરા (મુંબઈ) – અમને ગુજરાતી માધ્યમમાં શીખવતી. બાલમંદિરથી બધા વિષય અમે ગુજરાતીમાં શીખ્યા. બીજા ધોરણમાં અમને અંગ્રેજી એક વિષય તરીકે શીખવા મળ્યું, ત્રીજા ધોરણથી હિન્દી. અમારા હિન્દીના શિક્ષકે અમને પ્રોત્સાહન આપ્યું કે અમે સૌ રાષ્ટ્રભાષા પ્રચારસમિતિ યોજિત હિન્દી પરીક્ષા આપીએ. એ પોતે રહ્યા હિન્દીભાષી. (આ સમિતિને ય ગતાગમ નહોતી; ‘રાષ્ટ્રભાષા’ પ્રચારસમિતિ કહેવું એ જ એક ભૂલ છે – હિન્દી ભારતની ઑફિશિયલ, એટલે કે સત્તાવાર ભાષા છે; નૅશનલ, એટલે કે રાષ્ટ્રભાષા નથી – પણ જવા દોને એ વાત – ખાલી ફોગટ હિન્દીવાળાઓ જોડે ઝઘડો થશે!) એક વાત મારે કબૂલ કરવી જોઈએ – મારું હિન્દી કાચું – હું પ્રાથમિક અને પ્રારંભિક પરીક્ષામાં (માંડ માંડ) પાસ થયો અને પ્રવેશ, પરિચય, કોવિદ અને રત્ન – એ પરીક્ષાઓને દૂરથી જ નમસ્કાર કર્યા. મને ગુજરાતી વહાલી.

પાંચમાથી સાતમું ધોરણ અમે મરાઠી શીખ્યા – મુંબઈ હતાને? ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી અમે દસમી સુધી શીખ્યા. સાતમા ધોરણ સુધી અમારા બધા વિષયો અમને ગુજરાતીમાં શિખવાતા હતા – એટલે હું ભૂગોળ ભણ્યો, જ્યોગ્રાફી નહીં; વિજ્ઞાન ભણ્યો, સાયન્સ નહીં; બીજગણિત, અલ્જિબ્રા નહીં; ભૂમિતિ, જ્યૉમેટ્રી નહીં. પણ એ છતાં અમારો અંગ્રેજીનો પાયો પુષ્કળ મજબૂત! આઠમીમાં ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં શિખવાયાં; નવમીમાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર પણ અંગ્રેજીમાં; અને દસમીમાં તમામ વિષય અંગ્રેજીમાં. એનું પરિણામ? માધ્યમિક શિક્ષણ પત્યું, ત્યારે અમે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા માતૃભાષા જેવી સહજતાથી બોલતા, વાંચતા અને લખતા થયા, અને હિન્દી અને મરાઠી સમજી શકતા.

વળી પછી મારી શાળા રાષ્ટ્રવાદમાં માને – ભગવાધારી રાષ્ટ્રવાદ નહીં, પણ ખાદીધારી રાષ્ટ્રવાદ. એટલે કે ગાંધી અને ટાગોરની વિચારસરણીથી પ્રેરિત અમારી શાળા – એટલે અમને મન હોય, તો રવિવારે અમને ભારતની બીજી કોઈ પણ ભાષા શીખવી હોય, તો એ માટે વિકલ્પ ઉપલબ્ધ હતો. (મહિને વીસ રૂપિયાની ફી). કોઈક વર્ગમાં ચિત્રકામ ચાલે, હૉલમાં ભરતનાટ્યમ્‌ના વર્ગ ચાલે, ઑડિટોરિયમમાં નાટકનો વર્ગ અને બીજા ત્રણ વર્ગમાં બીજી ભાષા શિખવાય – અમારા વખતે બંગાળી, મલયાલમ અને સંસ્કૃત વર્ગ ચાલતા હતા. હું ત્યાં બે વર્ષ બંગાળી શીખ્યો અને સોળ વર્ષે એ નિર્ણય લીધાથી હું આજે પણ ખુશ છું  – એને જ કારણે હું ભારતની કલા સમૃદ્ધિ અને સાહિત્યથી વધારે પરિચિત છું – ફાયદો મને થયો છે; સત્યજિત રાય, મૃણાલ સેન અને ઋત્વિક ઘટકની ફિલ્મો મેં સબટાઇટલ વાંચ્યા વગર જોઈ છે, બાદલ સરકારનાં નાટકો બંગાળીમાં ભજવાતાં મેં જોયાં છે, જેનો હું ઋણી છું.

પણ આ નિર્ણય મેં લીધો હતો અને એ સૌથી અગત્યની વાત છે. જે ભાષા વગર કામ ન થઈ શકે, જે જરૂરી હોય એ અમને અમારા શિક્ષકોએ ફરજિયાત શીખવી. મુંબઈમાં રહીને મરાઠી ના સમજો તો એનો ગેરલાભ તમને જ છે. જો તમારે દુનિયાભરમાં કામ કરવું હોય કે પ્રવાસ કરવો હોય, તો અંગ્રેજી વગર અઘરું પડે. જે દેશમાં ઘણા લોકો હિન્દી બોલતા હોય, ત્યાં હિન્દી સમજવામાં કોઈ નુકસાન નથી અને બીજી ભાષા શીખવી હોય, તો એ માટે સુવિધા પણ છે.

તકલીફ ત્યારે ઊભી થાય છે, જ્યારે આ નિર્ણય તમને કોઈ ના લેવા દે, પણ તમારા પર કોઈ જોર કરી લાદે. કારણ કે જ્યાં જોર વપરાય, એને તો બળજબરી કહેવાય.

થોડા દિવસ પહેલાં મોદી સરકારે નવી શિક્ષણનીતિ જાહેર કરી, જેમાં હિન્દી પર ખાસ મહત્ત્વ અપાયું. ઘણાં રાજ્યોએ વિરોધ કર્યો. ઓગણીસસો સાઇઠના દાયકામાં તમિળનાડુ પ્રાંત દેશથી છૂટા થવા તૈયાર થઈ ગયેલો આ જ કારણસર. બળજબરીથી કોઈ પણ સરકાર હિન્દી શીખવવાનો આગ્રહ કરે, એ તો જુલમ કહેવાય. રાજ્યોએ એ વખતે અને અત્યારે વિરોધ કર્યો એનાં બે કારણ છે. એક કે સરકાર ભારતની બીજી ભાષાઓને હિન્દી જેટલી મહત્ત્વની નથી ગણતી; અને બીજું કે આ નીતિનો લાભ ભારતની ચાલીસ ટકા પ્રજાને થાય છે, કારણ કે ભારતના માત્ર બે-પંચમાંશ નાગરિક હિન્દી બોલે છે; ત્રણ-પંચમાંશ, એટલે કે મોટા ભાગના લોકોની માતૃભાષા હિન્દી નથી.

એ વાત સાચી કે ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે – પણ ઉત્તર ભારતમાં બોલાતી બધી ભાષાને ‘હિન્દી’ કહેવી, એ બીજી ભાષાઓ – ખડી બોલી, બ્રજભાષા, ઇત્યાદિ – સાથે અન્યાય કહેવાય. યીડિશ ભાષાશાસ્ત્રી હતા મેક્સ વાઇનરાઇચ. એમણે એક વખત કહ્યું હતું કે ભાષા અને બોલી વચ્ચે એક જ ફરક છે – પ્રત્યેક ભાષા બોલી છે, પણ ભાષા પાસે લશ્કર અને નૌસેના છે. બોલી ભાષા બને છે, કારણ કે બોલી બોલનારી પ્રજા શક્તિશાળી છે. ભાષાને બોલી કહેવું, એ દરેક બીજી ભાષા, જેને બોલી કહેવાય છે, એનું અપમાન છે.

એવું નથી કે હિન્દી લોકપ્રિય નથી. હિન્દી સિનેમાને કારણે બમ્બૈયા હિન્દી શબ્દો – ફાલતુ, ખિટપિટ, ગડબડ, ખડુસ, કાંદા-બટાટા (આલુ-પ્યાજ નહીં!) અને ગુલામી અને આઝાદી જેવા ઉર્દૂ શબ્દ ભારતભરની પ્રજા સમજે છે અને સ્વીકારે છે. શેરીઓમાં બોલાતી હિન્દી સામે બહુ ઓછાને વાંધો છે – પણ ભદ્રંભદ્ર જેવું દસેક જણ જ સમજી શકે એવું હિન્દી જ્યારે પ્રજા પર બળજબરીથી ઠોસીને દબાવાય છે, ત્યારે પ્રજા વીફરે છે.

મરાઠી લેખિકા ગૌરી દેશપાંડે (૧૯૪૨-૨૦૦૩) મારા મિત્ર હતાં. એમણે મને એક વખત કહ્યું હતું  કે જો ભારતમાં એક ભાષા રાષ્ટ્રભાષા તરીકે નીમવી હોય, તો ખાસી અથવા ગારો ભાષા પસંદ કરવી જોઈએ. ખૂબ ઓછા લોકો એ ભાષા બોલે છે, એટલે જો એ ભાષા રાષ્ટ્રભાષા બને, તો બધા ભારતીયો એક જ જગ્યાએથી પ્રારંભ કરશે અને કોઈને વિશેષાધિકાર નહિ મળે.

ગૌરી હતી હંમેશાં શાણી અને વ્યંગમ્ય, પણ એની વાતનો મર્મ આજના ભારત માટે ઘણા કામનો છે.

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 10-11

Loading

નવાં અંગ્રેજી પુસ્તકો : ઑગસ્ટ 2019

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|31 August 2019

હમણાં જોવામાં આવેલાં કેટલાંક નવાં અંગ્રેજી પુસ્તકોની ઝલકની શરૂઆત ઘરદીવડાથી કરવાની થાય. બાર વર્ષના રેહાન મેઘાણીએ Richie Harrer and the Map of Zends નામની રસપ્રદ સાહસકથા લખી છે. ચુંવાળીસ પાનાંની વાર્તામાં જોવા મળતી આ કિશોરની  લેખનકળા અચંબો પમાડે તેવી છે. ખજાનાની શોધની આસપાસ ગૂંથાયેલી  મૂળ વાર્તા  રેહાનની સમૃદ્ધ કલ્પનાશીલતાની ફળશ્રુતિ છે. તેણે સ્થળો અને પાત્રો પણ મજાનાં ઊભાં કર્યાં છે. પછી તેમાં ઉમેરાય છે આખર સુધી ઉત્કંઠા જગાડે તે રીતે વાર્તા કહેવાનો કસબ. સહુથી વધારે નોંધપાત્ર છે તે રેહાનની ભાષાની ફેલિસિટી. તેની લેખનશૈલી સાદી, ભારે શબ્દો કે અલંકારો વિનાની અને છતાં કેવળ બોલચાલની ન બને એવાં ધોરણની છે. વાર્તાનાં પાત્રો, સ્થળો, તેમાં ઊભો કરવામાં આવેલો પરિવેશ અને ખાસ તો એની ભાષાને જોતાં એમ કહેવાનું મન થાય કે લેખકનું નામ છાપવામાં ન આવ્યું હોય તો માનવામાં ન આવે કે અંગ્રેજી જેની પ્રથમ ભાષા નથી એવી કોઈ વ્યક્તિએ આ પુસ્તક લખ્યું હશે.

ભાવનગરની સિલ્વર બેલ પબ્લિક સ્કૂલમાં ભણતો રેહાન લેખક તરીકેની નોંધમાં કહે છે : ‘આ પુસ્તક લખવા માટેની પ્રેરણા હૅરિ પૉટર સિરિઝ પરથી મળી ….. [તે વાંચ્યાં બાદ] એક વખત હું એકલો બેઠો હતો ત્યારે મને એકદમ  વિચાર આવ્યો, મેં કાગળ-પેન લીધાં અને બાર વર્ષના બહાદુર, સાહસિક અને ચતુર છોકરા વિશે લખવાનું શરૂ કર્યું. હું એના વિશે વધારે વિચારતો ગયો એમ એમ આ વાર્તાને રહસ્યમય કેવી રીતે બનાવી શકાય તેનાં માટેનાં ચિત્રો મારા વિહરતાં  થયાં.’

રેહાનનો સાહિત્યવિહાર ચાલતો રહે એવી એને શુભેચ્છા. અલબત્ત, કિશોર ઉંમરે નવલકથા લખવામાં રેહાનની પુરોગામી બે સગી બહેનો છે. અમદાવાદની પંખી અને પરી બ્રહ્મભટ્ટે બે તરુણીઓએ અનુક્રમે Exalated અને The War of Darakoff નામની ફેન્ટસી વર્ગમાં મૂકી શકાય તેવી નવલકથાઓ લખી છે.

પ્રશિષ્ટ સંસ્કૃત નાટ્યકાર ભાસ વિશે વડોદરાના પીઢ નાટ્યવિદ મહેશ ચંપકલાલનો ગ્રંથ Bhasa’s Ramayana Plays From Page to Stage શિમલાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝે બહાર પાડ્યો છે. લેખકે આ અભ્યાસ ઇન્સ્ટિટ્યૂટની જ ફેલોશીપ પ્રોજેક્ટ હેઠળ કર્યો હતો. તેમણે ડિ.લિટ. માટે પણ ભાસ પસંદ કર્યો હતો. અહીં તેમણે નાટ્યકારની કલમે પાનાં પર લખાયેલાં / છપાયેલાં નાટકનો પાઠ અને દિગ્દર્શક એ જ નાટક તખ્તા પર મૂકે ત્યારે એના નિર્માણ માટે એણે તૈયાર કરેલો વિગતવાર આલેખ એ બંનેનો વિશ્લેષણાત્મક અને તુલનાત્મક અભ્યાસ કર્યો છે. નાટકના લેખિત/મુદ્રિત પાઠના અભ્યાસ માટે તેમણે ભાસનાં તેર નાટકોમાંથી રામાયણ પર આધારિત બે નાટકો ‘અભિષેકનાટકમ્‌’ અને ‘પ્રતીમાનાટકમ્‌’ લીધાં છે. વળી તેના મંચનનાં અભ્યાસ માટે સંશોધકે ત્રણ ભજવણીઓ પસંદ કરી છે : ‘અભિષેકનાટક’ના ‘બલિવધમ્‌’ નામના પહેલા અને ‘તોરમયુદ્ધ’ નામના બીજા અંકની કેરળની પરંપરાગત કુડિયાટ્ટમ્‌ શૈલીમાં ભજવણી; અને ‘પ્રતીમાનાટક’નું પ્રસિદ્ધ દિગ્દર્શક કે.એન. પનિક્કરે 2002માં કરેલું મંચન. નાટ્યપ્રયોગોની અનેક શ્વેત-શ્યામ તસવીરો ધરાવતો સવા છસો જેટલાં પાનાંનો આ ગ્રંથ આમ તો નાટ્યવિદ્યામાં આગળ વધેલા અભ્યાસીઓ માટે છે. પણ તે પહેલાંના તબક્કાના વિદ્યાર્થીઓને ‘પરફૉર્મન્સ ટેક્સ્ટ’ કેવી હોય તેનો એક વિસ્તૃત નમૂનો  અહીં મળી શકે. એક ગુજરાતી સંશોધકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝની અભ્યાસવૃત્તિ (ફેલિશીપ) હેઠળ કરેલાં સામાજિક પ્રસ્તુતતા ધરાવતાં સંશોધનનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ.  વર્ષાબહેન ભગત-ગાંગુલીએ કરેલાં લોકઆંદોલનોનાં સંભવત: એકમાત્ર વિસ્તૃત અભ્યાસને ઇન્સ્ટિટ્યૂટે Protest Movements and Citizens’ Rights in Gujarat 1970-2010 પુસ્તક તરીકે 2015માં બહાર પાડ્યો છે.

મહારાષ્ટ્રમાં ગયાં બે દાયકામાં હજ્જારો ખેડૂતોએ કરેલી આત્મહત્યાઓ રાજ્યની અને કેન્દ્રની સરકારો માટે કલંક છે. આપઘાત કરનાર ખેડૂતના પરિવારની અને તેમાં ય તેના પત્નીની હાલત અત્યંત કફોડી થતી હોય છે. પણ દુર્દશાનો સામનો કરીને પોતાનાં અને પરિવારને ફરીથી સુખી બનાવનાર સેંકડો ખેડૂત-પત્નીઓ છે. તેમાંથી કેટલીક મહિલાઓનાં બળ અને ધૈર્ય વિશેની પ્રેરક અને હૃદયસ્પર્શી સમાચારકથાઓ (ન્યૂઝ સ્ટોરિઝ) Harvesting Hope in the Suicide Zone છે. અંગ્રેજી પત્રકાર રાધેશ્યામ જાધવે તેમના આ પુસ્તકને બિલકુલ બંધબેસતું પેટાશીર્ષક આપ્યું છે ‘Women Who Challenged Drought, Death and Destiny’. દુકાળ, મોત અને કિસ્મતને પડકારનારી વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોની ચાળીસ વીરાંગનાઓ અહીં છે. દેવાદાર પતિએ ઘર સળગાવી દીધેલાં ઘરમાંથી વિદ્યા મોરે બાળકો સાથે દાઝતાં-દાઝતાં પણ નીકળી ગયાં. તેમણે દેવું ચૂકવ્યું, ખેતર સંભાળ્યું, બાળકોને ભણાવ્યાં. અનિતા ગાયકવાડે પતિના આપઘાત બાદ હતાશ છતાં લોભી કુંટુંબની સામે લડત આપીને પોતાના પતિના નામની જમીન પોતાના નામે કરાવીને ખેડી, બાળકોને સારો ઉછેર આપ્યો.

ઓસ્માનાબાદ જિલ્લાના હિંગળજવાડીનાં કમલબહેન કુંભારનો ફુવડ વર તેને છોડીને જતો રહ્યો, માથે દેવાં અને દુકાળ. પછીનાં વર્ષોમાં મહિલા ઉદ્યોગસાહસિક તરીકે રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મેળવનાર કમલબહેન આજે આ વિસ્તારનાં રોલ મૉડેલ છે. ત્રણ હજારની વસ્તી ધરાવતાં તેમનાં ગામની બહેનો પતિના મોત કે તેમની હતાશા વચ્ચે સક્રિય થઈ. નજીવાં પાણી છતાં પરંપરાગત ઢબે ખેતી, કુદરતી ખાતરનો ઉપયોગ, શાકભાજીની વાડી તેમ જ મરઘાં-ઉછેર, બચતજૂથ જેવાં માર્ગે ‘આપઘાતનાં મોજાંને ગામની સીમમાં અટકાવ્યું’. મંગલ વાઘરમારેએ પતિની મોટી જમીન વેચી, દેવું ઊતાર્યું, વધેલા પૈસામાંથી જમીનનનો નાનો ટુકડો ખરીદ્યો, સજીવ ખેતી અપનાવી, ‘આજે તેઓ લાખો રૂપિયા કમાય છે’.

દલિત મહિલા સુનિતા કાંબળેએ વાડા તોડીને મહિલાઓને સમૂહખેતીમાં સામેલ કરી. તેમનાં જેવાં જ સુભદ્રા વાટેકરે પતિની જમીન પર સખત મહેનતથી પેદાશ લીધી, આભડછેટ અને ઇર્ષ્યાથી પીડાતા પુરુષોના હુમલાનો પણ સામનો કર્યો. વનમાળાબહેન શિંદેનાં પતિ અને પુત્ર, બીજા અનેક નબળા પુરુષોની જેમ હતાશાને કારણે દારૂ પીને મરી ગયા. બહેને એમનાં વિસ્તારમાં પોલીસ અને રાજકારણીઓની સાંઠગાંઠથી ચાલતી લિકર લૉબીની સામે લગભગ એકલા હાથે લડત આપી. આવી અનેક સમાચારકથાઓ લેખકે અંતરિયાળ આપઘાતગ્રસ્ત વિસ્તારોની અને બહાદુર મહિલાઓનીરૂબરૂ મુલાકાતોના આધારે પુષ્કળ વિગતો સાથે લખી છે. ખેડૂત આત્મહત્યાઓ પર પી. સાઈનાથે કરેલું વિરલ અને પ્રભાવક પત્રકારત્વ જાણીતું છે. રાધેશ્યામનું પુસ્તક તેને આગળ લઈ જનાર એક માઇક્રો-પ્રોજેક્ટ જેવું ગણી શકાય.

અમેરિકાથી ભારતમાં આવીને વસેલા, શેક્સપિયર ઉપરાંત નાટક-સિનેમાના અભ્યાસી અને અશોકા યુનિવર્સિટીના અધ્યાપક જોનાથન ગિલ હૅરિસનું Masala Shakespeare : How a Firangi Writer Became Indian પુસ્તક ભારતીય સિનેમા પરના શેક્સપિયરના પ્રભાવનો એકંદરે હળવી અને રસાળ શૈલીમાં અભ્યાસ કરે છે. પુસ્તકનો વિશાળ વ્યાપ બૉલિવૂડ ઉપરાંત દેશની પ્રાદેશિક નાટ્ય-ચિત્રપટ સૃષ્ટિ ઉપરાંત દેશના ઇતિહાસ, રાજકારણ, સામાજિક પરિસ્થિતિ જેવાં ક્ષેત્રોને આવરી લે છે. ‘ઓથેલ્લો’ને તે ઑનર કિલિન્ગના, ‘મકબુલ’ના એક નૃત્યને તે સહિયારા સંસ્કૃતિક વારસાના, અને અલબત્ત ‘હૈદર’ને તે કાશ્મીરના સંદર્ભોમાં જુએ છે. ભારતમાં શેક્સપિયરનાં નાટકનો પહેલો પ્રયોગ એક વહાણ પર થયો હતો, ઉત્પલ દત્તે શેક્સપિયરને ભારતની ભૂમિમાં રોપવા ખૂબ રસ લીધો હતો, પારસી અને મરાઠી રંગભૂમિ પર પણ શેક્સપિયર પ્રવેશ્યો હતો જેવી અનેક રસપ્રદ માહિતી લેખક આપે છે. શેક્સપિયરના ત્રણ-ત્રણ સુખાન્ત અને દુખાન્ત નાટકોના ઉલ્લેખો વિશેષ મળે છે. ભારતનાં ભાતીગળ જીવનના આશિક હૅરિસ એ મતલબનું પણ લખે છે કે આ પુસ્તક ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને લખેલો પ્રેમપત્ર છે.

બીજી કેટલીક મજાની કિતાબો : શહેરોમાં જોવાં મળતાં વૃક્ષો પર લાગણીથી લખાયેલું પુસ્તક Cities and Canopies : Trees in Indian Cities (લેખક – હરિણી નાગેન્દ્ર અને સીમા મુન્ડોલી) ડૉ. બાબાસાહેબ આંબેડકર પરનાં કાર્ટૂન્સ વિશેનું પુસ્તક No Laughing Matter : The Ambedkar Cartoons, 1932-1956 (ઉન્નમતિ સ્યામ સુન્દર), આકર્ષક શૈલી ઉપરાંત ભ્રમણ-સંશોધન-પરિપ્રેક્ષ્ય માટે પણ વાંચવા જેવું અત્યારના સમય વિશેનું મહત્ત્વનું પુસ્તક  Dreamers : How Young Indians are Changing Their  World (સ્નિગ્ધા પૂનમ).

એક બહુ વિશિષ્ટ પુસ્તક પર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(2 ઑગસ્ટ)માં નોંધ આવી હતી. પુસ્તકનું નામ Semicolon : The Past, Present and Future of a Misunderstood Mark, લેખક સેસિલિયા વૉટસન.  ‘એક્સપ્રેસ’ લખે છે :

અંગ્રેજી લેખનનાં બધાં વિરામચિહ્નોમાં સેમીકોલન (અર્ધવિરામ) કદાચ સહુથી વધુ વિવાદાસ્પદ છે. તેની જરૂરિયાત અને અસરકારકતા વિશે લેખકોમાં મતભેદ છે. સ્ટીફન કિન્ગને એ ગમતું નથી, અર્નેસ્ટ હેમિન્ગ્વે અને જ્યૉર્જ ઑરવેલનું પણ એમ જ હતું. પણ હર્મન મેલ્વિલ અને હેંન્રિ જેમ્સને સેમિકોલન પ્રિય હતું. આવાં આ ખાસ વિરામ ચિહ્ન વિશેનાં એમનાં પુસ્તકમાં  ઇતિહાસકાર અને શિક્ષક સેસિલિયા વૉટસને સેમિકોલનના આરંભથી અત્યાર સુધીનો ઇતિહાસ આલેખ્યો છે,  અને તેની સાથે સંકળાયેલા વિવિધ વિવાદો વિશે પણ લખ્યું છે.

સેમિકોલનનાં બે મુખ્ય કાર્યો છે. એક કાર્ય એટલે, જે શબ્દો પછી અલ્પવિરામ મૂકવામાં આવ્યું હોય એવા શબ્દોને એક જૂથમાં મૂકીને અલગ તારવવા. જેમ કે, ‘ઉત્તરપ્રદેશનાં ગોરખપુર, અમેઠી, અને આઝમગઢ; બિહારનાં પટના, વૈશાલી અને નાલંદા; આસામનાં ધુબ્રી, બારપેટા અને ગુવાહાતી …’ સેમિકોલનનું બીજું કાર્ય એકંદરે વિવાદાસ્પદ છે. વિરામચિહ્નોના કોટિક્રમ (હાયરાર્કિ)માં અલ્પવિરામ અને પૂર્ણવિરામ વચ્ચે આવતું અર્ધવિરામ એવું ચિહ્ન છે કે જે, સ્વતંત્ર વાક્યો તરીકેનાં અસ્તિત્વની ક્ષમતા ધરાવતાં હોય તેવાં બે ઉપવાક્યોને છૂટાં પાડીને એક જ વાક્યમાં રાખે. સેમિકોલન કેટલાંક વાક્યોમાં ગોઠવાઇ જાય છે, જ્યારે કેટલાંક વાક્યો તેનાથી અટપટાં બની જાય છે.

સેમિકોલનની શોધ Aldus Manutius નામનાં મુદ્રકે 1494માં વેનિસમાં કરી. ત્યાર બાદ ઘણાં સમય સુધી આ વિરામચિહ્નનું ખાસ કોઈ સુનિશ્ચિત કાર્ય ન હતું. ઓગણીસમી સદીમાં ભાષાવિમર્ષમાં નવા-નવા નિયમો પ્રવેશ્યા, એટલે સેમિકોલનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ વિશે વારંવાર વિવાદ થવા લાગ્યા. સેમિકોલનનાં આ જીવનચરિત્રમાં વૉટસન, મિલ્ટનથી લઈને નાગરિક અધિકારની ચળવળના અગ્રણી માર્ટીન લ્યૂથર કિન્ગ સુધીના બહોળા સમયપટમાંથી, દાખલા ટાંકે છે. તેનો  મુદ્દો એ છે કે વ્યાકરણ-ઝનૂનીઓ(gramamar fanatics)એ નિયમપોથીઓને મહત્ત્વ આપવાને બદલે વાત વધુ સારી રીતે કમ્યુનિકેટ કેવી રીતે કરી શકાય તેની પર ધ્યાન આપવું જોઈએ. તો પછી એનો અર્થ એવો થાય કે ગમે તે ચાલે ? ‘ના, બિલકુલ નહીં’,  એમ કહીને, આ પુસ્તકનાં અવલોકનમાં ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’ લખે છે : ‘લેખન-પ્રણાલીઓ જ્યારે આપણને વિચાર કરતાં અટકાવે ત્યારે જ તેમનો વિરોધ કરવો જોઈએ એમ વૉટસન માને છે. એમનું હોશિયારીભર્યું, કુતૂહલપ્રેરક પુસ્તક આપણને પ્રેરે છે, એ કહે છે કે પૂછતાં શીખો કે નિયમો કોના (અને એ પૂછતાં પૂછતાં જ સેમિકોલનની કદર કરો).’ 

આવાં બધાં મજાનાં પુસ્તકોનો માત્ર ઉલ્લેખ કરીને અર્ધવિરામ લઈએ, કેમ કે પુસ્તકોની વાતમાં ક્યારે ય પૂર્ણવિરામ નહીં આવવાનો !

****

e.mail : sanjaysbhave@yahoo.com

[શુક્રવાર, 30 ઑગસ્ટ 2019ના, દૈનિક “નવગુજરાત સમય”માં પ્રકાશિત લેખકની સાપ્તાહિક કટાર, ‘ક્ષિતિજ’ની આ વિસ્તૃત આવૃત્તિ છે.]    

Loading

...102030...2,8722,8732,8742,875...2,8802,8902,900...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved