Opinion Magazine
Number of visits: 10,229,520
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશ અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થતો હોય ત્યારે સરકાર કેમ ચૂપ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 August 2019

આંખ આડા કાન કરી લેવાથી કે મીઠાં સપનાં બતાડતા રહેવાથી વાસ્તવિકતા નથી બદલાતી એ નરેન્દ્ર મોદીના શાસનકાળનો નીચોડ છે. ૨૦૧૪માં યુ.પી.એ.નો પરાજય થયો એનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર નહોતું, પણ આર્થિક મંદીને કારણે લોકોની અંદર પેદા થયેલી હતાશા હતું. અનેક કૉન્ગ્રેસ વિરોધીઓ એના લાભાર્થી હતા, જેમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા લાભાર્થી હતા. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતનો મેં ઉદ્ધાર કર્યો છે અને દેશનો કરી શકું એમ છું. લોકોએ તેમના પર ભરોસો કર્યો હતો.

એ પછી આપણે જાણીએ છીએ કે તેમની પહેલી મુદ્દતના પાંચ વરસ દરમ્યાન આર્થિક સંકટ દૂર તો થયું નહીં, પણ નોટબંધી અને જી.એસ.ટી.એ દેશને વધારે ઊંડા આર્થિક સંકટમાં ધકેલી દીધો. આબરૂ જાળવી રાખવા જી.ડી.પી.ની ગણતરીના માપદંડો બદલી નાખ્યા. બંને દિશામાં માપદંડો બદલવામાં આવ્યા હતા. પહેલાં યુ.પી.એ.ના વખતનો જી.ડી.પી. ઘટાડીને તેનું સ્કોરકાર્ડ બગાડ્યું અને પછી મોદી સરકારનો જી.ડી.પી.નો દર વધારીને પોતાનું સ્કોરકાર્ડ સુધારી લીધું. આ ઉપરાંત દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ, પાકિસ્તાન, એર સ્ટ્રાઈક જેવા માર્ગે હિંદુ મતદાતાઓનો વિશ્વાસ જાળવી રાખ્યો અને લોકસભાની ચૂંટણીમાં પહેલાં કરતાં પણ ભવ્ય વિજય મેળવ્યો. ખોળામાં બેઠેલા મીડિયાઓએ પણ મદદ કરી હતી.

ચૂંટણી તો જીતી લીધી, પણ પેલા આર્થિક સંકટનું શું? હવે પાણી નાક સુધી પહોંચવા માંડ્યું હતું એટલે પ્રજાનું ધ્યાન બીજે દોરવું કેવી રીતે? કાશ્મીર અંગે ઐતિહાસિક કહી શકાય એવું પગલું ભરવામાં આવ્યું હોવા છતાં આજે આપણે જોઈએ છીએ કે ચર્ચા આર્થિક સંકટની થઈ રહી છે. ભક્તો પણ અભિનંદન આપી દીધા પછી હવે આર્થિક મોરચે સરકાર કાંઈક કરે એવી અપેક્ષા રાખી રહ્યા છે. એક પછી એક ઉદ્યોગપતિઓ બોલવા માંડ્યા છે. અર્થશાસ્ત્રીઓ ચિંતા પ્રગટ કરી રહ્યા છે. અર્થતંત્રનું મૂલ્યાંકન કરનારી રેટિંગ એજન્સીઓ ભારતનો આંક નીચે ઊતારી રહ્યા છે. આ ઉપરાંત ભારતના સાચા વિકાસદર વિષે શંકા ઊઠાવવામાં આવે છે.

૩૦મી જુલાઈએ સરકારે સંસદમાં કબૂલ કર્યું હતું કે ભારતમાં રજીસ્ટર્ડ કંપનીઓમાંથી ૩૬ ટકા કંપનીઓ બંધ પડી ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૯૪,૧૪૬ કંપનીઓ રજિસ્ટર થઈ છે જેમાંથી ૬,૮૩,૩૧૭ કંપનીઓ બંધ પડી ગઈ છે અને ૪૩,૭૬૫ કંપનીઓએ બે વરસથી રીટર્ન નથી ભર્યા. જો બન્નેનો સરવાળો કરવામાં આવે તો ૩૮ ટકા કંપનીઓ ઊઠી ગઈ છે અને તેના પ્રમાણમાં દિવસોદિવસ વધારો થઈ રહ્યો છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં દસ મહિનાથી સતત વેચાણ ઘટી રહ્યું છે અને ગયા મહિનામાં ગયા વરસના જુલાઈ મહિનાની તુલનામાં સીધો ૩૧ ટકાનો ઘટાડો થયો હતો.

ગયા અઠવાડિયે નોર્ધન ઇન્ડિયા ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશને તો સરકારનું અને મીડિયાનું બંનેનું એક સાથે નાક કાપ્યું. ન્યુઝ માટે ન્યુઝ પેપરો અને ટીવી ન્યુઝ ચેનલો પાસે જગ્યા નથી એટલે એસોસિએશને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ન્યુઝને – ન્યુઝ નહીં હાર્ડ ન્યુઝને – અખબારોમાં આખા પાનામાં કવર એડવર્ટાઈઝમેન્ટ તરીકે છપાવ્યા. સરકારને માફક ન આવે એવા નક્કર સમાચાર નહીં છાપવાના કે ચેનલ પર નહીં બતાવવાના પૈસા કોઈ જગ્યાએથી મળતા હોય તો લો, અમારી પાસેથી પણ પૈસા લઈ લો અને નક્કર સમાચારને જાહેરખબર તરીકે છાપો.

શું છે એ જાહેરખબરમાં? એમાં ઇન્ડસ્ટ્રીઝની આર્થિક હાલતનું બયાન કરવામાં આવ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે સૂતરની નિકાસમાં ગયા વરસની તુલનામાં આ વરસના એપ્રિલ મહિનામાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. મે મહિનામાં ૩૦.૮ ટકાનો ઘટાડો થયો છે. જૂન મહિનામાં સીધો ૫૦.૧ ટકાનો ઘટાડો થયો છે અને એપ્રિલ-જૂનને સાથે લઈને સરેરાશ કાઢવામાં આવે તો ત્રણ મહિનામાં ૩૪.૬ ટકાનો ઘટાડો થયો છે. એ પછી એમાં સરકારે શું કરવું જોઈએ એની માગણી કરી છે. આ દેશમાં મીડિયા જ્યારે આઝાદ હતા ત્યારે આવા નક્કર સમાચાર સમાચાર તરીકે આવતા હતા અને એડવર્ટાઈઝમેન્ટ તરીકે જુઠાણાં આપવામાં આવતા હતા. હવેના યુગમાં ઊંધું થઈ રહ્યું છે. જુઠાણાંને સમાચાર તરીકે પીરસાય છે એટલે સમાચારને જાહેર ખબર તરીકે આવવું પડે છે. વાહ રે લોકતંત્ર!

અહીં જે દાખલાઓ આપ્યા છે એ તો સેંકડોમાં બે-ચાર છે. જી હાં, સેંકડોમાં. એમાં જરા ય અતિશયોક્તિ કરવામાં આવી નથી. દરેક ઉદ્યોગમાં મંદી છે. બેંકો, શેરબજાર સર્વત્ર. રોકાણ દેશમાંથી પાછું ફરી રહ્યું છે. નવું રોકાણ આવતું નથી. પાર્લેનાં ગરીબો માટેનાં બિસ્કીટના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં કાશ્મીર, પાકિસ્તાન, દેશપ્રેમ, છીછરી ધાર્મિકતા, મેળાવડાઓ અને મહોત્સવો, પાંચ ટ્રીલિયન ડોલર ઈકોનોમીનું અર્થતંત્ર બનાવવાનાં વચનો વગેરે કેટલા સમય સુધી પ્રજાને કેફમાં રાખશે એ કહેવું મુશ્કેલ છે.

આવી સ્થિતિમાં રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત સરકાર બે વાતની ગંભીરતા સમજતી નથી. એક છે વિકાસદર વિષે જગતમાં હોવી જોઈતી વિશ્વાસાર્હતા. તમારા દાવાઓને શંકાથી જોવામાં આવે અથવા હસી કાઢવામાં આવે એ બહુ ગંભીર બાબત છે. વિશ્વ ભક્તોનું બનેલું નથી. બીજો ગંભીર મુદ્દો હતાશાનો છે. હતાશા ક્યારે ય પણ કોઈ પણ માર્ગે પ્રકટ થતી હોય છે. રઘુરામ રાજને ભારત સરકારને સલાહ આપી હતી કે બહુ મોડું થાય એ પહેલાં સરકારે પગલાં લેવાં જોઈએ.

સરકાર રીઝર્વ બેંકની મરણ મૂડી વાપરવાની છે. આ પહેલાં રીઝર્વ બેન્કના ગવર્નર ડૉ. ઊર્જિત પટેલે રીઝર્વ બેંકની મરણમૂડી આપવાની ના પાડી દીધી હતી. જ્યારે સરકારે દબાણ કર્યું ત્યારે તેઓ રાજીનામું આપીને જતા રહ્યા હતા. તેમની જગ્યાએ ઇતિહાસમાં એમ.એ. કરેલા ભાઈને રીઝર્વ બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા. જે દેખીતી રીતે કરોડરજ્જુ નથી ધરાવતા. તેમણે જ્યારે મોટી રકમ સરકારને આપવાનો આગ્રહ કર્યો ત્યારે રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય રાજીનામું આપીને જતા રહ્યા. આ સિવાય ખાસ રચવામાં આવેલી બિમલ જલાન કમિટીએ પણ ૧.૭૬ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ આપવાની ના પાડી દીધી હતી. આ રકમ પણ નાની નથી અને મહત્ત્વની વાત એ છે કે કોઈ દેશ આ રીતે ડોશીની મરણમૂડી સમાન રીઝર્વ બેંકની મૂડી વાપરતું નથી.

છેલ્લે, દેશ અત્યારે અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે અર્થતંત્રની તમામ સંસ્થાઓ (મંત્રાલય સહિત) હેડીના અર્થશાસ્ત્રી વિનાની છે.

27 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ઑગસ્ટ 2019

Loading

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 August 2019

હૈયાને દરબાર

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દીવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ (૪) ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.

ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ઉંહું
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

• કવિ : મૂકેશ માલવણકર   • સંગીતકાર અને ગાયક : પરેશ ભટ્ટ

વરસાદની આ ભીની ભીની મોસમને અનુરૂપ આથી વધારે ઉત્તમ ગીત કયું હોઈ શકે? પ્રેમથી તરબતર બે હૈયાં એક છત્રી નીચે ભીંજાયાં હશે, ત્યારે કદાચ આ ગીતનો ઉદ્ભવ થયો હશે. પાણીના અનેક રંગની જેમ સ્ત્રીની સંવેદનાનો એક આ પણ રંગ છે. વિરહની વેદનાનાં આસું આંખથી છલકાય છે, છતાં વ્હાલમની સ્મૃતિઓ દિલને તરબતર કરી દે છે. વ્હાલમોની ફિતરત જ કદાચ તરબતર ભીંજવીને છૂ થઈ જવાની હોય છે! પેલું એક ગીત ફિલ્મી છે ને, ઈતના ન મુઝ સે તૂ પ્યાર બઢા કિ મૈં એક બાદલ આવારા, કૈસે કિસી કા સહારા બનું, કિ મૈં ખુદ બેઘર બેચારા …!

વરસાદમાં પોતાના વ્હાલમની ગેરહાજરીથી શુષ્કતા અનુભવતી પ્રિયતમા, અલબત્ત, પછીથી પ્રિયતમના આગમન પછીની કલ્પનામાં પુષ્કળ ભીંજાય છે.

ગીતના રચયિતા મૂકેશ માલવણકર મૂળ મહારાષ્ટ્રીયન હોવા છતાં જન્મે અને કર્મે શુદ્ધ ગુજરાતી છે. વડોદરા આકાશવાણી કેન્દ્ર સાથે વીસ વર્ષ સંકળાયેલા માલવણકરે દોઢસોથી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે, અઢળક પુરસ્કારો-એવોર્ડ્સ મેળવ્યાં છે. દેશ રે જોયા દાદા પરદેશ રે જોયાં ફિલ્મનાં એમનાં ગીતો રેકોર્ડ બ્રેકિંગ પુરવાર થયાં છે. મનહર ઉધાસને કંઠે ગવાયેલા એમના ગીત દીકરી મારી લાડકવાયીએ અપાર લોકચાહના મેળવી છે, તથા મનહર ઉધાસના નવા આલ્બમમાં લેવાયેલું સાસરે જતી દીકરીનું ગીત એથી ય વધુ લોકપ્રિય થશે એમ મનહરભાઈ માને છે.

કવિ મૂકેશ માલવણકર એકલ દોકલ ગીત વિશે રસપ્રદ વાત કરે છે, "હું અને પરેશ ભટ્ટ ખાસ મિત્રો. એક વાર વરસાદની ઋતુમાં હું ભૂજથી રાજકોટ બસમાં પ્રવાસ કરી રહ્યો હતો અને સૂરજબારી પૂલ પર અચાનક મને છૂ શબ્દ સૂઝ્યો. રાહ જોતી પ્રિયતમાને છોડીને ચાલી જતા વ્હાલમ માટે ‘ગયો’ શબ્દ પણ મને ભારે લાગતો હતો. લાગણીના ઉભરાને પંપાળીને વરસાદમાં ભીંજાઈ રહેલી પ્રિયતમા હજુ તો પ્રેમના ધોધમાં પૂરેપૂરી ભીંજાય એ પહેલાં તો વ્હાલમ છૂ થઈ જાય છે! એ વાત અચાનક મનમાં સ્ફૂરી અને શબ્દો ઊતરવા લાગ્યા. પાસે કાગળ પેન્સિલ કંઈ ન હોવાથી આખું ગીત મેં મારી હથેળીમાં લખી દીધું.

રાજકોટ જઈ સીધો પહોંચ્યો આકાશવાણી પર પરેશને મળવા. હાથમાં લખેલું ગીત જોઈ એ અચંબિત થઈ ગયો. ગીત એને એટલું ગમી ગયું કે એ જ વખતે એણે કમ્પોઝ કરી દીધું. છૂ શબ્દને એણે જે રીતે સંગીતબદ્ધ કર્યો એ જબરજસ્ત હતો. કમ્પોઝ કરવામાં આ ગીત ઘણું અઘરું હતું કારણ કે એમાં કહન છે, અભિનય છે. વ્હાલમ શબ્દ મેં ચાર વાર એટલે લીધો કેમ કે તો જ એની ધારી અસર પડે એમ હતી. પરેશે ચાર જુદી રીતે એ રજૂ કરીને કમાલ કરી હતી. એમાં ય ‘રોકાઈ જા’ શબ્દ તો એણે જે અદ્દભુત રીતે ગાયો છે એવો આજ સુધી કોઈ કલાકારે ગાયો નથી. પ્રિયતમને રોકાઈ જવા કરવામાં આવેલી વિનંતી આબેહૂબ એણે ગાઈ અને પછીની પંક્તિ, તો એ કહે – ઉંહું…માં એ ફક્ત ખભો જ ઉલાળતો અને ઉમાશંકર જોશી સહિત ઉપસ્થિત અનેક ધૂરંધરો છક્કડ ખાઈ જતા. આ ગીત ઘણા કલાકારોએ ખૂબ સરસ રીતે ગાયું છે પણ પરેશની ગાયકી લાજવાબ હતી. કાવ્યમાં હું તો એવા જ શબ્દો પસંદ કરું કે અભણ માણસને પણ હૈયા સોંસરવા ઊતરી જાય. પરેશનાં ગીતોની ખૂબી એ હતી કે શબ્દો અને સંગીત બેઉની બારીકી ઉજાગર થતી. એના સંગીતની મીઠાશમાં શબ્દો ખોવાઈ જતા નહોતા, પરંતુ પૂરેપૂરો અર્થ પામતા. બીજું કે એનામાં એક આગ, જુનૂન હતાં. પરેશ ગાવા બેસે પછી બીજા કોઈ કલાકારને ઓડિયન્સ સ્વીકારે જ નહીં એવો હતો એનો જાદૂ. પ્રેક્ષકોને વશ કરી દે એવું સંગીત હતું. આજે એ હયાત હોત તો સુગમ સંગીતને ચાર ચાંદ લગાવી દીધા હોત.

https://www.youtube.com/watch?v=hXETIKd-LJM

૨૪ જૂન ૧૯૫૦માં પરેશ ભટ્ટનો જન્મ અને અવસાન ૧૪ જુલાઈ ૧૯૮૩માં. ખૂબ નાની વયે અવસાન પામ્યા હોવાથી, આ ઉત્તમ સ્વરકાર-ગાયકથી ઘણા લોકો પરિચિત નથી, પરંતુ આ સંગીતકારના સંક્ષિપ્ત કાર્યકાળને અવગણી શકાય તેમ નથી. સંગીતની પ્રારંભિક તાલીમ એમણે વિશ્વનાથભાઈ વ્યાસ (રાજકોટ) અને વિજ્યાબહેન ગાંધી પાસે લીધી હતી. ત્યારબાદ સંગીતકાર રાસબિહારી દેસાઈ સંચાલિત ‘ભવન્સ સંગીત’ના વર્ગમાં દાખલ થયા. ૧૯૮૦ સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગાયનકલામાં સ્નાતક થયા હતા.

૧૯૭૩થી આકાશવાણી અમદાવાદ-વડોદરા ઉપર કાર્યક્રમ આપવાની શરૂઆત કરી હતી. સુરતની જીવનભારતી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા તથા આકાશવાણી વડોદરા અને રાજકોટના ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી બજાવી હતી. યુવાવાણી અને શૈક્ષણિક ક્ષેત્રને લગતાં અનેક કાર્યક્રમનું સંચાલન તેઓ કરતા. ૧૯૮૦માં આકાશવાણીનાં સહકાર્યકર નીતા ભટનાગર સાથે પ્રણયલગ્ન થયાં હતાં, પરંતુ આ પરિચય પૂરતો નથી. પરેશને સાચી રીતે સમજનારા અને અનુસરનારા લોકો તેને આધુનિક ગુજરાતી સુગમ/કાવ્ય સંગીતનો ફરિશ્તો અને મશિનરી મ્યુઝિશિયન ગણે છે. તેનું કારણ એ છે કે કવિતાને અનુરૂપ સ્વર બાંધણી કરવી એ પરેશ ભટ્ટની આગવી દેણ હતી.

ચાહકોનાં મંતવ્ય અનુસાર કોઇપણ શબ્દ રચનાની બંદિશો માટેના શાસ્ત્રીય નિયમો તો પરેશ બખૂબી જાણતા હતા, પરંતુ આ ઉપરાંત કોઈ એક ગૂઢ બાબત (પરેશત્વ!) એવી તો તેમને આત્મસાત્‌ હતી કે જેનાથી એમની બંદિશોમાં કશુંક ચમત્કારિક નીપજતું હતું. પરેશે સ્વરો સાથે એવું ઝીણું નકશીકામ અને નવા પ્રયોગો કર્યા કે જેને કારણે ગુજરાતી સંગીતને નવો આયામ સફળતાપૂર્વક આપી શક્યા.

શબ્દ રચનાને સહેજ પણ હાનિ કે અન્યાય ન થાય એ રીતે વાતાવરણમાં ચિત્ર ઊપજાવવાની હથોટી એમને સિદ્ધ હતી. તેઓ કવિતા ગાતા નહોતા, બલકે કવિતામાં આરપાર પરોવાઈ જતા હતા. પાશ્ચાત્ય સંગીતની ‘કોર્ડઝ’નો સૌ પ્રથમ પ્રયોગ પરેશ ભટ્ટ દ્વારા થયો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. પરેશ ભટ્ટે કવિતાને વિઝ્યુઅલ સ્વરૂપ આપ્યું હતું. તેઓ કલાકાર તરીકે જેટલા સમૃદ્ધ એટલા જ માણસ તરીકે પણ ઊંચા. મનગમતા મિત્રો મળે તો પરેશ બાગબાગ થઈ જાય એ વિગતો પરેશ ભટ્ટ સ્મૃતિ ગ્રંથ તથા ઇતિ સિદ્ધમ્: ‘સમાઈ ગયો, અલગારીનો નાદ નાદબ્રહ્નમાં’ મૂકેશ પચ્ચીગરના લખાણમાંથી મળી છે.

રાજકોટમાં નિવાસ સ્થાન નજીક જ વીજળીનો કરંટ લાગતા ફક્ત ૩૩ વર્ષની યુવા વયે એમનું અવસાન થયું અને સંગીત જગતે એક ઝળહળતો સિતારો ગુમાવી દીધો.

આ ગીત પરેશ ભટ્ટ ઉપરાંત હેમા દેસાઈ, તૃપ્તિ છાયા, વિભા દેસાઈના સ્વરમાં નિખરી ઊઠ્યું છે. મેં સૌ પ્રથમ હેમાંગિની દેસાઈના મીઠા કંઠે સાંભળ્યું હતું, ત્યારથી આ ગીત હૈયે વસી ગયું હતું. હેમાબહેન આ ગીત વિશે કહે છે, "મારું આ ખૂબ ગમતું ગીત છે. કિરવાણીનો બેઝ ધરાવતાં આ ગીતમાં કમ્પોઝર પરેશ ભટ્ટે નાયિકાના મનની સ્થિતિ આબેહૂબ ઝીલી છે જેમાં એક ગૂંજ સતત ચાલે છે. સાંજ પડે વાદળ થઈને પાછો આવતો વ્હાલમ પૂછે કે કેમ છો રાણી? એ કલ્પના પણ કેવી સરસ છે. અટપટું છતાં અત્યંત કર્ણપ્રિય સ્વરાંકન હોવાથી લગભગ બધી લીડ સિંગર્સ આ ગીત ગાય છે.

રમેશ પારેખે એક સ્થાને લખ્યું હતું, "પરેશ જીવનરસનો ધોધ હતો, ઊર્મિલ હતો, સ્નેહાળ હતો, નિખાલસ હતો. ગુજરાતનું બેનમૂન મોતી હતો. જ્યારે ઉમાશંકર જોશી કહેતા કે, મંચ ઉપર વાદ્ય સાથે ઊભેલા પરેશની સૂરધારા ધસમસતી આવી. એમાં માર્દવ હતું, દર્દ હતું, શ્રદ્ધાની ખુમારી હતી, કર્મયોગના ખમીરનો રણકો હતો. પરેશને અખબારનો ફકરો આપો તો પણ એ કમ્પોઝ કરી આપે. એવી ક્ષમતા ધરાવતો સ્વરકાર હતો.

એમના મૃત્યુનાં આટલાં વર્ષો પછી ય પરેશ ભટ્ટ સ્મૃતિ સમારોહ ગુજરાતમાં અનેક સ્થળોએ ઉજવાય છે. મુંબઈમાં એ ઉજવાય તો એમનાં અદ્દભુત ગીતોનો લ્હાવો સંગીત પ્રેમીઓને મળી શકે.

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 ઑગસ્ટ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=576657  

Loading

‘થેંક્યુ ,ખૈયામ સા’બ : તમે મને જેલમાં જતા બચાવ્યો!’

સંજય છેલ|Opinion - Opinion|29 August 2019

વેંચાયેલા લોકો, ના વેંચાયેલા લોકોને દરેક યુગમાં ગાળો આપે છે

મલ્હાર રાગથી કોઇ વરસાદ વરસાવી શકે, દીપક રાગથી દીવા પ્રગટાવી શકે પણ એક ગીતને કારણે કોઇ જેલમાં જતાં બચી શકે? જી હાં, જો એ ગીત 'ખૈયામ'નું હોય તો! 1997નો સમય હતો. મારી લખેલી ફિલ્મ 'રંગીલા' સુપરહિટ થઇ ગયેલી અને નિર્દેશક રામગોપાલવર્મા (રામુ) સાથે હું બીજી ફિલ્મ 'દૌડ' લખી રહ્યો હતો. જો કે 'દૌડ', 'રંગીલા' જેટલી હિટ નહોતી પણ એના મેડ સંવાદો-પાત્રો આજે ય લોકોને યાદ છે! એ 'દૌડ' ફિલ્મનું શૂટીંગ રાજસ્થાનના રણથંભોર જંગલમાં થઇ રહ્યું હતું ને હું ત્યાં પર હાજર હતો. એક દિવસ જંગલની વચ્ચોવચ્ચ ઝરણામાં ઊર્મિલા-સંજય દત્તનું દૃશ્ય ફિલ્માવાઇ રહ્યું હતું. અચાનક બે ત્રણ પોલીસની જીપ અને ફોરેસ્ટ ઓફિસરો આવ્યા અને શુટિંગની પરમિશન અંગે રામુને અને મને પણ પોલિસે હિરાસતમાં લીધો. આગળ પોલીસની જીપ અને પાછળ રામુની કારમાં હું, રામુ અને ફોરેસ્ટ ઓફિસર. થોડીવાર તો અમને ટેંશન થયું પણ પછી મેં કાર સ્ટીરિયો પર 'ઉમરાવ જાન'નાં ગીતો વગાડ્યા. રામુને ઉર્દૂ-હિંદી બહુ આવડે નહીં, એટલે હું ''દિલ ચીઝ ક્યા હૈ, આપ મેરી જાન લીજીયે'' કે પછી ''યે ક્યા જગહ હૈ દોસ્તો ..'' જેવી ગઝલોના શેર રામુને સમજાવી રહ્યો હતો. ગીતોની બંદિશ, એમાં તબલાંની થાપ, આશાજીની મુરકીઓ, સારંગીના શાર્પ ઉપયોગ વિશે હું રામુને કહેવા માંડ્યો. રામુ પણ નિર્માતા તરીકે ઘડી ભર ભૂલી ગયા કે શૂટીંગ અટકવાથી લાખોનું નુકસાન થઇ રહ્યું છે, કલાકારોની તારીખો વેડફાઇ રહી છે, 200 લોકોનું યુનિટ નવરું બેઠું છે! પણ પછી રામુએ ખૈયામના ગીતો અને એ.આર. રહેમાનનાં 'રોજા'નાં ગીતો વચ્ચે સરખામણી શરૂ કરી. મારી ને રામુ વચ્ચે જામી ગઇ.

એ બધામાં 40-50 કિલોમીટરનો રસ્તો કપાઇ ગયો હતો. પેલો ફોરેસ્ટ ઓફિસર અમને બેઉને ચુપચાપ જોઇ રહ્યો હતો. ના તો અમે અમને છોડી દેવા માટે વિનંતિ કરી કે ના તો ફિલ્મના હિરો સંજય દત્તને કહીને એના મિનિસ્ટર પિતા સુનીલ દત્ત દ્વારા, દિલ્લીમાંથી કોઇ પાસે ફોન કરાવ્યો કે ના તો એ ફોરેસ્ટ ઓફિસરને 10-15 હજાર આપીને છૂટી જવાનો પ્રયત્ન કર્યો! આખરે પેલા ફોરેસ્ટ ઓફિસરથી રહેવાયું નહીં ને એણે ડ્રાઇવરને કહ્યું, ‘ઓયે .. ગાડી રોક. મુઝે ઊતરના હૈ.’ મેં પૂછ્યું, ''ક્યા હુઆ, સાબ?’' ત્યારે ફોરેસ્ટ ઓફિસરે ફિક્કું હસીને કહ્યું,''કૈસે પાગલ લોગ હો! તુમ દોનોં કો પુલીસ પકડ કે લે જા રહી હૈ, લાખોં કા નુકસાન હો રહા હૈ ઔર આપ જૈં કિ ઢોલક-તબલે મેં લગે હુએ હો? અબ તુમ કો સઝા ભી ક્યા દેં? સાલે હમ તો ઐસે હી જંગલકી ખાક છાનતે રહેંગે ઝિંદગી ભર, કમ સે કમ આપ લોગ તો મસ્ત રહો અપને પાગલપન મેં. ચલો જાઓ – અપની ફિલ્મ બનાઓ.’’ ફોરેસ્ટ ઓફિસર કારમાંથી ઊતરીને પોલીસ વેનમાં બેસીને જતો રહ્યો. એ દિવસે ખૈયામના 'ઉમરાવ જાન'વાળાં ગીતો જો ના હોત તો ખબર નહીં અજાણ્યાં રાજસ્થાનમાં અમારી સાથે શું થાત! આખી વાતમાં જાદૂ 'ઉમરાવ જાન'નાં સંગીતનો તો છે જ પણ સરકારી નોકરીના રૂટિન-રાગથી કંટાળેલ પેલો દયાળુ ઓફિસર અમારી ઘેલછા જોઇને કેવો હલી ગયો હશે એ વાત મહત્ત્વની છે.

'ઉમરાવ જાન', 'બાઝાર', 'કભી કભી’, 'રઝિયા સુલ્તાન' કે 'નૂરી' જેવી અનેક યાદગાર ફિલ્મોના સંગીતકાર ખૈયામ 92 વર્ષે હમણાં જતા રહ્યાં. થેંક ગોડ કે બીજાઓની જેમ ઉછીની માહિતી પીરસવાની મને પુરસ્કાર વાંચ્છું જરૂરત નથી પણ ખૈયામ વિશે અમુક જાણી-અજાણી વાતો જરૂરર શેર કરવી છે. શંકર-જયકિશન, લક્ષ્મી પ્યારે, કલ્યાણજી આંણંદજી, ઓ.પી. નૈયર, આર.ડી. બર્મનથી લઇને બપ્પી લહરીના જમાના સુધી ખૈયામ પોતાના મખમલી મુલાયમ સંગીત સાથે ટકી ગયા કારણ કે તેઓ બીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે લડેલા અને એ લડાકૂ લોહી જ એમને બોલિવુડમાં લડવાની શક્તિ આપતું.

કિતાબો મેં છપતે હૈં ચાહત કે કિસ્સે
હકીકત કી દુનિયા મેં ચાહત નહીં હૈ

                                 (સાહિર – ખૈયામ)

ખૈયામે, 1980-83માં 'ઉમરાવજાન' અને 'બાઝાર' જેવી ફિલ્મોમાં શુદ્ધ ગઝલો આપીને હિટ કરાવી (1980-84 સુધી સળંગ ફિલ્મફેર એવોર્ડ જીત્યા) એ ખરેખર સિદ્ધિ જ કહેવાય કારણ કે 80ના દાયકામાં 'રંભા હો – સંભા હો' ટાઇપનાં ડિસ્કો-ગીતો છવાયેલાં હતાં. બોક્સિંગ રિંગમાં કોઇ મોરપિચ્છ લઈને જીતી જાય એવી અદ્ભુત વાત હતી. એનું કારણ? ખૈયામની કવિતાની ઊંડી સમજ. 50ના દાયકામાં સાહિર નામનો નવો શાયર આવ્યો હતો અને એનો પહેલો સંગ્રહ 'તલ્ખિયાં' લોકપ્રિય થયેલો પણ ''ઉર્દૂ મેં આ ગઇ હૈ 'પસ્તીયાં' બહુત, કહતેં હૈ કિ ચલતી હૈ કિતાબ 'તલ્ખિયાં બહુત'.'' જેવા જોડકણાં બનાવીને વિદ્વાનો સાહિરની મજાક કરતાં. (હા,ત્યારે પણ વાતે વાતે બાઝણાં કરીને કેરીઅર બનાવનારા સ્મોલ ટાઉન વાંકદેખાઓ ઓછા નહોતાં!)

એક દિવસ કૈફી આઝમીના ઘરે સાહિર સામે ખૈયામે 'તલ્ખિયાં'માંથી ''કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ'' અને ''મૈં પલ દો પલ કા શાયર હૂં'' જેવી રચના ગાઈ સંભળાવી ત્યારે સાહિરે ખૈયામને કહ્યું, “લગતા હૈ કિ યે નઝમ મૈંને નહીં આપને હી લિખી હૈ!’' પછી તો સાહિર અને ખૈયામે અનેક ફિલ્મો કરી. આઝાદી બાદ દેશ, બેકારી અને નિરાશાના દૌરમાં હતો, ત્યારે 'ફિર સુબ્હ હોગી' નામની ફિલ્મ માટે હિરો રાજકપૂરે શરત મૂકી કે ફિલ્મનું સંગીત એ જ આપી શકે જેણે દોસ્તોવસ્કીની નવલકથા 'વોર એંડ પીસ' વાંચી હોય! ખૈયામે વાંચી હતી અને ખૈયામને ચાન્સ મળ્યો. એ જમાનામાં 'સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા' લોકપ્રિય હતું પણ લેપ્ટિસ્ટ વિદ્રોહી કવિ સાહિરે 'સારે જહાં સે અચ્છા'નું પ્રતિકાવ્ય ''ચીનો અરબ હમારા, હિંદોસ્તા હમારા, રહને કો ઘર નહીં હૈ સારા જહાં હમારા'' લખ્યું અને ખૈયામે ધૂન બનાવી. પછી સેંસર ર્બોડને અને નિર્માતાઓને પણ લાગ્યું કે ગીત બહુ નિરાશાજનક છે અને માટે બે પોઝિટીવ લાઈનો પણ ઉમેરાવી. એ જ ફિલ્મમાં 'વો સુબ્હ કભી તો આયેગી' ગીતમાં ઉદ્દાત, લિબરલ હિંદુસ્તાનનો અદ્ભુત આશાવાદ છે જે આજે તો હવે અતિ અસંભવ ભાસે છે.

પછી 1975ની આસપાસ કવિ સાહિરની કેરિયર ઢળાણ પર હતી, ત્યારે એમણે યશ ચોપરાને 'કભી કભી' જેવી રોમેંટિક ફિલ્મ માટે ખૈયામનું નામ સૂચવ્યું. સૌએ ના પાડી કે ખૈયામનું મ્યુઝિક હિટ થાય છે, પણ ફિલ્મો ચાલતી નથી! પણ યશજી એ વ્હેમમાં ના પડ્યા અને 'કભી કભી' ગોલ્ડન જ્યુબિલી હીટ થઈ! 'કભી કભી' ગીત સાંભળીને અમિતાભ, જૂહુના બંગલેથી ચાલીને અડધી રાત્રે ખૈયામને ભેટવા ગયેલા એ કિસ્સો પણ ફિલ્મ જગતમાં મશહૂર છે!

ખૈયામ અનોખા સંગીતકાર તો હતા, માણસ પણ એટલા જ સંવેદનશીલ. પોતે મુસ્લિમ, પત્ની શીખ ગાયિકા જગજીતકૌર અને દીકરાનું નામ રાખ્યું પ્રદીપ ! પ્રદીપે સમજણા થતા પૂછ્યું, ''હું હિંદુ ધર્મ પાળું?’' ખૈયામે તરત જ હા પાડી. પ્રદીપ ક્રિસમસને દિવસે જન્મેલો, માટે ખૈયામના ઘરના મંદિરમાં ગુરુબાની, ગીતા, કુરાન સાથે બાઇબલ પણ રાખવામાં આવ્યું – જ્યાં રોજ બે વખતની આરતી થતી અને રાત્રે બાઇબલને ચૂમવામાં આવતું! પછી એ પ્રદીપ ખૈયામ 2012માં નાની વયે ગુજરી ગયો … અને ખૈયામે આખી જિંદગીની બચત રૂ.10 કરોડ, નવા કલાકારો અને ટેક્નીશિયનો માટે 'ખૈયામ જગજીત કૌર ટ્રસ્ટ' બનાવીને સમાજને આપી દીધી. થેંક ગોડ, દેશપ્રેમની ઠાલી વાતો ઓકનારાં, ચવન્ની છાપ લોકો વચ્ચે પણ એકાદ ''ખૈયામ'' ભૂલથી આવી જાય છે!

એંડ ટાઇટલ્સ:

આદમ : સા..રે.ગ..

ઇવ : બ,સ,ક,ર

https://www.facebook.com/sanjay.chhel/posts/10156268906546034  

Loading

...102030...2,8742,8752,8762,877...2,8802,8902,900...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved