Opinion Magazine
Number of visits: 9968472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેહરૉઝ બૂચાની: જેલની કાંટાળી વાડ પાછળના શબ્દો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 July 2019

બેહરૉઝ બૂચાનીનું નામ તમે ના સાંભળ્યું હોય એવું સંપૂર્ણપણે શક્ય છે. એ મૂળ ઈરાનિયન કુર્દીશ પત્રકાર, માનવાધિકાર કાર્યકર, કવિ અને ફિલ્મ મેકર છે. એને ૨૦૧૯નું ઓસ્ટ્રેલિયાનું સાહિત્યનું (અંદાજે ૬૫ લાખ રૂપિયાનું) સૌથી પ્રસિદ્ધ વિક્ટોરિયા પારિતોષિક એનાયત થયું છે. બેહરૉઝ બૂચાની એમાં હાજર રહી ન શક્યો. કારણ? છેલ્લા ૬ વર્ષથી એ ઓસ્ટ્રેલિયાના લોસ નીગ્રોસ આઈલેન્ડ પર આવેલા માનુસ ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. બૂચાની પશ્ચિમ ઈરાનના કુર્દીશ અલગતાવાદીઓનો એક શક્તિશાળી અવાજ છે, જે ઈરાની સરકાર સાથે ૨૦૧૮થી શિંગડાં ભરાવી રહ્યા છે.

બૂચાનીએ એક કુર્દીશ સામાયિક 'વેર્યા' શરૂ કર્યું હતું અને એમાં આવતાં લખાણોનાં કારણે ૨૦૧૩માં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ પોલીસે દરોડો પાડીને ૧૧ લોકોની ધરપકડ કરી હતી. બૂચાની ભાગીને છુપાઈ ગયો હતો અને ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયા દરિયો ક્રોસ કરતો હતો, ત્યારે એને પકડી લેવામાં આવ્યો હતો અને શરણાર્થી જેલમાં પૂરી દેવાયો હતો. એની પાસે ટ્રાવેલ ડોકયુમેન્ટ નથી એટલે એ ક્યાં ય જઈ શકે તેમ નથી. ઓસ્ટ્રેલિયામાં દરિયો ક્રોસ કરીને આવતા અનેક શરણાર્થીઓને રોકવા માટે એમને આ માનુસ ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે.

બૂચાની જેવા હજારો શરણાર્થીઓ આ સેન્ટરમાં છે.

બૂચાનીએ આ સેન્ટરમાં રહીને છેલ્લા ૬ વર્ષમાં એની કહાણી લખી છે. એનું નામ છે ‘નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ: રાઈટિંગ ફ્રોમ માનુસ પ્રિઝન’. રસપ્રદ વાત એ છે કે બૂચનીએ આ પુસ્તક મોબાઈલ પર લખ્યું છે. એ પણ ટેક્સ્ટ મેસેજના ફોર્મમાં. બૂચાની રોજ એક નાનકડી ટેક્સ્ટ કમ્પોઝ કરે અને એની પી.ડી.એફ. ફાઈલ બનાવીને વોટ્સએપ પર, સિડની યુનિવર્સિટીના ફિલોસોફીના શિક્ષક મિત્ર, ડો. ઓમીદ તોફિઘીઅનને ફોરવર્ડ કરે. એ મિત્ર એનો પર્શિયન ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કરે. આવી હજારો પી.ડી.એફ. ફાઈલ પરથી આ પુસ્તક તૈયાર થયું છે. એમાં બે વાર તો એનો ફોન પણ જપ્ત કરી દેવામાં આવ્યો હતો.

જેલમાં પુસ્તકો લખાયાં હોય એવા કિસ્સા નવા નથી, પણ આધુનિક સમયમાં જેલમાં મોબાઈલમાં લખાયું હોય, વોટ્સએપ પર એ લખાણ બહાર સ્મગલ થયું હોય, અંગ્રેજીમાં એનો અનુવાદ થયો હોય અને એ પ્રગટ થયા પછી એને સાહિત્યનું પારિતોષિક મળ્યું હોય, એવો આ સૌ પ્રથમ કિસ્સો છે. પુસ્તકની પ્રસ્તાવનામાં અનુવાદક ડો.ઓમીદ લખે છે, "નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ પુસ્તક ઓસ્કાર વાઈલ્ડના ડે પ્રોફન્ડીસ, અન્તોનીઓ ગ્રામ્સીની પ્રિઝન નોટબુક્સ, રે પાર્કિન્સના ઇનટુ ધ સ્મોધર, વોલ સોયંકાના ધ મેન ડાયઝ અને માર્ટીન લ્યુથર કિંગ જુનિયરના લેટર્સ ફ્રોમ બર્મિંગહામ જેલ જેવાં જેવાં જેલ-સાહિત્ય સાથે ગોઠવાય તેવું છે. "

જેલમાંથી સ્કાઈપ (વીડિયો કોન્ફરન્સિંગ) મારફતે બૂચાનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મેં આ પુસ્તક ફોન ઉપર લખ્યું, તેનું મુખ્ય કારણ એ હતું કે મને જેલના ગાર્ડ્સ અને સત્તાવાળાઓનો ભરોસો ન હતો. એ ગમે ત્યારે અમારા રૂમમાં ઘૂસી આવે અને અમારી ચીજ-વસ્તુઓ લઇ જાય. ૨૯૧૪માં અહીં ધમાલ થઇ હતી ત્યારે તમામ શરણાર્થીઓનો સમાન જતો રહ્યો હતો. સાત મહિના પહેલાં અમને બીજી જગ્યાએ ખસેડ્યા ત્યારે પણ વસ્તુઓ ખોવાઈ ગઈ હતી. મેં જો કાગળ પર લખ્યું હોત તો એ કાગળો સો ટકા ગાયબ થઇ ગયા હોત."

ગદ્ય અને પદ્યમાં લખાયેલી ‘નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ’ નવલકથામાં, બેહરૉઝ બૂચાની ઇન્ડોનેશિયાથી બોટમાં બેઠો ત્યાંથી શરૂ કરીને માનુસ ડિટેન્શન સેન્ટરમાં એનો જેલવાસ અને એમાં એને થયેલા અનુભવોની કહાણી છે. એ જેલમાં જે અત્યાચારની જિંદગી એણે જોઈ-અનુભવી હતી, તેનું દર્દ તો આ નવલકથામાં છે, સાથે જ એમાં વૈશ્વીકરણના પડછાયામાં ગરીબી અને શરણાર્થીઓની જે કટોકટી પેદા થઇ છે, તેની પણ વાર્તા છે.

ઓસ્ટ્રેલિયાના સાપ્તાહિક અખબાર, ‘સેટરડે પેપર’માં, એક લેખમાં બૂચાની લખે છે, "આટલાં વર્ષોમાં મેં જોયું છે કે કેવી રીતે કૈદોબંધ અનેક શરણાર્થીઓએ આ ઉજ્જડ આઈલેન્ડ પર દેશનિકાલ અને અત્યાચાર સામે વિરોધ કર્યો છે. મેં લોકોને જીવ ગુમાવતાં જોયા છે. મેં નિયમિતપણે શારીરિક અને માનસિક યાતનાઓ જોઈ છે. અત્યાર સુધી માનુસ જેલની સ્થિતિ વિષે કશું લખાયું નથી."

૩૧મી તારીખે જ્યારે વિક્ટોરિયા પારિતોષિક આપવાનો કાર્યક્રમ હતો, ત્યારે બૂચાની એમાં હાજર ન હતો. એણે સ્વિડીઓ કોન્ફરન્સિંગ મારફતે એનું આભાર-પ્રવચન આપ્યું હતું. એમાં એણે કહ્યું, "છ વર્ષ પહેલાં હું અહીં આવ્યો, ત્યારે એક ઈમિગ્રેશન ઓફિસરે બોલાવીને કહ્યું હતું કે, મને પેસિફિક મહાસાગરમાં આવેલા માનુસ આઈલેન્ડ પર દેશનિકાલ કરવામાં આવશે. મેં એને કહ્યું'તું કે, હું એક લેખક છું. એ માણસ હસ્યો અને મને લઇ જવા ગાર્ડને કહ્યું. હું આ નવલકથા લખતો હતો ત્યારે અને અત્યારે – આ ભાષણ આપું છું ત્યારે પણ – એ દ્રશ્ય મેં યાદ રાખ્યું હતું. એ એક અપમાન હતું. હું જ્યારે માનુસ પર આવ્યો ત્યારે એક સુદૂર જેલમાં લેખક કેવો હોય, તેનું એક ચિત્ર ખડું કર્યું હતું, જે જેલની કાંટાળી વાડો પાછળ, અર્ધનગ્નવસ્થામાં લખતો હોય. વર્ષો સુધી મેં મારા મનમાં આ ચિત્ર રાખ્યું હતું. માણસ તરીકેની મારી ગરિમા અને ઓળખને જાળવી રાખવામાં મને આ ચિત્ર મદદરૂપ બન્યું હતું.

"એનાથી એ સાબિત થાય છે કે અમાનવીય વ્યવસ્થાને પડકારવામાં શબ્દો કામ આવે છે. હું હંમેશાં કહેતો આવ્યો છું કે હું શબ્દો અને સાહિત્યમાં વિશ્વાસ રાખું છું. હું માનું છું કે સત્તાની વ્યવસ્થાને પડકારવા અને બદલવાની સાહિત્યમાં તાકાત છે. સાહિત્યમાં આપણને આઝાદી આપવાની તાકાત છે.

"વર્ષોથી હું જેલમાં છું અને એ દરમ્યાન મારું મગજ શબ્દો પેદા કરતું રહ્યું છે. આ શબ્દો મને સરહદો પાર, દરિયા પાર, અજાણી જગ્યાઓએ લઇ ગયું. હું ખરેખર માનું છું કે શબ્દોની તાકાત આ અહીં, આ જેલની વાડો કરતાં વધુ છે. આ કોઈ સ્લોગન નથી. આ કોઈ આદર્શવાદી માણસનો મત નથી. હું આદર્શવાદી નથી. છ વર્ષથી અહીં આઈલેન્ડમાં કેદ એક માણસના આ શબ્દો છે.”

Loading

જનતા અને ખેડૂતોનું તેલ કાઢતા તેલિયા રાજાઓ !

મનીષી જાની|Opinion - Opinion|3 July 2019

ગયા અઠવાડિયાથી સમાચાર ચમક્યા કરે છે કે હવે સીંગતેલના ડબ્બાનો ભાવ 2,000 રૂપિયા પાર કરી નાંખશે ! છેલ્લાં બે-ત્રણ વર્ષથી 1,500 રૂપિયાની આસપાસ સીંગતેલના 15 કિલોના ડબ્બાનો જે ભાવ હતો, તે દિવસે ને દિવસે વધતો રહ્યો છે અને તેનું કારણ મગફળીના 50% ઓછા વાવેતરનું આપવામાં આવે છે.

અને સાથે સાથે મગફળીને લઈ બીજા એક મહત્ત્વના સમાચાર પણ ગયા અઠવાડિયે જ વાંચવામાં આવ્યા કે ગુજરાતમાંથી 2018-19ના નાણાકીય વર્ષમાં 2,098 કરોડ રૂપિયાની એટલે કે 3.08 લાખ ટન મગફળીની નિકાસ થઈ. દેશમાંથી આ જ વર્ષ દરમિયાન કુલ 4.89 લાખ ટન મગફળીની નિકાસ થઈ તેમાં સિંહફાળો તો ગુજરાતનો જ દેખાઈ રહ્યો છે.

મગફળીની ફસલ અગાઉના વર્ષ કરતાં ઓછી છે એવી વાતો વચ્ચે પણ જોઈએ તો ગયા વર્ષે 2,115 કરોડ રૂપિયાની 3.22 લાખ ટન મગફળી નિકાસ થઈ હતી તેનાં પ્રમાણમાં આ વર્ષે ખાસ ફેર જણાતો નથી જ !

બજાર કહે છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતને મગફળીની નિકાસ કરવાની વધુ તક મળી અને તેનું કારણ સુદાન દેશમાં આંતરિક અસલામત ભરી સ્થિતિ. પ્રમુખને પદભ્રષ્ટ કરી સત્તા પર ચઢી બેઠેલા મિલેટરી જનરલો સામે લોક આંદોલનોને લઈ બજારમાં અસ્થિરતા છવાઈ છે અને તેને લઈ ભારતના માર્કેટને લાભ મળ્યો છે.

આ અગાઉ સુદાન સાથેની નિકાસની હરીફાઈમાં ભારતના મગફળીના ભાવ દબાયા હતા. પણ આ વર્ષે મગફળીના વેપારીઓ માલામાલ થઈ ગયા છે.

વર્ષોના આંકડા તપાસીએ તો જોવા મળે છે કે મગફળીના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. દેશના કુલ મગફળીના ઉત્પાદનમાં 50%થી વધુ તો માત્ર ગુજરાતમાં જ પાકે છે. અને ગુજરાતમાં પાકતી મગફળીમાંથી તેલ વધુ નીકળે છે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આગળ પડતી રહે છે.

આમ તો દુનિયાભરમાં મગફળીના ઉત્પાદનમાં નંબર એક તો ચીન છે, બીજા ક્રમે ભારત છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પાયે મગફળી વેચાવાનું કારણ પીનટ બટરના ઉત્પાદનમાં મગફળીનો વપરાશ છે.

અને આપણા ગુજરાતમાં ખાવાનાં ઉપયોગમાં, ખાદ્યતેલ તરીકે સીંગતેલનું મહત્ત્વ છે.

દેશમાં ઉત્પન્ન થતાં તેલીબિયાંમાં 25% જેટલું ઉત્પાદન મગફળીનું છે. અને ખાદ્યતેલ તરીકે દેશમાં સરેરાશ માથાદીઠ સીંગતેલના વપરાશનું પ્રમાણ 2% જેટલું છે અને ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે સીંગતેલ વપરાશનું માથાદીઠ પ્રમાણ 15% થી 20% જેટલું ગણી શકાય.

ગુજરાતમાં જેનું સૌથી વધુ ઉત્પાદન થાય અને ખાદ્યતેલ તરીકે સૌથી વધુ વપરાય તે સીંગતેલના ભાવ સતત વધતા જ રહ્યા છે, અને મગફળીને પકવનારા ખેડૂતોને આ સતત વધતા ભાવનો કેટલો વધુ લાભ સતત મળતો રહ્યો છે એ એક મહત્ત્વનો અને ગૂઢ સવાલ કાયમ બની રહ્યો છે.

સીંગતેલના વધતા ભાવોની ચર્ચા પણ આજકાલની નથી, વર્ષો જૂની છે.

આઝાદી બાદ ગુજરાત રાજ્યમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જમીન સુધારણાના કાયદાનો થોડોઘણો વિશેષ લાભ, ખેડે તેની જમીનને લઈ ખેડૂતોને મળ્યો. અને સિંચાઇની વ્યવસ્થા વધતાં જતાં રોકડિયા પાકમાં મગફળી એ ખેડૂતોને સમૃદ્ધ કર્યા એ ય હકીકત.

પણ પછી સરકાર અને બજારની મીલીભગતને લઈ મગફળીના ભાવ ને સીંગતેલના ભાવ એ જાણે કે અર્થકારણ ને રાજકારણની રમત બની ગયા !

મને યાદ છે એક જમાનાના, 1957ના મહાગુજરાત આંદોલન વખતના પ્રખર વક્તા, યુવા સમાજવાદી નેતા અને પછીથી કૉન્ગ્રેસના નેતા સનત મહેતા 1969-70ના સમયમાં વડોદરામાં જ્યારે મોંઘવારી વિરોધી જનસભાઓમાં ભાવુક થઈ ને ભાષણો કરતાં કહેતા કે "સીંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે … આજે એવો સમય આવ્યો છે કે મારી બહેનોને, ગુજરાતની બહેનોને હવે સીંગતેલનાં બદલે પોતાનાં આંસુઓથી લોટ બાંધવાનો વખત આવ્યો છે …. ! … ટીપું તેલ ખરીદવું ય હવે દોહ્યલું થઈ ગયું છે ..!"

વિધિની વિચિત્રતા એવી બની કે ત્યાર બાદના ગાળામાં જ કૉન્ગ્રેસ સરકારમાં, 1972માં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે સીંગતેલના ભાવ વધારા મુદ્દે લડત ચલાવનારા સનત મહેતાને જ પુરવઠા ખાતાના પ્રધાન બનાવ્યા ! અને સીંગતેલના ભાવ તો વધતા જ ગયા !

1972 ડિસેમ્બર માસમાં એક કિલો સીંગતેલના ભાવ 4.50 રૂપિયા હતા અને તે 1973ના ડિસેમ્બરમાં 9.50 રૂપિયા થઈ ગયા !

આ સીંગતેલ-ખાદ્યતેલો અને અન્ય અનાજ-શાકભાજીના બેફામ ભાવ વધારાને લઈને જ પછી વિદ્યાર્થીઓ અને જનતાનું મોંઘવારી વિરોધી, નવનિર્માણ આંદોલન 1974નાં આરંભે જ ઊભું થયું જેને રોટી રમખાણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સૌ કોઈ જાણે જ છે.

વરસાદ સારો થયો હતો, દુકાળ કે અતિવૃષ્ટિનું વર્ષ ન હતું છતાં ય અસહ્ય 100%થી પણ વિશેષ ભાવ વધારાને લઈ તે સમયના મુખ્યમંત્રી 'ચીમન ચોર' તરીકે ગુજરાતની જનતામાં વ્યાપકપણે ઓળખાયા.

સીંગતેલનો ભાવ વધારો જે રીતે થતો રહ્યો તેને લઈ ખાદ્યતેલ તરીકે તેનો વપરાશ પણ ઓછો થતો ગયો અને પામોલિન, કપાસિયા, વનસ્પતિનાં તેલ, સીંગતેલના પ્રમાણમાં સસ્તાં તેલોનો વપરાશ ગુજરાતમાં વધતો ગયો.

અલબત્ત, એક જમાનામાં ગુજરાતના મધ્યમવર્ગના લોકોમાં તલનું તેલ ખવાતું અને સીંગતેલને નિમ્નકક્ષાનું તેલ ગણવામાં આવતું. અને હવે જેના 15 કિલોના ડબ્બાનો ભાવ 1970થી વધુ થઈ ચૂક્યો છે તે સીંગતેલ ઉચ્ચ મધ્યમવર્ગના લોકો માટે જ જાણે કે હોય એવું બની રહ્યું હોય તેવું જણાય છે.

આમ સીંગતેલ તો સુખ સંપન્ન લોકો માટે જ મર્યાદિત થતું જાય છે ત્યારે સવાલ તો થાય જ કે સીંગતેલ જેમાંથી તૈયાર થાય છે તે મગફળી ઉગાડનારા ખેડૂતો સુખી સંપન્ન કેમ ના થયા ?

આ ના સમજાતા ગણિતને બજારને આધિન અને રાજકીય બાબત જ ગણવી રહી ને ?

સૌને બે વર્ષ પૂર્વેની વાત યાદ જ હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મગફળીનો મબલખ પાક થયો હતો અને વેપારીઓ ખેડૂતોને 20 કિલો મગફળીના 700 રૂપિયા આપવા પણ તૈયાર ન હતા. મહેનત અને ખર્ચાના પ્રમાણમાં યોગ્ય ભાવ મળે તેની રાહમાં ખેડૂતોએ મગફળી ઘરમાં સાચવીને બેસી રહ્યા ત્યાં તો બીજી સીઝનની મગફળી ખેતરમાં તૈયાર થવા માંડી હતી. ખેડૂતો મૂંઝવણમાં ચિંતાતુર બન્યા.

છેવટે સરકારે અગાઉના વર્ષ કરતા 200 રૂપિયા વધારી ક્વિન્ટલે 4,500 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો. 20 કિલોના 700ને બદલે 900 રૂપિયા થતાં ખેડૂતોની લાઈનો લાગી ગઈ. સરકારી તંત્રો પાસે મગફળી ભરવા શણના કોથળા પણ પૂરતાં ન હતા અને ગોડાઉનો ય હતાં નહીં.

પછી જ્યારે અમરેલી પાસેનાં એક ગોડાઉનમાંથી સરકારે ખરીદેલી મગફળી વેપારીને વેચવા કાઢી ત્યારે એક મોટું કૌભાંડ બહાર પડી ગયું ..!

ગુણોમાં ઓછી મગફળી ભરેલી હતી અને વજન બતાવવા તેમાં ધૂળ અને કાંકરા ભરેલાં જોવા મળ્યા !

અને ગામેગામ આ અંગે બૂમો ઊભી થાય ને ઓછી મગફળીના વધુ નાણાં અરસપરસ વહેંચી ખાવાનું આ કૌભાંડ બંધ બારણે જ પતી જાય એટલે એક પછી એક, ચાર જ મહિનામાં વિવિધ જગ્યાએ આવેલાં પાંચ મગફળીના ગોડાઉનોમાં આગ લાગેલી જોવામાં આવી. જ્યાં સી.સી.ટી.વી. કેમેરા ન હતાં તેવાં જ ગોડાઉનોમાં આગ લાગી ! વળી આ ગોડાઉનો એવાં હતાં જ્યાં વીજળીના કનેક્શન ન હતાં જેથી એવું બહાનું પણ કાઢી શકાય એમ નથી કે શોર્ટસર્કીટથી આગ લાગી હતી !

મીડિયામાં હોહા થઈ, તપાસની વાતો થઈ. નાફેડ દ્વારા, જેમને મગફળી ખરીદવાનું સોંપાયું હતું તે સરકારી તંત્રોના મેનેજર કક્ષાના વ્યક્તિઓની ધરપકડ થઈ પણ છેવટે આ આગના ભ્રષ્ટાચારના ભડકા ચૂપચાપ હોલવાઈ ગયા ..!

આ પાંચ જગ્યાઓએ લાગેલી આગમાં કુલ આશરે દસેક હજાર ટન મગફળી બળીને ખાખ થઈ ગઈ !

જનતાના ટેક્સના નાણાં ગટર થઈ ગયા ! ખેડૂતોની મહેનતની ફસલ ધૂમાડો થઈ ગઈ !

આ ભ્રષ્ટાચાર તો થયો તે ઉપરાંત ખેડૂતોની બધી મગફળી તો ના જ વેચાઈ ! અને જે વેચાઈ તેનાં સમયસર નાણાં તો ના જ મળ્યાં અને તેમાં ય કમિશનો ખવાયાં તેની વ્યથાની કથાઓ તો કોઈ એ સાંભળી જ નહીં !

"વાવણી ઓછી થઈ એટલે ભાવ વધ્યા કે વધશે, આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફ વધ્યા એટલે ભાવ ઘટ્યા, ફસલ વધુ થઈ એટલે કોઈ ખરીદનાર નથી, બજારમાં તેજી આવી તો માલની અછત છે એટલે ભાવ વધ્યા !" – આવી બહાનાબાજી તો વર્ષોથી મગફળી – સીંગતેલ, દાળ-કઠોળ, ડુંગળી-બટાકાના ભાવ તાલમાં આપણે સાંભળ્યા કરીએ છીએ અને વરસોવરસ મોંઘવારીનો માર જનતા સહન કર્યા જ કરે છે.

જ્યારે જ્યારે ભાવ વધે ત્યારે નક્કી – સ્ટાન્ડર્ડ બહાનાબાજી સાથે સરકાર; વેપારીઓની સાથે, બજારની સાથે રહી લોલંલોલ જવાબો આપ્યા કરે એ હવે કાયમી વાત બની ચૂકી છે. મીડિયા અને લોકોમાં ખૂબ હોહા થાય કે ચૂંટણી ટાણું હોય તો ટેકાના ભાવ જાહેર કરી દે ! પણ આ ટેકાના ભાવ કોને અને કેટલા ખેડૂતોને મળશે કે મળ્યો તેની વાત તો ક્યાં ય આવતી કે દેખાતી નથી. ખાદ્યાન્ન કે ખાદ્યતેલને લઈ સંગઠિત બુમરાણ મચે તે સમયે સરકારી જાહેરાત કરવાની પછી કોણ ક્યાં પૂછે કે પેલા ખેડૂતો ટ્રેક્ટર ભરીને, ટ્રક ભાડે કરીને પાક વેચવા ગયા તો તેમનો માલ કોણે અને કેટલો લીધો ?

આપણે ત્યાં ખાદ્યાન્ન, તેલીબિયાં અને શાકભાજીના ગોડાઉનો મોટાપાયે ખાનગી છે. સરકાર ટેકાના ભાવે ખરીદે અને જો આ ગોડાઉનોના માલિકોને વેપારીઓ સાંઠગાંઠ કરી ના ખરીદે તો એ માલ ક્યાં નાંખવાના ? કે પછી ખરીદી બંધ કરી દેવાની ?

આવા તીખા સવાલોના જવાબ કોઈની પાસે નથી.

અત્યારે આજની તારીખે નાફેડ પાસે પાંચ લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદેલી પડી છે અને છતાં ય બજાર બૂમો પાડે કે આ વર્ષે વાવેતર ઓછું છે એટલે સીંગતેલના તેલના ડબ્બાના ભાવ 2,000 રૂપિયા વટાવી જશે. એ વાત કેટલી વાજબી ? બજાર ભાવ વધારી નાંખે ને સરકાર ચૂપ રહે એ પણ કેવી વાત ?

જવાબો વગરના સવાલો ઘણા છે.

અને આપણે ત્યાં 'વિકાસ'ના કામોની દિશા પણ નક્કી જ છે.

આપણે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓને લઈ જ્યાં ને ત્યાં રોડ ફટાફટ મોટા થતાં રહે છે, તેના પર રાતોરાત ઓવરબ્રિજો બની જાય છે, પરંતુ ખેડૂતોને મદદરૂપ થવા ગોડાઉનો ને કોલ્ડ સ્ટોરેજ બનતાં નથી. ક્યાંક ગોડાઉનો સરકારે બનાવ્યા હોય અને તેનાં ઉદ્ઘાટનો પ્રધાનોના હાથે થયા હોય એવા સમાચાર ક્યારે ય વાંચવા કે ટીવી પર જોવા નથી મળતા તેનો ભારે અફસોસ વ્યક્ત કરવો રહ્યો ! તમે એવા કોઈ સમાચાર વાંચ્યા કે ટીવી પર જોયા છે ?

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 03 જુલાઈ 2019

Loading

‘એક રાષ્ટૃ, એક ચૂંટણી’ના લાભાલાભ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 July 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના બીજા કાર્યકાળના આરંભે જ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દે સર્વપક્ષીય બેઠક યોજી તેના પરથી આ મુદ્દે તેમની પ્રાથમિકતા અને ગંભીરતા જણાઈ આવી છે. વડાપ્રધાને ‘વન નેશન, વન ઈલેક્શન’ને સરકારનો નહીં પણ દેશનો એજન્ડા ગણાવ્યો છે પરંતુ સર્વપક્ષીય બેઠકમાં સમૂળગા વિપક્ષની ગેરહાજરી દર્શાવે છે કે વિપક્ષનું આ અંગેનું વલણ વિરોધ અને અસ્વીકારનું છે. લોકસભાની સાથે જ રાજ્યોની વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાવી જોઈએ તેવા વિચાર બાબતે દેશમાં મતમતાંતર પ્રવર્તે છે. તેને અંગે દેશ માટે બહુ જ જરૂરી, આકર્ષક અને ઈચ્છનીય, ધનબળ અને જનબળની બચત કરનાર, ભારે બંધારણીય ઉથલપાથલ કરનાર, અશક્ય, અવ્યવહારુ, બકવાસ, બોગસ અને દીવાસ્વપ્ન જેવા સામસામા છેડાના મત પ્રગટ થયા છે. વિપક્ષો આ વિચાર પાછળ દેશમાં સર્વત્ર ભા.જ.પ.નું પ્રભુત્વ ઊભું કરવાનો ઉદ્દેશ હોવાનું ગણાવી તે પ્રાદેશિક પક્ષોને નામશેષ કરી નાંખશે તેવો ભય પણ વ્યક્ત કરે છે.

‘વન નેશન, વન ઈલેક્શન’નો મુદ્દો લાંબા સમયથી દેશમાં ચર્ચાઈ રહ્યો છે. તે કંઈ સાવ અચાનક અને કોઈની સત્તા લાલસામાંથી જન્મેલો છે એવું પણ નથી. તેના બંધારણીય, કાનૂની અને રાજકીય પાસાં પણ ચર્ચાયા છે. છેક ૧૯૮૩માં ચૂંટણી પંચે સરકારને ચૂંટણી સુધારાઓની ભલામણ કરતાં દેશમાં બધી જ ચૂંટણીઓ એક સાથે યોજવા સૂચન કર્યું હતું. વાજપેયી સરકારે રચેલા બંધારણીય સમીક્ષા પંચે ૨૦૦૨માં તેની તરફેણ કરી હતી. બી.જે.પી.એ તેના ૨૦૧૪ના ચૂંટણી ઢંઢેરામાં ‘વન નેશન વન ઈલેક્શન’નું વચન આપ્યું હતું. કાયદાપંચ અને નીતિઆયોગ પણ આ વિચારના સમર્થનમાં છે. લો કમિશને હાલમાં જ એક વિસ્તૃત વર્કિંગ ડોક્યુમેન્ટ આ મુદ્દે રજૂ કર્યો છે.

દેશના આરંભના લગભગ બે દાયકાની, ૧૯૫૨થી ૧૯૬૭ની, ચાર ચૂંટણીઓ એક સાથે જ યોજાઈ હતી. તે સમયે દેશમાં બધે જ કૉન્ગ્રેસની આણ પ્રવર્તતી હતી. ૧૯૬૭ની ચૂંટણીઓમાં કૉન્ગ્રેસની એક પક્ષ પ્રભાવ પ્રથા તૂટી હતી. કેટલાંક રાજ્યોમાં વિપક્ષોના બનેલા સંયુક્ત વિધાયક દળની સરકારો રચાઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, કેરળ, ઓરિસ્સા અને મદ્રાસ રાજ્યમાં જે સંવિધ સરકારો બની હતી તેમાંની કેટલીકમાં જનસંઘ અને સામ્યવાદી પક્ષો પણ સામેલ હતા, પરંતુ આ સરકારો બહુ લાંબું ન ટકી કે ઇંદિરા ગાંધીએ ન ટકવા દીધી. એટલે રાજ્યોમાં મધ્યસત્ર ચૂંટણીઓ આવી. તેના કારણે એક સાથે ચૂંટણીઓ યોજાતી બંધ થઈ. આવી રાજકીય અસ્થિરતા ન માત્ર રાજ્યોમાં, કેન્દ્રમાં પણ જોવા મળી. ૧૯૭૧ અને ૧૯૮૪માં કૉન્ગ્રેસે વહેલી ચૂંટણી યોજી હતી. ૧૯૮૦, ૧૯૯૧, ૧૯૯૮ અને ૧૯૯૯માં પણ લોકસભાએ તેની પાંચ વરસની નિર્ધારિત મુદ્દત પૂરી કરી નહોતી તેથી પણ વહેલી અને અલગ અલગ ચૂંટણીઓ થઈ હતી.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિચારના સમર્થનમાં જે મજબૂત દલીલ છે તે સમય, શક્તિ અને નાણાંની બચતની છે. હાલમાં વારંવાર ચૂંટણીઓ યોજાતી હોવાથી દેશમાં જાણે કે બારેમાસ ચૂંટણીનો જ માહોલ હોય છે. વળી આચારસંહિતાને કારણે વિકાસકામો ઠપ થઈ જાય છે. ૨૦૧૬-૧૭ના વરસમાં મહારાષ્ટ્રમાં ૩૬૫માંથી ૩૦૭ દિવસ રાજ્યના જુદાજુદા ભાગોમાં આચારસંહિતા અમલમાં હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ત્રણ મહિના પહેલાં પાંચ રાજ્યોમાં અને લોકસભા ચૂંટણી સાથે બીજાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હતી. હવે આ વરસના અંતે હરિયાણા અને મહારાષ્ટ્ર, ૨૦૨૦માં બિહાર, દિલ્હી અને ઝારખંડ અને ૨૦૨૧માં કેરળ, તમિલનાડુ, બંગાળ, અસમ, પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીઓ થશે. એકલી રાજ્યોની ચૂંટણીઓમાં સરકારને ૪,૫૦૦ કરોડનો ખર્ચ થાય છે. જો સાથે ચૂંટણીઓ થાય તો તે ખર્ચ નિવારી શકાય. બંને ચૂંટણી માટે એક જ મતદારયાદી બની શકે અને વહીવટીતંત્ર તથા પોલીસતંત્રનો પણ એક સાથે ઉપયોગ કરવાનો થાય.

વિરોધપક્ષો ‘વન નેશન, વન ઈલેક્શન’ના વિચારને રાષ્ટ્રવાદ વિરુદ્ધ પ્રાદેશિક અસ્મિતાની રીતે જુએ છે. કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારની ચૂંટણી માટેના મુદ્દા અલગ હોય છે અને જો બંને ચૂંટણીઓ સાથે થાય તો રાજ્યોના સ્થાનિક મુદ્દા દબાઈ જાય, મોટા રાજકીય પક્ષો હાવી થાય અને ભવિષ્યમાં દેશ પ્રમુખશાહી કે એકપક્ષી સરકાર તરફ જઈ શકે તેવી દહેશત પણ વ્યક્ત થાય છે. ૧૯૯૯થી ૨૦૧૪ સુધીની ૬ રાજ્યોની ૧૬ ચૂંટણીઓની ૨,૬૦૦ વિધાનસભા બેઠકોનો એક અભ્યાસ દર્શાવે છે કે ૭૭% મતદારોએ એક જ પક્ષને મત આપ્યા હતા. આ હકીકત પણ વિપક્ષની દહેશત સાચી ઠેરવે છે. લોકસભા ચૂંટણીના ત્રણ જ મહિના પૂર્વે બી.જે.પી.એ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભામાં સત્તા ગુમાવી હતી. પણ લોકસભામાં તેને આ જ રાજ્યોમાં મોટી બહુમતી મળી છે. તેલંગાણામાં ત્રણ મહિના પૂર્વે જે પ્રાદેશિક પક્ષ ભારે બહુમતી મેળવી શક્યો તે લોકસભા ચૂંટણીમાં તેની બેઠકો જાળવી શક્યો નહીં. લોકસભા ચૂંટણીની મોદીલહેર ઓરિસ્સા અને આંધ્રના પ્રાદેશિક પક્ષોએ ખાળી અને સતા મેળવી છે. એટલે રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દા કેટલા ભાગ ભજવે છે તે સવાલ છે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની તરફ્દારી કરતા ભા.જ.પે. લોકસભા ચૂંટણીની સાથે જેની મુદ્દત ટૂંકાવીને લોકસભાની સાથે ચૂંટણી કરાવી શકાય તેમ હતી તે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ કરાવી નથી. પણ ઓરિસ્સા, તેલંગાણા અને આંધ્રના વિપક્ષી મુખ્યમંત્રીઓ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના સમર્થનમાં છે. લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી થઈ શકે તે માટે ૨૦૦૪માં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિધાનસભાની વહેલી ચૂંટણી યોજી હતી. તેથી ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં ઓરિસ્સામાં બંને ચૂંટણીઓ સાથે યોજાઈ છે.

આ વિચારના અમલમાં મોટો અવરોધ હાલની બંધારણીય જોગવાઈઓનો છે. ખાસ તો લોકસભા અને રાજ્યોની વિધાનસભાના કાર્યકાળ, અવિશ્વાસની દરખાસ્ત, વ્હીપ વગેરે સંબંધી જે બંધારણીય જોગવાઈઓ છે તેમાં બંધારણીય સુધારા કરવા પડે. વળી ભૌગોલિક, ધાર્મિક, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા આપણા વિશાળ દેશમાં કયો સમય ચૂંટણી માટે, સમગ્ર દેશ માટે આદર્શ ગણાય તે પણ મોટો સવાલ છે. આખા દેશમાં એક જ સરખી ઋતુ કે ધાર્મિક તહેવારો હોતા નથી. તેને કારણે પણ સમગ્ર દેશને અનુકૂળ હોય તેવો ચૂંટણી સમય નક્કી કરવો બહુ મુશ્કેલ બાબત છે.

ફાયદા અને ગેરફાયદામાંથી કોનું પલ્લું નમે છે કે બહુમતી કઈ બાજુ છે તે દ્રષ્ટિથી આ વિચારને મૂલવવાને બદલે સતત વિચારમંથન કરતાં રહીને સર્વસંમતિ સાધવાનો પ્રયત્ન થતો રહે અને દરમિયાનમાં ઓરિસ્સાની જેમ સમર્થક રાજ્યો અને પક્ષો અમલ શરૂ કરે.

e.mail : maheriyachandu@gmail.com

(પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 03 જુલાઈ 2019)

કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય

Loading

...102030...2,8712,8722,8732,874...2,8802,8902,900...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved