Opinion Magazine
Number of visits: 10,228,914
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે …!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|24 January 2020

હૈયાને દરબાર –

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો …

પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે

સમી સાંજનો ઢોલ ઢબૂકતો …

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

•   કવિ : અનિલ જોશી    •   ગાયક-સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય

———————

God smiled when he made daughters
God smiled when he made daughters
Because he knew he had created love and happiness

– For every mom and dad.

અંગ્રેજી ભાષાની આ ઉક્તિ સાચી છે.

દિ’ વાળે એ દીકરી એ પારંપારિક કહેવત તમને યાદ જ હશે. દીકરી એ ઘરનું અજવાળું છે, જીવન ઉત્સવ છે, જિંદગીનું સાર્થક્ય છે. કવિ અનિલ જોશી એટલે જ કહે છે કે દીકરીના ચપટીક અજવાળા સામે એક કરોડ સૂર્ય પણ ઝાંખા પડી જાય છે. ખુદ સૂર્યને આંગણે દીકરીનો માંડવો બંધાય તો સૂરજને ખબર પડે કે અંધારું શું ચીજ છે!

ઘરને ઉજાળનારી આવી દીકરી પરણીને વિદાય થાય ત્યારે મા-બાપનું કાળજું કેવું કંપી ઊઠે એનો ખ્યાલ તો જેને ત્યાં દીકરી હોય એ જ જાણે!

અંગતપણે કહું તો દીકરી હોવી એ મારું ઓબ્સેશન હતું. દીકરો નહીં હોય તો ચાલશે પણ દીકરી તો જોઈશે જ. બ્રાહ્મ મુહૂર્તમાં દીકરી જન્મી ત્યારે હિમાલયના કોઈક નાનકડા મંદિરમાં એકસાથે રૂપાની ઘંટડીઓ બજી ઊઠી હોય એવી અનુભૂતિ થઈ હતી. પુત્રી જન્મની ખુશાલીમાં અમે પેંડા વહેંચ્યા હતા. નાનકડો રતૂમડો ચહેરો, પરવાળાં જેવા ગુલાબી હોઠ અને કપાળમાં કુદરતી રીતે કંડારાયેલો લાલ ચાંદલો. જન્મ સમયે આ નવજાત બાળકીના કપાળની બરાબર વચ્ચે રક્ત જમા થઈ ગયું હતું એ બિલકુલ ચાંલ્લા જેવું લાગતું હતું. મારી માએ પોતાની લાલ રંગની મલમલની બાંધણીમાં એ કુમળી કળીને લપેટી હતી. લેબરરૂમમાંથી બહાર આવ્યા પછી પારણામાં ઝૂલતી દીકરીનું આ પહેલવહેલું દર્શન. લાલ ચૂંદડી ઓઢીને પોઢેલી નવજાત દીકરીને જોઇ આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. આવી સુંદર, નાજુક-નમણી દીકરી મોટી થતાં આવું જ લાલ પાનેતર પહેરીને પારકી થઈ જશે?

દીકરીના જન્મ સાથે જ માતાને આવો વિચાર આવે એ સ્વાભાવિક છે. કવિ દાદની શ્રેષ્ઠ રચના :

કાળજા કેરો કટકો મારો
ગાંઠથી છૂટી ગ્યો
મમતા રોવે જેમ વેળુમાં
વીરડો ફૂટી ગ્યો …

લૂંટાઈ ગ્યો મારો લાડ ખજાનો
‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ
હું તો સૂનો માંડવડો …

કાળજા સોંસરવું નીકળી જાય એવું આ કન્યાવિદાયનું ગીત છે. ડાયરામાં જ્યારે આ ગીત રજૂ થાય ત્યારે દર્શકોમાં કરુણતાનો મહાસાગર હિલ્લોળે ચડે. વાયોલિન જેવા કરુણ વાદ્યમાંથી ડૂસકાં ભરતા કરુણતાના સ્વરો શ્રોતાઓનું હૈયું ભીંજવી જાય અને ઓડિયન્સ હીબકે ચઢે.

કન્યાવિદાયનું આવું જ એક આધુનિક ગીત છે ઝળહળતા કવિ અનિલ જોશીનું.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે …

અનિલ જોશીનો જન્મ ગોંડલમાં. ગ્રામ્ય પરિવેશનું તળપદીપણું એમનાં અનેક કાવ્યમાં પ્રતિબિંબિત થાય છે. કન્યાવિદાયનો સૌથી પ્રાચીન પ્રસંગ ‘અભિજ્ઞાન શાકુંતલમ્’માં વર્ણવાયો છે. શકુંતલાની વિદાય વખતે આશ્રમનાં વૃક્ષ પોતાનાં પર્ણ ખેરવીને આશીર્વાદ આપે છે તો કોયલ મધુર ટહુકાથી વિદાયની અનુજ્ઞા આપે છે એનું વર્ણન હૃદયદ્રાવક છે. મંગલ કામના પ્રગટ કરતાં કણ્વ મુનિ કહે છે, "શકુંતલાનો જીવનમાર્ગ મંગલકારી તથા મંદ અને સુસંગત પવનવાળો બની રહો. પિતાનું પ્રેમાળ હૃદય દીકરીની વિદાયવેળાએ પવનને સાનુકૂળ થવા વિનવે છે. કન્યાવિદાયનું આ સંવેદનશીલ કાવ્ય કોઇ પણ બાપ, જેણે દીકરી વળાવી છે તેની આંખ ભીંજવી દેવા સક્ષમ છે. હસતી-રમતી નાનકડી પરીને પારકા દેશમાં કે પારકા ઘરમાં મોકલ્યા પછી સર્જાનાર શૂન્યાવકાશ પિતાને ડરાવે છે.

અનિલ જોશીની સુંદર કવિતા સમી સાંજનો …ના શબ્દે-શબ્દમાં પણ ‘કન્યા વિદાય’ વખતની પિતાની વેદના આબાદ રીતે ઝીલાઇ છે. દીકરી પરણીને સાસરે જાય એ સાથે જ પિતાના ઘરમાં સુનકાર છવાઈ જાય છે, એ વેદના કવિએ "ખડકી પાસે ઊભો રહીને, અજવાળાને ઝંખે પંક્તિ દ્વારા સુંદર રીતે રજૂ કરી છે. દીકરીના ગયા પછી પિતાના દિલનો અને ઘરનો એક ખૂણો હંમેશાં માટે ખાલી થઈ જાય છે. દીકરીની ઝાંઝરીનો રણકાર અને એનો મીઠો ટહુકો સાંભળવા માટે પિતાના કાન તરસી જાય છે. પિતાની મહામૂલી ‘મૂડી’ અચાનક ‘પારકી થાપણ’ બની જાય છે!

અનિલ જોશીના આ અમર ‘કન્યા વિદાય’ કાવ્યમાં ગીતના શબ્દે-શબ્દે વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ જ નીતરે છે. પછી એ શબ્દોને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સૂરોત્તમનું સ્વરાંકન અને સ્વર મળે ત્યારે એ ઓર દીપી ઊઠે છે.

કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે –

એ કેવી ઉમદા અને અનોખી કલ્પના! દીકરીની વિદાય સાથે આખું ફળિયું જાણે ખાલીખમ થઈ જાય છે. ફળિયામાં રૂમરૂમ રમતી લાડલી કેસરિયાળા સાફાની સાથે આખું ફળિયું ખાલી કરી દે છે. કવિની કાવ્યકલા આ એક વાક્યમાં સંપૂર્ણ ખીલી છે. કવિએ તેમની કલ્પનાશક્તિનો પરિચય બાપ અને દીકરીની વ્યથા બંને સ્વરૂપે આપ્યો છે.

પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;

પાદર બેસી માવતરને રડતી આંખે જોતી દીકરીની વાત, ફફડી ઉઠતી ઘરચોળાની ભાત તો અતિ સુંદર અને લાગણીભીનું સુંદર કલ્પન છે. તે રડે છે કારણ તેનાં સૌ પરિચિત પિયરિયાં હવે પરાયા થવાના છે અને નવા સાથી જોડે નવું જીવન જીવવાનું છે.

આ પંક્તિઓમાં વેદના ચરમસીમાએ પહોંચે છે :

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

જાન વળાવી પાછા ફરેલા બાપનો ખાલીપો દીવડો થર થર કંપેનાં પ્રતીકથી બહુ જ બળૂકી રીતે અનિલ જોશી જેવા સમર્થ કવિ લખી શકે.

‘કન્યાવિદાય’ જેવા બહુ ખેડાયેલા વિષયમાં સંપૂર્ણ નવી તાજગી અને નવા કલ્પનો એ તેમને અને તેમની કૃતિને સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચતમ કક્ષા અપાવી છે.

અનિલ જોશી આ ગીત સાથે સંકળાયેલી હૃદયસ્પર્શી વાત કરે છે. "આ ગીત ૧૯૬૬-૬૭માં લખાયું હતું. એ વખતે મારા લગ્ન પણ નહોતાં થયાં. હું, કવિ રાજેન્દ્ર શુક્લ તથા ધીરેન્દ્ર મહેતા અમદાવાદની હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં આ ગીત લખાયું હતું. કવિના મનમાં અનેક ઘટનાઓ ઘોળાતી હોય છે. એ રીતે શકુંતલાની વિદાયના પ્રસંગનો મારા પર બહુ મોટો પ્રભાવ હતો. પરંતુ, અન્ય એક ઘટના મારે માટે યાદગાર હતી. હું ઘણો નાનો હતો. બાર-તેર વર્ષનો. કિશોરાવસ્થા એટલે આકર્ષણ, પ્રેમ જેવી લાગણીઓની શરૂઆત. મને મારાથી થોડી મોટી એક છોકરી બહુ ગમતી હતી. એ ઘણી મેચ્યોર અને સુંદર હતી. નિર્દોષ પ્રેમ સિવાય એ ઉંમરે બીજું તો શું હોય? અમારા ફળિયામાં એ રહેતી. ત્યાં સ્ત્રીઓ ડાંગર, ચોખા તથા બીજાં અનાજ છડે અને સૂપડામાં લઈ ફોતરાં ઉડાડી અનાજ રાખી લે. મગફળી, લીલા ચણા પણ ઘરની સ્ત્રીઓ ઓટલે બેસીને ફોલે. હું અને એ છોકરી એક રમત રમતાં. મારા ઘરે એ આવે ત્યારે એક મૂઠીમાં દાણા અને બીજીમાં ફોતરાં ભરીને લાવે અને મને કોઈ પણ એક મૂઠી ખોલવા કહે. હું જે મૂઠી ખોલું એમાંથી ફોતરાં જ નીકળે. મને હંમેશાં થાય કે મારા નસીબમાં ફોતરાં જ? અમુક વર્ષ પછી એનાં લગ્ન નક્કી થયાં. વિદાય વેળાએ બધાંને મળ્યા પછી મારી પાસે આવી. હું તો વ્યથિત હૃદયે ઘરની અગાશીએ જઈને વિદાય પ્રસંગ જોઈ રહ્યો હતો. એ ઉપર આવી. બન્ને મુઠીઓમાં કંઈક ભરીને લાવી હતી. મને એક મુઠ્ઠી ખોલવા જણાવ્યું. મેં એ ખોલી ત્યારે એમાંથી દાણા નીકળ્યા. હું તો ખુશ થઈ ગયો. એણે બીજી મુઠ્ઠી ખોલવા કહ્યું. એમાંથીય દાણા નીકળ્યા. મારી આંખમાં આંસુનાં તોરણ બંધાયાં. મને જિતાડવા આવી અંચાઇ? બન્ને હાથમાં એ દાણા લઈ આવી હતી! મેં કહ્યું કે મારા નસીબના ફોતરાં ક્યાં છે? એણે આંખો ઢાળી દીધી. હથેળી ખુલ્લી હતી. હાથમાં ઝીણી ઝીણી મેંદી મૂકેલી હતી. ઝીણાં ફોતરાં જ લાગે. એ જોઈને મને થયું કે મેંદી મુકાવીને એ મારા નસીબના ફોતરાં લઈને ચાલી ગઈ. એ વખતે મને મારા પોપચાં પણ ફોતરાં જેવાં લાગ્યાં હતાં!

આખી વાત કેટલી સંવેદનશીલ છે! આ જ ઘટના સમી સાંજનો ઢોલ ગીતમાં જુદા સ્વરૂપે આકારાઈ છે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સર્વોત્તમ સંગીતકારના સ્પર્શે આ ગીત અપાર લોકચાહના પામ્યું જ છે, પરંતુ આ ગીત પર કોઈએ ખૂબ સરસ નૃત્ય કોરિયોગ્રાફી કરીને વીડિયો બનાવ્યો છે જેમાં એકસાથે પચાસેક છોકરીઓ નૃત્ય કરી રહી છે. ગીતનું આ નવીન સ્વરૂપ કહી શકાય.

પરંતુ, આપણા સિદ્ધહસ્ત કવિ રમેશ પારેખે એને લગ્નના ઢાળમાં કમ્પોઝ કર્યું છે. મૃદુલા દેસાઈએ એક કાર્યક્રમમાં એ અદ્ભુત રીતે રજૂ કર્યું હતું.

કન્યા વિદાયનો પ્રસંગ કરુણ અને મંગલમય છે. તેથી જ એ બીજા કોઈપણ પ્રસંગ કરતાં અનોખો પ્રસંગ છે. મા-બાપના વ્હાલ અને વેદનાનું અજબ વલોણું દિલમાં ઉલ્કાપાત મચાવે છે.

કવિ અનિલ ચાવડાની કન્યાવિદાયની આ પંક્તિઓ પણ હૃદયદ્રાવક છે :

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હૂંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
દીકરી જાતાં એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું …

ખલિલ જિબ્રાને સાચું જ લખ્યું છે :

"જ્યારે રેતી સિવાય બીજું કશું જ ન હોય, એવા વેરાન રણ જેવું હોય છે પુરુષનું જીવન, સિવાય કે મારી જેમ ઈશ્વરે એને ટચૂકડી રાજકુમારીની ભેટ ધરી હોય. હું તો એટલે સુધી કહું છું કે જેમને ઘેર દીકરી ન જન્મી હોય તેમણે તે ગોદ લઈ લેવી જોઈએ. એટલા માટે કે કાળનું રહસ્ય તથા તેનો અર્થ સમજવાની કૂંચી નાનકડી બાલિકાઓના હૈયામાં ભગવાને સંતાડેલી હોય છે.”

સમી સાંજનો ઢોલ સાંભળવાનું ચૂકતા નહીં. અનેક કલાકારોના કંઠે ઉપલબ્ધ છે. કન્યાવિદાયનું એ અપ્રતિમ ગીત છે.

—————————————

સૌજન્ય : લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 23 જાન્યુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=619964 

Loading

સંઘેડાઉતાર કાવ્યોના સર્જક પ્રિયકાંત મણિયારનો આજે જન્મદિવસ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 January 2020

પ્રિયકાંત મણિયારનો જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૨૭નાં રોજ વીરમગામમાં થયો હતો. તેમનું વતન અમરેલી. આજે તેમની ૯૩મી જન્મ જયંતી છે ત્યારે પ્રકૃતિ અને પ્રણય કાવ્યોમાં જીવેલા પ્રિયકાંત મણિયારનાં જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણવી જ રહી.

 “આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે …,
આ સરવર જળ તે કાનજી ને પોયણી તે રાધા રે …”

પ્રિયકાંત મણિયારની આ રચના રાધા કૃષ્ણની મૈત્રીને, તેમના રોમાન્સ એક સચોટ વ્યાખ્યામાં બાંધે છે. આ ગેય કાવ્યની ‘ફાઇન પ્રિન્ટ’ જોઇએ તો સમજણ પડે કે કૃષ્ણ તો રાધા વિના અધૂરા છે જ પણ રાધાનું હોવું કૃષ્ણ વિના શક્ય નથી. પ્રિયકાંત મણિયાર આ રચના દરેક કવિસંમેલનને અંતે આરતીના ઢાળમાં ગાતા. પ્રિયકાંત મણિયારનો જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૨૭નાં રોજ વીરમગામમાં થયો હતો. તેમનું વતન અમરેલી. આજે તેમની ૯૩મી જન્મ જયંતી છે ત્યારે પ્રકૃતિ અને પ્રણય કાવ્યોમાં જીવેલા પ્રિયકાંત મણિયારનાં જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણવી જ રહી.

તેમના પિતા હરજીવનદાસ જૈન ધર્મ પાળતા અને માતા પ્રેમકુંવર વૈષ્ણવ ધર્મ પાળતા. આ બંન્ને ધર્મનાં લક્ષણો તેમની રચનાઓમાં પણ ડોકાયા કરે છે. ૧૯૩૭-૩૮માં અમદાવાદ રહેવા આવી ગયેલા પ્રિયકાંતભાઇએ નવમા ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો હતો પણ હિંદ છોડોની ચળવળને પગલે અભ્યાસને તિલાંજલી આપી હતી. આમ તો તેમને પ્રાધ્યાપક થવું હતું પણ શિક્ષણના અભાવે તે થઇ ન શક્યું અને થોડો સમય પત્રકારત્વ કર્યા પછી તેમણે મણિયારા તરીકે બાપીકા ધંધામાં કામ કરવાનું ચાલુ રાખ્યું.

મણિયારો એટલે કે ચૂડી કંગન બનાવનાર, તેમાં ય પ્રિયકાંતભાઇ તો સંઘેડાઉતાર ચૂડીઓ બનાવતા. જેમની રચનાઓને પણ સંઘેડાઉતાર કહેવાય છે તેમને વાંચવા માટે આ શબ્દનો અર્થ તો ખબર હોવી જ જોઇએ. સંઘાડો એટલે કે હાથીદાંત, પ્લાસ્ટિક, લાકડું વગેરેની ચીજો બનાવવાનું ગોળ યંત્ર. આ યંત્ર પર બનતી ચીજોનો આકારમાં કોઇ ચૂક ન હોય અને માટે જ સંઘેડાઉતાર શબ્દ એવી રચના કે કૃતિ માટે વપરાય છે જેમાં કોઇ ચૂક ન હોય. કવિ જીવનની વાતો સાથે તેમની કેટલીક રચનાઓની ઝલક પણ માણીએ. ક્યાંક મોંઘવારી ઘટાડવાનો ખોટો દાવો કરનારા પર કટાક્ષ છે તો ક્યાંક સોળ વર્ષની છોકરીનાં યૌવનનું પ્રકૃતિથી રસતરબોળ વર્ણન છે. 

 “એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે”

 ***

“એ સોળ વરસની છોરી
સરવરિયા જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી.
ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મહેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી”

 *** 

“છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી …
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી …”

પ્રિયકાંત મણિયારે ગીત, ગઝલ, મુક્તક, સૉનેટ, અછાંદસ, ગદ્યકાવ્યો વગેરેની રચના કરી છે. તેમના લગ્ન નક્કી થયા પણ લગ્નની આગલી રાત્રે તેઓ મુંબઈ ભાગી આવ્યા. પછીથી અમદાવાદ પરત ફર્યા અને બાલ હનુમાન વિસ્તારમાં ચૂડી-કંગનની ‘મેઘધનુષ’ નામની દુકાન શરૂ કરી. ૧૯૫૬માં મૂળ અમરેલીના પણ ઇસ્ટ આફ્રિકામાં ઉછરેલા રંજનબહેન સાથે તેમના લગ્ન થયાં. તેઓ અમદાવાદમાં કવીશ્વરની પોળમાં રહેતા આ કવિએ ચૂડી કંગનની બીજી ત્રણ દુકાનો પણ શરૂ કરી. સિત્તેરના દાયકાની શરૂઆતમાં તેમને અમેરિકા જવાનો મોકો મળ્યો અને અને પાછા ફરીને તેમણે અખબારોમાં કટાર લેખન શરૂ કર્યું. તેઓ કુમાર સામયિકની અઠવાડિક કવિ સભામાં જતા. તેમની પર નિરંજન ભગતના સંગાથની ઊંડી અસર હતી. 

‘પ્રતિક’, ‘અશબ્દરાત્રી’, ‘સ્પર્શ’, ‘સમીપ’, ‘પ્રબલગતિ’, ‘વ્યોમલિપિ’, ‘લીલેરો ઢાળ’ તેમના કાવ્ય સંગ્રહો છે. તેમને કવિતા માટે ‘કુમાર ચંદ્રક’ મળ્યું હતું અને ‘સમીપ’ કાવ્યસંગ્રહ માટે તેમને ‘ઊમા-સ્નેહરશ્મિ’ પારિતોષિક એનાયત થયું હતું.

૧૯૭૬ની ૨૫મી જૂને તેઓ રાત્રે પોતાની ઑફિસનું શટર બંધ કરતા હતા અને તેમના હ્રદયે પણ બંધ થવાનું નક્કી કર્યું. ક્યારે ય ભૂલી ન શકાય તેવાં ગીતોના રચયિતા પ્રિયકાંત મણિયારે માત્ર ૪૯ વર્ષની વયે જિંદગીની પંક્તિઓ અધૂરી મૂકી દીધી.

સૌજન્ય : “ગુજરાતી મિડ ડે”, 24 જાન્યુઆરી 2020

Loading

ભારતમાં શાસકો, ઉદ્યોગપતિઓ, પત્રકારો અને બાવાઓનો બિકાઉ ચતુષ્કોણ રચાયો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 January 2020

ગયા અઠવાડિયે બેઝોસ નામનો એક માણસ ભારતમાં આવીને ગયો એની તમને ખાસ જાણ નહીં હોય. જાણ ક્યાંથી હોય, આવી કોઈ જાણ ન થાય એટલા સારુ તો સી.એ.એ. અને એન.સી.આર. જેવા પાંસા ફેંકવામાં આવે છે કે જેથી પ્રજા એમાં જ અટવાયેલી રહે અને રોટી, કપડાં અને મકાનના મૂળભૂત સવાલથી નજર હટી જાય. સારા પત્રકારે વાચકનું બંને દિશામાં ધ્યાન દોરવું જોઈએ. નજરબંધીના ખેલ પણ ઊઘાડા પાડવા જોઈએ અને પ્રજાને કવરાવનારા મૂળભૂત પ્રશ્નો ધ્યાનબહાર ન જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બાકી ભૂલભૂલામણી રચવા માટે તો અર્ણવ ગોસ્વામીઓ મોટી સંખ્યામાં છે. તેઓ તેમનું પેટ ભરી લે છે, પછી તમારું પેટ ભલે ખાલી રહે. કેટલાક ભાડૂતી બાવાઓ પણ વિદ્યાર્થીઓને સલાહ આપે છે કે તેમણે ભણવામાં ધ્યાન આપવું જોઈએ અને રાજકારણથી દૂર રહેવું જોઈએ. તેમને આની યાદ ૨૦૧૧માં અને ૨૦૧૨માં નહોતી આવી. આ દેશમાં આધ્યાત્મિકતા કાં તો ભયભીત છે અને કાં બીકાઉ છે.

ખેર, એ વાત જવા દઈએ, વાત બેઝોસની કરવાની છે. જેફ બેઝોસ એટલે ઓનલાઈન રીટેલ જાયન્ટ ‘ઍમેઝોન’ નામની કંપનીનો સ્થાપક. આ કંપની કેવડી મોટી છે એ કહેવાની જરૂર નથી. ૨૦૧૪માં પણ બેઝોસ ભારત આવ્યા હતા અને ત્યારે તેમને વડા પ્રધાને સમય આપ્યો હતો, એટલું જ નહીં તેમણે તેમના સ્વભાવ મુજબ બેઝોસને કહ્યું હતું, ‘બોલો, શું જોઈએ છે? હું જોઈએ તે વ્યવસ્થા કરી આપું, તમે ભારતમાં રોકાણ કરો.’ તમને કદાચ ૨૦૧૪નો વડા પ્રધાનનો જપાનનો પ્રવાસ પણ યાદ હશે. ત્યાં તેમણે જપાનીઝ રોકાણકારોને કહ્યું હતું કે, ‘હું તમને મારો ફોન નંબર આપીને જઉં છું. ફોન કરો અને બીજા જ દિવસે એક ધક્કામાં રોકાણ માટેની મંજૂરી મેળવી લો.’ આવી ઝડપ અને કાર્યદક્ષતા જોઈને તેમના વિરોધીઓ પણ મોંમાં આંગળા નાખી ગયા હતા. જો આ રીતે ઝડપથી નિર્ણયો લેવાય અને અમલદારશાહીથી દેશના વહીવટીતંત્રને અને અર્થતંત્રને મુક્તિ મળે તો દેશની જરૂર કાયાપલટ થઈ શકે.

પણ એ દિવસ અને આજની રાત. જપાનીઓને વડા પ્રધાનનો હોટ લાઈન નબંર મળ્યો નથી. દુનિયાના કોઈ પણ રોકાણકારને મળ્યો નથી. વહીવટીતંત્રમાં અને અર્થતંત્રમાં પણ કોઈ મોટા સુધારા કરવામાં આવ્યા નથી. વિદેશી રોકાણ આવતું ઘટ્યું છે અને છેલ્લા ચાર દાયકામાં અર્થતંત્ર તેની નીચલી સપાટીએ છે. સૌથી મોટું સંકટ રોજગારનું છે.

દેશની સ્થિતિ આવી છે ત્યારે ઍમેઝોનના સ્થાપક અને માલિક જેફ બેઝોસ ભારતમાં મોટું રોકાણ કરવાની તૈયારી સાથે ભારત આવ્યા હતા, પણ વડા પ્રધાને આ વખતે તેમને મળવાનો સમય આપ્યો નહોતો. વડા પ્રધાન અન્ય કામોમાં વ્યસ્ત હોય એ સમજી શકાય છે, પણ વાણિજ્ય પ્રધાને પણ સમય કાઢ્યો નહોતો. ઍમેઝોનના કારણે ભારતમાં નાના વેપારીઓના ધંધાને માર પડી રહ્યો છે એ કારણે ભારતે વિદેશી રોકાણનીતિ બદલી હોય તો એ સમજી શકાય એમ છે. સવાલ એ છે કે ભારત સરકારે ક્યારે એવું નીતિનિવેદન કર્યું છે? બીજું, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ બેઝોસને મળીને ભારતની ચિંતા પ્રગટ કરી શક્યા હોત અને બેઝોસની વાત પણ સાંભળી હોત. તેઓ વાણીજ્ય પ્રધાન છે અને તેમનું કામ વિદેશવ્યાપાર વધારવાનું છે. ત્રીજું, વિશ્વના ટોચના ઉદ્યોગપતિમાંના એકની અવહેલના નહીં કરવા જેટલું સૌજન્ય પણ હોવું જોઈએ.

આની જગ્યાએ પીયૂષ ગોયલે બોઝોસને મળવામાં કોઈ રસ નહોતો બતાવ્યો એટલું જ નહીં બેઝોસે જ્યારે કહ્યું કે ઍમેઝોન ભારતમાં એક અબજ ડોલર્સનું રોકાણ કરવા ઈચ્છે છે અને તેના દ્વારા દસ લાખ લોકોને રોજગારી મળી શકે એમ છે ત્યારે વાણીજ્ય પ્રધાન પીયૂષ ગોયલે શું કહ્યું હતું ખબર છે? તેમણે કહ્યું હતું કે, ‘બેઝોસ ભારતમાં રોકાણ કરીને શું ભારત પર ઉપકાર કરે છે?’ ગોયલના વિધાનની ભારતમાં અને વિદેશમાં પણ નોંધ લેવાઈ અને ટીકા થવા લાગી ત્યારે પીયૂષ ગોયલે સૂર બદલ્યો હતો, પણ એનો કોઈ અર્થ રહ્યો નહોતો.

૨૦૧૪માં જે ઉમળકો હતો અને ૨૦૨૦માં કેમ ગાયબ થઈ ગયો? નાના વેપારીઓની ચિંતાને કારણે એવો જો તમારો જવાબ હોય તો તમે આ સરકારને ઓળખતા નથી. આનું કારણ એ છે કે જેફ બેઝોસ અમેરિકાના માતબર અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પણ માલિક છે અને ‘વૉશિંગ્ટન પોસ્ટ’ નરેન્દ્ર મોદીની અને તેમની સરકારની ફાસીવાદી નીતિની સતત અને સખત ટીકા કરી રહ્યું છે. સરકારને ‘વોશિંગ્ટન પોસ્ટ’નું વલણ પસંદ નથી. જો કોઈ સમજદાર શાસક હોત તો બોઝોસને સમય આપીને, તેમની વાત સાંભળીને, હળવેકથી કાનમાં કહ્યું હોત કે તમારું અખબાર અમારી ખોટી ટીકા કરી રહ્યું છે તો એ તરફ જરા નજર કરો તો સારું. પણ અત્યારના શાસક પક્ષમાં એકથી એક હીરામોતી છે એટલે બી.જે.પી.ના વિદેશનીતિના સેલના પ્રમુખ વિજય ચોથાઈવાલાએ બોઝોસને જાહેરમાં કહ્યું કે વોશિંગ્ટન પોસ્ટના સંપાદકને કહો કે તે તેમની ભારત સરકાર પરત્વેની નીતિ બદલે અને ટીકા કરતું બંધ થાય. તેમના જ શબ્દોમાં : “ભારત સરકારનું મન જીતવાના પ્રયત્નો કરવાની જગ્યાએ તમે (બેઝોસ) તમારા ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના કર્મચારીઓને સમજાવી દો, અન્યથા ભારત સરકારનું મન જીતવાનો પ્રયાસ વ્યર્થ નીવડવાનો છે.”

આખરે મરદ મૂછાળા રાષ્ટ્રવાદીઓ ને! ઝાલ્યા રહે એ બીજા. એકથી એક ચડે એવા છે. ખબર નહીં આવા બત્રીસલક્ષણા અત્યાર સુધી કેમ ઢંકાયેલા રહ્યા! આ વિજય ચોથાઈવાલા કોણ છે એ જાણવા માટે ગૂગલ કરી જુઓ. તેમના નામે કોઈ સિદ્ધિ નોંધાયેલી જાણવા મળે તો મને કહેજો. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઉપકુલપતિ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિષે ગૂગલ કરી જુઓ. એક જમાનામાં જેને હસી કાઢવામાં આવતા હતા એવા કાલી કાલી વાતો કરનારા મોટા મોટા પદો પર બેઠા છે. તો આ ભાઈને એટલું પણ ભાન નહોતું કે આવી વાતો જાહેરમાં કરવાની ન હોય. બેઝોસને સાનમાં સમજાવી શકાતા હતા. કદાચ સમજાવ્યા પણ હશે અને ધાર્યું પરિણામ નહીં મળતા તેઓ જાહેરમાં બોલ્યા હોય એવું બને.

તેમને એટલી અક્કલ નથી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આબરૂ માનનીય શ્રી ચોથાઈવાલા અને પીયૂષ ગોયલના કારણે વધુ ખરડાઈ છે. વિજય ચોથાઈવાલાને જવાબ આપતા વોશિંગ્ટન પોસ્ટના સંપાદકે શું કહ્યું એ વાંચો : “અમારા અખબારના માલિક અમારે કેવી સંપાદકીય નીતિ અપનાવવી એની કોઈ સલાહ આપતા નથી. અમારા માલિક પોતાના ધંધા માટે અખબારનો ઉપયોગ કરતા નથી. સ્વતંત્ર પત્રકારત્વ એટલે સરકારની જીહજૂરી નથી થતો. અમારા રિપોર્ટરો અને કટાર લેખકો ભારતીય લોકતાંત્રિક પરંપરાનું નિર્વહન કરે છે.” બોલો શું કાંદો કાઢ્યો? નાક કાપીને હાથમાં આપી દીધું.

આ ચોથાઈવાલા સાહેબ વિદેશ વ્યવહાર ખાતાના સેલના અધ્યક્ષ છે, પણ તેમણે દુનિયા જોઈ હોય એમ લાગતું નથી. તેઓ પશ્ચિમ યુરોપ અને અમેરિકન પત્રકારત્વના ધોરણોથી પરિચિત લાગતા નથી. ક્યાંથી હોય, બાળપણથી વાંચવાની આદત જ ન હોય તો આ બધું ક્યાંથી સમજાય! તેમને બિચારાને એમ કે ભારતના ઉદ્યોગપતિઓની માલિકીની ચેનલ અને અખબારો જે રીતે ભાટાઈ કરે છે અને પડ્યો બોલ ઝીલે છે એમ અમેરિકાના અખબારો પણ કરશે. તેમને એ વાતની પણ જાણ નથી કે જેફ બોઝોસ પોતાની તાકાતથી સફળ નીવડ્યા છે, શાસકોની આંગળી પકડીને તેમની મહેરબાનીથી અબજોપતિ નથી થયા. જેવી શ્વાનવૃત્તિ ભારતમાં છે એવી અમેરિકામાં નથી. શાસકો, ઉદ્યોગપતિઓ, પત્રકારો અને બાવાઓનો બીકાઉ ચતુષ્કોણ ભારતમાં રચાયો છે એ હજુ યુરોપ અને અમેરિકામાં રચાયો નથી. આગળ શું થશે એ તો ભગવાન જાણે. આમ પણ ભારત વિશ્વગુરુ બનવાના મનોરથ સેવી રહ્યું છે.

તો વિજય ચોથાઈવાલાને એમ થયું કે જેફ બેઝોસ સાથે પણ ચોથાઈનો સંબંધ બાંધી શકાશે જે રીતે પેશ્વાઓ જીતેલા પ્રદેશો સાથે ચોથાઈનો સંબંધ બાંધતા હતા અને અત્યારે ભારતના ઉદ્યોગપતિઓ સાથે ચોથાઈનો સંબંધ જોવા મળી રહ્યો છે. આવું તેઓ માનતા હોય તો કાંઈ વાંધો નહીં, અરજ માત્ર એટલી જ છે કે દેશી-પરદેશી જોયા વિના જાહેરમાં ધમકાવવાનું અને ઈશારા કરવાનું બંધ કરે. ગોઠણની બુદ્ધિ ગોઠણમાં જ શોભે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23  જાન્યુઆરી 2020

Loading

...102030...2,7342,7352,7362,737...2,7402,7502,760...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved