હૈયાને દરબાર –
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત
સમી સાંજનો ઢોલ ઢબૂકતો …
પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે
સમી સાંજનો ઢોલ ઢબૂકતો …
જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
• કવિ : અનિલ જોશી • ગાયક-સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
———————
God smiled when he made daughters
God smiled when he made daughters
Because he knew he had created love and happiness
– For every mom and dad.
અંગ્રેજી ભાષાની આ ઉક્તિ સાચી છે.
દિ’ વાળે એ દીકરી એ પારંપારિક કહેવત તમને યાદ જ હશે. દીકરી એ ઘરનું અજવાળું છે, જીવન ઉત્સવ છે, જિંદગીનું સાર્થક્ય છે. કવિ અનિલ જોશી એટલે જ કહે છે કે દીકરીના ચપટીક અજવાળા સામે એક કરોડ સૂર્ય પણ ઝાંખા પડી જાય છે. ખુદ સૂર્યને આંગણે દીકરીનો માંડવો બંધાય તો સૂરજને ખબર પડે કે અંધારું શું ચીજ છે!
ઘરને ઉજાળનારી આવી દીકરી પરણીને વિદાય થાય ત્યારે મા-બાપનું કાળજું કેવું કંપી ઊઠે એનો ખ્યાલ તો જેને ત્યાં દીકરી હોય એ જ જાણે!
અંગતપણે કહું તો દીકરી હોવી એ મારું ઓબ્સેશન હતું. દીકરો નહીં હોય તો ચાલશે પણ દીકરી તો જોઈશે જ. બ્રાહ્મ મુહૂર્તમાં દીકરી જન્મી ત્યારે હિમાલયના કોઈક નાનકડા મંદિરમાં એકસાથે રૂપાની ઘંટડીઓ બજી ઊઠી હોય એવી અનુભૂતિ થઈ હતી. પુત્રી જન્મની ખુશાલીમાં અમે પેંડા વહેંચ્યા હતા. નાનકડો રતૂમડો ચહેરો, પરવાળાં જેવા ગુલાબી હોઠ અને કપાળમાં કુદરતી રીતે કંડારાયેલો લાલ ચાંદલો. જન્મ સમયે આ નવજાત બાળકીના કપાળની બરાબર વચ્ચે રક્ત જમા થઈ ગયું હતું એ બિલકુલ ચાંલ્લા જેવું લાગતું હતું. મારી માએ પોતાની લાલ રંગની મલમલની બાંધણીમાં એ કુમળી કળીને લપેટી હતી. લેબરરૂમમાંથી બહાર આવ્યા પછી પારણામાં ઝૂલતી દીકરીનું આ પહેલવહેલું દર્શન. લાલ ચૂંદડી ઓઢીને પોઢેલી નવજાત દીકરીને જોઇ આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. આવી સુંદર, નાજુક-નમણી દીકરી મોટી થતાં આવું જ લાલ પાનેતર પહેરીને પારકી થઈ જશે?
દીકરીના જન્મ સાથે જ માતાને આવો વિચાર આવે એ સ્વાભાવિક છે. કવિ દાદની શ્રેષ્ઠ રચના :
કાળજા કેરો કટકો મારો
ગાંઠથી છૂટી ગ્યો
મમતા રોવે જેમ વેળુમાં
વીરડો ફૂટી ગ્યો …
લૂંટાઈ ગ્યો મારો લાડ ખજાનો
‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ
હું તો સૂનો માંડવડો …
કાળજા સોંસરવું નીકળી જાય એવું આ કન્યાવિદાયનું ગીત છે. ડાયરામાં જ્યારે આ ગીત રજૂ થાય ત્યારે દર્શકોમાં કરુણતાનો મહાસાગર હિલ્લોળે ચડે. વાયોલિન જેવા કરુણ વાદ્યમાંથી ડૂસકાં ભરતા કરુણતાના સ્વરો શ્રોતાઓનું હૈયું ભીંજવી જાય અને ઓડિયન્સ હીબકે ચઢે.
કન્યાવિદાયનું આવું જ એક આધુનિક ગીત છે ઝળહળતા કવિ અનિલ જોશીનું.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે …
અનિલ જોશીનો જન્મ ગોંડલમાં. ગ્રામ્ય પરિવેશનું તળપદીપણું એમનાં અનેક કાવ્યમાં પ્રતિબિંબિત થાય છે. કન્યાવિદાયનો સૌથી પ્રાચીન પ્રસંગ ‘અભિજ્ઞાન શાકુંતલમ્’માં વર્ણવાયો છે. શકુંતલાની વિદાય વખતે આશ્રમનાં વૃક્ષ પોતાનાં પર્ણ ખેરવીને આશીર્વાદ આપે છે તો કોયલ મધુર ટહુકાથી વિદાયની અનુજ્ઞા આપે છે એનું વર્ણન હૃદયદ્રાવક છે. મંગલ કામના પ્રગટ કરતાં કણ્વ મુનિ કહે છે, "શકુંતલાનો જીવનમાર્ગ મંગલકારી તથા મંદ અને સુસંગત પવનવાળો બની રહો. પિતાનું પ્રેમાળ હૃદય દીકરીની વિદાયવેળાએ પવનને સાનુકૂળ થવા વિનવે છે. કન્યાવિદાયનું આ સંવેદનશીલ કાવ્ય કોઇ પણ બાપ, જેણે દીકરી વળાવી છે તેની આંખ ભીંજવી દેવા સક્ષમ છે. હસતી-રમતી નાનકડી પરીને પારકા દેશમાં કે પારકા ઘરમાં મોકલ્યા પછી સર્જાનાર શૂન્યાવકાશ પિતાને ડરાવે છે.
અનિલ જોશીની સુંદર કવિતા સમી સાંજનો …ના શબ્દે-શબ્દમાં પણ ‘કન્યા વિદાય’ વખતની પિતાની વેદના આબાદ રીતે ઝીલાઇ છે. દીકરી પરણીને સાસરે જાય એ સાથે જ પિતાના ઘરમાં સુનકાર છવાઈ જાય છે, એ વેદના કવિએ "ખડકી પાસે ઊભો રહીને, અજવાળાને ઝંખે પંક્તિ દ્વારા સુંદર રીતે રજૂ કરી છે. દીકરીના ગયા પછી પિતાના દિલનો અને ઘરનો એક ખૂણો હંમેશાં માટે ખાલી થઈ જાય છે. દીકરીની ઝાંઝરીનો રણકાર અને એનો મીઠો ટહુકો સાંભળવા માટે પિતાના કાન તરસી જાય છે. પિતાની મહામૂલી ‘મૂડી’ અચાનક ‘પારકી થાપણ’ બની જાય છે!
અનિલ જોશીના આ અમર ‘કન્યા વિદાય’ કાવ્યમાં ગીતના શબ્દે-શબ્દે વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ જ નીતરે છે. પછી એ શબ્દોને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સૂરોત્તમનું સ્વરાંકન અને સ્વર મળે ત્યારે એ ઓર દીપી ઊઠે છે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે –
એ કેવી ઉમદા અને અનોખી કલ્પના! દીકરીની વિદાય સાથે આખું ફળિયું જાણે ખાલીખમ થઈ જાય છે. ફળિયામાં રૂમરૂમ રમતી લાડલી કેસરિયાળા સાફાની સાથે આખું ફળિયું ખાલી કરી દે છે. કવિની કાવ્યકલા આ એક વાક્યમાં સંપૂર્ણ ખીલી છે. કવિએ તેમની કલ્પનાશક્તિનો પરિચય બાપ અને દીકરીની વ્યથા બંને સ્વરૂપે આપ્યો છે.
પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;
પાદર બેસી માવતરને રડતી આંખે જોતી દીકરીની વાત, ફફડી ઉઠતી ઘરચોળાની ભાત તો અતિ સુંદર અને લાગણીભીનું સુંદર કલ્પન છે. તે રડે છે કારણ તેનાં સૌ પરિચિત પિયરિયાં હવે પરાયા થવાના છે અને નવા સાથી જોડે નવું જીવન જીવવાનું છે.
આ પંક્તિઓમાં વેદના ચરમસીમાએ પહોંચે છે :
જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે
જાન વળાવી પાછા ફરેલા બાપનો ખાલીપો દીવડો થર થર કંપેનાં પ્રતીકથી બહુ જ બળૂકી રીતે અનિલ જોશી જેવા સમર્થ કવિ લખી શકે.
‘કન્યાવિદાય’ જેવા બહુ ખેડાયેલા વિષયમાં સંપૂર્ણ નવી તાજગી અને નવા કલ્પનો એ તેમને અને તેમની કૃતિને સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચતમ કક્ષા અપાવી છે.
અનિલ જોશી આ ગીત સાથે સંકળાયેલી હૃદયસ્પર્શી વાત કરે છે. "આ ગીત ૧૯૬૬-૬૭માં લખાયું હતું. એ વખતે મારા લગ્ન પણ નહોતાં થયાં. હું, કવિ રાજેન્દ્ર શુક્લ તથા ધીરેન્દ્ર મહેતા અમદાવાદની હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં આ ગીત લખાયું હતું. કવિના મનમાં અનેક ઘટનાઓ ઘોળાતી હોય છે. એ રીતે શકુંતલાની વિદાયના પ્રસંગનો મારા પર બહુ મોટો પ્રભાવ હતો. પરંતુ, અન્ય એક ઘટના મારે માટે યાદગાર હતી. હું ઘણો નાનો હતો. બાર-તેર વર્ષનો. કિશોરાવસ્થા એટલે આકર્ષણ, પ્રેમ જેવી લાગણીઓની શરૂઆત. મને મારાથી થોડી મોટી એક છોકરી બહુ ગમતી હતી. એ ઘણી મેચ્યોર અને સુંદર હતી. નિર્દોષ પ્રેમ સિવાય એ ઉંમરે બીજું તો શું હોય? અમારા ફળિયામાં એ રહેતી. ત્યાં સ્ત્રીઓ ડાંગર, ચોખા તથા બીજાં અનાજ છડે અને સૂપડામાં લઈ ફોતરાં ઉડાડી અનાજ રાખી લે. મગફળી, લીલા ચણા પણ ઘરની સ્ત્રીઓ ઓટલે બેસીને ફોલે. હું અને એ છોકરી એક રમત રમતાં. મારા ઘરે એ આવે ત્યારે એક મૂઠીમાં દાણા અને બીજીમાં ફોતરાં ભરીને લાવે અને મને કોઈ પણ એક મૂઠી ખોલવા કહે. હું જે મૂઠી ખોલું એમાંથી ફોતરાં જ નીકળે. મને હંમેશાં થાય કે મારા નસીબમાં ફોતરાં જ? અમુક વર્ષ પછી એનાં લગ્ન નક્કી થયાં. વિદાય વેળાએ બધાંને મળ્યા પછી મારી પાસે આવી. હું તો વ્યથિત હૃદયે ઘરની અગાશીએ જઈને વિદાય પ્રસંગ જોઈ રહ્યો હતો. એ ઉપર આવી. બન્ને મુઠીઓમાં કંઈક ભરીને લાવી હતી. મને એક મુઠ્ઠી ખોલવા જણાવ્યું. મેં એ ખોલી ત્યારે એમાંથી દાણા નીકળ્યા. હું તો ખુશ થઈ ગયો. એણે બીજી મુઠ્ઠી ખોલવા કહ્યું. એમાંથીય દાણા નીકળ્યા. મારી આંખમાં આંસુનાં તોરણ બંધાયાં. મને જિતાડવા આવી અંચાઇ? બન્ને હાથમાં એ દાણા લઈ આવી હતી! મેં કહ્યું કે મારા નસીબના ફોતરાં ક્યાં છે? એણે આંખો ઢાળી દીધી. હથેળી ખુલ્લી હતી. હાથમાં ઝીણી ઝીણી મેંદી મૂકેલી હતી. ઝીણાં ફોતરાં જ લાગે. એ જોઈને મને થયું કે મેંદી મુકાવીને એ મારા નસીબના ફોતરાં લઈને ચાલી ગઈ. એ વખતે મને મારા પોપચાં પણ ફોતરાં જેવાં લાગ્યાં હતાં!
આખી વાત કેટલી સંવેદનશીલ છે! આ જ ઘટના સમી સાંજનો ઢોલ ગીતમાં જુદા સ્વરૂપે આકારાઈ છે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સર્વોત્તમ સંગીતકારના સ્પર્શે આ ગીત અપાર લોકચાહના પામ્યું જ છે, પરંતુ આ ગીત પર કોઈએ ખૂબ સરસ નૃત્ય કોરિયોગ્રાફી કરીને વીડિયો બનાવ્યો છે જેમાં એકસાથે પચાસેક છોકરીઓ નૃત્ય કરી રહી છે. ગીતનું આ નવીન સ્વરૂપ કહી શકાય.
પરંતુ, આપણા સિદ્ધહસ્ત કવિ રમેશ પારેખે એને લગ્નના ઢાળમાં કમ્પોઝ કર્યું છે. મૃદુલા દેસાઈએ એક કાર્યક્રમમાં એ અદ્ભુત રીતે રજૂ કર્યું હતું.
કન્યા વિદાયનો પ્રસંગ કરુણ અને મંગલમય છે. તેથી જ એ બીજા કોઈપણ પ્રસંગ કરતાં અનોખો પ્રસંગ છે. મા-બાપના વ્હાલ અને વેદનાનું અજબ વલોણું દિલમાં ઉલ્કાપાત મચાવે છે.
કવિ અનિલ ચાવડાની કન્યાવિદાયની આ પંક્તિઓ પણ હૃદયદ્રાવક છે :
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હૂંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
દીકરી જાતાં એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું …
ખલિલ જિબ્રાને સાચું જ લખ્યું છે :
"જ્યારે રેતી સિવાય બીજું કશું જ ન હોય, એવા વેરાન રણ જેવું હોય છે પુરુષનું જીવન, સિવાય કે મારી જેમ ઈશ્વરે એને ટચૂકડી રાજકુમારીની ભેટ ધરી હોય. હું તો એટલે સુધી કહું છું કે જેમને ઘેર દીકરી ન જન્મી હોય તેમણે તે ગોદ લઈ લેવી જોઈએ. એટલા માટે કે કાળનું રહસ્ય તથા તેનો અર્થ સમજવાની કૂંચી નાનકડી બાલિકાઓના હૈયામાં ભગવાને સંતાડેલી હોય છે.”
સમી સાંજનો ઢોલ સાંભળવાનું ચૂકતા નહીં. અનેક કલાકારોના કંઠે ઉપલબ્ધ છે. કન્યાવિદાયનું એ અપ્રતિમ ગીત છે.
—————————————
સૌજન્ય : લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 23 જાન્યુઆરી 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=619964