Opinion Magazine
Number of visits: 10,226,666
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—86

દીપક મહેતા|Opinion - Opinion|13 March 2021

જાવું જરૂર છે, બંદર છો દૂર છે

પાલવા બંદરને અંગ્રેજોએ બનાવ્યું એપોલો બંદર

ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે તાજ મહાલ હોટેલ

એપોલો બંદર પરથી પ્રસારિત થયેલો પહેલો રેડિયો કાર્યક્રમ   

જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે.

કવિ સુંદરજી બેટાઈના કાવ્યની આ પંક્તિઓ આજે યાદ આવવાનું કારણ? કારણ આજે આપણે મુંબઈના એક જૂના બંદરની મુલાકાત લેવાનાં છીએ. પણ આપણે પહેલાં થોડો વિચાર કરીએ ‘બંદર’ શબ્દ વિષે. અંગ્રેજીના port માટે ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, બંગાળી, અને અસમિયા ભાષામાં આ શબ્દ વપરાય છે. હા, હિન્દીમાં તેમાં ‘ગાહ’ ઉમેરીને બંદરગાહ’ વપરાય છે અને બંગાળી-અસમિયામાં ઉચ્ચાર ‘બોન્દર’ જેવો થાય છે. આપણા સાર્થ ગુજરાતી શબ્દકોશ અને ભગવદ્દગોમંડળ કોશ આ શબ્દ ક્યાંથી આવ્યો તે જણાવતા નથી. સંસ્કૃતમાં આને મળતો કોઈ શબ્દ હોય તેવું જાણ્યું નથી. કોઈ કોઈ શબ્દકોશ ‘પોતાશ્રય’ અને ‘નૌકાશ્રય’ જેવા શબ્દો નોંધે છે, પણ દેખીતી રીતે જ તે ઉપજાવી કાઢેલા છે. વ્યવહારમાં વપરાતા હોય તેવા નથી. બંદર માટે સંસ્કૃત લખાણોમાં ‘વેલાકૂલ’ શબ્દ વપરાયો છે, ખાસ કરીને દસ્તાવેજોમાં. એટલે આજે આપણે મુંબઈના એક વેલાકૂલની મુલાકાત લેવાના છીએ.

ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર

સૌથી પહેલાં જશું પાલો બંદર કે પાલવા બંદર. આજે હવે આ નામ ભૂલાઈ ગયું છે, પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં શહેરના મોટા ભાગના ‘દેશી’ લોકો આ જ નામ વાપરતા. ઘણી વાર તો ‘બંદર’ પણ નહીં, ફક્ત ‘પાલો’ કે પાલવા’ જવાનું છે એમ જ બોલતા. આપણી ભાષાના શબ્દકોશોની એક મુશ્કેલી એ છે કે તેમાં મોટે ભાગે શહેરી ઉજળિયાત વર્ગોમાં વપરાતા શબ્દો જ નોંધાય છે. જુદા જુદા વ્યવસાયો, ધંધારોજગાર વગેરેમાં વપરાતા શબ્દો ભાગ્યે જ તેમાં જોવા મળે છે. વહાણવટાની પરિભાષામાં ‘પાલ’ એટલે શઢ, અને તેથી ‘પાલવ’ કે ‘પાડવ’ એટલે શઢવાળું વહાણ. એટલે જ્યાં આવાં વહાણો નાંગરતાં તે પાલવા બંદર. આજથી ૬૦-૭૦ વરસ પહેલાં પણ અહીં શઢવાળાં વહાણ જોવા મળતાં. અલબત્ત, ત્યારે તે મોટે ભાગે  સહેલાણીઓને ચાર-આઠ આનામાં દરિયાઈ સહેલ કરાવવાનું કામ કરતાં. ૧૯૬૫ સુધીના અરસામાં આ લખનારે આવી સહેલો કરેલી તે બરાબર યાદ છે. જો કે તે વખતે આ વહાણોની સાથે સ્ટીમલોન્ચ પણ આવી ગઈ હતી. પણ ધૂમાડો ઓકતી અને સતત ઘરઘરાટી કરતી આ સ્ટીમલોન્ચ કરતાં વધુ મજા તો વહાણોમાં જ આવતી. વળી સ્ટીમ લોન્ચ કરતાં વહાણોનું ભાડું લગભગ અડધું. આજે જેનું નામ જગન્નાથ શંકરશેઠ રોડ છે તેનું નામ અગાઉ ગિરગામ રોડ હતું. પણ તેનાથીયે પહેલાં તે રસ્તો પાલ કે પાલો બંદર રોડ તરીકે ઓળખાતો. એટલે કે તે માત્ર ધોબી તળાવ સુધીએ નહિ, ઠેઠ આ બંદર સુધી જતો હોવો જોઈએ.

અંગ્રેજોને આ ‘પાલ’ કે પાલો’ શબ્દ પલ્લે પડ્યો નહીં. એટલે તેમણે એનું નામ કરી નાખ્યું એપોલો બંદર. પણ હકીકતમાં પાલવા કે એપોલો બંદરને ગ્રીકોરોમન દેવ એપોલો સાથે સનાનસૂતકનો ય સંબંધ નથી. આવું અંગ્રેજો જ કરે છે એમ માનવું નહિ. સેન્ટ્રલ રેલવેમાં મુસાફરી કરતાં ઘણા શ્રમજીવીઓ ‘સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન’ને ‘સંડાસ રોડ સ્ટેશન’ કહે છે તે કાનોકાન સાંભળ્યું છે. વાંદરામાં માઉન્ટ મેરીના ચર્ચને ઘણા ‘મોત માવલી’ તરીકે ઓળખે છે. ખેર, જ્યારે અંગ્રેજોએ મુંબઈનો કિલ્લો બાંધ્યો ત્યારે તેના ત્રણ મુખ્ય દરવાજા રાખ્યા. કિલ્લાની બહાર આવેલ ‘દેશી’ઓની બજાર તરફ જવા માટે બજાર ગેટ, કિલ્લાની અંદર આવેલા સેન્ટ થોમસ કેથીડ્રલ તરફ લઈ જાય તે ચર્ચગેટ, અને એપોલો બંદર તરફ લઈ જાય તે એપોલો ગેટ. અને આ ત્રણ ગેટ સાથે જોડાયેલા ત્રણ રસ્તાને નામ આપ્યાં બજારગેટ સ્ટ્રીટ, ચર્ચગેટ સ્ટ્રીટ, અને એપોલો સ્ટ્રીટ. આજે હવે એ ત્રણેનાં સત્તાવાર નામ બદલાઈ ગયાં છે, પણ લોકજીભે તો હજી એ જૂનાં નામ જ વસે છે. આ ત્રણ દરવાજા સાથેનો કિલ્લો બાંધવાનું કામ ૧૭૧૫માં શરૂ થયું હતું અને ૧૭૨૨માં પૂરું થયું હતું. એટલે કે એ અરસામાં પાલવા કે એપોલો બંદર એ કિલ્લા બહારનું એક મહત્ત્વનું સ્થળ હતું. અને ત્યાં સુધીમાં અંગેજોએ પાલવાનું એપોલો કરી નાખ્યું હતું. આ જગ્યાનું એક ત્રીજું નામ પણ છે, પણ તે ક્યારે ય વ્યવહારમાં વપરાતું થયું નથી. એ છે વેલિંગ્ટન પિયર.

એક જમાનામાં પાલવા બંદર વેપારથી ધમધમતું હતું. વહાણોમાં પરદેશથી માલ આવતો અને અહીંનો માલ, મુખ્યત્વે કપાસ, વહાણોમાં ભરાઈને પરદેશ જતો. પણ પછી આ બંદરનો વપરાશ ઓછો થતો ગયો. તેનું મુખ્ય કારણ એ કે સ્ટીમશીપ કહેતાં સ્ટીમર આવી જે અહીંના છીછરા દરિયાને કારણે એપોલો બંદર સુધી આવી શકતી નહીં, જ્યારે બીજી ગોદીઓમાં એવી સગવડ હતી. એટલે પછી એપોલો બંદરનો ઉપયોગ એલિફન્ટા જનારા સહેલાણીઓ પૂરતો મર્યાદિત રહ્યો. સ્ટીમલોન્ચ આવી તે પહેલાં નાની સ્ટીમર એપોલોથી થોડે દૂર દરિયામાં ઊભી રહેતી. પાલવાથી શઢવાળાં વહાણ મુસાફરોને સ્ટીમર સુધી લઈ જતાં. એ જ રીતે એલિફન્ટા ટાપુથી થોડે દૂર સ્ટીમર ઊભી રહેતી. મુસાફરો ઊતરીને વહાણમાં બેસીને કિનારે જતા. પછી સ્ટીમલોન્ચ આવતાં આ મુસાફરી સરળ બની. વહાણની જરૂર રહી નહિ. આજે પણ એપોલોથી એલિફન્ટાની સ્ટીમલોન્ચ ચોમાસાને બાદ કરતાં નિયમિત રીતે ચાલે છે.

સર જમશેદજી તાતા

એપોલો બંદર નજીક આવેલી બે ઇમારતો દેશમાં જ નહિ, દુનિયામાં જાણીતી છે, પણ એ બંને વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં બંધાયેલી છે, જ્યારે પાલવા બંદર કંઈ નહિ તો ૧૮મી સદી કરતાં જૂનું છે જ. આ બે ઈમારતમાંની પહેલી તાજ મહાલ પેલેસ હોટેલ, જે સર જમશેદજી તાતાએ બંધાવેલી. તેનું ઉદ્ઘાટન ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે થયું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે આ હોટેલના મકાનના સ્થપતિ બે હિંદીઓ હતા: સીતારામ ખંડેરાવ વૈદ્ય અને ડી.એન. મિરઝા. મકાનનું બાંધકામ ખાનસાહેબ સોરાબજી રતનજી કોન્ટ્રેકટરે કર્યું હતું. અને એ બાંધવાનો ખરચ થયો હતો અઢી લાખ પાઉન્ડ, જે એ વખતે અધધ રકમ ગણાય. આજે આપણને નવાઈ લાગે, પણ એ વખતે જમશેદજીની બહેનોએ આ હોટેલ બાંધવાનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું આપણા મોભાદાર કુટુંબનો નબીરો ભટારખાનું ખોલે તો તો ખાનદાનની આબરૂ પાણીમાં જાય. મુંબઈની આ સૌથી મોંઘી હોટેલ શરૂ થઈ ત્યારે તેના રૂમનું એક દિવસનું ભાડું હતું રૂપિયા દસ! અને પંખાવાળો રૂમ જોઈએ તો ત્રણ રૂપિયા વધારે આપવાના! અને છતાં શરૂઆતમાં હોટેલ લગભગ ખાલી રહેતી. કારણ? ‘દેશી’ઓને એ બહુ મોંઘી લાગતી. અને ગોરાઓને આ ‘દેશી’ હોટેલનો ભરોસો પડતો નહોતો. તેઓ તો ગોરાઓની માલિકીની હોટેલ જ પસંદ કરતા. પણ એકવાર બિકાનેરના મહારાજા આ હોટેલમાં ઊતર્યા તે પછી તવંગર લોકોને ભરોસો બેઠો અને તેઓ અહીં ઉતરવા લાગ્યા. પછી તો ૧૯૧૧માં પ્રિન્સ ઓફ વેલ્સ અને ક્વીન મેરી મુંબઈ આવ્યાં ત્યારે તેમના માનમાં આ હોટેલમાં બેન્કવેટ યોજાયું હતું. પહેલા વિશ્વ યુદ્ધ વખતે આખી હોટેલને હોસ્પિટલમાં ફેરવી નાખવામાં આવી હતી. લગભગ બે દાયકા સુધી શ્રીમતી સરોજિની નાયડુ મુંબઈ આવે ત્યારે આ હોટેલમાં, અને તેના એક ચોક્કસ રૂમમાં જ ઉતરતાં. એક એવી વાયકા પ્રચલિત છે કે ભૂલ ભૂલમાં આ હોટેલ મૂળ યોજના કરતાં ઊંધી બંધાઈ ગઈ છે. પણ હકીકત એ છે કે તે બંધાઈ ત્યારે દરિયા કિનારાને અડીને આવેલી હતી. એટલે દેખીતી રીતે જ તેનો મુખ્ય દરવાજો બીજી બાજુ, આજે જ્યાં સ્વીમિન્ગ પૂલ છે એ તરફ હતો. પણ પછી સરકારે ગેટવે ઓફ ઇન્ડિયા બાંધવાનું નક્કી કર્યું ત્યારે હોટેલની પાછળનો દરિયો પૂરીને જમીન મેળવી, અને એટલે દરિયો હોટેલથી  દૂર ગયો. અને મુખ્ય દરાવાજો દરિયા કિનારા તરફ ખસેડાયો. 

દરિયા કિનારાને અડીને બંધાયેલી તાજ મહાલ હોટેલ

હા, જી. આ તાજ મહાલ હોટેલ ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે. ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે પ્રિન્સ ઓફ વેલ્સ અને ક્વીન મેરી એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયો નહોતો. માત્ર પૂંઠાનો ગેટવે ઊભો કરી દેવામાં આવેલો. ગેટવેનું બાંધકામ તો છેક ૧૯૧૫માં શરૂ થયું. અને ૧૯૨૪ના ડિસેમ્બરની ચોથી તારીખે તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ ઇમારત બાંધતાં કુલ ૨૧ લાખ રૂપિયાનો ખરચ થયો હતો. પણ તે બાંધવામાં જ બજેટમાંના બધા પૈસા વપરાઈ ગયા એટલે મૂળ યોજનામાં ગેટવે સામે જે ભવ્ય રસ્તો બાંધવાની યોજના હતી તે રસ્તો બાંધવાનું પડતું મૂકવું પડ્યું હતું! આજે પણ ગેટવેની બરાબર સામે રસ્તો જ નથી. તેની આસપાસના દરિયા કિનારામાં થોડો ફેરફાર કરીને જે પ્રોમોનેડ બંધાયો તે જ અવરજવર માટે વાપરવો પડે છે. મૂળ યોજનામાં ગેટવે સામેના રસ્તાની વચ્ચોવચ રાજા પંચમ જ્યોર્જનું કાંસાનું પૂતળું મૂકવાનું ઠરાવ્યું હતું તે પૂતળું તો મૂકવામાં આવ્યું જ. આઝાદી પછી શહેરમાંનાં બીજાં બ્રિટિશરોનાં પૂતળાં કાઢી નાખવામાં આવ્યાં તેમ આ પૂતળું પણ ખસેડાયું અને તેની જગ્યાએ ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૬મી તારીખે છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહી પૂતળું મૂકવામાં આવ્યું.

ગેટવે ઓફ ઇન્ડિયાની સામેનું રાજા પંચમ જ્યોર્જનું પૂતળું

એપોલો બંદર પર કુલ પાંચ જેટી છે. તેમાંની પહેલી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર માટે અનામત રાખેલી છે. બીજી અને ત્રીજી જેટી જાહેર જનતા માટે છે, અને અહીંથી મોટે ભાગે એલિફન્ટા, રેવાસ, માંડવા, અલિબાગ વગેરે સ્થળોએ જવા માટે સ્ટીમલોન્ચ ઊપડે છે. ચોથી જેટી બંધ કરી દેવામાં આવી છે, અને પાંચમી ફક્ત યોટ કલબના વપરાશ માટે છે. આ ક્લબ ગેટવે અને તાજ હોટેલ, બન્ને કરતાં ઘણી જૂની છે. તેની શરૂઆત છેક ૧૮૪૬માં હેન્રી મોરલેન્ડે કરી હતી. શરૂઆતમાં તેનું નામ ફક્ત બોમ્બે યોટ ક્લબ હતું. ત્રીસ વરસ પછી, રાણી વિક્ટોરિયાએ નામની આગળ ‘રોયલ’ શબ્દ ઉમેરવાની પરવાનગી આપી હતી. આજે હવે મુંબઈની ઘણી ખરી સંસ્થાઓનાં નામમાં બોમ્બેને બદલે મુંબઈ નામ મૂકવામાં આવ્યું છે, પણ આ ક્લબ આજે ય બોમ્બે નામ સાચવીને બેઠી છે. એટલું જ નહિ, બ્રિટિશ જમાનાની ઘણીખરી નિશાનીઓ ભૂંસી નાખવામાં આવ્યા પછી આ કલબના નામમાં ‘રોયલ’ શબ્દ સચવાઈ રહ્યો છે.

રોયલ બોમ્બે યોટ ક્લબ

પોતાના નામમાં આજે પણ બોમ્બે નામ સાચવીને બેઠેલી બીજી એક ક્લબ પણ આ જ વિસ્તારમાં આવેલી છે. એ છે ધ બોમ્બે પ્રેસિડન્સી રેડિયો ક્લબ. ૧૯૨૪માં તેના લો ફ્રિકવન્સી ટ્રાન્સમિટર પરથી રેડિયો કાર્યક્રમ પહેલી વાર પ્રસારિત થયો હતો. ૧૯૨૬માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના થઈ, જેના સ્ટુડિયો  એપોલો બંદર પરના રેડિયો હાઉસમાં હતા. ૧૯૨૭ના જુલાઈની ૨૩મી તારીખે સાંજના છ વાગ્યે તેનો પહેલો કાર્યક્રમ પ્રસારિત થયો હતો. આ સ્ટેશનનું ઉદ્ઘાટન વાઈસરોય લોર્ડ ઈરવિને કર્યું હતું. પણ આ કંપની સતત ખોટમાં જતી હતી તેથી ૧૯૩૦માં બ્રિટિશ ગવર્નમેન્ટે તે લઈ લીધી હતી અને તેનું નામ બદલીને ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું. ૧૯૩૮માં તેની ઓફિસ અને સ્ટુડિયો ક્વીન્સ રોડ પર આવેલા સરકારી મકાનમાં ખસેડાયાં. ૧૯૬૮ના નવેમ્બરમાં બેકબે રેકલમેશન ખાતે બંધાયેલા નવા અલાયદા મકાનમાં તે બધું ખસેડાયું. ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ પછીથી બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું, જે આઝાદી પછી બદલાઈને આકાશવાણી થયું.   

આ તો હજી પાશેરામાં પહેલી પૂણી થઈ. આવા તો બીજાં ઘણાં બંદર છે મુંબઈમાં. જાવું જરૂર છે, બંદર છો ઘણાં છે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 માર્ચ 2021

Loading

ઉકેલ

રવીન્દ્ર પારેખ|Opinion - Short Stories|13 March 2021

‘આ ઠીક નથી !’ આરતી બોલી.

‘હું પણ સમજું છું, પણ …’

આશય આગળ બોલી ન શક્યો. એ જાણતો હતો કે આરતી ખોટી નથી, પણ પપ્પાને કંઈ પણ કહેવાની તેની હિંમત નો’તી.  

એને સમજાતું નો’તું કે પપ્પાને રોકવા કઈ રીતે? આજ સુધી પપ્પાએ કોઈ વાતે આશયને રોક્યો નો’તો. તે આરતી જોડે પરણવાની વાત લઈને આવ્યો ત્યારે મમ્મીએ સાફ ના પાડી દીધેલી, ’એ મરાઠી છોકરી આપણને નહીં ચાલે. એનાં આમટી ને અનારસા …’

પણ, પપ્પાએ મમ્મીને સમજાવેલી, ’દીકરાએ આપણને જાણ કરી તે એણે ભૂલ કરી છે? એને આશીર્વાદ આપ!’

‘પણ, એના ખંડોબા ને હલદીકુંકુ … એના રીતરિવાજો ને …’

‘એ બધું હોય છે તો જીવવા માટે જ ને? અહીં આવીને આપણું શીખી જશે ને ન શીખે તો ભલે ! એની સાથે જીવવાનું આશયે છે … એને વાંધો ન હોય તો …’

– ને મમ્મી માની ગયેલી. એણે આશિષ આપેલા આરતીને!

એ આરતી કહેતી હતી, ‘આ ઠીક  …’

આમ તો કશું નક્કી નો’તું, પપ્પાએ તો જસ્ટ એક વિચાર મૂક્યો હતો, ’આશય, બેટા, મને એવું થાય છે કે … હું …’ પપ્પા અટકેલા.

આશય બોલેલો, ’બોલી નાખો, અતુલભાઈ! તમે વળી અચકાતા ક્યારથી થયા?’

પણ અતુલભાઈ ખરેખર અચકાયેલા. વાત જ એવી હતી કે –

એ સાચું હતું કે કોઈ વાતે કંઈ ઓછું નો’તું. આશય બધી જ જરૂરિયાતો પૂરી કરતો હતો. અતુલભાઈ ઘણીવાર કહેતા પણ ખરા, ‘મારાં પેન્શનમાંથી લઈ લેને ! તું શું કામ આપે, મારું બિલ? લે, આ ડેબિટકાર્ડ!’

આશય એ કાર્ડ લેતો નહીં, ગમ્મત કરતો, 'આજે નથી લેતો, કારણ,પછી તો બધું મારું જ …’બંને હસતા. આરતી પણ હસતી, ‘પપ્પા, તમારો દીકરો જ નથી ઈચ્છતો કે તમે લાંબું …’

‘તું છે, પછી એ એવું ઈચ્છી જ કઈ રીતે શકે?’

‘પપ્પા !’ આરતી ચિડાતી.

‘ગમ્મત કરું છું, દીકરા !’ અતુલભાઈ હસતા.

‘દીર્ઘાયુ ભવ !’ આરતી પણ આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કરતી ને સૌ હસતાં.

આરતી ઘણીવાર તેના પિયરમાં કહેતી પણ ખરી, ’મને તો લાગતું જ નથી કે મલા સાસરે આહે … એમ લાગે છે કે એક પપ્પા માહેરમાં છે ને એક સાસરીમાં ..’ પછી ઉમેરતી, ’પપ્પા સામે કહેતા સંકોચ થાય, પણ સાસરીના પપ્પા સામે? જરા ય નહીં!’

એ આરતી કહેતી હતી, ‘આ ઠીક …’

*

ડોરબેલ વાગ્યો. અતુલભાઈ વોટ્સ એપ મેસેજ ટાઈપ કરતા કરતા ઊઠ્યા. બારણું ખોલ્યું, ’આવી ગયો, બેટા?’

‘હા, દાદા, તમે જમી લીધું?’

‘ના. તારી રાહ જોઉં છું, બેટા !’

‘હું જમીને આવ્યો છું. કાલે કહેલું તો ખરું! સ્કૂલમાં પાર્ટી છે -’

‘અરે ! હું તો ભૂલી જ ગયો.’

‘તમારી થાળી કરી આપું?’

‘તું થાળી કરશે?’ અતુલભાઈ હસી પડ્યા,’ રહેવા દે, હું લઈ લઈશ ! તારે ટયૂશને જવાનું હશે ને!’

‘વાર છે, પણ માસીને ત્યાં જાઉં છું. ત્યાંથી જ ટ્યૂશને -’

‘તું જપીશ જરા? ઘરમાં તો ટકતો જ નથી. મારી પાસે થોડું બેસે તો …’

‘દાદુ, પાસે બેસીશને તો તમે મેસેજ સેન્ડ નહીં કરી શકો.’

‘તું બેસે તો મારે મેસેજ કરવા જ શું કામ પડે? નાનો છે તો નાનો જ રહે ને!’ અતુલભાઈ હસવા ગયા, પણ હસાયું નહીં, ‘સારું, ધવલ, જ્યાં જવું હોય ત્યાં જા, પણ પાણી પીને જા!’

‘સારું’, બોલતો ધવલ ગયો ને અતુલભાઈ વોટ્સ એપ લઈને બેઠા. થોડા મેસેજ એમણે ડિલિટ કર્યા. વોલક્લોકમાં એક વાગ્યો હતો … હજી એક જ …?’

અતુલભાઈથી નિસાસો નખાઈ ગયો. રસોડામાં કારણ વગર એમ જ આંટો મારી આવ્યા. ડ્રોઈંગરૂમમાં જઈ આવ્યા તો લાગ્યું કે ત્યાં પણ ત્રણેક આંટા તો થયા જ હતા. નેટ બંધ હતું એટલે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનું ઠેકાણું પડ્યું ન હતું. જો કે મોબાઈલમાં પણ એ બધું હતું જ, પણ આંખો બહુ ખેંચાતી હતી. હવે ૭૮ વર્ષની આંખો તો કેવીક હોય? એટલું સારું હતું કે દેખાતું તો હતું, પણ એ દેખાતું ન હતું કે પોતે વિચારે છે તે બરાબર …

*

આશયને કહેવા તો ગયા અતુલભાઈ, પણ એને બેંકમાં જવાનો ટાઈમ થતો હતો ને આરતી તો વહેલી જ નીકળી ગઈ હતી એટલે સાંજે એ આવ્યો ત્યારે કહેવાની કોશિશ કરી જોઈ, પણ આરતી આવી ચડી એટલે વાત અટકી. આરતી સમજી ગઈ ને રસોડામાં જતી રહી ત્યારે માંડ જીભ ઊપડી હતી. અતુલને પહેલાં તો ભરોસો જ ન પડ્યો કે પપ્પા આવી વાત કરશે ! એણે રાત્રે અંધારામાં આરતીને કહ્યું તો આરતીએ સ્વિચ ઓન કરી. આશયને એણે ધારીને જોયો. એ પૂરો ગંભીર હતો.

‘આ ઠીક નથી!’ આરતી બોલી હતી.

*

એક રાતે અતુલભાઈને એકદમ જ સણકો ઊઠ્યો ને પછી પીઠમાં એટલું દુખ્યું કે મરવાથી થોડુંક જ છેટું રહી ગયાનું લાગ્યું. એમને થયું ય ખરું કે આશયને બૂમ મારીને ઉઠાડે, પણ એ દિવસોમાં એ ટ્રેઈનિંગમાં હતો એટલે મોબાઈલ થઈ ગયો તે પણ કટ કર્યો. જાતે કોશિશ તો કરી, પણ હાથ દુખાવા સુધી પહોંચતો નો’તો. ક્રીમ આંગળી પર લીધું ય ખરું, પણ હાથ ટૂંકો જ પડ્યો. આરતીને ઉઠાડવાનો વિચાર આવ્યો. આમ તો બાજુની રૂમમાં જ હતી, એમણે નંબર પણ લગાડ્યો, પણ ઠીક ન લાગતા અટક્યા. જીવ નીકળી જશે એવું લાગ્યું, પણ વેઠવાનું જ હતું એટલે …

સવારે આરતીને કહ્યું ય ખરું, ‘કાલે રાતના એટલું દુખ્યું કે -‘

‘મને ઉઠાડવી’તી ને!’

‘તને જગાડવાનું ઠીક ન લાગ્યું.’

‘મારા પપ્પાએ ઉઠાડી હોત તો એમને ના પાડી હોત?’ આરતી હસી પડી,’ કાય તુમી પણ, પપ્પા!’

‘પણ પીઠ પર ક્રીમ …’

અતુલભાઈએ વાત હસવામાં ઉડાવી દીધી. જો કે એ આખી રાત અતુલભાઈને સતત એમ જ થયું હતું કે આવે વખતે આશયે અહીં હોવું જોઈતું હતું, પણ એ નો’તો ને … આરતીને કહ્યું હોત તો એણે ના ન પાડી હોત, પણ મોડી રાતે જીભ ઊપડી નો’તી.

જો કે દિવસે કહેવાનું હોત તો પણ જીભ ઊપડી હોત કે કેમ તે …

ને કહેતે પણ કોને? કોઈ હોવું ય જોઈએ ને ! અગિયારેક પછી તો ઘરમાં જ કોઈ … આશય ને આરતી તો નોકરીએ નીકળી ગયાં હોય ને ધવલ સ્કૂલે હોય એટલે …

એ તો સારું હતું કે મોબાઈલ હતો તો ફેસબુક કે વોટ્સએપ પર ચેટિંગમાં વખત જતો હતો. બેચાર સારા મિત્રો મળી ગયા હતા સોશિયલ મીડિયા પર, પણ એ પણ આરસીમાં દેખાતા ચહેરા જેવું જ હતું. આરસી સામે હો એટલી જ વખત સામે કોઈ હોય, પછી તો એ ય ખાલી જ –

આવે વખતે કોઈ ઘરમાં હોય તો બે ઘડી …

પહેલી વાર વિચાર આવ્યો તેવો જ દાબ્યો, સજ્જડ રીતે. પોતાને જ એટલું અજુગતું લાગ્યું કે ….

પછી બહુ જ નિર્મમતાથી વિચારતાં લાગ્યું કે કમસે કમ દીકરાને કાને વાત તો નાખવી જ જોઈએ ને એમણે કહ્યું જ, ‘આશય મને એમ લાગે છે કે -‘

અતુલભાઈ અચકાયા. આશયે કહ્યું પણ ખરું, ‘બોલી નાખો, અતુલભાઈ! તમે વળી અચકાતા -‘

*

રાત્રે આરતીને કહ્યું, ‘પપ્પા લગ્ન કરવાની વાત કરે -’

આરતીએ સ્વિચ ઓન કરી, ’ગમ્મત કરે છે?’

‘ના.’

‘આ ઠીક નથી,’ આરતી બોલી.

‘હું પણ સમજું છું, પણ -‘

‘આ ઉંમર લગ્નની છે?’

‘નથી જ. લગ્નની ઉંમરે પણ ન પરણ્યા. એકાવનના હતા, મમ્મી ગઈ ત્યારે.’

‘ત્યારે કૈંક ઠીક પણ હોત!’

‘એ ઠીક એમણે ન કર્યું ને છેક આ ઉંમરે -‘

‘ઠીક નથી!’

*

ધવલ રમવા ગયો હતો ને આવતાંની સાથે જ આશયે વાત છેડી હતી, ‘પપ્પા, હું જાણું છું કે તમે વિચાર્યું જ હશે, પણ આ ઉંમરે લગ્ન-‘

‘તને એમ લાગે છે કે હું પિતા બનવા આવું …’

‘એવું નથી,પપ્પા,’ આરતી સોફા પર સામે બેસતાં બોલી, ‘કારણ ગમે તે હોય, પણ આ ઉંમરે પરણો તો વાતો તો થાય.’

‘તે તમે પરણ્યાં ત્યારે ય ક્યાં નો’તી થઈ?’ અતુલભાઈ ટેવ જેવું હસ્યા.

‘અમારી વાત જુદી હતી,પપ્પા.’ આશયે સમજાવવાની કોશિશ કરી જોઈ,’ પ્રશ્ન ઉંમરનો છે.’

‘તે તો ઘટે એમ નથી.’ અતુલભાઈ વળી હસ્યા.

‘માઝે વડીલ કરતાં તમને મેં વધારે માન્યા છે,’ આરતીએ બહુ જ ભાવથી કહ્યું, ‘તમને શું ઓછું પડ્યું કે -‘

‘કૈં જ ઓછું નથી પડ્યું, આરતી, તમે લોકો પૂરતું ધ્યાન રાખો જ છો, પણ એમ લાગે છે કે મારે -‘

‘વારુ, કોઈ પાત્ર નક્કી કર્યું છે? કોઈ જોડે વાત કે એવું કંઈ …?’

અતુલભાઈ હળવાશથી બોલ્યા, ’કંઈ નક્કી કરી બેઠો છું એવું નથી, આશય ! ધારો કે તમે લોકો ‘હા’ પાડો તો પણ, એ નથી જાણતો કે શું કરીશ? કોઈ મને પરણવા તૈયાર થશે કે કેમ એ પણ … ને મારી તૈયારી હોય તો પણ સામે …?  અરે !  કોઈ તૈયાર થશે પણ કે કેમ તે …’

‘તો પછી કેમ આવું વિચારો છો?’

‘ઓકે. નથી વિચારતો, બસ!’

અતુલભાઈએ પૂર્ણવિરામ મૂકી દીધું ને પોતાની પાછળ ફરીને જોયું. ક્યાંક કોઈ ઉગ્રતા તો નથી આવી ગઈને, અવાજમાં ! પણ એવું નો’તું. આશય સામેથી ઊઠીને અતુલભાઈની પાસે બેઠો. એમનો હાથ હાથમાં લીધો. બહુ જ વહાલથી એમની હથેળી પોતાની હથેળીઓ વચ્ચે હળવેથી દબાવી, ’પપ્પા, તમે અમારું સારું જ કર્યું છે. મમ્મીને ગયાંને ૨૭ વર્ષ થયાં ત્યારે તમે પરણી શક્યા હોત, પણ ત્યારે તમને ઠીક ન લાગ્યું ને આજે -’

‘અમારી ત્યારે ય ના ન હતી ને આજે ય નથી, પપ્પા.’ આરતીએ પૂરા સદ્દભાવથી કહ્યું.

અતુલભાઈએ આરતીની સામે જોયું. પછી આભારવશ હસ્યા. આશય કશુંક પૂછવા જતો હતો પણ  અટક્યો. અતુલભાઈએ એ જોયું ને એનો સવાલ કળી ગયા હોય તેમ સ્વગત બોલ્યા, ‘તમે કોઈ નથી હોતાં એવા ઘણા કલાકો હું ઘરમાં વીતાવું છું. મને ખબર છે કે કોઈ મને એકલો પાડવા માંગતું નથી,  પણ …’ અતુલભાઈના અવાજમાં ભીનાશ ઊતરી આવી, ’હું બહુ એકલો …’

ચારે તરફથી આ ત્રણની વચ્ચે મૌન આવીને ગોઠવાઈ ગયું ને પળવારમાં તો બરફની જેમ જામવા માંડ્યું. અતુલભાઈને એમ પણ લાગ્યું કે વચ્ચે ખડક થઈ ગયું તો મૌન તોડવાનું પછી અઘરું થઈ પડશે. એટલે ડૂસકું બનવા લાગે તે પહેલાં જ તે બોલ્યા, ‘તમે સૌ મારા છો, તો ય એવું લાગે છે કે કોઈ મારું …’

‘પપ્પા,’ આરતીને કંઈક સમજાતું હતું, પણ તેના શબ્દો બનતા ન હતા, તો ય બોલી,’ હું નોકરી છોડી દઉં, પપ્પા?’

‘ના, દીકરા’, અતુલભાઈ તરત જ બોલ્યા, ’નોકરી તને ફાવે છે તો -’

‘ફાવે એટલે ન છોડાય એવું નથી.’ આરતી મલકાઈ.

‘તને યાદ છે ને તે રાત્રે મને દુખાવો ઉપડ્યો ત્યારે તું ઘરમાં જ હતી, પણ …’

ત્યાં જ ‘મમ્મી’ બોલતો ધવલ દોડતો આવ્યો. તે રડતો હતો ને આંખો ચોળતો હતો. આશયે તેને રોકતા પૂછ્યું, ’શું થયું?’

તેને નજીક ખેંચવા તેણે હાથ લંબાવ્યા.

પણ, ઉઘાડબંધ આંખે ધવલ મમ્મી તરફ દોડ્યો ને તેને વળગી પડતા બોલ્યો, ‘નીચે મારામારી થઈ તેમાં -’

આરતીએ તેને માથે હાથ ફેરવતાં કહ્યું, ‘જોવા તો દે,’ ને તેની આંખો જોવા લાગી,’ થેંક ગોડ ! આંખો તો ઠીક  છે … ’

‘બધું ઠીક થઈ જશે’, અતુલભાઈએ હસતા હસતા કહ્યું, ‘મમ્મીનો હાથ માથે છે પછી … ચિંતા શું કરે છે …?’

આશય બોલ્યો તો નહીં, પણ તેને થયું તો ખરું કે માથે હાથ ફેરવનારું કોઈ …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “નવનીત-સમર્પણ”નાં માર્ચ, 2021માં આવેલી વાર્તા

Loading

લોકો જવાબદાર, પણ એમાં રાજકારણી ન આવે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 March 2021

1 ફેબ્રુઆરી, 2021ને રોજ કોરોના કેસમાં ભારે ઘટાડો થતાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાની મિટીંગનો દોર બંધ કરેલો. છાપાંઓએ કોરોના વિદાય લઈ રહ્યો છે એવાં મથાળાં બાંધેલાં. શહેરમાં માત્ર 39 પોઝિટિવ કેસ નોંધાયેલા ને છેલ્લા ઘણા દિવસથી એક પણ મૃત્યુ નોંધાયું ન હતું તેનો આનંદ હતો. રાજ્યની વાત કરીએ તો એ દિવસે 298 નવા કેસ આવેલા અને 406ને ડિસ્ચાર્જ અપાયેલો ને મૃત્યુ રાજયભરમાં 1 જ નોંધાયેલું.

એ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી. સભા-સરઘસો થયાં. 21 ફેબ્રુઆરીએ રાજ્યના 6 શહેરોમાં  ચૂંટણીઓ થઈ ને પછી તો ગુજરાત આખું પાલિકા – પંચાયતની ચૂંટણીમાં કેસરી રંગે રંગાયું. એમાં પણ આખું રાજ્ય ઢોલ-નગારાં સાથે કેસરિયાં કરતું રહ્યું. આ સમયે કોરોના ઈરાદાપૂર્વક ભુલાઈ ગયો કે ભુલાવી દેવાયો, જેથી ચૂંટણીનાં પડઘમ જોરથી વાગતાં સંભળાય. એનું પરિણામ એ આવ્યું કે એક જ મહિનામાં, 1 માર્ચે 427 નવા કેસ થયા અને ડિસ્ચાર્જ 360 થયા. સુરતમાં એ આંકડો 61નો હતો જે 6 માર્ચે વધીને 101 પર પહોંચ્યો ને રાજ્યમાં કેસની સંખ્યા 515ની થઈ ગઈ. 11 માર્ચની જ વાત કરીએ તો રાજ્યમાં કેસ 675 નોંધાયા છે અને સુરતનો આંકડો 161નો છે. એ સાથે જ રાજ્યનો રિકવરી રેટ ઘટ્યો છે તે પણ ચિંતાજનક છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધારે ખરાબ છે. 11મીએ ત્યાં 13,659 નવા કેસ નોંધાયા છે ને મુંબઈની વાત કરીએ તો ઓક્ટોબર પછી પહેલીવાર 1,500થી વધુ કેસ નોંધાયા છે. દેશની વાત કરીએ તો નવા 17,921 કેસ નોંધાયા છે અને 133 મોત નોંધાતાં કુલ મૃત્યુ આંક 1,58,063 થયો છે.

અહીં સવાલ એ થાય કે કોરોના વિદાય લઈ રહ્યો હતો ત્યાં શહેર અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસી કઈ રીતે? વચ્ચે દિવાળી વખતે લોકોએ ખરીદીમાં ભીડ કરીને કોરોનાની સંખ્યા એકદમ વધારી મૂકેલી. એમાં તંત્રો દ્વારા પગલાં લેવાતાં સ્થિતિ સુધરી ને ફેબ્રુઆરીમાં તો કોરોના પર ઠીક ઠીક કાબૂ મેળવી શકાયો. એ પછી ચૂંટણી આવી અને અપેક્ષા પ્રમાણે જ લોકો બેદરકાર બનીને ફરતા રહ્યા. એને લીધે કોરોનાએ ફરી માથું ઊંચક્યું. હજી પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે પણ કોરોનાનું પ્રમાણ વધવાના પૂરા સંજોગો છે. આમાં લોકો અને તંત્રો કાળજી નહીં લે તો સ્થિતિ ખરાબ થઈ શકે.

આ બધાંમાં જવાબદારી સ્વીકારવાને બદલે બીજાને જવાબદાર ઠેરવવાનો રાજકીય ખેલ ચાલે છે તે વધારે ખતરનાક અને શરમજનક છે.

લોકો જવાબદાર છે જ અને બેદરકારીને લીધે એ જ વેઠે પણ છે, પણ માત્ર લોકો જ જવાબદાર છે એ, જાણે આજની નીતિરીતિ માટે સરકાર, કૉન્ગ્રેસને જવાબદાર ઠેરવ્યા કરે એના જેવું છે. થોડા દિવસ પર સુરતના મ્યુનિસિપલ કમિશનરે વધી રહેલા કોરોના માટે લોકોના મેળાવડા અને લગ્નોને જવાબદાર ઠેરવેલાં, એટલું ઓછું હોય તેમ સ્કૂલ, કોલેજોને સુપર સ્પ્રેડર ગણાવીને તેમણે ગાઈડ લાઇનનો ભંગ કરતાં પકડાશે તો સંસ્થા બંધ કરી દેવાની ધમકી પણ આપેલી. આ તો પાડાને વાંકે પખાલીને ડામવા જેવું છે. અત્યારે ચિંતા એ છે કે રાજકારણીઓને પાપે મહિનાઓ પછી માંડ ચાલુ થયેલી સ્કૂલ-કોલેજો બંધ ન કરવી પડે તો સારું. તેમાં પણ નજીકમાં જ પરીક્ષાઓ છે, જો સ્કૂલ, કોલેજો બંધ કરવાની સ્થિતિ આવી તો આખું વર્ષ માંડી વાળવાનું થશે ને માસ પ્રમોશન પર આવીને વાત અટકશે. આવું કૈં થશે તો એ બધું પાપ ચૂંટણીને માથે આવશે. ઇચ્છીએ કે એ દિવસો ન આવે.

હાલ તો કોર્પોરેશનની દોડધામ વધી છે. 10મીએ ત્રણેક હજાર ટેસ્ટ કરાયા તેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરી વિકાસ વિભાગના વધુ બે અધિકારી પોઝિટિવ આવતાં એ વિભાગ 7 દિવસ માટે બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત કેટલીક કોલેજોના કેટલાક વિભાગો બંધ કરવાયા છે. વધુ ત્રણેક હજારને હોમ ક્વોરંટાઈન કરાયા છે. કોરોનાના કેસ વધતાં નવી સિવિલમાં અલગ વોર્ડ શરૂ કરાયો છે. 50 જેટલી શાળા – કોલેજોમાં ટેસ્ટ વધરાયા છે. કેટલાક ઝોનમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. કેટલીક સોસાયટીઓ પણ ક્લસ્ટર જાહેર કરાઈ છે. એરપોર્ટ પર 10 ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે. શહેર બહારથી આવનારા લોકોમાં પણ સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાનો ફેલાવો બાળકો અને સ્ત્રીઓમાં ઓછો હતો, પણ હવે મહિલાઓમાં સંક્રમણ 30 ટકાથી વધીને 40 ટકા પર પહોંચ્યું છે.

સાચું તો એ છે કે કોર્પોરેશન દ્વારા અત્યારે જે થાય છે, તે ચૂંટણી વખતે કરવાની જરૂર હતી. કમિશનરે એક વખત પણ ચૂંટણી વખતે યોજાયેલી ભીડને જવાબદાર ન ઠેરવી અને લગ્નો, મેળાવડા, સ્કૂલો, કોલેજોને માથે દોષનો ટોપલો નાખ્યો એ ઠીક ન થયું. લોકો જવાબદાર છે જ, એનો બચાવ ન જ હોય. લોકો લગ્નો, મેળાવડાઓમાં મન મૂકીને નાચ્યા છે ને તેમણે જ ગાઈડલાઇનની ઐસી તૈસી પણ કરી છે, પણ સવાલ એ છે કે જે રાજકીય પ્રચાર થયો, સભા-સરઘસો થયાં એને માટે પણ લોકો જ જવાબદાર છે? રાજકારણીઓ જાણતા ન હતા કે રાજકીય ભીડમાં જોખમ છે? એ અંગે કોઈ સાવધાની રાખવા- રખાવવાની એમની જવાબદારી હતી કે કેમ? એને માટે પણ લોકોને જ જવાબદાર ઠેરવીશું? આ બરાબર નથી. એકલદોકલ વ્યક્તિ માસ્ક ન પહેરે તો એની પાસેથી દંડ પડાવતા કોઈ પણ અધિકારીને સંકોચ નથી થતો, પણ રાજકીય ભીડમાં હજારો લોકો માસ્ક વગર ટોળે વળે એ વાત સત્તાધીશોને શરમમાં નાખે, એ કેવું? રોગ, એકલદોકલ વ્યક્તિ જ ફેલાવે છે, એવું? લોકો હજારવાર જવાબદાર એની ના જ નથી, પણ રાજકારણીઓ, એ લોકોમાં આવે કે કેમ? કે આ લોકો, લોકોમાં જ નથી, એમ માનવાનું છે?

જો કે, કોરોનાના વધતા કેસો સંદર્ભે હાઈકોર્ટે સરકારને ટપારી છે ને લોકો પર નિયંત્રણો લાદવા સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે. લોકો બેદરકાર રહેશે તો ફરી લોકડાઉન લાગુ થવાની ચીમકી પણ કોર્ટે આપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પરિસ્થિતિનો સામનો કરવા ઉપરાંત, કોવિડ-19 માટેની હોસ્પિટલોને પણ સજ્જ રાખવાની તાકીદ કરી છે જેથી દરદીઓને સમયસર સારવાર મળી રહે. હાઈકોર્ટે તેના આદેશમાં એ પણ નોંધ્યું છે કે લોકો આમ જ બેદરકાર રહેશે તો લોકડાઉનની સ્થિતિ ફરી આવી શકે છે. મહારાષ્ટ્રના થાણે, ઔરંગાબાદમાં લોકડાઉન કે વીક એન્ડ કરફ્યુ નંખાયાની વાત તાજી જ છે.

જો કે હાઇકોર્ટ આ મામલે લોકોને જ જવાબદાર ગણે તે ઠીક નથી. હાઇકોર્ટને ખબર છે કે કોરોનાનો વકરાટ માત્ર લોકોને જ આભારી નથી, એને માટે રાજકારણીઓ પણ એટલા જ જવાબદાર છે. સત્તાધીશો તો રાજકીય હેતુસર મૌન સેવે, પણ જવાબદારી નક્કી કરવા બાબતે હાઇકોર્ટ માત્ર લોકોને જ જવાબદાર ઠેરવે ત્યારે આઘાત લાગે અને આશ્ચર્ય પણ થાય. આવી બાબતે કોઈ પણ કોર્ટ શરમમાં ન પડે તે અપેક્ષિત અને ઇચ્છનીય છે. એક સૂચના હાઇકોર્ટે એવી પણ આપી છે કે લગ્નોમાં અને જાહેર કાર્યક્રમોમાં લોકોની સંખ્યા પર નજર રાખવામાં આવે. ફોડ પાડવામાં નથી આવ્યો, પણ રાજકીય કાર્યક્રમોને હાઇકોર્ટ જાહેર કાર્યક્રમ ગણતી જ હશે તેમ માનીને ચાલવાનું રહે. વળી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અન્ય રાજયોની કોર્ટે વધુ સ્પષ્ટ થઈ જવું ઘટે જેથી ભીડ થવાને કારણે વધતાં જોખમને નિવારી શકાય.

અહીં હેતુ લોકોના બચાવનો નથી જ નથી, પણ કોઈની પણ જવાબદારી પક્ષપાતી ધોરણે નક્કી થાય તેની સામે વાંધો છે. એકલદોકલને દંડવામાં આવે ને સમૂહની ગુનાહિત પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરવામાં આવે તે બરાબર નથી. જો એકલદોકલ વ્યક્તિ કોરોના ફેલાવતી હોય તો સમૂહ ન ફેલાવે એવું તો ન જ હોય ને ! કમસેકમ અત્યારના સંજોગો એવા છે કે કોઈ પણ સામૂહિક પ્રવૃત્તિને પ્રોત્સાહન ન જ અપાય, ભલે પછી એ લગ્ન, હોટેલ, ધાર્મિક ઉત્સવ કે રાજકીય સભા જ કેમ ન હોય !

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 માર્ચ 2021

Loading

...102030...2,1422,1432,1442,145...2,1502,1602,170...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved