જાવું જરૂર છે, બંદર છો દૂર છે
પાલવા બંદરને અંગ્રેજોએ બનાવ્યું એપોલો બંદર
ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે તાજ મહાલ હોટેલ
એપોલો બંદર પરથી પ્રસારિત થયેલો પહેલો રેડિયો કાર્યક્રમ
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે.
કવિ સુંદરજી બેટાઈના કાવ્યની આ પંક્તિઓ આજે યાદ આવવાનું કારણ? કારણ આજે આપણે મુંબઈના એક જૂના બંદરની મુલાકાત લેવાનાં છીએ. પણ આપણે પહેલાં થોડો વિચાર કરીએ ‘બંદર’ શબ્દ વિષે. અંગ્રેજીના port માટે ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, બંગાળી, અને અસમિયા ભાષામાં આ શબ્દ વપરાય છે. હા, હિન્દીમાં તેમાં ‘ગાહ’ ઉમેરીને બંદરગાહ’ વપરાય છે અને બંગાળી-અસમિયામાં ઉચ્ચાર ‘બોન્દર’ જેવો થાય છે. આપણા સાર્થ ગુજરાતી શબ્દકોશ અને ભગવદ્દગોમંડળ કોશ આ શબ્દ ક્યાંથી આવ્યો તે જણાવતા નથી. સંસ્કૃતમાં આને મળતો કોઈ શબ્દ હોય તેવું જાણ્યું નથી. કોઈ કોઈ શબ્દકોશ ‘પોતાશ્રય’ અને ‘નૌકાશ્રય’ જેવા શબ્દો નોંધે છે, પણ દેખીતી રીતે જ તે ઉપજાવી કાઢેલા છે. વ્યવહારમાં વપરાતા હોય તેવા નથી. બંદર માટે સંસ્કૃત લખાણોમાં ‘વેલાકૂલ’ શબ્દ વપરાયો છે, ખાસ કરીને દસ્તાવેજોમાં. એટલે આજે આપણે મુંબઈના એક વેલાકૂલની મુલાકાત લેવાના છીએ.
ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર
સૌથી પહેલાં જશું પાલો બંદર કે પાલવા બંદર. આજે હવે આ નામ ભૂલાઈ ગયું છે, પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં શહેરના મોટા ભાગના ‘દેશી’ લોકો આ જ નામ વાપરતા. ઘણી વાર તો ‘બંદર’ પણ નહીં, ફક્ત ‘પાલો’ કે પાલવા’ જવાનું છે એમ જ બોલતા. આપણી ભાષાના શબ્દકોશોની એક મુશ્કેલી એ છે કે તેમાં મોટે ભાગે શહેરી ઉજળિયાત વર્ગોમાં વપરાતા શબ્દો જ નોંધાય છે. જુદા જુદા વ્યવસાયો, ધંધારોજગાર વગેરેમાં વપરાતા શબ્દો ભાગ્યે જ તેમાં જોવા મળે છે. વહાણવટાની પરિભાષામાં ‘પાલ’ એટલે શઢ, અને તેથી ‘પાલવ’ કે ‘પાડવ’ એટલે શઢવાળું વહાણ. એટલે જ્યાં આવાં વહાણો નાંગરતાં તે પાલવા બંદર. આજથી ૬૦-૭૦ વરસ પહેલાં પણ અહીં શઢવાળાં વહાણ જોવા મળતાં. અલબત્ત, ત્યારે તે મોટે ભાગે સહેલાણીઓને ચાર-આઠ આનામાં દરિયાઈ સહેલ કરાવવાનું કામ કરતાં. ૧૯૬૫ સુધીના અરસામાં આ લખનારે આવી સહેલો કરેલી તે બરાબર યાદ છે. જો કે તે વખતે આ વહાણોની સાથે સ્ટીમલોન્ચ પણ આવી ગઈ હતી. પણ ધૂમાડો ઓકતી અને સતત ઘરઘરાટી કરતી આ સ્ટીમલોન્ચ કરતાં વધુ મજા તો વહાણોમાં જ આવતી. વળી સ્ટીમ લોન્ચ કરતાં વહાણોનું ભાડું લગભગ અડધું. આજે જેનું નામ જગન્નાથ શંકરશેઠ રોડ છે તેનું નામ અગાઉ ગિરગામ રોડ હતું. પણ તેનાથીયે પહેલાં તે રસ્તો પાલ કે પાલો બંદર રોડ તરીકે ઓળખાતો. એટલે કે તે માત્ર ધોબી તળાવ સુધીએ નહિ, ઠેઠ આ બંદર સુધી જતો હોવો જોઈએ.
અંગ્રેજોને આ ‘પાલ’ કે પાલો’ શબ્દ પલ્લે પડ્યો નહીં. એટલે તેમણે એનું નામ કરી નાખ્યું એપોલો બંદર. પણ હકીકતમાં પાલવા કે એપોલો બંદરને ગ્રીકોરોમન દેવ એપોલો સાથે સનાનસૂતકનો ય સંબંધ નથી. આવું અંગ્રેજો જ કરે છે એમ માનવું નહિ. સેન્ટ્રલ રેલવેમાં મુસાફરી કરતાં ઘણા શ્રમજીવીઓ ‘સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન’ને ‘સંડાસ રોડ સ્ટેશન’ કહે છે તે કાનોકાન સાંભળ્યું છે. વાંદરામાં માઉન્ટ મેરીના ચર્ચને ઘણા ‘મોત માવલી’ તરીકે ઓળખે છે. ખેર, જ્યારે અંગ્રેજોએ મુંબઈનો કિલ્લો બાંધ્યો ત્યારે તેના ત્રણ મુખ્ય દરવાજા રાખ્યા. કિલ્લાની બહાર આવેલ ‘દેશી’ઓની બજાર તરફ જવા માટે બજાર ગેટ, કિલ્લાની અંદર આવેલા સેન્ટ થોમસ કેથીડ્રલ તરફ લઈ જાય તે ચર્ચગેટ, અને એપોલો બંદર તરફ લઈ જાય તે એપોલો ગેટ. અને આ ત્રણ ગેટ સાથે જોડાયેલા ત્રણ રસ્તાને નામ આપ્યાં બજારગેટ સ્ટ્રીટ, ચર્ચગેટ સ્ટ્રીટ, અને એપોલો સ્ટ્રીટ. આજે હવે એ ત્રણેનાં સત્તાવાર નામ બદલાઈ ગયાં છે, પણ લોકજીભે તો હજી એ જૂનાં નામ જ વસે છે. આ ત્રણ દરવાજા સાથેનો કિલ્લો બાંધવાનું કામ ૧૭૧૫માં શરૂ થયું હતું અને ૧૭૨૨માં પૂરું થયું હતું. એટલે કે એ અરસામાં પાલવા કે એપોલો બંદર એ કિલ્લા બહારનું એક મહત્ત્વનું સ્થળ હતું. અને ત્યાં સુધીમાં અંગેજોએ પાલવાનું એપોલો કરી નાખ્યું હતું. આ જગ્યાનું એક ત્રીજું નામ પણ છે, પણ તે ક્યારે ય વ્યવહારમાં વપરાતું થયું નથી. એ છે વેલિંગ્ટન પિયર.
એક જમાનામાં પાલવા બંદર વેપારથી ધમધમતું હતું. વહાણોમાં પરદેશથી માલ આવતો અને અહીંનો માલ, મુખ્યત્વે કપાસ, વહાણોમાં ભરાઈને પરદેશ જતો. પણ પછી આ બંદરનો વપરાશ ઓછો થતો ગયો. તેનું મુખ્ય કારણ એ કે સ્ટીમશીપ કહેતાં સ્ટીમર આવી જે અહીંના છીછરા દરિયાને કારણે એપોલો બંદર સુધી આવી શકતી નહીં, જ્યારે બીજી ગોદીઓમાં એવી સગવડ હતી. એટલે પછી એપોલો બંદરનો ઉપયોગ એલિફન્ટા જનારા સહેલાણીઓ પૂરતો મર્યાદિત રહ્યો. સ્ટીમલોન્ચ આવી તે પહેલાં નાની સ્ટીમર એપોલોથી થોડે દૂર દરિયામાં ઊભી રહેતી. પાલવાથી શઢવાળાં વહાણ મુસાફરોને સ્ટીમર સુધી લઈ જતાં. એ જ રીતે એલિફન્ટા ટાપુથી થોડે દૂર સ્ટીમર ઊભી રહેતી. મુસાફરો ઊતરીને વહાણમાં બેસીને કિનારે જતા. પછી સ્ટીમલોન્ચ આવતાં આ મુસાફરી સરળ બની. વહાણની જરૂર રહી નહિ. આજે પણ એપોલોથી એલિફન્ટાની સ્ટીમલોન્ચ ચોમાસાને બાદ કરતાં નિયમિત રીતે ચાલે છે.
સર જમશેદજી તાતા
એપોલો બંદર નજીક આવેલી બે ઇમારતો દેશમાં જ નહિ, દુનિયામાં જાણીતી છે, પણ એ બંને વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં બંધાયેલી છે, જ્યારે પાલવા બંદર કંઈ નહિ તો ૧૮મી સદી કરતાં જૂનું છે જ. આ બે ઈમારતમાંની પહેલી તાજ મહાલ પેલેસ હોટેલ, જે સર જમશેદજી તાતાએ બંધાવેલી. તેનું ઉદ્ઘાટન ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે થયું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે આ હોટેલના મકાનના સ્થપતિ બે હિંદીઓ હતા: સીતારામ ખંડેરાવ વૈદ્ય અને ડી.એન. મિરઝા. મકાનનું બાંધકામ ખાનસાહેબ સોરાબજી રતનજી કોન્ટ્રેકટરે કર્યું હતું. અને એ બાંધવાનો ખરચ થયો હતો અઢી લાખ પાઉન્ડ, જે એ વખતે અધધ રકમ ગણાય. આજે આપણને નવાઈ લાગે, પણ એ વખતે જમશેદજીની બહેનોએ આ હોટેલ બાંધવાનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું આપણા મોભાદાર કુટુંબનો નબીરો ભટારખાનું ખોલે તો તો ખાનદાનની આબરૂ પાણીમાં જાય. મુંબઈની આ સૌથી મોંઘી હોટેલ શરૂ થઈ ત્યારે તેના રૂમનું એક દિવસનું ભાડું હતું રૂપિયા દસ! અને પંખાવાળો રૂમ જોઈએ તો ત્રણ રૂપિયા વધારે આપવાના! અને છતાં શરૂઆતમાં હોટેલ લગભગ ખાલી રહેતી. કારણ? ‘દેશી’ઓને એ બહુ મોંઘી લાગતી. અને ગોરાઓને આ ‘દેશી’ હોટેલનો ભરોસો પડતો નહોતો. તેઓ તો ગોરાઓની માલિકીની હોટેલ જ પસંદ કરતા. પણ એકવાર બિકાનેરના મહારાજા આ હોટેલમાં ઊતર્યા તે પછી તવંગર લોકોને ભરોસો બેઠો અને તેઓ અહીં ઉતરવા લાગ્યા. પછી તો ૧૯૧૧માં પ્રિન્સ ઓફ વેલ્સ અને ક્વીન મેરી મુંબઈ આવ્યાં ત્યારે તેમના માનમાં આ હોટેલમાં બેન્કવેટ યોજાયું હતું. પહેલા વિશ્વ યુદ્ધ વખતે આખી હોટેલને હોસ્પિટલમાં ફેરવી નાખવામાં આવી હતી. લગભગ બે દાયકા સુધી શ્રીમતી સરોજિની નાયડુ મુંબઈ આવે ત્યારે આ હોટેલમાં, અને તેના એક ચોક્કસ રૂમમાં જ ઉતરતાં. એક એવી વાયકા પ્રચલિત છે કે ભૂલ ભૂલમાં આ હોટેલ મૂળ યોજના કરતાં ઊંધી બંધાઈ ગઈ છે. પણ હકીકત એ છે કે તે બંધાઈ ત્યારે દરિયા કિનારાને અડીને આવેલી હતી. એટલે દેખીતી રીતે જ તેનો મુખ્ય દરવાજો બીજી બાજુ, આજે જ્યાં સ્વીમિન્ગ પૂલ છે એ તરફ હતો. પણ પછી સરકારે ગેટવે ઓફ ઇન્ડિયા બાંધવાનું નક્કી કર્યું ત્યારે હોટેલની પાછળનો દરિયો પૂરીને જમીન મેળવી, અને એટલે દરિયો હોટેલથી દૂર ગયો. અને મુખ્ય દરાવાજો દરિયા કિનારા તરફ ખસેડાયો.
દરિયા કિનારાને અડીને બંધાયેલી તાજ મહાલ હોટેલ
હા, જી. આ તાજ મહાલ હોટેલ ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે. ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે પ્રિન્સ ઓફ વેલ્સ અને ક્વીન મેરી એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયો નહોતો. માત્ર પૂંઠાનો ગેટવે ઊભો કરી દેવામાં આવેલો. ગેટવેનું બાંધકામ તો છેક ૧૯૧૫માં શરૂ થયું. અને ૧૯૨૪ના ડિસેમ્બરની ચોથી તારીખે તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ ઇમારત બાંધતાં કુલ ૨૧ લાખ રૂપિયાનો ખરચ થયો હતો. પણ તે બાંધવામાં જ બજેટમાંના બધા પૈસા વપરાઈ ગયા એટલે મૂળ યોજનામાં ગેટવે સામે જે ભવ્ય રસ્તો બાંધવાની યોજના હતી તે રસ્તો બાંધવાનું પડતું મૂકવું પડ્યું હતું! આજે પણ ગેટવેની બરાબર સામે રસ્તો જ નથી. તેની આસપાસના દરિયા કિનારામાં થોડો ફેરફાર કરીને જે પ્રોમોનેડ બંધાયો તે જ અવરજવર માટે વાપરવો પડે છે. મૂળ યોજનામાં ગેટવે સામેના રસ્તાની વચ્ચોવચ રાજા પંચમ જ્યોર્જનું કાંસાનું પૂતળું મૂકવાનું ઠરાવ્યું હતું તે પૂતળું તો મૂકવામાં આવ્યું જ. આઝાદી પછી શહેરમાંનાં બીજાં બ્રિટિશરોનાં પૂતળાં કાઢી નાખવામાં આવ્યાં તેમ આ પૂતળું પણ ખસેડાયું અને તેની જગ્યાએ ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૬મી તારીખે છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહી પૂતળું મૂકવામાં આવ્યું.
ગેટવે ઓફ ઇન્ડિયાની સામેનું રાજા પંચમ જ્યોર્જનું પૂતળું
એપોલો બંદર પર કુલ પાંચ જેટી છે. તેમાંની પહેલી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર માટે અનામત રાખેલી છે. બીજી અને ત્રીજી જેટી જાહેર જનતા માટે છે, અને અહીંથી મોટે ભાગે એલિફન્ટા, રેવાસ, માંડવા, અલિબાગ વગેરે સ્થળોએ જવા માટે સ્ટીમલોન્ચ ઊપડે છે. ચોથી જેટી બંધ કરી દેવામાં આવી છે, અને પાંચમી ફક્ત યોટ કલબના વપરાશ માટે છે. આ ક્લબ ગેટવે અને તાજ હોટેલ, બન્ને કરતાં ઘણી જૂની છે. તેની શરૂઆત છેક ૧૮૪૬માં હેન્રી મોરલેન્ડે કરી હતી. શરૂઆતમાં તેનું નામ ફક્ત બોમ્બે યોટ ક્લબ હતું. ત્રીસ વરસ પછી, રાણી વિક્ટોરિયાએ નામની આગળ ‘રોયલ’ શબ્દ ઉમેરવાની પરવાનગી આપી હતી. આજે હવે મુંબઈની ઘણી ખરી સંસ્થાઓનાં નામમાં બોમ્બેને બદલે મુંબઈ નામ મૂકવામાં આવ્યું છે, પણ આ ક્લબ આજે ય બોમ્બે નામ સાચવીને બેઠી છે. એટલું જ નહિ, બ્રિટિશ જમાનાની ઘણીખરી નિશાનીઓ ભૂંસી નાખવામાં આવ્યા પછી આ કલબના નામમાં ‘રોયલ’ શબ્દ સચવાઈ રહ્યો છે.
રોયલ બોમ્બે યોટ ક્લબ
પોતાના નામમાં આજે પણ બોમ્બે નામ સાચવીને બેઠેલી બીજી એક ક્લબ પણ આ જ વિસ્તારમાં આવેલી છે. એ છે ધ બોમ્બે પ્રેસિડન્સી રેડિયો ક્લબ. ૧૯૨૪માં તેના લો ફ્રિકવન્સી ટ્રાન્સમિટર પરથી રેડિયો કાર્યક્રમ પહેલી વાર પ્રસારિત થયો હતો. ૧૯૨૬માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના થઈ, જેના સ્ટુડિયો એપોલો બંદર પરના રેડિયો હાઉસમાં હતા. ૧૯૨૭ના જુલાઈની ૨૩મી તારીખે સાંજના છ વાગ્યે તેનો પહેલો કાર્યક્રમ પ્રસારિત થયો હતો. આ સ્ટેશનનું ઉદ્ઘાટન વાઈસરોય લોર્ડ ઈરવિને કર્યું હતું. પણ આ કંપની સતત ખોટમાં જતી હતી તેથી ૧૯૩૦માં બ્રિટિશ ગવર્નમેન્ટે તે લઈ લીધી હતી અને તેનું નામ બદલીને ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું. ૧૯૩૮માં તેની ઓફિસ અને સ્ટુડિયો ક્વીન્સ રોડ પર આવેલા સરકારી મકાનમાં ખસેડાયાં. ૧૯૬૮ના નવેમ્બરમાં બેકબે રેકલમેશન ખાતે બંધાયેલા નવા અલાયદા મકાનમાં તે બધું ખસેડાયું. ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ પછીથી બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું, જે આઝાદી પછી બદલાઈને આકાશવાણી થયું.
આ તો હજી પાશેરામાં પહેલી પૂણી થઈ. આવા તો બીજાં ઘણાં બંદર છે મુંબઈમાં. જાવું જરૂર છે, બંદર છો ઘણાં છે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 માર્ચ 2021