1 ફેબ્રુઆરી, 2021ને રોજ કોરોના કેસમાં ભારે ઘટાડો થતાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાની મિટીંગનો દોર બંધ કરેલો. છાપાંઓએ કોરોના વિદાય લઈ રહ્યો છે એવાં મથાળાં બાંધેલાં. શહેરમાં માત્ર 39 પોઝિટિવ કેસ નોંધાયેલા ને છેલ્લા ઘણા દિવસથી એક પણ મૃત્યુ નોંધાયું ન હતું તેનો આનંદ હતો. રાજ્યની વાત કરીએ તો એ દિવસે 298 નવા કેસ આવેલા અને 406ને ડિસ્ચાર્જ અપાયેલો ને મૃત્યુ રાજયભરમાં 1 જ નોંધાયેલું.
એ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી. સભા-સરઘસો થયાં. 21 ફેબ્રુઆરીએ રાજ્યના 6 શહેરોમાં ચૂંટણીઓ થઈ ને પછી તો ગુજરાત આખું પાલિકા – પંચાયતની ચૂંટણીમાં કેસરી રંગે રંગાયું. એમાં પણ આખું રાજ્ય ઢોલ-નગારાં સાથે કેસરિયાં કરતું રહ્યું. આ સમયે કોરોના ઈરાદાપૂર્વક ભુલાઈ ગયો કે ભુલાવી દેવાયો, જેથી ચૂંટણીનાં પડઘમ જોરથી વાગતાં સંભળાય. એનું પરિણામ એ આવ્યું કે એક જ મહિનામાં, 1 માર્ચે 427 નવા કેસ થયા અને ડિસ્ચાર્જ 360 થયા. સુરતમાં એ આંકડો 61નો હતો જે 6 માર્ચે વધીને 101 પર પહોંચ્યો ને રાજ્યમાં કેસની સંખ્યા 515ની થઈ ગઈ. 11 માર્ચની જ વાત કરીએ તો રાજ્યમાં કેસ 675 નોંધાયા છે અને સુરતનો આંકડો 161નો છે. એ સાથે જ રાજ્યનો રિકવરી રેટ ઘટ્યો છે તે પણ ચિંતાજનક છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધારે ખરાબ છે. 11મીએ ત્યાં 13,659 નવા કેસ નોંધાયા છે ને મુંબઈની વાત કરીએ તો ઓક્ટોબર પછી પહેલીવાર 1,500થી વધુ કેસ નોંધાયા છે. દેશની વાત કરીએ તો નવા 17,921 કેસ નોંધાયા છે અને 133 મોત નોંધાતાં કુલ મૃત્યુ આંક 1,58,063 થયો છે.
અહીં સવાલ એ થાય કે કોરોના વિદાય લઈ રહ્યો હતો ત્યાં શહેર અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસી કઈ રીતે? વચ્ચે દિવાળી વખતે લોકોએ ખરીદીમાં ભીડ કરીને કોરોનાની સંખ્યા એકદમ વધારી મૂકેલી. એમાં તંત્રો દ્વારા પગલાં લેવાતાં સ્થિતિ સુધરી ને ફેબ્રુઆરીમાં તો કોરોના પર ઠીક ઠીક કાબૂ મેળવી શકાયો. એ પછી ચૂંટણી આવી અને અપેક્ષા પ્રમાણે જ લોકો બેદરકાર બનીને ફરતા રહ્યા. એને લીધે કોરોનાએ ફરી માથું ઊંચક્યું. હજી પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે પણ કોરોનાનું પ્રમાણ વધવાના પૂરા સંજોગો છે. આમાં લોકો અને તંત્રો કાળજી નહીં લે તો સ્થિતિ ખરાબ થઈ શકે.
આ બધાંમાં જવાબદારી સ્વીકારવાને બદલે બીજાને જવાબદાર ઠેરવવાનો રાજકીય ખેલ ચાલે છે તે વધારે ખતરનાક અને શરમજનક છે.
લોકો જવાબદાર છે જ અને બેદરકારીને લીધે એ જ વેઠે પણ છે, પણ માત્ર લોકો જ જવાબદાર છે એ, જાણે આજની નીતિરીતિ માટે સરકાર, કૉન્ગ્રેસને જવાબદાર ઠેરવ્યા કરે એના જેવું છે. થોડા દિવસ પર સુરતના મ્યુનિસિપલ કમિશનરે વધી રહેલા કોરોના માટે લોકોના મેળાવડા અને લગ્નોને જવાબદાર ઠેરવેલાં, એટલું ઓછું હોય તેમ સ્કૂલ, કોલેજોને સુપર સ્પ્રેડર ગણાવીને તેમણે ગાઈડ લાઇનનો ભંગ કરતાં પકડાશે તો સંસ્થા બંધ કરી દેવાની ધમકી પણ આપેલી. આ તો પાડાને વાંકે પખાલીને ડામવા જેવું છે. અત્યારે ચિંતા એ છે કે રાજકારણીઓને પાપે મહિનાઓ પછી માંડ ચાલુ થયેલી સ્કૂલ-કોલેજો બંધ ન કરવી પડે તો સારું. તેમાં પણ નજીકમાં જ પરીક્ષાઓ છે, જો સ્કૂલ, કોલેજો બંધ કરવાની સ્થિતિ આવી તો આખું વર્ષ માંડી વાળવાનું થશે ને માસ પ્રમોશન પર આવીને વાત અટકશે. આવું કૈં થશે તો એ બધું પાપ ચૂંટણીને માથે આવશે. ઇચ્છીએ કે એ દિવસો ન આવે.
હાલ તો કોર્પોરેશનની દોડધામ વધી છે. 10મીએ ત્રણેક હજાર ટેસ્ટ કરાયા તેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરી વિકાસ વિભાગના વધુ બે અધિકારી પોઝિટિવ આવતાં એ વિભાગ 7 દિવસ માટે બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત કેટલીક કોલેજોના કેટલાક વિભાગો બંધ કરવાયા છે. વધુ ત્રણેક હજારને હોમ ક્વોરંટાઈન કરાયા છે. કોરોનાના કેસ વધતાં નવી સિવિલમાં અલગ વોર્ડ શરૂ કરાયો છે. 50 જેટલી શાળા – કોલેજોમાં ટેસ્ટ વધરાયા છે. કેટલાક ઝોનમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. કેટલીક સોસાયટીઓ પણ ક્લસ્ટર જાહેર કરાઈ છે. એરપોર્ટ પર 10 ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે. શહેર બહારથી આવનારા લોકોમાં પણ સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાનો ફેલાવો બાળકો અને સ્ત્રીઓમાં ઓછો હતો, પણ હવે મહિલાઓમાં સંક્રમણ 30 ટકાથી વધીને 40 ટકા પર પહોંચ્યું છે.
સાચું તો એ છે કે કોર્પોરેશન દ્વારા અત્યારે જે થાય છે, તે ચૂંટણી વખતે કરવાની જરૂર હતી. કમિશનરે એક વખત પણ ચૂંટણી વખતે યોજાયેલી ભીડને જવાબદાર ન ઠેરવી અને લગ્નો, મેળાવડા, સ્કૂલો, કોલેજોને માથે દોષનો ટોપલો નાખ્યો એ ઠીક ન થયું. લોકો જવાબદાર છે જ, એનો બચાવ ન જ હોય. લોકો લગ્નો, મેળાવડાઓમાં મન મૂકીને નાચ્યા છે ને તેમણે જ ગાઈડલાઇનની ઐસી તૈસી પણ કરી છે, પણ સવાલ એ છે કે જે રાજકીય પ્રચાર થયો, સભા-સરઘસો થયાં એને માટે પણ લોકો જ જવાબદાર છે? રાજકારણીઓ જાણતા ન હતા કે રાજકીય ભીડમાં જોખમ છે? એ અંગે કોઈ સાવધાની રાખવા- રખાવવાની એમની જવાબદારી હતી કે કેમ? એને માટે પણ લોકોને જ જવાબદાર ઠેરવીશું? આ બરાબર નથી. એકલદોકલ વ્યક્તિ માસ્ક ન પહેરે તો એની પાસેથી દંડ પડાવતા કોઈ પણ અધિકારીને સંકોચ નથી થતો, પણ રાજકીય ભીડમાં હજારો લોકો માસ્ક વગર ટોળે વળે એ વાત સત્તાધીશોને શરમમાં નાખે, એ કેવું? રોગ, એકલદોકલ વ્યક્તિ જ ફેલાવે છે, એવું? લોકો હજારવાર જવાબદાર એની ના જ નથી, પણ રાજકારણીઓ, એ લોકોમાં આવે કે કેમ? કે આ લોકો, લોકોમાં જ નથી, એમ માનવાનું છે?
જો કે, કોરોનાના વધતા કેસો સંદર્ભે હાઈકોર્ટે સરકારને ટપારી છે ને લોકો પર નિયંત્રણો લાદવા સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે. લોકો બેદરકાર રહેશે તો ફરી લોકડાઉન લાગુ થવાની ચીમકી પણ કોર્ટે આપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પરિસ્થિતિનો સામનો કરવા ઉપરાંત, કોવિડ-19 માટેની હોસ્પિટલોને પણ સજ્જ રાખવાની તાકીદ કરી છે જેથી દરદીઓને સમયસર સારવાર મળી રહે. હાઈકોર્ટે તેના આદેશમાં એ પણ નોંધ્યું છે કે લોકો આમ જ બેદરકાર રહેશે તો લોકડાઉનની સ્થિતિ ફરી આવી શકે છે. મહારાષ્ટ્રના થાણે, ઔરંગાબાદમાં લોકડાઉન કે વીક એન્ડ કરફ્યુ નંખાયાની વાત તાજી જ છે.
જો કે હાઇકોર્ટ આ મામલે લોકોને જ જવાબદાર ગણે તે ઠીક નથી. હાઇકોર્ટને ખબર છે કે કોરોનાનો વકરાટ માત્ર લોકોને જ આભારી નથી, એને માટે રાજકારણીઓ પણ એટલા જ જવાબદાર છે. સત્તાધીશો તો રાજકીય હેતુસર મૌન સેવે, પણ જવાબદારી નક્કી કરવા બાબતે હાઇકોર્ટ માત્ર લોકોને જ જવાબદાર ઠેરવે ત્યારે આઘાત લાગે અને આશ્ચર્ય પણ થાય. આવી બાબતે કોઈ પણ કોર્ટ શરમમાં ન પડે તે અપેક્ષિત અને ઇચ્છનીય છે. એક સૂચના હાઇકોર્ટે એવી પણ આપી છે કે લગ્નોમાં અને જાહેર કાર્યક્રમોમાં લોકોની સંખ્યા પર નજર રાખવામાં આવે. ફોડ પાડવામાં નથી આવ્યો, પણ રાજકીય કાર્યક્રમોને હાઇકોર્ટ જાહેર કાર્યક્રમ ગણતી જ હશે તેમ માનીને ચાલવાનું રહે. વળી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અન્ય રાજયોની કોર્ટે વધુ સ્પષ્ટ થઈ જવું ઘટે જેથી ભીડ થવાને કારણે વધતાં જોખમને નિવારી શકાય.
અહીં હેતુ લોકોના બચાવનો નથી જ નથી, પણ કોઈની પણ જવાબદારી પક્ષપાતી ધોરણે નક્કી થાય તેની સામે વાંધો છે. એકલદોકલને દંડવામાં આવે ને સમૂહની ગુનાહિત પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરવામાં આવે તે બરાબર નથી. જો એકલદોકલ વ્યક્તિ કોરોના ફેલાવતી હોય તો સમૂહ ન ફેલાવે એવું તો ન જ હોય ને ! કમસેકમ અત્યારના સંજોગો એવા છે કે કોઈ પણ સામૂહિક પ્રવૃત્તિને પ્રોત્સાહન ન જ અપાય, ભલે પછી એ લગ્ન, હોટેલ, ધાર્મિક ઉત્સવ કે રાજકીય સભા જ કેમ ન હોય !
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 માર્ચ 2021