જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?
લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ.
ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડે
ઊધઈયે મોઢું નથી ઘાલતી;
ઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલી
ગુજરાત નથી ઇસબગુલ ફાકતી.
હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?
સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ કેમ ચેકું ભૂસું
જોસી ઉમાસંકર ને રંજન ભગત એવા
કવિઓ પાક્યા છે ઊંચા માયલા;
આપડી આ માતરુ ભાસામાં, તોય શાને
લોલેલોલ આવું કરે ચાયલા?
ફાધર વાલેસ મળે મારગે ને હાલચાલ પૂછે તો કહેવાનું સું?
બાવન અક્સરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખીસું?
ઇંગરેજી ફોદા બે નાખીને ગુજરાતી
દૂધનું જમાવવાને દહીં;
ઊભી બજારે લોક બેઠું ગુજરેજી
દુગ્ધાલય ખોલીને અહીં.
એબીસીડીના અખરામણવાળા આ અક્કલમઠાનું કરું સું?
ઠોઠ રે નિસાળિયો ને મહેતાજી બેઉ ફાકે ભાસાને નામે ભૂસું.