Opinion Magazine
Number of visits: 10,226,686
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાઇરસનો ભરડો ફરી મજબૂત બની રહ્યો છે ત્યારે મતદાતાઓની ચિંતા કરવી કે ચૂંટણી થવા દેવી?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 March 2021

રોગચાળામાં લોકશાહી જોખમમાં મુકવી જોઇએ? ચૂંટણી અગત્યની કે મતદાતાનું હિત?

ભારતમાં વાઇરસ ફરી વકર્યો છે, સ્ટેડિયમ અને સબર્બન ટ્રેન્સ અને બીજું ઘણું ય છે જ્યાં આપણે લોકોનાં ટોળે ટોળાં જોઇએ છીએ. હવે ફરી કેસિઝ વધશે તો શું કરશું, નાઇટ કર્ફ્યુ, ૧૪૪ની કલમ લાગુ કરવાની કવાયતો અને બીજું ઘણું બધું પણ આપણે સતત સાંભળીએ છીએ. હવે ફરી લૉકડાઉન લાગુ પડશે તો શું કરીશુંની ચિંતાની કરચલીઓ ભલભલાના ચહેરા પર દિવસમાં એકાદવાર ડોકાઇ આવે છે.

આ બધાની વચ્ચે એક બીજી બાબત એની ગતિએ ચાલી રહી છે. આ બીજી બાબત છે વિધાનસભાની ચૂંટણીઓ. દેશમાં આસામ, કેરળ, પોંડીચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માથે આવીને ઊભી છે. આ રોગચાળાને કાબૂમાં નથી લેવાઇ રહ્યો, હજી વેક્સિનેશનની પ્રક્રિયાઓ તો માંડ શરૂ થઇ છે એવામાં આ ચૂંટણીઓ યોજવી કેટલી યોગ્ય છે? રાજકારણીઓ પોતાના સ્વાર્થને અગ્રિમતા આપે છે તે ચલાવી લેવું જોઇએ? રોગચાળામાં જાહેર કરાયેલી ચૂંટણીમાં આમ જનતા એટલે કે મતદાતાઓનો કેટલો વિચાર કરવામાં આવ્યો હશે તેવો સવાલ ચોક્કસ થાય. ચૂંટણી જ્યાં થઇ ત્યાં પણ વાઇરસના સંક્રમણના કેસિઝ વધ્યા છે. આપણે એમ નથી કહી રહ્યા કે ચૂંટણીને કારણે કેસિઝ વધ્યા પણ ચૂંટણી એક રીતે એક પ્રકારનું સામાજિક સંમિલન – સોશ્યલ ગેધરિંગ તો થયું જ વળી. આ બાબતને તો નકારી શકાય તેમ છે જ નહીં. એક તરફ સરકાર લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન વગેરેની સલાહ તો આપ્યા જ કરે છે, વળી નાઇટ કર્ફ્યુ પણ લાગુ કરી દેવાય છે. મુંબઇમાં પણ કોવિડ-૧૯ને લઇને નવી ગાઇડલાઇન્સ જાહેર કરાઇ છે, એ વાત જૂદી છે કે જે પ્રાઇવેટ ઑફિસિઝ કર્મચારીઓને ઑફિસ આવવાની ફરજ પાડે છે તેમનો કાંઠલો કોઇ નથી ઝાલતું. આ બધામાં સરકાર જ જ્યારે ચૂંટણીનું પ્લાનિંગ યથાવત્ રાખે ત્યારે વાડ જ ચીભડાં ગળાવશે એવી લાગણી થાય.

રોગચાળાની સ્થિતિમાં ચૂંટણી યોજવી એ બહુ મોટું જોખમ છે એ સ્વીકારનાર કોઇ હશે ખરું? આ તરફ વડા પ્રધાના જ્યારે રાજ્યોના વડાને એટલે કે મુખ્ય મંત્રીઓને સંબોધે છે ત્યારે એમ કહે છે કે આપણે રોગચાળાની બીજી લહેરને પ્રસરતા રોકવી જ પડશે કારણ કે તે સારા વહીવટની કસોટી કરનાર સંજોગો ખડા કરે તેમ છે ત્યારે પણ ચૂંટણીને આ સમીકરણમાં મુકવામાં નથી આવતી. વહીવટી તંત્રોએ પ્રો-એક્ટિવ થવું તેવી વાત તો થાય છે પણ મતદારોના સ્વાસ્થ્યની કેટલી પરવા કરાય છે? બ્રાઝીલ અને યુનાટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા પછી સૌથી વધે ઇન્ફેક્શનનીનો આંકડો ભારતમાં છે અને ગયા અઠવાડિયે મંગળવાર એવો છઠ્ઠો દિવસ હતો જ્યારે ૨૦ હજારથી વધુ લોકોને ચેપ લાગ્યા હોવાનું નોંધાયું હતું.

ભારત જેવી મોટીમસ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીનું મહત્ત્વ હોય જ અને હોવું જ જોઇએ પણ અત્યારના સંજોગો ચૂંટણીની પ્રક્રિયાને છે તેના કરતાં કંઇકગણી વધારે પડકારરૂપ બનાવે છે. ચૂંટણીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં જ જળવાય એવું નથી પણ એ કહેવામાં જેટલું સરળ લાગે છે તેટલું સરળ છે નહીં. સ્વાભાવિક છે કે ચૂંટણી એ માનવીય સંવાદો અને કોઇ પણ પ્રકારના વ્યક્તિગત આદાન-પ્રદાનના આધારે જ ચાલતી વ્યવસ્થા છે. આવા સંજોગોમાં આપણને જરૂર છે કે વૈકલ્પિક વ્યવસ્થાની, તે પ્રચાર માટે હોય કે કોઇ બીજી સવલત માટે પણ જે છે તેનાથી ચલાવી લેવામાં જોખમ પણ ઘણાં છે.

વળી લૉકડાઉન, સેમી-લૉકડાઉન, વર્ક ફ્રોમ હોમ વગેરે ચાલતું હોય ત્યારે લોકો સતત ઇન્ટરનેટનો ઉપયોગ તો કરતા જ હોય, માહિતીઓ લોકો પાસે ડિજીટલી જ પહોંચતી હોય છે અને ફેક ન્યૂઝ, ખોટી માહિતીઓ, બોગસ માહિતીઓથી ડિજીટલ સ્પેસ ઉભરાય છે ત્યારે સ્પષ્ટ વિચારવાને મામલે લોકો થાપ ખાઇ જાય તે પણ સ્વાભાવિક છે. મતદારો પૂરતી માહિતી મેળવે અને પછી પોતાની પસંદગી કરે અને મત આપે તે લોકશાહીનો મૂળભૂત ગુણધર્મ – લાક્ષણિકતા હોવી જોઇએ. પરંતુ અત્યારના સંજોગોમાં માહિતીનો ઓવરડોઝ સાચી માહિતીને ખોટી માહિતીથી અલગ તારવવામાં અવરોધરૂપ બને છે. આવી સ્થિતિ હોય ત્યારે ચૂંટણીનું આયોજન કરવું, પારદર્શી મતદાન મેળવવું કંઇ સરળ નથી.

એ સાવ સાચું છે કે કોઇ પણ સમસ્યાઓ વિના, ખલેલ વિના અને સરળતાથી ચૂંટણીનું આયોજન રોગચાળા દરમિયાન થઇ શકે તેવું હોવું જોઇએ, તો જ લોકશાહી સદ્ધર થઇ શકે છે, મજબૂત થઇ શકે છે તેવી આશા બંધાય. ચૂંટણી કેન્સલ થાય કે સસ્પેન્ડ થાય તો એકચક્રી શાસન કે પછી સરમુખત્યારશાહીની પકડ મજબૂત થવાનું જોખમ પણ રહે છે. સાચા મતદારો ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ થાય તે માટે સરકારે તેમને આત્મવિશ્વાસ આપવાનો રહે કે રોગચાળાનું જોખમ તેમને નડશે નહીં. અત્યારે જે સંજોગો છે તે જોતાં એવી કોઇ પણ ખાતરી આપવી કોઇને ય માટે શક્ય નથી, કારણ કે કેસિઝ સતત વધી રહ્યા છે. જો કે હકીકત એ પણ છે કે બિહારમાં જ્યારે ચૂંટણી થઇ, ગયા વર્ષના અંતે, ત્યારે તે અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ સારી રીતે પાર પડી, પરંતુ શું બધે જ એ દ્રષ્ટાંત અનુસરાઇ શક્યું છે અથવા તો અનુસરાઇ શકાશે? એ અંગે કોઇ ગેરંટી નથી.

બાય ધી વેઃ

ચૂંટણી પ્રચારની રેલીઓ પણ થાય છે અને જે વિવાદો વિખવાદો થવા જોઇએ એ પણ થાય છે. નેધરલેન્ડ્ઝમાં પણ ચૂંટણી પાર પડાઇ છે અને અહીં પણ સરકાર મતદાતાઓને મથકો સુધી લાવવા તત્પર છે. છતાં ય મુદ્દો એ બને જ છે કે શું થોડો સમય ખમ્મા કરાય તેમ નથી? સમાજ કલ્યાણના વાયદા કરનારા રાજકારણીઓ મતની લાલચમાં મતદાતઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપશે તો કંઇ કાચું નહીં કપાય. હા સત્તાધીશોએ યાદ રાખવું પડે કે ચૂંટણી પાછી ઠેલાય તેનો અર્થ એમ નથી કે બસ હવે લોકશાહીને ધીરે ધીરે ધક્કો મારી અભેરાઇએ ચઢાવી શકાશે.

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  21 માર્ચ 2021 

Loading

તે સમયે ભારતમાં શાસન અને શાસનવ્યવસ્થા હતાં જ નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|21 March 2021

ભારતનાં બંધારણનું ઘડતર પ્રમાણમાં આસાનીથી થઈ શક્યું એનાં કારણો બતાવતાં આગળના લેખમાં આપણે બે કારણોની વાત કરી હતી. એક તો એ કે ભારતમાં ક્યારે ય અખિલ ભારતીય શાસનવ્યવસ્થા જ નહોતી એટલે અંગ્રેજોને જૂનું હટાવીને નવું દાખલ કરવાપણું હતું નહીં. આને કારણે પ્રજાના વિરોધનો પણ સામનો નહોતો કરવો પડ્યો. બીજું કારણ એ કે ભારતની પ્રજા મહદ્દ અંશે રાજકીય કરતાં સામાજિક ધારાધોરણો દ્વારા શાસિત હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં રાજ્યતંત્ર કરતાં સમાજતંત્ર વધારે પ્રભાવી હતું અને એનું જ શાસન હતું. પ્રજાને રાજાનો ડર ઓછો લાગતો હતો, જ્ઞાતિની પંચાયતોનો ડર વધુ લાગતો હતો. આમાં ગ્રામીણ ભારત તો લગભગ રાજ્યશાસનથી મુક્ત હતું.

અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા ત્યારે તરત તેમને આ વાત સમજાઈ ગઈ હતી. પહેલાં તો તેમને લાગ્યું હતું કે ભારતમાં કોઈ એક ચક્રવર્તી રાજા હશે, એની આખા દેશ ઉપર આણ હશે, એક જ સ્થાનેથી આખા દેશ ઉપર શાસન ચાલતું હશે, ઉપરથી નીચે સુધીનો વહીવટીતંત્રનો પીરામીડ હશે, એક સરખા કાયદા હશે, એક સરખી ન્યાયવ્યવસ્થા હશે, વેપાર-ધંધાના ધારાધોરણ હશે, રાજ્ય વેપારીઓને ચોર લૂંટારા અને ચાંચિયાઓ સામે સુરક્ષા પૂરી પાડતું હશે અને સામે વેરા લેતું હશે, વગેરે વગેરે. પણ પછી થોડા સમયમાં જ તેમને સમજાઈ ગયું હતું કે આ દેશમાં શાસન અને શાસનવ્યવસ્થા છે જ નહીં અને જે છે એ વ્યક્તિસાપેક્ષ અને સમાજસાપેક્ષ છે.

પેલી બાજુ ઇંગ્લેંડમાં કાયદાનું રાજ જરા વધારે પડતું આગ્રહી હતું. અંગ્રેજો બે પ્રકારની લાક્ષણીકતા ધરાવતી પ્રજા છે. એક કાયદા માટેનું વળગણ. તેઓ જે કાંઈ કરે એ કાયદેસર કરે પછી શોષણ અને લૂંટ કેમ ન હોય! બીજી લાક્ષણિકતા રેકોર્ડ રાખવાની ચીવટ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કે તેના અમલદારોએ ભારતમાં જેટલાં કુકર્મો કર્યાં છે એમાંના મોટાભાગના નોંધાયેલા છે. કાયદાના રાજ માટેના આગ્રહના કારણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ધંધો કરવાનો બ્રિટિશ સરકાર પાસેથી પરવાનો લેવો પડ્યો હતો, એ પરવાનો બાંધેલી મુદ્દતનો હતો. મુદ્દત પૂરી થયે નવો પરવાનો લેવો પડતો હતો. કંપની ઉપર સરકાર નજર રાખતી હતી અને પરવાનાની મુદ્દત વધારતી વખતે કંપનીના કામકાજનું અને વ્યવહારનું મૂલ્યાંકન થતું હતું અને તે ત્યાં સુધી કે આમ અને ઉમરાવની સભામાં ચર્ચા થતી હતી.

આ સ્થિતિમાં કંપનીને જવાબદાર વહીવટીતંત્ર વિના ચાલે એમ નહોતું. આમ પણ છ હજાર માઈલ્સ દૂરથી ધંધો કરવા આવ્યા હોય, મોટું રોકાણ હોય, બહોળો ધંધો હોય, જોઈન્ટ સ્ટોક કંપની હોય, કંપનીનું સંચાલન બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરતા હોય શેરહોલ્ડરોને જવાબ આપવો પડતો હોય, બીજા દેશોની વેપારી કંપનીઓ સાથે ગળાકાપ હરીફાઈ ચાલતી હોય અને ધંધો કર્મચારીઓ હસ્તક હોય ત્યારે બેખબર રહેવું પોસાય નહીં. કોઈક પ્રકારની વ્યવસ્થા તો જોઈએ જ. ખાસ કરીને કંપનીના માલ-સામાનની તેમ જ તેના માણસો(દેશી અને વિદેશી બન્ને)ની સુરક્ષાની વ્યવસ્થા પાકી હોવી જોઈએ અને જો માણસો ખોટું કામ કરે તો તેને દંડવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. અહીં ભારતમાં આમાનું કાંઈ જ નહોતું.

ભારતમાં અંગ્રેજ વહીવટીતંત્રના શ્રીગણેશ મુંબઈથી થયા હતા. ઈ.સ. ૧૬૬૮ની સાલમાં ઇંગ્લેન્ડના રાજાએ પોર્ટુગીઝની રાણીએ દહેજમાં આપેલો મુંબઈનો ટાપુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને લીઝ ઉપર આપી દીધો હતો. બ્રિટિશ સરકારે કંપનીને અધિકાર આપ્યો હતો કે તે સુચારુ શાસન માટે મુંબઈના બંદર, મુંબઈના ટાપુઓ અને ત્યાંની પ્રજા પરના શાસન માટે કાયદાઓ ઘડી શકે છે અને જરૂર પડ્યે વટહુકમ પણ કાઢી શકે છે. મુંબઈના ગવર્નરને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો અને આગળ જતા બ્રિટિશ ઢબની અદાલતો સ્થાપવાની પણ પરવાનગી આપવામાં આવી હતી. સૌથી મોટી ચિંતા કંપનીના જાન-માલની પણ હતી તો તે માટે લશ્કરભરતી કરવાની અને શાસ્ત્રો પૂરાં પાડવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.  ૧૬૬૮ પછી નવ વરસે ૧૬૭૭માં કંપનીને તેનું પોતાનું ચલણ છાપવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.

હવે શું બાકી રહ્યું? મુંબઈમાં વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, સુરક્ષાતંત્ર અને નાણાતંત્ર એમ ચારે ય બાબતે બ્રિટિશ શાસકીય મોડેલ લાગુ કરવામાં આવ્યું અને એ સફળ નીવડ્યું. એમ કહી શકાય કે મુંબઈ એક પ્રયોગશાળા હતું. વિદેશી ભૂમિ ઉપર કબજો કરવો એ એક વાત છે અને વિદેશની ભૂમિ ઉપર પ્રજાને સાવ અજાણ્યું હોય એવું વિદેશી ઢબનું શાસન તેના ચારે ય અંગ સાથે લાદવું એ જુદી વાત છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈમાં એવો પ્રયોગ કર્યો જેનો મુઘલ સમ્રાટ, બીજા દેશી રાજવીઓ કે પ્રજાએ વિરોધ નહોતો કર્યો. નવ વરસમાં મુંબઈમાં અંગ્રેજ વહીવટીતંત્રનું વર્તુળ પૂરું થયું એટલે કંપનીએ બીજા વરસે ૧૬૭૮માં મદ્રાસમાં બ્રિટિશ ઢબનું કંપનીનું વહીવટીતંત્ર લાગુ કરવા માંડ્યું. ૧૬૮૩ની સાલમાં બ્રિટિશ સરકારે એક ચાર્ટર બહાર પાડીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બીજાં રાજ્યો સાથે સંધી કરવાની અને જરૂર પડ્યે લડાઈ કરવાની પરવાનગી આપી.

અહીં આપેલી સાલવારી ઉપર એક નજર ફરી વાર કરો. કેટલી ઝડપથી ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ભારતની પ્રજાને અજાણ્યું હતું એવું તંત્ર દાખલ કરતી ગઈ અને સાથે પગપેસારો કરતી ગઈ. કારણ ઉપર કહ્યું એમ આપણે ત્યાં શાસનવ્યવસ્થાનો તેમ જ શાસકીય સમગ્રતાનો અભાવ હતો એટલે શૂન્યાવકાશ ભરવામાં અંગ્રેજોને મુશ્કેલી નહોતી પડી. હકીકત એ છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત ઉપર કબજો કરવામાં તેની શાસકીય વ્યવસ્થાએ અને શાસકીય સમગ્રતાએ મદદ કરી હતી. કંપનીએ ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી બંગાળ  ઉપર કબજો કર્યો અને એ સાથે તેની શાસનવ્યવસ્થા દાખલ કરી એવું નથી. એની શરૂઆત તો એના લગભગ સો વરસ પહેલાં મુંબઈનાં ખોબા જેવડા ટાપુઓમાં થઈ હતી. બંગાળ કબજે કર્યા પછી તેનું સ્વરૂપ વ્યાપક બન્યું એટલું જ. બીજી હકીકત એ છે કે ભારતની પ્રજાને પણ અવ્યવસ્થા અને અરાજકતાની વચ્ચે વ્યવસ્થા ગમવા લાગી હતી. ધારાધોરણ તેને ગમવા લાગ્યા હતા. એવું પણ હોય કે આ વ્યવસ્થા, ધારાધોરણ, સાતત્ય અને એક રીતની શાસકીય સમગ્રતાને કારણે ભારતની પ્રજાએ અંગ્રેજોની ગુલામી સ્વીકારી લીધી હશે. ભારતની પ્રજાને ગુલામી મીઠી લાગવા માંડી હતી એવું કહેનારા ઘણાં પ્રમાણ ઉપલબ્ધ છે.

તો વાતનો સાર એટલો કે ભારતીય શાસનવ્યવસ્થાના અભાવમાં અંગ્રેજ શાસનવ્યવસ્થા માટે ભારતમાં અનુકૂળતા હતી અને બીજું, અંગ્રેજી શાસનમાં જોવા મળેલી શાસકીય સમગ્રતાને કારણે ભારતની પ્રજાએ તેનો વિરોધ તો નહોતો કર્યો, પણ ઊલટો આવકાર આપ્યો હતો. આઝાદી માટેનાં આંદોલન વખતે કેટલાક ભારતીય નેતાઓ કહેવા પણ લાગ્યા હતા કે આઝાદીનો અર્થ અંગ્રેજોના શાસનનો અંત હશે, અંગ્રેજી ઢબના શાસનનો અંત નહીં હોય. આમ કહેવાની એટલા માટે જરૂર પડી હતી કે ભારતની પ્રજાનો એક મોટો વર્ગ અંગ્રેજી ઢબના શાસનનો હિમાયતી બની ગયો હતો.

પણ આનો અર્થ એવો નથી કે આપણે પૂરેપૂરું અંગ્રેજ ઢબનું શાસન અપનાવ્યું છે અને એવું પણ નથી કે બંધારણ ઘડતી વખતે અને એ પહેલાં કોઈ મતભેદ નહોતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 માર્ચ 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—87

દીપક મહેતા|Opinion - Opinion|20 March 2021

બધા કામદારોના ‘ભાઉ’ બનનાર લક્ષ્મણ અજિંકય

કારકૂનમાંથી બંદર બાંધવાના કોન્ટ્રેક્ટર બન્યા ભાઉ

બંદરને નામ મળ્યું ગવર્નરનું, પણ લોકો તો આજે ય કહે છે ‘ભાઉચા ધક્કા’ 

‘હમ હોંગે કામયાબ એક દિન’ એ ગીત ૧૯મી સદીના એક સરકારી કારકૂને તો ન જ સાંભળ્યું હોય. પણ આ ગીત પ્રમાણે જીવનારાઓમાંના એક તેઓ નહોતા. જેમના જીવન પરથી આવાં ગીત લખાય તેવા થોડાઓમાંના એક તેઓ હતા. કોલાબાના ટાપુ પર હતી અંગ્રેજ સરકારની ગન કેરેજ ફેક્ટરી. કંપની સરકારના લશ્કર માટે ત્યાં તોપ, તોપના ગોળા, અને એવો બીજો સરંજામ બને. અધિકારીઓ તો બધા અંગ્રેજ, પણ કામદારો ‘દેશી’. મુંબઈના સૌથી જૂના વસાહતીઓમાંના એક પાઠારે પ્રભુ જાતિના લોકો. એ જાતિનો એક યુવક, નામે લક્ષ્મણ હરિશ્ચન્દ્રજી અજિંક્ય. રાયગઢ જિલ્લાના ઉરણ નજીકના કરંજા નામના ગામડામાં ૧૭૮૯માં તેમનો જન્મ. એ જમાનામાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા યુવાનો નસીબ અજમાવવા મુંબઈ આવતા. એમ તેઓ પણ આવ્યા અને ગન કેરેજ ફેક્ટરીમાં કારકૂન બન્યા.

લક્ષ્મણ હરિશ્ચન્દ્રજી અજિંક્ય ઉર્ફે ભાઉ

હવે બન્યું એવું કે એ ફેક્ટરીના એક કામદારે ચોરી કરી. ફેક્ટરી હતી લશ્કરી. એટલે લશ્કરના નિયમ પ્રમાણે પેલા ચોરને જાહેરમાં ફટકા મારવાની સજા થઈ. પણ આ રીતે તો એક મરાઠી માણુસની જાહેરમાં બદનામી થશે એમ લક્ષ્મણને લાગ્યું. એટલે પહોંચ્યા સીધા ફેકટરીના વડા રસેલસાહેબ પાસે, અને કહ્યું કે પેલા ચોર કામદાર વતી હું માફી માગું છું, પણ તેને આવી સજા ન કરો. સાહેબે પૂછ્યું કે એ જુવાન તારો કાંઈ સગો થાય છે? એના વતી તું કેમ માફી માગવા આવ્યો છે? ભાઉએ કહ્યું : મારો સગો તો નથી થતો પણ અમે બંને એક બિરાદરીના છીએ, એક ગામના છીએ. એટલે તેને નીચાજોણું થાય તે મારાથી કેમ જોઈ રહેવાય? સાહેબ પોતે અંગ્રેજ હોવાનો ગર્વ ધરાવતા હતા. એક સામાન્ય ‘દેશી’ કારકૂનને પણ પોતાના દેશની આટલી દાઝ છે એ જોઈ રાજી થયા અને પેલા જુવાનની સજા માફ કરી. એટલું જ નહિ, ત્યારથી લક્ષ્મણ અજિંક્યને ‘બ્રધર’ કહી બોલાવવા લાગ્યા. એટલે પછી બધા કામદાર પણ ‘ભાઉ’ કહેવા લાગ્યા.

માણસ મહેનતુ અને પ્રામાણિક એટલે થોડા વખતમાં મુખ્ય કારકૂન બની ગયા. મહેનત અને સૂઝને કારણે લક્ષ્મણ રસેલસાહેબના માનીતા થઈ પડ્યા. એટલે તેમના કેટલાક સાથીઓ તેમને  ‘ભાઉ રસૂલ’ કહેતા. એ વખતે હજી ડબ્બાવાળા તો હતા નહિ. એટલે કામદારોને બપોરના ખાણાની બહુ મુશ્કેલી પડતી. આ વાત ભાઉના ધ્યાનમાં આવી. એટલે એક દિવસ લાગ જોઈને રસેલસાહેબને તેમણે કહ્યું : ‘સાહેબ, ફેક્ટરીના કામદારો દૂર દૂરથી આવે છે, ઘણાખરા હોડીમાં આવે છે. એટલે તેમના બપોરના જમવાનાં ઠેકાણાં રહેતાં નથી. ઘરેથી લૂખીસૂકી ભાખરી પોટલીમાં બાંધીને લાવ્યા હોય તે ખાઈને, તેના પર પાણી પીને પેટ ભરી લે છે. આ કામદારો માટે અહીં એક કેન્ટીન શરૂ કરીએ તો કેવું?' આ ‘કેન્ટીન’ શબ્દ તો આપણે વાપર્યો, તેમણે તો શુદ્ધ મરાઠી શબ્દ ‘ખાણાવળ’ શબ્દ વાપર્યો હશે. રસેલસાહેબને ગળે આ વાત ઊતરી ગઈ. તેમણે કહ્યું : ‘આ માટેની પરવાનગી તો હું આપું, પણ એક શરતે.’ ભાઉ જરા ગભરાયા હશે એટલે મૂંગા રહ્યા. સાહેબ વાત સમજી ગયા એટલે કહે : ‘મારી શરત એ છે કે એ ખાણાવળ તમારે જ ચલાવવાની.’ ભાઉને તો દોડવું હતું ને ઢાળ મળ્યો! કારકૂનમાંથી ધંધાદારી બનવાનું પહેલું પગથિયું મળી ગયું! તાબડતોબ ખાણાવળ શરૂ કરી. સાદું, પણ સારું, સ્વાદિષ્ટ જમવાનું, અને પાછું ખૂબ કિફાયતી ભાવે. એટલે બધા કામદારોના ભાઉ માનીતા થઈ ગયા.

કેન્ટીન જે રીતે ચલાવતા હતા તે જોઈ રસેલસાહેબ ખુશ થયા. વિચાર્યું કે આ માણસ છે હોનહાર. એ જમાનામાં મુંબઈની વસતી કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. જેમ વધારે લોકો, તેમ વધારે કચરો ભેગો થાય. એનો નિકાલ કઈ રીતે કરવો એ સરકાર માટે મોટો સવાલ થઈ પડ્યો. આપો કોન્ટ્રેક્ટ. આ વાતની રસેલસાહેબને ખબર. એક દિવસ ભાઉને બોલાવીને કહ્યું : ‘તમે આ કચરો ઉપાડવાનો એક કોન્ટ્રેકટ લઈ લો. નોકરી છોડવાની જરૂર નથી. બંને કામ સાથે કરજો.’ આ કામ પણ ભાઉએ એવી ધગશથી કર્યું કે તેઓ બીજા અંગ્રેજ અફસરોના પણ માનીતા બની ગયા. તેમણે ગન કેરેજ ફેક્ટરીની નોકરીને રામ રામ કર્યા, રસેલસાહેબની મંજૂરી લઈને. આ નવું કામ શરૂ કર્યા પછી તેમની સામે સવાલ ઊભો થયો : રોજ રોજ એકઠા થતા આ કચરાને નાખવો ક્યાં? હવે, એ જ વખતે સરકારે દરિયો પૂરીને નવી જમીન મેળવવાનું શરૂ કરેલું. આ માટેની ‘ભરણી’ પૂરી પાડવાનો કોન્ટ્રેક્ટ પણ ભાઉએ મેળવ્યો. મૂળે ગામડાનો માણસ. એટલે જાણતો હતો કે આ ઘરગથ્થુ કચરાને દરિયા કાંઠે નાખ્યો હોય તો કોહવાઇને થોડા વખતમાં પથ્થર જેવો બની જાય. એટલે ગામમાંથી કચરો એકઠો કરે અને દરિયા કિનારે ઠાલવે. એક પંથ ને દો કાજ.

જૂદા જૂદા પ્રકારનાં શઢવાળાં વહાણ

મૂળ ઉરણના રહેવાસી એટલે ‘દેશ’માં આવવા-જવાનું તો અવારનવાર થાય. એક તો વહાણની મુસાફરી. બીજું, કિનારા પર ‘ધક્કા’ની સગવડ નહીં, એટલે વહાણ કિનારાથી થોડે દૂર નાંગરે. દરિયાનાં છીછરાં પાણીમાંથી ચાલીને, કિચડથી ખરડાયેલા પગે, માંડ કિનારે પહોંચે. પણ ત્યાંથી આગળ પણ પાકા રસ્તા નહિ. એટલે કલેકટર બ્રુસસાહેબને ભાઉએ વિનંતી કરી કે જ્યાં વહાણો નાંગરે છે ત્યાં સુધીનો પાકો રસ્તો મારે ખર્ચે બનાવવાની પરવાનગી આપો. ‘પણ એમાં સરકારને શો ફાયદો?’ બ્રુસસાહેબ ઉવાચ. ભાઉ કહે કે રસ્તાની સગવડ થશે તો દરિયા માર્ગે થતો વેપાર પણ વધશે, અને વેપાર વધશે તો સરકારની તિજોરીમાં ભરાતું મહેસૂલ પણ વધશે. એટલે દરખાસ્ત ગઈ ગવર્નર ગ્રાંટ પાસે. તેમણે મંજૂરી આપી. પણ એ વખતે સરકાર આવા રસ્તા બાંધવા માટે ફદિયું ય આપતી નહિ. હા, મહેનતના બદલામાં રસ્તાની આજુબાજુની થોડી જમીન કોન્ટ્રેક્ટરને લાંબા લીઝ પર આપતી. પરવાનગી મળી, અને મસ્જિદ બંદરથી ક્રાફર્ડ માર્કેટ સુધી અને ડોંગરીથી દરિયા કિનારા સુધીના રસ્તા ભાઉએ બાંધ્યા – પેલો રોજ રોજ ભેગો થતો કચરો વાપરીને!

ભાઉચા ધક્કા

આજે તો મુંબઈ શહેરમાં જમીનનો ખાલી ટુકડો ય શોધ્યો ન જડે. અને જડે તો એના કરોડો રૂપિયા ઉપજે. પણ એ જમાનામાં મુંબઈ શહેરમાં અને તેની બહાર પણ પુષ્કળ ઉજ્જડ જમીન પડી હતી, સરકારી માલિકીની. સરકારે પોતે તેનું ડેવલપમેન્ટ કરવાને બદલે આજે જેને ડેવલપર કહીએ છીએ તેને લાંબા લીઝ પર આપવાનું શરૂ કર્યું. આ ડેવલપરો એ વખતે ‘ખોત’ તરીકે ઓળખાતા. આવી જમીન મેળવવા માટે ભાઉએ સરકારમાં અરજી કરી. સરકારે તેમને દિન્ડોશી (ગોરેગાંવ), ચીંચવલી (મલાડ) અને આકુર્લી (કાન્દીવલી) એ ત્રણ ગામના કાયદેસરના હક્ક ભાઉને આપ્યા, અને એક વખતના કારકૂન બન્યા જમીનદાર.

પણ પ્રિય વાચક! તમે કહેશો કે અ બધું તો બરાબર, પણ આમાં બંદરની વાત ક્યાં આવી? ગયે અઠવાડિયે તો કહેલું કે આવતે અઠવાડિયે બીજા એક બંદરની વાત. જરા ધીરા પડો દોસ્ત! હવે આવે છે એક અનોખા બંદરની વાત. 

એ જમાનામાં પણ એક કુદરતી બંદર તરીકે મુંબઈની નામના હતી, પણ માલસામાન કે મુસાફરો માટે ઝાઝી સગવડ નહોતી. કાંઈ નહિ તો માલસામાન માટે તો એક ધક્કો બાંધવો જોઈએ એ વાત સરકારને પણ સમજાઈ. પણ એ વખતે દરેક નાનાં મોટાં કામ માટે મંજૂરી અને પૈસા બ્રિટનથી મગાવવા પડતા. અને ત્યાંના હાકેમો આવાં કામ માટે ઝટ રાજી થાય તેવા નહોતા. એટલે ફરી જમીન લીઝ પર આપીને ધક્કો બંધાવવાનું નક્કી કર્યું અને એ માટેની જાહેરાત સરકારે કરી. આવી તક ભાઉ જતી કરે? આવું ગંજાવર કામ કરવાની ઇચ્છા તો બીજાને પણ હતી, પણ ખરચનો વિચાર કરી અરજી કરવાનું માંડી વાળ્યું. પૈસા તો ભાઉ પાસે પણ નહોતા, પણ આગે આગે ગોરખ જાગે એમ વિચારી અરજી કરી, અને તે મંજૂર પણ થઈ ગઈ. સરકારે કેટલીક શરતો મૂકી તે ભાઉએ સ્વીકારી. સરકારે બાંધવાના ધક્કાનો પ્લાન માગ્યો, તો તે ય મોકલ્યો. દરિયામાં આવતી ભરતી-ઓટના સમય, ઋતુ પ્રમાણે તેમાં થતો ફેરફાર, પાણીની ઊંડાઈ, આવતાં-જતાં વહાણોની સરેરાશ લંબાઈ, વગેરે બધી બાબતોનો અભ્યાસ કરીને ભાઉએ સરકારને પ્લાન મોકલ્યો. દરિયાનાં મોજાંની સતત થાપટો સામે માટીનો બંધ ટકે નહિ એ ભાઉ જાણતા હતા. એટલે અહીં પણ તેમણે શહેરના કચરાનો ઉપયોગ સૂચવ્યો. સરકારે વખતોવખત શરતોમાં ફેરફાર કર્યા, કેટલાક વિરોધીઓએ ભાઉની મર્યાદાઓ બતાવીને તેમને આપેલી મંજૂરી પાછી ખેંચી લેવા સરકાર પર દબાણ મૂક્યું. પણ ભાઉ મક્કમ હતા, અને સરકારમાં તેમની છાપ સારી હતી એટલે કામ તો તેમને જ મળ્યું.

ગવર્નર જેમ્સ કર્ણાક

જ્યાંથી મળ્યા ત્યાંથી પૈસા ભેગા કરવા માંડ્યા ભાઉ. પણ દોઢ લાખ રૂપિયા જેવી એ જમાનામાં મોટી કહેવાય તેવી રકમનો બંદોબસ્ત થઈ શક્યો નહિ. એટલે પોતાના ઓળખીતા અમલદારો મારફત ભાઉએ વાત ગવર્નર રોબર્ટ ગ્રાન્ટના કાને પહોંચાડી. તેમણે છ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજથી દોઢ લાખ રૂપિયાની સરકારી લોન મંજૂર કરી. એટલે ભાઉમાં અને ધક્કો બાંધવાના કામમાં જીવ આવ્યો. અને ચાર વરસમાં તો નવો નક્કોર ધક્કો બંધાઈને તૈયાર. સરકારને જે પ્લાન મોકલેલો તેમાં ક્યાં ય નજીકમાં વખારો બાંધવાની વાત નહોતી. પણ વેપારીઓની સગવડ ખાતર ભાઉએ ધક્કા નજીક માલ સંઘરવા માટે વખારો પણ બાંધી! આખા દેશમાં વખાર સાથેનું આ પહેલું બંદર. એ ઉપરાંત બંદર નજીક છાપરાં, કચરા અને ગંદા પાણીના નિકાલની સગવડ, બંદર સુધીનો એપ્રોચ રોડ, વગેરે બધી જ સગવડો ભાઉએ ઊભી કરી. આથી અહીંનો વેપાર વધ્યો, અને એથી સરકારની આવક વધી. એટલે ભાઉ પર ખુશ થઈને સરકારે પચાસ વરસ સુધી અહીં માલની ચડ-ઉતર કરવાનો એકાધિકાર ભાઉને આપ્યો! બાંધકામ દરમ્યાન ભાઉ બને ત્યાં સુધી આસપાસના વિસ્તારોના મજૂરોને જ કામ માટે રોકતા. એટલે સ્થાનિક લોકો પણ ભાઉ પર ખુશ. એટલે લોકો તો અ જગ્યાને ‘ભાઉચા ધક્કા’ તરીકે જ ઓળખવા લાગ્યા.

પણ ભાઉની અંગ્રેજભક્તિનો પ્રભાવ હોય, કે પછી તેમની મુત્સદ્દીગિરીનો પ્રતાપ હોય, ભાઉએ તો સરકારને એક અરજી મોકલી. એ અરસામાં જ જેમ્સ કર્ણાકની નિમણૂંક મુંબઈના ગવર્નર તરીકે થઈ હતી. એટલે ભાઉએ અરજીમાં લખ્યું કે આ નવા બંદરને કર્ણાક બંદર એવું નામ આપવામાં આવે. સરકાર માટે તો ભાવતું’તું ને વૈદે કીધું. એટલે તરત નામ પાડ્યું કર્ણાક બંદર. અને નામકરણ વિધિ કરેલો ગવર્નર કર્ણાકે પોતે! પણ મુંબઈના લોકો જેનું નામ! આજ સુધી તેને ‘ભાઉચા ધક્કા’ તરીકે જ ઓળખે છે. આઝાદી પછી તો દરવાજા પર પણ એ જ નામ લખાયું.

કોંકણ ને મુંબઈ વચ્ચેની મુસાફરી માટે એ વખતે નહોતી ટ્રેનની સગવડ કે નહોતી બસની સગવડ. એટલે નાની આગબોટ એ જ મુસાફરી માટેનું એક માત્ર સાધન. એટલે કોંકણના લોકો માટે તો આ ભાઉચા ધક્કાનું બંદર એ જાણે બીજું મંદિર. ભાઉએ આ ધક્કો બાંધ્યા પછી લગભગ દોઢ સો વરસ સુધી કોંકણના લોકો એ વાપરતા રહ્યા અને ભાઉને દુઆ દેતા રહ્યા. મુંબઈમાં બંદરો તો ઘણાં છે, અને તેમાંનાં કેટલાંકની મુલાકાત હજી બાકી છે. પણ આવતે શનિવારે આપણે ઈન્ટરવલ પાડશું, કારણ ૨૭ માર્ચ એ એક ખાસ દિવસ છે. એટલે થોડી વાતો કરશું એ ખાસ દિવસ સાથેના મુંબઈના સંબંધની.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 માર્ચ 2021

Loading

...102030...2,1342,1352,1362,137...2,1402,1502,160...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved