Opinion Magazine
Number of visits: 10,226,537
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેળો બંધ, પણ મેળાવડા ચાલુ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 April 2021

કોઈ પણ સરકાર કે તંત્ર મૂરખ નથી, પણ તે મૂરખ બનાવી શકે છે. લોકો એ સમજતાં નથી એવું નથી, પણ તેમાં કેટલાક મતલબી, મૂરખ અને મવાળ હોય છે, એ પ્રતિક્રિયા ખૂણેખાંચરે આપતાં હોય છે ને તે સરકાર સુધી પહોંચતી નથી એટલે તેને એમ લાગે છે કે જે ચાલી રહ્યું છે તે પ્રજાને માન્ય છે. વધારામાં આવા લોકો શાસક પક્ષ પ્રેરિત ધાર્મિકતાનો શિકાર હોય છે. આ ધર્મ ઘરમાં ઓછો ને બહાર વધુ ફેલાયેલો હોય છે. એમાં આસ્થા હોય તો આનંદ થાય, પણ એ કોઈ પક્ષ પ્રેરિત હોય ત્યારે એની ગણતરી લાભ ઉઠાવવાની જ હોય છે.

ધાર્મિક લાગણી ન દુભાય એટલે સરકારે કુંભમેળો યોજાવા દીધો. એ સાચું કે તે બાર વર્ષે આવે છે, પણ આ વખતે કોરોનાએ જે કહેર વરસાવ્યો એ જોતાં તે લોકહિતમાં બંધ રહેવો જોઈતો હતો, પણ ઉત્તરાખંડના મુખ્ય મંત્રીની એવી ધારણા હતી કે કોરોના જેવું કૈં નથી એટલે કુંભમેળો યોજાયો. શાહી સ્નાન થયાં તેમાં બે તબક્કે 35 લાખ અને 14 લાખ લોકોએ સ્નાન કર્યું. આ મેળા દરમિયાન જ હજારથી વધુ સંતો ને ભક્તો સંક્રમિત હતા. એ સંખ્યા વધતી ગઈ ને પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ ત્યારે વડા પ્રધાને અપીલ કરવી પડી કે બબ્બે શાહીસ્નાન પૂરાં થયાં છે તો હવે મેળો સંકેલી લેવો જોઈએ. એ અગાઉ પણ અમુક અખાડાએ મેળો બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે બીજા કેટલાકને તેનો વાંધો પડ્યો હતો, કોઇકે તો ચૂંટણીમાં થતી ભીડ રોકવાની સલાહ પણ આપેલી, પણ વડા પ્રધાને અપીલ કરી તો સૌએ માન રાખીને મેળો બંધ થવાની જાહેરાત કરી. હવે બધું ખાલી થયું છે ત્યારે સંતો કહે છે કે મેળા કરતાં લોકોનું જીવન વધારે મહત્ત્વનું છે. આ જ્ઞાન, અજ્ઞાનથી ચડે એવું છે.

હવે મેળામાંથી પરત થયેલા ભક્તો કેટલાને કોરોનાનો પ્રસાદ વહેંચશે તે તો સમય કહેશે, પણ હરિદ્વારથી એક ટ્રેન ગુજરાત આવી તેમાં 49 સંક્રમિતો નીકળ્યાં. ગુજરાતના મુખ્ય મંત્રીએ તો જાહેરાત કરી જ છે કે કોઈ પણ યાત્રી ટેસ્ટ વગર ઘરે નહીં જઈ શકે. આપણા મુખ્ય મંત્રી ઉત્સાહી બહુ છે. કોરોનાની પાછળ પાછળ રાજકોટ, સુરત, પાટણ પણ પહોંચી જાય છે અને જાહેરાતો કરતાં રહે છે. જાહેરાતમાં દેખાવું અને જાહેરાત કરતાં રહેવું એ એમનાં “પ્રધાન” લક્ષણો છે. એમણે જાહેરાત કરી છે કે એક પણ દરદી રેમડેસિવિર ઇન્જેક્શન વગર નહીં રહે. એ જુદી વાત છે કે દરદીઓ ઇન્જેક્શનો વગર, ઓક્સિજન વગર, બેડ વગર, તરફડે છે ને ઘણા તો સારવાર વગર જ જીવવું છોડી દે છે. એક તરફ સાધનોની ભારે તંગી છે ને બીજી તરફ લોકો ઇન્જેકશનોના કાળાબજાર કરતાં શરમાતા નથી. એમ્બ્યુલન્સ તો છોડો, શબવાહિનીઓ ખૂટી પડી છે ને એકમાં જ એકથી વધુ મૃતદેહો ખડકીને સ્મશાને પહોંચાડવા પડે છે. આ સ્થિતિને નિવારવા કેટલીક જૂની એમ્બ્યુલન્સને શબવાહિનીમાં પણ ફેરવવી પડી છે. એમ્બ્યુલન્સને શબવાહિનીમાં ફેરવવી પડે એટલો વિકાસ તો થયો છે આપણો ! મુખ્ય મંત્રીએ જ જાહેરાત કરેલી કે પ્રદેશ પ્રમુખે સ્મશાનમાં ટ્રકો ભરી ભરીને લાકડાં મોકલ્યાં છે. કેવી ભવ્ય મદદ ! કૈં નહીં તો મરનાર લાકડાં તો પામ્યો. બળવા માટે લાકડાં મળી રહે એટલે તો સત્તા આપી હતી લોકોએ ! સાહેબે સિટિસ્કેનના ભાવની જાહેરાત પણ કરી. વડોદરાના એક નામી તબીબે સિટિસ્કેનના 2,500 રૂપિયાથી વધુ ન લેવાનો અનુરોધ કર્યો ને વડોદરામાં 2,500નો જ ભાવ ફાઇનલ કર્યો, તો મુખ્ય મંત્રીએ જાહેરાત કરી 3,000ની. 2,500ના 3,000 કેમ થયા તે નથી ખબર, પણ વડોદરાને 2,500 માન્ય હોય તો 3,000 ન કર્યા હોત તો ચાલતે, એવું નહીં?

ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 18 લાખને પાર પહોંચવામાં છે ને શનિવારે જ 2.60 લાખ નવા કેસ ઉમેરાયા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, અને છત્તીસગઢમાં જ દેશના 58 ટકાથી વધુ કેસ નોંધાયા છે. શનિવારે જ 1,492 મૃત્યુ દેશમાં કોરોનાને કારણે થયાં છે. ગુજરાતમાં શનિવારે 9,541 કેસ નવા ઉમેરાયા છે અને 97 લોકો મૃત્યુ પામ્યાં છે. સૌરાષ્ટ્રમાં 178 મોત થયાં છે. અહીં સવાલ એ થાય કે ગુજરાતમાં 97 મૃત્યુ નોંધાયા હોય તો સૌરાષ્ટ્રમાં 178 મોત કેવી રીતે થયાં? સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે તે તો ખરુંને? જો કે, ગુજરાતના આંકડાઓ પર તો હાઇકોર્ટને પણ ભરોસો નથી. એણે તો સરકારને સાચા આંકડાઓ જાહેર કરીને પ્રજાને વિશ્વાસમાં લેવાની તાકીદ પણ કરી છે, મગર વો દિન કહાં કિ ….

એક વાત સ્પષ્ટ છે કે આપણે અત્યારે કેવળ અરાજકતાનો શિકાર છીએ. એમાં તંત્રોથી વધુ જવાબદાર પ્રજા છે. તંત્રો ઢીલાશ દાખવે એમાં ચોક્કસ ગણતરી હોય. એણે ધાર્મિક, આર્થિક, રાજકીય કારણોસર લાચાર થવું પડે, પણ પ્રજા તરીકે ગાઈડલાઇનનું પાલન કરવામાં શી મુશ્કેલી છે એ નથી સમજાતું. પંચમહાલના કોઈ નેતાના દીકરાનાં લગ્નમાં ઢગલો માણસો નાચતાં દેખાયાં. ડી.જે.ને તાલે નાચવાનું સરકાર નથી કહેતી, કોઈએ ચોખા નથી મૂક્યા કે સભા-રેલીમાં જોખમ વહોરવા દોડવું જ પડે. કરફ્યુની જાહેરાત થાય કે લોકડાઉનની બીકે, ચીજવસ્તુઓ મળવાની જ ન હોય એમ બજારો પર કે લારીઓ તૂટી પડવાનું સરકાર કહે છે? તો, કેમ આપણે, આપણી સલામતી માટે ઘરમાં નથી રહી શકતા? જેમને ઘર નથી એમને તો લાચારી છે, બહાર રહેવાની, જેમને છે એમને કેમ ઘર નથી દેખાતું? આ શરમજનક છે ને જેમને સાચવવાના છે એમની મશ્કરી કરવા જેવું પણ છે.

એવી જ મજાક સરકાર અને તંત્રો, પ્રજાની પણ કરે છે. ચૂંટણી પંચ જો પોતાને વફાદાર હોય તો એ કડક રીતે કામ કરી જ શકે, પણ એવું ઓછું જ છે. રાજકીય પક્ષો ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો પ્રતિબંધ મૂકવાની પંચ ધમકી આપે છે. અહીં પૂછવાનું થાય કે પાલન થતું નથી તે દુનિયાને દેખાય છે તો તમારી નજર જ કેમ કમજોર છે? પંચે શું નથી જોવાનું તે, તે બરાબર જુએ છે. તાજેતરમાં જ પંચે ફતવો બહાર પાડ્યો કે સાંજે 7થી સવારે 10 સુધી રેલી – સભા પશ્ચિમ બંગાળમાં યોજી શકાશે નહીં. પંચને ખબર છે કે રેલીઓ મોડી રાત્રે ને વહેલી સવારે નથી યોજાતી એટલે સાંજે 7 થી સવારે 10નો સમય નક્કી કર્યો. ફતવો એવી કાળજીથી બહાર પડાયો કે પ્રચારને ઊની આંચ ન આવે ને એમ પણ લાગે કે પંચ જવાબદારીપૂર્વક કામ કરી રહ્યું છે. તંત્રો આટલી હદે પ્રજાને મૂરખ સમજવાનું બંધ કરે, કારણ આ મૂરખ પ્રજા જ પગ નીચેથી જમીન ખેંચી લે છે એ ભૂલવા જેવું નથી.

વડા પ્રધાનને કોરોના યાદ આવે છે ત્યારે એ મુખ્ય મંત્રીઓ કે અધિકારીઓ સાથે બેઠક કરી લે છે. એમણે શનિવારે સાંજે બેઠક કરીને તાગ મેળવી લીધો કે બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓની શી સ્થિતિ છે. સાથે જ સંતવાણી પણ ઉચ્ચારી કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટનો કોઈ વિકલ્પ નથી. બહુ વખતે યાદ આવ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આનંદ થાય કે વડા પ્રધાન દેશ માટે આટલું તો કરે છે, બાકી કોણ આ જમાનામાં આટલી ચિંતા કરે છે ! તેમણે તંત્રોને સંવેદનશીલ બનવાનું પણ કહ્યું. આની સામે વડા પ્રધાન પણ થોડા સંવેદનશીલ બને તો કેવું સારું?

વડા પ્રધાનની આસાનસોલની શનિવારની રેલીમાં લોકો એટલી મોટી સંખ્યામાં ઊમટી પડ્યા કે તેમણે કહેવું પડ્યું કે આવી સભા પહેલીવાર જોઈ છે. લોકોએ એવી તાકાત દેખાડી છે કે ચારે તરફ લોકો જ દેખાઈ રહ્યાં છે. લોકોએ કમાલ કરી દીધી. એ જોઈને હરખ થાય કે વડા પ્રધાનને માનનારો મોટો વર્ગ છે. એમની સભામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એનો સહજ આનંદ આમ જ વ્યક્ત થઈ શકે, પણ કોરોના કાળમાં આ પ્રશંસા ઘણા અનર્થ સર્જી શકે. આમાં કોઈ ગાઈડલાઇનનું પાલન ન જ થયું હોય એ નક્કી છે. આવે વખતે ચૂંટણી પંચે એ ભૂલી જ જવાનું હોય કે પ્રતિબંધની કોઈ વાત એણે કોઈ કાળે કરેલી. આંખ આડા કાન કરવાની આ સસ્તી યુક્તિ પકડાઈ જાય એવી છે.

એક તરફ વડા પ્રધાન ગંભીરતાથી અધિકારીઓને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટની તાકીદ કરતા હોય ને બીજી બાજુ ભીડ કરવા બદલ લોકોને પ્રોત્સાહિત કરતાં હોય તો આ ભીડ, પાછળથી કોરોનાની ટ્રીટમેન્ટ માટે તો ભેગી નથી કરાઈને એવો સવાલ થાય. રેલીમાં ભેગા થાવ તો વખાણ થાય ને લગ્નમાં ભીડ કરો તો દંડ થાય એ કેવું? રસ્તે માસ્ક વગર નીકળો તો ચલણ ફાટે, પણ મેળા કે મેળાવડામાં ભીડ કરો તો પીઠ થાબડવામાં આવે, એ કોઈ પણ રીતે યોગ્ય નથી.

સરકાર ભલે એવા ભેદ કરે, પણ કોરોના કોઈની શરમ રાખતો નથી. પશ્ચિમ બંગાળ અને કુંભમેળો લોકોને પોક ના મૂકાવે એવી પ્રાર્થના જ કરવાની રહે છે. કૈં થયું તો એવા લોકો વેઠવાના છે જે જવાબદાર નથી. આવનારી પેઢી આપણને માફ કરે એવી થોડી જગ્યા તો રહેવા દઈએ.

સબ કો સન્મતિ …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ઍપ્રિલ 2021

Loading

બે કવિતા

મૂકેશ પરીખ|Opinion - Opinion|19 April 2021

− ૧ −

આટલું કરીએ

આવ આજથી નવી શરૂઆત કરીએ,
સહુથી અલગ એવી કોઇ વાત કરીએ.

બદલવી નથી રીત-રસમ આ જગતની,
માફક આવે આપણને એવી રીતભાત કરીએ.

મહાલી લઈએ ભીડથી જરા આઘા જઈને,
ચાલ સ્વની સાથે જ ટૂંકી મુલાકાત કરીએ.

જગને બદલવાની જવાબદારી લેવી નથી,
આવ પરસ્પર જ આપણી રજૂઆત કરીએ.

છૂત-અછૂત, આભડછેટને દઈએ તિલાંજલિ,
માનવતાથી છલકાય એવી એક નાત કરીએ.

ધિક્કાર-તિરસ્કારને મૂકી સાવ નેવે ‘મૂકેશ’,
પ્રેમથી તરબોળ એવી એક પ્રભાત કરીએ.

− ૨ −

પડછાયો છું:

ચાલુ તારી સંગ સંગ પણ હાથ ન ઝાલી શકું,
હું હવે ‘હું’ નથી બસ હું તો મારો પડછાયો છું.

જે સાંભળી હરખાય છે તું, તે મારી કવિતા નથી,
અધૂરા અરમાનો લઈ તારે કાને હું અથડાયો છું.

મૃદુ અવાજે ગણગણી છે જ્યારે તેં કવિતા મારી,
રસિકજનોના દિલના ઊંડાણમાં હું પડઘાયો છું.

મળી ઘૃણા ચોતરફથી અફસોસ તલભાર નથી,
ધન્યવાદ આપ સહુનો, આપ થકી હું ઘડાયો છું.

સહેલાઈથી મળીશ નહિ હું, પ્રયાસો કરવા પડશે,
નીચા ઝૂકી નાખો નજર હું તળિયે જઈ જડાયો છું.

ટૂકડે ટૂકડે મળીશ તમને એ ઓરડાની ભીંત ઉપર,
તૂટી ગયેલ કાચ પાછળ હું ટૂકડાઓમાં મઢાયો છું.

નથી દેવા પુરાવા મારે જગતને મારી નિર્દોષતાના,
વિના કોઈ અપરાધે તકદીરના વાંકે હું દંડાયો છું.

સાવ છેટે જઈ બેસી ગયા નજદીકતા ઝંખતો રહ્યો,
અદ્રશ્ય કો આભડછેટથી અકારણ હું અભડાયો છું.

નિર્મળતા, સરળતા જેવી લાક્ષણિકતા હોવા છતાં ય,
‘મૂકેશ’ નાસમજ સમાજની ગંદકીથી હું ખરડાયો છું.

e.mail : mparikh@usa.com

Loading

વિશ્વમાં સૌથી વધુ વેક્સિન ઉત્પાદન કરનારા ભારતમાં ક્યાં કાચું કપાયું?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 April 2021

યુ.એસ.એ. અને ભારતઃ બે દેશોની વેક્સિન અંગેની વ્યૂહરચનામાં કોણ બહેતર સાબિત થયું?

સ્મશાનોમાં પીગળી રહેલી ધાતુની ચિમનીઓ, હૉસ્પિટલ્સની બહાર લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ તથા હૉસ્પિટલમાં જગ્યા ન મળવાથી દમ તોડી રહેલાં કોરોનાવાઇરસથી સંક્રમિત દરદીઓ અને વિવિધ રાજ્યોમાંથી આવતા આંકડાની વચ્ચે આપણે જીવી રહ્યાં છીએ. આપણે, ભારતે આમ તો સૌથી વધુ વેક્સિન ઉત્પાદનને નામે કૉલર ઊંચા કર્યા હતા અને વ્યવસ્થિત વેક્સિનેશન થશે અને આપણે કોવિડ-૧૯ સામે જીતી જઇશુંનો ખોંખારો પણ ખાધો હતો. પણ છેલ્લા દોઢેક અઠવાડિયાના સમયમાં કેટલી ઘટનાઓ બની.

યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ જો બાયડને જાહેરાત કરી કે યુ.એસ.એ.ના બધા જ એડલ્ટ્સ એટલે કે ૧૮ની ઉપર વય ધરાવનારા કોવિડ-૧૯ વેક્સિન આગામી બે અઠવાડિયામાં મેળવી શકશે. આ પહેલાં યુ.એસ.એ. કરેલી જાહેરાત અનુસાર આ સ્થિતિ આવતા ૧લી મે થઇ જાત પણ પરિસ્થિતિ બહેતર થઇ અને આ નિર્ણય જલદી જ લેવાયો.

યુ.એસ.એ.ની વાત એટલા માટે કરવાની કે તેમણે કોઇ મોટા વાયદા નહોતા કર્યા પણ એક વ્યવસ્થાને અનુસરીને વેક્સિનેશનનું કામ આગળ વધાર્યું. આપણે ત્યાં, ભારતમાં આરંભે બધા શૂરા હતા અને અચાનક જ આપણે વહેણની વિરુદ્ધમાં જવા માંડ્યા. વેક્સિનેશન જે જોરશોરથી શરૂ થયું, જે ઝડપથી શરૂ થયું, સોશ્યલ મીડિયા પર સોય લેતા બાવડાંની તસવીરો છલકાઇ છલકાઇને આપણે વેક્સિનનો સ્ટૉક ખલાસ થઇ ગયોના સમાચાર સાંભળ્યા. અનેક રાજ્યોમાં વેક્સિનનો પૂરતો સ્ટૉક ન હોવાના સમચાર હવે આપણે માટે નવા નથી. એમાં પાછા કેસિઝનો આંકડો તો આંખનો પલકારો મારીએ ત્યાં વધી જાય છે. કુંભના મેળામાં વાઇરસનું વર્ચસ્વ કેટલું ફેલાય છે એ તો વખત આવ્યે ખબર પડવાની હશે તો પડશે જ. જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને WHOએ પણ વખાણ્યું છે, તેના સી.ઇ.ઓ. આદર પુનાવાલાએ કહ્યું પણ છે કે આખા દેશને પુરવઠો પૂરો પાડી શકાય તે પરિસ્થિતિથી હજી અમે છેટાં છીએ અને સંજોગો સ્ટ્રેસફુલ છે.

ભારતની વેક્સિન વિતરણની વ્યૂહરચના નિષ્ફળ ગઇ છે તેમ કહેવામાં હવે આપણે કચવાટ ન અનુભવવો જોઇએ. યુદ્ધ જામ્યું છે અને આપણે હાંફ્યા છીએ, હાર્યા જ સમજો! ભારતની વેક્સિન વ્યૂહરચના પર આપણે ૨૦૨૦ની વાત કરીએ તો માસ્ક, લૉકડાઉન, સેનિટાઇઝેશન એ બધું આપણી જિંદગી બન્યું ત્યારે આપણને કલ્પના ય નહોતી કે આપણને – ભારતને વેક્સિન મળશે. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને આમે ય કોઇએ સ્પેશ્યલ વેક્સિન તૈયાર તો રાખી નહોતી કારણ કે આ તો અકલ્પનીય સંજોગો જ હતા. આપણે એક રાષ્ટ્ર તરીકે અસંભવને સંભવ કરવાનું હતું, આખી દુનિયા લૉકડાઉનમાં હતી અને કોણ કોના સુધી કેવી રીતે પહોંચશે તેની કોઇને ય ખબર નહોતી. ભારત વેક્સિન ઉત્પાદનને મામલે પાવરહાઉસ રાષ્ટ્ર છે, વિશ્વમાં બનતા કૂલ વેક્સિન્સનાં સાંઇઠ ટકા વેક્સિનનું ઉત્પાદન ભારતમાં જ તો થાય છે. આદર્શ સંજોગો એ હોત કે આ વૈશ્વિક રોગચાળાને નાથવા માટે યુ.એસ.એ. વેક્સિનનું સંશોધન કરત અને ભારત તેનું ઉત્પાદન કરત.

યુ.એસ.એ.ની સરકારે ગયા વર્ષે મે મહિનામાં એક ઝડપી નિર્ણય લીધો. તેમણે એક વિશેષ પ્રોગ્રામ લૉન્ચ કર્યો  – ઑપરેસન રેપ સ્પીડ – અને તે અંતર્ગત વેક્સિન બનાવનાર આઠ મેન્યુફેક્ચરરને કામે લગાડ્યા, તેમની ટ્રાયલ્સ ઝડપથી કરવા કહ્યું. આમાં ખાનગી કંપનીઝ હતી અને સરકાર તરફથી તેમને આર્થિક મદદ પણ મળી તે પણ નાની સૂની નહીં પણ ૧૧ બિલિયન ડૉલર્સની. દરેકનો ઉદ્દેશ એક જ હતો – કોરોનાવાઇરસને નાથે તેવી વેક્સિન શોધી નાખવી.

આપણે ત્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ, એક ખાનગી કંપની જે સૌથી વધુ વેક્સિનનું ઉત્પાદન અને નિકાસ કરે છે. રોગાચાળો ફાટી નિકળ્યો અને સિરમ ઇન્સ્ટિટ્યૂટે આ પડકાર ઝીલવાનું બીડું ઝડપ્યું, તેમણે ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું નક્કી કર્યું. અહીં કંપનીને સરકાર તરફથી ઉત્પાદન ક્ષમતા વધારવા, ઝડપી કરવા માટે કોઇ ભંડોળ મળશે કે કેમ તેની કોઇ ખાતરી નહોતી. ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીએ એસ.આઇ.આઇ.એ. વિકસાવેલ વેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલ માટે અમુક ભંડોળ આપ્યું. ઑગસ્ટમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ સાથે વાત કરી ભંડોળ મેળવ્યું અને બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી પણ તેમને ભંડોળ મળ્યું પણ ભારત સરકાર તેને કોઇપણ ભંડોળ આપ્યું હોય તેવું ક્યાં ય કાને નથી પડ્યું.

આ તરફ યુ.એસ. સરકારે જુલાઇ ૨૦૨૦માં જ ફાઇઝરને ૧૦૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો, તે માટે ૨ બિલિયન ડૉલર્સ ચૂકવ્યા વળી વધારાના ૫૦૦ મિલિયન ડૉઝ લેવાનો વિકલ્પ પણ હાથવગો રાખ્યો. મોડર્ના સાથે પણ ૧૦૦ મિલિયન ડૉઝનો કોન્ટ્રેક્ટ કર્યો. યુ.એસ.એ. કરદાતાઓના નાણાં વેક્સિન માટેના રિસર્ચમાં નાખ્યા તો પ્રાઇવેટ કંપનીના સૌથી પહેલા કસ્ટમર તરીકે પણ યુ.એસ.ની સરકાર ખડી રહી. વેક્સિન કંપનીઓને કેપિટલ મળ્યું એટલે તેમનું કામ ન અટક્યું.

આપણે ત્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે ૨૦૨૦ના અંત સુધીમાં વેક્સિનનો મોટો જથ્થો તૈયાર કર્યો. પરંતુ અમુક પ્રશ્નોના જવાબ અંગે કોઇ સ્પષ્ટતા નહોતી. ભારત સરકારે પહેલાં ૧૦૦ મિલિયન ડૉઝ, ૨૦૦ રૂપિયા પ્રતિ ડૉઝના ભાવે ખરીદવાનો સોદો કર્યો. ઇન્સ્ટિટ્યૂટમાંથી બીજા દેશોમાં પણ વેક્સિન જવાની જ હતી પણ ભારતમાં તે સૌથી ઓછા ભાવે વેચાઇ રહી હતી. પણ ભારત સરકારે પરચેઝ ઓર્ડર પર સહીં નહોતી કરી, દેશા સૌથી મોટા વેક્સિન ઉત્પાદકને ખબર નહોતી કે આખરે ભારત સરકાર તેમની પાસથી કેટલી વેક્સિન લેશે અને ક્યારે તેમને તેની જરૂર પડશે? હજી જાન્યુઆરીમાં તો તેઓ પરચેઝ ઓર્ડરની અને ક્યાં વેક્સિન પહોંચાડવાની રહેશે તેની સ્પષ્ટતાની રાહ જોતા હતા. વળી મહિને ૬૦ મિલિયન ડૉઝનું ઉત્પાદન કરનારા ઇન્સ્ટિટ્યૂટની ક્ષમતા વધારવાનો સરકાર પાસે સમય તો હતો પણ એવું કંઇ કરાયું નહીં. જાન્યુઆરીમાં ભારત સરકાર તરફથી પહેલો પરચેઝ ઓર્ડર ૧૧ મિલિયન ડૉઝિસનો મળ્યો. આ તરફ યુ.એસ.એ.એ ફાઇઝર અને મોડર્નાના ઓર્ડર વધાર્યા. આ બાજુ યુ.એસ.એ.માં એક કંપની બીજી કંપનીને કામ ઝડપે કરવામાં મદદ કરી શકે તે દિશામાં પણ કામ થતું ગયું. આપણે ત્યાં કેસિઝ વધ્યા તો વેક્સિનની નિકાસ અટકાવી દેવાઇ, અને બીજા દેશો જ્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી નિકાસ થવાની હતી તેમને રાહ જોવાનું કહેવાયું. સિરમ ઇન્સ્ટિટ્યૂટને એસ્ટ્રાઝેનેકા તરફથી ડિલીવરીમાં વિલંબ કરવા સામે લિગલ નોટિસ પણ મળી ચૂકી છે.

બે દેશ, એક મહાસત્તા, એકને મહાસત્તા બનવાની મહેચ્છા, બન્નેના અભિગમ આ સંજોગોમાં કેવા રહ્યા છે તે ઘણું બધું કહી જાય છે. યુ.એસ.એ.ને સમયમાં શું કરવાની જરૂર હતી તે સમજાયું અને તેમણે તે જ કર્યું. ભારતે એક મજબૂત ખાનગી કંપનીને ‘ઠીક હવે’ પ્રકારના દ્રષ્ટિકોણથી જોઇ અને અંતે ખોટ દેશ અને કંપની બન્નેને ગઇ, પણ કાળમુખા વારઇસને બળુકા થવાનો મોકો મળ્યો.

બાય ધી વેઃ

પ્રગતિશીલ રાષ્ટ્ર હોય ત્યાં અર્થતંત્ર, આવડત, સંશોધન, ક્ષમતા, દૂરંદેશી જેવા શબ્દો માત્ર શબ્દો નથી રહેતા પણ તે વ્યૂહરચનાનો ભાગ હોય છે. કોઇની આવડતથી રાષ્ટ્રનું ભલું થતું હોય તો કોઇ પણ ડર વિના તેની પડખે રહેવું જોઇએ તે સરકારને સમજાવું જોઇએ. આપણે કુંભમેળાની ડુબકીઓમાં રાચીએ છીએ અને પછી વૉટ્સએપ પર શબવાહિનીઓના વીડિયો મોકલી પીડા થઇ હોવાની લાગણી ફોરવર્ડ પણ કરી દઇ છીએ. ‘સાહેબ’ સમજે તો સારું, રોડ શોઝ અને રેલીઝમાં કે કોલકાતાની ચૂંટણી જીતવામાં માણસાઇનું ગળું વધારેને વધારે રૂંધાઇ રહ્યું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  18 ઍપ્રિલ 2021 

Loading

...102030...2,1022,1032,1042,105...2,1102,1202,130...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved