Opinion Magazine
Number of visits: 10,226,399
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રોગચાળાની પકડ મજબૂત બની ત્યારે એક માત્ર ચીને સરહદની તંગદીલીનું તાપણું ગરમ રાખ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 April 2021

વાઇરસના વૈશ્વિક આંકડાઓની રમત ચાલ્યા કરે છે પણ આ બધાંની વચ્ચે આખી દુનિયાની સરહદો પર, ખાસ કરીને કોનફ્લિક્ટ ઝોન્સ પર રોગચાળાનો આગવો પ્રભાવ પડ્યો છે.

વાઇરસનાં પધરામણાંને એક વર્ષથી ઉપર થઇ ગયું છે. વૈશ્વિક સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને રાજકારણ પર વાઇરસના ભરડાએ હજી ઢીલું મૂક્યું નથી. વેક્સિન લેતી તસવીરો પણ હવે તો સોશ્યલ મીડિયા પર જોઇને કંટાળો આવે છે પણ માસ્ક, સેનિટાઇઝર, લૉકડાઉન, નાઇટ કર્ફ્યુ તો, માળા, હજી જિંદગીમાંથી જલદી જાય એવું કંઇ લાગતું નથી. વાઇરસના વૈશ્વિક આંકડાઓની રમત ચાલ્યા કરે છે પણ આ બધાંની વચ્ચે આખી દુનિયાની સરહદો પર, ખાસ કરીને કોનફ્લિક્ટ ઝોન્સ પર રોગચાળાનો આગવો પ્રભાવ પડ્યો છે. આમ તો બધાં જ અગત્યના રાષ્ટ્રોએ વાઇરસ સામે લડવામાં જરૂર પડ્યે એકબીજાને ટેકો આપ્યો. વેક્સિન ડિપ્લોમસી ભલેને શક્તિ પ્રદર્શન હોય પણ અંતે તેનાથી પણ રાષ્ટ્રોને પરસ્પર મદદ મળી.

પરંતુ જ્યારે વાઇરસ સિરિયા, લેબાનોન, લિબિયા, યમન અને કાશ્મીર ખીણ પ્રદેશમાં પ્રવેશે ત્યારની નાજુક સ્થિતિની ચર્ચા જાણે હાંસિયામાં ધકેલાઇ ગઇ. આ બધાં કોન્ફ્લિક્ટ ઝોન્સ ઇરાન, ઇજિપ્ત, તુર્કસ્તાન, ભારત જેવા દેશોની નજીક છે અને આ તમામ દેશોમાં વાઇરસની અસરો આકરી રહી છે. જો કે વાઇરસને કારણે અહીં જે થયું તેની એટલી ચર્ચા ન થઇ જેટલી મુખ્ય અને મોટા રાષ્ટ્રોમાં વાઇરસના કેરની ચર્ચા થઇ. રોગચાળાએ તો તેનું કામ કર્યું જ પણ વાઇરસને કારણે સરહદો બંધ કરી દેવાઇ અને વિશ્વ આખામાં સરહદ પરનો તણાવ જુદી દિશામાં ફંટાયો. પરંતુ એમ માનવાની જરૂર નથી કે વાઇરસને કારણે રાષ્ટ્રો વચ્ચેની તંગદિલી ઘટી. સૌથી પહેલાં તો સ્વાભાવિક રીતે ચીન સપાટામાં આવ્યું. ચીનના વુહાનમાંથી પ્રસરેલા આ વાઇરસને કારણે ચીનની છબી તો સખત ખરડાઇ. યુ.એસ.એ.એ તો ચીનની આબરુ ધૂળધાણી કરવામાં કંઇ કરતા કંઇ બાકી ન રાખ્યું. ચીનમાં આંતરિક સ્તરે પણ ખળભળાટ વધ્યો, લોકોને સરકાર સામે ફરિયાદો વધી. આવા સંજોગોમાં પોતાની છાપ સુધારવા માટે ચીનને એક માત્ર રસ્તો દેખાયો. ચીને સરહદે સળી કરવાની શરૂઆત કરી. કમનસીબે ચીન આપણો પાડોશી દેશ પણ છે અને આખી દુનિયા જ્યારે ચીનને માથે માછલાં ધોઇ રહી હતી, ત્યારે વાઇરસના વાંકમાં આવવાને બદલે કંઇ જુદું કરી કમ સે કમ પોતાના દેશના લોકોની નજરમાં ફરી મજબૂત થવાની લ્હાઇમાં ચીને ભારતની સરહદે સંજોગો તંગ કર્યા. દુનિયા આખીમાં ચીનનો વાંક કાઢવામાં આવી રહ્યો હતો અને આ તરફ ચીન શક્તિ પ્રદર્શનની માથાકૂટમાં વ્યસ્ત થઇ ગયું.

પરંતુ ભારત એક માત્ર દેશ નહોતો જેની સરહદે ચીને તંગદિલી ખડી કરી. ચીનની સરહદે આવેલા અલગ અલગ ૧૮ દેશો સાથે ચીને શિંગડા ભેરવ્યાં. ભારતથી માંડીને જાપાન, ફિલીપાઇન્સ તમામને ચીન સાથે માથાકૂટ થઇ છે. ચીનના આ વિસ્તરણવાદી – એક્સપેન્શનિસ્ટ રાજકારણની વૈશ્વિક સ્તરે ટીકા થઇ. આ તરફ વૈશ્વિક સ્તરે વાઇરસે જે પોત પ્રકાશ્યું એ પછી મોટાભાગના દેશોએ બોર્ડર્સ સીલ કરી દીધી. અંગત યુદ્ધ નહીં પણ વાઇરસ સામેનું યુદ્ધ જ અગત્યનું બન્યું. જેમ આગળ ઉપર કહ્યું તેમ વાઇરસને નાથવા વેક્સિન એકવાર શોધાવા માંડી અને તેને મંજૂરી મળવા માંડી પછી વેક્સિન ડિપ્લોમસી પણ ચાલી અને તે પણ યુદ્ધનાં કાવાદાવામાં કોઇની નબળાઇ અને કોઇની મજબૂતાઈ સાબિત કરવા માટે વપરાઇ પરંતુ યુદ્ધનું જે મૂળ સ્વરૂપ છે તેની પર આ સંજોગોમાં તો રોક લાગી ગઇ.

હા, ચીનના ચેનચાળા ન અટક્યા. જાપાન સાથે ચીનની દક્ષિણે સમુદ્રમાં આવેલા સેન્કાકુ અને રયુક્યુ ટાપુને લઇને ચીનની ભાંજગડ ચાલ્યા કરે છે તો વિએટનામના મોટા હિસ્સા પર પણ ચીન દાવો માંડીને બેઠો છે. ભારતના અક્સાઇ ચીનના વિવાદથી તો આપણે વાકેફ છીએ જ, તો વળી લદાખ અને અરુણાચલ પ્રદેશના અમુક હિસ્સાઓ પોતાને નામે કરવાનો ચીનનો ચંચુપાત પણ નવો નથી. નેપાળ અને તિબેટના અમુક હિસ્સાઓ પર પણ ચીનને દાવો માંડવામાં રસ છે અને તેની બબાલ પણ ચાલતી આવી છે. આ રીતે તો રશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા, ફિલિપાઇન્સ, નોર્થ કોરિયા, ભૂતાન, તાઇવાન, લાઓ, બ્રુનેઇ, તજાકિસ્તાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને મંગોલિયા એમ કૂલ અઢાર દેશોની સરહદે ચીને પોતાની અવળચંડાઇ ચાલુ રાખી. વૈશ્વિક છાપ બગડી હોય ત્યારે ઘરમાં ય સત્તાનું માન ન રહે તે તો કેવી રીતે ચાલે અને માટે જ આ દેશો સાથે ચીને શક્તિપ્રદર્શનની તકો જતી ન કરી.

આ ઉપરાંત રોગચાળાની આડ લઇને સિરિયા જેવા દેશોએ અમેરિકાને કવખોડ્યો અને રશિયા, ઇરાન અને ચીને વાઇરસને નાથવા જે કર્યું તેની પ્રસંશા કરી. આ યુદ્ધ નથી કારણ કે યુદ્ધ કરવાનું પોસાય તેમ નથી પણ આ રાજકીય મુત્સદ્દીપણું છે. શસ્ત્રથી નહીં પણ શબ્દોથી યુદ્ધ કરવામાં શત્રુ દેશોએ જેટલો ખેલ ખેલી શકાયો તે ચોક્કસ ખેલ્યો. વળી કોન્ફ્લિક્ટ ઝોનમાં એક બીજી સમસ્યા એ પણ થઇ કે વાઇરસની સાચી સ્થિતિ બહાર ન આવી.

વાઇરસને કારણે કોઇ રાજકીય સમજૂતિઓ અટકી કે એવું તો કંઇ ન થયું પણ ક્યાંક એકની નજર નહોતી તો બીજાઓએ પોતાનું ધાર્યું કરી લીધું તેમ બન્યું. જેમ કે યમન અને નાગોર્ની કારાબખમાં કોમ્બેટ કરનારાઓ આંતરારાષ્ટ્રીય સત્તાઓની નજર નહોતી તો કોઇપણ રાજદ્વારી મર્યાદાઓને ગણકાર્યા વિના સૈન્યની કામગીરી કરી. બીજી તરફ જ્યોર્જિયામાં રોગચાળા પ્રત્યેના પ્રતિભાવને પગલે અબખાઝિયાના છૂટા પડેલા પ્રદેશ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના સંબંધો બહેતર થયા. સાઉથ કોરિયાને રોગચાળાને પગલે નોર્થ કોરિયા સાથે સંબંધ સુધરવાની આશા હતી પણ પ્યોનગ્યાંગે તો પોતાની જાતને વૈશ્વિક તખ્તેથી વધુ દૂર કરવાનું પસંદ કર્યું. વળી રોગચાળામાં મોટાભાગના રાષ્ટ્રોમાં આંતરિક વિરોધો, દેખાવો અને રમખાણો સુદ્ધાં થયા. સ્વાભાવિક છે કે ઘર ભડકે બળતું હોય ત્યારે ત્યાં વધુ ધ્યાન આપવું પડે.

રોગચાળાને લીધે અમુક રાષ્ટ્રો વચ્ચે સંબંધોમાં તંગદિલી ઘટી, પણ ચીનને ગુનો ઢાંકવા બીજી ઘણી બાબતો ડિસ્ટર્બ કરી નાખી. બાકી યુ.એસ.એ. તથા યુરોપ સહિતના રાષ્ટ્રોના ડિપ્લોમેટ્સે જે રીતે લૉકડાઉન, મુસાફરી પર પ્રતિબંધ વગેરેની સાથે જેટલું પણ સંભાળ્યું તેને દાદ આપવી જ પડે. આપણી વાત કરીએ તો આપણે તો સમસ્યાઓ અને રાજકારણનો ખેલ ખેલાતો રહ્યો, કંઇક સારું થયું તો ક્યાંક કાચું કપાયું. વિશ્વના રાજકારણમાં વેક્સિન ડિપ્લોમસીમાં આપણે સારો દેખાવ કરી શક્યા બાકી સરહદના સંજોગોમાં સરકારને જે રુચ્યું તે પ્રમાણે મામલો સંભાળ્યો.

બાય ધી વેઃ

રોગચાળાની પકડ ધીમી પડે અથવા તો વિશ્વ તેની સાથે ડીલ કરતાં શીખે, વેક્સિન વધુ લોકો સુધી પહોંચે એ બધાંની સાથે દરેક રાષ્ટ્રએ એમ વિચારવું રહ્યું કે સત્તાધિશો વેક્સિનની આપ-લેની તકનો ઉપયોગ કરી પરસ્પર હિંસા અન યુદ્ધની શક્યતાઓ ઘટાડીને રાજકીય પ્રગતિ પર કામ કરી શકશે ખરા? જો એમ થાય તો તે એક સુયોગ્ય સત્તાકીય વિચાર સિદ્ધ થાય નહીંતર તો કોન્ફ્લિક્ટ ઝોન્સ અને નબળા રાષ્ટ્રો વધુ લાચારી અનુભવે અને પહેલાં કરતાં બદતર વહીવટ વેઠે, તે પણ વાઇરસના ફટકાના ઉમેરામાં.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  04 ઍપ્રિલ 2021 

Loading

અંગ્રેજો વગરનું ભારત અંગ્રેજો પહેલાંનું ભારત ન બની શક્યું

રમેશ ઓઝા|Opinion - Opinion|4 April 2021

૧૯મી સદી આથમતા સુધીમાં એટલું તો નક્કી થઈ ગયું હતું કે અંગ્રેજો વિનાનું ભારત અંગ્રેજો પહેલાનું ભારત નહીં હોય. અંગ્રેજ પહેલાંનાં ભારતમાં એવું કશું જ નહોતું જેને ભારતનો કોઈ સમાજ યાદ કરીકરીને વાગોળતો હોય, સિવાય કે થોડા સનાતની હિંદુઓ અને મૂળભૂતવાદી મુસલમાનો. આ ઉપરાંત બહુજન સમાજ હવે પાછળ જવા દે એમ નહોતો. અંગ્રેજોના કાયદાના રાજના સૌથી મોટો લાભાર્થી બહુજન સમાજ હતો.

પણ તો પછી અંગ્રેજો પછીનું ભારત કેવું હશે અથવા કેવું હોવું જોઈએ? ૧૯૧૫માં ગાંધીજી ભારત પાછા ફર્યા એ પહેલાં આ બાબતે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ એ ચર્ચામાં શરતો, આરોપો, શંકાઓ જેવાં ધીંગાણાંનાં તત્ત્વો વધુ હતાં, સંવાદનાં ઓછાં હતાં. જેમ કે કૉંન્ગ્રેસે ઠરાવ કર્યો હતો અને કૉંન્ગ્રેસના નેતાઓ દાવો કરતા હતા કે કૉંન્ગ્રેસ સવર્ણ હિંદુઓનું સંગઠન નથી, પણ દેશની દરેક પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ મુસલમાનો અને બહુજન સમાજના લોકો તેમના ઉપર ભરોસો કરતા નહોતા. કૉંન્ગ્રેસના નેતાઓએ મુસલમાનોને અને બહુજન સમાજને કૉંન્ગ્રેસની અંદર લેવાની ઈમાનદારીપૂર્વક કોશિશ કરી હતી જેમાં તેમને સફળતા મળી નહોતી.

મુસ્લિમ સમાજની કઠણાઈ એ હતી કે તેમાં કેટલાક મૂળભૂતવાદી નેતાઓ આધુનિક રાજ્યનો સ્વીકાર કરવા જ તૈયાર નહોતા અને તેમને સમાજના એક વર્ગનો ટેકો મળતો હતો અને એ પણ ખાસો મોટો હતો. તેમનું કહેવું એમ હતું કે ઇસ્લામ સ્વયંસંપૂર્ણ ધર્મ છે એટલે મુસલમાનોએ બહારથી કાંઈ શીખવાની કે  અપનાવવાની જરૂર નથી, માત્ર સાચા મુસલમાન બનવાની જરૂર છે. જે મુસ્લિમ નેતાઓ આધુનિકતાની અને આધુનિક રાજ્યની જરૂરત સમજતા હતા તેઓ ડરના માર્યા સ્પષ્ટ ભાષામાં તેની વકીલાત નહોતા કરી શકતા. તેઓ આધુનિક યુગમાં ભારતનાં મુસલમાનોની જરૂરિયાતને કુરાન અને હદીસનો હવાલો આપીને સમજાવવાની કોશિશ કરતા હતા. તેઓ ધર્મને બાજુએ રાખીને આધુનિકતાની વકીલાત નિષ્ઠાપૂર્વક નહોતા કરી શકતા. જ્યાં દલીલ જ ઈમાનદારીપૂર્વકની અસંદિગ્ધ ન હોય ત્યાં આધુનિક મૂલ્યો નિષ્ઠામાં કેવી રીતે પરિવર્તિત થાય? આમ અંગ્રેજોએ આકાર આપેલા આધુનિક રાજ્યને નિષ્ઠાપૂર્વકના બંધારણીય રાજ્યમાં પરિવર્તન કરવામાં મુસલમાનોના પક્ષે આ સમસ્યા હતી.

કૉંન્ગ્રેસ ભારતના દરેક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એમ કૉંન્ગ્રેસના નેતાઓ કહેતા તો હતા પણ એમાં પણ નિષ્ઠાનો અભાવ હતો. જેમ કે લોકમાન્ય તિલક કૉંન્ગ્રેસના વગદાર નેતા તરીકે આગળ આવ્યા એ પહેલાં કૉંન્ગ્રેસના અધિવેશનના સ્થળે અને કૉંન્ગ્રેસના જ મંડપમાં સમાજસુધારા પરિષદ ભરાતી હતી અને તેમાં કૉંન્ગ્રેસના નેતાઓ ભાગ લેતા હતા. લોકમાન્ય તિલકે સમાજસુધારા પરિષદને તગેડી મૂકી, કારણ કે તેમને એમ લાગતું હતું કે સમાજસુધારકોને કારણે જૂનવાણી માનસ ધરાવતા રૂઢિચુસ્ત હિંદુઓનો ટેકો નહીં મળે. તેમણે પ્રાંતીય ધારાસભામાં બહુજન સમાજને પ્રતિનિધિત્વ આપવાનો સવાલ આવ્યો ત્યારે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે ત્યાં શું માટલાં ઘડવાનાં છે કે તમે આગ્રહ કરો છો? સ્વરાજ આવવા દો, લાયક થાવ એ પછી તમને પણ મોકો મળશે. દલિતો સાથે ભેદભાવ નહીં કરવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કેટલાક કૉંગ્રેસીઓએ દલીલ કરી હતી કે આપણે માત્ર જાહેરમાં અસ્પૃશ્યતા પાળવાની નથી, અંગત જીવનમાં પાળો તો વાંધો નથી એ તમારો અધિકાર છે.

આમ કૉંન્ગ્રેસ દરેક કોમનું પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવામાં આવતું હતું અને દરેક સમાજને તેમાં સાથે લેવાના પ્રયત્નો પણ કરવામાં આવતા હતા, પરંતુ તેમાં વૈચારિક સ્પષ્ટતા અને મૂલ્યનિષ્ઠાનો અભાવ હતો. આને કારણે મુસલમાનોને હિંદુઓ ઉપર ભરોસો નહોતો અને બહુજન સમાજને સવર્ણ હિંદુઓ ઉપર ભરોસો નહોતો. આને કારણે કૉંન્ગ્રેસ દેશની સૌથી મોટી રાજકીય સંસ્થા હોવા છતાં દેશની દરેક કોમને સ્વીકાર્ય નહોતી. હકીકતમાં વ્યવહારમાં એ માત્ર સવર્ણ હિંદુઓના કબજામાં હતી અને માટે તે તેની સ્થાપના પછી ત્રણ દાયકા સુધી એક પણ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરી શકી નહોતી. આસેતુ હિમાલય રાષ્ટ્રીય આદોલન કરવું હોય તો દરેક પ્રજાનો સાથ જોઈએ. માત્ર ભદ્ર વર્ગના જોરે એ શક્ય નહોતું.

એ શક્ય બન્યું ગાંધીજીના આગમન પછી પણ એ માટે ગાંધીજીએ અને ગાંધીજીના નેતૃત્વમાં કૉંન્ગ્રેસે પોતાની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરવાનું શરૂ કર્યું એ પછી જ. એકલા ગાંધીજીના મહાત્માપણાથી એ શક્ય બનવાનું નહોતું. આધુનિક રાજ્યનાં જે જે તત્ત્વો કે ઘટકો છે એ બધાં ગાંધીજીએ સ્વીકાર્યાં હતાં અને કૉંન્ગ્રેસ પાસે સ્વીકારાવ્યાં હતાં. શું હતાં એ ઘટક તત્ત્વો?

એક. ભારત લોકતાંત્રિક દેશ હશે.

બે. એવો લોકતાંત્રિક દેશ જેમાં કોઈ ભેદભાવ વગર ભારતની દરેક પુખ્ત વયની વ્યક્તિને મતદાનનો અધિકાર હશે.

ત્રણ. ભારતના લોકતંત્રનું મૂળભૂત એકમ નાગરિક હશે અને દેશના પ્રત્યેક નાગરિકનો નાગરિક તરીકેનો દરજ્જો સમાન હશે.

ચાર. નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા કરવામાં આવશે.

પાંચ. ભારત સેક્યુલર દેશ હશે જેમાં રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય અને રાજ્ય ધર્મના આધારે જે તે પ્રજા વચ્ચે ભેદભાવ નહીં કરે.

છ. ભારતની તમામ પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેસીને બંધારણ ઘડશે અને એ લેખિત બંધારણ સ્વતંત્ર ભારતનાં બાયબલ, કુરાન કે ગીતા હશે.

સાત. સર્વોચ્ચ અદાલત ઉપર કહ્યાં એ પ્રાણતત્ત્વોની રક્ષા કરવાનું કામ કરશે.

એવું નહોતું કે ગાંધીજી ભારત આવ્યા અને આધુનિક ભારતીય રાજ્યની ઉપર કહી એ સપ્તપદી તેમણે ભારતીય પ્રજાને આપી અને ભારતની પ્રજાએ એ હસતા હસતા સ્વીકારી લીધી હતી. એને માટે ખૂબ સંવાદ કરવો પડ્યો હતો, લડાઈ-ઝઘડા થયા હતા, ગાંધીજી અને કૉંન્ગ્રેસના ઈરાદાઓ ઉપર શંકા-કુશંકાઓ કરવામાં આવી હતી, આરોપ કરવામાં આવ્યા હતા. ઉપર જે સપ્તપદીનાં સાત પ્રાણતત્ત્વો બતાવ્યાં છે તેને પ્રજાની અંદર સ્વીકાર કરાવવા માટે ગાંધીજીએ હજારો લેખો અને પત્રો લખ્યાં હશે અને ભાષણો કર્યાં હશે. એ માણસે એને સ્વીકૃત કરાવવા માટે ભારતભ્રમણ કર્યું હતું. ત્રણ દાયકામાં આટલી અથાક જહેમત ઇતિહાસમાં બીજા કોઈએ નહીં ઉઠાવી હોય.

એક તો ગાંધીજી મહાત્મા, એમાં જે બોલે એ કરે, વળી એકલા ચાલો રે વાળા કૃતનિશ્ચયી તેમ જ  નિર્ભય અને એમાં અથાક મહેનત ભળી એટલે એનું પરિણામ એ આવ્યું કે ભારતની પ્રજાએ ગાંધીજી અને કૉંન્ગ્રેસની કલ્પનાના ભારતને સ્વીકારવા માંડ્યું. મારાં બા જેવા અલ્પશિક્ષિત અને પરમ ધાર્મિક હિંદુ પણ એમ માનતાં થયેલાં કે માણસ-માણસ વચ્ચે ભેદભાવ કરવો એ ઈશ્વરનો ગુનો છે. ઉપર બેઠેલો માણસ નીચેવાળાની મજબૂરીનો લાભ લઈને શોષણ કરે એ અન્યાય છે. આપણને આપણો ધર્મ જો વહાલો લાગતો હોય અને મહાન લાગતો હોય તો એ જ રાહે બીજાને પણ પોતાનો ધર્મ વહાલો અને મહાન લાગતો હોય તો એ એનો હક છે. આમ ભેદભાવ અને સમાનતા, ન્યાય અને અન્યાય, ધર્મની સર્વોપરિતા અને સર્વધર્મ સમભાવ, હક અથવા અધિકાર વગેરે બાબતે વિવેક કરીને મૂલ્યોના પક્ષે ઊભા રહેવું એમાં માણસાઈ છે અને જીવનની સાર્થકતા છે એ દેશની પ્રજાએ સ્વીકારવા માંડ્યું. રાજ્યશાસ્ત્ર ભણાવ્યા વિના ગાંધીજીના વ્યક્તિત્વના કારણે દેશમાં આધુનિક રાજ્યના સ્વીકાર માટે અનુકૂળ ભૂમિનું ખેડાણ થઈ ગયું. એ પછી કૉંગ્રેસ એક પછી એક સપ્તપદીની તરફેણમાં ઠરાવ કરવા માંડી હતી.

પણ એનો અર્થ એવો નથી કે તેની સામે કોઈ વિરોધ નહોતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 ઍપ્રિલ 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—89

દીપક મહેતા|Opinion - Opinion|3 April 2021

હોડીને દૂર શું? નજીક શું?

લંડનના સાહેબોની ઐસીતૈસી, બાંધો મુંબઈમાં સ્ટીમર

પહેલું બંદર બાંધવા પથરા પરદેશથી આવેલા

છોને છોડે એ ભૂમિના કિનારા
ને શહેરના મિનારા
કે હોડીને દૂર શું? નજીક શું?

ઉમાશંકર જોશીના આ જાણીતા ગીતમાં જેની વાત છે તેવી હોડીઓ અને શઢવાળાં વહાણ મુંબઈ આવતાં જતાં ત્યાં સુધી તો પાલવા બંદર, બોરી બંદર અને તેના જેવાં બીજાં બંદરોથી કામ ચાલી ગયું. માલસામાન અને મુસાફરો બંનેની ચડઉતર આ બંદરો પર થતી. પણ પછી આવ્યો આગબોટ કહેતાં સ્ટીમરનો જમાનો. મુંબઈના વિકાસમાં અસાધારણ ફાળો આપનાર ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને લંડનમાં બેઠેલા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરોને ૧૮૨૩માં ગ્રેટ બ્રિટન અને મુંબઈ વચ્ચે દરિયાઈ ટપાલ સેવા શરૂ કરવાની દરખાસ્ત મોકલી. પણ ડિરેક્ટરોએ દાદ દીધી નહિ. ૧૮૨૬માં ફરી એ જ દરખાસ્ત મોકલી. ફરી નન્નો.

એલ્ફિન્સ્ટન પછી ગવર્નર બન્યા સર જોન માલ્કમ. તેમણે કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કી ઐસી તૈસી. આપણે આપણો ધર્મ સંભાળવો. તેમણે સરકારી બોમ્બે ડોકયાર્ડને કહ્યું કે બાંધો મુંબઈથી સુએઝ જઈ શકે એવી સ્ટીમર. અને એ ડોકયાર્ડમાં બંધાયું એચ.સી.એસ. (ઓનરેબલ કંપનીઝ શીપ) Hugh Lindsay. ૧૮૨૯ના ઓક્ટોબરની ૧૪મી તારીખે લેડી ગવર્નરે તેને તરતું મૂક્યું ત્યારે આ જહાજ મુંબઈમાં બંધાયેલું પહેલવહેલું સ્ટીમશીપ બન્યું. અલબત્ત, જરૂર પડે ત્યારે વાપરી શકાય એટલા માટે તેના પર શઢ પણ બેસાડવામાં આવેલા. ૧૮૩૦ના માર્ચની ૨૦મી તારીખે તેણે સુએઝની પહેલી મુસાફરી શરૂ કરી, અને જહાજ ૨૧ દિવસ અને ૮ કલાક પછી સુએઝ પહોચ્યું. કમાન્ડર જોન એચ. વિલ્સન તેના કેપ્ટન હતા. આ પહેલી મુસાફરીમાં ટપાલ ઉપરાંત થોડા મુસાફરો પણ હતા.

મુંબઈનું બંદર ઈ.સ. ૧૭૫૦માં આવું હતું

આ પહેલવહેલી સ્ટીમર પછી મુંબઈના બારામાં નાની-મોટી સ્ટીમરોની આવ-જા વધતી ગઈ, પણ કોણ જાણે કેમ આ નવા યુગને અનુરૂપ ડોક બાંધવા તરફ કંપની સરકારે ધ્યાન જ ન આપ્યું. ૧૮૫૮માં કંપનીનું રાજ ગયું અને ક્રાઉનનું રાજ થયું. એ પછી પણ છેક ૧૮૭૩માં સરકારે ‘બોમ્બે પોર્ટ ટ્રસ્ટ એક્ટ’ પસાર કર્યો. અત્યાર સુધી જૂદી જૂદી એજન્સીઓના તાબામાં દરિયા કિનારાની અને બીજી જમીન હતી તે બધી આ નવા ટ્રસ્ટની બની. એ એજન્સીઓ જે જૂદાં જૂદાં કામ કરતી તે પણ હવે બોર્ડને સોપાયાં. આ ટ્રસ્ટના કુલ દસ ટ્રસ્ટીઓમાંથી ફક્ત બે જ ‘દેશી’ હતા: નારાયણ વાસુદેવ અને કેશવજી નાયક. કર્નલ જે.એ. બેલાર્ડ તેના પહેલા અધ્યક્ષ બન્યા. તેઓ સરકારી ટંકશાળના પણ વડા હતા. મુંબઈમાં સૌથી પહેલો વેટ ડોક ડેવિડ સાસૂને ૧૮૭૫માં કોલાબા ખાતે બાંધ્યો હતો. નવા સ્થપાયેલા ટ્રસ્ટે ૧૮૭૯માં એ ખરીદી લીધો. પણ સાચા અર્થમાં જેને વેટ ડોક કહી શકાય, જ્યાં મોટી સ્ટીમરો પણ નાંગરી શકે એવા પહેલા ડોકનું બાંધકામ ૧૮૭૫માં શરૂ થયું અને ૧૮૮૦માં પૂરું થયું. એ બાંધવાનો ખર્ચ આવ્યો હતો ૬૭ લાખ રૂપિયા!  તેને માટેના ગ્રેનાઈટ પથ્થર છેક સાઉથ વેલ્સથી મગાવવામાં આવ્યા હતા! તેના જેટલી જ ગુણવત્તાવાળા પથ્થર આ દેશમાં સહેલાઈથી મળતા હોવા છતાં આમ કેમ કરેલું એ સમજવું મુશ્કેલ છે. પનવેલ નદીના કિનારેથી ખોદીને રેતી લવાઈ હતી.

કર્નલ જે.એ. બેલાર્ડ

આ ડોક બાંધવા માટેનું ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે દરિયા નીચેની જમીનમાંથી ૩૦૦ જેટલાં અશ્મિભૂત ઝાડ મળી આવેલાં. આનું કારણ એ કે એક જમાનામાં મુંબઈના કિનારા પર ગાઢ જંગલ આવેલું હતું. પણ વખત જતાં કાંઠાની જમીન થોડી ઢળવાને કારણે આખું જંગલ દરિયામાં ડૂબી ગયું હતું. આ નવા બંધાયેલા ડોકનું નામ પાડવામાં આવ્યું પ્રિન્સીસ ડોક (Prince’s Dock) એટલે કે રાજકુમારનો ડોક. પણ વખત જતાં લોકજીભે તેનું નામ થઈ ગયું પ્રિન્સેસ ડોક, રાજકુમારીનો ડોક! આ ડોક બંધાયા પછી બે અઠવાડિયાં સુધી જહાજી કંપનીઓ કોઈક કારણસર તેનો બહિષ્કાર કર્યો હતો. બીજી નાની કંપનીઓએ તે વાપરાવાનું શરૂ કર્યા પછી પણ પી. એન્ડ ઓ. અને બી.આઈ. જેવી બે મોટી કંપનીઓએ બહિષ્કાર ચાલુ રાખ્યો હતો. અને તેમ છતાં આ ડોકના ઉદ્ઘાટન પછીના દોઢેક વરસમાં જ આવતી-જતી સ્ટીમરો માટે આ ડોક અપૂરતો હોવાનું જણાયું હતું. એટલે અ ડોકની બાજુમાં બીજો ડોક બાંધવાનું નક્કી થયું. ૧૮૮૫ના જાન્યુઆરીમાં આ નવા ડોકનું બાંધકામ શરૂ થયું અને ૧૮૮૮ના માર્ચની ૧૨મી તારીખે તેનું ઉદ્ઘાટન થયું. આ નવા ડોકને ગ્રેટ બ્રિટનની મહારાણી વિક્ટોરિયાનું નામ આપવામાં આવ્યું, વિક્ટોરિયા ડોક. અગાઉના મસ્જિદ બંદર અને નિકોલ બંદરને આ નવું બંદર ગળી ગયું! આ બે બંદર બંધાયા પછી તેની ધરખમ આવકને કારણે બોમ્બે પોર્ટ ટ્રસ્ટની આર્થિક સ્થિતિ ખૂબ સદ્ધર થઈ ગઈ હતી.

૧૯મી સદી પૂરી થાય તે પહેલાં મુંબઈનો વેપાર એટલો વધ્યો કે ત્રીજો ડોક બાંધવાની જરૂર જણાઈ. ૧૯૦૫માં હિન્દુસ્તાનની મુલાકાત દરમ્યાન પ્રિન્સ ઓફ વેલ્સે નવેમ્બરમાં ત્રીજા ડોકનો પાયો નાખ્યો હતો. પણ કેટલીક મુશ્કેલીને કારણે ત્રીજા ડોકનું કામ છેક ૧૯૦૭માં શરૂ થયું. કામકાજ ચાલતું હતું તે દરમ્યાન સરકારનાં લશ્કરી જહાજ પણ નાંગરી શકે એ હેતુથી ડોકની પહોળાઈ વધારવાનું સરકારે પોર્ટ ટ્રસ્ટને જણાવ્યું. બીજાં કેટલાંક કારણોને લીધે પણ કામ ધીમું ચાલ્યું. છેવટે ધારેલાં સાત વરસને બદલે નવ વરસમાં કામ પૂરું થયું. ૧૯૧૪માં તેનું કામ પૂરું થયું ત્યારે તેનું નામ પડ્યું એલેક્ઝાન્ડરા ડોક. ૧૯૭૨માં તેનું નામ બદલીને ઇન્દિરા ડોક રાખવામાં આવ્યું. પણ અગાઉના બે ડોકનાં બ્રિટિશ નામ જ આજ સુધી જળવાઈ રહ્યાં છે.

એલેકઝાન્ડરા ડોક

જો કે એક જમાનામાં આ ત્રણ ડોકની જેવી બોલબાલા હતી તેવી આજે હવે નથી રહી. કારણ? હવે વહાણવટામાં ધરખમ ફેરફાર થયા છે. હવે મોટાં મોટાં બલ્ક કેરિયર અને ટેન્કરોનો જમાનો છે. અને આવાં જહાજ આ ત્રણ ડોકમાં નાંગરવાનું શક્ય જ નથી. આવાં જહાજ માટે જે જગ્યા જોઈએ તે નથી આ ત્રણ ડોકમાં કે નથી તેની આસપાસ. એટલે સામી બાજુએ, તળભૂમિ પર, રાયગઢ જિલ્લામાં આ માટેની જરૂરી સગવડો સાથેનું જવાહરલાલ નેહરુ પોર્ટ તૈયાર થયું. ૧૯૮૯માં તે વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ બધાં પોર્ટ તો માલસામાન – કાર્ગો – માટેનાં. પણ એક જમાનામાં પરદેશ – ખાસ કરીને બ્રિટન – અને હિન્દુસ્તાન વચ્ચેની મુસાફરી માટે પણ સ્ટીમર સિવાય બીજું કોઈ સાધન હતું નહિ. એટલે પેસેન્જર સ્ટીમરો માટે બંધાયું બેલાર્ડ પિયર. મૂળ તો આજના બેલાર્ડ પિયરની પાછળ એક નાનકડી જેટી હતી તે બેલાર્ડ પિયર તરીકે ઓળખાતી. બોમ્બે પોર્ટ ટ્રસ્ટના પહેલા અધ્યક્ષનું નામ તેને અપાયેલું. પછી તેનું વિસ્તરણ કરીને તૈયાર થયું બેલાર્ડ બંદર. થોડા વખત પછી ફરી તેને મોટું કરવું પડ્યું. એક જમાનામાં માત્ર મુંબઈના જ નહિ, આખા દેશના વેપાર-વણજનું કેન્દ્ર હતું આ બેલાર્ડ પિયર. બેલાર્ડ એસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં ૪૩ મોટાં મકાનો વ્યવસ્થિત યોજના પ્રમાણે બંધાયાં જેમાં આખા દેશની અગ્રગણ્ય વેપારી કંપનીઓની ઓફિસો હતી. આજે તો હવે ઠેકઠેકાણે બિઝનેસ સેન્ટરો ઊભાં થઈ ગયાં છે, પણ એ વખતે આખા એશિયામાં બેલાર્ડ પિયર એ પહેલવહેલું બિઝનેસ સેન્ટર હતું.

બેલાર્ડ પિયર રેલવે સ્ટેશન

એ જમાનામાં દરિયાઈ રસ્તે આવતા મુસાફરો માટે તો આ બેલાર્ડ પિયર એ જ ગેટવે ઓફ ઇન્ડિયા હતું. અહીં મુસ્સાફરો માટે બધી જ સગવડો બે માળના મકાનમાં હતી. તેમાં સેન્ટ્રલ રિસેપ્શન હોલ, કસ્ટમ્સ તપાસણી માટેનો હોલ, રેલવે સ્ટેશન સુધી ફેલાયેલો એક મોટો હોલ, જેવી સગવડો ભોંયતળિયે હતી. ઉપલો માળ પરદેશની ટપાલ માટે અલાયદો રાખ્યો હતો. એ જ માળ પર એક રેસ્ટોરાં ઉપરાંત રાતવાસો કરવા માટેના ઓરડા પણ હતા. મુસાફરો અને તેમના માલસામાનની ચડઉતર બને તેટલા ઓછા સમયમાં થાય તેવી ગોઠવણ હતી. જે મુસાફરો પોતે કસ્ટમ્સની વિધિ કરવા ન માગતા હોય તેમને માટેના કસ્ટમ એજન્ટોની ઓફિસો પણ અહીં હતી. નજીકમાં જ બાંધેલા રેલવે સ્ટેશન પર ચાર પ્લેટફોર્મ હતાં. ટપાલની સ્ટીમર આવવા કે જવાની હોય ત્યારે કલકતા, દિલ્હી, પેશાવર અને દેશના બીજા ભાગોની ટ્રેન સીધી બેલાર્ડ પિયર સ્ટેશન  સુધી આવી જતી. આ ઉપરાંત મુસાફરો માટે સ્ટીમર આવવા કે ઉપડવાના દિવસે જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલ્વેની ઈમ્પીરિયલ ઇન્ડિયન મેલ અને બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેની ફ્રન્ટિયર મેલ બેલાર્ડ પિયર સ્ટેશન સુધી આવતી. આ સ્ટીમરોમાં મુસાફરો તો આવ-જા કરતા જ, પણ બ્રિટિશ લશ્કરના સૈનિકો પણ મોટી સંખ્યામાં આવ-જા કરતા. પણ પછી આ બેલાર્ડ પિયરનું મહત્ત્વ સતત ઘટતું ગયું. કારણ, એક તો, હવે વિદેશો સાથેની હવાઈ મુસાફરી શક્ય બની હતી અને એટલે દરિયાઈ મુસાફરો ઘટતા જતા હતા. બીજું, બ્રિટિશ સૈનિકોની આવ-જાનો તો હવે સવાલ જ નહોતો રહ્યો. એક જમાનો એવો પણ આવ્યો કે જ્યારે આખો બેલાર્ડ એસ્ટેટ વિસ્તાર ભૂતિયા મહેલ જેવો લાગતો હતો. પણ છેલ્લાં થોડાં વરસમાં તેમાં ફરી જીવ આવ્યો છે. 

મુંબઈ પોર્ટ ટ્રસ્ટને ૧૯૯૯માં ૧૨૫ વરસ થયાં ત્યારે બહાર પડેલી ટિકિટ

પણ શુ બંદર પર કે શું રસ્તા પર, શું મેદાનમાં કે શું મકાનોની બહાર, ક્યાંક ને ક્યાંક યુનિફોર્મ પહેરેલો એક માણસ જોવા મળશે. મોટે ભાગે હાથમાં દંડૂકો, ક્યારેક રાઈફલ કે રિવોલ્વર પણ ખરી. એ માણસનું આગમન મુંબઈમાં ક્યારે, કઈ રીતે થયું એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 03 ઍપ્રિલ 2021

Loading

...102030...2,1192,1202,1212,122...2,1302,1402,150...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved