Opinion Magazine
Number of visits: 10,226,478
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નદી જોડાણની યોજનામાં આયોજન કેટલું?

કિરણ કાપુરે|Opinion - Opinion|2 April 2021

હાલમાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંઘ ચૌવ્હાણ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે કરાર થયો; અને તે કરારને વધાવવા માટે ઓનલાઈન મિટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. ઘટના હતી મધ્ય પ્રદેશની કેન નદી અને ઉત્તર પ્રદેશની બેતવા નદીને જોડવાની. રાષ્ટ્રિય પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટને મૂકવામાં આવ્યો છે અને તેનો ખર્ચ પણ કેન્દ્ર દ્વારા ઊઠાવવામાં આવશે. બંને રાજ્યોના ભાગે માત્ર દસ ટકા રકમ ખર્ચ પેટે આવશે. આ પ્રોજેક્ટને પૂરો કરતાં આઠ વર્ષનો સમય અંદાજવામાં આવ્યો છે ને પ્રોજેક્ટનો પૂરો ખર્ચ 37,611 કરોડ થશે. ખર્ચની રકમ અને લાગનારા સમય પરથી આ પ્રોજેક્ટનો વ્યાપનો અંદાજ લગાવી શકાય. આ ઉપરાંત, તેનો જે લાભ ગણાવવામાં આવી રહ્યાં છે તે પણ મસમોટા છે. જેમ કે, દસ લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીનને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે, 62 લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળશે અને તેનાથી સારી એવી વીજળીનું ઉત્પાદન પણ થશે. આવા તો અસંખ્ય લાભ મળશે તેવા દાવા કેન્દ્ર અને બંને રાજ્ય સરકાર કરી રહી છે. પરંતુ નદીઓને જોડવાનું કાર્ય એક પ્રોજેક્ટ માત્રથી થઈ જાય? જોડવાથી લાભ થાય કે નુકસાન? કુદરતને વળોટીને જ્યારે આવું પગલું લેવાય ત્યારે તેનું પર્યાવરણીય નુકસાન કેટલું થાય? ઉપરાંત, નદીઓને જોડીએ ત્યારે ડૂબમાં આવતાં વિસ્તારોનું શું? આવાં અનેક પ્રશ્નો અત્યારે આ રિવરલિંક પ્રોજેક્ટને લઈને પૂછાઈ રહ્યા છે. પ્રોજેક્ટને લઈને કાગળ અને ગ્રાઉન્ડ પર કેટલો ભેદ છે તે વિશે જાણીએ …

નદીઓને જોડવાને લઈને અનેકવાર કેન્દ્રની સરકાર પાસે પ્રસ્તાવ આવતા ગયા અને તેના પર વિચાર થયો, ક્યારેક અમલ માટે કરારેય થયા, પણ આજે જે સ્થિતિ કેન નદી-બેતવા નદી અંગે આવી છે તેવું નહોતું બન્યું. વિધિવત્ રીતે નદીઓને જોડવાની યોજનાનો અમલ આ રીતે નિર્ધારથી થયો નહોતો. આવું બન્યું એટલાં માટે કે નદીઓને જોડવાનો પ્રોજેક્ટ જંગી લાભ બતાવીને તેને સાકાર કરવાનાં સ્વપ્નાં જોવામાં આવ્યાં તેમ તેની સામેના પડકાર પણ હતા. આ પડકારોને પહોંચી વળવાની અત્યાર સુધી ભીતિ હતી, પણ વર્તમાન સરકારે તે ભીતિને કોરાણે મૂકીને આ પ્રોજેક્ટના શ્રીગણેશ કરી દીધા છે.

નદીઓ જોડવાનો પહેલવહેલાં પ્રોજેક્ટ ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન બ્રિટિશ સૈન્ય એન્જિનિયર આર્થર થૉમસ કૉટન લાવ્યા હતા. તે કાળે નદીઓને જોડવાનો ઉદ્દેશ માત્ર ને માત્ર અંગ્રેજોને નદીઓ વચ્ચે નહેર બનાવવાથી બંદરની સુવિધા નિર્માણ કરવાનો હતો. પણ આજે જેટલો આ પ્રોજેક્ટ ખર્ચાળ છે, તેમ તે કાળે તેની સામેની મુશ્કેલી ખૂબ હતી. તેથી તે વાત કાગળ પર જ રહી. પછી 1970માં તત્કાલિન સિંચાઈ મંત્રી ડો. કે.એલ. રાવ દ્વારા પણ નદીઓના જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા. તેમણે બ્રહ્મપુત્ર અને ગંગાનું પાણી દક્ષિણ રાજ્યના સૂકા પ્રદેશોમાં લાવવાનું આયોજન આપ્યું હતું. જો કે તેના પર કોઈ ઝાઝી ચર્ચા ન થઈ. પછી પણ કેન્દ્રીય સ્તરે નદીઓને જોડવાને લઈને રિપોર્ટ બનતા રહ્યા. દેશની અલગ અલગ નદીઓને જોડવાની તેમાં ચર્ચા થતી રહી, પરંતુ તેમ છતાં પ્રોજેક્ટને અમલમાં મૂકી શકાય તેવા યોગ ન આવ્યા.

1999માં નેશનલ ડેમોક્રેટીક અલયાન્સની સરકાર બની અને વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી આવ્યા ત્યારે નદીઓને જોડવાની યોજનાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ અને તે અંગે ખુદ વડા પ્રધાને પણ રસ લીધો. જો કે પર્યાવરણ અને અન્ય મુદ્દાના કારણે યોજના પડતી મૂકાઈ. યુ.પી.એ. સરકારના પ્રથમ ટર્મ દરમિયાન પણ આ પ્રોજેક્ટ પર કામ થવા માંડ્યું અને વડા પ્રધાન મનમોહનસિંઘની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રીઓએ કેન અને બેતવા નદી જોડાણને લઈને કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પછી પણ યોજના સાકાર ન થઈ શકી. 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય સરકાર બની, ત્યાર બાદ નદી જોડાણને લઈને કામ જોરો પર થયું. રિપોર્ટ બન્યા, વિશ્લેષણ થયું, ચર્ચા થઈ અને તે પછી તેનાં પર અંતિમ ડ્રાફ્ટ બન્યો. મતલબ કે હવે આ કાર્યને પ્રાથમિકતા આપીને આગળ ધપાવવાનું છે.

નદીઓ જોડાણના પ્રસ્તાવ મૂકવાનો અને રદ કરવાનો સિલસિલો આટલાં વર્ષો સુધી ચાલતો રહ્યો. હવે જ્યારે આ ઘટના આકાર પામવા જઈ રહી છે ત્યારે તેના પણ પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. જેમ કે હાલની કેન-બેતવા નદીનાં જોડાણને લઈને વાઘોનું પન્ના અભયારણ્ય પર જોખમ ઊભું થયું છે. બીજું કે આ યોજના કાગળ પર જેટલી સુંદર બતાવી શકાય છે તેનું તેવું જમીની અમલીકરણ મુશ્કેલ છે તેવું નિષ્ણાતોનું માનવું છે. આ માટે કેટલાંક ઉદાહરણો પણ છે. ઉત્તર પ્રદેશમાં આવું એક ઉદાહરણ શારદા સહાયક નદીમાં જોવા મળે છે. 2000ના વર્ષમાં 260 કિલોમીટર લાંબી નહેર સાથે પૂર્ણ થયેલી આ યોજનાનું લક્ષ્ય 16.77 લાખ હેક્ટરને સિંચાઈ પૂરી પાડવાની હતી. પરંતુ તેમાં અડધા સુધી પણ ન પહોંચી શકાયું. આ ઉપરાંત, હજારો હેક્ટર જમીનમાં નદીનું પાણી જમા થતું રહે છે, જેનાથી અનેક પાક બરબાદ પણ થઈ રહ્યા છે. નદી જોડોમાં સરકાર જેટલું ગુલાબી ચિત્ર દાખવે છે તે વાસ્તવિકતા નથી, તેવું અનેક નિષ્ણાતો કહી રહ્યા છે.

પાણી મુદ્દે આજીવન કાર્ય કરનારાં તો આને જોખમી પ્રોજેક્ટ ગણાવે છે. નર્મદા બચાવ આંદોલનના મેઘા પાટકરનો પણ આ પરિયોજના અંગે જે મત છે તે જાણી લેવા જેવો છે. તેમનું કહેવું છે કે, આ પૂરી યોજના અવ્યવહારું છે. સામાજિક, આર્થિક અને પર્યાવરણની રીતે તેના પરિણામ ખૂબ ખરાબ આવી શકે છે. સરકાર એવું કહી રહી છે કે આ યોજનાથી પૂરની સમસ્યાથી બચી શકાશે. હવે જ્યારે ગંગાને માત્ર વીસ ટકા હિસ્સાને વળાંક આપવાની વાત છે ત્યારે તેનાથી પૂર કેવી રીતે રોકાઈ શકે? આ દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પાટકરનો એક અન્ય મુદ્દો આ યોજના હેઠળ ખર્ચનારાં નાણાં અંગેનો છે. દેશભરમાં નદીઓ જોડવાને લઈને કુલ સાડા પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ થનારાં છે. આટલી રકમ સરકાર ખર્ચી ન શકે તેવું પાટકરનું માનવું છે અને તે કારણે આ યોજનામાં કોર્પોરેટ જગતની એન્ટ્રી થશે અને પછી તેઓ તેની કિંમત વસૂલશે. મતલબ કે નદીઓ લોકોના હાથમાંથી સરકીને કંપનીઓના હાથમાં જશે.

નદીઓ જોડાણને લઈને સાવધાની ન રાખવામાં આવે તો તેનાથી ખુંવારી થઈ શકે છે. આ ખુંવારી હિમાલયી નદીઓમાં આપણે દર વર્ષે સમયાંતરે જોઈએ છીએ. હિમાલયમાં નદીઓનું જોડાણ થયું નથી, પરંતુ જે રીતે કુદરત સાથે ત્યાં છેડછાડ થઈ છે તેથી તે નદીઓના પ્રકોપ જોવા મળે છે. અમેરિકામાં પણ આ પ્રકારના પ્રયોગ થઈ ચૂક્યા છે. કોલેરાડોથી લઈને મિસિસિપી નદીના ઘાટ સુધી મોટી સંખ્યામાં આવી પરિયોજના બની છે અને તે યોજનામાં કળણ ભરાઈ ગયા હોવાથી આસપાસના વિસ્તારમાં પૂરનો પ્રકોપ વધવા માંડ્યો છે. આખરે આ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલાં બાંધોને તોડવા પડ્યા છે. તેના પર જે ખર્ચ થયો તે તો વેગળો. પાણીના જાણકારો કહે છે કે, ગંગા અને બ્રહ્મપુત્રમાં દર વર્ષે આવનારું કળણ મિસિસિપી નદીથી બમણું છે. સોવિયેત સંઘના યુગમાં સાઇબેરિયાની નદીઓને નેહરોની નેટવર્ક દ્વારા કઝાકિસ્તાન અને મધ્ય એશિયાના સૂકા પ્રદેશોની નદીઓ તરફ જોડવાનું કામ થયું હતું. યોજનાનો મુખ્ય ભાગ 2,200 કિલોમીટર લાંબી એક નહેર હતી. આ યોજનાથી અનેકગણું અનાજ પાકશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં જ્યાં નહેર પહોંચી ત્યાં કળણવાળી જમીન અને ખારા પાણીથી ખેડૂતોની કમર તૂટી ગઈ. 80ના દાયકામાં આ સમગ્ર યોજનાને પડતી મૂકી દેવામાં આવી.

પાણીની વિકરાળ સમસ્યા સામે જ્યારે તેના ઉકેલ શોધાય છે અને તે તરફ આવાં પ્રશ્નો ઊઠે ત્યારે તેનો વાસ્તવિક ઉકેલ શો હોઈ શકે, તે પણ જાણવું જોઈએ. જાણકારોના મતે પીવાનાં પાણીનું આયોજન અલગ અલગ ક્ષેત્રોમાં વેગવેગળું હોય છે. આના બદલે એક જ આયોજન થોપવું યોગ્ય નથી. આપણાં જ દેશમાં નાના પ્રયાસો દ્વારા નદીઓને પુર્નજીવિત કરવાના કિસ્સા પણ મોજૂદ છે, ત્યારે નદીઓને જોડવાનો જોખમી માર્ગ શું કામ લેવો?

આ વિશે જાણીતા પર્યાવરણવિદ્ અનુપમ મિશ્રનું કહેવું હતું કે, નદીઓને જોડવાનું કાર્ય પ્રકૃતિનું છે. જ્યાં બે નદી જોડાય છે ત્યાં તે જગ્યા તીર્થસ્થળ બની જાય છે. હવે નદીઓને નહેરો દ્વારા જોડવાનો પ્રયાસ થાય છે. આનાથી ખેડૂતોને તો નહીં પણ નેતાઓ અને અધિકારીઓને જરૂર લાભ થશે. મિશ્રનું આ પાણીના આયોજન અંગેનું ગણિત ખૂબ કિફાયતી હતું અને તે વાતનું તેઓ મોડલ પણ જમીન પર લાવી શક્યા હતા. પણ હવે યોજનાઓમાં મસમોટી રકમ ખર્ચીને પ્રયોગો થઈ રહ્યા છે અને નક્કર આયોજનનો અભાવ છે.

e.mail : kirankapure@gmail.com

Loading

મેળમાથા વિના બોલવું વડા પ્રધાન પદની ગરિમા લજવનારું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 April 2021

વડા પ્રધાને બંગલાદેશમાં બંગલાદેશના વડા પ્રધાનની ઉપસ્થિતિમાં દાવો કર્યો હતો કે તેમણે બંગલાદેશની મુક્તિ માટેના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં તેને માટે જેલમાં પણ ગયા હતા. આ કથન પછી વડા પ્રધાનની સોશ્યલ મીડિયા પર ઠેકડી ઉડાડવામાં આવી રહી છે. દેશના વડા પ્રધાનની ઠેકડી ઉડતી હોય એ જોઇને દુઃખ કરતાં શરમ વધુ અનુભવાય છે. શા માટે આવી મેળમાથા વિનાની વાતો કરીને તેઓ પોતાની અને દેશની પ્રતિષ્ઠા ઘટાડે છે અને એ પણ વિદેશની ભૂમિમાં? આવું પાછું આ પહેલીવાર નથી બન્યું અનેકવાર બન્યું છે. ગમે તે બોલવું એ તેમની રોકી ન શકાય એવી આદત છે કે પછી તેમની રાજકીય શૈલીનો હિસ્સો છે એવો પણ સવાલ લોકો કરે છે.

બંગલાદેશની મુક્તિ માટે ભારતમાં કોઈ સત્યાગ્રહ શા માટે કરે? કરે તો કોની સામે કરે? ભારત સરકારે પશ્ચિમ પાકિસ્તાનના લશ્કર દ્વારા પૂર્વ પાકિસ્તાનના ગરીબ લાચાર બંગાળી મુસલમાનો ઉપર કરવામાં આવી રહેલા અત્યાચારો રોકવા માટે પહેલ કરવી જોઈએ કે દરમ્યાનગીરી કરવી જોઈએ એવી માગણી સાથે સાહેબે સત્યાગ્રહ કર્યો હતો એવો ખુલાસો પણ આપી શકાય એમ નથી, કારણ કે આવી માગણી કોઈ કરે એ પહેલાં જ ભારત સરકાર પૂર્વ પાકિસ્તાનના મામલામાં સક્રિય હતી. હકીકતમાં ભારત સરકાર અને ભારતીય લશ્કર બંગલાદેશનાં મુક્તિદાતા અને સ્થાપક બન્ને છે. બંગલાદેશ વિષે સેંકડો પુસ્તકો લખાયાં છે જેમાં એક સરખી આ જ વાત કહેવાઈ છે. લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબે લખેલી આત્મકથા ‘સરન્ડર એટ ઢાકા: બર્થ ઑફ અ નેશન’માં પણ મુત્સદીપૂર્વક આ જ વાત કહેવાઈ છે. બંગલાદેશ પૂર્વ બંગાળના નાગરિકોએ જીત્યું છે એનાથી વધુ ભારતે તે જીતીને આપ્યું છે. પાકિસ્તાનને આ વાતની ચીડ છે અને તેનું વેર વાળવા પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતે કાશ્મીર(૧૯૪૭)નું વેર બંગલાદેશ(૧૯૭૧)માં વાળ્યું હતું અને પાકિસ્તાન તેનું વેર કાશ્મીરમાં વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બીજું, નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે અને સંઘને મુસલમાનોની મુક્તિમાં રસ હોય એની તમે કલ્પના પણ કરી શકો? ત્રીજું જે સંગઠને ભારતના (ભારતના હિંદુઓને કહો) આઝાદી અપવવા માટે ક્યારે ય કોઈ સત્યાગ્રહ નહોતો કર્યો કે નહોતો સત્યાગ્રહમાં ભાગ લીધો એ બંગલાદેશના મુસલમાનો માટે સત્યાગ્રહ કરે? અને ચોથું, હિન્દુત્વવાદીઓ સત્યાગ્રહને ગાંધી નામના નમાલા માણસનાં નમાલાં સાધન તરીકે ઓળખાવે છે અને પોતાને બહાદુર. તેઓ વળી ક્યારે ગાંધીનો માર્ગ અપનાવવા લાગ્યા? હા, કેટલાક લોકોએ (ખાસ કરીને સમાજવાદીઓએ) ભારતમાંની પાકિસ્તાનની એલચી કચેરી સામે અત્યાચાર રોકવાની માગણી સાથે દેખાવો કર્યા હતા, પણ સંઘે અને જનસંઘે તો દેખાવો પણ નહોતા કર્યા. તેમને મુસલમાનો માટે કોઈ સહાનુભૂતિ જ નથી એ તો જગજાહેર છે. તો પછી વડા પ્રધાને બાવીસ વરસની કાચી ઉમંરે સત્યાગ્રહ કોની સામે કર્યો અને કોના નેતૃત્વમાં કર્યો? જેલમાં ગયા હતા તો જેલનો રેકોર્ડ પણ હશે. કોઈ ભક્ત પાસે કોઈ પ્રમાણ હોય તો જરૂર આપે.

ખેર, એ વાત જવા દઈએ. વડા પ્રધાન જે દિવસે બંગલાદેશમાં હતા એ જ દિવસે એટલે કે ૨૭મી માર્ચે પડોશમાં મ્યાનમારમાં ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લેનારા લશ્કરી સરમુખત્યારોએ લશ્કરી પરેડ યોજી હતી જેમાં ભારતના લશ્કરના એટેચીએ હાજરી આપી હતી. વાચકોને યાદ હશે કે મ્યાનમારમાં પહેલી ફેબ્રુઆરીએ લશ્કરે બળવો કરીને ચૂંટાયેલી સરકાર ઉથલાવી હતી અને ભારતે હજુ સુધી એ ઘટનાની નિંદા કરી નથી. એ પરેડમાં માત્ર સાત દેશોએ હાજરી આપી હતી જેમાં ભારત એક હતું. જે દેશો તેના દરેક અર્થમાં લોકતાંત્રિક છે એવા એક પણ દેશે હાજરી નહોતી આપી. ચીન, રશિયા, પાકિસ્તાન, વિએતનામ જેવા દેશોના પ્રતિનિધિઓની સાથે ભારતના લશ્કરી એટેચી બેઠા હતા. વડા પ્રધાન જ્યારે બંગલાદેશનાં મુસલમાનોની મુક્તિ માટે જેલ જવાનો દાવો કરતા હતા એ જ દિવસે લગભગ એ જ સમયે આઝાદી માટે અથવા સરમુખત્યારશાહીથી મુક્તિ મેળવવા લડનારા બર્મીઝ નાગરિકોએ દેખાવો કર્યા હતા અને લશ્કરે નિર્દોષ નાગરિકો ઉપર ગોળીબાર કર્યો હતો જેમાં ૯૦ જણા માર્યા ગયા હતા. ભારત સરકારે એ ઘટનાની નિંદા કરવાની પણ બાકી છે.

હજુ એક સ્મરણ અપાવી દઉં. ૨૩મી માર્ચે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાની નાગરિક અધિકાર પરિષદમાં શ્રીલંકાએ જાફનામાં તમિલો સાથે જે અત્યાચાર કર્યા તેની નિંદા કરતો પ્રસ્તાવ આવ્યો હતો. વાચકોને યાદ હશે કે ૨૦૦૯ની સાલમાં શ્રીલંકાની સરકારે જાફનામાં તમિલો માટે અલગ ભૂમિની માગણી કરનારા તમિલોનો નરસંહાર કર્યો હતો. એમ કહેવાય છે કે વીસથી પચીસ હજાર તમિલોને લશ્કરી જવાનોએ મારી નાખ્યા હતા. નાગરિક અધિકાર પરિષદના ૪૭ સભ્ય દેશોમાંથી બાવીસ દેશોએ નિંદાના પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો, ૧૧ દેશોએ તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો અને ૧૪ દેશો મત આપવામાં ગેરહાજર રહ્યા હતા. શ્રીલંકાના હિંદુ તમિલોના નરસંહારની નિંદા કરવાથી બચવા માગનારા દેશોમાં એક દેશ ભારત હતો. ભારતે શ્રીલંકન હિંદુ તમિલોની તરફેણમાં મત નહોતો આપ્યો.

બોલો, બાવીસ વરસની ઉંમરે બંગલાદેશના બંગાળી મુસલમાનોને ન્યાય મળે એ માટે સત્યાગ્રહ કરનારા અને જેલ જનારા નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી મ્યાનમારમાં બર્મીઝ નાગરિકોના અધિકારોનું અને શ્રીલંકામાં તમિલ નાગરિકોના અધિકારોનું દમન કરનારાઓનો વિરોધ તો કરતા નથી, ઊલટું હાજર રહીને કે ગેરહાજર રહીને સમર્થન કરે છે. અહીં જણાવી દેવું જોઈએ કે મ્યાનમારમાં લોકશાહી માટે લડનારાં સુ કીને આગળની કૉંગ્રેસ સરકારે પણ ટેકો નહોતો આપ્યો. એવી જ રીતે શ્રીલંકામાં તમિલો ઉપર અત્યાચાર કરનાર શ્રીલંકાની સરકારની નિંદા કરનારા આ પહેલાના પ્રસ્તાવ વખતે ભારત ગેરહાજર રહ્યું છે. આ લખનારે એ દરેક વખતે કૉંગ્રેસ સરકારની ટીકા કરી હતી. ફરક એ છે કે એ સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ જ્યાં જાય ત્યાં તમારે માટે મેં શહીદી વહોરી હતી એવા દાવા નહોતા કરતા. લોકો ઠેકડી ત્યારે ઉડાડે જ્યારે દાવો ખોટો પણ હોય અને હજમ થઈ શકે એનાથી મોટો પણ હોય. હસતા હસતા માણસ કોળિયો થુંકતો જાય એવું ન બોલવું જોઈએ.

મ્યાનમારમાં અને શ્રીલંકામાં ભારત મૂલ્યોના પક્ષે ઊભું રહી શકતું નથી એનું કારણ છે ચીન. ચીને ભારત ફરતે ભરડો લીધો છે. ભારત મૂંગું રહે છે અથવા હળવો ટેકો આપે છે તો ચીન આ બે દેશોને અને દક્ષિણ એશિયાના બીજા બધા દેશોને ખુલ્લો ટેકો આપે છે. સરવાળે આમાં ભારત ગોળો અને ગોફણ બન્ને ગુમાવી રહ્યું છે.

દરમ્યાન ઉપર ઉપસ્થિત કરેલા સવાલ વિષે વિચારો. મેળમાથા વિના ગમે તે બોલવું એ તેમની રોકી ન શકાય એવી આદત છે કે પછી તેમની રાજકીય શૈલીનો હિસ્સો છે? વિચારો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઍપ્રિલ 2021

Loading

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|1 April 2021

હૈયાને દરબાર

સુગમ સંગીત ક્ષેત્રે ગાયનની જુગલબંદી ઓછી જોવા મળે. એમાં ય ગુરુ-શિષ્ય સાથે ગાતા હોય એ દૃશ્ય તો ભાગ્યે જ દેખાય. ફાગણી ફોરમનું એવું જ એક મઘમઘતું ગીત ફાગણના આરંભે સાંભળીને ખૂબ મજા આવી. હોળી-ધુળેટી દરમ્યાન ફાગણનાં ગીતોનો ગુલાલ સર્વત્ર ઊડતો હોય છે. વોટ્સએપ અને ફેસબુક ઉપર આ ગીતો સતત સર્ક્યુલેટ થતાં હોય છે. કવિ મેઘબિંદુએ લખેલું, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં પુરુષોત્તમભાઈ અને અમેરિકા સ્થિત એમના શિષ્ય કૃષાનુ મજમુદારે સાથે ગાયેલું ગીત ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, પછી મલક્યા વિના તે કેમ રહીએ?’ આવી જ રીતે મળ્યું અને મજા પડી ગઈ. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે તો એ સાંભળ્યું જ હતું, પરંતુ કૃષાનુ સાથેની આ જુગલબંદીની મજા અનોખી હતી.

કૃષાનુ મજમુદાર અમેરિકા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર છે, પરંતુ સંગીત જાણે ગળથૂથીમાં મળ્યું છે. માતા માનસીબહેન સારું ગાઈ શકે છે, પિતા હરેનભાઈ સિતાર વગાડે છે. સાડાત્રણ વર્ષની ઉંમરે પહેલી વાર દૂરદર્શન પર ગીત રજૂ કર્યા બાદ વિવિધ ગુરુઓ પાસે એમણે તાલીમ લીધી. મુંબઈમાં જમનાબાઈ સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધ્યક્ષ પરાશર દેસાઈ કૃષાનુના મોટા મામા અને કૃષાનુ એ જ સ્કૂલમાં ભણે એટલે એ કૃષાનુને ઘણું માર્ગદર્શન આપતા. સંગીતકાર રાસબિહારી દેસાઈ, પંડિત વિનાયક વોરા ઈત્યાદિ પાસે તાલીમ લીધા બાદ કૃષાનુએ સુગમ સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે વિશેષ તાલીમ લીધી હતી.

‘હિન્દુ કોટ સ્ત્રી મંડળના એક કાર્યક્રમમાં પુરુષોત્તમભાઈનાં પત્ની ચેલનાબહેને પહેલી વાર મને સાંભળીને પુરુષોત્તમભાઈને મારું નામ સૂચવ્યું હતું કે આ છોકરો ટેલન્ટેડ લાગે છે. એ વખતે અમે મુંબઈમાં અંધેરીમાં રહેતા હતા. મારી કોલેજ ટાઉનમાં હોવાથી પછીથી તો હું પુરુષોત્તમભાઈની અનુકૂળતા મુજબ એમની પાસે સંગીત શીખવા પહોંચી જતો. ગાયનમાં ભાવ અને ઠહેરાવ ખૂબ અગત્યના છે એ હું પુરુષોત્તમભાઈ પાસેથી જ શીખ્યો. અત્યારે અમેરિકામાં મારી જોબમાં વ્યસ્ત છું છતાં સંગીત સાથેનો નાતો બરકરાર છે. સુગમ સંગીત, હિન્દી ફિલ્મ સંગીત, ગઝલ, સૂફી અને નવરાત્રિના ગરબા પણ કરાવું છું. મારી પત્ની દિતિ ખૂબ સરસ ગાય છે એટલે અમે સાથે પણ પ્રોગ્રામો કરીએ છીએ. અમારાં સંતાનોને પણ સંગીતમાં રસ છે. આઠ વર્ષની દીકરી તો અત્યારથી ‘પિચ’ પરફેક્ટ છે. જે સ્કેલ સંભળાવો એ તરત પારખી જાય. દીકરો પણ ગાવાનો શોખીન છે. આમ, પરદેશમાં હોવા છતાં અમે ભારતીય સંસ્કૃતિ સાથે સંપૂર્ણ જોડાયેલાં છીએ,’ કૃષાનુ કહે છે.

૧૯૯૫માં ‘સારેગમ’ શોમાં ભાગ લઈ ચૂકેલા કૃષાનુએ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે અન્ય એક ગીત, ‘મારાં લાલ રે લોચનિયાં…’માં પણ સરસ જુગલબંદી કરી છે. એની રસપ્રદ વાત કૃષાનુનાં માતા માનસીબહેને કરી.

એ કહે છે, ‘કૃષાનુ કોલેજમાં હતો ત્યારે પુરુષોત્તમભાઈનો એક કાર્યક્રમ જુહુના જલારામ ઓડિટોરિયમમાં હતો. કૃષાનુ કોલેજથી થાક્યો-પાક્યો આવ્યો હતો પણ અમારે એ કાર્યક્રમમાં જવું જ હતું એટલે અમને લઈ ગયો. અમે સહેજ મોડાં હતાં તેથી છેક છેલ્લી સીટમાં જઈને બેસી ગયાં. પુરુષોત્તમભાઈની નજર શાર્પ. એમણે કૃષાનુને જોયો, સ્ટેજ પર બોલાવ્યો અને ‘લાલ રે લોચનિયાં …’ ગીતમાં સાથ આપવા કહ્યું. પ્રસન્નકારી રાગ નંદનો સ્પર્શ ધરાવતું, ખાસ્સું અઘરું અને એક-બે વખત જ પુરુષોત્તમભાઈ પાસે સાંભળેલું આ ગીત એ સરસ નિભાવી ગયો. પુરુષોત્તમભાઈ આવી ચેલેન્જ ઘણી વાર આપતા. એટલે ગુરુ-શિષ્યની જુગલબંદીનાં અમારે માટે તો આ બે યાદગાર સંભારણાં છે. લાલ રે લોચનિયાં અને ફાગણનો ફાગ એમ બે ગીતો કૃષાનુને જુગલબંદીમાં ગાવાની તક મળી.’

પુરુષોત્તમભાઈનાં ગીતોની કમાલ એ જ છે. સાંભળવામાં સરળ અને ગાવામાં અઘરાં. છતાં એમણે કૃષાનુ જેવા અનેક શિષ્યો તૈયાર કર્યા છે. પુરુષોત્તમભાઈની ગાયકીની અસર એમના શિષ્યોમાં ય જોવા મળે છે. ગાવાની ક્ષમતા ધરાવતા અનેક નવોદિતોને પુરુષોત્તમભાઈએ તક આપી છે. તેઓ માને છે કે ગુજરાતીઓમાં કળાની પરખ છે. એમના સુધી સારું સાહિત્ય-સંગીત પહોંચવું જોઈએ.

આ તાજગીસભર ગીતના કવિ મેઘજીભાઈ ડોડેચા ‘મેઘબિંદુ’ છે. ‘ફાગણનો ફાગ …’ ગીતના સર્જન વિશે એ કહે છે, ‘પચીસેક વર્ષ પહેલાં હું ચિંતક હરિભાઈ કોઠારીની એક શિબિરમાં વડોદરા ગયો હતો. એપ્રિલની શરૂઆત હતી. સવારનું વાતાવરણ ખૂબ સરસ હતું. મોર-કોયલના ટહુકારા સંભળાતા હતા. પવન તો જાણે આપણને અડકીને જ રોમાંચિત કરતો હોય એવું લાગતું હતું. સવારનો વોક લઈ પાછો ઘરે આવ્યો અને ગીતની પહેલી પંક્તિ સ્ફૂરી; ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ પછી મલક્યા વિના તે કેમ રહીએ …!’ પછી પાંચ-સાત મિનિટમાં આખું ગીત લખાઈ જતાં સંગીતકાર મિત્ર પુરુષોત્તમ ઉપાધ્યાયને તરત ફોન કર્યો અને આ પંક્તિ સંભળાવી. તેઓ બહુ જ ખુશ થઇ ગયા. કહે કે તમે મને નિરાંતે આ ગીત સંભળાવજો. પછી થોડા જ દિવસમાં એમનો સામેથી ફોન આવ્યો કે મેઘજીભાઈ, પેલું ગીત આપો. એ ગીત લઈને હું એમના ઘરે ગયો. એમણે થોડા જ સમયમાં કમ્પોઝ કરી દીધું હતું. ગીત સંભળાવવા એમણે સંગીતકાર દક્ષેશ ધ્રુવને ખાસ ઘરે નિમંત્ર્યા હતા. દક્ષેશભાઈએ મને ફોન કરીને કહ્યું કે કવિ તમે તરી ગયા. પુરુષોત્તમભાઈએ ગીત ઉત્તમ કંપોઝ કરી દીધું છે. ખરેખર એમ જ થયું. આ ગીત પછીથી ઘણું લોકપ્રિય થયું.’

ઉલ્લેખનીય છે કે કવિ મેઘબિંદુનાં, જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયેલાં ગીતોમાંથી ૮૦ જેટલાં ગીતોનું સંકલન એમના ભાઇ મોહનકુમાર ડોડેચાએ તાજેતરમાં જ કર્યું તથા જામનગર સ્થિત લેફ્ટ. ડો. સતીશચંદ્ર વ્યાસની પરિકલ્પનામાં રમેશ જોશીએ એ ગીતોને યુટ્યુબ પર અપલોડ કર્યાં. મિત્ર સતીશચંદ્ર વ્યાસે મેઘબિંદુના ૮૦મા જન્મદિવસે એ ૮૦ ગીતોની પુસ્તિકા તૈયાર કરી અને એનું વિમોચન જામનગર ખાતે ચોથી માર્ચ ૨૦૨૧ના દિવસે જ કર્યું હતું. આ પણ એક સારું કામ થયું. સુગમ સંગીત ડિજિટલ પ્લેટફોર્મ પર સચવાય એ જરૂરી છે. કવિ રમેશ પારેખની જાણીતી રચના ‘ફાગણની ઝાળ ઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું …’ એ ગીત નયનેશ જાનીના સ્વરાંકનમાં કૃષાનુએ સરસ ગાયું છે. ફાગણ મહિનો જ રંગ-રાગ, મોજ-મસ્તીનો છે. કેસૂડાએ ધરતી પર કામણ કર્યાં હોય ત્યારે આપણે ય રંગાઈ જઈએ આ રંગોમાં!

—————— ————–

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ
કામણ કીધાં અહીં કેસૂડે એવાં
કે મહેક્યા વિના તે કેમ રહીએ
ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યાંને
ઝૂમે છે આખું ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીએ…
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલમહોર
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીએ
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ…!

•   કવિ : મેઘબિંદુ   •   સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય  

• ગાયક : કૃષાનુ મજમુદાર – પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 01 ઍપ્રિલ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=687842

Loading

...102030...2,1212,1222,1232,124...2,1302,1402,150...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved