Opinion Magazine
Number of visits: 10,226,580
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|1 April 2021

હૈયાને દરબાર

સુગમ સંગીત ક્ષેત્રે ગાયનની જુગલબંદી ઓછી જોવા મળે. એમાં ય ગુરુ-શિષ્ય સાથે ગાતા હોય એ દૃશ્ય તો ભાગ્યે જ દેખાય. ફાગણી ફોરમનું એવું જ એક મઘમઘતું ગીત ફાગણના આરંભે સાંભળીને ખૂબ મજા આવી. હોળી-ધુળેટી દરમ્યાન ફાગણનાં ગીતોનો ગુલાલ સર્વત્ર ઊડતો હોય છે. વોટ્સએપ અને ફેસબુક ઉપર આ ગીતો સતત સર્ક્યુલેટ થતાં હોય છે. કવિ મેઘબિંદુએ લખેલું, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં પુરુષોત્તમભાઈ અને અમેરિકા સ્થિત એમના શિષ્ય કૃષાનુ મજમુદારે સાથે ગાયેલું ગીત ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, પછી મલક્યા વિના તે કેમ રહીએ?’ આવી જ રીતે મળ્યું અને મજા પડી ગઈ. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે તો એ સાંભળ્યું જ હતું, પરંતુ કૃષાનુ સાથેની આ જુગલબંદીની મજા અનોખી હતી.

કૃષાનુ મજમુદાર અમેરિકા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર છે, પરંતુ સંગીત જાણે ગળથૂથીમાં મળ્યું છે. માતા માનસીબહેન સારું ગાઈ શકે છે, પિતા હરેનભાઈ સિતાર વગાડે છે. સાડાત્રણ વર્ષની ઉંમરે પહેલી વાર દૂરદર્શન પર ગીત રજૂ કર્યા બાદ વિવિધ ગુરુઓ પાસે એમણે તાલીમ લીધી. મુંબઈમાં જમનાબાઈ સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધ્યક્ષ પરાશર દેસાઈ કૃષાનુના મોટા મામા અને કૃષાનુ એ જ સ્કૂલમાં ભણે એટલે એ કૃષાનુને ઘણું માર્ગદર્શન આપતા. સંગીતકાર રાસબિહારી દેસાઈ, પંડિત વિનાયક વોરા ઈત્યાદિ પાસે તાલીમ લીધા બાદ કૃષાનુએ સુગમ સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે વિશેષ તાલીમ લીધી હતી.

‘હિન્દુ કોટ સ્ત્રી મંડળના એક કાર્યક્રમમાં પુરુષોત્તમભાઈનાં પત્ની ચેલનાબહેને પહેલી વાર મને સાંભળીને પુરુષોત્તમભાઈને મારું નામ સૂચવ્યું હતું કે આ છોકરો ટેલન્ટેડ લાગે છે. એ વખતે અમે મુંબઈમાં અંધેરીમાં રહેતા હતા. મારી કોલેજ ટાઉનમાં હોવાથી પછીથી તો હું પુરુષોત્તમભાઈની અનુકૂળતા મુજબ એમની પાસે સંગીત શીખવા પહોંચી જતો. ગાયનમાં ભાવ અને ઠહેરાવ ખૂબ અગત્યના છે એ હું પુરુષોત્તમભાઈ પાસેથી જ શીખ્યો. અત્યારે અમેરિકામાં મારી જોબમાં વ્યસ્ત છું છતાં સંગીત સાથેનો નાતો બરકરાર છે. સુગમ સંગીત, હિન્દી ફિલ્મ સંગીત, ગઝલ, સૂફી અને નવરાત્રિના ગરબા પણ કરાવું છું. મારી પત્ની દિતિ ખૂબ સરસ ગાય છે એટલે અમે સાથે પણ પ્રોગ્રામો કરીએ છીએ. અમારાં સંતાનોને પણ સંગીતમાં રસ છે. આઠ વર્ષની દીકરી તો અત્યારથી ‘પિચ’ પરફેક્ટ છે. જે સ્કેલ સંભળાવો એ તરત પારખી જાય. દીકરો પણ ગાવાનો શોખીન છે. આમ, પરદેશમાં હોવા છતાં અમે ભારતીય સંસ્કૃતિ સાથે સંપૂર્ણ જોડાયેલાં છીએ,’ કૃષાનુ કહે છે.

૧૯૯૫માં ‘સારેગમ’ શોમાં ભાગ લઈ ચૂકેલા કૃષાનુએ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે અન્ય એક ગીત, ‘મારાં લાલ રે લોચનિયાં…’માં પણ સરસ જુગલબંદી કરી છે. એની રસપ્રદ વાત કૃષાનુનાં માતા માનસીબહેને કરી.

એ કહે છે, ‘કૃષાનુ કોલેજમાં હતો ત્યારે પુરુષોત્તમભાઈનો એક કાર્યક્રમ જુહુના જલારામ ઓડિટોરિયમમાં હતો. કૃષાનુ કોલેજથી થાક્યો-પાક્યો આવ્યો હતો પણ અમારે એ કાર્યક્રમમાં જવું જ હતું એટલે અમને લઈ ગયો. અમે સહેજ મોડાં હતાં તેથી છેક છેલ્લી સીટમાં જઈને બેસી ગયાં. પુરુષોત્તમભાઈની નજર શાર્પ. એમણે કૃષાનુને જોયો, સ્ટેજ પર બોલાવ્યો અને ‘લાલ રે લોચનિયાં …’ ગીતમાં સાથ આપવા કહ્યું. પ્રસન્નકારી રાગ નંદનો સ્પર્શ ધરાવતું, ખાસ્સું અઘરું અને એક-બે વખત જ પુરુષોત્તમભાઈ પાસે સાંભળેલું આ ગીત એ સરસ નિભાવી ગયો. પુરુષોત્તમભાઈ આવી ચેલેન્જ ઘણી વાર આપતા. એટલે ગુરુ-શિષ્યની જુગલબંદીનાં અમારે માટે તો આ બે યાદગાર સંભારણાં છે. લાલ રે લોચનિયાં અને ફાગણનો ફાગ એમ બે ગીતો કૃષાનુને જુગલબંદીમાં ગાવાની તક મળી.’

પુરુષોત્તમભાઈનાં ગીતોની કમાલ એ જ છે. સાંભળવામાં સરળ અને ગાવામાં અઘરાં. છતાં એમણે કૃષાનુ જેવા અનેક શિષ્યો તૈયાર કર્યા છે. પુરુષોત્તમભાઈની ગાયકીની અસર એમના શિષ્યોમાં ય જોવા મળે છે. ગાવાની ક્ષમતા ધરાવતા અનેક નવોદિતોને પુરુષોત્તમભાઈએ તક આપી છે. તેઓ માને છે કે ગુજરાતીઓમાં કળાની પરખ છે. એમના સુધી સારું સાહિત્ય-સંગીત પહોંચવું જોઈએ.

આ તાજગીસભર ગીતના કવિ મેઘજીભાઈ ડોડેચા ‘મેઘબિંદુ’ છે. ‘ફાગણનો ફાગ …’ ગીતના સર્જન વિશે એ કહે છે, ‘પચીસેક વર્ષ પહેલાં હું ચિંતક હરિભાઈ કોઠારીની એક શિબિરમાં વડોદરા ગયો હતો. એપ્રિલની શરૂઆત હતી. સવારનું વાતાવરણ ખૂબ સરસ હતું. મોર-કોયલના ટહુકારા સંભળાતા હતા. પવન તો જાણે આપણને અડકીને જ રોમાંચિત કરતો હોય એવું લાગતું હતું. સવારનો વોક લઈ પાછો ઘરે આવ્યો અને ગીતની પહેલી પંક્તિ સ્ફૂરી; ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ પછી મલક્યા વિના તે કેમ રહીએ …!’ પછી પાંચ-સાત મિનિટમાં આખું ગીત લખાઈ જતાં સંગીતકાર મિત્ર પુરુષોત્તમ ઉપાધ્યાયને તરત ફોન કર્યો અને આ પંક્તિ સંભળાવી. તેઓ બહુ જ ખુશ થઇ ગયા. કહે કે તમે મને નિરાંતે આ ગીત સંભળાવજો. પછી થોડા જ દિવસમાં એમનો સામેથી ફોન આવ્યો કે મેઘજીભાઈ, પેલું ગીત આપો. એ ગીત લઈને હું એમના ઘરે ગયો. એમણે થોડા જ સમયમાં કમ્પોઝ કરી દીધું હતું. ગીત સંભળાવવા એમણે સંગીતકાર દક્ષેશ ધ્રુવને ખાસ ઘરે નિમંત્ર્યા હતા. દક્ષેશભાઈએ મને ફોન કરીને કહ્યું કે કવિ તમે તરી ગયા. પુરુષોત્તમભાઈએ ગીત ઉત્તમ કંપોઝ કરી દીધું છે. ખરેખર એમ જ થયું. આ ગીત પછીથી ઘણું લોકપ્રિય થયું.’

ઉલ્લેખનીય છે કે કવિ મેઘબિંદુનાં, જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયેલાં ગીતોમાંથી ૮૦ જેટલાં ગીતોનું સંકલન એમના ભાઇ મોહનકુમાર ડોડેચાએ તાજેતરમાં જ કર્યું તથા જામનગર સ્થિત લેફ્ટ. ડો. સતીશચંદ્ર વ્યાસની પરિકલ્પનામાં રમેશ જોશીએ એ ગીતોને યુટ્યુબ પર અપલોડ કર્યાં. મિત્ર સતીશચંદ્ર વ્યાસે મેઘબિંદુના ૮૦મા જન્મદિવસે એ ૮૦ ગીતોની પુસ્તિકા તૈયાર કરી અને એનું વિમોચન જામનગર ખાતે ચોથી માર્ચ ૨૦૨૧ના દિવસે જ કર્યું હતું. આ પણ એક સારું કામ થયું. સુગમ સંગીત ડિજિટલ પ્લેટફોર્મ પર સચવાય એ જરૂરી છે. કવિ રમેશ પારેખની જાણીતી રચના ‘ફાગણની ઝાળ ઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું …’ એ ગીત નયનેશ જાનીના સ્વરાંકનમાં કૃષાનુએ સરસ ગાયું છે. ફાગણ મહિનો જ રંગ-રાગ, મોજ-મસ્તીનો છે. કેસૂડાએ ધરતી પર કામણ કર્યાં હોય ત્યારે આપણે ય રંગાઈ જઈએ આ રંગોમાં!

—————— ————–

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ
કામણ કીધાં અહીં કેસૂડે એવાં
કે મહેક્યા વિના તે કેમ રહીએ
ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યાંને
ઝૂમે છે આખું ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીએ…
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલમહોર
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીએ
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ…!

•   કવિ : મેઘબિંદુ   •   સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય  

• ગાયક : કૃષાનુ મજમુદાર – પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 01 ઍપ્રિલ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=687842

Loading

બોરસદથી કારેલી – વાયા કંકાપુર

પરેશ ર. વૈદ્ય|Opinion - Opinion|1 April 2021

દાંડી યાત્રાના સ્મરણો :

મીઠાના સત્યાગ્રહની દાંડીયાત્રાને ૧૯૮૦માં પચાસ વર્ષ થયાં. એ પ્રસંગને ઉજવવા સારું અમે સાત મિત્રોએ એ જ રસ્તે એ જ સમયપત્રકથી પદયાત્રા કરી. ગાંધીજીનો એક હેતુ હતો જે હવે તો નહોતો (એવું નહિ કે મીઠા ઉપર કર નથી, પણ અમે તેના વિરોધમાં નહોતા ગયા !!). એટલે અમે અમારા સારું જુદા હેતુ સ્થાપિત કર્યા. તેમાં મુખ્ય તો ગ્રામજનો સાથે મુલાકાત, ગાંધીજી વિષે વાત કરવી, લોકશાહી વિષે વાત કરવી, તે એક તરફ. બીજી તરફ અમારામાંથી અમુક જણા વૈજ્ઞાનિક હતા તેથી ચર્ચા માટે આરોગ્ય, સ્વાસ્થ્ય, તેમ જ વૈજ્ઞાનિક અભિગમ વિષે પણ વાત કરવાનું નક્કી કરેલું. તે માટે લોકોના જુદા જુદા સમૂહોમાં ચર્ચા  ઉપાડવાની એક ખાસ ટેકનીક પણ અમે ઉપસાવી હતી. મૂળ દાંડીના સમયના કેટલાક આંકડા ભેગા કરલા તે સાંપ્રત સાથે સરખાવવાનું પણ થોડું કર્યું. ચોવીસ દિવસના આનંદ અને પરિશ્રમની વાત ક્યારેક વિસ્તારથી કરીશું.

આજે એ યાત્રાની રોજનીશીમાંથી જે ભાગ મને હજુ ય રોમાંચ અપાવે છે તેટલા ભાગની, બે દિવસની, વાત કરવી છે. શરૂ કરતાં પહેલાં દાંડી કૂચના માંર્ગનો નકશો સાથે આપ્યો તે જોઈ લઈએ. યાત્રાના રસ્તામાં  સાત નદી આવતી હતી. તેમાં સાબરમતી તો પુલ પરથી પસાર કરી.

માતર પાસે વાત્રક નદીની રેતીમાંથી ચાલતા જઈ શકાયું. અમારી જોડે સામાન માટે એક હાથલારી હતી તેને રેતીમાં ધકેલવી પડી પરંતુ મુશ્કેલી ન હતી. ખેડા જિલ્લાથી ભરુચ જિલ્લા વચ્ચે મહી નદી પડે છે. એ કહેવાય નદી, પણ તેના મુખ આગળ સાગર નદીમાં દાખલ થાય છે. એટલે તેનો પટ બહુ પહોળો છે. આથી જ તેનું હુલામણું નામ મહીસાગર છે. આ તરફ ખેડા જિલ્લાના બોરસદથી પેલી તરફ ભરુચમાં કારેલી સુધીની યાત્રાની આ વાત છે.

બોરસદમાં :

યાત્રાના સાતમાં દિવસે, ૧૮ માર્ચે, સાંજે બોરસદ આવેલા. ત્યાની ઇ.એમ. હાઇસ્કૂલના ટ્રસ્ટી રમણભાઈ પટેલ ઉત્સાહી અને સુશિક્ષિત વકીલ હતા. તેમના આયોજનમાં જે સભા થઇ તેમાં ૧૯૩૦ની યાત્રાના એક સૈનિક શિવાભાઈ પટેલ આવ્યા હતા. જે છ દાંડી યાત્રીઓને રૂબરૂ મળવાનો અમને મોકો મળ્યો તેમાં આ છેલ્લા. બાકીના સાબરમતી આશ્રમમાં, ત્યાંથી નીકળતા પહેલા મળ્યા હતા. આ વૃદ્ધ સજ્જન આવતી કાલના પડાવ કંકાપુરા જઈ અમારી મદદ માટે કેટલુંક આયોજન કરીને વળતા બોરસદ આવેલા. ગાંધીજી માટેની તેમની ભક્તિ દાંડીના પચાસ વર્ષ પછી પણ કૈંક કરી છૂટવાની પ્રેરણા આપતી હતી તે વાત અમને ઊંડે સુધી સ્પર્શતી હતી.

તારીખ ૧૯ માર્ચ બુધવાર. ગઈ કાલે મોડું થતા વિદ્યાર્થીઓ સાથે વાતો નહોતી થઇ તેથી સવારે ૭.૩૦ વાગે પહેલા હાઇસ્કૂલ ગયા અને બે કલાક ત્યાં ગાળ્યા. તેમાં એક વિષય હતો હાલમાં ગયેલા ( ફેબ્રુઆરી ૧૯૮૦) ખગ્રાસ સૂર્ય ગ્રહણ અને તેની આસપાસની માન્યતાઓનો. સ્વાભાવિક છે કે કેટલાંક શિક્ષકો જ રૂઢિના પક્ષે હોય. એ બધા સળ પર ઈસ્ત્રી ફેરવવા જ તો અમે નીકળ્યા હતા ! મજા આવી. એક છોકરીને NCCમાં જોડાવું હતું પણ સાંજના સમયે ઘરકામ હોવાના કારણે નહોતી જોઈન કરી શકાતી તેની વાત થઇ. નીકળતી વખતે અમારા સાથી કિરણભાઈએ વર્ગ શિક્ષિકાને કહ્યું કે પેલીનાં માબાપ જોડે વાત કરી મંગળ-બુધ તેને છૂટી રાખવા સમજાવે, તો બેને આંખથી ઈશારો કરી એક શિક્ષકને બતાવ્યા. એ જ પેલીના પિતા હતા અને ક્યારના આડી આંખે ચર્ચા સાંભળતા હતા ! સારી રમૂજ થઇ પણ સાથે સાથે સંદેશ પણ ગયો. આ એક ઉદાહરણ, અમે યાત્રામાં કેવાં કામ કરતાં હતા તેનું.

બોરસદ છોડી ચાલવા મળ્યું ત્યારે બધા થોડા ગંભીર હતા. અત્યાર સુધી અમે ચરોતર ખુંદતા આવ્યા હતા. સુંદર રસ્તાઓ, ઝાડપાન અને જીવંત વસતી હતી. પરંતુ અહીંથી રસ્તો સૂનો હતો કારણ આગળ રાસ સિવાય કોઈ મોટું ગામ નહોતું. રાત્રી મુકામ કંકાપુર. એ અહીં પૂરતો તો ધરતીનો છેડો હતો. ધુવારણ વીજ મથકનો રસ્તો થોડો સમય સાથે ચાલ્યો પણ એ ફંટાઈ ગયા પછી રસ્તામાં અમારા સિવાય કોઈ નહોતું. અમને કહેવાયું હતું કે ધીરે ધીરે પટેલોની વસતી ઘટતી જશે અને ‘બારૈયા’ની વસ્તી વધતી જશે. આ શબ્દ સાથે એક માત્ર પરિચય હતો ઝવેરચંદ મેઘાણીના પુસ્તક ‘માણસાઈના દીવા’ મારફત. એ સાચી વાતોનો સંગ્રહ છે જેમાં રવિશંકર મહારાજે ધીરજથી  અરજણ બારૈયાને કેમ સુધાર્યો તેનું વર્ણન છે. પરંતુ ૧૯૪૬ની વાર્તાનો સુધરેલો નાયક તો અમને મળવાનો નહોતો. અમે ત્રણ કચ્છના અને ચાર તમિલ, એમ સાતમાંથી કોઈને એ કોમનો પરિચય ન હતો કે ક્યારે ય એકેય બારૈયાને તો મળ્યું પણ નહોતું. અધૂરામાં પૂરું, ઝારોલા ગામની ભાગોળે છોકરાઓનું એક ટોળું ઊભું હતું, તેણે પહેલા તો એ ઉંમરની તુમાખીનો પરિચય આપ્યો અને પછી જ્યારે અમારો મકસદ સમજ્યા ત્યારે સાવધાન રહેવાની સલાહ આપી !!

રાસ ગામે:

રાસ ખૂણામાં આવેલું પરંતુ ખેડા જિલ્લાનું આઝાદીની લડતનું એક મહત્ત્વનું ગામ છે. ઇ.સ. ૨૦૧૭માં અતિ વૃષ્ટિ થઇ ત્યારે મહેસૂલ ન આપવાના સત્યાગ્રહમાં સરદાર પટેલે આગેવાની લઇ ગામને તૈયાર કરેલું. એ લડત નવેક વર્ષ ચાલી અને ગામ લોકોએ અહિંસાના રસ્તે ઘણી તકલીફો ઉઠાવી. તેની વાત જુદેથી કહેવા જેવી છે. પરંતુ દાંડી લડત સાથે એનું કનેક્શન એ કે દાંડી શરૂ થયાથી પાંચ દિવસ પહેલા વલ્લભભાઈ અહી આયોજન માટે આવેલા ત્યારે તેમની ધરપકડ થયેલી. ગાંધીજીને લડતના આયોજનમાં તેમની ગેરહાજરી થોડો વખત સાલી પણ હતી, કારણ શરૂના દિવસોમાં મહાદેવભાઈ પણ તમિલનાડુ,  રાજાજી જોડે સત્યાગ્રહ કરવા ગયેલા.

ગામમાં ગાંધી ભક્તિ જૂની પેઢીમાં તો દેખાતી હતી. અમને એક જૂના નેતા આશાભાઈ પટેલને મળવા લઇ ગયા. એમની ઉમર એક સો વર્ષની. રાસ સત્યાગ્રહના અને તે પછી દાંડી વખતે સરદારની અટક પછી સ્થાનિકે તૈયારીના એ નેતા હતા. તેમની પાસે અમને સરદારના હસ્તાક્ષરવાળા ઢગલાબંધ પત્રો જોવા મળ્યા. જાણે અમે ઇતિહાસનાં પાનાંઓ જીવંત જોતા હતા. આવો મોકો કોને મળે? જો કે ગામલોકો અમને ઈશારા કર્યા કરતા હતા કે વાતો કાઢશો તો એ તો બોલ્યા જ કરશે. વૃદ્ધો પ્રતિ યુવાનોનો અભિગમ પેઢી દર પેઢી એ જ રહ્યો હશે!

દહેવાણ ઠાકોર:

રાસથી આગળનો રસ્તો એટલે મુશ્કેલીથી ગાડાવાટ હતી. હાથગાડી ચલાવવી ભારી હતી. કંકાપુર અને દહેવાણ જાણે જોડિયા ગામો છે. માંડ એકાદ કિલોમીટરનું અંતર. કદાચ જ્ઞાતિ પ્રમાણે કે આવક પ્રમાણે હશે. કંકાપુર અતિશય ગરીબ લાગ્યું. લીતો માત્ર રસ્તા પર જ હતી અને મોટા ભાગના ઘરોમાં જાજરૂ ન હતા. આથી ગઈકાલે શિવાભાઈ દહેવાણના ઠાકોર સાથે વાત કરી અમારા રહેવાની ગોઠવણ કરી ગયેલા. પરંતુ અમે રસ્તે રસ્તે સીધા કંકાપુર જઈ ચડેલા. ગ્રામજનોએ એટલા પ્રેમથી આવકાર્યા કે અમને આ લોકો વિષે આડુંઅવળું વિચારવા બાબત શરમ થઇ. વધુમાં ઠાકોરને ત્યાં રહેવા જવાની વાત કાઢવાની જ ઈચ્છા ન થઇ. અમારામાંથી બે જણ તેમને ‘બંગલે’ જઈ તેમને અમારી વાત સમજાવી માફી માગી આવ્યા. ‘ઠાકોર’ શબ્દ સાથે એક ઘમંડ હિન્દી ફિલ્મોએ જોડી આપ્યું છે જે અહીં ખરું ન હતું. કન્કાપુરમાં રહ્યા અને રાત્રે બાપુનો સ્લાઈડ શો કર્યો.

અહીં મહીસાગર પાર કરવા માટે એક ઓવારો દહેવાણમાં હશે, એવું દાંડીયાત્રાનો ઇતિહાસ વાંચતાં જણાય છે. પરંતુ ૧૯૩૦માં અત્યારના ઠાકોરના પિતાજી હતા. તેમણે રાસ ગામની ખાલસા થયેલી જમીનો અંગ્રજોએ લીલામ કરી તે સસ્તા ભાવે ખરીદી હતી. એ હિસાબે તે સત્યાગ્રહીઓના વિરોધી હતા. આથી જ્યારે ગાંધીજીને મહી પાર કરવા ઓવારાની જરૂર હતી ત્યારે એ ઠાકોરે કહેલું કે જો એ દહેવાણ આવશે તો એમનો ‘ટાંટિયો ભાંગી નાંખીશ’. આથી ગાંધીજીએ  કંકાપુરા પાસેથી મહીના કોતરોમાંથી નદીમાં ઊતરવું જરૂરી થયું હતું. અને ત્યાંથી હોડીમાં ચડવા માટે સમુદ્રમાં ભરતી હોવી જોઈએ. નહિ તો હોળીમાંથી ઉતારી કાદવમાં ચાલીને બહાર જવું પડે. (સાથેના ચિત્રોમાં આ પરિસ્થિતિ બરાબર સમજાશે.)  તે દિવસે ભરતી રાત્રે હતી, આથી ગાંધીજી ૧૯મી માર્ચે રાત્રે જ મહીસાગર પાર સામે કાંઠે ગયેલા અને રાતભર કાંઠા નજીક ઝૂંપડીમાં રાહ જોઈ હતી.

અમે ૨૦ તારીખે સવારે નીકળ્યા. વિધિની બીજી બલિહારી એ હતી કે અમારા માટે હોડીની વ્યવસ્થા દહેવણના ઠાકોરે કરી કે જેના પિતાએ મહાત્માજીને ધમકી આપેલી હતી ! વધારામાં એમણે બે માણસો અમારી હાથલારી મછવામાં ચડાવવામાં મદદ કરવા માટે પણ સાથે મોકલ્યા. અગાઉ કહ્યું તેમ અમે ઇતિહાસની નવી કડીઓ જોડે સંકળાવામાં નિમિત્ત બનતા હતા. અમારે બદલે કોઈ નેતા હોત તો આ વાતો ટ્વીટર કે ફેસબૂકની પોસ્ટ બની હોત !

હોડી ઉપર તો હજુ સમય થંભી ગયો હતો. એક બહેને બહુ જ સરળતાથી પૂછ્યું કે ‘ગાંધી મા’ત્મા હજી હયાત છે?’ હોડીના કૂવાથંભને ગ્રામજનો મહી દેવતાનો થાંભલો માનતા હતા એટલે માણસ કે સામાનને એનો ટેકો લેવાની મનાઈ હતી. એટલે આમ તેમ ઝોલા ખાતા અને સંભાળતા અમે સામે કાંઠે પહોચ્યા. ઊતરીને રસ્તામાં કાદવ અને કાંટાનો સામનો કરી કારેલી ગામની ભાગોળે નીકળ્યા. ૨૪ દિવસની અમારી યાત્રાના આ ચોવીસ કલાક વિશેષ હતા.

e.mail : prvaidya@gmail.com    

Loading

સ્ત્રીઓનાં ફાટેલાં જીન્સમાં અટવાતી ભારતની ૨૧મી સદી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 March 2021

ઉત્તરાખંડના નવનિયુક્ત મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતે એક વિવાદસ્પદ બયાન સાથે તેમની  ઇનિંગ શરૂ કરી છે. મંગળવારે રાજ્યના બાળ સંરક્ષણ પંચના એક કાર્યક્રમમાં ભાગ લેતાં તેમણે કહ્યું હતું કે ફાટેલાં જીન્સ પહેરતી સ્ત્રીઓ દેશની સંસ્કૃતિ બગાડી રહી છે. ખુદનો અનુભવ વર્ણવતાં મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, "હું એક દિવસ જયપુરથી વિમાનમાં આવી રહ્યો હતો. મારી બાજુમાં એક બહેનજી બેઠી હતી. મેં એની તરફ જોયું તો નીચે ગમ બૂટ પહેર્યા હતા. ઉપર જોયું તો ઘૂંટણ સુધી જીન્સ ફાટેલી હતી. તેની સાથે બે બાળકો હતાં. સ્ત્રી એન.જી.ઓ. ચલાવતી હતી. જો આવી સ્ત્રી સમાજમાં લોકોને મળવા અને તેમની સમસ્યાઓ ઉકેલવા જાય, તો સમાજને અને આપણા બાળકોને કેવો સંદેશો મળે?"

રાવતે એ મહિલા તેનાં સામાજિક કાર્ય મારફતે સમાજને અને બાળકોને શું સંદેશો આપે છે તે કહેવાને બદલે તેના ફાટેલા જીન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેને અરુચિકર ગણાવીને સોશ્યલ મીડિયામાં તેમની ભારે નિંદા કરવામાં અને હાંસી  ઉડાડવામાં આવી હતી. અનેક સ્ત્રીઓએ ખુદનાં ફાટેલાં જીન્સ પહેરેલા ફોટા પોસ્ટ કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો. સ્ત્રીઓનાં વસ્ત્રોને લઈને 'ચિંતા' કરવાવાળા રાવત પહેલા રાજકરણી નથી (અને છેલ્લા પણ નહીં હોય). ભારતના રાજકારણીઓ સંસ્કૃતિના પતનનું કારણ સ્ત્રીઓનાં વસ્ત્રોમાં શોધતા રહ્યા છે.

૨૦૧૬માં, તત્કાલીન કેન્દ્રીય પ્રવાસન મંત્રી મહેશ શર્માએ પર્યટકોને સ્કર્ટ નહીં પહેરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે પર્યટકોને એરપોર્ટ પર જ એક ‘વેલકમ કીટ’ આપવામાં આવી રહી છે, જેમાં તેમણે શું કરવું અને શું ન કરવું તેની સૂચનાઓ છે. મહેશ શર્માએ અપરાધીઓ માટે કોઈ ‘પનીશમેન્ટ કીટ’ જાહેર કર્યાનું જાણમાં નથી. સમાજવાદી પાર્ટીના મુંબઈના નેતા અબુ આઝમીને પણ સ્ત્રી વિરોધી અપરાધોમાં વસ્ત્રોનો વાંક દેખાયો હતો. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ ઉઘાડાં વસ્ત્રો પહેરે છે એટલે પુરુષોનું ધ્યાન ખેંચાય છે અને બળાત્કાર થાય છે. આઝમી સાહેબ એમાં કહેવા માંગતા હતા કે બળાત્કાર થાય તેની જવાબદારી પુરુષોની નથી, સ્ત્રીઓની છે.

સ્ત્રીઓનાં વસ્ત્રોને લઈને પુરુષ રાજકારણીઓને જ ‘તકલીફ’ છે એવું નથી. આ એક સામાજિક માનસિકતા છે. આવા સ્ત્રી-વિરોધી પૂર્વગ્રહો સ્ત્રીઓમાં પણ છે. દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસની નેતા અને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચની સભ્ય આશા મિર્જેએ તેમાં નિર્ભયાને જ દોષિત ઠેરવી હતી.

મિર્જેએ પાર્ટીની મહિલા પાંખને સંબોધતા કહ્યું હતું, “નિર્ભયાએ તેના મિત્ર સાથે રાતે ૧૧ વાગે ફિલ્મ જોવા જવાની જરૂર હતી? આપણે સાચવવું જોઈએ. આપણે જાતને સવાલ પૂછવો જોઈએ કે આપણે ક્યાં જઈએ છીએ અને ત્યાં જવું ખરેખર જરૂરી છે?”

કોઈ એવો તર્ક કરે કે આવાં વિધાનો પાછળનો હેતુ સ્ત્રીઓના રક્ષણનો છે, પરંતુ અપરાધ કે સામાજિક મૂલ્યોને સ્ત્રીઓનાં વસ્ત્રો સાથે જોડી દેવાં એ પછાતપણું છે. તાલીબાનો એટલા માટે તો સ્ત્રીઓને બુરખામાં ઢાંકી રાખતા હતા અને તેનું ઉલ્લંઘન કરતી સ્ત્રીઓને જાહેરમાં કોરડા ફટકારતા હતા. ગમે તેવાં વસ્ત્રો હોય, સ્ત્રી વિરોધી અપરાધો અને હિંસા દુનિયામાં દરેક જગ્યાએ બનતી ઘટના છે. તેને વસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી. ઇન ફેક્ટ, જીન્સ તો સ્ત્રીઓનું એક શક્તિશાળી હથિયાર પણ છે.

દુનિયામાં દર વર્ષની ૨૯મી એપ્રિલે ‘ડેનિમ ડે’ મનાવવામાં આવે છે. ૯૦ના દાયકામાં ઇટાલીમાં એક ડ્રાઈવિંગ શિક્ષકને બળાત્કારના આરોપમાંથી છોડી મુકાયો હતો, કારણ કે સુપ્રીમ કોર્ટે એવો તર્ક કર્યો હતો કે પીડિતાએ જીન્સ પહેરેલું હતું, અને તે બળત્કારમાં સરળતાથી નીચે ન ઉતરે, તેને પીડિતાએ જાતે જ ઉતાર્યું હશે, જેનો અર્થ બળાત્કાર નહીં પણ સહમતીથી સેક્સ થાય છે. આ ચુકાદાનો ખૂબ વિરોધ થયો. ઈટાલિયન સંસદમાં સ્ત્રીઓ જીન્સ પહેરીને ગઈ.

તેમના સમર્થનમાં કેલિફોર્નિયા સેનેટ અને એસેમ્બલીમાં જીન્સ પહેરવામાં આવ્યાં હતાં. આનાથી પ્રેરાઈને લોસ એન્જેલસની એક નારીવાદી સંસ્થાએ ૧૯૯૯માં ‘ડેનીમ ડે’ની સ્થાપના કરી હતી. તે દિવસથી લઈને દુનિયામાં દર વર્ષે અંદાજે ૧૨ કરોડ લોકો જાતીય હિંસાના વિરોધમાં ડેનિમ જીન્સ પહેરે છે.

બદનસીબે, ભારતમાં સ્ત્રીઓનાં વસ્ત્રોને લઈને ઘણી રૂઢિચુસ્તતા છે. એક તરફ આપણે સ્ત્રીઓને દેવી અને શક્તિનો અવતાર ગણાવીને તેનાં ગુણગાન ગાઈએ છીએ અને બીજી તરફ આપણે તેના પર પરિવાર, સમાજ, રાષ્ટ્રની ઈજ્જતનો ભાર નાખીને તેના શરીરને શરમનું પ્રતીક માનીએ છોએ. પૂરા માનવ ઇતિહાસમાં સ્ત્રીઓને તેમનાં શરીરને લઈને અલગ-અલગ પ્રકારના અનુભવ કરાવામાં આવ્યા છે. આપણે સિનેમામાં સ્ત્રી-શરીરના ‘ઓબ્જેક્ટિફિકેશન’ (વસ્તુકરણ) સામે બૂમો પાડીએ છીએ, પરંતુ આપણા રોજીંદા જીવનમાં અને સાસ્કૃતિક મૂલ્યોમાં આપણે સ્ત્રીને તેના શરીરથી આગળ જોવા તૈયાર નથી. એમાં ત્રણ કારણોનો ઇતિહાસ છે :

એક, પ્રાચીન સમયથી લઈને સ્ત્રીને એક મનુષ્ય ઓછી અને શરીર તરીકે વધુ ગણવામાં આવી છે. એટલા માટે પૌરાણિક કથાઓમાં સ્ત્રી તપોભંગ કરનારી છે.

બે, સ્ત્રીનું શરીર શરમનું મૂળ છે. પ્રાચીન સમયથી જ સ્ત્રી શરીરને ઢાંકવા વસ્ત્રો પહેરે છે, જ્યારે પુરુષ શરીરનું રક્ષણ કરવા વસ્ત્રો પહેરે છે. બાળકીઓને જન્મથી જ શરીરને ઢાંકવાનું શીખવાડવામાં આવે છે. એટલા માટે આપણે સ્તનપાન જેવી સૌથી શુદ્ધ અને નિર્દોષ ક્રિયા પણ કામુકતાનો વિષય બની ગઈ છે.

ત્રણ, સ્ત્રીઓનાં  વસ્ત્રો ધ્યાન ખેંચવા માટે હોય છે. બહુ બધા લોકો આ ગેરસમજ પાળે છે કે સ્ત્રીઓ એટેન્શન મેળવવા માટે જ ફેશનેબલ વસ્ત્રો પહેરે છે. અમુક અંશે એ સાચું પણ છે, પરંતુ સ્ત્રીઓ ખુદને સારું લાગે એટલા માટે પણ ફેશન કરતી હોય છે. સ્ત્રીઓ બધું પુરુષોને ધ્યાનમાં રાખીને કરે છે તે પુરુષપ્રધાન માનસિકતા છે.

વસ્ત્રોને લઈને સ્ત્રીઓની મુસીબત દરેક સમાજમાં છે. સાર્વજનિક બાબતો અભ્યાસ કરતા વોશિંગ્ટન સ્થિત પ્યુ રિસર્ચ સેન્ટરે ૧૯૮ દેશોના કરેલા એક સર્વેક્ષણમાં ખબર પડી હતી કે ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે ૫૬ દેશોની સ્ત્રીઓને તેમનાં વસ્ત્રોના કારણે સામાજિક-ધાર્મિક વિરોધ સહન કરવો પડ્યો હતો. ૬૧ દેશોની સરકારોએ સ્ત્રીઓ માટે ડ્રેસ-કોડ જારી કર્યા હતા.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં ભારત આવેલા ખ્રિસ્તી મિશનરીઓને ભારતીય ગ્રામીણ સ્ત્રીઓ અર્ધનગ્ન લાગતી હતી. કેરળમાં સ્ત્રીઓ તેમના સ્તન ઢાંકતી ન હતી. મિશનરીઓએ તેમને લાંબા વસ્ત્રો પહેરાવાનું શીખવાડ્યું હતું. ૧૯૪૭ સુધીમાં, ખાસ કરીને ભદ્ર વર્ગની ભારતીય સ્ત્રીઓનાં વસ્ત્રોનું પશ્ચિમીકરણ થઇ ગયું હતું. આખા હાથના બ્લાઉઝ અને પેટીકોટ અંગ્રેજોની દેન છે, જેને મોટા ભાગની સ્ત્રીઓએ અપનાવી લીધા હતા. આજે ભલે પશ્ચિમના સમાજને બુરખા સામે વિરોધ હોય, પણ યુરોપમાં સ્ત્રીને પગથી માથા સુધી ઢાંકવાનો એક આખો વિક્ટોરિયન ઇતિહાસ છે. પ્રાચીન ભારતમાં માથે ઓઢવાની પ્રથા ન હતી. અગાઉ મુસ્લિમ અને પછી બ્રિટિશ શાસકોના પ્રભાવમાં ‘આઘું કાઢવા’ની પરંપરા આવી હતી. 

સ્ત્રીને જ્યારે ‘સંપત્તિ’ અને ‘ઇજ્જતની રખેવાળ’ માનવામાં આવે, ત્યારે તેની લૈંગિકતા પર નિયંત્રણ રાખવાની વાત પણ આપોઆપ આવી જાય. સ્ત્રીનાં વસ્ત્રોને લઈને સમાજને આટલી બધી સનક છે, કારણ કે મૂળભૂત રીતે સમાજ એવું માને છે કે પુરુષમાં જે વિકાર ઉત્પન્ન થાય છે, તે સ્ત્રીના શરીરના કારણે થાય છે. પ્રાચીન કાળમાં મેનકાના નાચના કારણે પુરુષનું મન વિચલિત થતું હતું. ૨૧મી સદીમાં વિમાનમાં ફાટેલાં જીન્સ પહેરીને ઉડતી સ્ત્રીના કારણે સંસ્કાર જોખમાય છે.

સ્ત્રીના શરીર સાથે આટલા બધા વળગાળથી અકળાયેલી એક્ટ્રેસ પ્રોતિમા બેદીએ ૧૯૭૪માં મુંબઈના જુહુ બીચ પર વસ્ત્રો કાઢી નાખીને નગ્ન દોડ લગાવી હતી. એ નિર્ણયનો ખુલાસો કરતાં બેદીએ કહ્યું હતું, “મારી છાતી, મારા શરીર અને મારા સ્ત્રી હોવાને પુરુષો જે રીતે વિચારતા રહેતા હતા એનાથી હું કંટાળી ગઇ હતી. મારી અંદરની સ્ત્રીની કોઇને કદર ન હતી. મને સ્ત્રી હોવાનો સતત અહેસાસ કરાવવામાં આવતો હતો. હું એક પુરુષની જેમ સિગારેટ પણ ન ખરીદી શકું. એક સામાન્ય પુરુષ માટે જે આમ વાત હોય, તે હું ના કરી શકું. કેમ? મારામાં આ રોષ ભરાયો હતો, અને એક દિવસ નક્કી કર્યું કે દુનિયાને મારું શરીર બતાવી જ દઉં કે જુવો આ બધું છે અંદર!”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 માર્ચ 2021

Loading

...102030...2,1222,1232,1242,125...2,1302,1402,150...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved