૧૯મી સદી આથમતા સુધીમાં એટલું તો નક્કી થઈ ગયું હતું કે અંગ્રેજો વિનાનું ભારત અંગ્રેજો પહેલાનું ભારત નહીં હોય. અંગ્રેજ પહેલાંનાં ભારતમાં એવું કશું જ નહોતું જેને ભારતનો કોઈ સમાજ યાદ કરીકરીને વાગોળતો હોય, સિવાય કે થોડા સનાતની હિંદુઓ અને મૂળભૂતવાદી મુસલમાનો. આ ઉપરાંત બહુજન સમાજ હવે પાછળ જવા દે એમ નહોતો. અંગ્રેજોના કાયદાના રાજના સૌથી મોટો લાભાર્થી બહુજન સમાજ હતો.
પણ તો પછી અંગ્રેજો પછીનું ભારત કેવું હશે અથવા કેવું હોવું જોઈએ? ૧૯૧૫માં ગાંધીજી ભારત પાછા ફર્યા એ પહેલાં આ બાબતે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ એ ચર્ચામાં શરતો, આરોપો, શંકાઓ જેવાં ધીંગાણાંનાં તત્ત્વો વધુ હતાં, સંવાદનાં ઓછાં હતાં. જેમ કે કૉંન્ગ્રેસે ઠરાવ કર્યો હતો અને કૉંન્ગ્રેસના નેતાઓ દાવો કરતા હતા કે કૉંન્ગ્રેસ સવર્ણ હિંદુઓનું સંગઠન નથી, પણ દેશની દરેક પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ મુસલમાનો અને બહુજન સમાજના લોકો તેમના ઉપર ભરોસો કરતા નહોતા. કૉંન્ગ્રેસના નેતાઓએ મુસલમાનોને અને બહુજન સમાજને કૉંન્ગ્રેસની અંદર લેવાની ઈમાનદારીપૂર્વક કોશિશ કરી હતી જેમાં તેમને સફળતા મળી નહોતી.
મુસ્લિમ સમાજની કઠણાઈ એ હતી કે તેમાં કેટલાક મૂળભૂતવાદી નેતાઓ આધુનિક રાજ્યનો સ્વીકાર કરવા જ તૈયાર નહોતા અને તેમને સમાજના એક વર્ગનો ટેકો મળતો હતો અને એ પણ ખાસો મોટો હતો. તેમનું કહેવું એમ હતું કે ઇસ્લામ સ્વયંસંપૂર્ણ ધર્મ છે એટલે મુસલમાનોએ બહારથી કાંઈ શીખવાની કે અપનાવવાની જરૂર નથી, માત્ર સાચા મુસલમાન બનવાની જરૂર છે. જે મુસ્લિમ નેતાઓ આધુનિકતાની અને આધુનિક રાજ્યની જરૂરત સમજતા હતા તેઓ ડરના માર્યા સ્પષ્ટ ભાષામાં તેની વકીલાત નહોતા કરી શકતા. તેઓ આધુનિક યુગમાં ભારતનાં મુસલમાનોની જરૂરિયાતને કુરાન અને હદીસનો હવાલો આપીને સમજાવવાની કોશિશ કરતા હતા. તેઓ ધર્મને બાજુએ રાખીને આધુનિકતાની વકીલાત નિષ્ઠાપૂર્વક નહોતા કરી શકતા. જ્યાં દલીલ જ ઈમાનદારીપૂર્વકની અસંદિગ્ધ ન હોય ત્યાં આધુનિક મૂલ્યો નિષ્ઠામાં કેવી રીતે પરિવર્તિત થાય? આમ અંગ્રેજોએ આકાર આપેલા આધુનિક રાજ્યને નિષ્ઠાપૂર્વકના બંધારણીય રાજ્યમાં પરિવર્તન કરવામાં મુસલમાનોના પક્ષે આ સમસ્યા હતી.
કૉંન્ગ્રેસ ભારતના દરેક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એમ કૉંન્ગ્રેસના નેતાઓ કહેતા તો હતા પણ એમાં પણ નિષ્ઠાનો અભાવ હતો. જેમ કે લોકમાન્ય તિલક કૉંન્ગ્રેસના વગદાર નેતા તરીકે આગળ આવ્યા એ પહેલાં કૉંન્ગ્રેસના અધિવેશનના સ્થળે અને કૉંન્ગ્રેસના જ મંડપમાં સમાજસુધારા પરિષદ ભરાતી હતી અને તેમાં કૉંન્ગ્રેસના નેતાઓ ભાગ લેતા હતા. લોકમાન્ય તિલકે સમાજસુધારા પરિષદને તગેડી મૂકી, કારણ કે તેમને એમ લાગતું હતું કે સમાજસુધારકોને કારણે જૂનવાણી માનસ ધરાવતા રૂઢિચુસ્ત હિંદુઓનો ટેકો નહીં મળે. તેમણે પ્રાંતીય ધારાસભામાં બહુજન સમાજને પ્રતિનિધિત્વ આપવાનો સવાલ આવ્યો ત્યારે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે ત્યાં શું માટલાં ઘડવાનાં છે કે તમે આગ્રહ કરો છો? સ્વરાજ આવવા દો, લાયક થાવ એ પછી તમને પણ મોકો મળશે. દલિતો સાથે ભેદભાવ નહીં કરવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કેટલાક કૉંગ્રેસીઓએ દલીલ કરી હતી કે આપણે માત્ર જાહેરમાં અસ્પૃશ્યતા પાળવાની નથી, અંગત જીવનમાં પાળો તો વાંધો નથી એ તમારો અધિકાર છે.
આમ કૉંન્ગ્રેસ દરેક કોમનું પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવામાં આવતું હતું અને દરેક સમાજને તેમાં સાથે લેવાના પ્રયત્નો પણ કરવામાં આવતા હતા, પરંતુ તેમાં વૈચારિક સ્પષ્ટતા અને મૂલ્યનિષ્ઠાનો અભાવ હતો. આને કારણે મુસલમાનોને હિંદુઓ ઉપર ભરોસો નહોતો અને બહુજન સમાજને સવર્ણ હિંદુઓ ઉપર ભરોસો નહોતો. આને કારણે કૉંન્ગ્રેસ દેશની સૌથી મોટી રાજકીય સંસ્થા હોવા છતાં દેશની દરેક કોમને સ્વીકાર્ય નહોતી. હકીકતમાં વ્યવહારમાં એ માત્ર સવર્ણ હિંદુઓના કબજામાં હતી અને માટે તે તેની સ્થાપના પછી ત્રણ દાયકા સુધી એક પણ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરી શકી નહોતી. આસેતુ હિમાલય રાષ્ટ્રીય આદોલન કરવું હોય તો દરેક પ્રજાનો સાથ જોઈએ. માત્ર ભદ્ર વર્ગના જોરે એ શક્ય નહોતું.
એ શક્ય બન્યું ગાંધીજીના આગમન પછી પણ એ માટે ગાંધીજીએ અને ગાંધીજીના નેતૃત્વમાં કૉંન્ગ્રેસે પોતાની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરવાનું શરૂ કર્યું એ પછી જ. એકલા ગાંધીજીના મહાત્માપણાથી એ શક્ય બનવાનું નહોતું. આધુનિક રાજ્યનાં જે જે તત્ત્વો કે ઘટકો છે એ બધાં ગાંધીજીએ સ્વીકાર્યાં હતાં અને કૉંન્ગ્રેસ પાસે સ્વીકારાવ્યાં હતાં. શું હતાં એ ઘટક તત્ત્વો?
એક. ભારત લોકતાંત્રિક દેશ હશે.
બે. એવો લોકતાંત્રિક દેશ જેમાં કોઈ ભેદભાવ વગર ભારતની દરેક પુખ્ત વયની વ્યક્તિને મતદાનનો અધિકાર હશે.
ત્રણ. ભારતના લોકતંત્રનું મૂળભૂત એકમ નાગરિક હશે અને દેશના પ્રત્યેક નાગરિકનો નાગરિક તરીકેનો દરજ્જો સમાન હશે.
ચાર. નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા કરવામાં આવશે.
પાંચ. ભારત સેક્યુલર દેશ હશે જેમાં રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય અને રાજ્ય ધર્મના આધારે જે તે પ્રજા વચ્ચે ભેદભાવ નહીં કરે.
છ. ભારતની તમામ પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેસીને બંધારણ ઘડશે અને એ લેખિત બંધારણ સ્વતંત્ર ભારતનાં બાયબલ, કુરાન કે ગીતા હશે.
સાત. સર્વોચ્ચ અદાલત ઉપર કહ્યાં એ પ્રાણતત્ત્વોની રક્ષા કરવાનું કામ કરશે.
એવું નહોતું કે ગાંધીજી ભારત આવ્યા અને આધુનિક ભારતીય રાજ્યની ઉપર કહી એ સપ્તપદી તેમણે ભારતીય પ્રજાને આપી અને ભારતની પ્રજાએ એ હસતા હસતા સ્વીકારી લીધી હતી. એને માટે ખૂબ સંવાદ કરવો પડ્યો હતો, લડાઈ-ઝઘડા થયા હતા, ગાંધીજી અને કૉંન્ગ્રેસના ઈરાદાઓ ઉપર શંકા-કુશંકાઓ કરવામાં આવી હતી, આરોપ કરવામાં આવ્યા હતા. ઉપર જે સપ્તપદીનાં સાત પ્રાણતત્ત્વો બતાવ્યાં છે તેને પ્રજાની અંદર સ્વીકાર કરાવવા માટે ગાંધીજીએ હજારો લેખો અને પત્રો લખ્યાં હશે અને ભાષણો કર્યાં હશે. એ માણસે એને સ્વીકૃત કરાવવા માટે ભારતભ્રમણ કર્યું હતું. ત્રણ દાયકામાં આટલી અથાક જહેમત ઇતિહાસમાં બીજા કોઈએ નહીં ઉઠાવી હોય.
એક તો ગાંધીજી મહાત્મા, એમાં જે બોલે એ કરે, વળી એકલા ચાલો રે વાળા કૃતનિશ્ચયી તેમ જ નિર્ભય અને એમાં અથાક મહેનત ભળી એટલે એનું પરિણામ એ આવ્યું કે ભારતની પ્રજાએ ગાંધીજી અને કૉંન્ગ્રેસની કલ્પનાના ભારતને સ્વીકારવા માંડ્યું. મારાં બા જેવા અલ્પશિક્ષિત અને પરમ ધાર્મિક હિંદુ પણ એમ માનતાં થયેલાં કે માણસ-માણસ વચ્ચે ભેદભાવ કરવો એ ઈશ્વરનો ગુનો છે. ઉપર બેઠેલો માણસ નીચેવાળાની મજબૂરીનો લાભ લઈને શોષણ કરે એ અન્યાય છે. આપણને આપણો ધર્મ જો વહાલો લાગતો હોય અને મહાન લાગતો હોય તો એ જ રાહે બીજાને પણ પોતાનો ધર્મ વહાલો અને મહાન લાગતો હોય તો એ એનો હક છે. આમ ભેદભાવ અને સમાનતા, ન્યાય અને અન્યાય, ધર્મની સર્વોપરિતા અને સર્વધર્મ સમભાવ, હક અથવા અધિકાર વગેરે બાબતે વિવેક કરીને મૂલ્યોના પક્ષે ઊભા રહેવું એમાં માણસાઈ છે અને જીવનની સાર્થકતા છે એ દેશની પ્રજાએ સ્વીકારવા માંડ્યું. રાજ્યશાસ્ત્ર ભણાવ્યા વિના ગાંધીજીના વ્યક્તિત્વના કારણે દેશમાં આધુનિક રાજ્યના સ્વીકાર માટે અનુકૂળ ભૂમિનું ખેડાણ થઈ ગયું. એ પછી કૉંગ્રેસ એક પછી એક સપ્તપદીની તરફેણમાં ઠરાવ કરવા માંડી હતી.
પણ એનો અર્થ એવો નથી કે તેની સામે કોઈ વિરોધ નહોતો.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 ઍપ્રિલ 2021