Opinion Magazine
Number of visits: 9965053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારના કાન હવે મૂડીવાદીઓને જ સાંભળે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 February 2021

ગયા વખતના લેખમાં આપણે જોયું કે ભારતની રાજકીય વ્યવસ્થા (ઇન્ડિયન પોલિટીકલ સિસ્ટમ) સત્તાકેન્દ્રી થવા લાગી. એ સત્તાકેન્દ્રી થવા લાગી એટલે ચૂંટણીલક્ષી થવા લાગી. પ્રજાના હિતોની ચિંતા કરનારા સ્વચ્છ અને ભલા માણસો લોકપ્રતિનિધિગૃહોમાં પ્રવેશી ન શકે એ માટે ચૂંટણી મોંઘી કરવામાં આવી. મોંઘી એટલે એટલી મોંઘી કરવામાં આવી કે માત્ર દમડી અને દાદાગીરીવાળા લોકો જ ચૂંટણી લડી શકે અને એ રીતે એવા લોકો આપોઆપ લાયક ઉમેદવાર બની ગયા. એનાથી આગળ વધીને ઉદ્યોગપતિઓ સીધા પોતાના દલાલોને સંસદમાં મોકલવા લાગ્યા.

બીજી બાજુ ખેતીવાડી અને ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ રહ્યા હતા અને પેલો વિકાસનો ચતુષ્કોણ ત્રિકોણમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતોને પ્રેમ કરવાનું અને પ્રોત્સાહન આપવાનું તો ક્યારનું ય બંધ થઈ ગયું હતું. શાસકોએ હવે ગામડે જવાનું છોડી દીધું હતું. જરૂર નહોતી. એક તો ખેડૂતો સત્તાકેન્દ્રી અને ચૂંટણીલક્ષી ભારતીય રાજકીય વ્યવસ્થાને પોષી શકે એમ હતા નહીં, તે એટલે સુધી કે લાભ લઈને પણ પોષી શકે એમ નહોતા, જે રીતે ઉદ્યોગપતિઓ પોષતા હતા. બીજું, ખેડૂતોની કોઈ વોટબેંક નથી. એ હિંદુ છે, મુસ્લિમ છે, પટેલ છે, કણબી છે, બીજું બધું જ છે; પણ ખેડૂત હોવા છતાં ય ખેડૂત નથી. ત્રીજું ખેડૂતનો પણ જમીન અને ખેતી માટેનો પ્રેમ ઓછો થવા લાગ્યો. છેલ્લાં સિત્તેર વરસમાં ભાયે ભાગ પડતા ગયા, નવા સેઢા પડતા ગયા જેને પરિણામે ખેતરો ખોબા જેવડા બનતા ગયાં. જેણે ભારતની ભૂખ ભાંગી, જેણે ભારતને અન્ન સ્વાવલંબી કર્યું અને જેણે ભારતના ઔદ્યોગિકરણને પોષ્યું એ દેવાદાર થવા લાગ્યો.

આગલા લેખોનો આટલો લાંબો ઉપસંહાર એટલા માટે કરવો પડ્યો કે કેટલાક લોકોને પાથીએ પાથીએ તેલ નાખવું પડે એમ છે. ખોળે બેઠા પછી વિચારવાનું નહીં અને બીજી દિશામાં જોવાનું નહીં.

***

અર્થશાસ્ત્રમાં એક જમાનામાં પરકોલેશન થિયરી ફેશનમાં હતી. જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે સંપત્તિની વહેંચણીની ચિંતા કરવાની જરૂર નથી. સંપત્તિનું સ્વરૂપ જ એવું હોય છે કે તેને મૂઠીમાં પકડી રાખી શકાતી નથી. તે રેતીની જેમ નીચે ખરશે અથવા પાણીની જેમ નીચેની તરફ ગળશે. જો કાયદાઓ કરીને ફરજિયાત સંપત્તિની વહેંચણી કરશો અને જે લોકો કમાયા છે એની પાસેથી આંચકી લેશો તો તેને વધુ કમાવામાં રસ નહીં રહે. ઉદાસીન ઉત્પાદકતા રાષ્ટ્રીય ઉત્પાદકતાને પ્રભાવિત કરશે અને સરવાળે દેશ પાછળ રહી જશે. એ સમયે અનેક લોકોને જમણેરી અર્થશાસ્ત્રીઓની આ વાત ગળે ઉતરતી હતી. લક્ષ્મી ચંચળ હોય છે એવો આજ સુધીનો માનવજાતનો અનુભવ પણ છે.

બીજી થિયરી શાસકોની હતી જેને કલ્યાણ રાજ્યની અથવા વેલ્ફેર સ્ટેટ થિયરી કહેવામાં આવે છે. એમાં એમ કહેવામાં આવતું હતું કે લોકતાંત્રિક દેશોમાં શાસકોએ સમયાંતરે લોકો પાસે મત માગવા જવું પડતું હોય છે, એટલે તેમને અંતિમ છેડાની આક્રમક નીતિ અપનાવવી પોસાય જ નહીં. શાસકો ઝડપી વિકાસ માટે ઉદ્યોગપતિઓને મદદ કરતા હોય તો પણ તેમણે જનસાધારણના કલ્યાણની ચિંતા કરવી જ પડવાની. ટૂંકમાં દુભાયેલા વંચિતોના રોષને પરિણામે શાસકીય વ્યવસ્થા પડી ન ભાંગે એ સારુ શાસકોએ સંપત્તિની વહેંચણી ધરાર કરવી જ પડે. બીજો કોઈ મહાન ઉદ્દેશ ન હોય તો પણ સત્તા ટકાવી રાખવા માટે, વ્યવસ્થા ટકાવી રાખવા માટે અને શાંતિ જાળવી રાખવા માટે મજબૂરીના ભાગરૂપે પણ સંપત્તિની વહેંચણી કરવી પડે.

જો સંપત્તિની વહેંચણી કરવી જ પડે એમ હોય તો ધનપતિઓ પાસેથી સંપત્તિ ઝૂંટવીને રાષ્ટ્રીય ઉત્પાદકતાને નુકસાન પહોંચાડનારો સામ્યવાદી માર્ગ અપનાવવા કરતાં કોઈ બીજો માર્ગ અપનાવવામાં આવે તો કેવું? આ બીજો માર્ગ એટલે કલ્યાણ રાજ્યનો માર્ગ. એમાં સરકાર કસ્ટમ ડ્યુટી, આબકારી જકાત, કરવેરા અને બીજા સેસ લાગુ કરીને કમાનારાઓ પાસેથી ધન મેળવે અને પ્રજાકલ્યાણ માટે ખર્ચે. આમાં ઉત્પાદકતા જળવાઈ રહે, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે.

જમણેરી અર્થશાસ્ત્રીઓએ જે ત્રીજી થિયરી આપી હતી એ અંગ્રેજીમાં લિસ્સે ફૅઅર [Laissez-faire] થિયરી તરીકે ઓળખાય છે. એમાં એમ કહેવાય છે કે મૂડીવાદ વડલાના ઝાડ જેવો હોય છે. એને ફેલાતા આવડે છે તો સાથે ટકી રહેતા પણ આવડે છે. વડલો જો એક જ થડ ઉપર બસો મીટરના ઘેરાવામાં ફેલાય તો એ ટકી ન શકે અને વાવાઝોડામાં પોતાના ભારથી ધરાશયી થઈ જાય. વડલો વડવાઈઓ જમીનમાં ઊતારીને નવાં નવાં થડ પેદા કરે છે અને એના ઉપર ટકી રહે છે. ઈમારતના પાયા અને પીલરો અને વડલાની વડવાઈઓ એક જ કામ કરે છે, ટકાવી રાખવાનું. વડલો દેખાવમાં એક જ ઝાડ લાગે છે પણ એ ઝાડોનું ઝાડ હોય છે અથવા વડલાઓનો વડલો હોય છે.

મૂડીવાદમાં આ જે ફેલાઈને ટકી રહેવાનું કૌશલ છે એ વડલાની વડવાઈઓની જેમ મૂડીનું રાષ્ટ્રકૂળ રચે છે. મૂડીવાદને મૂડીની જરૂર છે. મૂડીવાદી અર્થતંત્રને વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય સ્કીલની જરૂર છે. મૂડીવાદને શ્રમિક, સેલ્સમેન એમ અનેક પ્રકારની માનવશક્તિની જરૂર છે. મૂડીવાદને માર્કેટની જરૂર છે. મૂડીવાદને સમાજમાં શાંતિ અને વ્યવસ્થાની જરૂર છે. મૂડીવાદને કામ કરનારા લોકોની શ્રદ્ધા જળવાઈ રહે એની જરૂર છે. મૂડીવાદને સંશોધન કરનારી સંસ્થાઓની જરૂર છે. મૂડીવાદને માણસ હજુ વધારે સારો માણસ બને એની પણ જરૂર છે. સમાજમાં જે કોઈ પરિબળો સર્જકતા અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપે એ બધાં પરિબળોની મૂડીવાદને જરૂર છે. માટે મૂડીવાદરૂપી વડલો જરૂરિયાત મુજબ વડવાઈઓ જમીનમાં રોપતો રહેશે.

તમે કદાચ કહેશો કે મૂડીવાદનું સ્વરૂપ સ્વાર્થી છે તો જમણેરી અર્થશાસ્ત્રીઓ જવાબમાં કહેતા કે જો સ્વાર્થ વડલાની જેમ કોમનવેલ્થ રચી આપતો હોય અને ઉપરથી છાંયો પણ આપતો હોય તો એ સ્વાર્થ પરમાર્થ જેવો છે.

આને માટે જરૂરિયાત એટલી કે સરકારે ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવો જોઈએ અને વડલાને એની રીતે ઊગવા અને વિકસવા દેવો જોઈએ. આ જે ચોથી થિયરી ફેશનમાં હતી અને આજે પણ છે એ છે, ‘અ-સરકારી એ અસરકારી’ અંગ્રેજીમાં minimal governance અથવા a government that govern least. સરકાર સંપત્તિ અને તેના સર્જનની પ્રક્રિયાથી દૂર રહે. સરકારે વ્યવસાયિક પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. સરકારે માર્કેટનું નિયમન નહીં કરવું જોઈએ. સરકારે સંપત્તિના ન્યાયી વિતરણ માટેની તજવીજ નહીં કરવી જોઈએ. બધું જ એની મેળે થતું રહેશે અને ઘીના ઠામમાં ઘી પડશે.

પહેલી ત્રણ થિયરીઓ ૧૯મી સદીના ઉત્તરાર્ધથી લઈને વીસમી સદીના અંત સુધી ફેશનમાં હતી. ચોથી થિયરી મૂડીવાદનું કદ વિકસ્યું એ પછી ફેશનમાં આવી. પહેલી ત્રણ થિયરી સામ્યવાદને ખાળવા માટે અને લાભ મેળવવા લાઈનમાં ઊભેલો માણસ અધીરો ન થઈ જાય એના માટેની હતી.

પણ આજે હવે અનુભવ શું કહે છે? 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ફેબ્રુઆરી 2021

Loading

જમ્મૂ કાશ્મીરઃ વાસ્તવિકતા અને માન્યતાઓની રાજકીય ચોપાટમાં ફંગોળાતો પ્રદેશ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 February 2021

જમ્મૂ-કાશ્મીર અંગે ન્યુ દિલ્હીની હાલની નીતિ ભેખડો વચ્ચે ભરાયેલા પગ જેવી છે જે શેય નિકળવાનો નથી. ૩૭૦ની કલમ હટાવી લેવાથી શાંતિ અને વિકાસ જ જમ્મૂ-કાશ્મીરની વાસ્તવિકતા બની જશે એવી ખાતરી આપતી એકેય એંધાણી અત્યારે તો વર્તાતી નથી.

આજકાલ કાશ્મીર ફરી ચર્ચામાં છે, જો કે એમ કહેવું ઘટે કે કાશ્મીર ચર્ચામાં ન હોય તેવું ભાગ્યે જ બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે અને રાજકીય ખેલમાં ઉત્કંઠા, ઉશ્કેરણી અને ખેંચ-તાણ કરવા જેવી અને પરિસ્થિતિમાં કાશ્મીરનું નામ મોખરે હોય છે અને તે રાજકારણીઓની પહેલી પસંદ રહ્યું છે. લોકસભામાં અઠવાડિયા પહેલાં જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બિલ ૨૦૨૧ પાસ થઇ ગયું અને હવે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં દેશના દરેક કાયદાનો અમલ થશે. ભા.જ.પા.ના શાસનમાં ૭૦ વર્ષ સુધી કાશ્મીરમાં લાગુ થયેલી ૩૭૦ની કલમ ઉઠાવી લેવામાં આવી. જમ્મૂ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો અને ભા.જ.પા. સરકારનો દાવો છે કે આ તમામ પરિવર્તનોને સહિત અહીં વિકાસનાં અઢળક કામો કરાયાં છે. નવો કાયદો અમલમાં આવતા જ જે પણ જમ્મૂ-કાશ્મીર કેડરનાં અધિકારીઓ છે તે કેન્દ્ર શાસિત પ્રદેશોની કેડરનો ભાગ હશે, વળી અહીં હવે અધિકારીઓની ફાળવણી અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની કેડરમાંથી કરાશે. આ બધી જાહેરાતોની વચ્ચે ૧૭ ફેબ્રુઆરીએ કાશ્મીરની વર્તમાન સ્થિતિની માહિતી મેળવવા માટે ૨૪ દેશોના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું. આ પ્રતિનિધિ મંડળમાં યુરોપિયન યુનિયન, ફ્રાન્સ જેવા કુલ ૨૪ દેશોના રાજદૂત સામેલ છે. ભા.જ.પા. સરકારે ૩૭૦ની કલમ નાબૂદ કરી પછી ચોથી વાર વિદેશી એલચીઓનું પ્રતિનિધિમંડળ જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે આવ્યું. કાશ્મીરમાં રાજકીય પરિવર્તનો બાદની આવી આ ત્રીજી મુલાકાત છે.

આ બધાંની વચ્ચે જમ્મૂ-કાશ્મીર માટે ડેવલપમેન્ટ પેકેજિઝની જાહેરાતો કરાઇ છે, નવી રોજગારી નીતિ જાહેર કરાઇ છે, તદ્દન મૂળિયાંમાં રહી કામ કરનારાઓને ધ્યાનમાં રાખી યોજનાઓ કરાઇ છે. કાશ્મીરમાં ખૂબ બધી પ્રગતિશીલ યોજનાઓ લાગુ કરાઇ હોવાની જાહેરાત સરકાર દ્વારા કરાઇ રહી છે. બીજી તરફ ક્યાંક કોઇની પર ગોળી છોડાઇ જેવા સમાચાર પણ કાશ્મીરમાંથી મળતા રહે છે.

ડિસેમ્બરમાં જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં પહેલીવાર સીધી ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે જે ધાર્યું હતું તે થયું એમ કહી શકાય. ગુપકાર સંગઠન માટે પીપલ્સ અલાયન્સને ટેકો મોટે પાયે મળ્યો. આ એ જૂના પ્રાદેશિક પક્ષ છે જે ઓ જમ્મૂ-કાશ્મીરના સ્ટેટહુડની તરફેણમાં છે અને ૩૭૦ની કલમ હેઠળના સ્પેશ્યલ સ્ટેટસને ફરી લાગુ કરાય તેમ ઇચ્છે છે. બીજી તરફ જમ્મૂ પ્રદેશમાંથી મોટે ભાગે ભા.જ.પા.ને મત મળ્યા. વિરોધાભાસ એ છે કે કાશ્મીરની જૂની પાર્ટીઝને બહુમત તો મળ્યો પણ નવા માળખામાં તેમના હાથમાંથી ડિસ્ટ્રીક્ટ કાઉન્સિલનું નિયંત્રણ ચાલી ગયું. મૂળ ૩૭૦ની કલમ હટાવી લેવાઇ પછી જમ્મૂ-કાશ્મીરમાં ગુપકાર સંગઠનને ૧૧૦ બેઠકો મળી અને ભા.જ.પા.ને ૭૪ બેઠકો મળી પણ જિલ્લા વિકાસ પરિષદની ખુરશી પર બેસવાને મામલે ભા.જ.પા.ને સફળતા મળી. ભા.જ.પા. હકારાત્મક પરિવર્તનની વાત કરે છે અને એમ જ કરશે. વાસ્તવિક્તા એ છે કે હવે પછી જમ્મૂ-કાશ્મીરમાં જે સારું કે નરસું થશે તેમાં ભા.જ.પા.નો હાથ હશે, કમનસીબે સારું તો ગાઇ-વગાડીને લોકો સુધી પહોંચાડાશે પણ નરસું બહાર આવશે કે કેમ તે પ્રશ્ન છે.

કાશ્મીરમાંથી આતંકવાદના સમાચાર આવતા રહે છે. હજી પણ ત્યાં શટ ડાઉન છે અને છતાં ય વિદેશી એલચીઓનું પ્રતિનિધિમંડળ ત્યાં પહોંચ્યું, તેમણે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો અને તેઓ ત્યાં જે સ્થિતિ છે તેનાથી પ્રભાવિત થયા છે તેવું ય જાહેર કર્યું. એક તરફ ત્યાં બધું જ સમું સૂતરું છેની વાત કરાય છે તો પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રેસિડન્ટ મહેબૂબા મુફ્તી અને પૂર્વ મુખ્ય મંત્રીનું કહેવું છે જમ્મૂ કાશ્મીરમાં અત્યારે ‘જંગલ રાજ’ છે. તેઓ જમ્મૂ કાશ્મીર માટે એ જ રાજકીય સ્ટેટસ ઇચ્છે છે જે ૫ ઑગસ્ટ ૨૦૧૯ પહેલાં હતું અને કાશ્મીરના મુદ્દાનો ઉકેલ પણ તેમની માંગ છે. ૩૭૦ની કલમ ખસેડી લેવાથી જે ફેરફારોની અપેક્ષા હતી તે થયા છે ખરાં કે પછી આપણે એ જ જોવાનું રહેશે જે આપણને બતાડવામાં આવશે?

જે આતંકવાદનું કારણ આગળ ધરીને કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી લેવાઇ છે તે ખરેખર તો આતંકવાદનું કારણ હતી જ નહીં. એક્સપર્ટ્સનું માનવું છે કે ૩૭૦ની કલમ ખીણ પ્રદેશના આતંકવાદને રોકવા માટેનું એક માત્ર માધ્યમ છે. ભા.જ.પા. સરકારને મતે કાશ્મીરનો વિકાસ પણ આ કલમને લીધે જ રૂંધાતો હતો જે સમીકરણો પણ હવે બદલાશે, જો કે કાશ્મીરમાં શટડાઉનમાં લાંબો સમય ખેંચી નાખનારા લોકો આ વાત સાથે તસુભાર સંમત નથી. દિલ્હી સરકાર સતત એમ દર્શાવવા પ્રયત્નશીલ છે કે દિલ્હીથી કાશ્મીર માટે તગડું ભંડોળ મોકલાય છે પણ જમ્મૂ કાશ્મીરના પૂર્વ નાણાં મંત્રી અને અર્થશાસ્ત્રી હસીબ દ્રાબુનું કહેવું છે કે જમ્મૂ-કાશ્મીરની સરકાર માટે જતા ભંડોળ અને રાજ્યના આર્થિક વિકાસ માટે વપરાતા ભંડોળમાં તફાવત છે. ઐતિહાસિક કારણોને પગલે જમ્મૂ-કાશ્મીરની સરકાર ચલાવવા કેન્દ્ર તરફથી ભંડોળ મોકલાતું રહ્યું છે પણ તેનાથી રાજ્યના અર્થતંત્રને કોઇ મોટો ટેકો નથી મળતો. દિલ્હીથી મળતાં આર્થિક પેકેજીઝનું કાશ્મીરના બહેતર અર્થતંત્રમાં યોગદાન નથી કારણ કે તે સરકારી ખર્ચા માટે આવતાં નાણાં છે. આવી અનેક માન્યતાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચેની ખીણ આ ખીણ પ્રદેશનું સત્ય છે.

ડબલ લૉકડાઉન છતાં ય કાશ્મીરમાં આતંકવાદના કિસ્સા બન્યા છે, કાશ્મીરના મુખ્ય પ્રવાહના રાજકારણીઓ અલગાવવાદી રાજકારણીઓ અને દક્ષિણ કાશ્મીરના જુવાનો જેટલાં જ આકળા છે. પાકિસ્તાને કાશ્મીરમાં અરાજકતા અને હિંસા ફેલાવવામાં કંઇ બાકી નથી રાખ્યું. આ તમામ વિષમ પરિસ્થિતિ વચ્ચે ભારતને જમ્મૂ-કાશ્મીરમાં જે રાજકીય-રાષ્ટ્રીય રુચિ છે તેને લગિરેક ફાયદો નથી થઇ રહ્યો.

જમ્મૂ-કાશ્મીર અંગે ન્યુ દિલ્હીની હાલની નીતિ ભેખડો વચ્ચે ભરાયેલા પગ જેવી છે જે શેય નિકળવાનો નથી. ૩૭૦ની કલમ હટાવી લેવાથી શાંતિ અને વિકાસ જ જમ્મૂ-કાશ્મીરની વાસ્તવિકતા બની જશે એવી ખાતરી આપતી એકેય એંધાણી અત્યારે તો વર્તાતી નથી. ઑગસ્ટ ૨૦૧૯ પહેલાં કાશ્મીરમાં જે રાજકીય સમીકરણો હતા તે ત્રિરાશી ફરી મંડાય એવી ય કોઇ શક્યતા નથી કારણ કે એ તો ભા.જ.પા. માટે આત્મઘાતી પગલું કહેવાશે.

બાય ધ વેઃ

કાશ્મીર અંગે જાતભાતની માન્યતાઓ પ્રવર્તતતી રહી છે. કાશ્મીરની આસપાસ સતત વણાતી રહેતી વાતો, સમાચારો અને માન્યતાઓને પગલે આપણે કાશ્મીર તથા કાશ્મીરના લોકોને અલગ રીતે જોઇએ છીએ, નાણીએ છીએ. ૩૭૦ની કલમને લઇને ભા.જ.પા. સરકારને જે ટેકો મળ્યો તેની પાછળ પણ એક માહોલ ખડો કરવાનું મિકેનિઝમ કામ કરી ગયું છે. કાશ્મીરના બાકીના ભારત સાથે એક કરવું જ રહ્યુંનો સંદેશ લોકોને ગળે ઠુંસાતો રહ્યો છે. તરફી અને વિરોધીઓની ચર્ચાઓનાં નિષ્કર્શ તો આવતાં આવશે પણ કાશ્મીરની એક આખી પેઢીને દિશા હિનતાનો અનુભવ પણ થઇ જ શકે છે. સ્વર્ગ સમું કાશ્મીર રાજકારણની ચોપાટમાં ગુંચવાયેલા રાજ્ય તરીકે ફંગોળાતું રહ્યું છે, જોઇએ જે દાવા કરાઇ રહ્યા છે તેમાં સચ્ચાઇ હોય તો તેનાં પરિણામ ક્યારે નજરે ચઢશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  21 ફેબ્રુઆરી 2021 

Loading

આઝાદીમાં ભારતે જગતને આશ્ચર્ય થાય એવો વિવેક કર્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|21 February 2021

બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એ પછી, ખાસ કરીને ૧૯૪૦ પછી, ભારતીય નેતાઓને સમજાઈ ગયું હતું કે હવે ભારતની આઝાદી દૂર નથી. માત્ર એ લોકોને નહીં જેમણે આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો, પણ એ લોકોને પણ સમજાઈ ગયું હતું જેમણે ભારતને બને એટલો સમય અથવા તો ક્યારે ય આઝાદી ન મળે એમાં સક્રિય રસ લીધો હતો. એ લોકોને પણ સમજાઈ ગયું હતું જેઓ કાંઠે ઊભા રહીને ‘જો તમે કાંઈક મેળવવાના હો તો અમારો આટલો ભાગ હોવો જોઈએ’ એવી શરતો કરતા હતા. એ ભદ્ર વર્ગને પણ સમજાઈ ગયું હતું જે અંગ્રેજો નહીં તો અંગ્રેજી શાસન એના એ સ્વરૂપમાં જળવાઈ રહે એમ ઈચ્છતા હતા. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવનારા, સરકારી તંત્રમાં ઈજારાશાહી ધરાવનારા અને એ રીતે સમાજમાં વર્ચસ્‌ ધરાવનારા લોકોનું અંગ્રેજી ઢાંચો એના એ સ્વરૂપમાં જળવાઈ રહે એમાં સ્થાપિત હિત હતું. રાજા-મહારાજાઓને પણ સમજાઈ ગયું હતું કે ભારતને આઝાદી મળવાની છે અને તેમાં તેમના ભવિષ્યનો સવાલ ઉપસ્થિત થવાનો છે.

જે લોકો પ્રાચીન ભારતમાં રામરાજ્ય હતું તેમ જ દૂધની નદીઓ વહેતી હતી એવાં સુંવાળા સપનાં જોતા હતા અને ભારતનું (હિંદુઓનું) પતન મ્લેછોના કારણે થયું એવું માનતા હતા એ લોકોને પણ ખાતરી થઈ ગઈ હતી કે ભારતને આઝાદી મળવાની છે. તેમને એ વાતની પણ ખબર હતી કે આઝાદ ભારતમાં હિંદુઓની બહુમતી હોવાને કારણે શાસનમાં હિંદુઓનો હાથ ઉપર હશે, પણ તેમને એ વાતનો અંદેશો હતો કે હિંદુઓ સંખ્યાનો લાભ લઈને હિંદુ હોવાની સરસાઈ સ્થાપિત નહીં કરે. આઝાદીનો ઊઘાડ નજરે પડ્યો ત્યારે તેઓ રાજી હોવાની જગ્યાએ દુ:ખી હતા. દુનિયાભરના શ્રમિકો-શોષિતોની કોઈ જાત નથી હોતી, ઓળખ નથી હોતી; ઓળખ માત્ર શોષિત-સર્વહારાની જ હોય છે અને માટે દુનિયા ભરના શ્રમિકોએ રાજ્ય-રાષ્ટ્રના સીમાડાઓની ઉપેક્ષા કરીને વૈશ્વિક બિરાદરી(કૉમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલ)નો ભાવ કેળવવો જોઈએ એમ માનનારા સામ્યવાદીઓને પણ સમજાઈ ગયું હતું કે ભારતને કમ સે કમ રાજકીય આઝાદી તો મળવાની જ છે. તેઓ પણ આઝાદીનો ઊઘાડ નજરે પડ્યો ત્યારે રાજી હોવાની જગ્યાએ દુ:ખી હતા. દુનિયાભરના મુસલમાનોની કોઈ જાત નથી હોતી, કોઈ બીજી ઓળખ નથી હોતી, કોઈ રાષ્ટ્રીયતા નથી હોતી; હોય છે માત્ર ઇસ્લામની અર્થાત્ મુસ્લિમ હોવાની ઓળખ અને માટે દુનિયાભરના મુસલમાનોએ રાજ્ય-રાષ્ટ્રના સીમાડાઓની ઉપેક્ષા કરીને મુસ્લિમ વૈશ્વિક બંધુત્વભાવ (પૅન – ઇસ્લામિઝમ) કેળવવો જોઈએ, એમ માનનારા મુસ્લિમ નેતાઓને પણ ખાતરી થઈ ગઈ હતી કે ભારતને આઝાદી મળવાની છે. તેઓ પણ આઝાદીનો ઊઘાડ નજરે પડ્યો ત્યારે રાજી હોવાની જગ્યાએ દુ:ખી હતા.

માત્ર ભારતીય નેતાઓને જ નહીં, આખા જગતને સમજાઈ ગયું હતું કે હવે ગુલામ દેશો આઝાદ થવાના છે. આનું કારણ એ હતું કે વિશ્વયુદ્ધ પછીનું જગત અલગ હોવાનું છે એ બધા જાણતા હતા. વિજેતા દેશો વિજેતા થઈને પણ હારવાના છે અને હવે ગુલામ દેશો ઉપર કબજો જમાવી રાખી શકવાના નથી એની તેમને જાણ હતી. વીસમી સદીના બરાબર મધ્યાહ્ને (૧૯૫૦ની આસપાસ) એશિયા અને આફ્રિકાના દેશો એક એક કરીને આઝાદ થવાના હતા જેનો અર્થ એ થયો કે અડધા કરતાં વધારે મોટું વિશ્વ આઝાદ થવાનું હતું જેનું અત્યાર સુધી શોષણ કરવામાં આવતું હતું. માત્ર શોષણ નહીં, તેમના ઉપર પશ્ચિમના માલિક દેશોએ તેમને માફક આવે એવો ખાસ પ્રકારનો શાસનનો અને અર્થતંત્રનો ઢાંચો લાગુ કર્યો હતો. તેમના મનમાં કુતૂહલ હતું અને ચિંતા પણ હતી કે આ દેશો આઝાદ થયા પછી કયો માર્ગ કંડારશે! તેઓ ગુલામ થયા એ પહેલાંનો તેમનો પોતીકો પરંપરાગત ઢાંચો પાછો સજીવન કરશે કે પછી માલિક દેશોએ લાગુ કરેલો ઢાંચો જાળવી રાખશે. તેમનું જીવનધોરણ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોના શોષણ ઉપર આધારિત હતું.

તેમની ચિંતા માટે કારણો પણ હતાં. જે વાચકો ગંભીર વાંચન કરવાની ક્ષમતા ધરાવે છે (અને મારા વાચકો એવી ક્ષમતા ધરાવે છે એની મને ખાતરી છે) તેમને હું પંકજ મિશ્રાનું એક પુસ્તક વાંચવાની આગ્રહપૂર્વક ભલામણ કરું છું. ‘From The Ruins Of Empire: The Revolt Against The West And The Remaking of Asia’ નામના પુસ્તકમાં પંકજ મિશ્રા લખે છે કે ૧૯૦૫માં જ્યારે ત્સુશિમાની લડાઈમાં બચુકલા જપાન સામે વિરાટ કાય રશિયાનો પરાજય થયો ત્યારે એ પરાજયને એશિયન દેશોએ એશિયાના પશ્ચિમ પરના વિજય તરીકે ઉજવ્યો હતો. ચીની નેતા સુન યાત સેન ત્યારે લંડનમાં હતા અને યુદ્ધ પછી તેઓ જ્યારે સ્ટીમરમાં ચીનનો પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે સુએઝની નહેરમાં એક આરબ મજૂરે (ધ્યાન આપવામાં આવે, મજૂરે) તેમને જપાની સમજીને રશિયાને હરાવવા માટે અભિનંદન આપ્યા હતા. જે દિવસે રશિયાના પરાજયના અને જપાનના વિજયના સમાચાર રવીન્દ્રનાથ ટાગોરને મળ્યા, ત્યારે તેમણે વિદ્યાર્થીઓને એ દિવસે ભણાવવાનું છોડીને ગામમાં વિદ્યાર્થીઓની વિજયફેરી કાઢી હતી. પંકજ મિશ્રા લખે છે કે એ યુગમાં એશિયાના દેશોમાં માબાપો પોતાના પુત્રનું નામ ટોગો રાખતા હતા જેણે જપાનને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો.

સંસ્થાનવાદનો ઇતિહાસ શોષણનો, લૂંટનો અને પાશ્ચાત્ય સાંસ્કૃતિક સરસાઈનો હતો અને એની સામે બાકીના જગતમાં, ખાસ કરીને એશિયામાં અસંતોષ છે એની પશ્ચિમને જાણ હતી. અંગ્રેજીમાં જેને ઓરિયેન્ટલિઝમ કહેવામાં આવે છે તે પૌર્વાત્યવાદ પાશ્ચાત્યવાદ (ઓક્સીડેંટલિઝમ)ની સામે બીજે  છેડે વિકસી ચુક્યો હતો. મુક્તિ પછી એશિયા કેટલું પશ્ચિમનું જાળવી રાખશે, કેટલું છોડશે, કેટલો વિવેક કરશે, કેટલી પ્રતિક્રિયા હશે, કેટલી આક્રમકતા (retaliation) હશે એનું ઉપર કહ્યું એમ કુતૂહલ હતું અને ચિંતા પણ હતી. વિકસિત પશ્ચિમનો વિકાસનો દર, તેની રફતાર અને તેની સ્થિરતા કે શાશ્વતી (sustainability) એશિયા શું માર્ગ અપનાવે છે એના ઉપર નિર્ભર હતાં.

એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ભારતને આઝાદી મળી એ પહેલાં, ૧૯૪૨માં ચીનના નેતા ચ્યાંગ કાઈ શેક ભારતની મુલાકાતે આવી ગયા હતા. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ભારતને આઝાદી મળી એના ચાર મહિના પહેલાં ભારતમાં પૂરા કદની એશિયાઈ પરિષદ મળી ચૂકી હતી. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ભારતમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું અને પ્રમુખ રુઝવેલ્ટે બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને સલાહ આપી હતી કે યુદ્ધ પછી ભારતને આઝાદી આપવાનું વચન બ્રિટિશ સરકારે ભારતીય નેતાઓને આપીને યુદ્ધમાં ભારતનો સહયોગ મેળવવો જોઈએ. આનું કારણ અમેરિકાનો સ્વાર્થ હતો. અમેરિકાને ખાતરી થઈ ગઈ હતી કે યુદ્ધ પછીના ગેર-સામ્યવાદી જગતનું નેતૃત્વ અમેરિકા કરવાનું છે અને અમેરિકાને એ વાતની પણ ખાતરી હતી કે નવા ઊઘાડ પછી આઝાદ થયેલા એશિયા અને આફ્રિકાના દેશોનું નેતૃત્વ ભારત કરવાનું છે. ભારત તેની ગરીબી અને બીજા પ્રશ્નોને કારણે નેતૃત્વ ન પણ કરી શકે તો પણ નવો માર્ગ કંડારવામાં ભારત મહાજન બનવાનું છે.

ટૂંકમાં આઝાદ ભારતનું સ્વરૂપ કેવું હશે કે હોવું જોઈએ એ વિષે ભારતમાં અને જગત આખામાં કુતૂહલ હતું. દરેકની પોતપોતાની ભૂમિકા હતી અને સ્વાર્થ હતા. દરેકના પોતાના આગ્રહો હતા અને પૂર્વગ્રહો હતા. સનાતની બ્રાહ્મણો, હિન્દુત્વવાદી હિંદુઓ, ઇસ્લામવાદી મુસલમાનો, સવર્ણો તરફ શંકાની નજરે જોનારા દલિતો, અગ્રેજિયતમાં પોતાનો સ્વાર્થ જોનારા ભદ્રજનો, રિયાસતો ટકાવી રાખવા ઈચ્છનારા રાજવીઓ, રિયાસતોની નોકરી કરનારા રાવ બહાદુરો, શ્રમિકોનું રાજ્ય સ્થાપવા માગતા સામ્યવાદીઓ, અન્ય લઘુમતી કોમના નેતાઓ, દક્ષિણ ભારતના દ્રવિડીઓ, ભાષાકીય અને પ્રાંતીય અસ્મિતાવાદીઓ એમ કંઈ કેટલા ય લોકો આઝાદ ભારતના સ્વરૂપ વિષે કુતૂહલ ધરાવતા હતા, અભિપ્રાય ધરાવતા હતા, આગ્રહો ધરાવતા હતા અને ભય પણ ધરાવતા હતા. આ સિવાય આખા જગતની પણ ભારત ઉપર નજર હતી. ભારત પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અને આધુનિકતા અને પરંપરા વચ્ચે કેવો વિવેક કરે છે એનું કુતૂહલ અને ચિંતા બન્ને હતાં. 

ભારતે વિવેક કર્યો હતો અને દુનિયા વિસ્ફારિત નેત્રે જોઈ રહે એવો અદ્ભુત વિવેક કર્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ફેબ્રુઆરી 2021

Loading

...102030...2,1042,1052,1062,107...2,1102,1202,130...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved