Opinion Magazine
Number of visits: 10,226,395
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લવજેહાદ, કાયદો અને મહિલાસ્વાતંત્ર્ય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 June 2021

ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં પસાર કરાયેલા, રાજકીય રીતે લવજેહાદ વિરોધી કાયદા તરીકે પ્રચારિત, ‘ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક, ૨૦૨૧’ને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. સરકારે નિયમો ઘડી આ  કાયદાનો ૧૬મી જૂન, ૨૦૨૧થી અમલ પણ શરૂ કરી દીધો છે. અગાઉ ભારતીય જનતા પક્ષ શાસિત ઉત્ત રપ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઉત્તરા ખંડમાં લવજેહાદ વિરોધી કાયદા ઘડાયા હતા. હવે ગુજરાત પણ તેમની પંગતમાં આવી ગયું છે. આ કાયદા મુજબ ૨૦૦૩ના ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક  સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓને બળજબરીથી, ફોસલાવીને કે કપટથી લગ્ન કરવાનો અસલી મકસદ ધર્મપરિવર્તનનો હોય, તો તેને ગુનો ગણી ત્રણથી દસ વરસની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં થયેલી ચર્ચાઓ અને હિંદુત્વ બળોની લવજેહાદ વિરોધી ઝુંબેશ પરથી સમજાય છે કે મુસ્લિમ પુરુષો દ્વારા બિનમુસ્લિમ સ્ત્રીઓને પ્રેમ અને લગ્નના નામે ફસાવી તેમનું ધર્માંતર કરાવવામાં આવી રહ્યાનું, તે માટેના સામૂહિક પ્રયાસો કે ષડ્‌યંત્રો થતાં હોવા જેવી બાબતોની જોગવાઈ ધરાવતા આ કાયદા પાછળ મૂળે રાજકીય હેતુ છે.

એકાદ દાયકાથી કેરળ, તટીય કર્ણાટક, પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉપરાંત કેટલાંક બી.જે.પી.શાસિત રાજ્યોમાં લવજેહાદની બુમરાણ જોવા મળે છે. કર્ણાટકના રામસેનાના નેતા અને ‘લવજેહાદ : રેડ ઍલર્ટ ફૉર હિંદુ ગર્લ્સ’ના લેખક પ્રમોદ મુત્તાલિકે ૨૦૦૯માં સૌ પ્રથમ વાર લવજેહાદ શબ્દ પ્રયોજ્યો હોવાનું ઇતિહાસકાર ચારુ ગુપ્તાએ ‘મિથ ઑફ લવજેહાદ’ પુસ્તકમાં નોંધ્યું છે. અન્ય અભ્યાસીઓ કેરળમાં ખ્રિસ્તી ચર્ચે આ શબ્દ પ્રથમ વાર પ્રયોજ્યો હોવાનું જણાવે છે. જો કે હવે લવજેહાદનો મુદ્દો સાંપ્રદાયિક રાજકીય એજન્ડા અને મતોની ફસલ લણી આપનાર બની ગયો છે. તેથી જ પચીસ વરસથી જ્યાં ભા.જ.પા.નું શાસન તપે છે, તે ગુજરાતમાં પણ આવો કાયદો ઘડવો તે દીર્ઘ રાજવટની નિષ્ફળતા અને નાલેશી ગણાય, તે વાતની લગીરે ફિકર વિના લવજેહાદ વિરોધી કાયદો ઘડાયો છે.

લવજેહાદ વિરોધી વર્તમાન કાયદા અને અભિયાનને અદાલતોનું પણ પીઠબળ મળ્યું હતું. ૨૦૧૭માં ઉત્તરા ખંડની વડી અદાલતે લગ્ન માટે ધર્મપરિવર્તનને અટકાવવાનો કાયદો ઘડવા રાજ્યસરકારને સૂચન કર્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના સિંગલ જજની એક બૅન્ચે ૨૦૧૪માં મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કરવાને લીધે અસલામતી અનુભવતી પાંચ હિંદુ યુવતીઓની પોલીસ રક્ષણની માંગ નકારી હતી. અદાલતે તેના ચુકાદામાં માત્ર લગ્નના હેતુ માટે કરવામાં આવતા ધર્મપરિવર્તનને અસ્વીકાર્ય ગણ્યું હતું. આસ્થા અને વિશ્વાસમાં વાસ્તવિક પરિવર્તન સિવાયના ધર્મપરિવર્તનને અદાલતે અમાન્ય ઠેરવ્યું હતું. ૨૦૦૯માં કેરળ હાઈકોર્ટને લવજેહાદના આરોપોમાં તથ્ય જણાયું હતું.

કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બૅન્ચે તો ૨૦૦૨થી ૨૦૦૯ દરમિયાન રાજ્યભરમાંથી ગૂમ થયેલી ૨૧,૮૯૦ છોકરીઓના કેસો લવજેહાદની શંકાવાળા ગણી તેની તપાસ સી.આઈ.ડી. ને સોંપી હતી. જો કે ગૂમ થયેલી છોકરીઓમાંથી ૨૨૯નાં જ આંતરધાર્મિક લગ્નો થયાં હતાં અને તેમાંથી માત્ર ત્રેસઠે જ ધર્મપરિવર્તન કર્યાનું સી.આઈ.ડી. તપાસમાં ખૂલ્યું હતું. વળી, આ તપાસમાં પોલીસને લગ્નના બહાને ધર્મપરિવર્તનનો કોઈ સામૂહિક પ્રયાસ કે ષડયંત્ર ન જણાતાં ૨૦૧૩માં અદાલતે આ કેસનો વીંટો વાળી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે પણ લવજેહાદના આરોપોની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એન.આઈ.એ.)ને સોંપી હતી. તે પછી સર્વોચ્ચ અદાલતે કેરળના હાદિયા કેસમાં લવજેહાદના આરોપો નકાર્યા હતા અને ધર્મપરિવર્તન મંજૂર રાખ્યું હતું. સુપ્રીમ કોર્ટે અને અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરના ચુકાદાઓમાં પુખ્ત ઉમરની કોઈ પણ વ્યક્તિને ધર્મ કે જ્ઞાતિના બાધ સિવાય પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્નનો અધિકાર હોવાનું અને આવો અધિકાર બંધારણના અનુચ્છેદ ૨૧નું અભિન્ન અંગ હોવાનું જણાવવામાં આવ્યું છે.

વર્તમાન લોકસભામાં કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કૉંગ્રેસના કેરળના સાંસદ બેન્ની બેહનાનના લોકસભા-પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે લવજેહાદ જેવો કોઈ શબ્દ કાયદામાં પરિભાષિત નથી. કેન્દ્રિય તપાસ સંસ્થાઓની તપાસના આધારે તેમણે જણાવ્યું હતું કે લવજેહાદનો કોઈ મામલો કેન્દ્રસરકારની જાણમાં નથી. સરકારી સંસ્થા ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર પોપ્યુલેશન સાયન્સિઝ’નો ૨૦૧૩નો સર્વે ભારતમાં આંતરધાર્મિક લગ્નો બહોળા પ્રમાણમાં થતાં હોવાના આરોપોનો છેદ ઉડાડે છે. આ અભ્યાસમાં જણાયું છે કે ૧૫થી ૪૯ વરસની વિવાહિત મહિલાઓમાંથી માત્ર ૨.૨૧ ટકાએ જ ધર્મબહાર લગ્નો કર્યાં છે. શહેરોમાં આંતરધાર્મિક લગ્નોનું પ્રમાણ ૨.૯ ટકા અને ગામડાંઓમાં ૧.૮ ટકા જ છે. સૌથી વધુ ૩.૫ ટકા આંતરધાર્મિક લગ્નો ખ્રિસ્તી મહિલાઓ કરે છે. તે પછીના ક્રમે શીખ ૩.૨ ટકા અને હિંદુ ૧.૫ ટકા છે. માત્ર ૦.૬ ટકા મુસ્લિમ મહિલાઓ જ ધર્મબહાર લગ્ન કરે છે. જે બી.જે.પી. રાજ્યોમાં લવજેહાદની ઝુંબેશો ચાલે છે ત્યાં આંતરધાર્મિક લગ્નોનું પ્રમાણ ઘણું ઓછું છે. દેશમાં સૌથી વધુ ૭.૮ ટકા આંતરધાર્મિક લગ્નો પંજાબમાં થાય છે. પંજાબની શીખ-હિંદુ લગ્નપરંપરાનું આ પરિણામ છે. તે પછીના ક્રમે ઝારખંડમાં ૫.૭ અને આંધ્રમાં ૪.૯ ટકા મહિલાઓ આંતરધાર્મિક લગ્નો કરે છે.

રાજ્યોના લવજેહાદ વિરોધી કાયદા અને જમણેરી બળોનું મહિલાવિરોધી અભિયાન પણ છે. તે મહિલાઓની વ્યક્તિગત અને સંસ્થાગત સ્વતંત્રતાને તો અવરોધે જ છે,  પ્રેમના દાયરાને પણ સાંકડો કરે છે. લવજેહાદ શબ્દ જ પરસ્પર વિરોધી છે. બે જુદા-જુદા ધર્મોની વ્યક્તિઓ લગ્ન કરે, તો તેમને સાંકળતી સમાન બાબત પ્રેમ હોય કે ધર્મ ? મહિલાઓને નાદાન, નબળી અને અણસમજુ સમજીને તેને કસાઈઓના હાથમાં જતી બચાવવાનો દાવો કરનારા ખરેખર તો તેમને વસ્તુ કે ચીજ ગણે છે. શાયદ એટલે જ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ મદન લોકુર આવા કાયદાઓને લોકશાહી સરકારોનું ખાપપંચાયત કે જાતિપંચાયત જેવું વલણ ગણે છે. નિવૃત્ત ન્યાયાધીશ એ.પી. શાહના મતે મહિલાઓની સ્વતંત્રતા પિતૃસત્તા અને પુરુષોને ડરાવે છે. લવજેહાદના કાયદા જાણે કે મહિલાઓ પોતાનું સારુંનરસું જાતે વિચારી શકતી નથી તેમ ઠસાવી તેમની સ્વતંત્ર ઓળખ પર પ્રહાર કરે છે.

૧૯૫૪નો સ્પેશિયલ મૅરેજઍકટ અલગ-અલગ ધર્મોમાં માનતાં યુગલોને તેમની ધાર્મિક માન્યતા અકબંધ રાખીને લગ્નની અનુમતિ આપે છે. ઇન્ડિયન પિનલ કોડની ઘણી જોગવાઈઓ હેઠળ બળજબરી, લોભ, લાલચ કે છેતરપિંડીથી થતાં લગ્નો સામે મહિલાને પર્યાપ્ત કાનૂની રક્ષણ મળેલું છે. એ સંજોગોમાં લવજેહાદ વિરોધી અલગ કાયદાઓમાં રાજકીય હેતુની બૂ આવવી સ્વાભાવિક છે. જુદા ધર્મ કે જ્ઞાતિના કે એક જ ધર્મ કે જ્ઞાતિના પણ વડીલોની સંમતિ વિના પ્રેમલગ્ન કર્યા બાદ અસલામતી અનુભવતા અને પોલીસ તંત્ર સમક્ષ રક્ષણની માંગમાં નિષ્ફળ રહેતાં અનેક યુગલો હાઈકોર્ટમાં પોલીસરક્ષણ માટે ધા નાંખે છે. ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ એપ્રિલ, ૨૦૧૯માં આવા કેસો અંગેના ચુકાદામાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ સિંગલ વિન્ડોસિસ્ટમ ઊભી કરી તેમની ફરિયાદોનો નિકાલ કરવા આદેશ કર્યો હતો. પરંતુ ગુજરાત સરકાર પ્રેમલગ્નોને કારણે પોલીસ રક્ષણ માંગતાં યુગલોને તુરત રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવાને બદલે ભર કોરોને લવજેહાદ વિરોધી કાયદો લઈ આવી છે !

ભારતમાં અલ્પ છતાં આંતરધાર્મિક લગ્નોની એક દીર્ઘ પરંપરા છે. તે દેશના બિનસાંપ્રદાયિક પોતને મજબૂત કરે છે અને ધાર્મિક-સાંસ્કૃતિક વિવિધતા છતાં દેશની એકતાનાં દર્શન કરાવે છે. મહિલાસ્વાતંત્ર્યને અવરોધતા લવજેહાદ જેવાં અભિયાનોને બદલે આંતરધાર્મિક અને આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ વધે, તો દેશ ખરા અર્થમાં સમરસ બની શકશે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

જગત વિચારે છે કે શું ચીનનું મોડલ અપનાવી સફળતા મેળવી શકાય ?

રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2021

એક યુગ હતો જ્યારે રશિયા અને ચીનના સામ્યવાદી શાસકો તેમની પાર્ટી કૉન્ગ્રેસમાં જે ભાષણો કરતા અને ઠરાવો કરતા તેના વિષે દિવસોના દિવસો સુધી અર્થઘટનો કરવામાં આવતા. એક એક શબ્દની છણાવટ કરવામાં આવતી. આનાં બે કારણો હતાં. એક તો એ કે ઠરાવો અને ભાષણોની ભાષા ગૂઢ, સંકુલ તેમ જ જટિલ રહેતી. થોડું સુક્ષ્મ સમાજવિવેચનના કારણે અને વધુ કદાચ જાણીબૂજીને ‘થિયરી’ અને ‘લાઈન’ના ટિપીકલ સામ્યવાદી વળગણના કારણે. બીજું કારણ એ હતું કે ત્યારે સામ્યવાદી વિશ્વની સંભાવના નજરે પડતી હતી. અત્યારે ભલે સામ્યવાદી શાસન થોડાક દેશો પૂરતું મર્યાદિત હોય, પણ તેમનો ઉદ્દેશ જગતભરમાં ફેલાવાનો હતો. જે લોકો ડાબેરી હતા તેઓ તેમાં આશા શોધતા હતા અને જેઓ જમણેરી હતા તેઓ તેમાં ભયસ્થાન શોધતા હતા. આમાં પણ રશિયા કરતાં ચીનના નેતાઓના ઠરાવો અને ભાષણોની વધુ ઝીણી વિવેચના કરવામાં આવતી હતી. દલાઈ લામા કહે છે એમ માઓ ઝેદોંગ શત્રુ છે એમ માનીને તમે તેમને મળવા ગયા હોય અને તે મિત્ર છે એવો અભિપ્રાય બનાવીને પાછા ફરો. અત્યંત ગૂઢ નેતૃત્વ, ગૂઢ ભાષા અને ગૂઢ રાજકીય શૈલી ચીનનાં સામ્યવાદી શાસકોનાં લક્ષણો છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આવો અનુભવ થયો છે. અમદાવદમાં સાબરમતી નદીના તીરે વડા પ્રધાન શી ઝિંગપીંગને ઢોકળા ખવડાવતા હતા ત્યારે એ જ વખતે ચીની લશ્કર ભારતમાં લડાખમાં ઘૂસ્યું હતું.

ગઈ પહેલી જુલાઈએ ચીનના સામ્યવાદી પક્ષે તેની સ્થાપનાની શતાબ્દી ઉજવી. ઉજવણી દુનિયા જોતી રહે એવી ભવ્ય હતી. જગત ચીનમાંથી પ્રસરેલા કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ચીન તેનાથી લગભગ મુક્ત છે. આ પણ એક ગૂઢ રહસ્ય છે. આવો ભવ્ય સમારોહ બીજા દેશમાં યોજાવો શક્ય નથી. ભારતમાં ટ્રમ્પના સ્વાગતમાં તાયફો યોજાયો, કુંભમેળાનું આયોજન થયું અને ચૂંટણીની વિરાટ રેલીઓ યોજાઈ; પણ આપણે જાણીએ છીએ દેશની જનતાએ તેની મોટી કિંમત ચૂકવી. અનેક લોકોના જાન ગયા, પણ ચીનમાં આવું બન્યું નથી અને જો બન્યું છે તો આપણે જાણતા નથી. ખેર, ચીનના સામ્યવાદી પક્ષના શતાબ્દી સમારોહમાં ચીનના સર્વેસર્વાં શી ઝિંગપીંગે લાંબુ લગભગ દોઢ કલાકનું ભાષણ આપ્યું. એ ભાષણ એટલું સીધું અને સ્પષ્ટ છે કે કોઈએ તેના અર્થઘટન કરવા માટે રાત ઉજાગરા કરવા પડે એમ નથી.

એ ભાષણ એક વિજેતા દેશના સેનાપતિનું હોય એવું હતું. ‘ચીનની જરૂરિયાત મુજબનો ખાસ પ્રકારનાં ચીની લક્ષણો ધરાવતો’ ચીની સામ્યવાદ સફળ નીવડ્યો છે તેની તેમણે ગૌરવભેર જાહેરાત કરી હતી. 'ચીનની જરૂરિયાત મુજબનો ખાસ પ્રકારનાં ચીની લક્ષણો ધરાવતો' એવી સ્પષ્ટોક્તિ તેમણે તેમના ભાષણમાં અનેકવાર કરી છે. લગભગ પંદરથી વીસ વખત. શા માટે ન કરે? મુક્ત અર્થતંત્ર અને બંધિયાર રાજ્યતંત્રના વર્ણસંકર ચીની મોડેલની એક સમયે હાંસી ઉડાવવામાં આવતી હતી અને આ વર્ણસંકર મોડેલ તેના વિરોધાભાસને કારણે તૂટી પડશે એમ માનવામાં આવતું હતું. આજે એ મોડેલ સફળ સાબિત થયું છે, ટકાઉ પણ સાબિત થયું છે અને આશ્ચર્ય એ વાતનું છે કે જગત તેનું અનુકરણ કરવા મથી રહ્યું છે. ભાષણ વખતે શી ઝિંગપીંગની દેહભાષા (બોડી લેન્ગવેજ) જોશો તો ધ્યાનમાં આવશે કે તેઓ મૂછમાં નહોતા હસતા, પણ જાણે કે અટ્ટહાસ્ય કરતા હતા.

પરંપરાગત સામ્યવાદમાં મૂડી, માર્કેટ અને ઉત્પાદકતાના સાધનો (મીન્સ ઑફ પ્રોડક્શન) ઉપર અંકુશ રાખવામાં આવતો હતો. આ ત્રણ ચીજ અસમાન અર્થવ્યવસ્થા પેદા કરે છે અને સર્વહારાનું શોષણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો અર્થતંત્ર રાજ્ય દ્વારા અંકુશિત હતું. ૧૯૭૮માં દેંગ ઝીયાઓપીંગ ચીનમાં સર્વેસર્વા બન્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે અર્થતંત્રને અંકુશમાં રાખવાથી કોઈનું કલ્યાણ થવાનું નથી. એવું કોણે કહ્યું કે અર્થતંત્રની સફળતા માટે મોકળી સમાજવ્યવસ્થા (લોકતંત્ર) અનિવાર્ય છે અને એ બે વચ્ચેનો સબંધ અવિનાભાવી છે? ઊલટું લોખંડી રાજ્ય, સમાજને બંધિયાર રાખીને અર્થતંત્રને મોકળું મેદાન આપે તો હજુ વધારે ઝડપથી વિકાસ સાધી શકાય. તેમના એ વર્ણસંકર મોડેલને ત્યારે હસી કાઢવામાં આવ્યું હતું, પરંતુ આજે ચાર દાયકા પછી આપણે જોઈએ છીએ કે ચીનના સામ્યવાદી તાનાશાહ અટ્ટહાસ્ય કરી રહ્યા છે અને જગત જોઈ રહ્યું છે.

આશ્ચર્યની વાત છે કે જગતના લોકશાહી દેશો, જે લોકતંત્ર માટે ગૌરવ અનુભવતા હતા એ અત્યારે ચીનની ઈર્ષા કરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે પોતાને ત્યાં લોકતંત્ર ઘટાડીને કે ખતમ કરીને ચીનનો માર્ગ અપનાવીએ તો કેમ! મુક્ત સમાજ અને મૂડીવાદી અર્થતંત્ર વચ્ચે અવિનાભાવી સંબંધ છે એ ખોટી વાત છે અને સત્ય સામેના છેડે છે એવું તેમને લાગવા માંડ્યું છે. એક ડગલું વધારે ચાલશો તો એ પણ ધ્યાનમાં આવશે કે આ બ્રહ્મજ્ઞાન લોકશાહી દેશોમાં શાસકોને થયું છે એનાં કરતાં મૂડીપતિઓ શાસકોને કરાવી રહ્યા છે. દેશનો વિકાસ કરવો છે? બીજાની બરાબરી કરવી છે? આગળ નીકળી જવું છે? શાસક તરીકેનો યશ જોઈએ છે? તો સમાજને મુઠ્ઠીમાં રાખવો જરૂરી છે. સમાજને મુઠ્ઠીમાં બાંધો અને અમને આપો. અમે ડિજીટલ ટેકનોલોજી દ્વારા સમાજને મુઠ્ઠીમાં બાંધીએ તો વચ્ચે નહીં આવવાનું. મુઠ્ઠીમાં બાંધેલો માનવી અમારા માટે ગ્રાહક છે અને તમારા માટે એક મતદાતા છે. આનાથી વિશેષ તે કશું જ નથી. જો તેના અધિકારોનું રક્ષણ કરશો તો માર્કેટનું રક્ષણ નહીં કરી શકો અને જો માર્કેટનું રક્ષણ નહીં કરો તો પૈસો પેદા નહીં થાય. ટૂંકમાં પૈસા પેદા કરવા માટે સમાજને મુઠ્ઠીમાં રાખવામાં અમને મદદ કરશો અને એ રીતે અમારું રક્ષણ કરશો તો અમે તમારું રક્ષણ કરીશું. તમારું રક્ષણ પણ અંતે પૈસો જ કરવાનો છે. આમ શાસકો મૂડીપતિઓની મુઠ્ઠીમાં છે અને તે બન્નેની મુઠ્ઠીમાં સમાજ છે.

આ અસ્સલ પ્રિ-ડિજીટલ યુગનું ચીની મોડેલ છે અને અત્યારે ડિજીટલ યુગમાં જરૂરી ફેરફાર સાથે ભારત સહિત જગતના દેશો તેને અપનાવવા મથી રહ્યા છે. આ સ્થિતિમાં શી ઝિંગપીંગ વિજેતાના મિજાજમાં હોય એમાં શું આશ્ચર્ય!

તેમણે એક વિજેતા તરીકે કહ્યું છે કે એક સમયે ચીનનું અપમાન કરવામાં આવતું હતું એ દિવસો ગયા. ચીન પાસે ધરાર તેની અનિચ્છાએ સમજૂતીઓ અને સંધિઓ કરાવવામાં આવતી હતી અને તેના પર ચીનની સહી લેવામાં આવતી હતી એ દિવસો ગયા. ચીનના બાવડા આમળવામાં આવતા હતા એ દિવસો ગયા. ચીનને સલાહો (દેખીતી રીતે લોકતંત્રની) આપવામાં આવતી હતી એ દિવસો ગયા. હવે કોઈ ચીનને હાથ લગાડી શકે એમ નથી. તેમણે એમ પણ કહ્યું છે કે સમૃદ્ધ અને શક્તિશાળી દેશ પાસે શક્તિશાળી લશ્કર પણ હોવું જોઈએ અને ચીન તે ધરાવે છે. ટૂંકમાં તેમણે વિશ્વસમાજને કહી દીધું છે કે ચીન એક નવી શક્તિશાળી વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાનો તેના દરેક પાસા (મુખ્યત્વે આર્થિક અને લશ્કરી) સાથે સ્વીકાર કરવામાં આવે. સ્વીકાર કરવો જ પડે એમ છે એમ સ્પષ્ટ કહ્યા વિના તેમણે તે કહી દીધું છે.

તેમણે ચીનની પ્રજાને પણ ચેતવણી આપી છે. ચીનને આ જે યશ મળ્યો છે એ સામ્યવાદી પક્ષને કારણે મળ્યો છે. સામ્યવાદી પક્ષ આવો દૈવી યશ મેળવી શક્યો છે તેના કૃતનિશ્ચયી, દીર્ઘદૃષ્ટિ ધરાવતા સ્વાર્થરહિત નેતૃત્વના કારણે. આ શ્રદ્ધા જળવાઈ રહેવી જોઈએ. પક્ષમાં અને નેતાઓમાં બન્ને. તેમની ભાષા અને દેહભાષા જોશો તો સ્પષ્ટ દેખાશે કે આ સલાહ નથી, અરજ તો બિલકુલ નથી, પણ ખુલ્લી ચેતવણી છે.

માનવીય મોકળાશના મૃત્યુઘંટનો મહિમા કરનારું તેમનું ભાષણ હતું જેની સામે જગતના શાસકોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. એક દિવસ જગતમાં આવું પણ બનશે તેની કલ્પના આ લખનારે વીતેલી સદીમાં નહોતી કરી!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 જુલાઈ 2021

Loading

સારાસાર

રમેશ બી. શાહ|Opinion - Opinion|29 June 2021

કાલગ્રસ્ત કૃષિનીતિ

તાજેતરમાં સરકારે ડાંગરની ખરીદીના ટેકાના ભાવમાં (એમ.એસ.પી.) વધારો કર્યો એ વધારો આમ દેખીતી રીતે વાજબી પાંચ ટકા જેટલો અલ્પ છે. ટેકાના ભાવને જે તે પાકના ઉત્પાદન ખર્ચ સાથે સાંકળવાનો હોય છે. ડિઝલના ભાવમાં મોટો વધારો થયો હોવાથી ખેતીના ખર્ચમાં સર્વગ્રાહી રીતે વધારો થયો છે, પણ આ પ્રશ્નને તપાસવાનો સંદર્ભ જુદો છે.

વર્તમાન કૃષિ નીતિ હરિયાળી ક્રાંતિ માટે રચવામાં આવી હતી. એમાં એક સંપૂર્ણ કહી શકાય એવું પોલિસી પેકેજ તૈયાર કરવામાં આવ્યું હતું. ખેડૂતો ઘઉં અને ડાંગરના સુધારેલાં બિયારણનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે આવશ્યક બધાં પગલાં આ પોલિસી પેકેજમાં હતાં. ખેડૂતોને આધાર આપવા માટે ભાવોની ખાતરી ટેકાના ભાવો જાહેર કરીને આપવામાં આવી હતી. એ માટે ઘઉં અને ડાંગરની ખેતીના ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું, ટેકાના ભાવોની ખાતરી આપવા માટે સરકારે એ ભાવોએ ખરીદી કરવાની ગોઠવણ કરી ખેડૂતો રાસાયણિક ખાતરની વપરાશ કરવા પ્રેરાય તે વાસ્તે રાસાયણિક ખાતરો પર સબસિડી આપવામાં આવી. આ નીતિને અપૂર્વ સફળતા મળી છે. એટલું જ નહીં સરકારની ટેકાના ભાવે ખરીદીને કારણે સરકારી ગોદામો ઘઉં અને ચોખાથી છલકાય છે. આજે સરકાર પાસે દસ કરોડ ટન ઘઉં અને ચોખાનો જથ્થો છે. ૧૯૫૧-૫૨માં અનાજનું કુલ-ઉત્પાદન દેશમાં પાંચ કરોડ ટન હતું. ગયા વર્ષે ઘઉં અને ડાંગરની ૯.૬ કરોડ ટન ખરીદી સરકારે કરી હતી. હવે પ્રશ્ન ઘઉં અને ચોખાની વધુ પડતી પ્રાપ્તિનો છે.

હરિયાળી ક્રાંતિ માટેના આ પોલીસી પેકેજને અસામાન્ય સફળતા મળી તે માટે બે આધારો ટાંકવા પડશે. દેશમાં બીજા વિશ્વયુદ્ધથી શરૂ કરીને અનાજની તીવ્ર તંગી પ્રવર્તતી હતી. ૧૯૬૫-૬૬માં તો એવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં અમેરિકાથી ઘઉં ભરેલી સ્ટીમરો આવે ત્યારે આપણે સસ્તા અનાજની દુકાનોમાંથી ઘઉં લોકોને આપી શકીએ. બીજુ, એક અમેરિકી નિષ્ણાતે ભૂખમરાથી કયા દેશોને બચાવી શકાશે અને કયા દેશોને નહીં બચાવી શકાય તે અંગેનો અભ્યાસ પ્રગટ કર્યો હતો. એમાં ભારતનો સમાવેશ નહીં બચાવી શકાય એ દેશોમાં કરવામાં આવ્યો હતો. હરિયાળી ક્રાંતિના પેકેજને અસામાન્ય સફળતા મળી હતી એમ લખ્યુ છે. પણ હવે એ પેકેજના કોઈ પાસાની જરૂરિયાત રહી નથી.

આ પેકેજ કાળગ્રસ્ત થયા પછી પણ ચાલુ રાખવામાં આવ્યું છે એનાં કેટલાંક માઠાં પરિણામો આવ્યાં છે. પંજાબ અને હરિયાણામાં હરિયાળી ક્રાંતિને અસામાન્ય સફળતા સાંપડી હતી. એ બે રાજ્યોમાં પોલિસી પેકેજ બરાબર કામ કરે છે. તેથી એનાં માઠાં પરિણામો એ બે રાજ્યોમાં વિશેષ કરીને પંજાબમાં જોવા મળ્યાં છે. ઘઉં અને ડાંગરની ખેતીમાં સરકારની ખરીદી નક્કી હોવાથી ખેડૂતો બીજા પાકો જતા કરીને ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. સતત ઘઉં અને ડાંગર જેવા વિશેષ પાણી માંગતા પાકોનું ઉત્પાદન લેવાથી પંજાબમાં ભૂતળનાં પાણી નીચાં ઊતરી ગયાં છે અને જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. બીજી બાજુ આપણને કઠોળની અછત પીડે છે અને કઠોળની આયાત કરવી પડે છે, આ ખેડૂતો જો કઠોળ તરફ વળે તો એક બાજુ ઘઉં અને ડાંગરનો પુરવઠો ઘટે અને સરકારનાં ગોદામોમાં તેમનો જથ્થો ઘટે અને બીજી બાજુ કઠોળનો પુરવઠો વધે. આ વર્ષે સરકારે અડદ અને તુવેરના ટેકાના ભાવમાં રૂપિયા ૩૦૦નો વધારો કર્યો છે, પણ સરકાર કઠોળની ખરીદી મોટા પ્રમાણમાં કરી શકે તેમ નથી. ઘઉં અને ચોખાની ખરીદી એ કરે છે; કારણ કે સસ્તા અનાજની દુકાનો ગરીબ લોકોને ઘઉં અને ચોખા પૂરા પાડે છે. એ જો કઠોળની ખરીદી કરે તો તેને એ જથ્થાને બજારમાં વેચવો પડે એટલે કે સરકારે વ્યાપારમાં પડવું પડે. તેથી સરકાર આવી સ્થિતિમાં ઘઉં અને ચોખા સિવાયની બીજી કૃષિથી મોટા પ્રમાણમાં ખરીદી કરી શકે તેમ નથી.

આમાંથી એવું જ્ઞાત થાય છે કે હરિયાળી ક્રાંતિના આ પોલિસી પેકેજને સંપૂર્ણપણે બાજુ પર મૂકવાનું છે એટલે કે ટેકાના ભાવોની પ્રથા બંધ કરવાની છે. સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરવાની છે. અને રાસાયણિક ખાતરો ઉપરની સબસિડી પણ બંધ કરવાની છે. આનો અર્થ એવો નથી કે ખેડૂતોને સહાય કરવાની નીતિ સરકારે છોડી દેવાની છે. એ માટે બીજાં પગલાં ભરવાનાં છે જ એટલે કે બીજું પોલીસી પેકેજ તૈયાર કરવાનું છે, પણ કોઈ સરકાર આ પગલું ભરીને હરિયાળી ક્રાંતિના પોલિસી પેકેજની સાથે ઊભા થયેલાં સ્થાપિત હિતોને અવગણી શકે તેમ નથી. બીજા શબ્દોમાં, તેમનો વિરોધ સહન કરવા માટે કોઈ સરકાર તૈયાર થાય તેમ નથી. મોદી સરકારને ખેતીના સુધારા માટે ખેડૂતોનો વિરોધ સહન કરવો પડ્યો છે. તે ટેકાના ભાવને નાબૂદ કરી શકે તેમ નથી; કારણ કે ખેડૂતો એ મુદ્દાને લઈને સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. આ અનુભવનો સાર એ છે કે સરકારે પોતાની નીતિ દ્વારા સ્થાપિત હિતો ઊભાં કરતાં પહેલાં બહુ વિચારવું જોઈએ. જો કે રાજકારણીઓ પાંચ વર્ષથી લાંબા ભવિષ્યનો વિચાર કરતાં નથી.

••••••

− 2 −

જગતની સર્વોત્તમ યુનિવર્સિટીઓ

લંડનસ્થિત કવાકરેલી સાયમડ્રસ (ક્યુ.એસ.) દ્વારા જગતની સર્વોત્તમ યુનિવર્સિટીઓની યાદી છેલ્લાં ૧૮ વર્ષથી પ્રગટ કરવામાં આવે છે. એ પ્રમાણે તાજેતરમાં જગતની ૧,૩૦૦ સર્વોત્તમ યુનિવર્સિટીઓની યાદી પ્રગટ કરવામાં આવી છે. આમાં યુનિવર્સિટીઓનો અર્થ સમજી લેવાની જરૂર છે. એમાં અનુસ્નાતક કક્ષાનાં શિક્ષણ અને સંશોધન કરતી સંસ્થાઓનો સમાવેશ થાય છે. એમાં બિઝનેસ સ્કૂલનો સમાવેશ થતો નથી. તેથી આપણી આઈ.આઈ.એમ. સંસ્થાઓનો સમાવેશ ના થાય તે સ્વાભાવિક છે.

જગતની ૧,૩૦૦ ટોચની યુનિવર્સિટીઓમાં ભારતની ૩૫ યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે. તેમાં ભારતની ટોચની સંસ્થાઓમાં આઈ.આઈ.ટી. સંસ્થાઓનો સમાવેશ થાય છેઃ આઈ.આઈ.ટી. મુંબઈ ૧૭૭મા ક્રમે, આઈ.આઈ.ટી. દિલ્હી ૧૮૫મા ક્રમે, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ બેંગાલુરુ, ૧૮૬મા ક્રમે, આઈ.આઈ.ટી. મદ્રાસ(૨૫૫)મા ક્રમે, આઈ.આઈ.ટી. કાનપુર ૨૭૭મા ક્રમે, આઈ.આઈ.ટી. ખડગપુર ૨૮૦મા ક્રમે આઈ.આઈ.ટી. ગુવાહાટી ૩૯૫મા ક્રમે અને આઈ.આઈ.ટી. રુરકી ૪૦૦મા ક્રમે.

આ યાદી ભારતમાં યુનિવર્સિટીઓ વિશે નિરાશા જન્માવે છે. પણ આ યાદી કઈ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે એ સમજવું જરૂરી છે. એમાં ટોચની ૧૦ યુનિવર્સિટીઓમાં ઈંગ્લેન્ડની ચાર, અમેરિકાની પાંચ અને સ્વિત્ઝરલેન્ડની એક યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. મુદ્દો એ છે કે આ યાદીમાં અમેરિકા અને યુરોપના અન્ય દેશોનું પ્રભુત્વ જોવા મળે છે. આમ આમાં યુનિવર્સિટીઓને જે ક્રમ આપવામાં આવે છે. તેમાં વધારે પ્રમાણમાં વિકસિત દેશોની યુનિવર્સિટીઓની પસંદગી થાય છે. આનું કારણ જે માપદંડ કે કસોટીઓ પસંદ કરવામાં આવે છે તેમાં વિકસિત દેશોની યુનિવર્સિટીઓની તરફેણ થાય છે.

આપણે કેટલાક માપદંડ તપાસીએ. એક મુદ્દો – યુનિવર્સિટીની બહારના જગતમાં જે પ્રતિષ્ઠા છે તેને સ્પર્શે છે. શિક્ષણના નિષ્ણાતો અને નોકરીઓ આપનારાઓને યુનિવર્સિટીની છાપ વિશે પૂછવામાં આવે છે. આમાં સહજ રીતે જૂની અને જાણીતી સંસ્થાઓને લાભ થાય છે.

બીજો માપદંડ વિદેશી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રમાણ છે. વિદેશમાં વિદ્યાર્થીઓ માત્ર ઉત્તમ શિક્ષણ મેળવવા જતા નથી પણ ત્યાં નોકરીની સારી તકો મળે તો તે ઝડપી લેવા પણ જાય છે. આમાં વિકાસશીલ દેશોનો ગેરલાભ સ્પષ્ટ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ વિકસિત દેશોમાં જતા હોય છે. તેથી વિકસિત દેશોમાં વિદેશી વિદ્યાર્થીઓનું પ્રમાણ વધારે હોય છે. ભારત જેવા બેકારીથી પીડાતા વિકાસશીલ દેશોમાં ઝાઝા વિદેશી વિદ્યાર્થીઓ ના આવે તે સમજાય એવી બાબત છે. અમેરિકા જેવા સાધનસંપન્ન દેશમાં યુનિવર્સિટીઓ માતબર હોય છે. તેથી તેઓ વિદેશી અધ્યાપકોનો સમાવેશ કરી શકે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં વિદેશી અધ્યાપકો આકર્ષાય નહીં તે સહજ છે. વળી ભારતની યુનિવર્સિટીઓ ટાંચાં સાધનોથી પીડાય છે. તેથી અધ્યાપકોની નિમણૂકમાં ઘણી કરકસર કરવી પડતી હોય છે.

એક ત્રીજો માપદંડ અધ્યાપકો દ્વારા પ્રગટ થયેલાં સંશોધનો કેટલા પ્રમાણમાં ટાંકવામાં આવે છે તે છે. એ જાણીતી વાત છે કે દુનિયાના બહુમતી દેશોમાં જેને સંશોધન યુનિવર્સિટી કહી શકાય એવી યુનિવર્સિટીઓ અલ્પ છે. ભારતની વાત કરીએ તો ભારતની પરંપરા બહુશ્રુતતા અને જ્ઞાન ગાંઠે બાંધવાની, એટલે કે કંઠસ્થ કરવાની છે. આપણે ત્યાં સંશોધનની પરંપરા નથી. ગાંધીજીએ આયુર્વેદની બાબતમાં આ પ્રશ્ન પૂછ્યો હતોઃ આયુર્વેદમાં સંશોધનો થયાં છે કે નહીં ત્યારે તેમને જવાબ નકારમાં મળ્યો હતો. પ્રાચીન શાસ્ત્રોને આપણે પૂર્ણ માનીએ છીએ. તેથી તેને આપણે માત્ર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજી બાજુ ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે દેશોમાં સંશોધનની પરંપરા છે. તેથી આ માપદંડ પ્રમાણે આ દેશોની યુનિવર્સિટીઓને ઉચ્ચ ક્રમ મળે છે.

જગતની સર્વોત્તમ યુનિવર્સિટીઓમાં આપણી અલ્પ સંસ્થાઓ સ્થાન પામે છે. એનો અર્થ એવો નથી કે ભારતની શિક્ષણપ્રથા કેવળ વખોડવા જેવી છે. ભારતમાં આપણો એ અનુભવ છે કે વિકાસ પામેલાં જુદાં જુદાં ક્ષેત્રોમાં જરૂરી માનવસંસાધનો મળતાં રહ્યાં છે. એ માટે આપણે વિદેશો ઉપર આધાર રાખવો પડતો નથી. આમ વિકસતા ભારતની જરૂરિયાતો આપણી શિક્ષણપ્રથાએ સંતોષી છે. કેટલાક વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને તાલીમ પામીને પાછા દેશમાં આવે છે. પણ એમની સંખ્યા બહુ ઓછી હોય છે. આમ આપણી વિવિધ કુશળતા ધરાવતા કાર્મિકોની જરૂરિયાત મહદ્‌ અંશે આપણી શિક્ષણ પ્રથાએ સંતોષી છે.

આ રીતે યુનિવર્સિટીઓને જે ક્રમ આપવામાં આવે છે તેનો ઉદ્દેશ મુખ્યત્વે અનુસ્નાતક શિક્ષણ માટેની ઉત્તમ સંસ્થાઓ નક્કી કરી આપવાનો છે. એમાં સ્નાતક કક્ષાના શિક્ષણની કોઈ વાત નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 07-08

Loading

...102030...2,0062,0072,0082,009...2,0202,0302,040...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved