Opinion Magazine
Number of visits: 10,226,236
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં છે એ કન્યા?

રેખા સિંઘલ|Opinion - Opinion|6 June 2021

“બહેન, ધરતીકંપમાં દીકરી મરી ગઈ હોત તો ય સારું હતું.  પણ આ તો ખોવાઈ ગઈ છે એટલે ભૂલી નથી શકાતો એ ગોઝારો દિવસ! વર્ષો વીતી ગયાં તો પણ યાદ આવતાં હજી ય રડી પડાય છે.” મારી સાથે વાત કરતા મંજુબહેનની આંખમાં પાણી ધસી આવ્યાં. ૨૦૦૧માં કચ્છમાં થયેલી કુદરતી હોનારતનો તીવ્ર આંચકો મંજુબહેનના હ્રદયમાં ન પૂરાય તેવી મોટી તિરાડ પાડી ગયો હતો. જે સમયે દેશ-વિદેશથી હજારો લોકો આર્થિક મદદ માટે દાનનો પ્રવાહ મોકલી રહ્યા હતા, તે સમયે ઘટના સ્થળે દોડી જઈને એક નરપિશાચે મદદના બહાના હેઠળ જે દુષ્કૃત્ય આચર્યું હતું તેનો પુરાવો એટલે મંજુબહેનની ખોવાયેલી પુત્રી! એમની કથા-વ્યથાની અમીટ અસર માનવતા પરનો વિશ્વાસ ડગાવી દે છે. કુદરતના કોપથી ઘેરાયેલા ઉદાસીનાં વાદળો વચ્ચે ક્યાંક ક્યાંક ઝબૂકતી વીજ જેવી આશા પણ ડરથી કાંપતી થઈ જાય છે. આ કંપનમાં મને મંજુબહેનનો ચહેરો દેખાય છે. કચ્છના જે કુદરતી ઉપચાર કેન્દ્રમાં મેં મહિનો ગાળ્યો હતો તે સંસ્થામાં મંજુબહેન મસાજ કરવાનું કામ કરતાં હતાં. સાડા પાંચ ફૂટની ઊંચાઈ, એકવડિયા શરીરનો સુરેખ બાંધો, નમણો ચહેરો અને ઘઉંવર્ણી ત્વચા ધરાવતી આ સ્ત્રીની પુત્રી પણ એટલી જ આકર્ષક હશે એમ મંજુબહેનની વાત પરથી લાગતું હતું.

“કેટલી ઉંમર હતી તમારી દીકરીની?” મારા આ પ્રશ્નના જવાબમાં મંજુબહેન કહેવા લાગ્યાં, “તેર વર્ષની મારી શીલા મારા સાસુ ભેગી હોસ્પિટલમાં અમારા એક સગાંની ખબર કાઢવા ગયેલી. મારી તો ના હતી, પણ સાસુ સામે હું કંઈ બોલી શકી નહીં. ધરતીકંપમાં હોસ્પિટલની ઈમારત તૂટી પડી હતી. મારા સાસુ હેમખેમ ઘરે આવ્યાં પણ શીલાનો પત્તો ન લાગ્યો.” મંજુબહેનને મનમાં બે પીડાઓ ભેગી હતી. તે માનતા હતાં કે સાસુ સામે એમનું ચાલ્યું હોત તો એમણે દીકરી ગુમાવવી ન પડત. ધરતીકંપ થશે એવી ખબર તો ક્યાં એના સાસુને પણ હતી. એ દાદીમાની પીડાની પણ ફક્ત કલ્પના જ કરવાની રહી.

“કદાચ એમ બન્યું હોય કે ધરતીકંપની ઊથલપાથલમાં દટાઈ ગઈ હોય.” મારી આ શંકાનો જવાબ આપતાં મંજુબહેનના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. મારી પીઠ ચોળતાં એમના હાથ ધીમા પડી ગયાં. ગળગળા સાદે કહેવા લાગ્યાં, “મદદ માટે આવેલા વાહનોમાંના એકમાં તેને ચડતી એક ઓળખીતાએ જોઈ હતી. એક બીજા ભાઈએ પણ દોડાદોડીમાં તેને જોઈ હતી. બહુ તપાસ કરી પણ કોની ગાડી હતી અને કઈ દિશામાં ગઈ તે ખબર જ ન પડી. આના કરતાં તો મરી ગઈ હોત તો વધારે સારું હતું,” કહીને એમણે સાડલાના છેડાથી આંસુ લૂછ્યાં.

એક તો હોસ્પિટલ ગામને છેડે હતી, વળી ચારેબાજુ તારાજી! કોઈક ઘાયલ તો કોઈક બેભાન. જે હેમખેમ હતા તે રઘવાયા અને ખોવાયેલા હતા, તેમાં ક્યું વાહન કોને અને કેટલાંને લઈ ગયું તેની નોંધ કોણ લે? જેને જે હાથ લાગ્યું તેમાં બેસીને ભાગવાનો પ્રયત્ન સૌ કરતાં હશે તે કલ્પી શકાય છે.

અમારા ગામમાં થતા હુલ્લડો વખતે લૂંટ અને ચોરીના કેટલા ય કિસ્સા મેં સાંભળ્યા હતા, પણ કુદરતી હોનારતને કારણે અચાનક આવી પડેલી આફતની કરુણાજનક સ્થિતિ વચ્ચેથી આ રીતે કોઈ સગીર કન્યાને ઊઠાવી લઈ જઈ શકે એ મારી ધારણા બહારની વાત હતી.

બની શકે કે શીલાને એમ કહેવામાં આવ્યુ હોય કે તેના પરિવારના બધા જ ધરતીકંપને કારણે મૃત્યુ પામ્યા છે. બની શકે કે મદદને નામે તેને ફોસલાવીને …… ગુમનામ કરી દેવામાં આવી હોય. શીલા ક્યાં હશે અને તેના પર શું વીતી હશે? તેની ધ્રૂજાવી નાખતી કલ્પના જગનિયંતા પરનો વિશ્વાસ ડગાવી દે છે.

(સત્ય ઘટના પર આધારિત. આ સત્યઘટનાનાં પાત્રોનાં નામો કલ્પિત છે)

સૌજન્ય : લેખિકાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

આંબેડકરનાં સન્માન, આંબેડકરનાં અવમાન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 June 2021

ભારતીય બંધારણના અનન્ય ઘડવૈયા અને દલિત મસીહા ડો. બાબાસાહેબ આંબેડકર વ્યક્તિપૂજાના સખત વિરોધી હતા. ૧૯૪૩માં સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેના ૧૦૧મા જન્મમદિને આપેલ ‘રાનડે, ગાંધી અને જિન્હા’ વ્યાખ્યાનમાં તેમણે વ્યક્તિ અને વ્યક્તિપૂજા વિંશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પરંતુ આજે ભારતમાં સૌથી વધુ પ્રતિમાઓ ડો. આંબેડકરની જોવા મળે છે. બાબાસાહેબની જન્મજયંતી (૧૪મી એપ્રિલ) અને નિર્વાણ દિન(૬ઠ્ઠી ડિસેમ્બર)ના રોજ મહાનગરો, નગરો, કસબાઓ અને જાહેર ચોક-પાર્કમાં આવેલી તેમની પ્રતિમા અને અન્ય સ્મૃતિસ્થળોએ લાખો દલિતો એકઠા થાય છે. વ્યક્તિપૂજાના વિરોધી ડો. આંબેડકરની આ વ્યક્તિપૂજા છે એમ કહી તેની ટીકા કરનારા એ વાતે મૌન હોય છે કે દેશમાં કેમ સૌથી વધુ પ્રતિમાઓ પણ બાબાસાહેબની જ ખંડિત કરવામાં આવે છે?

ડો. બાબાસાહેબ આંબેડકરને તેમની હયાતીમાં જે માનના તેઓ હકદાર હતા તે પણ આપવામાં આવ્યું નહોતું. સંવિધાન નિર્માણના અદ્વિતીય કાર્ય માટે તેમને ‘આધુનિક મનુ’ તો ગણવામાં આવે છે. પરંતુ સંવિધાન સભામાં તેમના પ્રવેશના તમામ રસ્તા કૉન્ગ્રેસે બંધ કરી દીધા હતા, તે ભુલાવી દેવાય છે. પંડિત નહેરુના વડા પ્રધાન પદ હેઠળના કૉન્ગ્રેસના પ્રધાનમંડળમાં કૉન્ગ્રેસના આજીવન વિરોધી રહેલા વિપક્ષના નેતા ડો. આંબેડકરને સ્થાન આપવામાં આવ્યું હતું. જો કે બાબાસાહેબ જેને ‘વૃદ્ધ વકીલો માટેનું કેરમ બોર્ડ’ ગણતા તેવા કાયદા ખાતાના પ્રધાન તેમને બનાવાયા હતા. કાયદા મંત્રી તરીકે તેમણે બંધારણના કાર્ય જેટલું અગત્યનું કાર્ય હિંદુ કોડ બિલના ઘડતરનું કર્યું હતું. પરંતુ રૂઢિવાદીઓના વિરોધના કારણે તે બિલ પસાર ન થઈ શક્યું એટલે તેના વિરોધમાં બાબાસાહેબે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું. એ સમયે કરેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું તેમ ભણતર અને અનુભવને યોગ્ય એવા, આયોજન, શ્રમ અને જાહેર બાંધકામ વિભાગના પ્રધાન તો તેમને ન બનાવ્યા. પણ વડા પ્રધાને કદી કોઈ પ્રધાનની ગેરહાજરીમાં તેના ખાતાનો ચાર્જ પણ આપ્યો નહોતો !

આઝાદી બાદના ત્રણેક દાયકા સુધી દેશમાં કૉન્ગ્રેસનું એક ચક્રી રાજ હતું. એ દરમિયાન કૉન્ગ્રેસના ત્રીજી હરોળના નેતાઓને પણ પદ્મશ્રી અને બીજાં નાગરિક સન્માનો આપવામાં આવ્યાં હતાં. પરંતુ ડો. આંબેડકરને બાકાત રાખવામાં આવ્યા હતા. ઇન્દિરાઈ કટોકટી પછીની, બીજી આઝાદીની, પહેલી બિનકૉન્ગ્રેસી સરકારે નહીં, પણ બહુજન રાજનીતિ બળવત્તર બની રહ્યાના અણસાર પછી, ૧૯૯૧માં, ડો. આંબેડકરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ મરણોત્તર આપવામાં આવ્યું હતું ! સંસદીય લોકશાહીના બાબાસાહેબ તરફ્દાર હતા. પરંતુ ચૂંટણી જીતીને તેઓ કદી લોકસભાના સભ્ય બની શક્યા નહીં. ૧૯૫૨ની પ્રથમ લોકસભા ચૂંટણી મુંબઈમાંથી અને ૧૯૫૪ની પેટાચૂંટણી ભંડારામાંથી તેઓ કૉન્ગ્રેસી ઉમેદવારો સામે હાર્યા હતા. આજે મુંબઈમાં સાડાચારસો ફૂટનું અને આંધ્ર પ્રદેશની નવી રાજધાની અમરાવતીમાં સવાસો ફૂટનું આંબેડકરનું પૂતળું મૂકવાની વાતો હવામાં છે, પણ સ્વાતંત્ર્યનાં ચાળીસ વરસો બાદ ૧૯૮૯માં સંસદના સેન્ટ્રલ હોલમાં તેમનું તૈલ ચિત્ર મૂકવામાં આવ્યું હતું.

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના પીએચ.ડી ડો. આંબેડકરને, કોલંબિયા યુનિવર્સિંટીએ, ૨૦૦૪માં તેની સ્થાપનાના બસોમાં વરસની સ્મૃતિમાં, તેના સર્વશ્રેષ્ઠ સો વિધાર્થીઓની યાદી, ‘કોલંબિયન અહેડસ ઓફ ધેર ટાઈમ્સ’માં પ્રથમ સ્થાન આપી બહુમાન કર્યું હતું. તેમને આધુનિક ભારતના નિર્માતા તરીકે બિરદાવ્યા હતા. પરંતુ હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટી સિવાય દેશની એક પણ યુનિવર્સિટીએ બાબાસાહેબને પીએચ.ડી.નું માનદ્દ સન્માન આપ્યું નથી ! મહારાષ્ટ્રના શૈક્ષણિક પછાત મરાઠાવાડા વિસ્તારમાં બાબાસાહેબે જ સૌ પ્રથમ વખત ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સ્થાપી શિક્ષણની જ્યોત પ્રજવલિત કરી હતી, પરંતુ મરાઠાવાડાની શિક્ષણ શલ્યા જેમના સ્પર્શે અહલ્યા થઈ હતી તે આંબેડકરનું નામ ઔરંગાબાદની મરાઠાવાડા યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું ત્યારે તેના વિરોધમાં આખા રાજ્યમાં હિંસક રમખાણો થયા હતા. લાંબાસમયની સમજાવટ પછી મરાઠાવાડા વિશ્વ વિધ્યાલયનો નામપલટો થઈ શક્યો હતો. આજે ભારતની ડઝનેક યુનિવર્સિટીઓ સાથે બાબાસાહેબનું નામ જોડી શકાયું છે. તે સન્માન આશ્વસ્ત કરે છે.

ડો. બાબાસાહેબ આંબેડકરની ઉપેક્ષા અને અવમાનનાં ભારતના સર્વ ક્ષેત્રોમાં થતી હતી. ગાંધીજીના જીવનમાંથી, ખાસ તો તેમના અસ્પૃશ્યોના પ્રશ્ને આલોચક રહેલા, આંબેડકરની  બાદબાકી થઈ શકે નહીં પરંતુ ગાંધીજીના જીવનને આલેખતી રિચર્ડ એટનબરોની બોલીવુડ ફિલ્મ ‘ગાંધી’માં આંબેડકરનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ૨૦૦૦ના વરસની જબ્બાર પટેલની આંબેડકર વિશેની ફિલ્મ સહિત આજે તો મરાઠી, તમિલ, કન્નડ અને હિંદી ભાષામાં આંબેડકર વિષયક ફિલ્મો અને  ટી.વી. ધારાવાહિકો બની છે. પરંતુ દલિત કેન્દ્રી હિંદી ફિલ્મોની પૃષ્ઠભૂમાં પણ આંબેડકરની છબી ન દેખાડવા જેટલી તેમના પ્રત્યેની આભડછેટ બોલીવુડે વરસો સુધી પાળી હતી. હિંદી ફિલ્મોના અભ્યાસીઓના મત મુજબ શાયદ પહેલીવાર ૧૯૮૫માં જે. ઓમ પ્રકાશ દિગ્દર્શિત હિંદી ફિલ્મ ‘આખિર ક્યોં?’ના બ્રેકગ્રાઉન્ડમાં આંબેડકરની તસવીર  દેખાઈ હતી.

દલિત રાજનીતિના જનક બાબાસાહેબ આંબેડકરના ભૌતિક વારસાની ઝૂંટાઝૂંટ હવે કેન્દ્ર અને રાજ્યોની સરકારો દલિત વોટ બેન્કને રાજી રાખવા કરી રહી છે. ૨૦૦૩માં મધ્ય પ્રદેશની કૉન્ગ્રેસી સરકારે  ઈન્દોર જિલ્લાના  આંબેડકર જન્મ સ્થળ મહુ( મિલિટરી હેડ ક્વાર્ટસ ઓફ વોર)નું નામ બદલીને આંબેડકરનગર કર્યું હતું. તો હાલની કેન્દ્રની ભા.જ.પા. સરકારે તેના તાબામાં આવતા મહુના રેલવે સ્ટેશનનું નામ આંબેડકરનગર કરી દીધું છે. રામનામને વરેલી ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના તમામ સરકારી રેકર્ડ અને શાળાના પાઠયપુસ્તકોમાં બાબાસાહેબનું નામ ‘ભીમરાવ રામજી આંબેડકર’ જ લખવાનો આદેશ કર્યો છે. છત્તીસગઢની હાલની કૉન્ગ્રેસ સરકારે અગાઉની બી.જે.પી. સરકારની પંડિત દિનદયાલ સર્વસમાજ માંગલિક ભવન યોજનાના નામમાંથી દિનદયાલનું નામ કાઢીને આંબેડકરનું નામ જોડી દીધું છે.

ગુજરાત સરકારે સમાજ કલ્યાણ ખાતાની સઘળી સરકારી યોજનાઓ સાથે માત્ર બાબાસાહેબનું જ નહીં તેમના આખા કુંટુબના સભ્યોનાં નામો જોડી દીધાં છે. પરંતુ જે આંબેડકરના ત્રિમંત્રમાં પહેલું સ્થાન શિક્ષણનું છે, તેમનું નામ રાજ્યની રાજધાની ગાંધીનગરની એકેય સરકારી શાળા સાથે ન જોડવાની કાળજી લીધી છે. ગુજરાતની બી.જે.પી. સરકારના મહિલા શિક્ષણ મંત્રીએ રાજ્યના પાટનગર ગાંધીનગરની સરકારી શાળાનાં નવા નામકરણ કર્યા ત્યારે પાટનગર સાથે ગાંધીજીનું અને સચિવાલય સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું હોવા છતાં તેમના નામ સરકારી શાળાઓ સાથે જોડ્યા છે. અરે ગાંધીનગરમાં રાણા પ્રતાપના નામની સરકારી શાળા છે પણ આંબેડકરના નામની નથી ! મહિલા શિક્ષણ મંત્રીના અનુગામી દલિત શિક્ષણ મંત્રી પણ તેમાં કોઈ સુધારો કરી શક્યા નહીં. ગુજરાતમાં કામધેનુ યુનિવર્સિટી છે પણ સામાજિક ન્યાય યુનિવર્સિટી નથી !

ગાંધીનગરના જાહેર માર્ગો સાથે ઇન્દિરા ગાંધી અને વિવેકાનંદનું નામ છે (કૉન્ગ્રેસ-ભા.જ.પ.નું સહિયારું !) પણ આંબેડકરના નામનો જાહેર નહીં આંતરિક માર્ગ પણ નથી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે તા. ૨૧-૧૦-૧૯૯૨ના ઠરાવથી સરકારી કચેરીઓ, મકાનો, શાળાઓ કે પોલીસ થાણામાં ક્યા રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવી તેનો હુકમ કરતી યાદી નક્કી કરી હતી. તેમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલનાં નામો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ ત્યારે, ૨૮-૦૬-૧૯૯૬ના ઠરાવથી ત્રણ રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં બી.જે.પી.ની રાજકીય વિચારધારાને અનુરૂપ ભારત માતા, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીનાં નામો ઉમેર્યા હતા. પરંતુ રાષ્ટ્રીય નેતાઓની આ યાદીમાં ડો. આંબેડકરનું નામ ઉમેરવાની દલિતોની માંગણી સરકારે લેખિતમાં નકારી છે. દલિત કર્મશીલ કિરીટ રાઠોડ જોગના સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૧-૦૧-૨૦૨૧ના પત્રમાં જણાવ્યું છે કે, ‘સરકારશ્રી દ્વારા સક્રિય વિચારણાના અંતે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવા અંગેની પ્રવર્તમાન સૂચનાઓ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવેલ હોઈ આપની રજૂઆત (ડો. આંબેડકરને રાષ્ટ્રીય નેતા ગણવા) ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.’

ડો. આંબેડકર એટલે માત્ર પૂતળાં, સ્મારકો, છબીઓ, જય ભીમના નારા અને નવા જમાનાની ભીમ એપ નહીં. પરંતુ આંબેડકર એટલે સમાનતા અને ભાઈચારાની વિચારધારા. આભડછેટનું જ નહીં જ્ઞાતિનું નિર્મૂલન, ભૂમિસુધાર, જાહેર સેવાઓનું રાષ્ટ્રીયકરણ, સાર્વજનિક, મફત,  ગુણવતાયુક્ત શિક્ષણ અને આરોગ્ય, આત્મસન્માન સાથેનું જીવન એ આંબેડકર વિચારના થોડા પ્રાણતત્ત્વો ગણાવી શકાય. પરંતુ રાજકીય પક્ષો જ નહીં બહુમતી દલિતો પણ તેમના આ વૈચારિક વારસાના લેવાલ નથી. બાબાસાહેબના આસાન ભૌતિક વારસાની લૂંટાલૂંટ અને તેમના તેજસ્વી પણ અમલમાં અઘરા વિચારવારસાથી દૂર રહેવાનું વલણ તે ખરું ભીમરુદન છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

મુનશીની વાર્તા મારી કમલા અંગે બે ગૂંચવણ

દીપક મહેતા|Opinion - Literature|5 June 2021

‘વિશ્વવિહાર’ના મે ૨૦૨૧ના અંકમાં આદરણીય યશવંતભાઈ મહેતાના લેખ ‘મુનશીની સામાજિક નવલકથાઓ’ના છેલ્લા પેરેગ્રાફના અનુસંધાનમાં થોડુંક :

માત્ર મધુસૂદન પારેખે જ નહિ, મુનશી વિષે પીએચ.ડી. કરનાર ‘સંશોધકો’એ પણ આ વાત લખી છે. અને લખે તે સ્વાભાવિક છે, કારણ મુનશીએ પોતે ૧૯૪૩માં પ્રગટ થયેલ આત્મકથા ‘સીધાં ચઢાણ’માં આ વાત લખી છે : ‘જ્યારે જ્યારે મને કોઈપણ પ્રકારનો તીવ્ર ઉદ્વેગ થતો ત્યારે તેને અવલંબીને કોઈ કાલ્પનિક પ્રસંગ ઊભો કરી, તેને નોંધ દ્વારા વ્યક્ત કરવાની મને નાનપણથી ટેવ હતી, પણ તે અંગ્રેજીમાં જ. ૧૯૧૨ના જૂન કે જુલાઈમાં મને એવો ઉદ્વેગ થયો, ત્યારે ગુજરાતીમાં એ વ્યક્ત થઈ શકશે કે કેમ તેનો પ્રયોગ કરવા મેં ‘મારી કમલા’ નામક ટૂંકી વાર્તા લખી કાઢી. ચંદ્રશેખરે એનાં વખાણ કર્યાં અને ભાષાશુદ્ધિ કરી ‘સ્ત્રીબોધ’માં છાપવા માટે મોકલી આપી.’

આ લખનારે પણ પહેલાં તો આ વાત સ્વીકારી લીધેલી. પણ પછી થયુંઃ ‘સ્ત્રીબોધ’માં એ વાર્તા છપાઈ ત્યારે કેવી દેખાતી હશે? સાથે કાંઈ ચિત્ર-બિત્ર હશે? એટલે ‘સ્ત્રીબોધ’ની ૧૯૧૨ની ફાઈલનાં પાનાં ઉથલાવવા માંડયાં. (સારે નસીબે ‘સ્ત્રીબોધ’ની ઘણાં વર્ષોની ફાઈલ કમ્યુટરવગી છે.) એક વાર નહીં, બે વાર ઉથલાવ્યાં. પણ તેમાં ક્યાં ય ‘મારી કમલા’ વાર્તા જોવા જ ન મળી! સંવત ૧૯૭૩ની દીવાળીના દિવસે જેની પ્રસ્તાવના લખાઈ હતી તે મુનશીનો વાર્તાસંગ્રહ ‘મ્હારી કમલા અને બીજી વાતો’ (પહેલી આવૃત્તિ) સદ્ભાગ્યે મળી ગયો. એક પાનાની મુનશીની પ્રસ્તાવનામાં લખ્યું છેઃ ‘સને ૧૯૧૧ની સાલથી મ્હેં ટૂંકી વાર્તાઓ લખવા માંડી ત્યારથી અત્યાર સુધી લખાયેલી વાર્તાઓનો આ સંગ્રહ પ્રગટ થાય છે. ત્હેમાંની ‘મ્હારી કમલા’ સુન્દરી સુબોધમાં, ‘એક સાધારણ અનુભવ’ કપોળમાં, ‘કોકિલા’ ગુજરાતીના દિવાળીના અંકમાં, ‘મ્હારો ઉપયોગ’, ‘ગૌમતિ દાદાનું ગૌરવ’, ‘મ્હારા બચાવમાં’ એ સમાલોચકમાં, ‘એક પત્ર’ અને ‘શકુન્તલા અને દુર્વાસા’ ભાર્ગવ ત્રૈમાસિકમાં, ‘નવી આંખે જૂના તમાસા’ વીસમી સદીમાં અને બાકીની ચાર ‘નવજીવન અને સત્ય’માં જુદા જુદા તખલ્લુસ નીચે પ્રકટ થઈ હતી.’ (જોડણી મૂળ પ્રમાણે.) તરત ‘સુન્દરી સુબોધ’ની ૧૯૧૨ની ફાઈલ ઉથલાવવાવું શરૂ કર્યું. (ફરી કમ્પ્યુટરની કૃપાથી.) ‘સુન્દરી સુબોધ’ના જૂન ૧૯૧૨ના અંકના, ૩૫૮મા પાને ‘મ્હારી કમલા’ વાર્તા શરૂ થાય છે. વાર્તા કોઈ તખલ્લુસથી પ્રગટ થઈ નથી. ‘મ્હારી કમલા’ની નીચે કૌંસમાં લખ્યું છેઃ ‘લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મનુશી. બી.એ.એલ.એલ.બી.’ એટલે કે ‘મારી કમલા’ છપાયેલી ‘સ્ત્રીબોધ’ માસિકમાં નહીં, પણ ‘સુન્દરી સુબોધ’ માસિકમાં. અને કોઈ તખલ્લુસથી નહિ, પણ મુનશીના નામે જ.

પણ મુનશીએ ‘સીધાં ચઢાણ’માં ‘મ્હારી કમલા’ના પ્રથમ પ્રકાશન વિષે માત્ર આટલું જ નથી લખ્યું. બીજું પણ લખ્યું છે અને તે વધુ ગૂંચવાડો ઊભો કરે તેવું છે. ‘‘ગુજરાતમાં ત્યારે એક પ્રખર ને ચીવટવાળા સાહિત્યકાર હતા. જે ગુજરાતી સાહિત્યની રગેરગ પિછાણતા. એમણે સાહિત્યસેવામાં જ જીવનનું સાર્થક્ય ગણ્યું હતું. એમણે ‘સ્ત્રીબોધ’માં છપાયેલી ‘ઘનશ્યામ વ્યાસ’ની વાર્તા વાંચીને એ ‘વ્યાસ’નો પીછો પકડ્યો. આ કોઈ નવો લખનાર છે કોણ? જૂનામાંથી કોઈ આવું લખે તેમ નથી. એમણે ‘સ્ત્રીબોધ’માં તપાસ કરાવી ને ચંદ્રશંકરનો પત્તો મેળવ્યો. ચંદ્રશંકરને લઈ એ મારે ત્યાં આવ્યા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા મારી ઓરડીએ! મેં આવકાર આપ્યો. નરસિંહરાવભાઈએ મુક્ત કંઠે ગુજરાત સાહિત્યક્ષેત્રમાં મને આવકાર આપ્યો.’’

મુનશીની આ વાત આમ તો સીધી, સાદી, સાચી લાગે છે. પણ ઝીણવટથી વાંચતાં કેટલીક મુશ્કેલી ઊભી થાય છે. પહેલી વાત એ કે મુનશીની પહેલી વાર્તા ‘મ્હારી કમલા’ ‘ઘનશ્યામ વ્યાસ’ના તખલ્લુસથી પ્રગટ થઈ જ નહોતી. આપણે અગાઉ જોયું તેમ ‘કનૈયાલાલ માણેકલાલ મુનશી, બી.એ. એલ.એલ.બી.’ એવા પોતીકા નામે જ તે ‘સુન્દરી સુબોધ’ના જૂન ૧૯૧૨ના અંકમાં પ્રગટ થઈ હતી. એટલે નરસિંહરાવભાઈએ ‘ઘનશ્યામ વ્યાસ’નો પીછો પકડવાનો સવાલ જ નહોતો. ‘નવો લખનાર’ કનૈયાલાલ માણેકલાલ મુનશી હતો એ સ્પષ્ટ હતું.

નરસિંહરાવ દિવેટિયાએ ૧૮૯૨થી ૧૯૩૫ સુધી ખૂબ જ વિગતવાર ડાયરી લખી છે જે ૧૯૫૩માં પુસ્તકરૂપે પ્રગટ થઈ હતી. સંપાદકો હતા ધનસુખલાલ કૃ. મહેતા અને રામપ્રસાદ પ્રે. બક્ષી. ડાયરી લખવાની નરસિંહરાવભાઈની પદ્ધતિ વિલક્ષણ હતી. પોતાની પાસે નાની ખિસ્સા ડાયરી સતત સાથે રાખતા. જે કાંઈ બને, જુએ, વાંચે, લખે, સાંભળે, તેની ટૂંકી નોંધ તરત લખી લે. પછી તેને આધારે રોજ રાત્રે મોટા ચોપડામાં વિસ્તૃત નોંધો લખે. વાંદરાથી કોઈને મળવા ગયા હોય તો પોતે કેટલા વાગ્યાની લોકલ ટ્રેનમાં બેઠા, કેટલા વાગે ઉતર્યા તે નોંધે. ટ્રેનમાં કોઈ ઓળખીતું મળ્યું હોય કે નવી ઓળખાણ થઈ હોય તો એ પણ નોંધે. પોતે સામે ચાલીને મુનશીને ઘરે ગયા હોય અને તેમની વાર્તાનાં વખાણ કર્યાં હોય તો એ વાત નરસિંહરાવ પોતાની ડાયરીમાં નોંધે જ નોંધે. પણ તેમની ડાયરીમાં આવો કોઈ પ્રસંગ નોંધાયેલો જોવા મળતો નથી. પણ મુનશી સાથેનો પોતાનો પહેલો મેળાપ નરસિંહરાવભાઈએ ડાયરીમાં નોંધ્યો છે જ. પણ તેની વિગતો મુનશીએ કહી તેના કરતાં સાવ જુદી છે. નરસિંહરાવભાઈ નોંધે છેઃ ‘’વાંદરા – તા. ૨૩-૬-૧૨, રવિવાર. આજે (યુનિયનની સભામાં) એક કન્હૈયાલાલ માણેકલાલ મુનશીનું ઓળખાણ ચંદ્રશંકરે કરાવ્યું. એડવોકેટ માટે ટર્મ ભરે છે. ફેબ્રુ.માં પરીક્ષા આપશે – વાત કાઢતે હેમણે જ કહ્યું કે મ્હારા કાકા હરદેવરામ (ભરૂચના) હતા, સબજજ, ત્હેમને ઓળખતા હશો. હરદેવરામ માસ્તર! મ્હોટા ભાઈની વખતનું ઓળખાણ!’’ (જોડણી મૂળ પ્રમાણે.)

૧૯૪૩માં ‘સીધાં ચઢાણ’ પ્રગટ થઈ તે પહેલાં ૧૯૩૭માં નરસિંહરાવભાઈનું અવસાન થયું હતું. નહિતર મુનશીએ જે લખ્યું છે તે અંગે તેમણે ખુલાસો કર્યો જ હોત. તો બીજી બાજુ નરસિંહરાવ જેવાની બાબતમાં આખી વાત મુનશીએ કશા આધાર વગર ઉપજાવી કાઢી હોય એમ માનવાનું પણ મન ન થાય. એટલે આ ગૂંચ ઉકલ્યા વગરની જ રહે છે.

પ્રગટ : “વિશ્વવિહાર”, જૂન 2021 

Loading

...102030...2,0392,0402,0412,042...2,0502,0602,070...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved