“બહેન, ધરતીકંપમાં દીકરી મરી ગઈ હોત તો ય સારું હતું. પણ આ તો ખોવાઈ ગઈ છે એટલે ભૂલી નથી શકાતો એ ગોઝારો દિવસ! વર્ષો વીતી ગયાં તો પણ યાદ આવતાં હજી ય રડી પડાય છે.” મારી સાથે વાત કરતા મંજુબહેનની આંખમાં પાણી ધસી આવ્યાં. ૨૦૦૧માં કચ્છમાં થયેલી કુદરતી હોનારતનો તીવ્ર આંચકો મંજુબહેનના હ્રદયમાં ન પૂરાય તેવી મોટી તિરાડ પાડી ગયો હતો. જે સમયે દેશ-વિદેશથી હજારો લોકો આર્થિક મદદ માટે દાનનો પ્રવાહ મોકલી રહ્યા હતા, તે સમયે ઘટના સ્થળે દોડી જઈને એક નરપિશાચે મદદના બહાના હેઠળ જે દુષ્કૃત્ય આચર્યું હતું તેનો પુરાવો એટલે મંજુબહેનની ખોવાયેલી પુત્રી! એમની કથા-વ્યથાની અમીટ અસર માનવતા પરનો વિશ્વાસ ડગાવી દે છે. કુદરતના કોપથી ઘેરાયેલા ઉદાસીનાં વાદળો વચ્ચે ક્યાંક ક્યાંક ઝબૂકતી વીજ જેવી આશા પણ ડરથી કાંપતી થઈ જાય છે. આ કંપનમાં મને મંજુબહેનનો ચહેરો દેખાય છે. કચ્છના જે કુદરતી ઉપચાર કેન્દ્રમાં મેં મહિનો ગાળ્યો હતો તે સંસ્થામાં મંજુબહેન મસાજ કરવાનું કામ કરતાં હતાં. સાડા પાંચ ફૂટની ઊંચાઈ, એકવડિયા શરીરનો સુરેખ બાંધો, નમણો ચહેરો અને ઘઉંવર્ણી ત્વચા ધરાવતી આ સ્ત્રીની પુત્રી પણ એટલી જ આકર્ષક હશે એમ મંજુબહેનની વાત પરથી લાગતું હતું.
“કેટલી ઉંમર હતી તમારી દીકરીની?” મારા આ પ્રશ્નના જવાબમાં મંજુબહેન કહેવા લાગ્યાં, “તેર વર્ષની મારી શીલા મારા સાસુ ભેગી હોસ્પિટલમાં અમારા એક સગાંની ખબર કાઢવા ગયેલી. મારી તો ના હતી, પણ સાસુ સામે હું કંઈ બોલી શકી નહીં. ધરતીકંપમાં હોસ્પિટલની ઈમારત તૂટી પડી હતી. મારા સાસુ હેમખેમ ઘરે આવ્યાં પણ શીલાનો પત્તો ન લાગ્યો.” મંજુબહેનને મનમાં બે પીડાઓ ભેગી હતી. તે માનતા હતાં કે સાસુ સામે એમનું ચાલ્યું હોત તો એમણે દીકરી ગુમાવવી ન પડત. ધરતીકંપ થશે એવી ખબર તો ક્યાં એના સાસુને પણ હતી. એ દાદીમાની પીડાની પણ ફક્ત કલ્પના જ કરવાની રહી.
“કદાચ એમ બન્યું હોય કે ધરતીકંપની ઊથલપાથલમાં દટાઈ ગઈ હોય.” મારી આ શંકાનો જવાબ આપતાં મંજુબહેનના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. મારી પીઠ ચોળતાં એમના હાથ ધીમા પડી ગયાં. ગળગળા સાદે કહેવા લાગ્યાં, “મદદ માટે આવેલા વાહનોમાંના એકમાં તેને ચડતી એક ઓળખીતાએ જોઈ હતી. એક બીજા ભાઈએ પણ દોડાદોડીમાં તેને જોઈ હતી. બહુ તપાસ કરી પણ કોની ગાડી હતી અને કઈ દિશામાં ગઈ તે ખબર જ ન પડી. આના કરતાં તો મરી ગઈ હોત તો વધારે સારું હતું,” કહીને એમણે સાડલાના છેડાથી આંસુ લૂછ્યાં.
એક તો હોસ્પિટલ ગામને છેડે હતી, વળી ચારેબાજુ તારાજી! કોઈક ઘાયલ તો કોઈક બેભાન. જે હેમખેમ હતા તે રઘવાયા અને ખોવાયેલા હતા, તેમાં ક્યું વાહન કોને અને કેટલાંને લઈ ગયું તેની નોંધ કોણ લે? જેને જે હાથ લાગ્યું તેમાં બેસીને ભાગવાનો પ્રયત્ન સૌ કરતાં હશે તે કલ્પી શકાય છે.
અમારા ગામમાં થતા હુલ્લડો વખતે લૂંટ અને ચોરીના કેટલા ય કિસ્સા મેં સાંભળ્યા હતા, પણ કુદરતી હોનારતને કારણે અચાનક આવી પડેલી આફતની કરુણાજનક સ્થિતિ વચ્ચેથી આ રીતે કોઈ સગીર કન્યાને ઊઠાવી લઈ જઈ શકે એ મારી ધારણા બહારની વાત હતી.
બની શકે કે શીલાને એમ કહેવામાં આવ્યુ હોય કે તેના પરિવારના બધા જ ધરતીકંપને કારણે મૃત્યુ પામ્યા છે. બની શકે કે મદદને નામે તેને ફોસલાવીને …… ગુમનામ કરી દેવામાં આવી હોય. શીલા ક્યાં હશે અને તેના પર શું વીતી હશે? તેની ધ્રૂજાવી નાખતી કલ્પના જગનિયંતા પરનો વિશ્વાસ ડગાવી દે છે.
(સત્ય ઘટના પર આધારિત. આ સત્યઘટનાનાં પાત્રોનાં નામો કલ્પિત છે)
સૌજન્ય : લેખિકાની ફેઇસબૂક દિવાલેથી સાદર