કોરોનાનું ભારણ ઘટતાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાતમાં નિયંત્રણો હળવાં થઈ રહ્યાં છે. ઓનલાઈન શિક્ષણનું નવું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે. આમ તો તબીબી સેવાઓ કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે ચાલુ રહી ને તેને કારણે ઘણી જિંદગીઓ બચાવી શકાઈ. એને માટે તબીબી જગતને આપીએ એટલાં અભિનંદનો ઓછાં છે. આજથી કોર્ટ પણ શરૂ થઈ રહી છે. કોરોના કાળમાં કોર્ટ મહિનાઓ સુધી બંધ રહી, રેલવે અને બીજી આવશ્યક સેવાઓ પણ કેટલોક વખત બંધ રહી, પણ સેંટ્રલ વિસ્ટાનું કામ કોરોના કાળમાં પણ ચાલુ રહ્યું. ત્યાં કામ કરતાં મજૂરોનાં સ્વાસ્થ્ય સંદર્ભે એ બંધ રહેવું જોઈએ એવું લાગતાં આન્યા મલ્હોત્રાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી જેને 31મી મેએ દિલ્હી હાઈકોર્ટે કાઢી નાખી ને અરજદારને એક લાખ રૂપિયાનો દંડ કર્યો. સરકારી સોલિસિટરે સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ બહુ જ મહત્ત્વનો ગણાવ્યો. તે તો ઠીક, પણ એમને અરજદારની નિયત પર શંકા જતાં ઉમેર્યું કે બીજા પ્રોજેક્ટ્સ પર કામ કરતાં મજૂરોની ચિંતા કરવાને બદલે અરજદારે સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટને ટાર્ગેટ કર્યો છે. બચાવ એમ પણ થયો કે સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ પર કોરોનાના તમામ પ્રોટોકોલનું ધ્યાન રખાય છે ને મજૂરોને ત્યાં જ રાખવામા આવે છે જેથી સંક્રમણનો ભય ન રહે.
અરજી નકારાય તેનો વાંધો નથી, પણ દંડ સમજાતો નથી. અરજદારે અરજી કરીને કોઈ ગુનો કર્યો હોય તેમ તેને દંડવાનું ઠીક નથી. કોઈએ અરજી કરવી નહીં ને કરશે તો દંડાશે, એવું તો કોર્ટને અભિપ્રેત ન જ હોય, પણ દંડને ભયે કોઈ પિટિશન કરતાં અચકાય તેવું તો ન થવું જોઈએ. જો કે, પ્રદીપકુમાર યાદવ નામની વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે, જેમાં કોરોના સંક્રમણ ચાલુ છે, એવામાં સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ આવશ્યક સેવાને નામે ચાલુ રાખી શકાય નહીં એવો મુદ્દો કર્યો છે. જો બીજી આવશ્યક સેવાઓ કોરોના કાળમાં બંધ રહી હોય તો સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ પણ રોકવો જોઈએ એ વાત છે. પ્રોજેક્ટ રાષ્ટ્રીય છે અને અગત્યનો છે, એની ના નથી, પણ કોરોનાનું જોર નરમ પડે તેટલો સમય રોકવાની વાત કરવામાં અરજદારનો કોઈ બદ ઇરાદો જણાતો નથી. એવું પણ નથી કે થોડો સમય પ્રોજેકટ રોકવામાં આવે તો કોઈ મહત્ત્વની રાષ્ટ્રીય પ્રવૃત્તિ અટકી પડે. આવા મુદ્દે કોઈ અરજી કરીને ધ્યાન ખેંચે તો તેને દંડી શકાય નહીં. એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી કે તેને દંડવી જ પડે.
આવો જ દંડ જુહી ચાવલાને દિલ્હી હાઈકોર્ટે એમ કહીને કર્યો છે કે તેણે પ્રસિદ્ધિ માટે 5Gની સામે અરજી કરી છે. કોર્ટે અભિનેત્રીની અરજી કાઢી નાખી છે અને કોર્ટનો સમય બગાડવા બદલ 20 લાખનો દંડ કર્યો છે. અરજીનો મુદ્દો એ છે કે ભારતની ટેલિકોમ કંપનીઓ 5Gની ટ્રાયલ માટે કોશિશ કરી રહી છે તો તેની રેડિયેશનની અસરો પશુપંખીને ને મનુષ્યને ન થાય તેટલું જોવાય ને જ્યાં સુધી તે નિર્દોષ છે એવું સિદ્ધ ન થાય ત્યાં સુધી ટેક્નોલોજીને અટકાવવી. દિલ્હી હાઇકોર્ટના એક જજ સાહેબે તો અભિનેત્રીને તેની દલીલના સમર્થનમાં નોટ મૂકવાનું પણ સૂચવ્યું હતું. જુહી ચાવલા રેડિયેશનની અસરો બાબતે 4G મામલે પણ ચિંતિત હતી ને આ અંગે તેણે 2008માં તે વખતના મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન પણ ખેંચ્યું હતું. 4G કરતાં 5Gની અસરો 100 ગણી વધારે છે. બ્રસેલ્સમાં 5Gની ટ્રાયલ રોકવામાં આવી છે. બેલ્જિયમે પણ પૂરતી તપાસ પછી જ આ ટેક્નોલોજીને મંજૂરી આપવાનું ઠરાવ્યું છે. આ ઉપરાંત 4G નું રેડિયેશન શરીરની આરપાર નીકળે છે, જ્યારે 5Gનું રેડિયેશન શરીરમાં શોષાય છે, પરિણામે તે વધુ ઘાતક સિદ્ધ થઈ શકે એમ છે. એમ કહેવાય છે કે તે ડી.એન.એ.ને પણ પ્રભાવિત કરી શકે એમ છે. એક બાબત નક્કી છે કે રેડિયો તરંગની ફિક્વન્સી જેમ જેમ વધતી જાય તેમ તેમ તે માનવ મગજને હાનિ કરે જ છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગને તેનો જવાબ ફાઇલ કરવા જણાવ્યું છે. આટલી વાતો પ્રસિદ્ધિ માટે કે કોર્ટનો સમય બગાડવા કોઈ કરે?
અભિનેત્રીએ તેની અરજીમાં કેટલી વિગતો સમર્થનમાં જણાવી છે તે તો ખબર નથી, પણ કોર્ટને લાગ્યું છે કે અભિનેત્રીએ અરજીમાં તથ્યો કે પુરાવા ટાંકયાં નથી. અરજી કાઢી નાખતાં કોર્ટે એવી ટકોર પણ કરી કે અભિનેત્રીએ કોર્ટમાં આવતાં પહેલાં સરકારમાં રજૂઆત કરવાની જરૂર હતી. કોરોનાને મામલે, બેડ – ઓક્સિજન – ઇન્જેકશન – રસીની અછતની કોર્ટે, સરકારો પર ઓછી પસ્તાળ પાડી છે? ટકોર કરવામાં હાઇકોર્ટ કે સુપ્રીમ, કોઈ બાકાત નથી, છતાં સરકાર માઈબાપ પર તેની કેટલી અસર પડી છે તે કોર્ટ અને પ્રજા બરાબર જાણે છે. મહામારી વખતે સરકાર પૂરતી ગંભીર ન જણાઈ હોય, ત્યાં જુહી ચાવલા સરકારમાં રેડિયેશનની કથા કરવા ગઈ હોત તો શું ઉપજયું હોત તે કહેવાની જરૂર છે? જ્યાં કોર્ટને જ જુહીની વાત સાચી ન લાગી હોય ત્યાં સરકારને એ કેટલી સાચી લાગે તે વિચારવાનું રહે.
કોર્ટે જુહીની અરજી કાઢી નાખી એનો વાંધો નથી, પણ આ અરજી તેણે સસ્તી પ્રસિદ્ધિ માટે કરી હોય એમ માનીને ચાલવામાં અરજીની વિગતો તો નજરઅંદાજ નથી થઈને તે પ્રશ્ન કોઈને મૂંઝવે એમ બને. જુહી ચાવલા ફિલ્મ જગતમાં વર્ષોથી જાણીતી છે. તેને મળવી જોઈતી પ્રસિદ્ધિ કોઈ પણ કોર્ટમાં ગયા વગર મળી જ ગઈ છે. આ અગાઉ એવી કોઈ વાત જુહીને નામે ચડી નથી જે એમ માનવા પ્રેરે કે તેણે પબ્લિસિટી સ્ટન્ટ માટે કરી હોય. જુહી ચાવલાએ કોર્ટની લિન્ક શેર કરીને અને કોર્ટ ફી ન ભરીને ગંભીર ભૂલ કરી છે એ પણ એટલું જ સાચું છે. દોઢ લાખ જેટલી ફી જુહીએ જમા કરાવવાની હતી પણ તે જમા કરાવી ન હતી, આ બાબતે કોર્ટને જુદી દિશામાં વિચારવા પ્રેરી હોય એમ બને. એ સાથે જ પ્રશ્ન એ થાય કે કોર્ટ ફી ભરાઈ નથી તો અરજી આટલી ચર્ચા ખમવા પાત્ર કઈ રીતે હતી? અરજદારની ફી જમા થઈ જ ન હોય તો કોર્ટમાં કાર્યવાહી ચાલવાને કોઈ કારણ બચે છે, ખરું?
એક વાત સ્પષ્ટ છે કે 2G ટેક્નોલોજીના કાળથી રેડિયેશન માનવ શરીરને હાનિ કરે છે એવું વૈજ્ઞાનિકો દ્વારા કહેવાતું રહ્યું છે, છતાં ટેક્નોલોજી અને ધંધાને નામે, ઉદ્યોગપતિઓને સાચવવા, સરકાર આંખ આડા કાન કરતી રહી છે. એવે વખતે કોઈ જનહિતમાં અરજી કરે ને ટેક્નોલોજીના વપરાશ અંગે કોર્ટનું ધ્યાન ખેંચે કે કોરોના કાળમાં સેંટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને જનહિતમાં જ થોડો વખત રોકવા કોઈ અરજી કરે અને એમાં અરજદારનો કોઈ સ્વાર્થ ન હોય ને છતાં, કોર્ટ તેની અરજી કાઢી નાખે તો તે ચુકાદો માથે ચડાવવાનો જ હોય, પણ અરજદારને લાખો રૂપિયાનો દંડ કરે તે સમજાતું નથી. કોર્ટને એમાં પોતાનો સમય બગડતો લાગે ને તે દંડ ફટકારે એ સમજાય, પણ કોઈ પણ અરજદાર કોર્ટને સમય પસાર કરવા કે ગમ્મત કરવા હાથ પર લેતો નથી તે નોધવાનું રહે. આમે ય લોકો કોર્ટકચેરીથી દૂર રહેવામાં જ માને છે ને જેની પતાવટ થઈ શકે એને માટે કોઈ કોર્ટમાં જવાનું ભાગ્યે જ પસંદ કરે છે.
એ સાચું કે લાખો કેસો કોર્ટમાં પેન્ડિંગ પડ્યા હોય ત્યાં કોર્ટને પોતાનો સમય બગડતો લાગે એ સમજી શકાય, પણ અરજદાર ન્યાય માટે કોર્ટ તરફ નહીં, તો બીજે ક્યાં નજર દોડાવે? એને પોતાનો ને કોર્ટનો સમય બગડે એમાં જરા પણ રસ નથી. આવામાં કેટલાંક જનહિતમાં અરજી કરે છે, ઘણા તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને આમાં જોતરાય છે, એમાં કોઈ મિસ્ચિવિયસ તત્ત્વ આવી પણ જતું હશે, એ ભલે દંડાય, પણ મોટા ભાગના એવા છે જે ખરેખર જનહિતમાં અરજીઓ કરે છે, કમ સે કમ એ લોકો ન દંડાય એટલું જોવાવું જોઈએ.
વારુ, અરજદાર વ્યક્તિ થોડી વિગતો કે તથ્યોને આધારે વકીલ મારફત અરજી કરતો હોય છે. એ પોતે વકીલ નથી. જો વકીલ થોડી સચ્ચાઈથી વર્તે તો અરજદારને કહી શકે કે કયા કિસ્સામાં આગળ વધવા જેવું છે? જો અરજી કોર્ટમાં ટકે એમ જ ન હોય તો વકીલ અરજદારને આગળ ન જવા સમજાવી શકે. આમ થાય તો કોર્ટનો સમય બચે અને અરજદાર પણ દંડથી બચે.
જો કે, અહીં લીધેલ બંને અરજીઓને કાઢી નાખવાના કોર્ટના અબાધિત અધિકારને માથે ચડાવ્યા પછી પણ, એટલું ઉમેરવાનું રહે છે કે અરજદારને દંડમાંથી મુક્તિ મળે એટલું જોવાય. તે એટલે કે બંને અરજીઓ કોર્ટનો સમય બગાડવા થયાનું લાગતું નથી. આમ જો અરજદાર દંડિત જ થતો રહેવાનો હોય તો ભવિષ્યમાં કોઈ જનહિતની અરજી કરવા તૈયાર નહીં થાય. કોર્ટ એમ ઈચ્છે છે કે લોકો હવે ન્યાયની આશા ન રાખે? એમ હોય તો વાત જુદી છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જૂન 2021