Opinion Magazine
Number of visits: 10,226,256
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવાદ

કવયિત્રી : તસલીમા નસરીન • લિપ્યંતર/ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|29 May 2021

“જા, છોકરી,”
એ બોલ્યા, “મન પર ના લઈશ”,
કહે, “નીચે ઊતર”,
કહે, “બોલવાનું બંધ કર”,
એ બોલ્યા, “મોં બંધ રાખ”,
કહે, “માથું નમાવ”,
કહે, “રડ્યા કર,
આંસુ વહેવા દે”,
કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?
તારે ખડા થવું જોઈએ
બિલકુલ ટટ્ટાર
પીઠ સીધી રાખી
માથું ઊંચું રાખી
તારે બોલવું જોઈએ
તારી મરજી વ્યક્ત કરવી જોઈએ
મોટા અવાજે
બૂમ પાડીને
એટલી જોરથી બૂમ પાડીને
કે એ લોકો આડ શોધે
એ લોકો કહેશે, “તું બેશરમ છે”,
એ શબ્દોને હસી કાઢજે
તો કહેશે, “તું ચરિત્રહીન છે”,
એ સાંભળીને ઓર જોરથી હસજે
તારું હાસ્ય સાંભળી એ ઘાંટો પાડશે,
“તું વેશ્યા છે”.
એ સાંભળી તારે કેડે હાથ દઈ
મક્કમ ઊભા રહી કહેજે,
“હા, હું વેશ્યા છું”.
એ લોકો સ્તબ્ધ થઈ જશે,
તાકી રહેશે અવિશ્વાસમાં
તારા મોઢે વધુ, ઘણું બધું
સાંભળવાની તાકમાં.
એમનામાંના પુરુષો લાલ થઈ પરસેવે રેબઝેબ થશે,
એમનામાંની સ્ત્રીઓ તારા જેવી વેશ્યા બનવા ઝંખશે.

~

“You go, girl”,
They said, “Take it easy”,
Said “Come down”,
Said, “Stop talking”,
Said, “Shut up”,
They said, “Sit down”,
Said, “Bow your head”,
Said, “Keep on crying,
Let the tears roll”,
What should you do in response?
You should stand up now
Stand right up
Hold your back straight
Hold your head high
You should speak
Speak your mind
Speak it loudly
Scream
You must scream so loud
That they must run for cover.
They will say, “You are shameless”,
When you hear that just laugh.
They will say, “You have a loose character”,
When you hear that,
Just laugh louder.
They will say, “You are rotten”,
So just laugh, laugh louder.
Hearing you laugh they will shout
“You are a whore”,
When they say that,
Just put your hands on your hips
Stand firm and say, “Yes,
Yes, I am a whore”.
They will be shocked,
They will stare in disbelief,
They will wait for you to say more, much more.
The men amongst them will turn red and sweat,
The women amongst them will dream to be a whore like you.

સ્રોત: KLF International Poetry Festival 2021 (https://www.youtube.com/user/DCBooksonline)

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2021

૨૦૦૭ની રાષ્ટ્રીય કૃષિનીતિ ભલે ‘જેની રોજી ખેતી પર નિર્ભર હોય’ તેને અર્થાત્‌ સ્ત્રી-પુરુષ સૌને ખેડૂત ગણે, ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં પુંલ્લિંગ શબ્દ ખેડૂતનો અર્થ, ‘ખેડવાનો ધંધો કરનાર કે તે વર્ગનો આદમી’ જણાવ્યો છે ! ‘ગૂગલ’ તો એથી આગળ વધીને ‘જે ખેતરનો માલિક કે પ્રબંધક છે’ તેને જ ખેડૂત ગણે છે. જેમ મોટા, મધ્યમ અને સીમાંત ખેડૂત, જમીનમાલિક અને જમીનવિહોણા ખેડૂત એવા વર્ગ છે, તેમ પુરુષ ખેડૂત અને મહિલા ખેડૂત એવા પણ બે વર્ગ ભારતીય કૃષિક્ષેત્રે પ્રવર્તે છે. ત્રણ કૃષિકાયદા વિરુદ્ધના વર્તમાન કિસાન-આંદોલનમાં મહિલા-કિસાનો બરાબરની ભાગીદાર છે, પણ સમાજમાં મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ઇતિહાસ ગવાહ છે કે ખેતીની શરૂઆત સ્ત્રીઓએ કરી હતી. જ્યારે મનુષ્યની આદિમ અવસ્થામાં પુરુષો શિકારની શોધમાં જતા હતા, ત્યારે સ્ત્રીઓએ જ સૌ પ્રથમ બી એકઠાં કરી તેને ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો. શ્રમબળ સર્વેક્ષણ ૨૦૧૮-૧૯માં જણાવ્યા પ્રમાણે ભારતનાં ગામડાંઓમાં ૭૧.૧ ટકા સ્ત્રીઓ અને ૫૩.૨ ટકા પુરુષો ખેતીનાં કામો કરે છે. યુવાન જ નહીં, તમામ ઉમરની મહિલાઓ ખેતીનાં કામોમાં જોતરાયેલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫થી ૯ વરસની ૧.૨૦ લાખ બાળકીઓ અને ૮૦ વરસથી વધુ ઉમરની ૧.૨૧ લાખ વૃદ્ધાઓ ખેતીનું કામ કરે છે. 

દેશમાં ખેડથી ખળા અને બીથી બજાર સુધીનાં ૭૫થી ૮૦ ટકા ખેતીનાં કામો મહિલાઓ કરે છે પરંતુ તે ખેડૂત નહીં. ખેતીકામની સહાયક કે કામદાર ગણાય છે. એટલું જ નહીં, આપણાં ખેતઓજારો મહિલાઓના પહેરવેશને અનુકૂળ આવે અને તેને કામ કરવામાં સરળતા રહે એવાં નથી. પુરુષોના ભાગે આવતા ખેડવા, લણવાનાં કામોમાં યંત્રોની શોધ થઈ છે અને ઉપયોગ વધ્યો છે, પણ મહિલાઓનાં નીંદામણ-ગોડામણનાં કૃષિકામોમાં કોઈ યંત્રો શોધાયાં નથી એટલે તેની શારીરિક મહેનત યથાવત્‌ રહી છે.

વધુ શારીરિક શ્રમનાં ખેતીકામો પણ મહિલાઓને જ કરવાં પડે છે. ઘૂંટણસમા પાણીમાં અદૂકડા વળીને ડાંગરનાં ધરુ રોપવાનું અને બી સિવાયની ધાનની રોપણીનું કામ મહિલાઓના માથે મરાયું છે. પરંતુ ન તો તેને ખેતીકામનું વળતર મળે છે કે ન તો શ્રેય. ગૃહસ્થી અને ખેતી બંને મહિલા સંભાળે છે ‘શ્રમશક્તિ’ રિપોર્ટમાં ઉલ્લેખાયા મુજબ આ બંનેનો બોજ સહે છે. ૧૮ ટકા ખેતી ધરાવતાં કુટુંબોનું નેતૃત્વ મહિલાઓ પાસે હોવાનું ‘નૅશનલ સેમ્પલ ઑર્ગેનાઇઝેશન’નો સર્વે જણાવે છે, તો ખેતીની આવક પર ૮ ટકા મહિલાઓને જ હક હોવાનું સાવ સામા છેડાનું તારણ ‘ઑક્સફામ ઇન્ડિયા’ના ‘સન ઓફ ધ સૉઇલ’ સર્વેનું છે. ટૂંકમાં, ખેતીને લગતા નિર્ણયોમાં મહિલાનો કોઈ અવાજ નથી, આવકમાં ભાગ નથી અને જમીનની માલિકી નથી. તેના લમણે તો વૈતરું જ લખાયેલું છે.

નૅશનલ પૉલિસી ફોર ફાર્મર્સ – ૨૦૦૭માં જેન્ડર સંતુલન સાથે ખેડૂતની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવી છે. પરંતુ પિતૃસત્તાક સમાજવ્યવસ્થા મહિલાને ખેડૂત માનવાનો જ ઇન્કાર કરે છે. ધર્મ, જાતિ, પરંપરા, સંસ્કૃતિ, સામાજિક પૂર્વગ્રહો, એકાધિકાર જેવાં કારણો મહિલાઓને જમીન-માલિકીના અધિકારથી વંચિત રાખે છે. સમગ્ર દેશની ૯.૪ કરોડ હેક્ટર ખેતજમીનમાંથી મહિલાઓ પાસે ૧.૫૮ કરોડ હેક્ટર જમીન જ છે. ૩૦.૯૯ લાખ મહિલાઓ ૨ હેક્ટરથી ઓછી અને માત્ર ૬૬ હજાર ૨૦ હેક્ટરથી વધુ ખેતજમીનોની માલિકણ છે. દલિત મહિલા-કિસાનો સરેરાશ ૦.૬૮ હેક્ટર અને આદિવાસી મહિલા-કિસાનો સરેરાશ ૧.૨૩ હેક્ટર જમીનની માલિકી ધરાવે છે.  

ભારતમાં કૃષિસંલગ્ન મહિલા શ્રમિકોની સંખ્યા ૭૩.૨ ટકા છે પણ જમીનમાલિકી માંડ બાર-તેર ટકા પાસે જ છે. દર પાંચ વરસે થતી કૃષિ જનગણના મુજબ ૨૦૦૫-૬માં ૧૧ ટકા (૧.૫૧ કરોડ), ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા (૧.૭૬ કરોડ) અને ૨૦૧૫-૧૬માં ૧૩.૮૭ ટકા (૨.૦૨ કરોડ) મહિલાઓ જ જમીનની માલિકી ધરાવે છે. મહિલાઓની જમીનમાલિકીમાં દેખાતો આ વધારો છેતરામણો છે. મહિલા હસ્તકની તમામ જમીનો ખેતીયોગ્ય નથી. જેમ કે ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા માલિકીની જમીન પૈકી ૧૦.૩૯ ટકા જ ખેતી યોગ્ય હતી. જ્યાં જમીનની માલિકી છે, ત્યાં મહિલાઓ પાસે તેનો ભોગવટો કે વાસ્તવિક નિયંત્રણ નથી તેમ પણ જોવા મળે છે. ૨૦૨૦નો સર્વે દેશનાં અગિયાર રાજ્યોમાં સ્ત્રીઓની જમીનમાલિકી ઘટ્યાનું જણાવે છે.

મહિલાઓને જમીનનો અધિકાર મળે તેવી કાયદાકીય જોગવાઈઓનો પણ અમલ થતો નથી. હિંદુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬ તથા ૨૦૦૫માં થયેલા સુધારા છતાં, ૨૦૧૮માં આત્મહત્યા કરનારા ૨૯ ટકા ખેડૂતોની વિધવાઓ, પતિની જમીન પોતાના નામે કરાવી શકી નથી. કાયદાનુસાર ૩૦ દિવસમાં સંમતિ હસ્તાંતરણ કરી દેવું પડે છે. પતિના મૃત્યુ પછી સ્ત્રીને સામાજિક બંધનોને કારણે લાંબો સમય ઘરમાં ભરાઈ રહેવું પડે છે, તેથી પણ માલિકીના ફેરબદલામાં અડચણ ઊભી થાય છે. એક મોજણીનું તારણ દર્શાવે છે કે ૮૩ ટકા કૃષિજમીનનો વારસો પુરુષોને મળ્યો છે. જમીનની માલિકી સ્ત્રીઓને આત્મનિર્ભર અને પગભર બનાવે છે. તે પિતા, પતિ, પુત્ર કે અન્ય પર આધારિત રહેતી નથી, તેને સામાજિક-આર્થિક સુરક્ષા મળે છે. એટલે જે કુટુંબ અને સમાજ મહિલાઓને તેમની દયા પર જીવતી જોવા માંગે છે, તે તેમના અધિકાર આડે દીવાલ ખડી કરે છે.

જમીનવિહોણા ખેડૂતો એવા મહિલા કિસાન-શ્રમિકો કે ખેતકામદારોની ઉપેક્ષા અને શોષણ જગજાહેર છે. ખેતી સાથે સંકળાયેલી મહિલાઓમાં આશરે ચાર કરોડ ખેતકામદાર પરિવારની મહિલાઓ છે. ૮૧ ટકા કૃષિ મહિલા શ્રમિકો દલિત-આદિવાસી છે ખેતનાં કામોમાં કુશળ હોવા છતાં આ કામ કરતી પોણા ભાગની મહિલાઓ નામ માત્રનું જ અક્ષરરજ્ઞાન ધરાવે છે. ૨૦૦૧માં ૫૪.૨૮ ટકા ખેડૂત મહિલાઓ હતાં તે ઘટીને ૨૦૧૧માં ૩૬.૯ ટકા થઇ. જ્યારે ૨૦૦૧માં મહિલા ખેતકામદારો ૪૫.૮થી વધીને ૨૦૧૧માં ૬૩.૧ ટકા થયાં. મહિલા કિસાનો ઘટે અને મહિલા ખેતમજૂરો વધે તેવી પરિસ્થિતિમાં મહિલા ખેતમજૂરોને સમાન કામનું સમાન વેતન મળતું નથી. તેમને પુરુષો કરતાં વધુ મહેનત-મજૂરીના કામની પણ ઓછી રોજી મળે છે. જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બને એટલા ઓછા દરે તે કામ કરવા મજબૂર છે. શાયદ એટલે જ તે આત્મહત્યાના અંતિમ માર્ગે પણ જાય છે. રાષ્ટ્રીય અપરાધ-નોંધણી એકમના ૨૦૧૯ના આંકડામાં ૫૭૫ મહિલા ખેતકામદારો અને ૩,૪૬૭ દહાડિયા મહિલા-મજૂરોએ આત્મહત્યા કર્યાનું નોંધાયું છે.

ખેડૂતોના સવાલોની ચર્ચામાં સ્વામિનાથન સમિતિના અહેવાલનો બિનચૂક સંદર્ભ આપવામાં આવે છે. પરંતુ કૃષિવૈજ્ઞાનિક એમ.એસ. સ્વામિનાથને રાજ્ય સભાના નિયુક્ત સભ્યના નાતે મહિલા ખેડૂતો માટે રજૂ કરેલ પ્રાઇવેટ મેમ્બરબિલને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. મહિલા ખેડૂતોના હક અને સરકારની જવાબદારી નક્કી કરતા ‘વિમેન ફાર્મર્સ એન્ટાઇટેલમેન્ટ બિલ, ૨૦૧૧’માં મહિલા કિસાનની ઓળખ અને પરિભાષા સ્પષ્ટ કરવામાં આવી હતી. ગ્રામસભાની મંજૂરીથી મહિલાને તે ખેતી સાથે સંલગ્ન હોવાનું ગ્રામ – પંચાયત પ્રમાણપત્ર આપે તેવી જોગવાઈ ધરાવતું આ બિલ ૨૦૧૨માં રાજકીય ઇચ્છાશક્તિના અભાવે પસાર થઈ શક્યું નહોતું. એટલે હજુ પણ તે મહિલા કિસાનોની માંગ તરીકે ઊભું છે. ગામડાંઓમાં પુરુષ ખેડૂતો ખેતી છોડી શહેરો તરફ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને ગામડાંની ખેતીની જવાબદારી મહિલાઓના શિરે આવી છે, તે બાબત ધ્યાનમાં રાખીને પણ વાસ્તવમાં ખેતી સંભાળતી મહિલાઓને તેમનો જમીનમાલિકીનો વાજબી હક આપવો ઘટે.

હાલના ખેડૂત-આંદોલનમાં મહિલાઓની સમાન અને સશક્ત ભાગીદારી પછી મહિલા કિસાનોની ઉપેક્ષા અને ભૂમિ-શ્રમિક સંબંધોનો મુદ્દો આત્મમંથન કરનારો બનવો જોઈએ. ’રાષ્ટ્રીય મહિલા કિસાનદિન’ની ઉજવણી કે સરકારી ‘મહિલા કિસાન સશક્તિકરણ યોજના’થી મહિલા કિસાનોનું દળદર ફિટવાનું નથી. “સો મૈં સત્તર કામ હમારે, લિખો બહી મૈં નામ હમારેં” એ કિસાનની ઓળખ માંગતો મહિલાકિસાન-આંદોલનનો નારો મહિલા-આંદોલકો પૂરતો મર્યાદિત ન બની રહેતાં તે કિસાન-આંદોલનનો પણ એજન્ડા બનવો જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 04-05

Loading

શું રસીકરણ તંદુરસ્તીની સાચી દિશા છે?

જાગૃત ગાડીત|Opinion - Opinion|29 May 2021

રસીકરણ જ માત્ર એવો મુદ્દો છે જ્યાં સરકાર અને વિપક્ષ, આસ્તિક અને નાસ્તિક, ઇઝરાયેલ અને હમાસ, અમલદાર કે કર્મશીલ, મીડિયા કે વિદ્વાનો, સંશોધકો ને વેપારીઓ બધા એક સૂરમાં વાત કરે છે. બસ, એક વાર રસીકરણ થઈ જાય! પછી આપણા કાયમના દાવપેચ (business as usual) ચાલુ! આ ઉતાવળ કેમ? Business as usual ઘણી હકીકતો, સત્ય અને પ્રશ્નો ઢાંકેલા રાખે છે, જે આ મહામારીમાં ખુલ્લાં થયાં છે. રૂમમાં ઊભેલો હાથી એ છે કે રસીકરણને રામબાણ ઇલાજ (panacea) ગણવો એ અંધશ્રદ્ધા તો નથીને? રસીકરણ સામેના વાંધા આડઅસરો (unintednded) વિશે નહીં પણ મુખ્ય (intended) અસર અને તેના લાંબા ગાળાનાં પરિણામો વિશે છે.

વિકસિત દેશોના સંશોધકોને એક કોયડો સતાવે છે. તેઓ સગવડો/સંસાધનો, સ્વચ્છતા/હાઇજીન, પ્રદૂષણનો અભાવ, આહાર/પોષણ વગેરે દરેક રીતે આગળ હોવા છતાં તેમનો કોવિડ મૃત્યુદર (પ્રતિ દસ લાખ વસ્તી) ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા વિકાસશીલ દેશ કરતાં ઘણો અને સબસહારન આફ્રિકા કરતાં ઘણો-ઘણો વધારે કેમ? વિવિધ પેરામીટર બદલીને ઘણાં કમ્પ્યૂટરમૉડલ દોડાવે છે, પણ વૈજ્ઞાનિક રીતે સુસંગત, તર્કબદ્ધ અને માની શકાય એવો (plausible) ઉત્તર મળતો નથી.

મેડિકલ વિજ્ઞાન પૅથૉલૉજિકલ પ્રક્રિયાઓ અને એ પ્રમાણે રોગોને વ્યાપક રીતે બે ભાગમાં વહેંચે છે – એક્યુટ અને ક્રોનિક. એક્યુટ રોગ થોડા સમય માટે હુમલો કરી પસાર થઈ જાય, જ્યારે ક્રોનિક રોગ એક વાર લાગુ પડ્યા પછી ચોંટેલા રહે છે અને તેમની તીવ્રતામાં ઉત્તરોત્તર વધારો પણ થઈ શકે. ટાઇફૉઇડ, મૅલેરિયા, ચિકનગુનિયા, ડૅન્ગ્યુ કે કોવિડ જેવા જાણીતા ચેપ એક્યુટ રોગ છે, જ્યારે ડાયાબિટિસ, કૅન્સર કે સંધિવા વગેરે ક્રોનિક. ઝાડા, ઊલટી, શરદી, ઉધરસ, તાવ વગેરે ક્રોનિક રોગનાં લક્ષણો હોઈ શકે, પણ સામાન્ય રીતે તે એક્યુટ સ્વરૂપે જ હોય છે. એક્યુટ કે ક્રોનિક બધી પ્રક્રિયાઓ ઇમ્યુન સિસ્ટીમની બચાવપ્રવૃત્તિ જ છે.

ઇમ્યુન સિસ્ટમ શરીરની એક્યુટ અને ક્રૉનિક પ્રક્રિયાઓનું એક સાથે સંતુલિત અને માપસર (optimal) નિયમન કરે છે. સિદ્ધાંત એ છે કે જેમજેમ શરીરમાં એક્યુટ-પ્રવૃત્તિઓ દબાતી કે ગાયબ થતી જાય છે, એમએમ ક્રોનિકપ્રવૃત્તિ વધતી જાય છે. એક્યુટ-ક્રોનિક એક્સિસ પરની આ યાત્રા ઇમ્યુન સિસ્ટમની ગતિશીલ તાસીર છે, અને અમુક અંશે વધતી ઉંમર સાથે કુદરતી રીતે પણ થાય છે. દવાઓ દ્વારા વખતોવખત એક્યુટ-પ્રક્રિયાઓ પર થતું આક્રમણ આ રૂપાંતરને ઝડપી બનાવે છે. આ અતિ મહત્ત્વનો સિદ્ધાંત, જે અનુભવ અને અવલોકનની દૃષ્ટિએ સો ટકા સાચો નીકળે છે, તેનો  સ્થાપિત મેડિકલ વિજ્ઞાનમાં ઉલ્લેખ થતો નથી.

રસી જે-તે ચેપના જીવાણુ માટે આપણા ઇમ્યુન રિસ્પોન્સને સલામત અને નિયંત્રિત માત્રામાં ઉત્તેજિત કરે છે, જે શરીરમાં એ ચેપ સામે લડવા જરૂરી ઍન્ટિબોડીઝ પેદા કરે છે. હવે જ્યારે ખરેખરો ચેપ લાગે ત્યારે, હાજર ઍન્ટિબોડીઝને કારણે રોગ (લક્ષણો) પેદા થતો નથી, ક્યાં તો હળવા સ્વરૂપે જ થાય છે. જીવનું જોખમ કે હૉસ્પિટલમાં દાખલ થવાની શક્યતાઓ ઘટી જાય છે. રસી ચેપ લાગતાં કે તેનું પ્રસારણ થતાં અટકાવતી નથી. કોઈ રસી-ઉત્પાદક એવો દાવો કરતા પણ નથી.

રસી-ઉત્પાદક ત્રણ અભ્યાસનાં પરિણામો જણાવવા બાધ્ય હોય છે. Safety (આડઅસરો અને તેમની ગંભીરતા), Immunogenicity (રસી ખરેખર ઈમ્યુન સિસ્ટમને ઉત્તેજિત કરી ઍન્ટિબોડીઝ પેદા કરે છે) અને efficacy (રસી મૂક્યા પછી કેટલા ટકા લોકોમાં રોગની તીવ્રતા ઘટી). ત્રણેય ટૂંકા ગાળાના અભ્યાસ છે.

રસીકરણનું જોખમ ક્યાંથી આવે છે? ઉપર જોયેલા સિદ્ધાંત મુજબ જ્યારે એક્યુટ પ્રક્રિયા ગાયબ થાય તેટલા પ્રમાણમાં ક્રોનિક અવસ્થા બગડતી જાય. રસીકરણ એક્યુટ પ્રક્રિયાને થતાં પહેલાં જ (efficacy) દબાવે/ગાયબ કરે છે માટે તેટલા પ્રમાણમાં શરીરની ક્રોનિક સ્થિતિને નબળી કરે છે. ક્રોનિક સ્થિતિ જેનેટિક કોડમાં અંકિત થતી હોવાથી જો બાળકો પેદા થવાનાં બાકી હોય, તો આવનારી બધી પેઢીઓનું ક્રોનિક સ્વાસ્થ્ય જોખમાવે છે. પેઢી દર પેઢી બાળકો અને યુવાનોનું રસીકરણ આવા નુકસાનનો સરવાળો કરતું જાય છે. વધુ ને વધુ રસીકરણ વ્યક્તિને અને લાંબા ગાળે સમાજને ગંભીર અને ઊંડા ક્રોનિક રોગો તરફ ધકેલે છે.

ક્રોનિક સ્વાસ્થ્ય બગડવું એટલે શું? શરીરનું ક્રોનિક સ્ટેટસ અમુક અંશે ઇન્ફ્લેમેટરી માર્કર્સ પરથી જાણી શકાય છે. એની સંપૂર્ણ સમજ ઘણી દૂર છે. પણ એ બગડવાનાં પરિણામ ખતરનાક છે. કૅન્સર કે આલ્ઝાઈમર જેવા રોગોને નોતરુ છે. કોવિડ એક્યુટ રોગ છે, પણ મોટા ભાગનાં મૃત્યુ માટે કારણભૂત ગણાતી comorbidities બધી જ ક્રોનિક પ્રક્રિયાઓ છે. માટે જ વિકસિત દેશોમાં કોવિડ મૃત્યુદર સબસહારન આફ્રિકા કરતાં ઘણો ઘણો વધુ છે. કોવિડમાં પાંચ-સાત દિવસ પછી ક્યારેક રોગ જે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને cytokine storm, ARDS (Acute Respiratory distress syndrome) કે cytokine storm, ARDS (Acute Respiratory distress syndrome) જેવી જીવલેણ cytokine storm, ARDS (Acute Respiratory distress syndrome) પરિસ્થિતિઓ સર્જાય છે, તે ક્રોનિકનો એક્યુટ ભડકો (Acute exacerbation of chronic) જ છે. આ સ્થિતિ માટે સ્ટીરોઇડ થૅરપી, અને પછી આપણે ત્યાં મ્યુકરમાયકોસિસ! મજબૂત ક્રોનિક સ્ટેટસવાળાને આમાંથી કશું જ થયું નથી.

શું રસી બનાવનાર કે એ વિશે સંશોધન કરનાર કોઈને તેની લાંબા ગાળે વ્યક્તિના ક્રોનિક સ્ટેટસ પર શું અસર થશે એ ખબર છે? એ જાણવાની કોઈ રીત એમની પાસે છે? કોઈ નકારાત્મક અસર નહીં જ થાય એની ખાતરી આપી શકે છે? ઈમાનદાર સંશોધક આ સવાલોના જવાબ સ્પષ્ટ નકારમાં જ આપે છે. રસીકરણથી ક્રોનિક સ્થિતિનો બગાડ લાંબા ગાળે થતો હોવાથી ચોક્કસ કાર્યકારણસંબંધ સ્થાપિત કરી શકાતો નથી. પુરાવા સાંયોગિક પણ નકારી ન શકાય એવા છે. વિકસિત દેશોમાં છેલ્લા થોડા દાયકાઓમાં મોટા ભાગના એક્યુટ ચેપીરોગો ગાયબ થયા/કર્યા છે અને સામે સંસાધનો, પ્રદૂષણ, પોષણ વગેરે બધું સાનુકૂળ હોવા છતાં ક્રોનિક રોગોનો પ્રચંડ ફેલાવો છે.

રસીકરણ ભયપ્રેરિત મંદબુદ્ધિ પ્રવૃત્તિ છે. કોઇ પણ ચેપી રોગની (દા.ત. કોવિડ) સારવારમાં દરદીઓ વચ્ચે ઘણું વૈવિધ્ય હોય છે. સાચો ક્લિનીશિયન દરદીનાં લક્ષણો પ્રમાણે જો અને જેટલી જરૂરી હોય તેટલી જ દવા આપશે. મોટા ભાગનાને તો દવાની જરૂર જ નહીં પડે. આની સામે રસીકરણની one size fits all પ્રવૃત્તિ કેવી રીતે સ્માર્ટ ગણી શકાય? મોટા ભાગના ડોકટરો રસીકરણનું સમર્થન કરે છે એ સૌથી મોટું અચરજ છે.

આપણી ઇમ્યુનિટી લાખો કરોડો વર્ષોની ઉત્ક્રાંતિથી કેળવાયેલી અને ઊંડે સ્થપાયેલી બુદ્ધિ (Embedded Intelligence) છે જે બહારથી આવતાં વ્યવધાનો સામે/સાથે અનુકૂલન (adaptation) સાધવાની અને માપસરનો (optimum) પ્રતિભાવ પેદા કરવાની જબરદસ્ત ક્ષમતા ધરાવે છે. એ સતત શીખતી (learning) પ્રણાલી છે. અનુભવથી જાતે શીખવાની (unsupervised learning) ક્ષમતા આપણી ઇમ્યુનિટીની ચાવીરૂપ શક્તિ છે, જે ઉત્ક્રાન્તિના ક્રમમાં કેળવાતી/કેળવાઈ રહી છે. લાખો યોનિઓમાંથી પસાર થયા પછી મનુષ્યજન્મ મળે છે! બડે ભાગ માનુષ તન પાયા …

Artificial Intelligence and Machine Learning (AIML)માં deep learningનો ખ્યાલ ખાસ મહત્ત્વનો ગણાય છે. જે પ્રણાલી આપણે માનવસર્જિત કૃત્રિમ વસ્તુઓની બુદ્ધિ વધારવા માટે ખૂબ ઉપયોગી માનીએ છીએ, તે જ ખ્યાલ જ્યારે આપણી કુદરતી ઇમ્યુન સિસ્ટમમાં કામ કરે, ત્યારે તેનું મહત્ત્વ કેમ સમજતા/સ્વીકારતા નથી? સભાનબુદ્ધિ કરતાં ધરબાયેલી ઊંડી બુદ્ધિ ઘણી વ્યાપક છે, જેનો ઘણો મોટો ભાગ અસભાન રીતે પોતાનું કામ ખૂબ ચોકસાઈથી કર્યા કરે છે. હૃદયના નિયમિત ધબકાર માટે જે વિદ્યુતસિગ્નલ દોડાવવા પડે તે માટે આપણે કોઈ આયોજન કરવું પડતું નથી. અરે, વિચાર કરવા કે ઊંઘવા માટે પણ વિદ્યુતપ્રવાહ દોડે છે … આ પ્રણાલીને ઈશ્વરનિર્મિત કહો કે ઉત્ક્રાંતિનો પ્રસાદ!

ઉપનિષદનો પંચકોશ સિદ્ધાંત ઊંડી બુદ્ધિને સમજવા ઉપયોગી છે. અન્નમય કોશ ભૌતિક શરીર છે, પ્રાણમય કોશ શ્વાસોચ્છ્વાસ અને અન્ય ગતિઓ સાથે સબંધિત છે, મનોમય કોશ મનોવૈજ્ઞાનિક દેહ છે, વિજ્ઞાનમય કોશ બુદ્ધિ, ચિત્ત કે ચૈતન્યનું સ્તર છે, અને અંતિમ આનંદમયકોશ નિર્વિકલ્પ સમાધિ કે ઊંડી અસ્વપ્ન ઊંઘ જેવી અવસ્થા છે. આપણી ઇમ્યુનિટીની ઊંડી બુદ્ધિ વિજ્ઞાનમય કોશના સ્તરે પ્રવર્તે છે, જ્યાં સમસ્ત જીવસૃષ્ટિનાં લાખો કરોડો વર્ષોની ઉત્ક્રાંતિના અનુભવો અને અનુકૂલનનો નિચોડ જેનેટિક કોડમાં સતત પોતાને એડિટ કરતા સિદ્ધાંત તરીકે જીવંત છે.

ઇમ્યુનિટીની બુદ્ધિ શરીર જે રીતે નવા વાઇરસ સાથે કામ પાડે છે, તેમાં જોઈ શકાય છે. વાઇરસ અને શરીર એકબીજાં સાથે લડતા નથી, અનુકૂલન સાધે છે. વાઇરસ સતત બદલાતો રહે છે. શરીર આપણી જેમ દરેક સ્વરૂપનું અલગ નામકરણ કે જીન સિક્વન્સિંગ કરતું નથી. એ ફક્ત આગળ મળી ચૂકેલા વાઇરસ અને નવા મહેમાનમાં શું ફરક છે, એટલી જ માહિતી તારવી, અગાઉના વાઇરસ માટે શીખેલી પ્રતિક્રિયાઓમાં જો અને જેટલો જરૂરી હોય એટલો જ ફેરફાર કરે છે. આ deep learningમાં રત પ્રણાલીનું સાતત્ય છે. આને સંશોધકો ક્રૉસ ઇમ્યુનિટી કહે છે. બુદ્ધિમંત વિદ્યાર્થી વિષયના મૂળભૂત ખ્યાલોને સમજીને દાખલા ગણે છે, માટે નવો દાખલો ગણતાં એને આગળ ગણેલા દાખલાઓનો અનુભવ કામ લાગે છે.

રસીકરણ તાલીમ છે, ઇલાજ નથી. ઇલાજ રોગ થયા પછી, જ્યારે તાલીમ તે પહેલાં અપાય છે. આ સારું નથી? ‘Prevention is better than cure!’ પણ તાલીમ કયા પ્રકારની છે? રસી ઇમ્યુન સિસ્ટમને નિયંત્રિત માત્રામાં ઉત્તેજિત કરી જે-તે રોગના ઍન્ટિબોડીઝ ડિઝાઇનર પ્રક્રિયાથી પેદા કરાવે છે. શરીરની પોતાની રીતે શીખીને, અનુકૂલન સાધીને માપસર રીતે તે કામ કરવાની તક ઝૂંટવી લે છે. કોચિંગ ક્લાસ એપ્રોચ છે, જે સવાલ પરીક્ષામાં પુછાવાની શક્યતા હોય તેનો જવાબ તૈયાર કરાવી દેવો. અચાનક નવો સવાલ આવે કે જાણીતા સવાલને અલગ રીતે પૂછવામાં આવે તો?

નવા વાઇરસ સામે રસીકરણથી કેળવાયેલી ઇમ્યુનિટી ઘાંઘી (Hyperimmune કે Autoimmune) બને છે, અને મૃત્યુ માટે વાઇરસ જવાબદાર મનાય છે. વિવિધ રોગો માટે વારંવાર થતું રસીકરણ જન્મજાત બુદ્ધિમંત ઇમ્યુનિટીને ગોખણપટ્ટી કરાવીને ડફોળ બનાવી દે છે. વિકસિત દેશોમાં આ વધુ બન્યું છે અને આપણે એમની પાછળ દોડીએ છીએ. ઍન્ટિબોડીઝ ઇમ્યુનિટી નથી, જે ઊંડી બુદ્ધિ જરૂર પ્રમાણે માપસર ઍન્ટિબોડીઝ પેદા કરે છે, તે ઇમ્યુનિટી છે.

ઇમ્યુનિટીનું રસીકરણથી થતું નુકસાન કાયમી/અફર (irreversible) છે. જો કોઈ બુદ્ધિમંત વિદ્યાર્થી ખોટી તાલીમથી પાછો પડ્યો હોય, તો તાલીમની પદ્ધતિ બદલી એની મૂળ ક્ષમતા પર લાવી શકાય છે. પણ ઇમ્યુનિટીને થતું નુકસાન જેનેટિક કોડમાં જ છપાય છે. એને થયા પછી બદલવાની કોઈ પ્રયુક્તિ નથી. બાળકો પેદા કરવાનાં બાકી હોય, તો આવનારી બધી પેઢીઓ સુધી એ નુકસાન પહોંચે છે. બાળકો અને યુવાનોનું રસીકરણ આખી માણસજાતના ભવિષ્ય માટે ખતરનાક બને છે. સૌથી વધુ રસીકરણ બાળકોનું જ થાય છે. 

આપણા પૂર્વજો ચેપીરોગોથી ઘણી વાર યુવાન વયમાં કે બાળપણમાં જ ગુજરી જતા. આ કુદરતી ગળણી/ચારણી નબળા જેનેટિક મટીરિયલને આગળ વધતા અટકાવતી હતી, ત્યારે પેઢી દર પેઢી મજબૂત ઇમ્યુન સિસ્ટમ ટકેલી હતી. આજે આપણે રસીકરણ અને દવાઓથી પહેલાં એક-બે બાળકોને જ ટકાવી રાખીએ છીએ. મો.ક. ગાંધી કે રવીન્દ્રનાથ ટાગોરનો નંબર કદી આવે જ નહીં!

વધેલું સરેરાશ આયુષ્ય અને ઓછો બાળમૃત્યુ દર શું પ્રગતિ જ દર્શાવે છે? Business as usual આવા કઠિન પ્રશ્નો ઢાંકેલા રાખે છે. ઇમ્યુનિટી ફક્ત વ્યક્તિ (individual) માટે નહીં પણ પ્રજાતિ (species) અને સમષ્ટિ માટે પણ આપમેળે વિચારે છે. વ્યક્તિ અને પ્રજાતિ બંનેમાં પસંદગી કરવાની હોય, ત્યારે એ વ્યક્તિને સહજ રીતે છોડી દે છે. રસીકરણ પ્રજાતિના ભોગે વ્યક્તિને જ બચાવે છે. ‘એક-એક જીવન કીમતી છે’ એ રાજકારણીઓનું રેટરિક માત્ર છે.

રસીકરણ સાથે જોખમ(risk analysis)નો ખ્યાલ સીધો જોડાયેલો છે. પણ આ વીમો લેવા જેવી સરળ વાત નથી. ટૂંકા ગાળા અને લાંબા ગાળાનાં જોખમો એકબીજાંથી વિરુદ્ધ દિશાનાં છે. ટૂંકા અને લાંબા ગાળાના trade offમાં માણસ હંમેશાં થાપ ખાતો આવ્યો છે. લાંબા ગાળાનાં જોખમો તોતિંગ (Himalayan) છે, પણ અત્યારે દેખાતાં નથી. રસી જે-તે ચેપ પૂરતી રોગની તીવ્રતા જરૂર ઘટાડે છે, પણ જો લાંબા ગાળે ગંભીર ક્રોનિક રોગોની શક્યતા વધવાની હોય અને અચાનક નવો ચેપ આવી પડે, ત્યારે ઇમ્યુનિટી અધ્ધર થઈ જવાની હોય તો શું એમ કરવું સ્માર્ટ પસંદગી છે? આવનારી પેઢીઓ પર જતું જોખમ તો આખી મનુષ્યજાતના ભવિષ્યને કુંઠિત કરે છે. એ અત્યારે દેખાતું અને ગણી શકાતું નથી, માટે એને ભૂલી જવું?

આ મહામારી રસીકરણથી પેદા થતાં લાંબા ગાળાનાં જોખમોનું નાનકડું નિદર્શન (ટ્રેલર) માત્ર છે. Business as usual ખતરનાક છે. તમે ડાબેરી છો કે જમણેરી, ભક્ત છો કે ભડકેલા, મૂડીવાદી છો કે શોષિત, રોકડે રમો છો કે વાયદે, મિષ્ટાન્ન ભાવે કે ફરસાણ, લેખક છો કે વિવેચક, સ્માર્ટ છો કે બબૂચક, એ બધું દ્રશ્યશ્રાવ્યભાવ્ય નાટક આવતાં બસો ત્રણસો વર્ષ ચલાવવા માંગો છો કે થોડાં હજાર વર્ષ, એટલું જ નક્કી કરવાનું છે! બાકી રસીકરણ ભવિષ્યનો ઇતિહાસ અને ઇતિહાસનું ભવિષ્ય બહુ ઝડપથી ટુંકાવશે એવું દેખાય છે.

શૅરબજારમાં જાણીતો contrarian સિદ્ધાંત છે. જ્યારે બધાને બજાર ઉપર જશે એની ખાતરી હોય અને લિફ્ટમેન કે ચાની લારીવાળો શૅર ખરીદવાની ટિપ્સ આપતો થઈ જાય ત્યારે સમજી લેવું કે માલ વેચવાનો સમય પાકી ગયો છે. પણ આખું ગામ ખરીદતું હોય, ત્યારે વેચવું લગભગ અશક્ય બની જાય છે. બધા રસી લેવા નીકળ્યા હોય, ત્યારે આ લેખ લખવો એનાથી હજાર ગણું વધુ કઠિન છે. Herd immunity તો ખબર નહીં, પણ Herd mentality  જરૂર કેળવાઈ છે. શૅરબજારનો ફુગ્ગો તરત ફૂટે છે, પણ માણસજાતના ફુગ્ગાની હવા રસીકરણથી બસો-ચારસો વર્ષે ધીમે-ધીમે નીકળશે.

એક વિચારપ્રયોગ : બાપુને રસી લેવાનું કહીએ તો? એમની ગટ સેન્સ ખૂબ પાવરફુલ હતી. તેઓ રસી લેવાની તો કદાચ ના જ પાડે. એમને કાયરતાનો ભાસ જરૂર થાય. રસી લેવામાં કાયરતા છે જ. ‘મરદને આવું ન શોભે’ પ્રકારનાં બાપુશાહી વિધાનો એમનાં લખાણોમાં ઘણી વાર દેખાય છે. એ કદાચ એવું બોલે પણ ખરા. તેઓ કદાચ એમ પણ કહે કે ‘જો ઉપરવાળાએ મને ઉઠાવી લેવાનું નક્કી કર્યું હોય, તો અને ત્યારે વિદાય થવાનો કોઈ વાંધો નથી. એની ઇચ્છા વગર આમે ય ક્યાં કંઈ થવાનું છે? મારા મૃત્યુની ચિંતા કરવાવાળો હું કોણ?’ આ વાત અવૈજ્ઞાનિક અને ભાવનાત્મક લાગી શકે. પણ બાપુની ભાષા છોડો. એમની ગટ સેન્સ પાછળની પેલી અસભાન ઊંડી બુદ્ધિને જુઓ! એ પણ બાપુની! 

૫, આનંદવિલા, બંસલ મૉલની સામે, ગોત્રી, વડોદરા – ૩૯૦ ૦૨૧

e.mail : agrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 12-14

Loading

...102030...2,0492,0502,0512,052...2,0602,0702,080...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved