Opinion Magazine
Number of visits: 10,226,342
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમામ પદો માટે રાજકીય વગ સિવાયની તમામ લાયકાતો રદ્દ કરવી જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 May 2021

પટાવાળા, ક્લાર્ક, અધ્યાપક, ડોક્ટર વગેરે પાસેથી નક્કી કરેલાં ફોર્મ્સમાં શૈક્ષણિક લાયકાતની વિગતો માંગવામાં આવે છે, એમાં હેતુ એવો છે કે જે તે સંસ્થાને લાયક ઉમેદવાર મળે, પણ જે તે જગ્યા પર ઓછી લાયકાતવાળા જ વધારે ગોઠવાય છે તે હકીકત છે. ઉત્તમતા હવે અપવાદોમાં વસે છે. મોટે ભાગે તમામ ક્ષેત્રોમાં રાજકીય દખલ થતી જ રહે છે. થાય છે એવું કે બધી યોગ્યતા સિદ્ધ કર્યા પછી પણ યોગ્ય ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં પાછળ ધકેલાય છે. ઈન્ટરવ્યૂ મોટે ભાગે તો “સેટિંગ” માટે જ હોય છે. એમાં સંસ્થાને કોઈકની તરફેણ કરવાની ઇચ્છા હોય છે તો સરકારના જે પ્રતિનિધિઓ આવે છે તેમને તેમની કોઈ વ્યક્તિને ઠઠાડવાની દાનત હોય છે ને એમ “મ્યુચ્યુઅલ અંડરસ્ટેંડિંગ”થી કામ ચાલે છે. એમાં અપવાદરૂપે જ યોગ્યની પસંદગી થતી હશે, બાકી તો યોગ્ય ન લેવાઈ જાય એની કાળજી રખાતી હોય છે.

કોઈ પણ પરીક્ષાનો હેતુ યોગ્યને તારવવાનો હોય છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય  વર્ગમાં પરિણામો જાહેર કરવામાં આવે છે જેથી જે તે વ્યક્તિની, નોકરી કે અન્ય ક્ષેત્રો સંદર્ભે શૈક્ષણિક યોગ્યતા નક્કી થઈ શકે. આજે આ પાત્રતાનો કોઈ અર્થ છે, ખરો? સાચું તો એ છે કે પાત્રતા નહીં, પણ વગ કામ કરે છે. આ વગને કારણે અયોગ્ય વ્યક્તિ, યોગ્ય સ્થાને ગોઠવાય છે ને એમ ગોઠવાયા પછી જે તે વ્યક્તિ  ઉત્તમતાનો આગ્રહ ભાગ્યે જ રાખશે, કારણ એ પોતે ઉત્તમતાને ધોરણે આગળ આવ્યો નથી, એ વગ વાપરીને આવ્યો છે. એ ભણાવશે કે બીજી કોઈ પણ ફરજ બજાવશે ત્યારે ઓછા સારાથી જ રાજી રહેશે. આ ઓછું સારું – બધાં ક્ષેત્રોમાં પ્રભાવ પાડી રહ્યું છે. સૌથી વધારે પ્રભાવ એણે શિક્ષણમાં પાડ્યો છે. એમાં જે ધોવાણ ચાલ્યું છે તેણે અનેક પેઢીઓને પ્રભાવિત કરી છે.

કોઈ પણ સ્પર્ધા ઉત્તમને ખોળવા માટે હોય છે. ઓલિમ્પિકમાં પણ ઘણી ગરબડો થાય છે, છતાં સુવર્ણચંદ્રક બીજા નંબરને નથી અપાતો. એવો આગ્રહ શિક્ષણમાં રખાય છે? માસ પ્રમોશનમાં પણ, કોઈક રીતે વિદ્યાર્થીની પાત્રતા નક્કી કરીને, શિક્ષણ ખાતું  પરિણામ તૈયાર કરી રહ્યું છે, પણ ક્લાર્ક કે અધ્યાપકની પસંદગીમાં એટલી મથામણ યોગ્યતા સંદર્ભે થાય છે? એમાં જ્યાં પણ સરકારના પ્રતિનિધિ પ્રવેશે છે કે દાટ વળી જાય છે. સરકારના પ્રતિનિધિ ખરેખર તો અયોગ્યની પસંદગી ન થાય એ જોવા માટે હોય, પણ મોટે ભાગે તો એ અયોગ્યને ઠઠાડવાનું નિમિત્ત બને છે. આમ તો એમની જ યોગ્યતા શંકાથી પર ભાગ્યે જ હોય છે, એવામાં કેટલીક અપેક્ષા રાખી શકાય? કમસેકમ શિક્ષણનાં કોઈ પણ ક્ષેત્રમાં સરકારની દખલ ઇચ્છનીય નથી. હાલ એ દખલ સૌથી વધુ છે. જેમ પોલીસને શૈક્ષણિક કેમ્પસમાં વગર રજાએ પ્રવેશ નથી, એમ જ રાજકીય દખલ પણ અટકાવી શકાય, પણ એવું એટલે નથી થતું,  કારણ રાજકીય મહેરબાનીને લીધે જ તો એમની પોતાની નોકરી પાકી થઈ હોય છે. દુનિયા જાણે છે કે યુનિવર્સિટીના કુલપતિથી માંડીને પટાવાળાની પસંદગીમાં રાજકીય વગ કામ કરતી હોય છે. એવામાં શૈક્ષણિક લાયકાતનું શું ને કેટલું મહત્ત્વ રહે એ વિચારવાનું રહે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી સૌથી વધુ કથળ્યું હોય તો તે શિક્ષણ છે. તે પહેલાં કોઈ નબળાને આગળ કરવાનું ભાગ્યે જ બન્યું હશે. શિક્ષણ કે સ્પર્ધાનો હેતુ યોગ્યને શોધવાનો ન હોય તો તેનો અર્થ જ નથી. ગાંધી, નહેરુ, સરદાર, આંબેડકરની પાત્રતા સંદર્ભે ભાગ્યે જ કોઈને વાંધો હશે ને હશે તો ય વિચારધારાનો, પણ તેમની શૈક્ષણિક યોગ્યતા વિષે શું કહીશું? બંધારણના ઘડવૈયા તરીકે આંબેડકર આજે ય અજોડ છે. એમણે દલિત તરીકે ઘણું વેઠ્યું ને પોતાના બાંધવો ન વેઠે એ માટે એમણે બનતું બધું જ કર્યું, પણ દલિત તરીકેનો કોઈ લાભ એમણે પોતે ન લીધો. આજનું વલણ તકનો લાભ લઈને બેસી જવાનું છે, ભલે પછી કોઈ પણ જાતિ કે વર્ગની વ્યક્તિ હોય ! આવા લાભની તક રાજકારણે પૂરી પાડી છે. બીજા બધાં ક્ષેત્રોમાં રાજકીય વગ ભાગ જ ભજવે છે, પણ શિક્ષણમાં સૌથી વધુ ભજવે છે.

આજે તો એમ લાગે છે કે શિક્ષણ નહીં, રાજકીય વગ જ પરિણામદાયી નીવડે છે. મંત્રીની લાયકાત ઓછી હોય તો ચાલે, પણ કલેક્ટરની લાયકાત ઓછી ચાલતી નથી. આજે તો ગુજરાતના શિક્ષણ મંત્રી સારા એવા શિક્ષિત છે, પણ શિક્ષણ મંત્રી અભણ ન જ હોય એમ માનવાને કોઈ કારણ નથી. આપણે રાજકીય ક્ષેત્રોમાં લાયકાત ઓછી નક્કી કરી, તે એટલે કે ત્યારે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું અને અલ્પ શિક્ષણને કારણે રાજકારણમાં પ્રવેશની તક ઓછી ન રહે. તમામ વર્ગના લોકોને પ્રવેશવાની તક મળે એ મૂળ હેતુ હતો. પછી તો શિક્ષણનું પ્રમાણ વધ્યું, દલિતો અને અન્ય વર્ગોમાં પણ શિક્ષિતો બહાર પડ્યા, પણ લઘુત્તમ લાયકાતો બદલાઈ નહીં. એ ઠીક ન થયું. એનો એક દાખલો સૂરતે જ પૂરો પાડ્યો છે.

સૂરતના હાલના મેયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી 25 જૂને જાહેર કરી છે. સમિતિમાં 15 સભ્યો હશે. એમાં ત્રણ સભ્યો સરકાર નિયુક્ત હશે. બાકીના 12માંથી 10 સભ્યો ભા.જ.પ.ના હશે ને સંખ્યાબળને ધોરણે બે સભ્યો ‘આપ’માંથી આવશે. આ સભ્યોની લાયકાત ચારથી સાતમું પાસની છે. પ્રાથમિક શિક્ષણ 8 ધોરણ સુધીનું હોય ત્યાં સભ્યની લાયકાત 8મું પાસ કરવાનું પણ સમિતિને સૂઝ્યું નથી. આ સભ્યો શિક્ષણ સમિતિનાં સંચાલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે, પણ તેમની પાત્રતા ચારથી સાત પાસે જ પૂરી થઈ જતી હોય તો જે તે નિર્ણયમાં કેટલોક ભલીવાર હોય તે વિચારવાનું રહે. અત્યાર સુધી તો સભ્યોની વરણીથી જ કામ ચાલ્યું છે. ભા.જ.પ.નું શાસન હોવાથી ચૂંટણી સુધી વાત ગઈ નથી. હવે ચૂંટણી થાય ને ‘આપ’ના સભ્યો ઉમેરાય તો અપેક્ષા થોડી વધુ રહે. આપે વિપક્ષની ભૂમિકા છમકલાંથી દૂર રહી ગંભીરતાથી નિભાવવાની રહે. સાધારણ રીતે સમિતિ સભ્યો એવી રીતે પસંદ કરીને ગાડું ગબડાવાતું હોય છે કે વિરોધનો સૂર જ ન ઊઠે. અત્યારનું, શાસકોનું વલણ એવું છે કે વિપક્ષ જેવું જ ન રહે ને હોય તો તેની કોઈ અસર ન વર્તાય.

શિક્ષણ સમિતિનાં સભ્યોમાંથી ત્રણ સરકાર નિયુક્ત હોય છે, જે આવતા નથી અથવા તો આવીને ભાગ્યે જ કૈં ઉકાળે છે. સમિતિમાં ચૂંટણી થાય છે, એ કોઈનો ઇન્ટરવ્યૂ નથી તો આ નિયુક્તિ શેને માટે? સમિતિ વિપક્ષમાંથી બનવાની હોય ત્યારે સરકાર પોતાના પ્રતિનિધિ મૂકે તો સમજાય, પણ શાસક પક્ષની જ સમિતિ બનવાની હોય તો સરકાર દ્વારા સભ્યોની નિયુક્તિની શું કામ? એને બદલે એ ત્રણે સભ્યો શહેરના જ હોય તો એટલું પ્રતિનિધિત્વ વધે એવું, નહીં? સરકાર દ્વારા નિયુક્ત સભ્યો, ખુશામત અને વગનો જ પડઘો પાડતા હોય તો આવી નિયુક્તિઓ બંધ થવી જોઈએ.

સૌથી દુ:ખદ તો આ સભ્યોની લાયકાતનું ધોરણ છે. દલિતોનું કે અન્ય વર્ગનું શિક્ષણનું ધોરણ એટલું કથળેલું નથી કે શિક્ષણ સમિતિના સભ્યોની લાયકાત 4થી 7 ધોરણ ચાલુ રાખવી પડે. આટલી ઓછી લાયકાત તો સામાન્ય પ્રાથમિક શિક્ષકની પણ નક્કી નથી થઈ, તો શિક્ષણ સમિતિમાં એનાથી ઓછું ભણેલાઓ તો ચલાવી જ કેમ શકાય? એવું રાજ્યના કે કેન્દ્રના શિક્ષણ વિભાગમાં, તેની સમિતિઓમાં હોય તો તે પણ તાકીદે દૂર થવું ઘટે. શિક્ષણ વિભાગમાં જ શિક્ષણનો આગ્રહ ન રખાય એ કેવું? એ સમિતિમાં ક્લાર્કની લાયકાત ઓછી નથી, શાળામાં શિક્ષકની લાયકાત ઓછી નથી તો સમિતિમાં 4થી 7 પાસને એટલા માટે રાખવાના કે એ શાસક પક્ષની ભાટાઈ કરે છે અથવા તો કરવાના છે?

આખા ય શિક્ષણ જગતમાં બે ગરબડો છે. એક તો ઉચ્ચ હોદ્દાઓ પર ઉચ્ચ લાયકાતો ધરાવનારને બાજુ પર મૂકીને, ઓછી પાત્રતા ધરાવનારને એટલે પસંદ કરવામાં આવે છે, કારણ એ રાજકીય વગ ધરાવે છે ને બે, શૈક્ષણિક સમિતિઓમાં સભ્યોની લાયકાત એટલી ઓછી રાખવામા આવે છે કે પક્ષની કે અન્યની વગ ધરાવતો સભ્ય સમિતિમાં ઘૂસીને એના લાભ લઈ શકે. આ બંને સ્થિતિમાં વ્યક્તિનું હિત સધાય છે, પણ શિક્ષણનું તો અહિત જ થાય છે. આ બંનેમાં ગૌણ બની જાય છે શૈક્ષણિક લાયકાત. જો શૈક્ષણિક લાયકાત મહત્ત્વની જ ન હોય તો સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓમાં ભણતરની જરૂર જ શી છે? રાજકીય વગ જ કામની હોય તો બધી જ જગ્યાએ રાજકીય વગ વધારવાનું શિક્ષણ આપીએ તો ચાલેને! નકામું ભણી ભણીને આંખો ફોડવાની એના કરતાં કોઈ નાનેથી રાજકારણીઓની, રાજકીય પક્ષોની કદમબોશી કરવાનું ભણી લે તો એ જ ક્લાર્કથી માંડીને કુલપતિ ન બનાવી આપે? ભણીને પણ એ જ કરવાનું હોય તો ઓછું ભણીને મંત્રી થવામાં શું ખોટું? જોવાનું એટલું જ રહે કે કોની ખુશામતથી કામ ચાલે છે? નથી લાગતું કે લાયકાત નહીં, વગ જ સર્વોપરી છે? ખરેખર, સત્તાએ શિક્ષણનો સર્વનાશ જ કર્યો છે …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 મે 2021

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|28 May 2021

મ્હોંફાટ ગઝલ કહીશું,
બે છીપ ભરી લઈશું.

છલકાઈ રહ્યો છે ડૂમો,
ને આજ ડૂબી મરીશું.

એકેક દરદ તપાસી,
આ ઘાવ ભરી દઈશું.

પડઘો ય પડ્યો નહીં ને,
બદનામ થઈ જઈશું.

અવસાદ હજી બચ્યો છે?
તો ચાલ ગઝલ ઘુંટીશું!

27.5.’21. ગુરુવાર

e.mail : daveparesh1959@gmail.com

Loading

પગ પર કુહાડો

રૂપાલી બર્ક|Opinion - Opinion|28 May 2021

આજના ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના તંત્રી લેખમાં ચીનને લૅબમાં કોરોના વાઈરસ બનાવવા અંગે ખુલાસો કરવાનું સૂચન વ્યક્ત થયું છે. અનેક મામલે ચીનનો તુંડમિજાજ જોતા એની પાસેથી વિનમ્રતા કે સહકારની આશા રાખવી કેટલે અંશે પરિણામ લાવે? વૈજ્ઞાનિકો અને તજ્જ્ઞો પણ વુહાનની વૅટ માર્કૅટમાંથી કોરોના કુદરતી રીતે ઉત્પન્ન થયાની થિયરીમાં વજૂદ નહોતા જોતા. જે રીતે મહામારી ફેલાઈ, દેશો એનો સામનો કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. હવે પરિસ્થિતિમાં સુધારો થતા વાઈરસના ઉદ્ભવ તરફ વળી ધ્યાન ગયું છે. પ્રૅસિડન્ટ બાઈડને ઈન્ટૅિજન્સ ઍજન્સીસને આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. સત્ય શું છે એ તો સમય બતાવશે.

આપણા આદિમ પૂર્વજો માટે પ્રકૃતિના ઘટકો એવા બળ હતા જેનાથી એમને ભય લાગતો. સૂર્ય, ચંદ્ર, વીજળી, વાદળોનો ગડગડાટ, ધરતીકંપ, જ્વાળામુખી, પૂર, વાવાઝોડાં, જંગલી પ્રાણીઓ, ભૂતપ્રેત વગેરે. નૃવંશવિજ્ઞાન કે માનવશાસ્ત્ર, વગેરેના અભ્યાસો પરથી વિશ્વના જુદા જુદા સમુદાયોની માન્યતાઓ વિશે વાંચીએ છીએ આપણે. દા. ત. પ્રાચીન અમૅરિકાના ચૅરોકી આદિમ જાતિ ‘ગ્રેટ સ્પીરીટ’ — યુનૅલાનુહી, સૂર્યદેવીને પૂજતા. ભારતના સંતાલો મારાંગ બુરુ — પર્વતદેવને પૂજે છે. તો વળી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સુંદરવન વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ બોન બીબી — જંગલની દેવીની પૂજા કરે છે. બીજા શબ્દોમાં સમય જતા માનવીઓએ કુદરતી શકિતઓને નામ આપ્યા ને પોતાના આસ્થા-વિશ્વમાં સ્થાન આપ્યા.

ધર્મ આરુઢ થયા બાદ દેવી-દેવતાઓ માનવી જેવાં દેખાતાં અને વર્તતાં થયાં. માનવીએ પોતાની કલ્પનાથી ઘાટ આપ્યો ને દેવાલયોમાં સ્થાપિત કર્યા. એટલે જેમ આદિમ સમાજોમાં આપત્તિ કુદરત તરફથી આવતી મનાતી એમ માનવ સંસ્કૃતિનો વિકાસ થયો, તેમ ભગવાન, ઈશ્વર, અલ્લાહ તરફથી આવતી મનાતી અને એના નિવારણ માટે એમની પૂજા, પ્રાર્થના, બંદગી કરવામાં આવવા લાગી.

ત્યારબાદ જેમજેમ દેશી રાજ્યો ને બાદમાં આધુનિક દેશો સ્થપાયા એટલે વર્ચસ્વ માટે મોટા પાયે લડાઈઓ અને યુદ્ધો થવાં લાગ્યાં. કુદરતી અથવા ગૉડસૅન્ટ આપત્તિમાં માનવસર્જીત આપત્તિનો ઉમેરો થયો. જમીન યુદ્ધ પછી હવા યુદ્ધ ને પછી પરમાણુ યુદ્ધ એમ દોર ચાલ્યો. હવા યુદ્ધ અને પરમાણુ યુદ્ધથી મૃત્યુઆંક અધધ વધ્યો, જેને લીધે સમૂહ વિનાશ (mass destruction) થવા લાગ્યો. હિરોશીમા-નાગાસાકી પરના અણુ હુમલા વિશે ક્યાં કંઈ કહેવાની જરૂર છે. પ્રથમ વિશ્વ યુદ્ધથી ક્લોરિન અને બીજા ઝેરી કૅમિકલ હથિયારોનો ઉપયોગ શરૂ થયો હતો. ઈરાન-ઈરાક યુદ્ધમાં (૧૯૮૦-૮૮), અમેરિકા-સોવિયત સંઘ (૧૯૪૫-૧૯૯૧) વચ્ચેના શીત યુદ્ધમાં રાસાયણિક હથિયારોનો ભરપૂર ઉપયોગ થયો. ત્યારબાદ આ સંઘર્ષોમાં સંડોવાયેલા દેશોએ સર્વ પ્રકારના રાસાયણિક હથિયારોના પ્રતિબંધ ઉપર સંમતિ આપી.

કોરોના વાઈરસના સંદર્ભે જે આશંકા વ્યક્ત કરાય છે એ આપણને જૈવિક હથિયાર (biological weapon) અથવા જીવાણું હથિયાર(germ weapon)ની ચર્ચા તરફ દોરી જાય છે. રાસાયણિક હથિયારોની માફક જૈવિક હથિયારો પણ સમૂહ વિનાશના હથિયારો (weapons of mass destruction) છે. જૈવિક હથિયારો બૅક્ટિરિયા, વાઈરસ, ફંગાઈ, વગેરેના સ્વરૂપમાં હોય છે અને મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. જૈવિક હથિયારો રોગ ફેલાવે છે જે મહામારીનું સ્વરૂપ પણ લઈ શકે છે. સાંપ્રત મહામારી હવાઈ મુસાફરીને લીધે આખા વિશ્વમાં જોતજોતામાં ફેલાઈ ગઈ એમ.

જૈવિક હથિયારો મકાનો, રસ્તા, પુલ, વગેરેને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ રોગ/મહામારીને નાથવાનો પડકાર અને એનો ભય ભલભલા દેશના ઘૂંટણ ટેકાવી દે એ આપણે જોયું. માનવ સંસાધન પરનો પ્રહાર એ એનો હેતુ હોય છે. ૨૦૧૩માં કુલ તાઈવાન સહિત ૧૮૦ દેશોએ Biological Weapon Convention(BWC)માં સહી કરી છે. આ કરાર મુજબ જે દેશો સભ્યો છે એમના પર યુદ્ધ દરમ્યાન જૈવિક હથિયારોના ઉપયોગ અને આ હથિયારો વિકસાવવા, પરિક્ષણ કરવા અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં, કેટલા ય દેશો અણુ હથિયારોના વધુ અઘરા અને મોંઘા માર્ગને બદલે સસ્તા પરંતુ વધુ ઘાતક હથિયારો વિકસાવવાનું ચાલુ રાખ્યું છે. સૌથી મોટો ભય અને સુરક્ષાસંબંધી ચિંતા વ્યક્ત થતા આવ્યા છે તે એ કે કોઈ ચસકેલ વ્યક્તિ કે આતંકી સંગઠન જૈવિક હથિયારો વિકસાવશે અથવા ચોરશે તો કેવું પરિણામ આવશે? ટ્રેલર આપણે જોઈ જ રહ્યા છે.

આ માનવ સર્જીત આપત્તિના નિવારણ માટે કોને શરણે જઈશું?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...2,0502,0512,0522,053...2,0602,0702,080...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved