Opinion Magazine
Number of visits: 9964216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનિશ્ચિતતા અને અરાજકતા વચ્ચે જીવવાનું અઘરું થઈ ગયું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 April 2021

મનુષ્ય જન્મે છે ને મરે છે, પણ જન્મ અને મરણ તેના હાથમાં નથી એ પણ વિધિની વક્રતા જ છે ને ! પણ, કરુણાંતિકાઓ મનુષ્યને હાથે સર્જાય ત્યારે થતાં મૃત્યુ માટે કુદરતને દોષ દઈ શકાય નહીં. તંત્રો મનુષ્ય દ્વારા ચાલે છે એટલે ઘણીવાર તંત્રોની બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. ગુજરાતમાં હોસ્પિટલોમાં આગ લાગવાને કારણે દરદીઓ ગુજરી જવાના અકસ્માતો કોરોના કાળમાં સર્જાયા જ છે ત્યારે પીડા બમણી થઈને રહી ગઈ છે. અકસ્માત વારંવાર થાય ત્યારે તંત્રોની જવાબદારી બનવી જોઈએ, પણ એવું ખાસ થતું નથી. હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો એકથી વધુ વખત બન્યા તે પરથી બીજા બનાવો નહીં જ બને તેની ખાતરી નથી. બુધવારે નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ખૂટવાને કારણે 11 મહિલાઓ સહિત 22 કોરોના દરદીઓએ જીવ ખોયા. વડા પ્રધાને અને ગૃહ મંત્રીએ વિધિવત અંજલિઓ આપીને અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ મૃતકોને પાંચ પાંચ લાખની સહાય જાહેર કરીને ફરજ બજાવી લીધી છે. એવી જ ઘટના બનાસકાંઠામાં પણ ઘટી છે જેમાં અચાનક ઓક્સિજન પુરવઠો ખૂટી જતાં 8 લોકો મૃત્યુ પામ્યાં છે.

ઓક્સિજનનો પૂરતો જથ્થો હોવા છતાં હોસ્પિટલોમાં તેની અછત વર્તાય ને બીજી તરફ ઓક્સિજન પ્લાન્ટ નાખવાની ને બીજેથી ઓક્સિજન મેળવવાની વાતો ચાલે ત્યારે એમ લાગે કે સરકારો બધે જ મોડી પડી રહી છે. મોડી એ રીતે કે જરૂર હોય ત્યારે સરકાર પડખે ઊભી રહી શકતી નથી. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો એ માનસિકતાનો કેન્દ્ર અને રાજ્ય સરકાર શિકાર છે. સરકાર કૈં કરતી નથી, એવું નથી. તે છાશવારે મિટીંગો ભરે છે, જ્યાં અસર વધારે હોય ત્યાં આંટાફેરા પણ કરે છે, પણ દૂરનું વિચારીને નિર્ણય લેવો અને જરૂર હોય ત્યારે પૂરતી વ્યવસ્થા કરવી એવું કોરોના દરમિયાન ઓછું જ બન્યું છે. કોરોના માર્ચ, 2020થી લાગુ પડ્યો ત્યારથી અત્યાર સુધીમાં સંભવિત પગલાંઓ અંગે વિચારવાનો તંત્રોને પૂરતો સમય હતો, પણ પરિણામો આટલાં ઘાતક હશે એનો અંદાજ લગાવવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. એ બને કે બધી વાતનો અંદાજ ન લગાવી શકાય, પણ આખા દેશની જે ગતિ હતી તે જોતાં 2021 માટે પરિણામોની કલ્પના કરવાનું મુશ્કેલ ન હતું.

ફેબ્રુઆરી, 2021 સુધીમાં એકંદરે કોરોનાનું સંક્રમણ કાબૂમાં હતું. દિવાળી વખતે ગુજરાતમાં ભીડભાડ ખૂબ થઈ અને તેને કારણે સંક્રમણ વધ્યું એ ખરું ને એ લોકોની મૂર્ખાઈનું જ પરિણામ હતું, પણ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ, ક્રિકેટે, સભા-સરઘસોએ, લગ્નોમાં એકઠી થયેલી ભીડે દાટ વાળ્યો ને હવે તો રાજ્યોની ચૂંટણીએ ને ક્યાંક નેતાઓએ લગ્ન, વર્ષગાંઠની બોલાવેલી ભીડે કોરોનાને છૂટો દોર આપી દીધો છે. આ બધાંનો સરકારોને ખ્યાલ ન હતો એવું માની ન શકાય. આ બધાંથી શું પરિણામ આવી શકે ને તે સંદર્ભે કેવાં પગલાં લઈ શકાય તેનો દાખલો કોઈએ ગણ્યો જ નહીં, પરિણામે પ્રજાએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

2020માં મહિનાઓ સુધી દેશ લોકડાઉન હેઠળ રહ્યો, ત્યારે ઘણાં રાજ્યોમાં કે કોરોનાનો પ્રવેશ પણ ન હતો. આજે જ્યારે રોજના ત્રણેક લાખ નવા કેસો ઉમેરાય છે અને હજારોનાં મૃત્યુ થાય છે ત્યારે વડા પ્રધાન લોકડાઉનને છેલ્લા વિકલ્પ તરીકે જુએ છે. માર્ચ, 2020માં લોકડાઉનને છેલ્લા વિકલ્પ તરીકે જોવાયું હોત તો જે રીતે મહિનાઓથી અર્થતંત્ર દાવ પર લાગ્યું, તે ન બન્યું હોત. અત્યારે જેમ જોઈતપાસીને લોકડાઉન કે રાત્રિ કરફ્યુ લાગુ થાય છે તેવું ત્યારે થયું હોત તો એક સાથે ધંધારોજગાર ધંધે ન લાગ્યા હોત.

જો કે, એ વાતે સરકારની પીઠ થાબડવી પડે કે તેણે રસી પર ધ્યાન આપ્યું અને વિશ્વ આખામાં રસીકરણને મામલે તે મોખરે રહી. રસીના લાખો ડોઝ વિશ્વને પહોંચાડીને તેણે અન્ય દેશોને મદદ પણ કરી. એમાં થોડી ઉતાવળ પણ થઈ. સંબંધો સાચવવા કેટલીક રસી તેણે વિદેશ મોકલવી પડે એ સમજી શકાય, પણ એટલી રસી કેવી રીતે મોકલાય કે રશિયાથી રસી આયાત કરવી પડે? આજે એ હાલત છે કે પૂનાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ રો-મટિરિયલને અભાવે જોઈતી સંખ્યામાં રસી બનાવી શકતી નથી ને બીજી બાજુ રસીકરણની સતત હિમાયત થતી રહે છે.

રસીની આગળ જતાં તંગી ઊભી થાય તો નવાઈ નહીં ! એક તરફ 45+ સુધી આવતામાં રસી ખૂટવાની બૂમ પડી છે ત્યાં પહેલી મે થી 18+ને પણ રસીકરણ શરૂ થવાનું છે, ત્યારે રસી પૂરતી સંખ્યામાં મળી રહે તેમ ઇચ્છીએ. 18+ ગ્રૂપ ઉમેરાય ત્યારે એવું નથી કે 45 કે 60+નું રસીકરણ પૂરું થઈ ગયું છે. બને કે એ વર્ગ પણ ત્યારે વધુ સક્રિય થાય. મુશ્કેલી શું છે કે જાહેરાતો થઈ જાય છે ત્યારે વ્યવસ્થા પૂરતી હોતી નથી. એને કારણે લોકોની દોડધામ વધી પડે છે. એમાં પણ રમતો શરૂ થઈ છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટે રસીના ભાવ બહાર પાડ્યા છે. તે કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં, રાજ્ય સરકારને 400માં અને ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં રસી ઉપલબ્ધ કરાવશે.

રસી એક જ, વેચનાર કંપની એક જ, પણ ભાવ ત્રણ. કેન્દ્ર સરકાર ખરીદે તો 150, રાજ્ય સરકાર ખરીદે તો 400 અને ખાનગી હોસ્પિટલ લે તો 600. વારુ, રાજ્ય સરકારે પણ જુદે જુદે તબક્કે રસીને મુદ્દે ભાવમાં વધઘટ કરી જ છે. એક તરફ સરકાર અત્યાર સુધી લોકોને મફત રસી આપતી રહી છે તે ભાવ વધતા મફત મૂકવાનું બંધ કરે એમ બને. રસીનો ઉત્સવ કરનારી સરકાર પૈસા ઉઘરાવતી થશે તો લોકો પણ રસી મૂકાવતાં વિચારશે. રસી જો અનિવાર્ય જ હોય તો પૈસા ન આપી શકનાર વર્ગ આગળ નહીં આવતા 100 ટકા રસીકરણનો હેતુ માર્યો જાય એમ બને. સરકારની ઘણી વાતો અનિશ્ચિત અને અધકચરી હોય છે. એક વાર મફત રસીકરણની વાત હોય તે આગળ જતાં પૈસા લેવાની વાત સુધી આવે તો લોકોનો સરકારમાંનો વિશ્વાસ ઘટે છે. એ જે હોય તે, પણ સિરમ કંપનીના જુદા જુદા ભાવને કેન્દ્ર સરકારે મંજૂરી ન જ આપવી જોઈએ.

બીજી તરફ રેમડેસિવિર ડેમ, ડિસિવર પુરવાર થયાં છે. સરકાર એક બાજુ પૂરતો જથ્થો હોવાનું રટણ કર્યાં કરે છે, તો બીજી તરફ લોકોના ધક્કા ઘટતાં નથી. ડોક્ટરો પણ સરકારની દખલથી ત્રાસે છે ને દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર નવો જ ફણગો ફોડે છે કે રેમડિસિવર લાઈફ સેવિંગ ડ્રગ નથી. તો, રેમડિસિવરની અનિવાર્યતા ઊભી કરી કોણે? એ શોખ લોકોને તો થયો નથી. એટલે કોઈ બાબતની કશી ચોકસાઈ વગર જ બધું ચાલે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી માંડીને એક વર્ગ એવો છે જે સતત લોકોને ડરેલાં રાખવાનો જ ધંધો કરે છે. બ્રાઝિલ, યુકે, આફ્રિકન સ્ટ્રેન પછી ડબલ અને ટ્રિપલ વેરિયન્ટના નામે, ડબલ માસ્ક કે સર્જિકલ માસ્ક, ઇન્સેંટિવ સ્પાયરો મીટર, વેક્સિન ડ્રાઈવ વગેરે નામે જેટલાં મોઢાં એટલી વાતો છે, એમાં કેટલીક કામની પણ છે, પણ મોટે ભાગે તો લોકો ગભરાયેલાં રહે એને માટે જ મહેનત થાય છે.

આખો દેશ અનિશ્ચિતતા અને અરાજકતાથી પીડાય છે. સરકાર કહે છે કે ઈન્જેકશન્સ છે, તો મળતાં કેમ નથી? સરકાર કહે છે કે ઓક્સિજન છે, તો લોકો ઓક્સિજન વગર મરે છે કેમ? સાધારણ માણસને થતી ચિંતા સરકારને નહીં હોય, શું? ગુજરાત સરકાર લોકડાઉનને મુદ્દે ગલ્લાંતલ્લાં કરે છે. નાયબ મુખ્ય મંત્રી કહે છે કે લોકડાઉન વૈજ્ઞાનિક નથી. તો, અગાઉ મહિનાઓ સુધી લોકડાઉન થયું તે વૈજ્ઞાનિક હતું? લોકડાઉન લાગુ કરવું ન કરવું સરકારની મુનસફી પર છે, પણ તે ટાઢા પહોરની હાંકે તે બરાબર નથી. એક્સપાયરીવાળાં ઈન્જેકશન્સનાં કાળાબજાર થાય છે, લોકોની જિંદગી સાથે રમત થાય છે, એ કેમ તંત્રો સુધી નથી પહોંચતું? કાળાબજાર કરનારા નથી જાણતા કે લોકો મરી રહ્યાં છે ને અંતિમવિધિના પણ પ્રશ્નો થઈ પડ્યા છે? માણસાઈ એટલો મોટો ગુનો છે કે તે દાખવી જ ના શકાય?

કોરોનાની સારવાર લેતા દરદીને સારો ખોરાક અને ઇમ્યુનિટી વધે એવી અનુકૂળતા કરી આપવી પડે. તેને નાળિયેર પાણી આપવાની સલાહ અપાય ને નાળિયેર સો રૂપિયે વેચાતાં થઈ જાય, દરદીને લીંબુ કે સંતરાનો રસ આપવાનું કહેવાય ને તે 170/130ને ભાવે વેચાવા લાગે, તેને શું કહીશું? આ માણસાઈ છે? માનવધર્મ છે? મંદિરો બંધ હોય તો પણ માથું ટેકવી આવતાં લોકો માંદાને લૂંટીને કયો ધર્મ બજાવે છે? એ પણ છે કે 100 રૂપિયે નાળિયેર વેચનારને હોસ્પિટલો કે દવાવાળા પણ લૂંટે જ છે ને ! આપણને કોરોનાની એટલી બીક પેઠી છે કે બજાર ગુપચુપ મોંઘું થતું જાય છે ને તેની ખબર ખરીદવા જઈએ ત્યારે પડે છે. ચૂંટણીઓ પતે એટલી જ વાર છે કે વ્યાજદરો ઘટવાના છે ને ચીજવસ્તુઓના ભાવ વધવાના છે.

સરકારમાં જીવદયા સિવાય બધું જ છે. બાકી, તે નથી જાણતી કે દરદી માટે બ્લેકમાં દવા મેળવતાં કે લીંબુ, નાળિયેર મેળવતાં સંબંધીઓ લૂંટાઈ લૂંટાઈને ખોખલા, કંગાળ થઈ રહ્યાં છે? પૈસેટકેથી કુટુંબો ખુવાર થઈ ગયાં છે, ધંધા રોજગારના ઠેકાણાં નથી અને સારવાર કરાવવા કરતાં મરવું વધારે સસ્તું થઈ ગયું છે, એવી હાલતમાં લોકોની આંખો લૂંછનાર કોઈ નથી એ કેવી વિડંબના છે? જિંદગીથી વધારે કૈં જ મૂલ્યવાન નથી, પણ જિંદગી જો મૃત્યુ જ હોય તો કોણ ઈચ્છા કરશે એની?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઍપ્રિલ 2021

Loading

ગુરુકાંત દેસાઈ ફ્રી-માર્કેટનો હીરો છે, જેમાં નફો કમાવો નૈતિક કૃત્ય છે, ગંદું નહીં.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 April 2021

આ અઠવાડિયે, ઓવર ધ ટોપ (ઓ.ટી.ટી.) મીડિયા પ્લેટફોર્મ પર અભિષેક બચ્ચનની ‘ધ બીગ બુલ’ ફિલ્મ રિલીઝ થઇ છે. તેની કહાની ૧૯૯૨માં હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ આધારિત છે. ‘ધ બીગ બુલ’ એક મહિના પહેલાં જ રિલીઝ થયેલી હંસલ મહેતાની પ્રતિક ગાંધી અભિનીત ‘સ્કેમ ૧૯૯૨’ સિરીઝ પછી આવી છે, એટલે બંનેની સરખામણી થવી સ્વાભાવિક જ છે, પરંતુ અભિષેકને બીજી એક સરખામણીમાંથી પણ પસાર થવું પડશે, અને તે છે ૨૦૦૭ની તેની ફિલ્મ ‘ગુરુ.’ બંને ફિલ્મોનું બેકગ્રાઉન્ડ ગુજરાતી છે અને બંને ફિલ્મોનો હીરો મધ્યમ વર્ગના માણસનાં સપનાંની વાત કરે છે. બંને હીરો કંઇક અંશે કાનૂનની દ્રષ્ટિએ અપરાધી છે, પણ એક મહત્ત્વનો ફર્ક એ છે કે ‘બીગ બુલ’નો હેમંત શાહ તેની લાલચનો શિકાર બને છે, જ્યારે ‘ગુરુ’નો ગુરુકાંત દેસાઈ મૂડીવાદી વિચારધારાનો હીરો સાબિત થાય છે.

‘ગુરુ’ ફિલ્મ આકસ્મિક રીતે બની હતી. અભિષેક બચ્ચને મણિ રત્નમ્‌ સાથે ૨૦૦૪માં ‘યુવા’ ફિલ્મ કરી હતી. એમાં એનું નામ લલ્લન હતું. એકાદ વર્ષ પછી મણિએ અભિષેકને મેસેજ કર્યો, “લલ્લન, બીજી ફિલ્મ કરવા તૈયાર છે?” મણિએ ‘પેકી’ નામની ફિલ્મની પટકથા બનાવી હતી. એમાં એક એવા છોકરાની વાત હતી, જે તેના પેરેન્ટ્સ સાથે સાઈઠના દાયકામાં ઇંગ્લેન્ડ સ્થળાંતર કરી ગયો હતો અને ત્યાં મોટા થયા પછી નસ્લવાદનો ભોગ બને છે, અને તેના પરિણામે તે એક અસામાજિક યુવાન બની જાય છે. 

અભિષેકે હા પાડી અને બધું નક્કી થયું. એક દિવસ મણિ તેને મળવા આવ્યા, અને માઠા સમાચાર આપ્યા, “યાર, ઇન્ટરવલ પછી શું કરવું એ સમજ નથી પડતી. સ્ક્રિનપ્લે બરાબર લખાતો નથી. મારે આ ફિલ્મ નથી કરવી.” અભિષેકે કહ્યું, સારું, જબરદસ્તી તો ન થાય ને. એ રાતે બંને ડીનર પર ભેગા થયા, અને અચાનક મણિએ કહ્યું, “મારા મનમાં એક બીજો વિષય પણ છે. તું કરીશ?” અભિષેક કહે છે કે નેકી ઓર પૂછ પૂછ!

ત્યારે તો ફિલ્મનું નામ ‘ગુરુ’ નક્કી પણ ન હતું. એ એક ઉધોગપતિની ઝીરોમાંથી હીરોની કહાની હતી. મણિ રત્નમે તો આ ફિલ્મ ધીરુભાઈ અંબાણી પર આધારિત હોવાનો પણ ઇનકાર કર્યો છે, પરંતુ ફિલ્મના મજબૂત ગુજરાતી બેકગ્રાઉન્ડ, શેર બજારના વ્યવસાય, મુંબઈના અંગ્રેજી સમાચારપત્ર (રામનાથ ગોયંકાના ‘ધ ઇન્ડિયન એકપ્રેસ’) સાથે લડાઈ વગેરે સંદર્ભો એટલા દેખીતા છે કે દર્શકોના મનમાં ફિલ્મ કાલ્પનિક હોવા અંગે કોઈ શંકા રહી ન હતી.

ફિલ્મ ધીરુભાઈના જીવન પર આધારિત છે કે નહીં તે કરતાં ય મહત્ત્વની વાત એ છે કે ભારતના મુક્ત-બજાર (ફ્રી-માર્કેટ) પરની આ એક માત્ર ફિલ્મ છે. મણિ રત્નમે ‘ગુરુ’ ફિલ્મમાં લાઈસન્સ રાજના જમાનાના ભારતમાં એક એવા બિઝનેસમેનની વાત કરી હતી જે પૈસા બનાવવાને નૈતિક અધિકાર ગણે છે. ભારત આઝાદ થયું ત્યારે નહેરુવાદી અર્થતંત્રમાં નફો કરવો એ ઘોર પાપ ગણાતું હતું. નહેરુએ તેમના રશિયન સમાજવાદના આધારે ભારતની અર્થવ્યવસ્થા વિકસાવી હતી. ૧૯૨૯માં, નહેરુ કૉન્ગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, ત્યારે તેમણે વક્તવ્યમાં કહ્યું હતું કે, “સાચું કહું તો હું સમાજવાદી અને રિપબ્લિકન છું. મને જૂના જમાનાના રાજાઓ-રાજકુમારો કે આધુનિક ઉધોગોના મહારાજાઓમાં વિશ્વાસ નથી.”

નહેરુ આખી જિંદગી ઉધોગપતિઓથી આઘા રહ્યા હતા. તેમને થોડો ઘણો વિશ્વાસ ઘનશ્યામદાસ બિરલા અને જે.આર.ડી. તાતામાં હતો. આઝાદી પછી નહેરુની આર્થિક નીતિથી બિઝનેસ જગત નારાજ થયું હતું. એ લાગણીઓ લઈને મુંબઈના અમુક ઉધોગપતિઓ નહેરુને મળવા ગયા હતા. એ મિટિંગમાં  તાતાએ ભલામણ કરી હતી કે દેશના આર્થિક વિકાસ માટે પબ્લિક સેકટર કંપનીઓ નફો કરે તે જરૂરી છે, ત્યારે નહેરુએ તાતાને પરખાવ્યું હતું, “મારી પાસે નફાની વાત જ ન કરતા; એ ગંદો શબ્દ છે.”

નહેરુની એ વિચારસરણીમાંથી આઝાદ ભારતના લાઈસન્સ-પરમિટ રાજનો જન્મ થયો હતો. આજની પેઢીને કદાચ તેની કલ્પના ન આવે, પરંતુ એક સમયે ભારતમાં ખાનગી ઉધોગ-સાહસોનું ગળું જાત-ભાતનાં નિયંત્રણોથી દબાવી રાખવામાં આવ્યું હતું. ધીરુભાઈ અંબાણીનો ઉછેર એ અંકુશોને તોડીને થયો હતો. એ સરકારી નિયંત્રણોમાંથી જ એક ભ્રષ્ટ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી.

‘ગુરુ’ ફિલ્મ આ ભ્રષ્ટ વ્યવસ્થા સામે ગુરુકાંત દેસાઈ નામના એક બિઝનેસમેનના વિદ્રોહની કહાની છે. ગુરુ તેની આડે આવતા અંકુશોને પોતાની રીતે જ તોડે છે. ઉપર-ઉપરથી કોઈને એવું લાગે કે ગુરુકાંત જેમ જેમ પ્રગતિની સીડી ચઢે છે તેમ તેમ તે ભ્રષ્ટ થઇ જાય અને પૈસા ખવડાવીને પોતાનો સ્વાર્થ સાધે છે. ગહેરાઈથી જુવો તો ખ્યાલ આવે કે હકીકતમાં ગુરુની જે નૈતિકતા છે તે ભ્રષ્ટ વ્યવસ્થાને અનુકૂળ નથી.

ગુરુની લડાઈ વ્યવસ્થા સામે છે, વ્યક્તિઓ સામે નહીં. વ્યક્તિઓ સાથે ગુરુનો જે પ્રેમ, આદર અને કોલ છે, તેમાં તે છલના નથી કરતો. જે સમાચારપત્રના માલિક ‘નાનાજી’ માણિક દાસગુપ્તા (મિથુન ચક્રવર્તી) ગુરુને પાયમાલ કરવા મેદાને પડ્યો છે, તેની વાઈના દર્દથી પીડાતી દીકરી (વિદ્યા બાલન) પ્રત્યે ગુરુનો પ્રેમ જરા ય ઓછો નથી થતો. ધ્યાનથી જુવો તો ગુરુ તેનાં માનવીય મૂલ્યોમાં ભ્રષ્ટ નથી થયો. ઊલટાનો તે તેનાં મૂલ્યોને જીદ્દી બનીને પકડી રાખે છે અને વ્યવસ્થા સાથે ટકરાઈ જાય છે. સફળતા અને સમૃદ્ધિમાં તે બગડી જતો નથી. એ આગળ વધવા અને સ્પર્ધા ઊભી કરવા વ્યવસ્થાને તોડે છે.

ગુરુકાંત દેસાઈ એવા ફ્રી-માર્કેટનો હીરો છે, જેમાં નફો કમાવો એ નૈતિક કૃત્ય છે, ગંદુ નહીં. સૌથી આસાન ભાષામાં ફ્રી-માર્કેટ એટલે માંગ અને પુરવઠાના નિયમ હેઠળ માણસો વચ્ચે સ્વૈચ્છિક લેવડદેવડ. મણિ રત્નમે ‘ગુરુ’ ફિલ્મમાં ગુરુકાંત દેસાઈના માધ્યમથી એક અગત્યનો સવાલ પૂછ્યો હતો: જે કાનૂન ભ્રષ્ટ હોય, તેનું પાલન કરવું એ નૈતિકતા છે? મહાત્મા ગાંધીએ સામાજિક અન્યાય કરતા અંગ્રેજોના અનુચિત કાનૂનને માનવાનો ઇન્કાર કરી દીધો હતો. એટલા માટે તો ગાંધીજીને રાષ્ટ્રદ્રોહી ગણીને તેમની પર ખટલો ચલાવવામાં આવ્યો હતો. કાનૂનની નજરમાં ગાંધીજી અપરાધી હતા, પણ સામાજિક દ્રષ્ટિએ તેઓ નૈતિક હતા.

‘ગુરુ’માં મણિ રત્નમે આર્થિક અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગુરુ તેની સાથે થતા આર્થિક અન્યાન્યને રોકવા માટે કાનૂનનો ભંગ કરે તો તે ભ્રષ્ટ કહેવાય? તમે જો રશિયન-અમેરિકન લેખક આયન રેન્ડની મહાનવલકથા ‘ધ ફાઉન્ટનહેડ’ વાંચી હોય, તો તેનો હીરો હોવાર્ડ રોઆર્ક તેમાં પૂછે છે, “એક ભ્રષ્ટ દુનિયામાં એક ઈમાનદાર માણસ કેવી રીતે જીવી શકે?”

હિન્દી ફિલ્મોમાં એક હીરો હોય અને એક વિલન હોય. તમે કલ્પના કરી હતી કે એક દિવસ એવી ફિલ્મ બનશે જેમાં સમાજવાદ વિલન હશે અને મૂડીવાદ હીરો? હિન્દી ફિલ્મોમાં વિલન હંમેશાં ઈમ્પોર્ટેડ ચીજવસ્તુઓ વાપરતો, આલીશાન ગાડી-મકાનમાં રહેતો પૈસાદાર બિઝનેસમેન હોય છે, અને હીરો ગરીબી અને અન્યાયનો માર્યો એક સાધારણ માણસ હોય છે. ‘ગુરુ’માં ગુરુકાંત દેસાઈનો મૂડીવાદ હીરો છે અને સરકારી સમાજવાદ વિલન છે.

ફિલ્મના અંત તરફ ગુરુકાંત દેસાઈ સામે ખટલો મંડાય છે, ત્યારે ‘ધ ફાઉન્ટનહેડ’ જેવો ઘાટ ઘડાય છે. ગુરુનો અપરાધ શું છે? તો તેણે ઈમ્પોર્ટ ડ્યુટી સહિતના અનેક કાનૂનનો ભંગ કર્યો છે. એમાં ગુરુને પાંચ મિનીટ માટે પોતાના પક્ષમાં બોલવા માટે આપવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ અને ફ્રી-માર્કેટને ભેગા કરીને બોલાયેલું એ વક્તવ્ય હિન્દી સિનેમાનો એક યાદગાર સંવાદ છે:

“ખડા હો જાઉં, યા ઇસકે લિયે ભી લાઇસેંસ ચાહીએ? આપ કહેતે મેં કાનૂન કે ખિલાફ હું. ચાલીશ સાલ પહેલે એક ઔર આદમી કાનૂન કે ખિલાફ થા. આજ હમ ઉસ આદમી કો બાપુ કહેતે હૈ. ઉનકે વક્ત મેં ગુલામી કા કાનૂન થા. ઉન્હોને એક નયા કાનૂન બનાયા, હમારી આઝાદી કા … દો કમીજ, એક બીવી ઔર એક સાલે કો લેકે બમ્બઈ આયા થા. સોચા થા કે બિઝનેસ કરુંગા. લેકિન જબ યહાં પહુંચા તો દેખા કી ધંધે કરને કે સારે દરવાજે બંધ હૈ. વો ખુલતે થે તો સિર્ફ અમીરો કે લિયે. સરકારી દરવાજે થે. યા તો લાત મારકે ખુલતે થે, યા જી હજૂરી કરકે. મૈને દોનો કિયા. ઓર આજ મુજે યહાં ખડા કરકે આપ પૂછતે કે એ આદમી સલામ બહોત કરતા હૈ! કિસ બાત સે નારાજ હૈ આપ? મેરી તરક્કી સે? યા મેરી તરક્કી કી તેજી સે? યા ઈસલીયે સબ ખફા હૈ કી એક મામૂલી ગંવાર હદ સે આગે ચલા ગયા હૈ? પૈસે કી કીમત ક્યા હૈ, મેં જાનતા હું. અગર પૈસા બન સકતા થા, તો મૈને બનાયા હૈ, લેકિન સિર્ફ અપને લિયે નહીં, અપને ૩૦ લાખ શેરહોલ્ડર કે લિયે ભી. આપ લોગ સબ મિલકે મુજે રોકના ચાહતે હૈ ના .. મેં અકેલા નહીં હું … મેરે સાથ પૂરા દેશ બઢ રહા હૈ. જો દરવાજે આપ બંધ કરકે રખના ચાહતે હૈ, વો ખુલ રહે હૈં. ટાંગ અડા દી હૈ હમને.”

‘ગુરુ’ ફિલ્મ ભારતની આઝાદીની ફિલ્મ છે, પણ અંગ્રેજી હુકુમતથી નહીં, નેહરુવાદી સમાજવાદથી.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 ઍપ્રિલ 2021

Loading

રસ્તો …

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Opinion|23 April 2021

જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું.
શિખર, તળેટી ને ખીણ સુધી ફેલાયેલ છું.
ચરણ અને ચક્રોથી માંડી, સઢ, હલેસાં કે પાંખ થકી,
મૌન પણે છાતી પર રાખી, સ્થિતપ્રજ્ઞ સમ સ્થિર રહી
અવિરત સ્વયં દબાયેલ છું … હરદમ સતત કચડાયેલ છું …
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું.   
                                             
કોદાળીથી ખોદો કણ કણ, અનાજ બની લહેરાઉં છું.
ધગધગતો ડામર નાંખો મણ, ખડક બની અંકાઉ છું.
તપું, થીજું કે ભીંજાઉં તો પણ, ઉફ ન કરવા ટેવાયેલ છું …
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું.

પુષ્પ,પાન કે પવનની રાહે, શ્વાસ-નામની સફર વચાળે,
પશુ, પંખી, પ્રાણી પૃથ્વીની, ત્રિલોકની આ તમામ ધારે,
પંચમહાભૂતોને ભેટી પરમ મહીં સમાયેલ છું.
સાચો એક  રસ્તો અરે, કેમ સૌથી સદા ભૂલાયેલ છું?…
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું .…

e.mail : ddhruva1948@yahoo.com

Loading

...102030...2,0382,0392,0402,041...2,0502,0602,070...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved