જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું.
શિખર, તળેટી ને ખીણ સુધી ફેલાયેલ છું.
ચરણ અને ચક્રોથી માંડી, સઢ, હલેસાં કે પાંખ થકી,
મૌન પણે છાતી પર રાખી, સ્થિતપ્રજ્ઞ સમ સ્થિર રહી
અવિરત સ્વયં દબાયેલ છું … હરદમ સતત કચડાયેલ છું …
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું.
કોદાળીથી ખોદો કણ કણ, અનાજ બની લહેરાઉં છું.
ધગધગતો ડામર નાંખો મણ, ખડક બની અંકાઉ છું.
તપું, થીજું કે ભીંજાઉં તો પણ, ઉફ ન કરવા ટેવાયેલ છું …
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું.
પુષ્પ,પાન કે પવનની રાહે, શ્વાસ-નામની સફર વચાળે,
પશુ, પંખી, પ્રાણી પૃથ્વીની, ત્રિલોકની આ તમામ ધારે,
પંચમહાભૂતોને ભેટી પરમ મહીં સમાયેલ છું.
સાચો એક રસ્તો અરે, કેમ સૌથી સદા ભૂલાયેલ છું?…
જળ-સ્થળ ને વાદળ પર પથરાયેલ છું .…
e.mail : ddhruva1948@yahoo.com