Opinion Magazine
Number of visits: 9964193
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તા એક સાધન છે, પણ સાધ્ય બની અનર્થ સર્જે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2021

૨૦૧૪ની સાલમાં જે વ્યક્તિ પોતાની જાતને દેશની દરેક સમસ્યાના ઈલાજ તરીકે પ્રોજેક્ટ કરતી હતી એ વ્યક્તિ અત્યારે ભારતની લગભગ દરેક વકરેલી સમસ્યાનું કારણ છે. નોટબંધી કરીને દેશના નાના માણસના ટૂંકી રકમના અર્થતંત્રની ધૂળધાણી કરી નાખી. ગયા વરસે શું કહીશું જંગલી લોકડાઉન કરીને ઉદ્યોગ જગતનાં મોટી રકમના અર્થતંત્રની ધૂળધાણી કરી નાખી. ચીનના વિસ્તારવાદી નાગાઈ સામે આંખ આડા કાન કરીને ચીનને ભારતમાં પ્રવેશ આપ્યો. ચીન ભારતની ભૂમિ ઉપર કબજો કરીને બેઠું છે એ હકીકત સ્વીકારવામાં સાહેબને શરમ આવે છે. તેમની જગ્યાએ ઇન્દિરા ગાંધી હોત તો રોકકળ કરીને ભારતની તરફેણમાં જગતને જગાડ્યું હોત. ભારતના તમામ પાડોશી દેશો સાથેના સંબંધો તળિયે ગયા છે. અને હવે તાળી-થાળીના ખેલ કરીને પ્રજાને મોતના મોંમાં ધકેલી દીધી છે.

આવું શા માટે થયું? તેમનો દુશ્મન પણ એમ નહીં કહે કે આવા કોઈ બદઈરાદા સાથે તેઓ વડા પ્રધાન થયા હતા. જરૂર, તેમના મનોરથ જવાહરલાલ નેહરુથી એક ડગલું ચડે એવા મહાન શાસક થવાના હશે. પણ થયું એનાથી ઊલટું. શા માટે? આનો ઉત્તર બહુ આસાન છે.

આ રેખાંકન "ગુજરાતમિત્ર"ના સૌજન્યથી અહીં સાદર

મહાન શાસકો સત્તાના રાજકારણ અને શાસન વચ્ચે સંતુલન જાળવે છે. સત્તા (કે વગ) સુધી પહોંચવું, પ્રતિસ્પર્ધીની સત્તા છીનવી લેવી, પ્રતિસ્પર્ધી રોજ માટે નહીં તો બને એટલો લાંબો સમય સત્તામાં પાછા ન ફરે તેની તજવીજ કરવી, પોતાની જગ્યા પકડી રાખવી એ રાજકારણ છે. આવું રાજકારણ દરેક વ્યક્તિ કરે છે. વેપાર-ધંધામાં અને સામાજિક વ્યવહારમાં પણ લોકો પોતાની જગ્યા બનાવવા, વિસ્તારવા અને પકડી રાખવા પ્રયાસ કરતા હોય છે. આઝાદી પહેલાં આઝાદી માટેની લડત વખતે પણ કૉન્ગ્રેસના અને બીજા નેતાઓ વગનું રાજકારણ કરતા હતા. સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુ પણ એકબીજાની સામે સત્તાનું અને વગનું રાજકારણ કરતા હતા. આમાં કાંઈ જ ખોટું નથી. જે માણસ પોતાની મૂલ્યવાન જિંદગીનું જે ક્ષેત્રમાં રોકાણ કરે છે ત્યાં બને એટલી ઊંચાઈ ઉપર સફળતા સાથે લાંબો સમય ટકી રહેવા પ્રયત્ન કરતો જ હોય છે. આમાં હમણાં કહ્યું એમ કાંઈ જ ખોટું નથી.

ખોટું ત્યારે બને છે જ્યારે માણસ ચોવીસે કલાક માત્ર અને માત્ર રાજકારણ કરતો હોય. રાતદિવસ પોતાની જગ્યા બનાવવા, પકડી રાખવા, બીજાની જગ્યા છીનવી લેવા, બીજાને દબાવી રાખવા પ્રયત્ન કરતો હોય. પોતાને સારા શાસક સિદ્ધ કરવા માટે સત્તા એક સાધન છે, પણ કેટલાક લોકો માટે એ જ સાધ્ય બની જાય છે અને અનર્થનું કારણ બને છે. આવો માણસ પોતાને મોટો દેખાડવા માટે લાજશરમ છોડીને પ્રયત્નો કરે છે અને પ્રતિસ્પર્ધીને ખતમ કરવા માટે માણસાઈની મર્યાદા ઓળંગવા લાગે છે. આવો માણસ સારો શાસક બની શકતો નથી, કારણ કે પ્રજાકીય હિતનું શાસન તેના એજન્ડામાં જ હોતું નથી. એ શાસનનો ઉપયોગ પણ પોતાની જગ્યા બનાવવા અને બીજાની છીનવી લેવા માટે કરતો હોય છે જેમ નોટબંધીની બાબતે બન્યું હતું.

courtesy : "The Deccan Chronicle", 15 May 2021

એક ઉદાહરણ ઇતિહાસમાંથી તપાસીએ તો કેમ? મુઘલ સમ્રાટ અકબરને મહાન શાસક તરીકે ઓળખાવવામાં આવે છે જ્યારે ઔરંગઝેબને અધમ શાસક તરીકે. આનું કારણ એ છે કે અકબરે રાજકારણ અને શાસન વચ્ચે સંતુલન જાળવ્યું હતું. જરૂર પડે તો લડાઈ કરીને બીજાની જગ્યા છીનવે પણ પોતાનો મોટા ભાગનો સમય તે શાસનને આપતો હતો. તેને એટલું ભાન હતું કે પ્રદેશો જીતીને જમીન એકઠી કરવાથી મહાન શાસક નથી થવાતું. મહાન શાસક પ્રજાના કલ્યાણ દ્વારા થઈ શકાય છે. બીજાની જમીન છીનવી લેવી અને પકડી રાખવી એ સૈનિકનું કામ છે, શાસકનું નથી. અકબરથી ઊલટું ઔરંગઝેબે શાસન તરીકેની જિંદગીનાં થોડાંઘણાં નહીં, ૨૬ વરસ પોતાની જમીન પકડી રાખવા અને બીજાની જમીન છીનવી લેવા દિલ્હીની બહાર વિતાવ્યા હતા. ઔરંગઝેબ શાસક મટીને સૈનિક બની ગયો હતો. આનું પરિણામ ઇતિહાસમાં નોંધાયેલું છે. ઔરંગઝેબ એક નબળા અને અધમ શાસક તરીકે કુખ્યાત છે અને વખત જતાં મુઘલ સલ્તનત પડી ભાંગી. અત્યારે દેશમાં આવું જ થઈ રહ્યું છે નહીં? રાજ્યોને પડાવી લો અને જીતી લો.

તો વાતનો સાર એ કે સારા શાસકો શાસન અને રાજકારણ વચ્ચે સંતુલન જાળવતા હોય છે. જો જવાહરલાલ નેહરુએ અને સરદાર વલ્લભભાઇ પટેલે ચોવીસે કલાક એકબીજાને પછાડવાનું રાજકારણ કર્યું હોત તો તેઓ અમર ન થયા હોત. અમર થવા માટે થોભતા આવડવું જોઈએ. બીજાની જગ્યાનો આદર કરતાં આવડવું જોઈએ. બીજાની આવડતનો સ્વીકાર કરતા આવડવું જોઈએ. જતું કરતા આવડવું જોઈએ. નેહરુની સફળતામાં સરદારનો હાથ હતો અને સરદારની સફળતામાં નેહરુનો હાથ હતો. આ વિવેકનો પ્રદેશ છે, સત્તાકીય ભૂખના અકરાંતિયાપણાનો પ્રદેશ નથી.

નરેન્દ્ર મોદીની નિષ્ફળતાનું કારણ સત્તા અને શાસન વચ્ચેના સંતુલનનો અભાવ છે. તેઓ તેમની પૂરી તાકાત પોતાને સ્થાપવામાં અને બીજાને ઉથાપવામાં ખર્ચે છે. તેમનો પૂરો સમય વિરોધ પક્ષોને તોડવામાં, તેના વિધાનસભ્યો ખરીદવામાં, રાજ્ય સરકારોને તોડવામાં, ચૂંટણીઓ જીતવામાં, લોકતાંત્રિક સંસ્થાઓને તોડવામાં, ભિન્ન મતને દબાવવામાં ખર્ચાય છે. પોતાના સિવાય બીજા કોઈ પાસે રાજકીય જગ્યા જ ન બચવી જોઈએ. પોતાના પક્ષના લોકો પાસે પણ નહીં. સત્તા સત્તા અને માત્ર સત્તા અને એ પણ તેમની એકલાની સત્તા.

નક્કર વાસ્તવિકતા સ્વીકારવામાં તેઓ નાનપ અનુભવે છે. નાનપ નહીં ભોંઠપ અનુભવે છે. કોઈની સલાહ લેવામાં અને કોઈ સલાહ આપે તો તેનો સ્વીકાર કરવામાં પણ તેઓ નાનપ અનુભવે છે. પોતાનાથી વધુ શક્તિશાળીથી તેઓ દૂર ભાગે છે અથવા તેને દૂર રાખે છે. આવાં લક્ષણો જોઇને જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. જો શાસન તેમની પ્રાથમિકતા હોત તો આમ ન કરત. શાસન કરવા માટે વાસ્તવિકતા સ્વીકારવી પડે. પરિસ્થિતિનું નીરક્ષીર આકલન કરવું પડે. આકલન કરી શકનારાઓને સાથે રાખવા પડે. તેમને સાંભળવા પડે. જીદ છોડવી પડે. બે ડગલાં પાછળ ખસવું પડે. પ્રજાને સાંભળવી પડે. ટીકા કે આલોચનાના જવાબ આપવા પડે. ખુલાસાઓ કરવા પડે. વખત આવ્યે ભૂલ પણ સ્વીકારવી પડે. આખા જગતના કોઈ પણ યુગના સારા શાસકોનાં આ લક્ષણો છે જે આપણા સાહેબ ધરાવતા નથી.

કારણ? કારણ કે તેમને શાસનમાં રસ નથી સત્તામાં રસ છે અને તે પણ તેમની એકલાની.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 મે 2021

Loading

ગાઝા-ઇઝરાયલ સંઘર્ષઃ સામ્રાજ્યવાદના ઇરાદાનો ધાર્મિક સંઘર્ષને નામે ઢાંકપિછોડો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 May 2021

આ સંઘર્ષમાં ઇઝરાયલી સામ્રાજ્યવાદ, આંતકીઓ, રંગભેદ જેવા લેયર્સ છે. ઇઝરાયલ એક સ્થાપિત કોલોની છે જેનું કામ છે સામ્રાજ્યવાદના રૂપમાં સ્થાનિક વસ્તીઓને દૂર કરી સેટલર્સ – સ્થાપિત લોકોને સમાજ ખડો કરવો

એક તરફ વાઇરસે માથું ધુણવાનું હજી બંધ નથી કર્યું ત્યાં વિશ્વની ફલક પર યુદ્ધનાં બ્યૂગલ સંભળાવા લાગ્યા. ઇઝરાયલે મંગળવારની વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમે આવેલી ગાઝા સ્ટ્રીપના મુખ્ય શહેર ગાઝાના વિસ્તારો પર એર સ્ટ્રાઇક કરી. ઇઝરાયલ સત્તાધીશોનો દાવો છે કે જે ઇમારતો પર હુમલો કરાયો ત્યાં આતંકીઓ રહે છે, એ હમાસ આતંકીઓ જેમની સાથે મળીને બીજા સશસ્ત્ર જૂથોએ ઇઝરાયલ પર રોકેટ્સ દ્વારા હુમલો કરાયો.

ઇઝરાયલ અને પેલેસ્ટિન વચ્ચેનો આ સંઘર્ષ નવો નથી, તે દાયકાઓથી આમ જ ચાલતું આવ્યું છે. જો કે તાજેતરમાં જે હિંસક ઘર્ષણ થયું તેના કારણે તાણની તીવ્રતા વધી ગઇ છે. રમાદાનના પવિત્ર મહિનામાં ગાઝામાં ૨૮ જણ મોતને ભેટ્યા. આ તરફ જેરુસલામમાં ઇઝરાયલી પોલીસે સ્ટન ગ્રેનેડ્ઝ, ટીયર ગેસ અને રબર બૂલેટ્સથી પવિત્ર મુસ્લિમ સ્થળ પર હુમલો કર્યો જેમાં ૩૦૦ પેલેસ્ટિનિયન્સને ઇજા થઇ. આ તાણ ઓછી હતી ત્યાં તો ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેત્યાનયાહુએ એવો હુંકાર કર્યો કે આવા હુમલાની તીવ્રતા વધારાશે. ઇઝરાયલીઓ અને હમાસ વચ્ચે સમયાંતરે ત્રણ યુદ્ધો થયા છે અને લડાઇ તો થતી આવી છે.

અહીં મુદ્દો જમીનનો છે, કે ધર્મનો કે પછી કંઇ બીજું? આ લખાઇ રહ્યું છે ત્યારે પણ ઇઝરાયલ ગાઝાનો સંઘર્ષ ચાલુ છે. રાજકીય શતરંજ પેચીદી અને સ્વાર્થી હોય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આ અઢી દાયકાથી ચાલી રહેલી ખેંચતાણ છે. સત્તાની સાઠમારીમાં સામાન્ય માણસના જીવ જાય છે. અહીં ન તો જમીનની માલિકીનો મુદ્દો છે, ન ધર્મનો. પેલેસ્ટિનિયન ક્રિશ્ચન્સ છે તો પેલેસ્ટિનિયન યહૂદીઓ પણ છે અને બંન્નેનું દમન ઇઝરાયલ કરી રહ્યું છે. આ સંઘર્ષમાં ઇઝરાયલી સામ્રાજ્યવાદ, આંતકીઓ, રંગભેદ જેવા લેયર્સ છે. ઇઝરાયલ એક સ્થાપિત કોલોની છે જેનું કામ છે સામ્રાજ્યવાદના રૂપમાં સ્થાનિક વસ્તીઓને દૂર કરી સેટલર્સ – સ્થાપિત લોકોને સમાજ ખડો કરવો. તેઓ પેલેસ્ટાઇન સાથે જે કરે છે તેમાં યુ.એસ.એ., ઑસ્ટ્રેલિયા, કેનેડા જેવા સ્થાપિત સામ્રાજ્યોનો તેમને ટેકો છે તો જે પહેલાં કોલોનાઇઝેશન – સામ્રાજ્યવાદી સત્તા હતા તેવા યુ.કે., ફ્રાંસ, બેલ્જિયમ જેવા રાષ્ટ્રો પણ તેમની પડખે છે. જો તેઓ ઇઝરાયલને પેલેસ્ટાઇન પર દમન કરતાં રોકે તો તેમણે ઇતિહાસમાં જે કર્યું છે તેના જવાબ આપવા પડે. ધાર્મિક સંઘર્ષનું નામ આપી ભૂતકાળમાં પેલેસ્ટાઇન પર થયેલા આતંકનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે તો સાથે પેલેસ્ટિનિયન્સની સ્વતંત્રતા તથા તેમને મળવા જોઇતા ન્યાય પર પણ છીબું મૂકી દેવાની દાનત પણ તેમાં રહેલી છે.

કોઇ પણ ભડકા પાછળ જેમ તણખો હોય તેમ આ ઘટના પાછળનું તાત્કાલિક કારણ હતું કે ઇઝરાયલી સત્તાધીશોએ રમાદાનની રાતની બંદગી માટે દમાસ્કસ ગેટ પાસે પેલેસ્ટિયન્સને ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો. ઇઝરાયલીઓનો ઇરાદો હતો કે પૂર્વ જેરુસલેમમાં વસેલા પેલેસ્ટિયન્સના ઘરો ખાલી કરાવવા અને એ જગ્યા યહૂદીઓને આપવી. ઇઝરાયલી કાયદા અનુસાર જો કોઇ યહૂદી પોતાનું ટાઇટલ ૧૯૪૮ના યુદ્ધ પહેલાથી હતું તે સાબિત કરે તો તે શહેરમાં પોતાની મિલકત પર પાછો દાવો કરી શકે. હવે જે પેલેસ્ટિયન્સને ઘર ગુમાવ્યાં છે તેમને માટે આવો કોઇ કાયદો નથી. યુનાઇટેડ નેશન્સમાં નાગરિક અધિકારના જાળવણી કરનારાઓને મતે બળજબરીથી ઘરો કે આખે આખી વસ્તીઓ ખાલી કરાવવાની દાનત – પહેલનાં પગલાંની સરખામણી વૉર ક્રાઇમ સાથે થાય. આ બધી હિંસાની સમાંતર રાજકીય કટોકટીના સંજોગો તો ચાલુ જ છે. નેતનયાહુ પોતાનું ઇન્દ્રાસન સાચવવામાં વ્યસ્ત છે જેમાં તેમના શત્રુઓ સાથે ગઠબંધનની વાત ચાલે છે તો ભ્રષ્ટાચારના આરોપાની ટ્રાયલ પણ થઇ રહી છે. આ તરફ પેલેસ્ટાઇનના પ્રમુખ મોહંમદ અબ્બાસે ચૂંટણીઓ અનિશ્ચિત મુદ્દત માટે પાછી ઠેલી દીધી છે.

ઇઝરાયલીઓ આખા જેરૂસલેમને પોતાની રાજધાની માને છે, આ વાત આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ માનતું નથી. પેલેસ્ટિનિયન્સને પૂર્વ જેરૂસલેમ ભાવિ રાજ્યની રાજધાની તરીકે જોઇએ છે જેને ૧૯૬૭માં ઇઝરાયલે કબ્જે કર્યું હતું. ૨૫ વર્ષથી શાંતિ માટેની વાટાઘાટો તો ચાલતી આવી છે પણ આ સંઘર્ષનો કોઇ છેડો હજી કોઇને ય જોવા નથી મળ્યો. પેલેસ્ટાનિયન રેફ્યુજીઝનું શું કરવું અને વેસ્ટ બેંકમાં ગોઠવાઇ ગયેલા યહૂદીઓને ત્યાં રહેવા દેવા કે ખસેડવા, આ બન્ને મોટા પડકાર છે. વળી જેરૂસલેમ બન્નેએ વહેંચી લેવું કે પછી જે બળૂકું હોય તે પોતાના તાબામાં રાખશેનો પ્રશ્ન પણ છે. જે ઇઝરાયલ અમેરિકાના દોરી સંચાર પર કામ કરનાર રાષ્ટ્ર છે તેની સમાંતર પેલેસ્ટિનિયન રાષ્ટ્ર ખડું થાય તો પણ કોકડું ગુંચવાય. ગાઝાના લોકો જાતભાતના પ્રતિબંધોની વચ્ચે હાલાકી ભર્યું જીવન જીવી રહ્યા છે.

ગાઝા પટ્ટીની પીડા અને આ ભડકા નવા નથી. અહીંના રહેવાસીઓ પાસે ન તો રોજગાર છે, ન તો વીજળી છે કે ન પીવાનું ચોખ્ખું પાણી છે. અહીં માથે એવી સરકાર છે જેને બધું નિયંત્રિત રાખવું છે, બધું તાબામાં રાખવું છે પણ કોઇ પ્રકારની સુરક્ષા નથી પૂરી પાડવી. ઇઝરાયલી સરકાર હોય કે પેલેસ્ટાઇનના આતંકીઓ હોય અહીં અગત્યનું છે કે નાગરિકોની જિંદગીઓને કોઇ આધાર, કોઇ સલામતી તો મળે.

બાય ધી વેઃ 

ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન્સ કહે છે કે ઇઝરાયલીઓને કારણે પોતાને વેઠવું પડે છે તો ઇઝરાયલીઓ પોતે જે કરે છે તે પેલસ્ટિયનિયન્સની હિંસાના જવાબમાં કરે છે તેમ કહે છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ બેઠા હતા ત્યાં સુધી તેમણે નેતનયાહુને કંઇકને કંઇ મૂર્ખામી આચરવા સળી કર્યા કરી. ઇઝરાયલનું અસ્તિત્વ જ એટલા માટે છે કે યુ.એસ.એ. ચાહે ત્યારે આરબ દેશોમાં કાંકરી ચાળો કરાવવા માગે તો ઇઝરાયલને ખો દઈ દે. વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં હવે એવી સરકાર છે જે ઇઝરાયલ – પેલેસ્ટાઇનના મુદ્દાઓ પર ગંભીરતાથી કંઇ પગલું ભરી શકે. આતંકી હુમલાઓની ટીકા કરવાનું તેમનું પગલું સાચું છે પણ ઇઝરાયલી સત્તાધીશોએ જે કર્યું તે માટે તેમના કાન આમળવામાં આવે તે પણ જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  16 મે 2021 

Loading

અજંપો

દેવિકા ધ્રુવ|Poetry|16 May 2021

વર્તમાન સમયમાં, વિશ્વમાં ચારેબાજુ ઊઠેલા વિવિધ સળગતા પ્રશ્નોથી થતા અજંપાની અભિવ્યક્તિ


********************  ***********************  ***************

માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં કેમ કરી બોળું?
જુગજૂની વાતોથી બાંધેલા જીવને શિવ ભણી કેમે ઝબોળું?
              ગોવર્ધન પર્વતને આંગળીએ ઝીલી,
               લીધા ઉગારી તેં ગોકુળના વાસી.
              નરસિંહ, પ્રહલાદ ને કેવટની નાવડી,
              શબરી, અહલ્યા અનેક લીધા તારી.
મીરાંને કાજ એ મેવાડના પ્યાલામાં ઝેરને અમૃતથી ઘોળ્યું;
 કેમ રે સંતાયો આજ, તું યે ના દેખે  આ કાળુ ને ધોળુ?!
               ફૂંફાડે ફેણ ધરી અવનવા કાળીનાગ,
               ડોલે મદારીનાં ડુગડુગિયાં ગાન-તાન,
               કેટલાંયે આસપાસ મેલાં દુઃશાસન,
               ખેંચીને ચીર આજ સર્જે મહાભારત.
ધૃતરાષ્ટ્રના પાટા ને ખોટા અંધાપાને કેમ કરી અહીંયા ઢંઢોળું?
નહિ આવે જીસસ, કબીર કે કહાન કૈં, કળિયુગમાં ખાલી શું ખોળું?
              પાક્યો સમય હવે પરિત્રાણ સાચો,
               ને આવ્યો વખત દુષ્કૃત્ય-વિનાશો,
               સમરાંગણો, મહામારી આ હટાવો
              બની પાર્થસારથિ, વિષાદો મિટાવો.
સંસ્થાપવાને કુરુક્ષેત્રે ધર્મો, પધારો તો વાતો ફરીથી વાગોળું;
વેદનાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં શાંત થઈ બોળું.

e.mail : ddhruva1948@yahoo.com

http://devikadhruva.wordpress.com

Loading

...102030...2,0072,0082,0092,010...2,0202,0302,040...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved