૨૦૧૪ની સાલમાં જે વ્યક્તિ પોતાની જાતને દેશની દરેક સમસ્યાના ઈલાજ તરીકે પ્રોજેક્ટ કરતી હતી એ વ્યક્તિ અત્યારે ભારતની લગભગ દરેક વકરેલી સમસ્યાનું કારણ છે. નોટબંધી કરીને દેશના નાના માણસના ટૂંકી રકમના અર્થતંત્રની ધૂળધાણી કરી નાખી. ગયા વરસે શું કહીશું જંગલી લોકડાઉન કરીને ઉદ્યોગ જગતનાં મોટી રકમના અર્થતંત્રની ધૂળધાણી કરી નાખી. ચીનના વિસ્તારવાદી નાગાઈ સામે આંખ આડા કાન કરીને ચીનને ભારતમાં પ્રવેશ આપ્યો. ચીન ભારતની ભૂમિ ઉપર કબજો કરીને બેઠું છે એ હકીકત સ્વીકારવામાં સાહેબને શરમ આવે છે. તેમની જગ્યાએ ઇન્દિરા ગાંધી હોત તો રોકકળ કરીને ભારતની તરફેણમાં જગતને જગાડ્યું હોત. ભારતના તમામ પાડોશી દેશો સાથેના સંબંધો તળિયે ગયા છે. અને હવે તાળી-થાળીના ખેલ કરીને પ્રજાને મોતના મોંમાં ધકેલી દીધી છે.
આવું શા માટે થયું? તેમનો દુશ્મન પણ એમ નહીં કહે કે આવા કોઈ બદઈરાદા સાથે તેઓ વડા પ્રધાન થયા હતા. જરૂર, તેમના મનોરથ જવાહરલાલ નેહરુથી એક ડગલું ચડે એવા મહાન શાસક થવાના હશે. પણ થયું એનાથી ઊલટું. શા માટે? આનો ઉત્તર બહુ આસાન છે.
આ રેખાંકન "ગુજરાતમિત્ર"ના સૌજન્યથી અહીં સાદર
મહાન શાસકો સત્તાના રાજકારણ અને શાસન વચ્ચે સંતુલન જાળવે છે. સત્તા (કે વગ) સુધી પહોંચવું, પ્રતિસ્પર્ધીની સત્તા છીનવી લેવી, પ્રતિસ્પર્ધી રોજ માટે નહીં તો બને એટલો લાંબો સમય સત્તામાં પાછા ન ફરે તેની તજવીજ કરવી, પોતાની જગ્યા પકડી રાખવી એ રાજકારણ છે. આવું રાજકારણ દરેક વ્યક્તિ કરે છે. વેપાર-ધંધામાં અને સામાજિક વ્યવહારમાં પણ લોકો પોતાની જગ્યા બનાવવા, વિસ્તારવા અને પકડી રાખવા પ્રયાસ કરતા હોય છે. આઝાદી પહેલાં આઝાદી માટેની લડત વખતે પણ કૉન્ગ્રેસના અને બીજા નેતાઓ વગનું રાજકારણ કરતા હતા. સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુ પણ એકબીજાની સામે સત્તાનું અને વગનું રાજકારણ કરતા હતા. આમાં કાંઈ જ ખોટું નથી. જે માણસ પોતાની મૂલ્યવાન જિંદગીનું જે ક્ષેત્રમાં રોકાણ કરે છે ત્યાં બને એટલી ઊંચાઈ ઉપર સફળતા સાથે લાંબો સમય ટકી રહેવા પ્રયત્ન કરતો જ હોય છે. આમાં હમણાં કહ્યું એમ કાંઈ જ ખોટું નથી.
ખોટું ત્યારે બને છે જ્યારે માણસ ચોવીસે કલાક માત્ર અને માત્ર રાજકારણ કરતો હોય. રાતદિવસ પોતાની જગ્યા બનાવવા, પકડી રાખવા, બીજાની જગ્યા છીનવી લેવા, બીજાને દબાવી રાખવા પ્રયત્ન કરતો હોય. પોતાને સારા શાસક સિદ્ધ કરવા માટે સત્તા એક સાધન છે, પણ કેટલાક લોકો માટે એ જ સાધ્ય બની જાય છે અને અનર્થનું કારણ બને છે. આવો માણસ પોતાને મોટો દેખાડવા માટે લાજશરમ છોડીને પ્રયત્નો કરે છે અને પ્રતિસ્પર્ધીને ખતમ કરવા માટે માણસાઈની મર્યાદા ઓળંગવા લાગે છે. આવો માણસ સારો શાસક બની શકતો નથી, કારણ કે પ્રજાકીય હિતનું શાસન તેના એજન્ડામાં જ હોતું નથી. એ શાસનનો ઉપયોગ પણ પોતાની જગ્યા બનાવવા અને બીજાની છીનવી લેવા માટે કરતો હોય છે જેમ નોટબંધીની બાબતે બન્યું હતું.
courtesy : "The Deccan Chronicle", 15 May 2021
એક ઉદાહરણ ઇતિહાસમાંથી તપાસીએ તો કેમ? મુઘલ સમ્રાટ અકબરને મહાન શાસક તરીકે ઓળખાવવામાં આવે છે જ્યારે ઔરંગઝેબને અધમ શાસક તરીકે. આનું કારણ એ છે કે અકબરે રાજકારણ અને શાસન વચ્ચે સંતુલન જાળવ્યું હતું. જરૂર પડે તો લડાઈ કરીને બીજાની જગ્યા છીનવે પણ પોતાનો મોટા ભાગનો સમય તે શાસનને આપતો હતો. તેને એટલું ભાન હતું કે પ્રદેશો જીતીને જમીન એકઠી કરવાથી મહાન શાસક નથી થવાતું. મહાન શાસક પ્રજાના કલ્યાણ દ્વારા થઈ શકાય છે. બીજાની જમીન છીનવી લેવી અને પકડી રાખવી એ સૈનિકનું કામ છે, શાસકનું નથી. અકબરથી ઊલટું ઔરંગઝેબે શાસન તરીકેની જિંદગીનાં થોડાંઘણાં નહીં, ૨૬ વરસ પોતાની જમીન પકડી રાખવા અને બીજાની જમીન છીનવી લેવા દિલ્હીની બહાર વિતાવ્યા હતા. ઔરંગઝેબ શાસક મટીને સૈનિક બની ગયો હતો. આનું પરિણામ ઇતિહાસમાં નોંધાયેલું છે. ઔરંગઝેબ એક નબળા અને અધમ શાસક તરીકે કુખ્યાત છે અને વખત જતાં મુઘલ સલ્તનત પડી ભાંગી. અત્યારે દેશમાં આવું જ થઈ રહ્યું છે નહીં? રાજ્યોને પડાવી લો અને જીતી લો.
તો વાતનો સાર એ કે સારા શાસકો શાસન અને રાજકારણ વચ્ચે સંતુલન જાળવતા હોય છે. જો જવાહરલાલ નેહરુએ અને સરદાર વલ્લભભાઇ પટેલે ચોવીસે કલાક એકબીજાને પછાડવાનું રાજકારણ કર્યું હોત તો તેઓ અમર ન થયા હોત. અમર થવા માટે થોભતા આવડવું જોઈએ. બીજાની જગ્યાનો આદર કરતાં આવડવું જોઈએ. બીજાની આવડતનો સ્વીકાર કરતા આવડવું જોઈએ. જતું કરતા આવડવું જોઈએ. નેહરુની સફળતામાં સરદારનો હાથ હતો અને સરદારની સફળતામાં નેહરુનો હાથ હતો. આ વિવેકનો પ્રદેશ છે, સત્તાકીય ભૂખના અકરાંતિયાપણાનો પ્રદેશ નથી.
નરેન્દ્ર મોદીની નિષ્ફળતાનું કારણ સત્તા અને શાસન વચ્ચેના સંતુલનનો અભાવ છે. તેઓ તેમની પૂરી તાકાત પોતાને સ્થાપવામાં અને બીજાને ઉથાપવામાં ખર્ચે છે. તેમનો પૂરો સમય વિરોધ પક્ષોને તોડવામાં, તેના વિધાનસભ્યો ખરીદવામાં, રાજ્ય સરકારોને તોડવામાં, ચૂંટણીઓ જીતવામાં, લોકતાંત્રિક સંસ્થાઓને તોડવામાં, ભિન્ન મતને દબાવવામાં ખર્ચાય છે. પોતાના સિવાય બીજા કોઈ પાસે રાજકીય જગ્યા જ ન બચવી જોઈએ. પોતાના પક્ષના લોકો પાસે પણ નહીં. સત્તા સત્તા અને માત્ર સત્તા અને એ પણ તેમની એકલાની સત્તા.
નક્કર વાસ્તવિકતા સ્વીકારવામાં તેઓ નાનપ અનુભવે છે. નાનપ નહીં ભોંઠપ અનુભવે છે. કોઈની સલાહ લેવામાં અને કોઈ સલાહ આપે તો તેનો સ્વીકાર કરવામાં પણ તેઓ નાનપ અનુભવે છે. પોતાનાથી વધુ શક્તિશાળીથી તેઓ દૂર ભાગે છે અથવા તેને દૂર રાખે છે. આવાં લક્ષણો જોઇને જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. જો શાસન તેમની પ્રાથમિકતા હોત તો આમ ન કરત. શાસન કરવા માટે વાસ્તવિકતા સ્વીકારવી પડે. પરિસ્થિતિનું નીરક્ષીર આકલન કરવું પડે. આકલન કરી શકનારાઓને સાથે રાખવા પડે. તેમને સાંભળવા પડે. જીદ છોડવી પડે. બે ડગલાં પાછળ ખસવું પડે. પ્રજાને સાંભળવી પડે. ટીકા કે આલોચનાના જવાબ આપવા પડે. ખુલાસાઓ કરવા પડે. વખત આવ્યે ભૂલ પણ સ્વીકારવી પડે. આખા જગતના કોઈ પણ યુગના સારા શાસકોનાં આ લક્ષણો છે જે આપણા સાહેબ ધરાવતા નથી.
કારણ? કારણ કે તેમને શાસનમાં રસ નથી સત્તામાં રસ છે અને તે પણ તેમની એકલાની.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 મે 2021