ધણીધોરી વગરની વાડી
ને વાડીનાં રીંગણ
કે દલા તરવાડીની વાડી
ને વાડીનાં રીંગણ?
રીંગણની સબ્જી
ભડા રીંગણનાં પલિતાં
વંતાકનું ભરથુ
કે મસાલો ભરેલાં ડીંટિયાં વેંગણ
છેવટ એ ખવાઈ જ જવાનાં છે
તો બકાલા બજારનો કોલાહલ શાને કરીએ?
તવે ચઢતાં શીદ કકળીએ?
આ સજ્જ તપ્ત તવાની સામે
રીંગણગીરીનો કોઈ અર્થ નથી
વાડીને ય કોઈ પૂછતું નથી કે
રીંગણાં લઉં બેચાર?
અને હા
તમે ખવાઈ ગયાં પછી
તમે શું છો? – એ કંઈ બહુ મહત્ત્વનું નથી
કારણ કે ખવાઈ ગયા પછી તમે તો હોવાના નહીં!
તમારા ન હોવાની શાખે
ભેલાઈ ગયેલો ને વંછેરાઈ ગયેલો
દલો તરવાડી ડાંગ લઈને બેઠો છે ડાઘુ જેવો
વાડીનું રખેવાળું કરવા!
24.4.2020, શુક્રવાર
e.mail : daveparesh1959@gmail.com