રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ભાગવતે કહ્યું કે સરકારની અને લોકોની બેદરકારીથી કોરોના વકર્યો. કોર્ટે પણ સરકારની જવાબદારી મોડે મોડે નક્કી કરી. તેણે પહેલાં તો લોકોને જ જવાબદાર ઠેરવ્યાં. એની સામે ભાગવતનું નિવેદન સ્પષ્ટ અને સંતુલિત છે. બેદરકારી માટે તેમણે સરકારને પહેલી મૂકી છે ને પછી લોકોને મૂક્યાં છે. ભાગવતનું નિવેદન મોડું છે, પણ સાચું છે. આ નિવેદન વહેલું આવ્યું હોત તો સરકારોને કદાચ જુદું વિચારવાનું થયું હોત, પણ દેર આયે દુરસ્ત આયે-ની જેમ મન મનાવવાનું રહે. ઇચ્છીએ કે ભાગવતની વાત ભેંશ આગળ ભાગવત ન બની રહે.
હાલની વૈશ્વિક અંધાધૂંધીમાં અમેરિકાએ એટલું કૌવત તો બતાવ્યું કે ત્યાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જીવી શકાય એ સ્થિતિ આવી છે, પણ એટલું બાદ કરતાં ઇઝરાયલ ને પેલેસ્ટાઇન યુદ્ધમાં સંડોવાયાં છે. ઈરાન, ઈરાક, અહીં આક્રમણોથી મૃત્યુ નીપજતાં રહે છે, તો બીજે મહામારીથી મોત નીપજે છે, જાણે મૃત્યુ નીપજતાં રહે એમાં જ વિશ્વને રસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ પણ કોરોના મામલે ઘણી રમતો કરીને દુનિયાને અંધારામાં રાખી ને ઘણું ઘણું ફેરવી તોળ્યું તે અક્ષમ્ય છે.
કોરોનાને મામલે આપણે ત્યાં પણ ઓછો બકવાસ નથી થયો. ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રીએ કોરોનાને જીવંત પ્રાણી ગણીને એને પણ જીવવાનો અધિકાર છે એવું કહ્યું. બધાંને જ જીવવાનો અધિકાર છે એની ના જ નથી, પણ એ પ્રાણી બીજાના જીવવાનો અધિકાર છીનવે ત્યારે શું કરવાનું તે મંત્રીશ્રીએ કહ્યું હોત તો એમને માટે માન થયું હોત. એવો જ લવારો કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રીએ પણ કરેલો કે રસીકરણ ઝડપી ન બને તો શું અમારે ફાંસીએ લટકી જવાનું? પુરુષ હોવા છતાં એમણે આવો છણકો કર્યો તેનું આશ્ચર્ય છે. એવા લવારા કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી પણ બાકાત નથી. એમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કોઈ પણ હૉસ્પિટલમાં ઓક્સિજનની કમીથી એક પણ મોત થયું નથી. આમ પણ મુખ્ય મંત્રીશ્રી કરમુક્ત મનોરંજન કરાવવાનું ચૂકતા નથી એટલે આ વાતને પણ હસી કાઢવાની જ રહે, પણ મંત્રીઓ એટલો બકવાસ કરતાં હોય છે કે એ જાતે તો શું ફાંસીએ લટકે, લોકો લટકાવી દે એમ બને. અત્યારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સૌથી વધુ જોખમમાં લાગે છે. બન્યું એવું કે વડા પ્રધાનના વિરોધમાં, દિલ્હીમાં, વિદેશને રસી કેમ આપી દીધી – એ મતલબના પોસ્ટર લાગ્યા તો 17 એફ.આઇ.આર. થઈ અને 15 લોકોની ધરપકડ થઈ. આવું તો ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી વખતે પણ નથી થયું. પ્રશ્ન એ થાય કે લોકશાહીને આ શોભે છે ખરું કે ભારતને હવે આરતી ઉતારુઓ જ ખપે છે?
આ બધું ઓછું હોય તેમ વગર વરસાદે ગુજરાતનાં દરિયા કાંઠે તૌકતે વાવાઝોડું ગમે ત્યારે ત્રાટકે એવી સ્થિતિ છે. એમ લાગે છે કે કોઈ તત્ત્વ બધી રીતે આ દેશ પર જોખમ ઉતારવાના સોગંદ ખાઈને બેઠું છે ને એમાં સરકારોની ઢીલાશ અને બેદરકારી ઉમેરો કરે છે. સરકાર કૈં નથી કરતી એવું નથી, પણ આટલા મોટા દેશ પર સામટી આફત આવે ત્યારે બાર સાંધતાં તેર તૂટે – જેવી હાલતનો પણ વિચાર કરવાનો રહે. એમાં એક વર્ગ એવો છે જે સતત, દેશ ડરેલો રહે એની જ ચિંતા કરે છે. પાણી પહેલાં પાળ બાંધવામાં સરકારો મોડી પડે છે ને કેટલાંક તત્ત્વો પાળ બંધાવ બંધાવ કરવામાં જ પોતાને સફળ માને છે. આ બંને અંતિમો યોગ્ય નથી. હકીકત એ છે કે સત્ય એ બે અંતિમોની વચ્ચે છે.
મોડે મોડે સરકારે એ કબૂલ્યું છે કે માર્ચ-એપ્રિલ, 2020માં જ 61,000 ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ થયાં હતાં. સરકારમાં આવેલી આ પ્રમાણિક્તાનું સ્વાગત છે. એક નિર્ણય ગુજરાત સરકારે 10માં ધોરણમાં માસ પ્રમોશન આપવાનો કર્યો છે, તે સારો છે કે નબળો, તે પછીની વાત છે, પણ એ અને એ જ નિર્ણય લેવો પડે એમ હતું. આ મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ શકે ને થશે પણ ખરી. જેમ કે સી.બી.એસ.ઈ.એ નિર્ણય વહેલો લીધો, પણ એની પાસે નિર્ણય લેવાની, પરિણામ તૈયાર કરવાની ચોક્કસ ભૂમિકા હતી, એ તક ગુજરાત પાસે ન હતી. એટલું સમજાય છે કે દરેક ધોરણમાં સતત મૂલ્યાંકનની ચોક્કસ વ્યવસ્થા ઊભી થવી જોઈએ. એવું થાય તો અંતિમ પરીક્ષા ન લેવાય તે સ્થિતિમાં પણ વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન હાથવગું હોય. નવી શિક્ષણનીતિ સાથે આ બાબતનો પણ વિચાર થાય તેવી તંત્રો પાસેથી અપેક્ષા રહે છે.
એક વાત વાલીઓ અને સંચાલકોએ સમજવાની રહે કે સરકાર પહેલેથી જ માસ પ્રમોશનના પક્ષમાં ન હતી. એટલે જ તેણે અન્ય વર્ગોમાં પણ એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાનો આગ્રહ રાખ્યો હતો. હવે જ્યારે કોરોનાને કારણે મે મહિનો લગભગ અડધો આવી જવા છતાં, પરીક્ષા જ શક્ય ન રહી તો માસ પ્રમોશન એ જ એક માત્ર વિકલ્પ હતો ને તે અપાયો. આમાં રિપીટર્સનો સમાવેશ નથી. ઘણાંનું માનવું છે કે માસ પ્રમોશન એમને પણ અપાવું જોઈએ. હા, અપાવું જોઈએ. લગભગ સાડા ત્રણ લાખ રિપીટર્સ છે ને એમની પરીક્ષાઓ લેવાય એવા અત્યારે તો કોઈ સંજોગો નથી, તો એમને લટકાવી રાખવાનો અર્થ ખરો? કમ સે કમ એમને પરીક્ષા આપવાનો અનુભવ તો છે ! જો નાપાસ થવા જેવાને પણ માસ પ્રમોશન મળતું હોય તો રિપીટર્સને તેનો લાભ ન આપવામાં કોઈ ડહાપણ નથી. તે સાથે જ સંચાલકો, વાલીઓ બીજા દાખલાઓ પણ ગણવા લાગ્યા છે. આમ પણ સંચાલકો ફી પડાવવામાં ને વાલીઓ ફી બચાવવામાં વધારે માને છે એટલે એ સિવાય બીજું ભાગ્યે જ વિચારે છે. વાલીઓએ એ જાણવાની કોશિશ કરી કે પરીક્ષા નથી લેવાઈ તો પરીક્ષા ફી પછી મળે કે કેમ? કેટલાકની મૂંઝવણ એ પણ છે કે માસ પ્રમોશનની કિંમત નહીં રહે ને બીજા રાજ્યોમાં કે વિદેશમાં પ્રવેશના પ્રશ્નો ઊભા થાય. એના ટેકામાં કેટલાક નવનિર્માણ આંદોલન વખતે માસ પ્રમોશન અપાયેલું ને તેણે નોકરી કે શિક્ષણ પ્રવેશની મુશ્કેલી સર્જેલી તે વાત આગળ કરે છે. એ ખરું કે ત્યારે જે થયેલું એ ખોટું હતું ને હવે જે થશે એ પણ ખોટું જ હશે. ખોટું એટલા માટે કે ત્યારે માત્ર ગુજરાતનો પ્રશ્ન હતો, અત્યારની સ્થિતિ વૈશ્વિક, રાષ્ટ્રીય છે. જો સી.બી.એસ.ઈ. બોર્ડની પરીક્ષા રદ્દ કરતી હોય તો ગુજરાત એક માત્ર વિકલ્પ બચતાં માસ પ્રમોશન આપે તેમાં કશું ખોટું નથી.
કેટલાક શિક્ષકો, સંચાલકો એ ફિકરમાં પડ્યા છે કે 11માંના વર્ગમાં પ્રવેશ કઈ રીતે આપવો? સાધારણ રીતે બોર્ડનું પરિણામ 70 ટકાની આસપાસ રહેતું હોય છે, પણ માસ પ્રમોશન અપાતાં, વધારાના 30 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કઈ રીતે કરવો એ પ્રશ્ન છે. વારુ, સ્કૂલો ચાલુ થાય અને અંતર જાળવીને વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવાની હોય તો 11માં ધોરણના એટલા વર્ગો નથી કે વધારાના 30 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ શક્ય બને. આવામાં વધારાના વર્ગો શરૂ કરવા પડે અથવા બેથી ત્રણ પાળીમાં વર્ગો ચલાવવા પડે. એ પણ ખરેખર તો વાતાવરણ સુધરે પછીની વાત છે.
બારમાં ધોરણમાં માસ પ્રમોશન નહીં અપાય એવી જાહેરાત મોટા ઉપાડે મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીએ કરી છે. વાતાવરણ સરખું થશે પછી 12ની પરીક્ષા લેવાશે એમ મંત્રીઓ કહે છે, પણ મેના 17 દિવસો પછી પણ વાતાવરણ સરખું થયું નથી. બાકી હતું તે વાવાઝોડાએ પૂરું કર્યું છે. કેસ ઘટ્યા છે ને એની પ્રમાણિક જાહેરાત થઈ હોય તો પણ, જૂન સુધીમાં બધું ઠેકાણે પડે એમ લાગતું નથી. જૂન પછી પરીક્ષા લેવાય અને એનું પરિણામ આવે ત્યાં સુધીમાં જુલાઈ આવી રહે. એ પછી કોલેજ પ્રવેશ ને તેની પ્રવેશ પરીક્ષાઓ ને એવું બધું ચાલે તો ઓગસ્ટ વગર પત્તો ન લાગે. એમ થાય તો સત્રો પાછળ ઠેલાય અથવા તો ટુંકાવવા પડે ને વળી વાત કોર્સ ટુંકાવવા પર જ આવે. આ સ્થિતિમાં 12માં ધોરણમાં પણ માસ પ્રમોશન અંગે વિચારાવું જોઈએ. કોઈ પણ કક્ષાએ માસ પ્રમોશન જરા પણ ઇચ્છનીય નથી, પણ સંજોગો એવા હોય ત્યાં સમાધાન કરવું જ પડે. એ સાચું કે 12મું ધોરણ કારકિર્દીનું મહત્ત્વનું વર્ષ છે ને તેમાં માસ પ્રમોશન ન જ હોય, પણ પરિસ્થિતિ જોખમી હોય ત્યાં જીવને ભોગે તો પરીક્ષા ન લેવાયને ! ધારો કે 10-12માં માસ પ્રમોશન આપ્યા પછી પણ, કોરોનાની સ્થિતિ સુધરી નહીં તો માસ પ્રમોશનનો ય કેટલો અર્થ રહેશે તે વિચારવાનું રહે. એવો ખ્યાલ હોય કે ઓનલાઈન શિક્ષણથી ચાલી જશે તો તેનાથી શિક્ષણનો મૂળભૂત હેતુ જળવાય એવું ઓછું જ બનવાનું. આમ પણ ઓનલાઈન શિક્ષણ મર્યાદિત વર્ગ ને વિસ્તાર પૂરતું જ કામ લાગ્યું છે ને એ જ વેપલો ફરી કરવામાં ડહાપણ એટલે નથી કારણ પ્રત્યક્ષ અને સાર્વત્રિક શિક્ષણનો હેતુ એનાથી પાર પડતો નથી.
આ સંજોગોમાં પ્રાર્થના એ જ કરવાની રહે કે વર્ગશિક્ષણ શરૂ કરવા જેવું વાતાવરણ સર્જાય અને બધું પૂર્વવત થાય. અસ્તુ.
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 મે 2021