ગયા રવિવારે વૈદ્ય સાહેબના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો હતો
ગયાં પંચાવન વર્ષથી પ્રકાશિત થઈ રહેલું ‘સુગણિતમ્’ નામનું ગણિત વિષય પરનું ગુજરાતી સામયિક એ આપણાં વિદ્યાજગતનું બહુ મોટું ગૌરવસ્થાન છે. આ સામયિકની શરૂઆત મોટા ગણિતજ્ઞ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ-ચાન્સલર પ્રહ્લાદરાય ચુનીલાલ વૈદ્ય(1918-2010)એ કરી હતી. પ્ર.ચુ.વૈદ્ય આઇન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ ક્ષેત્રે તેમણે આપેલા ‘વૈદ્ય મેટ્રિક’ નામના સિદ્ધાન્ત માટે વિશ્વવિખ્યાત છે. ગૂગલના માહિતીસંગ્રહ મુજબ જગતમાં ખગોળ ભૌતિકનાં જે સંશોધનપત્રો લખાયાં તેમાં વૈદ્ય મેટ્રિકનો ઉલ્લેખ એક લાખ વીસ હજારથી પણ વધુ વાર થયો છે. આ માહિતી ગણિતવિદ્દ પૂર્વ અધ્યાપક અરુણ વૈદ્યએ ‘આપણી મોંઘી ધરોહર’ (2016) નામે લખેલાં, વૈદ્યસાહેબના સુવાંગ જીવનચરિત્ર માં મળે છે.
આંતરરાષ્ટ્રીય નામના મેળવનાર વૈદ્યસાહેબ પોતાના રાજ્યના શિક્ષણને ભૂલ્યા નહીં. ગુજરાતમાં ગણિતના અભ્યાસક્રમો, અધ્યયન અને અધ્યાપનના સ્તરમાં સુધારો થાય તે માટે તેમણે ‘ગુજરાત ગણિત મંડળ’ થકી આજીવન પ્રયત્નો કર્યા. મંડળનાં પાંચમાં વર્ષમાં એટલે કે 1967ના માર્ચમાં તેના અમદાવાદ એકમે ‘સુગણિતમ્’ નામના અર્ધવાર્ષિક સામયિકનો આરંભ કર્યો. તેના પહેલા અંકના તંત્રીલેખમાં કોઈ દાવા-દલીલ ન હતાં; સામયિકમાં આવરી લેવામાં આવનાર વિષયોની યાદી હતી : ગણિત શિક્ષણ, ગણિત અને વિજ્ઞાન, અદ્યતન ગણિત, ગણિત વિકાસની કેડી, ખગોળ, વર્ગનોંધ, કૂટપ્રશ્નોના ઉકેલ, પુસ્તક સમાલોચના, કણિકાઓ અને સામાન્ય. એક રૂપિયો લવાજમ અને બસો ગ્રાહકો સાથે શરૂ થયેલું ‘સુગણિતમ્’ છ વર્ષ પછી ત્રિમાસિક બન્યું અને 1977થી દ્વિમાસિક. અરુણભાઈ વૈદ્ય ૧૯૭૧થી તેના તંત્રી છે. પ્ર.ચુ. વૈદ્ય સાહેબે દસમાં વર્ષે લખ્યું કે ‘સામયિકનું ધ્યેય ગુજરાતમાં ગણિત ચાહકોનો એક વર્ગ ઊભો કરવાનું રહ્યું છે.’ આ ધ્યેયમાં ‘સુગણિતમ્’ સફળ રહ્યું, એટલું જ નહીં, પણ તેને એક તબક્કે ‘યુનેસ્કો’ની ઇન્ટરનૅશનલ પિરિયૉડિકલ ડિરેક્ટરીમાં સ્થાન પણ મેળવ્યું.
‘સુગણિતમ્’ના સંખ્યાબંધ અંકોમાંથી પસાર થતાં સમજાય છે કે તેણે ગુજરાતના શાળા સ્તરે ગણિત વિષયના પ્રહરી તરીકેની ભૂમિકા ભજવી છે. વળી, તે ગણિત અને આનુષંગિક વિષયોનો જ્ઞાનકોશ તેમ જ માર્ગદર્શક છે. ‘ગણિત શિક્ષકની નોંધપોથી’ એક મહત્ત્વનો વિભાગ છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગણિતના શિક્ષણ દરમિયાન સૂઝેલી ખાસ હકીકતો ટૂંકી નોંધરૂપે આ વિભાગમાં મળે છે. તેમાંથી ગણિતના વિદ્યાર્થીઓની ટેવો અને તેમનાં વલણોનો પણ નિર્દેશ મળે છે. સામયિકમાં ગણિત સંમેલનોનાં અહેવાલો અને અધ્યક્ષીય ભાષણો હોય છે. ગણિતને લગતી વિવિધ સ્પર્ધાઓની તમામ માહિતી પણ છે. શુદ્ધ, શુષ્ક અને ગહન ગણિત તો અહીં હોય જ. પણ લગભગ તેના જેટલો જ હિસ્સો ગણિતને હળવી કે સુબોધ રીતે મૂકતી સામગ્રી માટે પણ ફાળવવામાં આવે છે. એટલે ‘ગણિતનાં રમકડાં’ ‘અખબારોમાં ગણિત’, ‘ચાલો ગણિત રમીએ’ જેવા વિભાગો હતા. વૈદ્ય સાહેબે ‘નરસૈયો’ તખલ્લુસથી ખગોળશાસ્ત્ર પરની ‘અખિલ બ્રહ્માંડમાં’ લેખમાળા લખી. પછી ‘ચૉક અને ડસ્ટર’ મથાળાં હેઠળ ગણિત શિક્ષકનાં સંભારણાં લખ્યાં. તે બંને પુસ્તકો તરીકે પ્રસિદ્ધ થયાં છે. તેમણે ‘ઉમેદરામ અમેરિકામાં’ નામે એક લેખમાળા પણ કરી. જેમાં સૌરાષ્ટ્રના ગણિત-શિક્ષક મિસ્ટર હૅન્ડરસન નામના અમેરિકન સમવ્યાવસાયિકને મળે છે. તેમની વચ્ચે ત્યાંના અને અહીંના, નવા અને જૂનાં ગણિત વચ્ચે મજાની કાઠિયાવાડી લઢણમાં ચાલેલી, જ્ઞાન સાથે ગમ્મત આપતી ચર્ચા વાંચવા મળે છે. ગણિત માટેનો રંજક અભિગમ કેટલાક લેખોના વિષયો / શીર્ષકોમાં પણ જોવા મળે છે. જેમ કે, ‘ઝીરો ગણિતનો હિરો’, ‘મન માકડું તો ગણિત ફાંકડું’ ‘શરદપૂર્ણિમા અને ગણિત’, ‘ચૂંટણી અને ગણિત’, ‘સંવેદનાનું માપ’, ‘કીડીને કણ હાથીને મણ’, ‘મધમાખીઓની ગાણિતિક સંખ્યા’, ‘એક પલ જૈસે એક યુગ બીતા’, લઘુ નાટક ‘નટીની ઉંમર’, કટાક્ષિકા ‘રસેલ, ગણિત અને હું’, દીવાસળીઓ-લખોટીઓ-કાંકરીઓની રમતની વાત, ગાંધી શતાબ્દીની તારીખ ૨-૧૦-૧૯૬૯નો જાદુઈ ચોરસ અને અન્ય.
ગણિત અને તેની સાથે સંકળાયેલ વિષયોના અગ્રણીઓ ‘સુગણિતમ્’નો મહત્ત્વનો વિષય છે. આઇઝૅક ન્યૂટન, આર્કીમીડિઝ, આર્યભટ્ટ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, એડમન્ડ હેલી, કાર્લ ગાઉસ, કૉપર્નિકસ, ચન્દ્રશેખર સુબ્રમણ્યમ, ચન્દ્રશેખર વેંકટ રામન, ચાર્લ્સ રાસીન, જગતનારાયણ કપૂર, પાયથાગોરસ, બર્ટ્રાન્ડ રસેલ, યુક્લીડ, રૉબર્ટ ઓપેનહાઇમર, શ્રીનિવાસ રામાનુજન્, સત્યેન્દ્રનાથ બોઝ, સ્ટેફાન બનાખ જેવાને ‘સુગણિતમ્’ અચૂક યાદ કરે છે. અનેક ક્ષેત્રોની જેમ ગણિતમાં મહિલાઓ અને દલિત વર્ગો માટે સ્થાન ઓછું રહ્યું છે. ‘સુગણિતમ્’માં પણ આ બંને વર્ગોના લેખકો ઓછા છે. પણ અરુણ વૈદ્ય મહિલા ગણિતજ્ઞો વિશે એક લેખમાળા આપે છે જે મોટી વાત છે. વ્યક્તિવિશેષો ‘સુગણિતમ્’ના મુખપૃષ્ઠ પર પણ હોય છે. વળી ગાણિતિક આકૃતિઓ સાથેનાં મુખપૃષ્ઠ એક ખાસિયત છે. ખાસ ઉલ્લેખ ચોવીસમાં વર્ષના પાંચ અંકોનાં બહુ અનોખાં મુખપૃષ્ઠોનો કરવો જોઈએ. તેમાં દરેકમાં એક ચિત્ર છે, તેની સાથે સંસ્કૃત શ્લોક છે જે ગણિત-ઉખાણું છે અને તેનો ગુજરાતી અનુવાદ છે ! ગ્રંથાવલોકન વિભાગમાં રામાનુજન્ના ઑક્સફર્ડસ્થિત ગુરુ જી.એચ. હાર્ડીના ‘અ મૅથેમૅટિશિયન્સ અપૉલોજિ’ના શંભુપ્રસાદ દવેએ કરેલા ગુજરાતી અનુવાદ, નૅશનલ કાઉન્સિલ ઑફ ટીચર્સ મૅથેમૅટિક્સના પ્રકાશનો, જયંત નારળીકરના અનુવાદિત પુસ્તક ‘ટ્રૉયનો ઘોડો’ વિશે વાંચવા મળે છે.
‘સુગણિતમ્’ને કાર્લોસ વાલેસ, છોટુભાઈ સુથાર, મધુસૂદન વ્યાસ, હરિહર ભટ્ટ, જેવા અનેક લેખકો મળતા રહ્યા છે. હિતચિંતકો તેમ જ સંસ્થાઓએ લવાજમો અને જાહેરખબરો દ્વારા ટેકો કર્યો છે. અત્યારે ‘સુગણિતમ્’નું પંચાવનમું વર્ષ અને ૨૮૮મો અંક ચાલી રહ્યાં છે. અઢી હજાર નકલોનો ફેલાવો ધરાવતાં આ દ્વિમાસિકની મોટા ભાગની જવાબદારી સહસંપાદક અને પૂર્વ અધ્યાપક પી.કે. વ્યાસ અનેક વ્યક્તિગત મુશ્કેલીઓ વચ્ચે પણ નિભાવી રહ્યા છે. અત્યારના અંકોમાં રાવસાહેબના સવાલ-જવાબ, ગણિત નોંધપોથી, વાચક નોંધપોથી, ‘કેવી રીતે સાબિત કરવું’ એવી ભૌમિતિક લેખમાળા, પુસ્તક અવલોકન, સો અંક પહેલાં જેવા વિભાગો છે. દ્વિઅંકી નિરુપણ, આનંદી સરવાળા, મૅથ્સ ઑલિમ્પિયાડ અને બીજી પરીક્ષાઓના પ્રશ્નપત્રો છે. દિવંગત શિક્ષકોને અંજલિ છે. ગયા બે અંકથી જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વૈદ્ય સાહેબ પરના અનેક લેખો છે. વૉટસઅૅપ પરનું ગણિત અને જેઈઈની પરીક્ષા જેવી વાત પણ બદલાતા સમયની સાથે છે. સમય છતાં બદલાયેલી નથી તે ‘સુગણિતમ્’ના સંપાદ, લેખકો, કાર્યકર્તાઓની નિરપેક્ષ નિષ્ઠા.
મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ગણિત એકંદરે ગળાકાપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂટ્સમાં પ્રવેશ મેળવવા માટેનો વિષય બની રહ્યો છે. અનેક શિક્ષકો માટે તે મોટી કમાણીનું સાધન છે. અંગ્રેજી ભાષા અને ઝડપી પરિણામનું દબાણ છે. આવા સમયમાં, ગુજરાતીમાં લગભગ શુદ્ધ ગણિતનો ફેલાવો કરવાની – માત્ર એકસો વીસ રૂપિયાના વાર્ષિક લવાજમ સાથે ચાલતાં – ‘સુગણિતમ્’ની સમર્પિતતા ખાસ આદરપાત્ર બને છે. વૈદ્યસાહેબે આ લખનારને કહ્યું હતું : ‘સુગણિતમ્’ સરેરાશ કરતાં વધુ બુદ્ધિશાળી અને ગણિતમાં ખરેખર રસ ધરાવતા વિદ્યાર્થી માટે છે. સાધારણ વિદ્યાર્થી માટે શાળા છે. કારકિર્દી બનાવવા માગનાર માટે ઢગલો કોચીંગ ક્લાસ છે. પણ ગણિતમાં સરસ રુચિ ધરાવનાર હોંશિયાર વિદ્યાર્થી છે તેનાં આનંદ અને અભિવ્યક્તિ માટે ‘સુગણિતમ્’ છે.’ સંસ્કૃતમાં ગણિત માટે ‘પ્રદીપ: સર્વ વિદ્યાનામ’ એવું કહેવાયું છે. વૈદ્ય સાહેબ માટે કહેવાય ‘પ્રદીપ: સર્વ ગણિતજ્ઞાનામ’.
+++++
13 સપ્ટેમ્બર 2017
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 15 સપ્ટેમ્બર 2017