ગાત્ર થીજવી નાખતાં ક્ષિતિજનાં પાણીમાંથી
ઊભરતા સૂર્યની જેમ જ હું
હું જ તો
ઝીણી મારી જીભ હલાવી શકેલો
"જગને જાદવા …"
ને હું જ
ખૂલી પડ્યાં વાળને
ખભાને ગૂંગળાવ્યા કરવા દઈ
બેઉ હાથે પિત્તળનો કુંભ દાબી
બેઉ આંખે રડી પડેલો
"પછે શામળિયોજી બોલિયાં, તને સાંભરે રે .."
મેં જ
ઘૂમઘૂમ દરિયે
બાજુ બેઠાનો હાથ ઝાલી
મારાથી મને બહાર કરેલો
"આજ મહારાજ જલ પર ઉદય જોઈને …"
તમે મને ઓળખ્યો ?
હું જ
બેઠો મારા
ઉત્તુંગ શિખરે
ચશ્માં, હાથ, કાગળો ફેંકી દઈ
સાવ સ્થિર બેસી રહી ગાઈ શક્યો
"હું છિન્નભિન્ન છું …"
મેં જ વળી
અપચેલા ખોરાક ભરેલા
ઓરડામાં
હથેળીઓ ખોલ્યા વગર
મારો ઉદ્દેશ ચીંધેલો
"નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ .."
તમે મને ના ઓળખ્યો ?
મેં જ
મેં જ તે વળી
મારા હાથનાં હલેસાં કરી
ફફડી ફફડી
વધી પડેલી દાઢીએ
ઘસડાઈ આવતી એકદમ અલગ જ
રેખા ઉવેખીને
લલકારી લીધું
"મયૂર પરથી ઊતર શારદા, સિંહની ઉપર ચઢ …"
ને આ હું જ છું
આ હું જ છું
જે સતત ભાગી જતી
અનાગતાને
બંધિયાર કરી
સડાવી, કહોવડાવી નાખવા મથું છું
ને એ હું જ હોઈશ
જે માથે સગડી મૂકી
લોહીનાં ઑઘરાળાં ભર્યાં હાથે
માંસલ નદીઓને
બાષ્પીભૂત કરી નાખશે
કાલે
કાલ પછી
કાળ પછી
તમે મને હજીય ના ઓળખ્યો ?
શું તમે મને હજી પણ ના ઓળખ્યો ?
e.mail : cdshelat@gmail.com