મારા બેડરૂમમાં રહેલો અરીસો,
મારું જ પ્રતિબિંબ મને દેખાડી,
અટ્ટહાસ્ય કરે છે.
મારી અંદર કંઈ કેટલાયે કંપનો,
મને ધ્રુજાવી દે છે.
મારી આંખની આસપાસ પડેલી,
આછી કરચલીઓ,
વધતી જતી ઉંમર અને,
નૂર વગરના ચહેરા પર,
તે અંગુલીનિર્દેશ કરે છે.
નિત-નવી ફેઈસ ક્રીમો અને,
મેકઅપ બોક્સ જોઈ,
મારી હાંસી ઉડાવે છે.
મારા ખોવાઈ ગયેલા સૌંદર્યને શોધવા,
હું બ્યુટીપાર્લરમાં દોડી જાઉં છું,
પણ,
એ ત્યાં પણ મારો પીછો કરતો આવી જાય છે.
પણ આ શું ?
જ્યારે હું ઘરે પાછી આવું છું ત્યારે,
ક્રીમ અને કોસ્મેટિક્સથી સજેલો,
સુંદર બનાવટી ચહેરો જોઈને,
તે પ્રભાવિત થઇ જાય છે ને,
હું એના પર અટ્ટહાસ્ય કરી બેસુ છું !,
ફરીથી હું મારી ઉંમરને ભૂલી જાઉં છું…
ને હું હસતી, ખીલખીલાતી,
નવયૌવના બની જાઉ છું !!’
e.mail : anjaliparmar@ymail.com