મેપલના વૃક્ષ પર બેસી રહેલી સાંજ
પાંદડામાં ઝીલાઈ રહેલા વરસાદનાં ટીપાં સાથે
ધીરે ધીરે ટપકતી રહી.
કોઈ આવ્યું નહીં.
પંખીએ નાનકડું ગીત છેડ્યું
હવા સ્તબ્ધ જ રહી.
પંખી વૃક્ષની ડાળે ડાળે ફરી વળ્યું.
કોઈ આવ્યું નહીં.
બારીએથી ડોકાયું આકાશ
આખા ઓરડામાં આંટો મારીને એક ખૂણે બેઠું.
કોઈ આવ્યું નહીં …
અજવાળાએ જતાં જતાં પાછું વાળીને જોયું
ધીરેથી બોલ્યું – 'તો જાઉં છું ત્યારે'
અને હળવેથી સરકી ગયું.
કોઈ આવ્યું નહીં.
મારા કૉફીના કપમાં ઠરી ગયેલી પ્રતીક્ષા
હવે હું ઢોળી દઉં કે પછી ….?
(સૌજન્ય : નંદિતાબહેન ઠાકરના ફેઇસબુકિયા પાન પરેથી)