બે વર્ષ પછી એકાએક બારણે ઉપરા છાપરી બે ટકોરા સાંભળી હૈયું થડકારો ચૂકી ગયું હતું. એ જ અવાજ … એમ ગણગણતું મન ઠેકડો મારી બેઠું. જો કે, પોતાને ઊભી થતાં રોકવા એ ખુરશીમાં પાછી બેસવા મથી. સાવચેત થવાનું સૂઝ્યું એ વાતે પોરસાય એ પળે જ વિચાર આવ્યો : કદાચ એ ના હોય ને કોઇ બીજું હોય તો? પણ, પગ ઉપડી ચૂક્યા હતા.
એ જ હતો. ખુલ્લા બારણા વચ્ચે ઊભેલા ઇથનને જોતાં એનાથી આપોઆપ એક ડગલું પાછળ ખસી જવાયું. આંખનું પોપચું ફફડી ઊઠ્યું. ઝીણા અક્ષરે લખાયેલી દવાનું નામ ઉકેલતી હોય એમ એ ઈથનને જોઈ રહી.
‘અંદર આવવા દઈશ?’
‘કંઈ કામ હતું?’ શાર્લટે વિસ્મય સાથે પૂછ્યું.
સીધું તાકતાં ઈથનની નજરનો આધાર ખસી ગયો હોય એમ એ નીચું જોઈ ગયો. છોભીલા પડવા જેવું જોતાં એ ડગલું પાછળ ખસ્યો. શાર્લેટને ખ્યાલ આવ્યો કે એ સભ્યતા ચૂકી રહી છે. આંગણે આવેલા કોઈનો ય અનાદર કરવાનું એ શીખી નથી. ત્યારે આ તો …. કોણ છે ? ઈથન. છૂટા–છેડાનાકાગળો પર સહી કર્યા પછી આ જ સવાલ થયો હતો. એવડો મોટો નિર્ણય સાવ સહજ લેવાઇ ગયો હતો. એ વખતે સૌથી વધુ આઘાત કોઈને લાગ્યો હોય તો સામેના ફલેટમાં રહેતી સુનંદાને. એ કહેતી હતી એમ લગ્ન એ બે માણસોનો નહિ કુટુંબનો સંબંધ હોય છે. આ રીતે આમ ચારપાંચ વરસમાં ….. પછી આગળ બોલતા એ અટકી ગયેલી. ખુલાસો કરતી હોય એમ કહે, ‘મારું અંગ્રેજી બહુ સારું નથી, શાર્લેટ, એટલે હવે શું બોલવું એ સમજાતું નથી.’ એ વખતે એમની માનો ચહેરો સામે આવી ગયો હતો. એમને જો કેન્સરે છીનવી ન લીધાં હોત તો અધિકારપૂર્વક એમણે છૂટાછેડા અટકાવ્યાં હોત. પણ વળતી ક્ષણે સમજાયું : ના. વયસ્ક પુત્રની અંગત જિંદગીમાં માથું મારે એવું એમનું વ્યક્તિત્વ જ નહોતું. ઉપરાંત, એમનું ચાલ્યું હોત તો ઈથન આવા ખોટા રસ્તે ચડ્યો હોત ખરો?
છૂટાછેડાના દસ્તાવેજમાં સહી કર્યા પછી નામ નીચે લીટી કરતાં શાર્લેટનો હાથ હલી ગયો હતો. લીટી લંબાઈને નબળી પડી હોય એવી લાગતી હતી. ત્યારે થયું હતું : હવે કોણ છે ઈથન એનો? વકીલોની નક્કર દલીલો અને ધારદાર રજૂઆતોએ સહજીવનની શક્યતાઓ બહુ સરળતાથી અશક્ય કરી આપી. સંબંધ સ્વતંત્રતાના ખાનામાં મૂકાયો ત્યારે થતું હતું, હવે કોણ છે આ? પતિ રહ્યો નથી. મૈત્રી હોત તો આ ક્ષણ સુધી કેમ પહોંચાત?
શું કરું અને કેમ કરું?-ની વિમાસણમાં એણે બારણે મૂકેલો હાથ હટાવી ઈથનને અંદર આવવા દીધો ત્યારે એ નાનકડી અવઢવ ઉવેખતાં આમ હચમચી જવાશે એવું ક્યાં વિચાર્યું હતું?
શુભેચ્છા મુલાકાતની પળથી શરૂ થયેલો સહવાસ ફરીથી પતિ-પત્નીની જેમ વર્તવા સુધી પહોંચી જશે એવું ક્યાં વિચાર્યું હતું? અકથ્ય આનંદની ઘડી યાદ આવતાં જ વિચલિત થઈ જવાય છે.
‘છૂટાછેડા પછી પણ સારા મિત્રોની જેમ રહી જ શકાય ને?’ સાંભળી રોજરે ખભા ઊંચકી આશ્ચર્ય કે ઉપહાસના ભાવથી શાર્લેટ સામે જોયું હતું કે એને એવું અનુભવાયું હતું? રોજરનું આ ત્રીજું અને એનું બીજું લગ્ન હતું. જો કે એ વાતની એને નવાઈ નહોતી. શાર્લેટની માએ ચાર લગ્ન કરેલાં એટલે રોજર અગાઉ બે વાર પરણેલો એની એને નવાઇ નહોતી. એકથી વધુ લગ્નો એને મન પરંપરાનો એક હિસ્સો હતાં.
‘કેમ આવો પ્રતિભાવ આપે છે?’ શાર્લેટે પૂછ્યું.
‘જરા ય નહિ. હું તો તારી વાતને સ્વાભાવિકતાથી લઉં છું. હા વચ્ચે એકવાર તું બોલી ગયેલી કે ઈથન તને ઇમોશનલી ડિસ્ટર્બ કરે છે, એટલે.’
‘હા, સાવ એમ નહિ પણ ક્યારેક એવું લાગે છે કે એ કશાક સ્વાર્થવશ મને મળવા આવે છે.’
‘તો તું એને ના પાડી દે.’
‘ના પાડી શકતી હોત તો શું જોઇતું’તું.’
‘હું વાત કરું એની સાથે?’ રોજરે એના ખભે હાથ મૂકતાં પૂછ્યું હતું.
સમસ્યા ઊભી નહીં કરવાની કે સ્વાભાવિક સંકોચવૃતિ વશ એણે રોજરને ‘‘પોતે બધું સંભાળી લેશે.’’ એવું સાંત્વન આપતાં, ‘છતાં જરૂર પડશે તો તું છે જ.’-નો સધિયારો આપ્યો હતો. એ વખતે રોજરના ચહેરા પર છવાયેલા સંતોષને શાર્લેટે ચૂમી લીધેલો. આલિંગનની ક્ષણો લંબાતી ગઈ, એટલી કે વિકસીને ઢળી પડી. પછી સંતોષભર્યું હાંફતાં એણે આંખો મીંચી ત્યારે અંદર થતી બળતરા અનુભવાઈ. રોજર થકવી નાંખે છે. પરાકાષ્ટાની ક્ષણોએ ઈથન કેવા માર્દવથી વર્તતો? ઊઠેલો પ્રશ્ન તરત અનુભૂતિમાં ફેરવાયો. હોય, શરીરનાં ભરતી-ઓટમાંથી થાક અને સંતોષ તારવવાની મથામણ શું કામ?
ઈથનને લાંબા સમય પછી જોયો ત્યારે અનુભવાયેલું સાનંદાશ્ચર્ય એની હાલત જોઈ પહેલાં આઘાત અને પછી દયામાં ફેરવાઈ ગયું હતું. એ કોઈ ઓલિવિયા નામની સ્ત્રી સાથે રહે છે. ‘એ સારી છે. શાર્લેટ કરતાં પણ વધુ પડતી સ્વમાની ને બોલકી છે. પણ સારી છે, ચાલે છે.’
‘તો મને મળવા શું કામ આવે છે?’
‘એટલે? તને બળતરા થાય છે ને.’
‘મારી બલારાત, હું શું કામ બળું? તારા કરતાં રોજર દસ ઘણો સારો છે. બીજી વાત એનાથી વધારે મીઠડી તો એની દીકરી છે. પહેલી વાર કેથૅરિને મને મા કહીને બોલાવી ત્યારે જવાબ આપતાં મને એવું લાગ્યું હતું કે રડી પડાશે.’
ઈથન એની નજીક ખસ્યો હતો.
“આપણું સંતાન ખોવાનું મને ય ….’ બાકીના શબ્દો હથેળીના સ્પર્શમાં બેઠા હોય એમ એનો હાથ હાથમાં લઇ ક્યાં ય સુધી થપથપાવ્યા કર્યો હતો.
શાર્લેટને ખાતરી હતી હવે ઈથન એકાદ શબ્દ પણ બોલશે તો એ ભાંગી પડશે.
હમણાં જ બન્યું હોય એમ બધું યાદ છે … પાંચમાં મહિને એને અચાનક દુખાવો શરૂ થયો હતો. ઈથન એ વખતે ફ્રાન્સ ગયો હતો. સુનંદા એમ્બયુલન્સ બોલાવી એને દવાખાને લઈ ગઈ હતી. સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈ ડૉક્ટરે કહ્યું હતું કે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે. ત્યારે આખો રૂમ ઠંડોગાર, કશોક માંદગીનો અમળાટ અને શરીર પરસેવે રેબઝેબ! એણે પેટ અંદર ખેંચી ખેંચી ગર્ભને રોકી રાખવાના લાખ પ્રયત્નો છતાં ઢાળમાં પાણી સરકે એમ એ સરકી આવી હતી.
‘તને ખબર છે આજે ય હું નાના બાળકનાં કપડાંને હાથ લગાડું છું ત્યારે એક સંતોષ અનુભવાય પણ વળતી જ ક્ષણે એ સંતોષ કારમી પીડા માં ફેરવાઈ જાય છે.’
‘હું સમજુ છું શાર્લેટ, આ બહુ જ વસમું છે.’
’હા પારાવાર વસમું. તને નહિ સમજાય. કેથૅરિન પહેલી વાર ‘મા‘ બોલી એ જ ક્ષણે મને બાસ્કેટમાં ઢબૂરાયેલી શ્યામ કિરમજી છોકરી યાદ આવી હતી. મારી દીકરી ….’ શાર્લેટ ઈથનને વળગી પડી.
આંસુ અટકતાં નહોતાં, ડૂસકાંથી એની પીઠ ઊંચીનીચી થતી હતી. ક્યારે એ પીડા આશ્વાસનમાં બદલાઈ ને આશ્વાસન દેહવશ વર્તીને ગરમાટો આણી બેઠું એનો અંદાજ રહ્યો નહોતો. માનીતા અનુભવથી લથપથ આંખો મીંચી એ સુખ માણતી હતી ત્યારે રોજરની નજર ધીમે ધીમે પાણીમાં ડૂબેલા શબ જેવી પીડા સપાટી પર આવી હતી. પછી સંતોષનું સ્વરૂપ ભયાનક સ્પષ્ટ અને ઝગમગાટ ઉપસી આવ્યું. તોડેલા સંબંધનું આ નવું નક્કોર સ્વરૂપ એવું ધારદાર હતું કે એ શાર્લેટને રૂંવેરૂંવે ફરકતું લાગ્યું. ત્યાં રોજર સાથેની બેવફાઈ સમજાતાં શરમ અને ઉદ્વેગ અનેક ગણાં વધી બેઠાં.
હવે સાથે આ સંસાર કેમ ટકાવવો? વાત છાની રાખીને પીડા વેઠવી કે રોજર સાથે ઈથન સાથે માણેલા સહવાસની કબૂલાત કરી ચચરાટ વહેંચી લેવો એ સમજાતું નહોતું. પરસ્પર આધાર અને હૂંફથી ઘરના વાતાવરણમાં જે પ્રસન્નતા છે એને કેવી રીતે કાપવી?
એ મનોમન વલોવાતી રહી આ વલોપાત વહેંચી ન શકાતાં ઊંડી પીડામાં ફેરવાતો ગયો. જુઠ્ઠાણું અને બેવફાઈની ગુનાહિત લાગણી ત્રાસદાયક લાગે એ રીતે પજવવા લાગી. ઉદ્વેગ અને અકળામણની શરૂઆત થઇ ગઈ. આજ સુધી જે નહોતું પમાયું એ સઘળું સાવ સ્પષ્ટ નજર સામે તરવર્યું.
આ પ્રેમ નહીં પણ સ્વાર્થ છે. એ અને ઈથન સાથે જીવતા હતાં ત્યારે સંબંધોની આંટીઘૂંટી અનુભવવાની, ઉકેલવાની હતી પણ કદી એ ચકાસ્યુ જ નહોતું. અનુભવ્યું હતું તો માત્ર મનોમન ધૂંધવાતી ગૂંગળામણ અને ચૂપકીદીથી ખોતર્યા કરતી પીડા!
એ કલેશ અને અકળામણ સહન કરવા કરતાં છૂટા પડી જવું સારું એમ વિચારી છૂટાં પડ્યાં હતાં પણ રહી રહીને થયા કરતું હતું કે એકબીજાંને સમજવાનો થોડોક પ્રયત્ન કદાચ મૈત્રી ટકાવવામાં સહાયભૂત બનશે એમ ધારી એને આવકાર્યો.
બસ, લાગણીવશ એક વાર એ ભાન ભૂલી ગઈ એને ઈથન હવે અધિકાર માને છે.
ભલે, ઈથનનો સહવાસ ગમે એટલો મનગમતો હોય તો ય, હવે હદ બહારના શ્રમની શરીર પર અસર થાય ને કાયા કંતાતી લાગે એવું અનુભવાતું હતું. રોજર નજર સામે હોય ત્યારે લાગણીઓ સંતાડવાની પીડા અને એ ન હોય ત્યારે છેતરપિંડીની ગુનાહિતતા. ન બોલાય ન સહી શકાય.
સંબંધોનું મૂલ્ય આમ ચૂકવવું પડશે એની પોતાને ભાળ સુદ્ધાં નહોતી ?
ઈથન હવે ઈચ્છે ત્યારે આવી ચડે છે. એને સ્પર્શતાં કે બાહુપાશમાં જકડી લેતાં સંકોચ પામતો નથી. એને તો ઓલિવિયાને છેતરતો હોવાની કોઈ પીડા ય નથી. સાંજ પડે પબમાં જઈ નિરાંતે સિગરેટ ફૂંકતો ઠંડા બિયરના ઘૂંટ ભરતો હોય આવીને એમ એને સંવેદે છે.
એ ય કદાચ સહી લેવાય પણ શરીર સુખની આહ્લાદક પળે રોજર યાદ આવી જાય ને રોજર સાથે હોય એ વેળાએ ઈથન મનમાં રમે એ બિભિષીકા કેમ નિવારવી?
તો, ઓલિવિયાની જડતા, એનું આજ્ઞાર્થ બોલવું, રૂક્ષતાથી વર્તવું સહન થતું નથી. હવે એની સાથે જીવવું બહુ જ અઘરું છે. મને આકરું લાગે છે, શાર્લેટ. આ બધું વારંવાર સાંભળતા શાર્લેટને હવે ત્રાસ છૂટે છે.
એનાથી એ નક્કી થઇ શકતું નથી કે ઈથનને ના કઇ રીતે પાડવી? વચ્ચે એણે એક બે વખત કહ્યું હતું કે: ‘આપણે આ સારું નથી કરતાં. રોજરને છેતરવાની પીડા મને શારે છે, ઈથન. મહેરબાની કરીને તું આવતો નહિ હવે.’
‘તને ખબર છે, શાર્લેટ, તારાથી છૂટા પડ્યા પછી મને તારું મહત્ત્વ સમજાયું. તું ઘર છોડીને જતી રહી ત્યારે ત્રાહિત પેઠે જોઈ રહેવાને બદલે મારે તને રોકી લેવી જોઈતી હતી. આપણે ફરીથી પરણી જાત. પણ એ વખતે અધિકારથી તને રોકી લેવાનું ….. હું ના રોકી શક્યો … હું … હું ..’ બોલતો શાર્લેટને વીંટળાવા મથતો. બબડતો, ‘આઈ એમ સૉરી, માફ કરી દે મને.’ શાર્લેટ દીવાલમાં ભરાતી એને અટકાવતાં હળવેથી ફરીને દૂર ખસી જતી.
એ કશું બોલી નહોતી. હોસ્પિટલમાં દાખલ થયેલા સગાંનો હાથ હાથમાં લે એમ એણે ઈથનનો હાથ સાહી રાખ્યો હતો. એને યાદ આવ્યું પ્રેમાગ્રહ જેવું કશું ઈથન સમજતો હશે ખરો? મારી દીકરીનું ગર્ભાવરણે ય તૂટ્યું ન હતું. મારો એ અકબંધ અંશ ખોવાની પળે ઈથન ક્યાં સાથે હતો? સુનંદાએ કેટલા ફોન કર્યા … ખબર નહી ક્યાં રખડતો હશે.
લગ્ન પછી ત્રણેક વર્ષ બધું સમુંસૂતરું ચાલ્યું. પછી એ અને એની દારૂની લત. ડ્રગ્સ … લથડિયાં ખાઈને બેડરૂમમાં જતા ઈથનને સંભાળતાં થતી તકલીફ યાદ આવી. પણ, શું હતું કે ગમતો હતો? એનામાં શું જોઈને એ આટલી ઓવારી ગઈ હતી એ યાદ નહોતું આવતું. અલૌકિક શરીર-સુખના લોભ સાટે જિંદગી જીવી શકાય ખરી?
એ જતો રહે પછી મગજ ચકરાવે ચડી જતું. રોજર જેવા સાલસ વ્યક્તિત્વને છેતરવાનો અફસોસ એ રીતે પજવતો કે દર્પણમાં પોતાને જોતાં જ થતું, આ દોંગાપણું મારા ઉપર પર ક્યાંથી ખાબકયું?
લગ્નજીવન માટે પતિ-પત્નીમાં જે સમજણ અને સ્વીકૃતિ અનિવાર્ય હોય એની પૂર્તિ રોજરે કરી. નિખાલસતા અને નરી નિસબતથી જીવતા જણના દ્રોહનો ખ્યાલ આવતાં જ તીવ્ર સણકો ઉપડે છે. રોજરની હાજરીથી એક પ્રકારનો ગભરાટ અનુભવાય છે. સંબંધોના તાણાવાણા ગૂંચવાઈ જવાનો ઓથાર ડરાવતો રહે છે.
રોજરે અગાઉના લગ્ન વિશે વિગતે કબૂલાત કરતાં કહેલું, ‘મેં ક્યારે ય કોઈને દુભવ્યાં નથી. મારી પહેલી પત્ની મારિને મારા કરતાં એની કારકિર્દી વધારે અગત્યની હતી. પછી એમિલીને પરણ્યો. કમભાગ્યે એ કેથૉરિનને જન્મ આપતી વખતે મૃત્યુ પામી. અમે ગર્ભપાત કરાવ્યો હોત તો એમીલી બચી જાત પણ એ એક સમર્પિત કેથલિક હતી. જિંદગી એને મન એટલી કિંમતી હતી કે એને બચાવવા એણે જાણી જોઈને મૃત્યુ પસંદ કર્યું.’
રોજર ની આંખમાં આંસુ હતાં. એ ડુમાયેલા અવાજે બોલતો હતો, ‘એમિલી સોફ્ટવેર એન્જિનિયર હતી. એકદમ દેખાવડી, સ્વમાની અને ઓછાબોલી. એ મને ને સૌને વહાલી હતી. કેથૅરિનનો ખ્યાલ ન હોત તો મેં ક્યારે ય…’ એ આગળ બોલી શક્યો ન હતો. શાર્લેટને સમજાયું હતું કે રોજર હું લગ્ન ન કરત એમ બોલી એને દુઃખી કરવા નથી માંગતો.
આવા પ્રેમાળ અને ભલા માણસને આમ છેતરવાનો? બહુ થયું હવે. ઈથનનો સંગ સેવશે તો સાવ હીન કક્ષાએ ઊતરી ગયાનું લાગશે. પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓને વશ વર્તવાને બદલે એ જીવનને સાચી દિશાથી જોશે, જીવશે.
એ સાંજે રોજર આવ્યો ત્યારે એ એની નજીક બેઠી. રોજર એ વખતે કેથૅરિને સ્કોટલેન્ડથી મોકલેલો ફોટો જોતો હતો. થોડીવાર જોતાં એણે મલકાયા કર્યું.
પછી, ફોન પછી શાર્લેટને બતાવતા કહે, ‘જો, કેટલી નમણી લાગે છે. હેં ને?
‘હા.’ કહી શાર્લેટ ફોટો જોઈ રહી. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. સૂર્ય આથમવામાં હતો. એના નારંગી-પીળાચટ અજવાળામાં રોજરનો ચહેરો ચમકતો હતો. એ એની તરફ ફર્યો. એની એકદમ સ્વચ્છ આંખોમાં જોતાં એટલી હૂંફ અનુભવાઈ કે એ કહી બેઠી,
‘ઈથન મને બહુ પરેશાન કરે છે, રોજર.’
‘મેં તો તને પહેલાં ય કહેલું. શું કરે છે? એ રોજ આવે છે? અડકે છે તને? ’
‘એવું નહીં પણ ..’ એ થોડીવાર ચૂપ રહી. પછી રોજરનો હાથ હાથમાં લેતાં બોલી, ‘બસ. તું એને ના પાડી દેજે. કહી દેજે, આપણા ઘરે ના આવે.’
‘ક્યારે આવવાનો છે એ?’
શાર્લેટ એક ક્ષણ જવાબ ન આપી શકી.
‘જ્યારે આવે ત્યારે, તું ચિંતા ન કરીશ, હું છું ને.’
રોજરે ઈથન આવે એટલે મિસ કોલ કરવા સૂચવ્યું હતું એટલે એ થોડી વાર બેઠો ત્યાં રોજર આવ્યો. રોજરે શાલીન ઢબે પણ ભારપૂર્વક કહી દીધું કે એ આ રીતે એની ગેરહાજરીમાં આવે એવું એ ઇચ્છતો નથી. વળી કડક અવાજમાં ઉમેર્યું, ‘આજ પછી જો તું મારી ગેરહાજરીમાં અહીં આવીશ તો ન છૂટકે પોલીસને જાણ કરવી પડશે. એવું ન કરવું પડે એ તું જોજે.’
ઈથન ભોંઠો પડી, શાર્લેટ સામે જોઈ રહ્યો. શાર્લેટ રોજરની નજીક સરકી. એ જોઈ ઈથન નિમાણું તાકી રહ્યો. જાતને સંકોચી ક્યાંક સંતાઇ જવા મથતો હોય એમ પાછાં પગલે ખસતો અવળો ફરી દરવાજો ખોલી ઉંબરો ઓળંગી ગયો.
રોજરે એણે ખુલ્લો મૂકેલો દરવાજો બંધ કર્યો ને શાર્લેટનો ખભો દબાવી આશ્વસ્ત કરતા બોલ્યો.
‘તું બેફિકર થઈ જા. હવે એ નહિ આવે.’
એ રાત્રે શાર્લેટ પડખાં બદલ્યા કરતી હતી પણ ઊંઘ આવતી ન હતી. કોઈના અનાદર પર ક્યારે ય એનું મન આટલું રોળાયું નહોતું.
એને ખબર હતી, ઈથન હવે જઈને પાર વગરનો દારૂ પીશે, કાં કોણીએ સોય ઘોંચી નશાનું ઇન્જેક્શન લઈ પડ્યો રહેશે.
એ ઈથનને પહેલી વાર મળી ત્યારે એને ખબર નહોતી કે એક મહિના પહેલાં જ એ રિહેબીલિટેશન સેન્ટરમાંથી છૂટયો હતો. બસ એનું આકર્ષક સ્મિત, ઘૂંટાયેલો અવાજ અને પૌરુષી અભિજાતથી એ એના પ્રેમમાં પડી ગઈ હતી. ઈથન મકાનો ભાડે આપવાનો ધંધો કરતો હતો. વળી, એમની પોતાની મિલકતો એટલી હતી કે એને કમાવવાની કોઈ ચિંતા હતી નહીં. કદાચ એ જ એના બગડવાનું મોટું કારણ હતું.
ચાર દિવસ પછી ફરી બારણે ટકોરા સંભળાયાં. એક સરખા બે ટકોરા! એ દોડતાં પગલે બેઠકખંડ વટાવી પરસાળમાં આવી ત્યારે પગ આપોઆપ ધીમા પડી ગયા. ના એ હવે રોજર ને અન્યાય નહીં કરે.
છતાં બારણું ઉઘાડ્યા વગર ન રહેવાયું.
સામે લાલઘૂમ આંખે તાકતો ઈથન ઊભો હતો. એણે અંદર આવવા પગ ઉપાડ્યો પણ એને અટકાવતાં એ બોલી,“જા, જતો રહે, પ્લીઝ.’ ઈથન ભારપૂર્વક એનો બારસાખે ટેકવાયેલો હાથ હડસેલવા મથ્યો.
‘પ્લીઝ તને ના પાડી ને.’
‘ના મારે અંદર આવવું છે. તું જ જોઈએ છે મને. આઇ લવ યૂ.’
સાંભળી શાર્લેટને ગુસ્સો આવ્યો. શરીરમાં હતું એટલું બળ ઠાલવતાં ઈથનને અંદર આવતો અટકાવવા મથતાં બોલી. ’જા, અહીંથી.’ ફરી આવીશ નહિ મહેરબાની કરીને.’-ને એને આમ રોકવો હાથ બહારની વાત હોય એમ ધડાકાભેર બારણું બંધ કરી એ અંદર આવી.
સંઘર્ષ, લાચારી પીડા અને અજંપો એક સામટાં હથોડો ઝીંકાય એમ માથે ઝીંકાયાં. એની હથેળીઓમાં એનો ચહેરો ભરી એક ટક જોઈ રહેતો ઈથન યાદ આવી ગયો. ના પાડવાની સફળતાના આનંદ બદલે એનાથી કશું અજુગતું થઈ ગયાનો વસવસો અનુભવાયો.
એની આંખોમાં આંસુ ક્યાં તબક્યાં.
અવસાદની એ પળે નિષ્ઠુર બન્યાની અકળામણથી વહી આવેલાં રૂદનને માંડ માંડ દબાવી બાથરૂમમાં ગઈ. એના ધબકારા બદલાયા.
ઋણાનુબંધનો અંત વેઠાતો ન હોય એમ શ્વાસ લેવા મોં ખુલ્યું એવી જ મોટા અવાજે ચોધાર આંસુએ રડી પડી. એનો હાથ અડકતાં સીન્કનો નળ સ્હેજ ભૂલી ગયેલો.
પાણી એકધારું વહી જતું હતું.
* * *
e.mail : anilvyas34@gmail.com
પ્રગટ : “તથાપિ”, વર્ષ – 14, અંક – 54-55, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 2019; માર્ચ, એપ્રલ, મે 2019; પૃ. 05-11